Love - the pain of bereavement in Gujarati Poems by anjana Vegda books and stories PDF | પ્રેમ - વિરહની વેદના

Featured Books
Categories
Share

પ્રેમ - વિરહની વેદના

💔💔💔💔💔 પ્રેમ - વિરહની વેદના 💔💔💔💔

**************************
1.

સરનામું


ચાહત છે મઘમઘતા પુષ્પોના ચમન તણી

ચુભતા કંટકો નું દર્દ દિલથી ક્યાં ખમાંય છે.


પલળી પણ જોયું અમે ભર વરસાદ મહીં

પલળ્યું તન પણ આ મન ક્યાં ભીંજાય છે.


ભય નથી હારનો ને જીતવાની આશ નથી

જિંદગીના મેદાનમાં ખેલદિલીથી ક્યાં રમાય છે.


છે પથ્થર કે પછી મીણ છે આ કોને ખબર!

કરું દવા દિલની પણ દર્દ કયાં વર્તાય છે.


દુઃખમાં સુખ શોધે છે ને સુખમાં શોધે છે સમય

વ્યાકુળ મારા મનને પણ ક્યાં પહોંચાય છે.


પાંપણના પલકારે બીડયા છે સપનાઓ કંઇ

અબ ઘડી મોકલી દઉં સરનામું ક્યાં દેખાય છે.


કોશિશ કરું છું સંબંધોના તાગ મેળવવા ' અંજુ '

પણ ઊંડાણ એમનું એવું છે કે ક્યાં મપાય છે.

- વેગડા અંજના એ.

************************

2.

મન પાછું વળતું નથી

વહ્યું જાય છે વિચારોના મોજા સંગ
ચંચળ મન મારું ક્યાંય ટકતું નથી,

સાચવ્યું હતું ખૂબ જતનથી જેને
ગુમશુદા એ મોતી હવે મળતું નથી.

જાણે કે શાંત જ્વાળામુખી જોઈ લો
ખળભળે છે ભીતર બહાર હલતું નથી,

તારી જુદાઈ ની ચિનગારી નયન નહીં
હ્રદય માત્ર બળે છે પણ સળગતું નથી.

સમજે છે એમ સઘળું કેવું સમજદાર છે
વાત તારી આવે કે કઈ સમજતું નથી,

કંઈક તો શેષ છે આપણા સંબંધો મહીં
તસવીર જોયા માત્રથી આંસુ સરતું નથી.

મંઝિલ થઈ અલગ રસ્તા પણ જુદા થયા ' અંજુ '
ચરણ તો ચાલી નીકળ્યા મન પાછું વળતું નથી.
- વેગડા અંજના એ.

*********************

3.


પ્રેમમાં ફળ્યા નહીં

જોતા રહ્યા એ એમ અજાણ્યા બની,
પ્રત્યક્ષ હતા તો પણ મળ્યા નહીં.

દિન દિન ગયા અને પછી વર્ષો થયા,
સુખદ સ્મરણો અતીતના વિસર્યા નહિ.

સ્નેહી જનોના પ્રેમમાં કેમ થાય શંકા,
હોય દોષ મારો મેં જ ઓળખ્યા નહિ.

મળ્યાં કરારો પ્રેમમાં પાગલપનના છતાં,
લાગણીના વહેણ કદી પાછાં વળ્યાં નહિ.

કલેજું કોતરી પણ કરી જોયા કસબ ' અંજુ ',
એમ છતાં કમનસીબ પ્રેમમાં ફળ્યા નહિ.
- વેગડા અંજના એ.

*********************

4.

ઉજ્જડ સીમ

તરી જોયા મેં અનંત દરિયાઓ જળ તણાં
તારા સ્મરણ સાગર મહીં જરા તરવા તો દે

આ એકાંત ખાલીપણું તું તારી યાદો નું ઝરણું
હોય તું કે તારો વહેમ જરા રટણ તારું કરવા તો દે

ઉજ્જડ સીમમાં પણ ઉણપ નહીં રહે જળ તણી
અશ્રુનો દરિયો ને આંખોમાં સમંદર ભરવા તો દે

ના કરશો ઉતાવળ ભેટ જખ્મો તણી આપવામાં
તૈયાર છુ ઘા સહેવા કાજ એકમાંથી ઉગરવા તો દે

અફસોસ નહિ રહે હવે મૃત્યુનો લગીરે ' અંજુ '
ધન્ય થશે આયખુ મારુ ખોળામાં તારા મરવા તો દે
- વેગડા અંજના એ.

*********************

5.


વિરહના વાયરા

વિયોગની ડમરીઓ ને વિરહના વાયરા વાય છે,
લીલાછમ ઉપવનમાં પણ રેતના થર પથરાય છે.

ચાંપી તે એક દીવાસળી વર્ષોના સંબંધો મહી,
સળગે છે લાગણીઓ ને હૃદય બળતું જાય છે.

હોઠોનું સ્મિત ચહેરાની ચમક એક ભ્રમ માત્ર છે,
વાંચી જુઓ આંખો સઘળી હકીકત તોલાય છે.

નજર અંદાજ ને મારા અવગણના ન સમજશો,
ઝુકાવેલી સજળ આંખોમાં અશ્રુઓ ઘોળાય છે.

સ્મરણની કોઈ રેખાઓ મારા મનમાં અંકાય છે,
એકાન્તના ખૂણામાં જાણે કોઈ આકૃતિ રચાય છે.

કાળ ની કટારી પણ આપે ના ઘા એટલા ' અંજુ '
અને આ ક્ષણોની સોઈ મારા હૃદયમાં ભોંકાઈ છે.
- વેગડા અંજના એ.

*************************

6.


ક્યાં ખબર હતી!

મુઠ્ઠીભર સ્વપ્નો લઈને શણગારી તી આંખો
થઈ અશ્રુઓ વેરાઈ જવાના ક્યાં ખબર હતી.

કર્યા હતા વાયદાઓ સંગે સંગે ચાલવાના
એમ રસ્તાઓ ફંટાઈ જવાના ક્યાં ખબર હતી.

સિંચ્યો હતો બાગ સ્નેહના ઝરણાઓ થકી
પાંગરેલા પુષ્પો મૂર્જાઈ જવાના ક્યાં ખબર હતી.

સળેકડા સ્નેહના કરી ભેગા ગૂંથેલા એ માળા
માત્ર એક ફૂંકથી વિખરાઈ જવાના ક્યાં ખબર હતી.

પ્રેમના હસ્તાક્ષરો ને સગપણનો એ દસ્તાવેજ
વરસોનાં સબંધો ભૂસાઈ જવાના ક્યાં ખબર હતી.

ચીતરી દીધું જીવન સઘળું ' અંજુ ' તુજ સમ
એ જ નજરમાં ખોટા અંકાઈ જવાના ક્યાં ખબર હતી.

- વેગડા અંજના એ.

************************

નમસ્કાર મિત્રો....

મારી રચના વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર.

મારી રચના આપને કેવી લાગી એ જરૂરથી જણાવશો.

સહ હ્રદય આભાર

વેગડા અંજના.🙏🙏🙏🙏🙏