Blind love in Gujarati Women Focused by Heena Dave books and stories PDF | આંધળો પ્રેમ

Featured Books
Categories
Share

આંધળો પ્રેમ

આંધળો પ્રેમ

હાશ!હવે થોડી રાહત થઇ.

કરૂણા.. મનથી થોડી શાંત થઈ .

બધા બારી બારણા બંધ કરી એસી ચાલુ કરી પલંગમાં આડી પડી.

મોબાઇલ રણકયો.

બંધ આંખોએ,અર્ધબીડેલી આંખો એ જોયું." મુખી".સફાળી જાગી ગઈ. રીંગ પૂરી થઈ ગઈ .પણ? તે વાત કરી ન શકી.

ફરી મન અશાંત થયુ.

આવતે અઠવાડિયે મારા લગ્ન છે. પપ્પા મમ્મી મારા લગ્નની કંકોત્રી વહેંચવા નીકળ્યા છે. ભાઈ ભાભી પણ આમંત્રણ આપવા ભાભીના પિયર ગયા છે અને હું મુખી સાથે વાત કરું?

"સુજય "કેટલા સારા છે. સંસ્કારી છે .એ જાણશે કે મને મુખી સાથે પ્રેમ છે. તો?

ફરી મોબાઈલ રણક્યો.

સ્ક્રીન પર" મુખી" નામ ચમકવા માંડ્યું

"હું નહીં આવું .મારા મમ્મી-પપ્પાને ઈજ્જત નેવે મૂકી, હું નહીં આવું." મનમાં ને મનમાં કરુણા મક્કમ થઈ. પડખું ફરી સૂઈ ગઈ .પણ નિંદ્રા દેવી તો જાણે રીસાઈ ગયા.
ફરી મોબાઇલ રણકયો.

તેણે ઝડપથી ફોન ઉઠાવ્યો." હું નહિ આવું .તમે વારંવાર ફોન ના કરો. મુખી!"

"કોની સાથે વાત કરે છે બેન? અને તને કોણ વારેઘડીએ ફોન કરે છે? સાચું બોલ." ભાઈએ સહજતાથી, પ્રેમથી પૂછ્યું.

"સુજય".એક જ શબ્દ બોલી, તેણે ફોન કટ કર્યો.

"હાય માં! કેટલો મોટો ભવાડો થઈ જાત હમણાં!"
કરુણા ઊભી થઈ. મોઢું ધોયું .ઠંડુ પાણી પીધું.

ટ્રીન.. ટ્રી ન.. મેસેજ આવ્યો.

"ખેતરે તારી રાહ જોઉં છું. પ્રિયે! તું નહીં આવે તો? આત્મહત્યા.તારો માત્ર તારો મુખી"

એક કંપન પસાર થઈ ગયું શરીરમાંથી. કરુણા એ બે ત્રણ વખત વાચ્યું ."તારો, માત્ર તારો મુખી." એક હાથ હદય પર મૂકી, આંખ બંધ કરી ફરી વાંચ્યું અને બોલી "તારો માત્ર તારો મુખી."

શું કરું?

" કરૂણા ,જા ..તુ જા ."અવળચંડા મને જાત બતાવવા માંડી.

પણ ? અંતરમન બોલી ઉઠ્યુ" નહી જા."

" મુખી "નાની હતી ત્યારથી કે મોટી થઈ ત્યાં સુધીનું મારું આકર્ષણનું પાત્ર .
સુંદરતામાં તો મુખી જાણે કામદેવનો અવતાર !આવડત હોશિયારીમાં પણ એક્કા! ટીડીઓ સાહેબ હોય કે ધારાસભ્ય હોય દરેક સાથે ખૂબ નિર્ભીક રીતે વાત કરનારા, સાચા ને સાચું કહેનારા "મુખી".
"હું મુખી સાથે ક્યારે પ્રેમમાં પડી? કોલેજમાં ?ના..ના ..બચપણમાં. જ્યારે સ્પર્ધામાં નંબર લાવી હતી, ત્યારે મને ઈનામ તેમણે આપ્યું અને માથા પર હાથ મુક્યો હતો. તે વખતે જ એક લખલખું પસાર થઇ ગયુ હતુ. પછી તો હું દરેક ક્ષેત્રમાં આગળ વધતી. રહી. મુખી મને પ્રોત્સાહન આપતા ,મારી સ્કૂલની, કોલેજની ફી પણ તે જ ભરતા. તેમણે જ મને શિક્ષક બનાવી ,પગભર કરી .રાષ્ટ્રપતિ ચંદ્રક અપાવ્યો. મારો અને મુખીનો પ્રેમ જન્મોજનમનો છે. તેને કોઈ તોડી નહીં શકે."

હું તૈયાર થઈ .પણ બીતી બીતી.હું જાણતી હતી કે, હું ખોટું કરી રહી છું. આગળ સળગતી આગ છે અને તેમાં હું કુદી રહી છું. પણ શું કરું? પ્રેમ છે .આ પ્રેમ પ્રભુ કોઈને ના કરાવે! પ્રેમ કેટલાય બલિદાન લે!

"પ્રેમ અવળચંડો પ્રેમ !"

"આંધળો પ્રેમ."

આંખમાં ઘેરૂ કાજલ લગાવી, તૈયાર થઈ. મારા લગ્નના દાગીના અને થોડી રકમ એક બેગમાં ભરી ,ઉંબરાની બહાર પગ મૂક્યો.
મારૂ અંતઃમન બોલ્યું ."હજી સમય છે. ગાંડી રોકાઈ જા. તારો મુખી પરણેલો છે . તને પ્રેમ નથી કરતો. એ તો વાસનાનાં સાપોલિયાં જેવો.. સુંદર સ્ત્રીને જોઈ સળવળ થાય તેવો છે. રોકાઈ જા."
"પણ !મન માને તો ને ?"બારણું અમસ્તુ બંધ કરી, હું નીકળી પડી. ભર તડકામાં અભિસારિકા બનીને !સખત તડકો હતો. બધે નીરવ શાંતિ હતી .બધા જ પોતાના ઘરમાં સુતા સુતા ઠંડક માણી રહ્યા હતા.

હું ઉતાવળે ઉતાવળે મુખીના ખેતર તરફ આગળ વધી.
અચાનક એવું લાગ્યું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે.

કોણ હશે? આવા તડકામાં? તે પણ.. મારી પાછળ ?શા માટે?
હું ઉભી રહી .પાછા ફરીને જોયું.

કોઈ હતું નહીં .ફરી ઘરેણા ની બેગ છાતીએ દબાવી, ઝડપથી દોડવા માંડી.

મુખીના ખેતરે ..એ.. મોટા મોટા આંબા નીચે મુખી ઢાલિયામાં પડી આરામ ફરમાવી રહ્યા હતા .મને જોતાં જ ઊભા થયા.
"મને હતું જ કે તું આવશે જ. પ્રિયા !મારી રાણી!" મદહોશ કરી દે તેવા અવાજે મુખી બોલ્યા. મને નજીક લીધી. મારા હાથમાંથી ઘરેણાની બેગ સાચવીને બાજુમાં મૂકી. મારા શરીરે હાથ ફેરવવા લાગ્યા.

મને જાણે કરંટ લાગ્યો .તેના હાથમાં કંઈક અજીબ સ્પર્શ હતો. મને એ સ્પર્શ માટે ઘૃણા થઇ આવી.મેં જાત છોડાવી ,ભાગી જવા પ્રયત્ન કર્યા. પણ ?મુખી એ જોરથી પકડી મને ખાટલા માં નાખી.

એકાંત ..સન્નાટો હતા. હું રડતી હતી. મેં આ શું કર્યું? મારું શું થશે? મારા મા-બાપ ?આંખ બંધ કરી ને જોરથી ચીસ પાડી. "બચાવો!"

એક સણસણતો તમાચો મુખીએ મારા ગાલ પર માર્યો." તું તારી જાતે અહીં આવી છે અને નખરા કરે છે?' હજી મને ફરી મારવા જાય ત્યાં જ..!

"ગગો" મારા ક્લાસમાં પાછલી બેંચ પર બેસતો ઠોઠ નિશાળીયો. ગમાર.. ગામનો ઉતાર.મને આંધળો પ્રેમ કરનાર. ગુંડો ત્યાં આવી ગયો. હાથમાં લાંબી કડિયાળી ડાંગ લઈ ઝનૂનથી નજીક આવ્યો.

હું ગભરાઈ.."શું આ પણ?"મેં ચીસાચીસ કરી મૂકી.

" ચિંતા ના કર બેન! આ ઘરેણાની બેગ લઈ ઘરે જલ્દી પહોંચ. આને હું સંભાળું છું." કહી મુખી તરફ ફર્યો.

હું ઘરેણાની બેગ બરાબર સાચવીને, હાથમાં પકડી, પાછું જોયા વગર દોડી.

ઘરે પહોંચી .ઘરમાં બારણું ખોલી, બંધ કરી દીધું.

"હાશ! હજી કોઈ આવ્યુ નથી. હાશ માં હું બચી ગઈ.'
પણ એક વાત!

"એક ઠોઠ નિશાળીયા "ગગા" પાસે મારી બધી ડિગ્રી નકામી ગઈ. મારું બધું ભણતર એળે ગયું.