Adhura premni anokhi dastaan - 25 - last part in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 25 - અંતિમ ભાગ

Featured Books
Categories
Share

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 25 - અંતિમ ભાગ

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૫ (અંતિમ ભાગ)



સુજાતાએ રાજુ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એ વાતથી રાજુની તબિયત રોજેરોજ ખરાબ થતી જતી હતી. હવે અરવિંદભાઈ પાસે સુજાતાને રાજુ સાથે લગ્ન કરવાં મનાવવા સિવાય કોઈ રસ્તો વધ્યો નહોતો. અરવિંદભાઈ સુજાતા સાથે વાત કરવા તેની ઘરે આવ્યાં હતાં.

"સુજાતા તું મારી વાતને સમજવાની કોશિશ કર. તને તો રાજુની તબિયત વિશે ખબર જ છે. તો પ્લીઝ બેટા, તું તેનો પ્રેમ સ્વીકારી લે. તેની સાથે લગ્ન કરી લે."

"પણ અંકલ મેં ક્યારેય આ બાબતે વિચાર્યું જ નથી. તો એમ કેમ લગ્ન કરી લઉં? મેં એક વર્ષનો સમય માંગ્યો છે. હું એક વર્ષ પછી જ કોઈ પણ નિર્ણય લઈ શકીશ."

"તું તારી એવી જીદ છોડી દે. તારી પાછળ કોઈ કેટલું હેરાન થઈ રહ્યું છે, એ તને કેમ સમજાતું નથી?"

કમલાબેન પહેલીવાર સુજાતા સામે આટલાં ઉંચા અવાજે બોલ્યાં હતાં. જે વાતનું સુજાતાને ખૂબ જ દુઃખ થયું હતું. કમલાબેનની એવી વાતે સુજાતાને વિચાર કરવા મજબૂર કરી દીધી હતી. સુજાતા સોફા પરથી ઉભી થઈને બોલી.

"મારે એકવાર રાજુને મળવું છે."

"તું આ પહેલાં પણ મળવાં ગઈ હતી. તો શું કરી આવી ત્યારે?અમારી પાસે એક વર્ષ માગ્યું, ને રાજુને તકલીફ આપી."

"તમે શાંત થાવ કમલાભાભી, સુજાતાને મળવું છે. તો એ જરૂર મળશે. મારે કોઈ પણ નિર્ણય ઉતાવળે નથી કરવો."

"ઠીક છે, પણ આ વખતે હું તારી સાથે આવીશ."

કમલાબેને પોતાનો હુકમ સંભળાવી દીધો. સુજાતા કમલાબેન સાથે રાજુને મળવાં હોસ્પિટલ ગઈ. હોસ્પિટલે પહોંચીને, કમલાબેન બહાર બેઠાં. સુજાતા રાજુને મળવાં તે જ્યાં એડમિટ હતો, એ રૂમમાં ગઈ.

"સુજાતા તું અહીં?"

"હાં, મારે એક વાત કહેવી છે."

"હાં, બોલને."

રાજુની હાલત ખૂબ જ ખરાબ હતી. તેનું શરીર સૂકાવા લાગ્યું હતું. તેનો અવાજ પણ ઉંડો ચાલ્યો ગયો હતો. પરંતુ, સુજાતાને જોઈને, રાજુની આંખોમાં પહેલાં જેવી જ ચમક હતી. એ જોઈને સુજાતા પણ વિચારવા લાગી કે, હવે તેણે રાજુને શું કહેવું જોઈએ. થોડીવાર મૌન રહ્યાં બાદ સુજાતા બોલી.

"હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર છું. પણ મારે મારી કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થાય. ત્યાં સુધીનો સમય જોઈએ છે."

"મને તારી દરેક વાત મંજૂર છે. પણ એક વાત યાદ રાખજે. તું કોઈ પણ નિર્ણય કોઈનાં દબાણમાં આવીને નહીં લેતી."

"ઓકે, બસ હવે તું જલ્દી ઠીક થઈ જા."

સુજાતા પોતાનાં રુંધાય ગયેલાં અવાજે એટલું તો માંડ બોલી શકી. ત્યાં જ તેની આંખોમાં આંસુ આવી ગયાં, ને તે ત્યાંથી ઉઠીને બહાર જતી રહી.

ઘરે આવીને સુજાતાએ બધી વાત અદિતિને કરી. અદિતિ પાસે સુજાતાને સાંત્વના આપવા સિવાય કોઈ રસ્તો નહોતો. સુજાતાએ પણ બધી વાત અદિતિને કરીને પોતાનું મન હળવું કરી લીધું.

પરંતુ માત્ર મન હળવું કરી લેવાથી કાંઈ મળે એમ નહોતું. આદિત્યનું એ રીતે જવું સુજાતા માટે આઘાતજનક હતું. એક એવો આઘાત જેણે સુજાતાને અંદરથી સંપૂર્ણપણે તોડી નાખી હતી. સુજાતા અત્યારે કોઈને કાંઈ પણ કહેવાની હાલતમાં નહોતી.

એક તરફ રાજુ હતો. તો એક તરફ આદિત્ય હતો. આદિત્ય તો સુજાતાને કાંઈ પણ જણાવ્યાં વગર ચાલ્યો ગયો હતો. જ્યારે રાજુ તેની પાસે હતો, ને તેને પ્રેમ પણ કરતો હતો. સુજાતાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની ગઈ હતી. આદિત્ય ગયો એ વાતનું તેને દુઃખ તો હતું. પરંતુ તેને ભૂલીને રાજુ સાથે લગ્ન કરી લેવાં. એ સુજાતા માટે ઘણું અઘરું હતું.

આદિત્ય સાથે વિતાવેલી એ યાદગાર પળો, તેને કરેલો પ્રેમ, તેની બાહોમાં મળેલી એ હૂંફ, તેનાં હોઠોનો માણેલો સ્વાદ, જીવનની તમામ મુસીબતોમાં તેણે આપેલો એ સાથ, બધું એક જ પળમાં ભૂલી જવું સુજાતા માટે એટલું આસાન નહોતું.

સુજાતાએ દુઃખી હોવાં છતાં પોતાની પરિક્ષાની સારી એવી તૈયારી ચાલું કરી દીધી હતી. સુજાતા પહેલેથી જ ભણતર પ્રત્યે ધ્યાન આપતી આવી હતી. હવે તો દરેક પરિસ્થિતિ સાથે લડી લેવું, એ સુજાતાની આદત બની ચૂકી હતી.

*****

દિવસો પછી દિવસો વીતતાં ગયાં. પરંતુ આદિત્ય વિશે સુજાતાને કે બીજાં કોઈને કોઈ જાણકારી મળી નહોતી. સુજાતાની કોલેજનાં છેલ્લાં વર્ષની પરીક્ષા ચાલુ થઈ ગઈ હતી. જેનાં પછી સુજાતા પાસે રાજુ સાથે લગ્ન કરવાં સિવાય કોઈ રસ્તો બચે એમ નહોતો.

સુજાતા આદિત્યને શોધી શોધીને થાકી ગઈ હતી. તેમ છતાંય તેનાં વિશે કોઈ માહિતી હાથ લાગી નહોતી.

પેપર પૂરું કરીને સુજાતા અને અદિતિ કેન્ટીનમાં બેઠાં હતાં. સુજાતાની આંખોની અશ્રુધારા રોકાવાનું નામ નહોતી લઈ રહી.

"અદિતિ, કાલે તો છેલ્લું પેપર છે. પછી તો મારે રાજુ સાથે લગ્ન કરવાં જ પડશે."

"સોરી યાર, હવે તો આમાં હું પણ કાંઈ કરી શકું એમ નથી."

"તું શાં માટે માફી માંગે છે? આપણાં હાથમાં કાંઈ નથી. જે થાય એ ઈશ્વરની મરજીથી થાય છે. બસ મારો આદિત્ય જ્યાં હોય ત્યાં સુરક્ષિત હોય."

"હવે તું રડવાનું બંધ કર. ચાલ આપણે ઘરે જઈએ."

અદિતિના કહેવાથી સુજાતા અદિતિ સાથે ઘરે આવવા નીકળી ગઈ. ઘરે આવતાંની સાથે જ કમલાબેન સુજાતા પાસે આવ્યાં.

"હવે તો કાલ તારું છેલ્લું પેપર છે. તારી શરત મુજબ કોલેજ પણ પૂરી થઈ ગઈ. હવે હું અરવિંદભાઈને તારાં અને રાજુના લગ્ન વિશે વાત કરું ને?"

"હજું એક પેપર બાકી છે. પછી તારે જે કરવું હોય એ કરજે."

સુજાતાને હજું પણ ઉમ્મીદ હતી કે, આ એક દિવસમાં પણ આદિત્ય વિશે કોઈ જાણકારી મળી શકે. સુજાતાના એવાં જવાબથી કમલાબેન આગળ કાંઈ નાં બોલ્યાં.

*****

સુજાતાનું છેલ્લું પેપર પણ પૂરું થઈ ગયું. સાથે તેની આખરી ઉમ્મીદ પણ તૂટી ગઈ. હવે તેનાં અને રાજુના લગ્ન થવાથી કોઈ રોકી શકે એમ નહોતું.

સુજાતા ઉદાસ ચહેરે પોતાનાં રૂમમાં બેઠી હતી. કમલાબેન અને માધવભાઈ તેનાં રૂમમાં આવ્યાં.

"કાલે અરવિંદભાઈ સગાઈનું મુહૂર્ત કઢાવવા આવવાનાં છે. "કમલાબેન સીધાં મુદ્દાની વાત પર આવતાં બોલ્યાં. કમલાબેનની વાત સાંભળીને સુજાતા વધુ ઉદાસ થઈ ગઈ.

"બેટા, હવે તો તને કોઈ તકલીફ નથી ને? આ લગ્નથી. "માધવભાઈ સુજાતાનાં માથા પર હાથ ફેરવીને બોલ્યાં.

"હવે તેની શરત પણ પૂરી થઈ ગઈ છે. તો હવે શું વાંધો હોય તેને."

"તું થોડીવાર ચૂપ રહે. મને વાત કરવા દે."

"નાં પપ્પા, મને કોઈ વાંધો નથી. તમે જે કરો એ મને યોગ્ય છે. "સુજાતા એટલું બોલીને બહાર નીકળી ગઈ. બહાર જઈને સુજાતા અદિતિની ઘરે ગઈ.

"સુજાતા તું અત્યારે અહીં?"

"હાં, કાલ અરવિંદઅંકલ સગાઈ અને લગ્નનું મુહૂર્ત કઢાવવા આવવાનાં છે. હવે મારાં અને રાજુના લગ્ન થવાથી કોઈ રોકી નહીં શકે."

"સુજાતા આમ ઉદાસ થવાની જરૂર નથી. જે થાય એ બધાનાં સારાં માટે જ થતું હોય છે." આરાધ્યાએ સુજાતાની વાતો સાંભળીને કહ્યું.

"પણ દીદી, મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે, મને પ્રેમમાં આટલી મોટી સજા મળી?"

"આને સજા નહીં, ત્યાગ કહેવાય. પ્રેમમાં હંમેશા ત્યાગ અને સમર્પણની ભાવના જ રાખવી જોઈએ. હંમેશા આપણો પ્રેમ આપણને મળે એવું જરૂરી નથી."

"ઓકે દીદી, હવે આમાં આમ પણ કોઈ કાંઈ કરી શકે એમ નથી. પણ તમારે અને અદિતિએ મારી સગાઈ અને લગ્નમાં જરૂર આવવાનું છે. કોઈ તો મારી તકલીફને સમજી શકે. એવું મારી પાસે હોય. તો હું તેની સામે મારું મન હળવું કરી શકું."

"હાં, અમે જરૂર આવશું."

"ઓકે, તો હવે હું નીકળું."

સુજાતા ઉભી થઈને ઘરે જવા નીકળી. સુજાતા ઘરે આવી, એટલે કમલાબેને તેને જમવા માટે કહ્યું. સુજાતાની જમવાની ઈચ્છા નાં હોવાથી, તે કાંઈ પણ બોલ્યાં વગર ઉપર પોતાનાં રૂમમાં જતી રહી.

બીજાં દિવસે અરવિંદભાઈ માધવભાઈની ઘરે આવ્યાં. અરવિંદભાઈએ આગલાં દિવસે જ સગાઈ અને લગ્નનું મુહૂર્ત કઢાવી લીધું હતું. તેઓ માત્ર જણાવવા માટે જ આવ્યાં હતાં.

સગાઈ બે દિવસ પછી, ને લગ્ન એક અઠવાડિયા પછી, એવી રીતે બંને મુહૂર્ત નીકળ્યાં હતાં. અરવિંદભાઈ મુહૂર્ત જણાવીને જતાં રહ્યાં. બંને પરિવાર સગાઈની તૈયારીમાં લાગી ગયાં.

બે દિવસમાં સુજાતાની રાજુ સાથે સગાઈ પણ થઈ ગઈ. હવે સુજાતા પાસે આદિત્યને ભૂલવા સિવાય કોઈ રસ્તો નહોતો. સગાઈ પછી લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. પાંચ દિવસ પછી સુજાતાની હલ્દી અને મહેંદીની રસમ હતી.

*****

સુજાતા મહેંદી મુકેલાં હાથ જોઈને આંસુ વહાવી રહી હતી, ને બોલી રહી હતી.

હું આજે પણ તને દિલથી ચાહું છું,
તોય દુનિયાથી આપણાં સંબંધને છુપાવું છું,

તારાં જ નામથી મારાં દિલની ધડકન ચાલે છે,
તોય મારાં હાથમાં બીજાનાં નામની મહેંદી રચાઈ છે,

જેમ આપણે લગ્નનાં તાંતણે બંધાયાં નથી,
એમ રાધાકૃષ્ણનાં પ્રેમથી કોઈ વ્યક્તિ અજાણ નથી,

તેમનો પ્રેમ આખી દુનિયામાં અમર રહેશે,
તો આપણો પ્રેમ આપણાં બંનેનાં દિલમાં અમર રહેશે!!

બીજાં દિવસે બધી રસમો પૂરી થઈ ગઈ હતી, ને લગ્ન મંડપની વિધિ ચાલું હતી. સુજાતા સોળે શણગાર સજીને લગ્ન મંડપમાં બેઠી હતી. શણગારથી તેનું રૂપ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. તોય સુજાતાના ચહેરાનું નૂર તો ગાયબ જ હતું.

સુજાતા માટે આ લગ્ન માત્ર એક રસમ જ હતી. જેને સુજાતાએ પૂરી કરવાની હતી. બાકી તેનું મન અને દિલ તો આજે‌ પણ આદિત્યમાં જ વસેલું હતું.

લગ્નમાં આરાધ્યા અને અદિતિ પણ આવ્યાં હતાં. સુજાતાને ઉદાસ જોઈને આરાધ્યા આદિત્ય ગયો. એ દિવસ યાદ કરી રહી હતી.

*****

સુજાતાની ઘરેથી જતી વખતે આદિત્ય ઉદાસ હતો. આરાધ્યાએ બીજાં દિવસે આદિત્યને તેની ઘરે બોલાવ્યો હતો. આરાધ્યાએ પૂછવાથી આદિત્યએ અરવિંદભાઈએ કરેલી તમામ વાતો આરાધ્યાને જણાવી. આદિત્યએ જણાવેલી વાતો આરાધ્યા જાણતી હતી, એનાં કરતાં તદ્દન અલગ જ હતી. તેમ છતાંય આરાધ્યાએ પોતાને જાણ હતી, એ બધી વાતો પણ આદિત્યને કરી.

આરાધ્યાની વાત સાંભળ્યાં પછી આદિત્યએ એક નિર્ણય લીધો.

"આરાધ્યા હું કલ્પેશભાઈને છોડાવીશ. એમણે જે કર્યું, એ સારાં માટે જ કર્યું હતું. તારાં મત મુજબ એ અરવિંદઅંકલનો પ્લાન હતો. તો એ પ્લાન તો હું નિષ્ફળ કરીશ જ."

"પણ તારાં અને સુજાતાના પ્રેમનું શું?"

"એ વાતનો હાલ મારી પાસે એક જ જવાબ છે. હું અત્યારે જ મારો અને મારાં મિત્રનો લંડનમાં બિઝનેસ છે, ત્યાં જતો રહીશ. પછી સુજાતા રાજુ સાથે લગ્ન કરી લેશે. તો બધું ઠીક થઈ જાશે. અરવિંદઅંકલે કલ્પેશભાઈ સાથે કર્યું, એ ખોટું હતું. પરંતુ મને અને સુજાતાને અલગ કરવામાં તેમનો તેમનાં દિકરા પ્રત્યેનો પ્રેમ છે. રાજુ મારો પણ મિત્ર છે. તો હું તેને મારાં લીધે દુઃખી તો નહીં જ થવા દવ."

"પણ સુજાતાનું શું? એ તારાં વગર રહી શકશે?"

"હાં, સુજાતા અને મારો પ્રેમ એટલો પણ ખોખલો નથી કે, દૂર રહેવાથી ખતમ થઈ જાય. સુજાતા સમજદાર છે, તે જરૂર હાલાતને સમજશે."

"ઓકે, જેવી તારી મરજી."

"પણ, તું મને વચન આપ કે, હું લંડન છું. એ વાત કોઈને જણાવવાની નથી."

"ઓકે, હું વચન આપું છું કે, હું આ વાત કોઈને નહીં જણાવું."

આદિત્ય આરાધ્યાને બધું સમજાવી, કલ્પેશભાઈને જેલમાંથી છોડાવીને લંડન જતો રહ્યો.

*****

બધું યાદ કરીને આરાધ્યાની આંખો એકવાર ફરીથી ભીની થઈ ગઈ. આરાધ્યાએ બહાર જઈને આદિત્યને ફોન કર્યો.

"આદિત્ય, આજ રાજુ અને સુજાતાના લગ્ન છે."

આરાધ્યાની વાત સાંભળી, આદિત્યની આંખો પણ ભીની થઈ ગઈ.

"મને તે બંનેનો એક ફોટો મોકલ ને."

સુજાતા અને રાજુના ફેરા ચાલું હતાં. આરાધ્યાએ રાજુ અને સુજાતાનો ફોટો પાડીને આદિત્યને સેન્ડ કર્યો. આદિત્ય ભીની આંખોએ, લંડનમાં પોતાની ઓફિસની અંદર ખુરશી પર બેસીને ધ્યાનથી એ ફોટો જોવાં લાગ્યો.

હું આજે ભલે તારાથી અલગ હોય,
મારાં જીવનમાં તારું સ્થાન કોઈથી નહીં લઈ શકાય,

ભલેને તારું પાનેતર બીજાનાં નામે રંગાયું હોય,
તારાં દિલમાં ચડેલો મારો પ્રેમ કોઈથી ઉતારી નહીં શકાય,

આદિ ને સુજી ભલે લગ્નનાં ફેરા નાં ફરી શક્યાં હોય,
જન્મોજન્મ સુધી આપણો સાથ કોઈથી તોડી નહીં શકાય,

જો રાધાકૃષ્ણનાં પ્રેમમાંય વિરહ તણી વેદનાં હોય,
તો આપણાથી આ મિલનતણી ઝંખના છોડી જ શકાય!!




'સંપૂર્ણ'

આ ધારાવાહિકનાં અંતિમ ભાગ સુધી મારી સાથે જોડાઈ રહેવા. મારાં તમામ વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર. આપને આ ધારાવાહિક કેવી લાગી? એ અંગે મને જરૂર જણાવશો. એવી આશા રાખું છું.