sundary chapter 53 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૫૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુંદરી - પ્રકરણ ૫૩

ત્રેપન

વરુણથી બોલતાં તો બોલાઈ ગયું અને ભલે ભૂલથી પણ તેણે પોતાના સુંદરી પ્રત્યેના એકતરફી પ્રેમનો સ્વીકાર પણ કરી લીધો, પરંતુ બીજીજ સેકન્ડે વરુણને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે જેમ હતો એમ જ ઉભો રહી ગયો જાણેકે તેને કોઈ મોટો આઘાત લાગ્યો હોય.

આઘાત તો સુંદરીને પણ લાગ્યો હતો. વરુણ દ્વારા થોડો સમય મૂંગા રહેવાની સલાહે તેને પહેલેથી જ વરુણ પ્રત્યે ગુસ્સો કરાવી ચૂકી હતી એવામાં વરુણ તેને પ્રેમ કરે છે એ વાતે તેનો ગુસ્સો સાતમે આકાશે પહોચાડી દીધો.

“તમને ભાન પડે છે આ તમે શું કહી રહ્યા છો???” સુંદરીથી જરા જોરથી બોલાઈ ગયું.

વરુણના સદનસીબે પાર્કમાં એકલદોકલ લોકો જ હોવાથી સુંદરીનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં, નોંધ્યો નહીં.

“આઈ એમ સોરી!” વરુણની નજર હવે જમીન પર મંડાઈ ગઈ હતી.

“વ્હોટ સોરી! હું તમારી પ્રોફેસર છું, તમે મારા સ્ટુડન્ટ છો... અત્યારસુધી આવુંજ વિચારતા હતાંને મારાં વિષે? એટલેજ હું જ્યારે તમને કહું ત્યારે, જે મદદ કરવાનું કહું એ હસીને કે કોઇપણ પ્રકારના વિરોધ વગર કરવા હંમેશા તૈયાર થઇ જતાં હતાંને? કે પછી તે દિવસે હું ડરી ગઈ હતી અને તમને વળગી પડી હતી એમાં કોઈ મીસઅન્ડરસ્ટેન્ડિંગ થઇ છે? કે તમને પગમાં વાગ્યું અને મેં દોડીને તમારું ડ્રેસિંગ કર્યું અને તમને ઘર સુધી મૂકી ગઈ એમાં એવું સમજી બેઠાં છો કે હું પણ તમને...

... છી... મને તો આ શબ્દ બોલતાં પણ શરમ આવે છે અને તમે? હું સમજી ગઈ, તમે પહેલેથી જ મારી પ્રત્યે તમારી આ ખરી લાગણી દર્શાવવા માટે મારી દરેક વાત માનતા હતા, દોસ્ત, ફ્રેન્ડશીપ આ બધા તો ઢોંગ હતા તમારા. હમણાં થોડા સમય પહેલાં મેં એમ વિચાર્યું હતું કે તમે હજી મેચ્યોર નથી એટલે જેવીતેવી સલાહ આપો છો, પણ હવે મને લાગે છે કે કેવી રીતે એક છોકરીને ફસાવવી એની કળા તમે કોઈ મેચ્યોર વ્યક્તિ કરતાં પણ વધુ જાણો છો.

તમને ખબર હતી કે મને આ બધું પસંદ નથી, તેમ છતાં? ઓહો... ઓકે... વેઇટ! ક્યાંક તમે તો આ અફવા નથી ફેલાવીને? હા.... એમ જ કર્યું છે? આમ પહેલાં અફવા ફેલાવવી, એટલે હું બીજા કોઈની નહીં પણ તમારી શરણે આવું અને પછી તમે તમારો પ્લાન આગળ વધારો. શેઇમ ઓન યુ વરુણ. તમારી લાઈફ હજી શરુ પણ નથી થઇ અને તમે તમારા મનમાં પોતાની પ્રોફેસર વિષે આવી ગંદકી લઈને ફરો છો? ચાલો પ્રોફેસર તો ઠીક છે, પણ આપણી વચ્ચે ઉંમરનો ગેપ તો વિચારો? આપણી વચ્ચે નહીં નહીં તો પણ છ થી સાત વર્ષનો ફરક હશે.

આ તમે બહુ ખોટું કર્યું વરુણ... આ આપણી હવે છેલ્લી મુલાકાત છે. આઈ હોપ કે કોલેજમાં પણ તમે મારાથી દૂર જ રહેશો. આ વર્ષ તો પતવા આવ્યું છે, પણ આવનારા બંને વર્ષ એટલેકે જ્યાં સુધી તમે ગ્રેજ્યુએટ ન થાવ ત્યાં સુધી હું તમારા ક્લાસનું એક પણ લેક્ચર ન લઉં એની વ્યવસ્થા હું જયરાજ સરને મળીને કરી જ લઈશ.”

વરુણને પોતાનો પક્ષ રાખવાની એક તક પણ આપ્યા વગર આટલું કહીને સુંદરી વરુણ સામે છણકો કરીને ઝડપભેર બગીચાની બહાર જતી રહી.

અત્યારસુધી સુંદરીના એક-એક વાકબાણ નીચી નજરે સહન કરી રહેલા વરુણને તો થોડા સમય પછી ખબર પડી કે સુંદરી ત્યાંથી જતી રહી છે. વરુણની નજર સમક્ષ સુંદરી પ્રત્યેના પ્રેમ અને તેની આસપાસ રચેલા તેના તમામ સ્વપ્નાઓ એકપછી એક વેરવિખેર થતાં તે જોઈ રહ્યો. તેનું માથું ભારે થવા લાગ્યું અને કદાચ એને ચક્કર જેવું પણ આવતું હોય તેવું તેને લાગ્યું, એણે આસપાસ જોયું અને નજીકના બાંકડા પર જઈને એ બેસી ગયો. વરુણ પોતાના ઢીંચણ પર બંને હાથની કોણીઓ વાળીને પોતાની બંને હથેળીઓમાં પોતાનો ચહેરો છુપાવીને અઢળક રડવા લાગ્યો!

==::==

સુંદરી માટે પણ પરિસ્થિતિ જરાય અલગ ન હતી. એક તરફ તે થોડા દિવસોથી બદનામી વ્હોરી રહી હતી અને આજે તેણે જે વ્યક્તિ પર અખૂટ વિશ્વાસ મૂક્યો હતો, તેને લાગ્યું કે તેણે આજે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરીને એ વિશ્વાસને તોડ્યો છે. સુંદરીના મતે આ બધુંજ અયોગ્ય હતું કારણકે તે શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સબંધ પર ઘાત હતો. એટલે સુંદરી પણ વરુણને મળીને આવી કે તરતજ પોતાના રૂમમાં ગઈ અને સવારની જેમજ બેડ પર ઉંધી પડીને અઢળક રડવા લાગી.

સુંદરી રાત્રે લુસલુસ જમીને ઉભી થઇ ગઈ. પોતાના અને પ્રમોદરાયના જમેલા વાસણો તેણે ધોયાં અને તરતજ ઉપર પોતાના રૂમમાં આવી ગઈ અને પોતાની ડાયરી અને પેન હાથમાં લીધાં.

ડીયર ડાયરી,

ખબર નથી પડતી કે આજે ક્યાંથી લખવાનું શરુ કરું? પપ્પાના સવારના ગુસ્સાથી કે પછી વરુણના વિશ્વાસઘાતની? ચાલ બંનેમાંથી કોઈની પણ વાત નથી કરવી. લાગે છે કે મારે મારી જિંદગીને ભગવાન ભરોસે જ છોડી દેવી પડશે. હા, કદાચ ભગવાન પણ એમ જ વિચારતો હશે કે જો હું તેના શરણે જઈશ તો જ એ મને સારું જીવન જીવવા માટે આપી દેશે.

આજે વધુ વાત નથી કરવી, કરવાનું મન જ નથી થતું. કાલે મળીએ...

ત્યાં સુધી ગૂડ નાઈટ!

==::==

“મેં તને કહ્યું હતું કે તારી લાગણીઓ પર કાબુ રાખજે? તો પણ તેં આવી ભૂલ કરી?” સોનલબા વરુણને કહી રહ્યાં હતાં.

સુંદરી સાથે બગીચાની ઘટના પછી બીજે દિવસે કોલેજે ન જતા બપોરે સોનલબાને વરુણ સીધોજ ગાંધીનગર જવાના બસસ્ટેન્ડ પર મળ્યો.

“મનેય ખબર નથી પડતી બેનબા કે હું આવું કેમ બોલી પડ્યો? એ મારા પર ગુસ્સે થયા, મને એમણે એવું કહ્યું જે સાચું ન હતું, કદાચ એમની હું કેટલી કેર કરું છું અને એમની કેટલી રીસ્પેક્ટ કરું છું એ સમજાવવાને બદલે હું મારા પ્રેમને વ્યક્ત કરી બેઠો. લોકો ઘણીવાર પ્રેમમાં પડવાની ભૂલ કરે છે, મેં તો ભૂલથી મારા પ્રેમના તમામ દરવાજા જ બંધ કરી દીધા!” વરુણની આંખ ભીની હતી.

“એ વાત તારી સાચી પણ તારે આવું નહોતું કરવું જોઈતું ભઈલા! આમ પણ તારી પ્રેમકથા અઘરી જ હતી હવે તો તે તેને સાવ અશક્ય જ બનાવી દીધી.” સોનલબા પણ નિરાશ હતાં.

“હમમ...” વરુણ પાસે શબ્દો ખૂટી પડ્યા હતા ઉપરાંત તેને ગળામાં ડૂમો પણ બાઝી ગયો હતો અને તેને પણ હવે આગળ વધવાનો કોઈજ રસ્તો જડતો ન હતો.

“હવે એક કામ કર, કોલેજના હવે થોડા જ દિવસો બાકી છે, તું કોલેજ તો આવ. આજની જેમ તું ઘરે બેસી રહીશ તો કેમ ચાલશે? મેડમ લેક્ચર લેવા તો આવશે જ... ક્યાંક તમારી બંનેની આંખ મળી જાય, એમને કદાચ તારી નિરાશા, તારો પસ્તાવો તારા ચહેરા પર દેખાઈ જાય તો કદાચ તારી સાથે વાત કરવાનું મન પણ કરે, અને બને તો કદાચ તને માફ પણ કરી દે.” સોનલબાએ વચલો માર્ગ કાઢવાની કોશિશ કરી.

“ના, હવે તો હું કોલેજ નહીં જ આવું. એમણે પણ કહ્યું છે કે એ એવી વ્યવસ્થા કરી જ લેશે કે સેકન્ડ અને થર્ડ યરમાં પણ એ આપણા ક્લાસના પેપર્સ ન લે. એ એમનો આ નિર્ણય બદલી નાખે એ હું જરાય નહીં ઈચ્છું. અહીંથી હવે ઘરે જઈશ અને કૃણાલની જેમ પરીક્ષાની તૈયારીઓમાં લાગી જઈશ. હવે સીધી પરીક્ષા બસ! નો કોલેજ, નથીંગ!” વરુણના અવાજમાં મક્કમતા હતી.

==::==

“મેડમ!” બીજા દિવસે સુંદરી લેક્ચર પતાવીને કલાસરૂમમાંથી બહાર નીકળી કે સોનલબાએ પાછળથી અવાજ કર્યો.

સુંદરી રોકાઈ અને પાછળ ફરી. સુંદરીના ચહેરાના હાવભાવ પરથી સોનલબાને ખબર પડી ગઈ કે સુંદરીને ખબર છે કે એ તેને શું કહેવાના છે.

“મેડમ, મારો ભઈલો એવો નથી, જેવો તમે વિચારો છો.” સોનલબાએ વાત શરુ કરી.

“મારે કશુંજ સાંભળવું નથી સોનલ. શ્યામભાઈ માટે તમે, એમણે અને કિશન અંકલે જે કર્યું એનો ખૂબ આભાર, પણ એ આભારનો બદલો હું આ રીતે નહીં ચૂકવી શકું, આઈ એમ સોરી!” સુંદરીએ ધીમે પણ મક્કમ અવાજે સોનલબાને કહ્યું.

“આભારની વાત જ નથી મેડમ. ભઈલાથી ભૂલ થઇ ગઈ છે. એની સજા તમે એમને કે પોતાની જાતને ન આપો, બસ મારે એટલુંજ કહેવું છે.” સોનલબાના અવાજમાં વિનંતીનો સૂર હતો.

“સોનલ, આ બધી વાતો ડિસ્કસ કરવાની આ જગ્યા નથી. મારે જે સમજવું જોઈએ એ હું સમજી ગઈ છું. તમે પ્લીઝ આ બધી વાતોમાં વચ્ચે ન પડો તો સારું.” આટલું કહીને સુંદરી પાછળની તરફ ફરી અને ચાલવા લાગી.

“એક ભૂલ તો ઉપરવાળો પણ માફ કરી દે છે મેડમ!” સોનલબા સહેજ જોરથી બોલ્યાં.

સુંદરી ચાલતાં ચાલતાં એક ડગલું રોકાઈ અને પછી ફરીથી ચાલવા લાગી, અગાઉ કરતા વધુ તેજગતિએ...

==::==

“એવું તો શું થયું છે જે તમને બંનેને ખબર છે અને મને નથી?” કૃણાલ વરુણ અને સોનલબાને પૂછી રહ્યો હતો.

“કશું તો નથી થયું, તને કેટલીવાર કહ્યું લ્યા?” વરુણે કૃણાલ સામે છાશિયું કર્યું.

“શું થયું? મને તો કશી ખબર જ નથી પડતી કે તમે શું બોલી રહ્યાં છો કૃણાલભાઈ? બે મહિનાના વેકેશન પછી આપણે પહેલીવાર મળ્યાં છીએ અને તમે કેમ છો, કેમ નહીં ને બદલે સીધો આવો સવાલ કેમ કરો છો?” સોનલબાની આંખો આશ્ચર્યથી ભરપૂર હતી.

“આપણે ત્રણેય અને આ બધાં જે આપણા ફર્સ્ટ યરના ક્લાસ મેટ્સ છે એ અત્યારે લાઈનોમાં ઉભાં છે, એ બધાં આજે અહીં કેમ આવ્યા છે?” કૃણાલે સવાલ કર્યો.

“ઓબ્વિયસ્લી, સેંકડ યરના ફોર્મસ ભરવા, કારણકે આપણે બધાં જ ગઈકાલે ફર્સ્ટ યરમાં પાસ થઇ ગયાં છીએ!” સોનલબાએ જવાબ આપ્યો.

“બરોબર? તો આને પૂછો કે એ શા માટે અહીં આવ્યો છે?” કૃણાલે વરુણ સામે આંગળી ચીંધીને કહ્યું.

“શા માટે? ફોર્મ ભરવા માટે જ સ્તો!” સોનલબાએ વરુણ સામે જોઇને કહ્યું.

“ના, એ સાહેબ ફોર્મ ભરવા નથી આવ્યા.” કૃણાલનો ચહેરો ગંભીર થઇ ગયો.

“હેં? ફોર્મ ભરવા નથી આવ્યો? તો શેના માટે આવ્યો છે?” સોનલબાને આશ્ચર્ય થયું.

“લે, તમને નથી ખબર? મને એમ કે તમને તો ખબર જ હશે, કારણકે મને તો આ ભાઈ પરીક્ષા શરુ થઇ એ પહેલાથી જ થોડાં દિવસોથી કશું જ કહેતાં નથી. બસ આખો દિવસ ઘરમાં ગુમસુમ બેસી રહે છે. સવારે પ્રેક્ટીસમાં પણ એકલો જ જતો રહે છે.” કૃણાલે છણકો કરતાં કહ્યું.

“હું એલ.સી લેવા આવ્યો છું, હું સેકન્ડ યરથી બીજી કોલેજમાં જાઉં છું!” સોનલબા વાત આગળ વધારે એ પહેલા વરુણ જ બોલી પડ્યો!

==:: પ્રકરણ ૫૩ સમાપ્ત ::==