" પણ બેટા તને પ્રોબ્લેમ શું છે ? દીવો લઈને શોધવા જાવ તો પણ આવો છોકરો ના મળે. સોફ્ટવેર એન્જિનિયર છે. નવી નોકરીમાં સ્ટાર્ટિંગ માં જ સિત્તેર હજારનો પગાર છે ! આનાથી વધારે શું જોઇએ ? દેખાવમાં પણ હેન્ડસમ છે !! બે-ત્રણ વર્ષ પછી વિદેશ જવાનો પ્લાન પણ કરી રહ્યો છે !!" હર્ષદભાઈ એ પોતાની દીકરી માહી ને પૂછ્યું.
હજુ ત્રણ દિવસ પહેલાં જ છોકરા છોકરી ની મીટીંગ થઇ હતી. હર્ષદભાઈ ના દૂરના એક મિત્ર દ્વારા આ વાત આવી હતી. ફેમિલી પણ ખૂબ સંસ્કારી હતું. ઘરના બધાને જૈમિન ગમી ગયો હતો પણ માહી લગ્ન કરવાની જ ના પાડતી હતી. ત્રણ દિવસ થી હર્ષદભાઈ દીકરી ને સમજાવતા હતા !!
આ તરફ જૈમિનના ઘરમાં પણ બધાને આશ્ચર્ય થતું હતું.. હજુ સુધી હર્ષદભાઈ ના ઘરેથી કેમ કોઈ જવાબ નથી આવતો !! મીટીંગ થયાને ત્રણ દિવસ થયા હતા. એ લોકોએ તો કહ્યું હતું કે કાલે જ અમે જે હોય તે કહીશું. અને ના પાડવાનું તો કોઈ કારણ જ નહોતું.
ખાસ કરી જૈમિન વધારે ચિંતામાં પડી ગયો હતો. માહી વિશે જે સાંભળ્યું હતું એના કરતા પણ એ વધારે ખુબસુરત હતી. જૈમિન તો એને જોઈ ને જ પાગલ થઇ ગયો હતો. આવી કન્યા હાથમાંથી ના જવા દેવાય. પણ સામે ચાલીને પૂછવું કેવી રીતે ?
' માહી સાથે મિટિંગ પણ સરસ થઇ હતી. એણે અંગત રસ લઈને મારી સાથે વાતચીત કરી હતી. તો પછી શું પ્રોબ્લેમ થયો હશે ? હા કે ના નો જવાબ આપવામાં આટલી વાર કેમ લાગી ? ' જૈમિન વિચારતો હતો.
તો માહી વળી બીજી જ મૂંઝવણમાં હતી. એને જૈમિન નું વ્યક્તિત્વ સ્પર્શી ગયું હતું. જૈમિન ખૂબ જ દેખાવડો અને સાલસ સ્વભાવનો હતો. એની વાતચીત કરવાની રીત પણ કેટલી બધી સંસ્કારી હતી !! એક પતિ તરીકે એ એક પૂર્ણ પુરુષ હતો. તેમ છતાં એનું મન સતત એના બૉસ તરફ ખેંચાયેલું હતું. શ્રીકાંત સરને એ છોડી શકે એમ નહોતી.
માહી એક કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં ઓફિસ સ્ટાફ માં હતી. ફેક્ટરી તો વટવામાં હતી પણ કંપનીની ઓફિસ આનંદનગર રોડ ઉપર હતી. માહી જોઈન થઇ ત્યારથી જ ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રીકાંત શેઠને એ ગમી ગઈ હતી. એણે એને ઓફિસમાં વિશેષ દરજ્જો અને સવલતો પણ આપ્યાં હતાં. ધીમે ધીમે એમના સંબંધો ખૂબ આગળ વધી ગયા હતા.
શ્રીકાંત શેઠ એક શ્રીમંત પરિવારનો નબીરો હતો. એના પિતા ધીરજલાલ શેઠે અમદાવાદમાં શ્યામ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો હતો અને માર્કેટમાં આ કંપનીનું એક મોટું નામ હતું. કેમિકલ્સનું માર્કેટિંગ અને એક્સપોર્ટ શ્રીકાંત સંભાળતો હતો.
શ્રીકાંત આમ તો બધી રીતે સુખી હતો. પણ કરોડપતિ બિલ્ડર બાપની એકની એક સ્વતંત્ર મિજાજની છોકરીને પરણીને એ દુઃખી દુઃખી થઇ ગયો હતો. એના સસરાએ શ્રીકાંતને બિઝનેસમાં લાખો રૂપિયાની મદદ કરી હતી. એટલે પોતાની પત્નીને એ કંઈ પણ કહી શકે એમ નહોતો.
પત્ની માથાભારે મળી હતી અને એની આગળ શ્રીકાંત નું કંઈ જ ચાલતું નહોતું. ઓફિસમાં માહી જ્યારથી જોઈન થઇ ત્યારથી માહી માં એનું મન લાગી ગયું હતું. પણ એ એની પત્નીને ડિવોર્સ આપી માહીને પરણે એ કોઈ કાળે શક્ય નહોતું. એ જાણતો હતો કે પોતે માહીની જિંદગી બરબાદ કરી રહ્યો હતો. માહીની લાગણીઓ સાથે રમી રહ્યો હતો.
માહીની સામેના ટેબલ ઉપર એક્સપોર્ટ નું કામ સંભાળતો તેજસ બૉસ ના માહી સાથેના સંબંધોને જાણતો હતો. પણ શ્રીકાંત એનો બૉસ હતો એટલે એ કંઈ કહી શકે એમ નહોતો. તેજસ માહી ની બાજુની સોસાયટીમાં રહેતો હતો અને માહીના પરિવારને પણ જાણતો હતો. એને ખરેખર માહીની ખૂબ જ ચિંતા થતી હતી. આ લાગણીશીલ છોકરી ને એનો બૉસ રમાડતો હતો.
તેજસને જ્યારે ખબર પડી કે માહીના લગ્ન માટે કોઈ સારા ઘરના છોકરા નું માગું આવ્યું છે અને છોકરા છોકરી ની મીટીંગ પણ થઈ ગઈ છે ત્યારે એણે માહી સાથે થોડીક વાતચીત કરી લેવાનું નક્કી કર્યું. બપોરે રીસેશ ટાઇમમા મોટાભાગે તો માહી શ્રીકાંતની કેબિનમાં તેની સાથે જ જમી લેતી પણ આજે શ્રીકાંત બિઝનેસ મિટિંગ માટે મુંબઈ ગયેલો હતો એટલે તેજસને વાત કરવાની તક મળી ગઈ.
" માહી આજે સર નથી તો હું જમવામાં કંપની આપી શકું ? " તેજસે હસતા હસતા વાત કરી. તેજસ માહી કરતાં દસેક વર્ષ મોટો હતો અને એ માહીને હંમેશા તું કહીને જ બોલાવતો. એ સૌથી સિનિયર પણ હતો.
" યસ ઓફકોર્સ તેજસભાઈ. મને શું પ્રોબ્લેમ હોય ? "
અને બંને કેન્ટીનમાં એક અલગ ટેબલ ઉપર બેઠા. ઓફિસમાં કુલ આઠ જણા નો સ્ટાફ હતો. રીસેસમાં મોટાભાગે તો બધા કેન્ટીનમાં જ જમતા. શ્રીકાંતે ચા-પાણી માટે અને સ્ટાફની સગવડ માટે ઓફિસમાં એક નાનકડી કેન્ટીન પણ બનાવી હતી.
" માહી સાંભળ્યું છે કે ગઈકાલે તને જોવા મહેમાનો આવેલા. મીટીંગ કેવી રહી ? "
" તો તમને ખબર પડી ગઈ એમને ? મીટીંગ તો સારી રહી. જૈમિન પણ ખુબ સરસ છોકરો છે. સોફ્ટવેર એન્જિનિયર છે. વેલસેટ છે. "
" તારે હવે લગ્નનો નિર્ણય લઈ લેવો જોઈએ માહી !! ડોન્ટ ગેટ મી રોંગ... પણ તારા પોતાના હિતમાં હું કહી રહ્યો છું. બૉસ ભલે તને ગમે એટલું આશ્વાસન આપતા હોય પણ એ તારી સાથે કોઈ કાળે લગ્ન નહીં કરી શકે. "
" ના ના સાવ એવું નથી... શ્રીકાંત ખરેખર ખુબ જ સીરીયસ છે મારા માટે. અને એ ડિવોર્સ નો પ્લાન પણ કરી રહ્યા છે. એમને મારા માટે સાચી લાગણી છે. હું પણ એમને બ્લાઇન્ડ લવ કરું છું. "
" હું જાણું છું માહી. તેં ઓફિસ જોઇન કરી ત્યારે તારી ઉંમર ૨૨ ની હતી આજે તારી ઉંમર ૨૫ વર્ષની છે. તું બૉસ ને સંપૂર્ણ સમર્પિત થઈ ચૂકી છે. પણ તમારા આ અંગત સંબંધોનું કોઈ જ ભવિષ્ય નથી માહી. શ્રીકાંત મારા પણ બોસ છે એટલે વધારે હું કોઈ ચર્ચા કરી શકતો નથી પણ તારી આંખ ઊઘડે તો તારા માટે સારું છે "
" અને માહી બીજી એક વાત. શ્રીકાંત ની વાઇફ લતિકા ખૂબ જ ડેન્જરસ વુમન છે. એને તો આ વાતની ગંધ સુદ્ધા શ્રીકાંત આવવા દેતો નથી. કરોડપતિ બાપની દીકરી છે. એને જે દિવસે ખબર પડશે ત્યારે ડિવોર્સ તો દૂર એ શ્રીકાંતને પણ થપ્પડ મારી દે એવી છે. એનો બાપ અહીંનો મોટો બિલ્ડર છે . નામ આપીશ તું પણ ઓળખી જઈશ. ડિવોર્સ ની વાત તો દૂર એની પત્ની થી પણ એ ડરે છે. કોઈ ભ્રમ માં ના રહેતી માહી ! તમારા સંબંધો થી મને કોઈ જ ફરક નથી પડતો પણ એક સહકાર્યકર તરીકે તને ચેતવવાની મારી ફરજ છે. "
માહી તેજસ ની વાત સાંભળીને ધ્રુજી ઉઠી. જો તેજસ કહે છે એમ જ હોય તો પોતે અંધારામાં ભટકી રહી હતી. શ્રીકાંત તો એને એમ જ કહેતો હતો કે પૈસાના જોર ઉપર આસાનીથી ડિવોર્સ મળી જશે. જ્યારે હકીકત તો ઉલટી હતી. તેજસ ના કહેવા પ્રમાણે તો શ્રીકાંત ના સસરાએ એને લાખો રૂપિયાની મદદ કરી હતી ધંધામાં. એનો અર્થ એ જ થાય કે શ્રીકાંત ખોટું બોલતો હતો.
" તો હવે મારે શું કરવું તેજસભાઈ ? કારણકે શ્રીકાંત સાથેના સંબંધોમાં હું ઘણી જ આગળ નીકળી ગઈ છું. આ હાલતમાં હું કોઈની સાથે લગ્ન કરીને એમનો વિશ્વાસઘાત કઈ રીતે કરી શકું ? ત્રણ વર્ષના અમારા સંબંધો ની વાત જાણીને કોઈપણ વ્યક્તિ મારી સાથે લગ્ન ના કરે. અને હું ના કહું તો પણ ખબર પડ્યા વગર રહે જ નહીં. "
":તારી વાત સાચી છે માહી. પણ સૌથી પહેલું કામ બૉસ ના ચક્કરમાં થી બહાર આવવાનું છે. તારી આંખો ખોલી નાખ. સંબંધો તોડવાની હું વાત નથી કરતો પણ મર્યાદામાં રહીને તું અત્યારે થોડો સમય જવા દે. જાગ્યા ત્યાંથી સવાર. અને બની શકે તો જેની સાથે તારી વાત ચાલે છે એનો કોન્ટેક્ટ નંબર મને આપ. "
" હા પણ અમે લોકોએ હજુ જૈમિન ને હા-ના નો જવાબ આપ્યો નથી. "
" બસ તો એ તારા માટે પ્લસ પોઈન્ટ છે. તને એણે કોન્ટેક્ટ નંબર આપ્યો હોય તો મને આપી દે અને બાકીનું બધું મારા પર છોડી દે. એટલું યાદ રાખજે કે હું તારું સારું જ કરીશ. ઘણા સમયથી હું તને ચેતવવાની કોશિશ કરતો હતો પણ મારી વાત ઉપર તું વિશ્વાસ નહીં કરે એવું વિચારીને હું ચુપ હતો. વળી શ્રીકાંત મારા પણ બૉસ છે. "
માહી એ પર્સમાંથી એક ચબરખી કાઢીને તેજસને જૈમિન નો નંબર આપ્યો. મીટીંગ વખતે જૈમિને માહીને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો જે તેણે એક કાગળ પર લખીને પર્સ માં મૂક્યો હતો.
" અને મારી એક શિખામણ ધ્યાનથી સાંભળી લે. તું વર્જિન નથી બસ એટલું જ યાદ રાખવું પૂરતું છે. શ્રીકાંત સાથે ત્રણ વર્ષ સુધી શારીરિક સંબંધ રહ્યા એ બધા ખુલાસા પતિ ને કરવાની કોઈ જરૂર નથી. કેટલોક ભૂતકાળ હંમેશ માટે દફનાવી દેવો પડે છે. આજના આટલા બધા એડવાન્સ યુગમાં કોણ પવિત્ર છે અને કોણ નથી એનો કોઈ માપદંડ નથી.- ' હું શ્રીકાન્તની વાતોમાં આવી ગયેલી અને એક વાર શારીરિક સંબંધ પણ થઇ ગયેલો બાકી અમે સારા મિત્રો હતા' - એટલું જ કહેવું પૂરતું છે."
માહી તેજસ ની વાત ધ્યાનથી સાંભળતી હતી. તેણે પોતાની નાદાન ઉંમરમાં બહુ મોટી ભૂલ કરી હતી એવું આજ એને લાગતું હતું. કોઈપણ જાતની તપાસ કર્યા વિના શ્રીકાંત ઉપર એણે આંધળો વિશ્વાસ મૂકી દીધો હતો પણ હકીકત સાવ જુદી જ હતી. ના હવે શ્રીકાંત સાથે આગળ ના વધાય !!!
" તમે જૈમિન નો નંબર તો લીધો પણ એને શું કહેશો ? અને મારા બદલે તમે વાત કરશો એ કેવું લાગશે ? " માહી એ પૂછ્યું.
" તું એ બધું મારા ઉપર છોડી દે માહી ! "
અને બીજા દિવસે સવારે 11 વાગે તેજસે જૈમીન ને ફોન કર્યો.
" જૈમિન ભાઈ મજામાં ? હું તેજસ બોલું માહીની ઓફિસમાંથી ! તમને રુબરુ મળવાની ઇચ્છા હતી. ક્યાં મળી શકીએ ? "
" માહી ની ઓફીસમાંથી ? એનીથીંગ સિરિયસ અબાઉટ માહી ? "
" નહીં નહીં.... જૈમિન ભાઈ..... નથીંગ સીરીયસ... બસ એમ જ કેટલીક વાતો કરવી હતી !! "
" હા હા ચોક્કસ મળીએ.. બોલો ક્યાં આવું ?"
" પ્રહલાદ નગર માં સંકલ્પ રેસ્ટોરન્ટ છે... ત્યાં આવી જાવ. હું પણ પહોંચું છું. "
અડધા કલાક પછી જૈમીન અને તેજસ સંકલ્પમાં ભેગા થયા. કોફીનો ઓર્ડર આપી તેજસે વાતની શરૂઆત કરી.
" જૈમિનભાઈ આપણી આ મુલાકાત વિચિત્ર સંજોગોમાં થઈ છે. આપણે એકબીજાને ઓળખતા પણ નથી. માહી સાથે તમારા લગ્નની વાત ચાલી રહી છે એટલે મને થયું કે મારે તમને મળવું જોઈએ. તમારો નંબર પણ માહી પાસેથી જ લીધો છે. "
" શું કોઈ ગંભીર વાત છે ? માહીએ આજ સુધી મારો કોઈ કોન્ટેક્ટ કર્યો નથી. અને તમે મારી સાથે માહી ના બદલે વાત કરી રહ્યા છો એ થોડું વિચિત્ર લાગી રહ્યું છે. " જૈમિને કહયું.
" તમારી વાત એકદમ સાચી છે જૈમિન ભાઈ. છેલ્લા ત્રણ વર્ષથી માહી મારી ઓફિસમાં જોબ કરે છે. માહી ખુબ જ સરસ છોકરી છે. એકદમ સંસ્કારી છે પણ થોડી ભોળી પણ છે. જમાનો કેવો છે એ તો તમે અને હું જાણીએ જ છીએ. મારે તમને એક જ સવાલ પૂછવો છે. "
" હા ચોક્કસ પૂછી શકો છો "
" તમે માહી સાથે લગ્ન કરવા માંગો છો ? એના ભૂતકાળને તમે ભૂલી શકો ? એની કોઈ નાનકડી ભૂલ તમે માફ કરી શકો ? સત્ય બોલવાની સજા ના હોવી જોઈએ જૈમિન ભાઈ. તમારા બંનેની મિટિંગ થઈ ગયા પછી માહી ત્રણ દિવસથી મનોમન સંઘર્ષ કરી રહી છે, મૂંઝાઈ રહી છે. "
" પુરુષોના ભૂતકાળને બધા નજર અંદાજ કરે છે. પણ સ્ત્રી ની નાનકડી ભૂલ પણ કોઈ ચલાવી શકતુ નથી. માહી દિલથી એકદમ પવિત્ર છે. અમારા બૉસે એને એક વાર મીઠી મીઠી વાતો કરીને મોહ જાળમાં ફસાવી હતી. બસ આ જ એ બિચારી ની ભૂલ છે. એ ભૂલ એને સતત ડંખી રહી છે અને એટલે જ એ તમને જવાબ આપી શકતી નથી. "
" જૈમિન ભાઈ આટલું સરસ પાત્ર તમને ખરેખર ભાગ્યે જ મળી શકે. હંમેશા હસતી અને હસતી. કોઈપણ કામ સોંપો કદી ના ન પાડે ! બૉસે એના આ લાગણીશીલ સ્વભાવ નો એકવાર ગેરલાભ લઈ લીધો. પણ એ ભૂલ એને કાયમ ડંખ્યા કરે છે. એણે આજ મને વાત કરી કે તમારા બંનેની મિટિંગ થઈ ગઈ છે અને તમે એને પસંદ છો પણ એ મુંઝાય છે એટલે મારે આટલો રસ લેવો પડ્યો. "
" જિંદગી તમારી છે જૈમિનભાઈ. આ બાબત માં મારું કોઈ જ દબાણ નથી. હું માહીની કોઈ ભલામણ પણ નથી કરતો. પણ મને લાગ્યું કે જેના ત્યાં નોકરી કરતી હોય એ માલિકને નારાજ કેમ કરી શકાય એવા ભયથી આ ભોળી છોકરી બિચારી ફસાઈ ગઈ. તમે જો એને માફ કરી શકો અને લગ્ન જીવન ઉપર એની કોઈ જ અસર ના થાય તો જ તમે હા પાડજો જૈમિન ભાઈ ! "
" ઓકે.... પણ મારે એકવાર માહી ને મળવું છે. તમે આવતીકાલે આ જ ટાઈમે એને સંકલ્પમાં મોકલી આપો "
બીલ ચૂકવીને બંને છુટા પડ્યા. બીજા દિવસે સવારે 11:30 વાગે જૈમિન સંકલ્પ ઉપર આવી ગયો. દસેક મિનિટ પછી માહી પણ આવી પહોંચી.
";આજે તો તમારે કંઈક લેવું જ પડશે માહી... પહેલીવાર રેસ્ટોરન્ટમાં ભેગા થયા છીએ..... બોલો, શું ફાવશે ? ઈડલી ઢોસા ઉત્તપમા ... જે ભાવે તે હાજર છે !! "
" ઓકે.... તમને જે ભાવતું હોય તે મંગાવો. જે તમને ભાવશે તે જ હું પણ પસંદ કરીશ ! " માહીએ સહેજ શરમાઈને જવાબ આપ્યો.
"ફાઈન .....તો આપણે મસાલા ઢોંસા ખાઈ લઈએ " કહીને જૈમિને વેઇટરને બોલાવી ઓર્ડર લખાવી દીધો.
" કાલે... તેજસભાઇ એ મને બધી વાત કરી માહી. પણ આ વાત તમે પોતે પણ મને મળીને કરી શક્યા હોત. નવા સંબંધોમાં નિખાલસતા અને પ્રમાણિકતા બહુ જ જરૂરી હોય છે. તમે જે પણ સંદેશો મને મોકલ્યો મને સારું લાગ્યું."
" માહી મે દુનિયા જોઈ લીધી છે નાની ઉંમરમાં હું ઘણો બધો મેચ્યોર થઈ ચૂક્યો છું. મેં તમને આજે રૂબરૂ મળવા બોલાવ્યા છે એની પાછળ એક જ કારણ છે. તેજસ ભાઈ એ મને કહ્યું કે માલિકને નારાજ ના કરી શકાય એવા ભયથી તમે તમારું સર્વસ્વ અર્પણ કરી દીધું. તમે પ્રતિકાર ના કરી શક્યા. ચાલો માની લીધું. આ ઘટના ક્યારે બનેલી ? આઈ મીન..... કેટલા સમય પહેલા ? "
" લગભગ અઢી વર્ષ પહેલા. ત્યારે મારી નવી નવી નોકરી હતી. હું એમની મીઠી મીઠી વાતોમાં આવી ગઈ. "
" અઢી વર્ષ પહેલા શારીરિક સુખ ભોગવી લીધું એ પછી આજ સુધી એણે બીજીવાર ક્યારે પણ કોશિશ ના કરી ?... એક જ ઓફિસમાં તમે નોકરી કરો છો.... રોજ એને મળવાનું થાય... અને આ વસ્તુ એવી છે કે તમારા જેવી ખૂબસૂરત છોકરી ને એ છોડી દે એવો સતયુગ તો આ નથી જ. "
" અને બીજી વાત માહી... એણે રેપ તો નહીં જ કર્યો હોય !!! આઈ મીન ... તમે સપોર્ટ ના આપો તો આ કઈ રીતે શક્ય બને ? અને આવા સંબંધો માત્ર એક જ વારના ના હોઈ શકે !! ... જે હોય એ મને સત્ય કહેશો તો ગમશે !! "
માહી જૈમિનની વાત સાંભળીને હબક ખાઈ ગઈ. ખૂબ જ ઈન્ટેલિજન્ટ છે આ માણસ !! એણે તો મારો આખો ભૂતકાળ જોઈ લીધો. હવે છુપાવવાનો કોઈ જ મતલબ નથી. ભલે એની સાથે લગ્ન ના થાય !!
" તમારું અનુમાન સાવ સાચું છે જૈમીન. એણે લગ્નની લાલચ આપીને મને ફસાવી હતી. હું એની મીઠી મીઠી વાતોમાં આવી ગઈ હતી. અમારે એકથી વધુ વખત ફિઝિકલ રિલેશન થયેલા છે. હું તો એની સાથે લગ્ન કરવાના સપના જોતી હતી. હજુ ગઈકાલે જ તેજસભાઈ એ મારી આંખો ખોલી નાખી."
" હું વર્જિન નથી જૈમિન. અને લગ્ન કરવા માટે હવે મારું કોઈ દબાણ પણ નથી. હું હવે આ જોબ પણ છોડી દેવાનું વિચારું છું " કહેતા કહેતા માહી ની આંખમાં પાણી આવી ગયા.
" આટલા બધા અપસેટ થવાની જરૂર નથી માહી.... મેં સત્ય જાણવાની કોશિશ કરી અને તમે પ્રમાણિકતાથી જવાબ આપ્યો. મને ગમ્યું. જમવાનું ચાલુ કરો. આપણો ઢોંસો ઠંડો થઇ જશે " કહીને જૈમિને વાત ત્યાં જ અટકાવી દીધી.
" તો લગ્ન માટે તમારી હા જ છે ને ? કે પછી બીજી કન્યાઓ જોવાનું ચાલુ રાખું ? " જમતા જમતા જૈમિને માહી ને પૂછ્યું.
" આ બધું જાણ્યા પછી પણ તમે મારી સાથે લગ્ન કરશો ?"
" જી બિલકુલ.... હું તો આજે જ લગ્ન કરવા તૈયાર છું માહી....જ્યાર થી તમને જોયા છે ત્યારથી મારુ દિલ મારા કાબૂમાં નથી. મને તમારા ભૂતકાળ માં કોઈ રસ નથી. આઈ લવ યુ માહી !" કહીને જૈમિને જમતા જમતા જ માહીના હાથ ઉપર હાથ મૂક્યો.
માહી લાગણીઓના પૂરમાં પોતાની જાત ઉપર કાબૂ રાખી ના શકી. એને હવે ખરેખર રડવું આવી ગયું.
" રિલેક્સ માહી... હવે તમે તમારા ઘરે ફોન કરીને ધડાકો કરો કે હું અને જૈમીન લંચ ઉપર આવ્યા છીએ." જૈમિને હસી ને કહ્યું.
માહી પોતાના આ ભાવિ પતિની મહાનતાને મનોમન સલામ કરી રહી. એણે પણ લાગણીભર્યા હૃદયથી જૈમિનનો હાથ હાથમાં લીધો અને માત્ર એટલું જ બોલી.
" ખૂબ ખૂબ આભાર જૈમિન મને માફ કરવા માટે.... તમારા દિલની વિશાળતા પણ આજે જોવા મળી... તમે સાચે જ એક પૂર્ણ પુરુષ છો !! "
અશ્વિન રાવલ ( અમદાવાદ )