બાવન
પ્રમોદરાયનો અવાજ જ એટલો મોટો હતો કે સુંદરી આપોઆપ જ્યાં હતી ત્યાંજ રોકાઈ ગઈ.
“આ હું શું સાંભળું છું?” પ્રમોદરાય સુંદરીની પાછળ જ હતા પરંતુ તેના તરફ ચાલતા ચાલતા તેની લગભગ નજીક આવી ગયા હતા.
“શું?” સુંદરી પિતા તરફ ફર્યા વગર જ્યાં ઉભી હતી ત્યાંથી જ બોલી.
“તારું તારા કોઈ વિદ્યાર્થી સાથે પ્રેમપ્રકરણ ચાલે છે?” પ્રમોદરાયે કહ્યું.
“તમને કોણે કહ્યું?” હવે સુંદરી પ્રમોદરાય તરફ ફરી.
“એ જરૂરી નથી, પણ મારા કાને જે વાત આવી છે એ સાચી છે કે નહીં?” પ્રમોદરાયનો અવાજ મજબૂત બની રહ્યો હતો.
“તમને તમારી દિકરી પર વિશ્વાસ નથી?” સુંદરી પોતાની આંખો ઝીણી કરીને બોલી.
“આ મારા સવાલનો યોગ્ય જવાબ નથી!” પ્રમોદરાય પોતાની વાત પર અડગ રહ્યા.
“યોગ્ય જવાબ તો જ મળે પપ્પા જો સવાલ યોગ્ય હોય.” સુંદરીએ જવાબ આપ્યો.
સુંદરીના જવાબથી પ્રમોદરાય આઘાત પામી ગયા.
“બાપ સામે બોલતાં થઇ ગઈ છે. નક્કી મને જે ખબર મળ્યા એ સાચા છે. પેલા છોકરાની સંગતની જ અસર છે આ.” પ્રમોદરાય ગુસ્સામાં ધ્રુજી રહ્યાં હતા.
“લાગે છે તમને તમે મને વર્ષો સુધી આપેલા સંસ્કાર કરતા મને આજકાલમાં મળેલા પેલા કહેવાતા છોકરા પર વધુ વિશ્વાસ છે.” સુંદરીનું આક્રમણ ચાલુ રહ્યું.
“મારા આપેલા સંસ્કાર જાળવ્યા હોત તો આમ મારી સામે ન બોલત. હું બરોબર નોંધુ છું, છેલ્લા ઘણા મહિનાથી મારું માન સન્માન તું બિલકુલ નથી જાળવતી. હવે તો મને વિશ્વાસ થઇ ગયો છે કે નક્કી મને જે તારા વિષે ખબર મળ્યા છે એ સાચા જ છે.” પ્રમોદરાય પોતાની વાત પર અટલ રહ્યા.
“તમારે જે સમજવું હોય તે તમે સમજી શકો છો પપ્પા. મને મારી જાત પર વિશ્વાસ છે કે મેં આજ સુધી કશું ખોટું કર્યું નથી અને કરવાની નથી.” આટલું કહીને સુંદરી દાદરા તરફ આગળ વધી અને ઝડપથી દાદરા ચડી ગઈ અને પોતાના રૂમમાં જતી રહી.
રૂમમાં જતાંવેંત તેણે રૂમનું બારણું બંધ કર્યું, પોતાનું પર્સ બેડ પર ફેંક્યું અને પથારીમાં ફસડાઈ પડી અને ઉંધી પડીને રડવા લાગી.
==::==
“બેનબા, હું કોલેજેથી ઘરે આવવા નીકળ્યો ત્યારે એમનો મેસેજ આવ્યો કે આપણે મળવું જોઈએ.” વરુણ સોનલબા સાથે ફોનકૉલ પર વાત કરી રહ્યો હતો.
“પછી?” સોનલબાએ ઉત્કંઠાસભર પ્રશ્ન પૂછ્યો.
“પછી શું? આપણે વાત થઇ હતી એ પ્રમાણે મેં હા પાડી દીધી.” વરુણે જવાબ આપ્યો.
“સરસ, આ સારું કર્યું ભઈલા! કેટલા વાગે મળવાના છો તમે બંને?” સોનલબાએ પૂછ્યું.
“સાડાચાર વાગ્યે ગોતા મ્યુનિસિપલ ગાર્ડનમાં.” વરુણે કહ્યું.
“તારા ઘરથી દૂર છે?” સોનલબાનો આગલો પ્રશ્ન.
“હા, ઘણું.” વરુણનો જવાબ.
“અને મેડમના ઘરથી?” સોનલબાને પૂરી માહિતી જોઈતી હતી.
“મારા ઘરથી પણ ઘણું દુર. એમ કહોને કે અમદાવાદની લગભગ લિમીટ આવી જાય એટલું દૂર છે.” વરુણે સમજાવ્યું.
“સરસ. પણ તું આટલો નર્વસ કેમ લાગે છે. તારા અવાજમાં એમને મળવાનો કોઈ ઉત્સાહ જ નથી.” સોનલબાએ ચિંતાતુર સ્વરમાં કહ્યું.
“સંજોગો એવા છે ને બેનબા. મેં આવું તો ક્યારેય ઈચ્છ્યું જ ન હતું કે અમારે આ રીતે મળવું પડશે. મારું તો સમજ્યા પણ એમની બદનામી થઇ રહી છે. મને એ જરાય નથી ગમી રહ્યું. વિચાર તો એવો આવે છે કે જેણે આ અફવા ફેલાવી છે એને શોધીને એના હાડકાં એવા ભાંગી નાખું કે એ એક વર્ષ સુધી હોસ્પિટલની બહાર ન નીકળે.” વરુણના સ્વરમાં ગુસ્સો હતો.
“તો શું તારી અને મેડમની બદનામી ઓછી થશે? અને તને તારી બદનામીની ચિંતા કેમ નથી?” સોનલબાને નવાઈ લાગી.
“બેનબા, આપણે ત્યાં પુરુષ ગમે તેટલો બદનામ હોય એની બદનામીની નોંધ ભાગ્યેજ કોઈ લેતું હોય છે. પણ સ્ત્રી જો જરાક સરખી પણ બદનામ થાય તો એને એ બદનામીનો ભાર આખી જિંદગી પોતાની પીઠ પર લઈને ફરવો પડતો હોય છે. મારું ગમે તે થાય મને કોઈજ પરવા નથી, પણ એમની બદનામી મારાથી સહન નથી થઇ, અને બેનબા એમની બદનામી માટે હું પણ જવાબદાર છું.” વરુણે પોતાનો ગુસ્સો ઠાલવ્યો.
“આ બધું થયું તો તું કેવી રીતે જવાબદાર થયો ભાઈલા?” સોનલબાને ફરીથી આશ્ચર્ય થયું.
“કારણકે એમની બદનામીમાં મારું નામ પણ જોડાયું છે ને? મને એનું વધુ દુઃખ છે. એમના માટે મારો શો પ્લાન હતો એ તો તમને ખબર જ છે બેનબા!” વરુણના સૂરમાં નિરાશા હતી.
“જો હવે એ બધું તું ભૂલી જા. આજે તું મેડમને મળીશ ત્યારે તું જરાય આવો નિરાશ કે નેગેટીવ ન રહેતો. કદાચ એ તારામાં પોતાના માટે હિંમત શોધી રહ્યા હોય? એટલે મહેરબાની કરીને જરાય ઢીલો ન પડતો.” સોનલબાએ કડક શબ્દોમાં વરુણને સૂચના આપી.
“ચોક્કસ બેનબા. આ તો તમે છો એટલે મેં મારી લાગણી તમારી સમક્ષ ઠાલવી. એમની સામે તો હું એકદમ મજબૂત અને પોઝીટીવ રહીશ. ડોન્ટ વરી!” વરુણે સોનલબાને વિશ્વાસ અપાવ્યો.
“સરસ. હવે બીજી વાત. જો તમારી વચ્ચે ગમે તે વાત થાય પણ મેડમને હિંમત આપતાં કે કોઇપણ પ્રકારનો સધિયારો આપતાં તું લાગણીમાં આવીને જરાય પોતાના દિલની વાત ન કરી બેસતો. હજી એનો સમય આવવાને વાર છે, સમજ્યોને?” સોનલબા જાણે કે વરુણ પાસેથી કોઈ વચન માંગી રહ્યા હોય એવું લાગ્યું.
“હા, નહીં કહું. પ્રોમિસ!” વરુણે સોનલબાને વચન આપ્યું.
==::==
“આપણે ક્યાંય બેસવું નથી. આપણે વોક કરતાં કરતાં જ વાતો કરીએ.” સુંદરી બગીચાની બહાર એની રાહ જોઇને ઉભેલા વરુણ પાસે પોતાનું હોન્ડા પાર્ક કરતાની સાથે જ બોલી.
“શ્યોર.” વરુણે હકારમાં પોતાનું ડોકું હલાવ્યું.
બંને એક મોટા દરવાજામાંથી બગીચાની અંદર ગયા. આ નાનકડા બગીચામાં વોકિંગ માટે એક અલગથી ટ્રેક બનાવવામાં આવ્યો હતો. જો કે આ ટ્રેક માટીનો હતો. હજી સાડાચાર જ વાગ્યા હતા એટલે અહીં ખાસ કોઈ ભીડ ન હતી, બલ્કે વોકિંગ ટ્રેક પર તો માત્ર સુંદરી અને વરુણ જ ચાલી રહ્યા હતા.
“જે થયું એ બહુ ખોટું થયું.” ચાલતાં ચાલતાં થોડો સમય રહેલું મૌન વરુણે તોડ્યું.
“હમમ... લોકોમાં અક્કલ જ નથી. ચાલો કહેનાર તો કહી દે પણ સાંભળનાર પણ એને સાચું માની લે?” સુંદરીએ જવાબ આપ્યો.
“સાંભળનાર સાચું માનીને પાછો એને આગળ ફેલાવે... ખબર નહીં આ લોકોનો પ્રોબ્લેમ શું છે?” વરુણે ગુસ્સામાં આવી જઈને કહ્યું.
“પ્રોબ્લેમ તો હવે મારો છે.” સુંદરીએ જવાબ આપ્યો.
“સાચી વાત છે. તમે પ્રોફેસર છો.” વરુણ બોલ્યો.
“અને હજી આ મારું ફર્સ્ટ યર જ છે. આખી કેરિયર બરબાદ થઇ જશે મારી તો. જો અહીં રહી તો વર્ષો સુધી લોકો આ બાબતે મારી સામે જ વાત કરશે, મને અલગ નજરે જોશે. જો કોલેજ બદલીને બીજે જઈશ તો આ વાત સાચી છે એવું જ આ કોલેજના લોકો માનશે અને આ બદનામી મારી સાથે નવી કોલેજમાં નહીં આવે એની શી ખાતરી? અને એમ નોકરી પછી ક્યાં રસ્તા પર પડી છે.” સુંદરીએ પોતાની સમસ્યા જણાવી.
“ખબર નહીં પણ આમ અચાનક જ આ બધું કેમ શરુ થઇ ગયું!” વરુણ મુદ્દા પર આવ્યો.
“મને લાગે છે કોઈ મારા પર જૂની ખુન્નસ ઉતારી રહ્યું છે.” સુંદરી બોલી.
“હમમ...” વરુણ પાસે સુંદરીની આ વાતનો કોઈજ જવાબ ન હતો.
“મને તો ખબર જ નથી પડતી કે આમાંથી બહાર કેવી રીતે આવવું?” સુંદરી ગૂંચવાઈ રહી હતી.
“મને લાગે છે કે આપણે આ વાતને બહુ મહત્ત્વ ન આપીએ તો? આવતા મહીને એન્યુઅલ એક્ઝામ્સ શરુ થઇ જશે અને પછી વેકેશ્ન્સ. ત્રણ મહિના પછી બધાં ભૂલી જશે.” વરુણે સમસ્યાનું સમાધાન આપતાં કહ્યું.
“આ તમે કહી રહ્યા છો? લાગે છે કે તમને આ બધું નોર્મલ લાગે છે. હા હજી ટીનએજર છો ને? ભલે અત્યાર સુધી ગમે તેટલી મેચ્યોરીટી દેખાડી હોય તમે પણ છેવટે તો ઉંમર ઉંમરનું કામ કરે જ છે. વરુણ વાત હવે મારા ઘર સુધી પહોંચી ગઈ છે. તમને ખબર નથી મારા પપ્પાનો સ્વભાવ...” સુંદરી અચાનક જ ગુસ્સે થઇ ગઈ.
“હું સમજુ છું... પણ મારો કહેવાનો મતલબ એમ હતો કે...” વરુણ હજી આગળ બોલે ત્યાંજ...
“...એમ હતો કે હું તો પુરુષ છું ને? એટલે મારી બદનામી લોકો તરત ભૂલી જશે, એટલે ત્રણ મહિના પછી મને શાંતિ. તમતમારે જેમ લડવું હોય એમ લડી લ્યો. બરોબરને? વરુણ ખરેખર તમે છેવટે તો પુરુષ જ નીકળ્યા.” સુંદરીએ ગુસ્સામાં જ વરુણ સામે જોયું.
“ના તમે ખોટું સમજી રહ્યા છો. હું તમારી લડાઈને મારી લડાઈથી જરાય અલગ નથી માનતો, આઈ સ્વેર!” વરુણે સુંદરીને સમજાવવાની કોશિશ કરી.
“જો એમ હોત તો તમે ભૂલી જવાની વાત જ ન કરી હોત. મેં જ ઉતાવળ કરી તમને મારા દોસ્ત સમજવાની. જો અહીં આવીને આ ભૂલી જવાનો જ રસ્તો મળવાનો હતો તો આટલે દૂર હું આવી જ ન હોત. તમારો વાંક નથી વરુણ. તમારા પુરુષ હોવાનો વિશ્વાસ અને તમારી નાની ઉંમર આ તમને નડે છે. પણ કોઈ વાંધો નથી. મોટી થઇ ત્યારથી હું મારી ઘણી લડાઈઓ એકલેહાથે લડી છું અને આ લડાઈ પણ લડી લઈશ.” આટલું કહીને સુંદરીએ પોતાના ચાલવાની ગતિ વધારી દીધી અને તે વરુણ કરતાં આગળ ચાલવા લાગી.
“એક મિનીટ!” વરુણ જરા જોરથી બોલ્યો અને સુંદરી ઉભી રહી ગઈ.
વરુણ ચાલીને સુંદરીની પાસે આવીને ઉભો રહ્યો.
“બદનામી સ્ત્રી કે પુરુષ જોઇને નથી આવતી. અહીં આવતા પહેલા સોનલબેન સાથે મેં ફોન પર આ જ વાત કરી કે કદાચ હું આ બદનામીમાંથી છૂટી જાઉં પણ તમારું શું? મેં ભૂલી જવાની વાત એટલે કરી હતી કારણકે જેટલું મહત્ત્વ આપણે આ વાતને આપીશું વાતનું વતેસર એટલું વધુ થશે. આપણા સબંધ એવા છે કે આપણે જાહેરમાં આવીને પણ અફવાઓને નકારી શકતા નથી. તો આપણી પાસે બીજો કયો રસ્તો રહ્યો સિવાયકે મૂંગા રહેવાનો? પણ એક વાતનો વિશ્વાસ રાખજો કે તમારી બીજી લડાઈઓમાં ભલે હું સાથ ન આપી શકું, પણ આ લડાઈમાં તો હું તમારી સાથે જ છું. તમારી માનસિક સ્થિતિ હું સમજી શકું છું, કદાચ એટલેજ તમને મારા પર અવિશ્વાસ થયો છે, પણ ધ્યાનમાં રાખજો કે હું આ બધું ફક્ત તમારા મિત્ર તરીકે નથી કરી રહ્યો.” વરુણે પણ મક્કમતાથી સુંદરી સમક્ષ પોતાનો પક્ષ રાખ્યો.
“મિત્ર તરીકે નથી કરી રહ્યા તો શેના કારણે કરી રહ્યા છો?” સુંદરીના ચહેરા પર નવાઈ હતી.
“કારણકે તમે મને પસંદ છો અને હું તમને પ્રેમ કરું છું!!!” વરુણે જે નહોતું બોલવાનું અને જે ન બોલવાનું એણે સોનલબાને પ્રોમિસ કર્યું હતું એ જ તે બોલી ગયો.
==:: પ્રકરણ ૫૨ સમાપ્ત ::==