Dear Paankhar - 18 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ - ૧૮

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ - ૧૮

" આજે ચૈત્ર નવરાત્રીનાં પ્રથમ દિવસે મા આદ્યશક્તિની કૃપા સર્વ પર બની રહે એવી મા જગદંબાને પ્રાર્થના . " હાથ જોડીને યોગિની દેવી બોલ્યા . એ સાથે એમની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. ક્યાંય સુધી ત્યાં એમજ ઉભા રહ્યા અને મનમાં પ્રાર્થના કરતાં રહ્યા. મા જગદંબાની આરતી અને વિશ્વમંબરી સ્તુતિથી આખો રૂમ રણકી ઉઠ્યો.

ત્યાં ઉભેલા સ્વયં સેવકે પ્રસાદ વહેંચવા ની શરૂઆત કરી. શિવાલી અને આકાંક્ષા પણ ત્યાં આવીને ઉભા હતા. પ્રસાદ લીધો અને પછી યોગિનીદેવીને મળવા ગયા.

" બેન ! આજનાં દિવસે તમારા આશિર્વાદ લેવા આવ્યા છીએ. " શિવાલી એ યોગિનીદેવીને પગે લાગતા કહ્યું. આકાંક્ષા પણ એમને પગે લાગી.
" મા જગદંબેની કૃપા સદૈવ બની રહે. " આશિર્વાદ આપીને યોગિની દેવી ખુરશી પર જઈને બેઠા.
" ખૂબ આનંદ થયો તમે આવ્યા ! " યોગિનીદેવીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું.
" આજનાં દિવસે કેવીરીતે મોકો ચૂકાય ! બેય માનાં આશિર્વાદ એક સાથે મળી ગયા. " શિવાલીએ મુખ પર સ્મિત રેલાવતા કહ્યું.

" સદૈવ રહેશે. બાકી બધું સરસ છે ને ? " યોગિની દેવી એ પૂછ્યું.
" હા ! સરસ છે . હું અને આકાંક્ષા ફરી મહિલા સંસ્થામાં તમને આમંત્રણ આપવા આવ્યા છીએ. એ લોકોની ખૂબ ઈચ્છા છે તમે ફરી ત્યાં પધારો . " શિવાલી એ કહ્યું.
" ચોક્કસ આવીશ . નવરાત્રી પછી તમે દિવસ નક્કી કરીને જણાવજો . તુ કેમ છે આકાંક્ષા ?" યોગિનીદેવી એ આકાંક્ષા તરફ જોઈને કહ્યું.
" હું ઠીક છું ! મજા માં છું ." આકાંક્ષાએ હસીને કહ્યું.
" નજીકનાં દિવસો થોડા કપરાં છે પણ‌ પછી બધુ ઠીક થઈ જશે. ચિંતા ના કરીશ. " યોગિનીદેવીએ કહ્યું અને આકાંક્ષા થોડી ચમકી એ વિચારી ને કે એમને કેવીરીતે ખબર પડી એની જિંદગી વિશે?
" તમને ખ્યાલ છે ?" એનાથી આગળ આકાંક્ષા કશું ના બોલી શકી.
" હા ! તું અંદરથી વ્યાકુળ છે. સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરી રહી છે. સારું છે. એ પ્રયત્ન જ તને અત્યાર સુધી કાઠી રહેવામાં મદદરૂપ થયું છે. અને હા ! ડિવોર્સ પછી બીજા લગ્ન કરવામાં કશું ખોટું નથી. વિચાર કરી જોજે. "
યોગિનીદેવીનુ આ વાકય સાંભળીને આકાંક્ષા અવાક જ થઈ ગઈ. ' એમને એપણ‌ ખબર છે કે મારા ડિવોર્સ થવાનાં છે ? ' એ મનમાં જ વિચારી રહી.

" તો ડિવોર્સ માટે હા પાડવી એ‌ ખોટો નિર્ણય નથી ને ? " આકાંક્ષા એ મનમાં રહેલી મુંઝવણ ઉકેલવા પૂછી જ લીધું.

" હું છૂટાછેડાની સલાહ ના આપુ. પરંતુ તે આટલા વર્ષો સુધી ધીરજ રાખી જ હતી. અને હવે પણ આ નિર્ણય તું કોઈ તારા સ્વાર્થ માટે નથી લઈ રહી , સ્વમાન માટે લઈ રહી છું અને સ્વમાનથી જીવવું એ દરેક વ્યક્તિનો‌ હક છે. " યોગિની દેવીએ કહ્યું.

" પત્નીનો‌ હક જે મળવો જોઈતો હતો એ નથી મળ્યો અને એ વાત ને મેં સહર્ષ સ્વીકારી પણ લીધી. એમ વિચારીને કે કદાચ એજ મારી કિસ્મત માં હતું. પરંતુ … હવે મને લાગે છે સમય આવી ગયો છે; કોઈ ની પત્નીનાં નામ થી નહીં પણ‌ મારા પોતાના નામ‌ પર જીવવાનો , એમનાથી સંપૂર્ણ પણે અલગ જિંદગી જીવવા નો !!! " આકાંક્ષા એ જોશીલા ભાવથી કહ્યું.

" મને તારા પર ખરેખર માન છે. તારી જિંદગીની સમસ્યા ને તેં ક્યારેય મહત્વ નથી આપ્યું અને તું સંસ્થાની બીજી મહિલાઓની મદદ કરી રહી છું. એ ખરેખર પ્રશંસનીય છે. " યોગિની દેવીએ આકાંક્ષાને બિરદાવતા કહ્યું.

" એ પ્રેરણા મને ડૉ.શિવાલી પાસેથી મળે છે. જ્યારે પણ ઉદાસ થવું એમના તરફ જોવુ તો એક પાછું જોશ આવી જાય છે. " આકાંક્ષા એ શિવાલી તરફ જોતાં કહ્યું. શિવાલીનાં ચહેરા પર સ્મિત મલક્યું.

" જ્યારે પણ મોકો‌ મળે આકાંક્ષા મારી પ્રશંસા કરવાની ચુકતી નથી !! " શિવાલી એ હસીને કહ્યું.

" જે પ્રશંસા કરવા યોગ્ય હોય એમની પ્રશંસા કરવી જ પડે. એમાં કરકસર ના હોય ! " અને આકાંક્ષા ખડખડાટ હસવા લાગી.

" ખબર છે બેન પહેલાં અમે મળ્યાં ત્યારે એ એટલું ઓછું બોલતી હતી ને ! પણ‌ હવે તો ફટાફટ જવાબ આપી દે હો ! " શિવાલીએ કહ્યું.

" તારી જેમ ને ! શિવાલી પણ નાની હતી તો બહું ઓછું બોલતી. એકદમ શાંત સ્વભાવની. ક્યાંય સુધી એવી જ હતી. ઓછાબોલી . એણે જ્યારે મને એના લગ્નનાં નિર્ણયની વાત કરી તો‌ હું થોડી વિસામણ‌માં પડી ગઈ કે આ છોકરી પ્રેમલગ્ન કરવાનું વિચારે ! પરંતુ ચંદ્રશેખર સાથે લગ્ન કરશે એ સાંભળીને થોડો હાશકારો અનુભવ્યો. નહી તો મનમાં વિચાર આવ્યો હતો કે કોઈએ આ મારી ભોળી છોકરી સાથે ફસામણી તો નથી કરી ને ! ." યોગિની દેવીએ હસતાં હસતાં કહ્યું. " પણ વચ્ચેનો સમય એવો આવ્યો કે આપણો કોઈ પ્રકાર સંપર્ક જ ના રહ્યો અને તેથી તારી તકલીફ ‌ માં તારી સાથે ના હોવાનું દુઃખ રહેશે. " યોગિની દેવીએ ઉમેર્યું.

" જે કાંઈ પણ થયું એ‌માંથી બહાર ઉગરવા મેં મનને અલગ અલગ કાર્યોમાં પરોવી દીધુ અને પછી પાછુ વાળીને ના જોયું. એની સાથે પાછલી જિંદગી પણ જાણે નેવે મૂકાઈ ગઈ અને તમારો સંપર્ક ના કરવાની ભૂલ મેં કરી . તમે પણ કેટલી તકલીફમાંથી ગુજાર્યા. ત્યાં તમે એકલા હતા અને અહીં હું!! " શિવાલીએ નરમ અવાજે કહ્યું.

" એકલી હતી એટલે જ આ માર્ગ મળ્યો. જે થાય છે સારા માટે થાય છે. " યોગિની દેવીએ કહ્યું.

" હા ! પણ જ્યારે આપણી જોડે દુર્ઘટના સર્જાય ત્યારે એ સ્વીકારવું મુશ્કેલ હોય છે. " આકાંક્ષાએ કહ્યું.

" એતો છે જ. પરંતુ જે કસાય એજ ઘડાય. " યોગિની દેવીએ કહ્યું.

અમુક સ્ત્રીઓ અને પુરુષો યોગિની દેવીને મળવા આવ્યા. શિવાલી અને આકાંક્ષાએ રજા માંગીને ત્યાંથી ઉઠ્યા.
" તું કાર લઈને આવી છું કે છોડી દઉં તને ? " શિવાલી એ પૂછ્યું.
"આજે કાર સર્વિસમાં છે. પણ તમે તકલીફ ના લેશો. " આકાંક્ષા એ કહ્યું.
" અરે ! તકલીફ શું એમાં ? ચાલ મારી સાથે જ . " શિવાલીએ‌ ભારપૂર્વક કહ્યું.
બન્ને કારમાં જઈ રહ્યા હતા. ત્યાં જ શિવાલીનો ફોન રણક્યો. શિવાલી ડ્રાઈવ કરતી હતી તેથી એણે પૂછ્યું , " કોનો ફોન છે ? જરા જોઈને કહે તો ?"
" ડૉ.સિદ્ધાર્થનો ફોન છે. " આકાંક્ષાએ કહ્યું.
"ઓહ ! એમને મળવાનું હતું. કદાચ રાહ જોતા હશે. એક કામ કર. સ્પીકર પર ફોન કરી આપ હું વાત કરી લઉં. " શિવાલીએ કહ્યું.
આકાંક્ષાએ સ્પીકર પર ફોન કર્યો.
" હલો ! ડૉકટર ! કેમ છે ? " ડૉ. સિદ્ધાર્થે ખુશનુમા અંદાજે પૂછ્યું.
સિદ્ધાર્થનો અવાજ સાંભળીને પોતાના હાવભાવ છુપાવવાની આકાંક્ષા એ લાખ કોશિશ કરી પરંતુ શિવાલીથી છુપાવી ના શકી. આકાંક્ષાનો હાથ થરથરી રહ્યો હતો પરંતુ શિવાલીએ નજર અંદાજ કરી પોતાની વાત ચાલુ રાખી.

(ક્રમશઃ)