Aage bhi jaane na tu - 14 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 14

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

આગે ભી જાને ના તુ - 14

પ્રકરણ - ૧૪/ચૌદ

ગતાંકમાં વાંચ્યું.....

અનન્યા, માલતીમાસીના દીકરા મનન અને પોતાની બેસ્ટ ફ્રેન્ડ લીના સાથે પોરબંદરથી વડોદરા આવી પહોંચી. રાજપરામાં ખીમજી પટેલ ઉર્ફે આમિર અલીએ રતન અને રાજીવને સાચી હકીકત જણાવી......

હવે આગળ....


અનન્યા અને લીના બંને ફ્રેશ થઈ કપડાં બદલી નીચે આવીને માલતીમાસીને મદદ કરવા કિચનમાં આવી ત્યારે મનન બહાર નીકળી ગયો હતો.

"અરે...માસી અમે બંને આવી ગયા છીએ ને તો લાવો અમે રસોઈમાં તમને મદદ કરીએ,"અનન્યા અને લીના ડાઇનિંગ ટેબલ પર વટાણા ફોલી રહેલા માલતીમાસીને મદદ કરવા એમની બાજુમાં ગોઠવાઈ.

"ના....ના.....દીકરીઓ, હું ય અમસ્તી બેઠી હતી એટલે વટાણા લઈને બેસી ગઈ. આ ભાનુબેન છે ને એ બધું સંભાળી લેશે, તમે બંનેય મુસાફરીથી થાકી ગઈ હશો, આરામ કરો અને અનન્યા આમ પણ સાસરે ગયા પછી તારે કામ કરવાનું જ છે ને ," માલતીમાસીએ ભાનુબેનને બોલાવી લીનાનો પરિચય કરાવ્યો, અનન્યાને તો એ જાણતા જ હતા. વિધવા ભાનુબેન વર્ષોથી માલતીમાસીના ઘરે રસોઈકામ કરતા હતા. ઘરમાં માલતીમાસી, એમના પતિ જનકમાસા અને મનન એમ ત્રણ જ જણ રહેતા હતા. જનકમાસાનો વડોદરામાં ઓલ ઇન વન નામનો સુપર સ્ટોર હતો. માસા અને મનન બંને એ સ્ટોર ચલાવતા હતા. ખાધેપીધે સુખી કુટુંબ હતું.

માલતીમાસી અનન્યા અને લીના સાથે હોલમાં બેઠા અને ત્રણે વાતે વળગ્યા.

"માસી, હમણાં જ આવી," એમ કહી અનન્યા બહાર લૉનમાં આવીને હીંચકે બેસી સુજાતાને ફોન લગાડ્યો.

"જય શ્રીકૃષ્ણ મમ્મીજી, અમે એટલે કે હું અને લીના સાંજે બરાબર પોરબંદર પહોંચી આવ્યા છીએ. પપ્પાજીને કેમ છે હવે? બધા મજામાં ને? કાલે બપોરે અમે ત્યાં આવી જશું. અ....ને..... મમ્મીજી રાજીવનો કોઈ ફોન કે કોઈ સમાચાર?" અનન્યાના સ્વરમાં થોડી ઉદાસી છવાઈ ગઈ.

"જય શ્રીકૃષ્ણ બેટા, સારું થયું તું આવી ગઈ, કાલથી મને નિરાંત. તું ને તારી નણંદ રોશની લાગી જજો તૈયારીમાં. અનંતને હવે ઘણું સારું છે. બેટા..... રાજીવના કોઈ ખબર નથી. ક્યાં છે આ છોકરો, નથી ફોન કરતો કે નથી મેસેજ કરતો. પણ તું ચિંતા નહીં કર, એ સગાઈ સુધી પહોંચી જ આવશે એની મને ખાતરી છે." ઉદાસી તો સુજાતાના સ્વરમાં પણ હતી. આખરે માનું હૈયું. સાડીના પાલવથી આંખો લૂછતી સુજાતા રસોઈની તૈયારીમાં પરોવાઈ ગઈ.

રાત્રે બધા સાથે મળી, જમી પરવારીને અનન્યા અને લીના ઉપર ઓરડામાં આવી અને મુસાફરીના થાકને લીધે પથારીમાં પડતાવેંત જ બંને ગાઢ નિંદ્રામાં સરી ગઈ.

સવારે બંને આરામથી ઉઠી, નાહીધોઈ, તૈયાર થઈ, નાસ્તો કરી મનન સાથે પારેખ વિલા જવા નીકળી ગઈ. અનન્યા અને લીનાને પારેખ વિલામાં મૂકી મનન સુપર સ્ટોર જવા રવાના થયો.

"કેમ છો મમ્મીજી," અનન્યા સુજાતાને પગે લાગી અને સોફા પર એની બાજુમાં બેસી ગઈ. લીના પણ પગે લાગી સામે સિંગલ સોફા પર બેઠી.

"સદા સુખી રહે,"ના આશીર્વાદ આપી સુજાતાએ અનન્યાના માથે પ્રેમથી પોતાનો મમતાભર્યો હાથ ફેરવ્યો.

"જમનાબેન, પાણી લાવજો," જમનાબેનને પાણી લાવવાનું કહી સુજાતા અનન્યા અને લીના ત્રણે વાતે વળગ્યા.

"અનંત અને મનીષકુમાર થોડીવાર પહેલા જ ઓફીસ માટે નીકળી ગયા, આજે એમની કોઈ મિટિંગ હતી અને રોશની બસ તૈયાર થઈને હમણાં આવતી જ હશે," જમનાબેન પાણી લઈ આવ્યા, અનન્યા અને લીના બંને એમને પણ પગે લાગી એમના આશિષ લીધા.

"આવી ગયા મારા થનાર ભાભીજી," રોશની દાદર ઉતરતા જ બોલી, "અને આવતાવેંત સાસુમાની સેવામાં પણ લાગી ગયા. એમ કાંઈ સેવા કરવાથી મેવા નહીં મળે, કેમ ખરુંને મમ્મી? પ...ણ.....હા..... એક વાત છે જો મને ખુશ રાખશો તો હું મમ્મી જોડે થોડી લાગવગ લગાડી શકું છું." રોશની સુજાતાની બીજી બાજુ બેસી ગઈ. "બાય ધ વે, આ.........કો.....ણ?" લીના સામે જોતાં બોલી.

"રોશનીબેન, આ મારી બેન જેવી બેનપણી છે લીના, નાનપણથી અત્યાર સુધી એટલે કે સ્કૂલથી નોકરી સુધીના મારા સુખદુઃખના સફરનામાની સાક્ષી." અનન્યાએ લીનાનો ટૂંકમાં પરિચય આપ્યો.

"અને... હજી એક વાત, આ... બેન...ફેન નું ચક્કર આપણને નહીં ફાવે, ડાયરેકટ રોશની, હું પણ કાંઈ અનન્યાભાભી જેવું લાં.....બુ...લચક સંબોધન નહીં કરું. જે મીઠાસ તુંકારામાં હોય છે ને એ મીઠાસ તમે કે આપ જેવા વજનદાર સંબોધનમાં ફીકી પડી જાય છે. આમપણ, હું અનંતરાય અને સુજાતાની એકમાત્ર લાડકી દીકરી, રાજીવની વ્હાલી બેન અને તું પણ તારા માતાપિતાની એકની એક કાળજાના કટકા જેવી. સાચું કહું તો મને બેનની બહુ ખોટ સાલતી હતી પણ તને જોયા પછી એવું લાગે છે કે મને નાની બેન મળી ગઈ એટલે મોટીબેન તરીકેનો હક પણ જમાવીશ પ્રેમ પણ એટલો જ આપીશ," રોશનીએ પોતાના બંને હાથ અનન્યાના ગળે વીંટાળી એને ભેટી પડી. થોડીવાર સુધી ચારે સ્ત્રીઓ સાંસારિક ચર્ચામાં જોડાઈ ગઈ.

"ચાલો છોકરીઓ.... વાતો તો થયા કરશે, વાતોના વડાથી પેટ નહીં ભરાય. જમવાનું તૈયાર છે અને જમીને તમે શોપિંગ માટે નીકળી જાઓ બપોરે દુકાનોમાં ભીડ પણ ઓછી મળશે અને તમે શાંતિથી મનગમતી શોપિંગ કરી શકશો." કહી સુજાતા ઉઠી અને ડાઇનિંગ ટેબલ પર થાળીઓ ગોઠવવા લાગી. રોશની, લીના અને અનન્યા ત્રણે જમવા બેઠી.

"આજે તો મસ્ત મજા પડી ગઈ જમવાની. જોયો અમારા જમનામાસીના હાથનો જાદુ. કેવી ટેસ્ટી રસોઈ બનાવે છે થાય છે કે એમના આંગળા ચાટી લઈએ," રોશનીએ કોળિયો મોઢામાં મુક્યો.

"બસ.....બસ... હવે, ખુશામતના બનાવટી ફૂલ વેરવાનું બંધ કરી ને ચૂપચાપ જમી લે. આટલા દિવસોથી તારી પસંદનું જમવાનું બનાવીને હું ય કંટાળી ગઈ છું અને આ લોકો ખાઈ ખાઈ ને. હા....શ... હવે અનન્યાની પસંદગીની રસોઈ બનાવવાનો મોકો મળશે અને બધાને કાંઈક નવું ચાખવા પણ મળશે" હસતા હસતા જમનાબેને રોશનીની થાળીમાં વધુ એક રોટલી મૂકી સાથે સાથે અનન્યા અને લીનાની થાળીમાં પણ મૂકી.

જમી ને રોશની, અનન્યા અને લીના ત્રણે ફ્રેશ થઈ શોપિંગ માટે નીકળી રહી હતી. ડ્રાઈવર પોર્ચમાંથી કાર કાઢી રહ્યો હતો. સેન્ડલ પહેરતા અચાનક જ અનન્યાને કાંઈક યાદ આવ્યું એટલે એણે સુજાતા સાથે દરવાજાની બહાર ઉભેલા જમનામાસીને પૂછ્યું, "માસી, આજે આપણી સોસાયટીના નાકે ડાબી બાજુએ તમે એક દાઢીવાળા ભાઈ જોડે ઉભા હતા, આ તો અમે એ રસ્તે આવ્યા એટલે મેં તમને જોયા."

અનન્યા આટલું બોલી ત્યાં જ જમનાબેનના પગ ખોડાઈ ગયા, "એ... તો હું બજાર ગઈ'તી ને ત્યાં આપણા બંગલેથી ચાર બંગલા છોડીને નાકે પંડ્યાસાહેબનો બંગલો છે ને, તે એમનો નોકર ચીમન મને મળી ગયો તો ઘડીક ઉભી રહી." જમનાબેનના ચહેરા પર વળી રહેલો પરસેવો અને એમની આંખોમાં ડોકાતો ભયનો ઓછાયો અનન્યાથી છૂપો ના રહ્યો પણ એ કાંઈપણ બોલ્યા વગર કારમાં બેઠી અને ડ્રાઈવરે કાર મારી મૂકી પણ કોઈનેય એ ખબર નહોતી કે પંડ્યાસાહેબને ત્યાં ચીમન નામનો કોઈ નોકર કામ કરતો જ નહોતો.

***. ***. ***

હું, તરાના, લાજુબાઈ અને એમની દીકરી, કાળમીંઢ રાતે, આઝમગઢને અલવિદા કહી અજાણી દિશામાં ચાલવા લાગ્યા." ખીમજી પટેલ ઉર્ફે આમિર અલીની વાત સાંભળી રતન અને રાજીવ અસમંજસમાં મુકાઈ જતા હતા અને એકમકની સામે આશ્ચર્ય નજરે જોઈ લેતા હતા.

"આગળ ઊંટ પર તરાના અને લાજુબાઈની દીકરી અને પાછળ હું ને લાજુબાઈ, હાથમાં સામાનના પોટલા સાથે ચાલ્યે જતા હતા. વરસાદ પણ હવે ધીમો પડ્યો હતો. સવાર સુધીમાં તો વરસાદ થોભી પણ ગયો. ચાલતા ચાલતા ખબર નહીં અમે કેટલું ચાલ્યા હશું. અમારી સાથે ઊંટ પણ થાકી ગયું હતું. હવે આગળ ચાલવાના કોઈનામાં હોશ નહોતા. એક તો રણપ્રદેશ, ક્યાંય મોટા ઝાડ પણ નહીં કે એના નીચે આશરો લેવાય. ગમેતેમ હિંમત કરી અમે હજી થોડું ચાલ્યા ત્યાં એક નાનકડું ગામ નજરે ચડ્યું. હવે અમારા બધાના જીવમાં જીવ આવ્યો. ધીમે ધીમે ચાલતા અમે ગામના પાદરે પહોંચ્યા, પાદર પાસે જ અમને એક નાનું કાચું મકાન દેખાયું. તરાના, લાજુબાઈ અને નાનકડી દીકરીને થોડે દુર ઉભા રાખી મેં આગળ વધી મકાનનો બંધ દરવાજાની સાંકળ ખખડાવી. પાંચેક મિનિટ પછી દરવાજો ખુલ્યો. સામે અજાણી વ્યક્તિને જોઈ એ મકાનમાલિક જેવા લાગતા માણસે મારો પરિચય માંગ્યો. વરસાદને લીધે અમારું મકાન પડી જવાથી, હું મારી પત્ની, વિધવા બેન અને નાનકડી ભત્રીજી સાથે આશરો શોધતા રખડતા આખડતા અહીં સુધી આવ્યા છીએ એવી ખોટી માહિતી મેં એમને આપી. વાતવાતમાં એટલું જાણી લીધું કે અમે આઝમગઢથી ઘણા માઈલો દૂર ગુજરાતની સીમા તરફના દેવીગઢ નામના ગામમાં આવી પહોંચ્યા હતા અને એ મકાનમાલિકનું નામ ઘનશ્યામભાઈ હતું. નીચલી જાતિના હોવાથી ઘનશ્યામભાઈ પરિવાર સાથે ગામલોકોથી દૂર રહેતા હતા. એ દયાળુ માણસે અમને આશ્રય સાથે આવકારો પણ આપ્યો. મેં તરાના અને લાજુબાઈને દીકરી સાથે બોલાવ્યા અને એમનો પરિચય આપી અમે એમના ઘરમાં ગયા. તરાનાનું નામ તારા, લાજુબાઈનું નામ લક્ષ્મી અને એમની દીકરીની જમના તરીકે અને મારી ખીમજી પટેલ તરીકે ઓળખાણ આપી. ઘનશ્યામભાઈ ગરીબ જરૂર હતા પણ દિલના અમીર હતા. અમારા માટે ચા-પાણીની વ્યવસ્થા કરવા એ ગામમાં સામાન લેવા ગયા. સામાન લઈને આવ્યા બાદ એમના પત્નીએ અમારા માટે ચા ને રોટલા બનાવી પ્રેમથી ગરમાગરમ ખવડાવ્યા. થાક અને ભૂખ બંનેનું જોર હોવાથી અમને ચા-રોટલા ખાઈ, હાથ મોઢું ધોઈ થોડી રાહત મળી. એમણે અમારા ઊંટ માટે પણ ચારાની સગવડ કરી હતી. ઘનશ્યામભાઈએ અમને એમના મકાનની પાછલી ઓરડીમાં આરામ કરવા જણાવ્યું. અમે ચારેય આગળપાછળ જઈ કપડાં બદલાવી જુના કપડાં પહેરી લીધા અને અમારા કપડાંનું પોટલું વાળી એનો તકિયો બનાવી આડા પડ્યા. મારા સિવાય એ ત્રણે સ્ત્રીઓ થાકની મારી ઘસઘસાટ ઊંઘવા લાગી. અજાણ્યું ગામ અને અજાણી વ્યક્તિ વચ્ચે વધુ વાર ન રોકાવું સારું એમ વિચારી આશરે દોઢ-બે કલાક પડખા ઘસી થોડા અલપઝલપ ઝોકા ખાઈ અમે ઘનશ્યામભાઈની રજા લઈ ત્યાંથી બારોબાર નીકળી ગયા. જતા પહેલા મેં ઘનશ્યામભાઈની છોકરીનો નાનકડો ખોબો રાણીછાપ સિક્કાની ઢગલીથી ભરી આપ્યો. ઘનશ્યામભાઈના પત્નીએ અમને રસ્તામાં ખાવા માટે રોટલા ને ડુંગળી બાંધી આપ્યા. થોડે આગળ જઈ રસ્તામાં એક ભરવાડ જેવા લાગતા ભાઈને અમે વેજપર જવાનો મારગ પૂછ્યો. એણે અમને વેજપર જવાનો ટૂંકો રસ્તો બતાડયો."

ખીમજી પટેલના ચહેરા પર હવે થાક વર્તાઈ રહ્યો હતો. એમને આરામની જરૂરત હતી અને રતન રાજીવને આગળ શું બન્યું એ જાણવાની અદમ્ય ઉત્સુકતા. નોકર પાસે ત્રણે માટે ચા મગાવી. ત્રણેએ ચા પીધી. ખીમજી પટેલે ફરી બીડી સળગાવી, ઊંડો શ્વાસ લીધો અને વાત આગળ વધારી.

"વેજપર જવાના રસ્તે વચ્ચે રોટલા ને ડુંગળી ખાઈ અમે ચારેય પગમાં જોમ અને આંખોમાં આશા ભરી બને એટલી ઝડપથી વેજપર પહોંચવા તૈયાર થયા. અડધો-પોણો કલાક ચાલ્યા પછી વેજપરની સીમ દેખાતા અમારા પગમાં જોર આવી ગયું અને અમે હિંમત એકઠી કરી ઝડપથી ચાલવા લાગ્યા. અમે તારા દાદા વલ્લભભાઈની ડેલીએ પહોંચ્યા ત્યારે તડકો હજી માથે નહોતો ચડ્યો. વરસાદ પછીનો ઉઘાડ અમારા આવનારા દિવસોમાં પણ ઉઘાડ લાવશે કે નહીં એવા વિચારોની વિમાસણમાં મૂંઝવાતા મને મેં ડેલીની સાંકળ ખખડાવી. થોડી ક્ષણોની રાહ જોયા પછી બારણું ઊઘડ્યું ત્યારે સામે વલ્લભભાઈને જોઈ આંખમાં આશાની ચમક પ્રસરી ગઈ. તમને એમ થતું હશે કે બીજે ક્યાંય નહીં ને અમે ત્યાં જ કેમ ગયા તો જણાવી દઉં કે મને વલ્લભભાઈ સિવાય બીજા કોઈપણ માણસ પર ભરોસો નહોતો અને મેં વલ્લભભાઈને ત્યાં નોકરી પણ કરી હતી એટલે મને વિશ્વાસ હતો કે એ અમને આ મુસીબતના સમયમાં જરૂર ઉપયોગી પણ બનશે અને કોઈ મારગ પણ બતાડશે એ જ કારણથી હું તરાના, લાજુબાઈ અને એમની દીકરીને લઈને ત્યાં ગયો.

"આવ.... આમિર અલી ઊર્ફે ખીમજી પટેલ, આવ... મને ખબર હતી કે એક દિવસ તને મારી જરૂર જરૂર પડશે," અમને ચારેયને અંદર લઈ ડેલીનો દરવાજો અંદરથી બંધ કરી વલ્લભભાઈ બોલ્યા અને અમે ચારેય ત્યાં જ સ્તબ્ધ થઈ પૂતળા બની ઉભા રહી ગયા......

વધુ આવતા અંકે.......

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.