વીરસંગનું દુઃખદ મોત બધાને વિચારવા મજબૂર કરી ગયું કે આ શક્ય બન્યું કઈ રીતે? કોણ જાણે આ કાળા વાદળની લપેટમાં આ સાવજડો ફસાયો. એક જ વ્યક્તિ જાણતી હતી કે આ કાવત્રું જ હતું. એ જાણવા વાંચો આગળનો ભાગ...
શ્યામલી કાળા ઓઢણાની માંહ્ય ગુંગળામણ અનુભવતી હતી. એને તો એ જ પળે આખી જીંદગીનો તાગ મેળવી લીધો. એ જ ક્ષણે જાણે વીરસંગ એને કહી રહ્યો હોય કે મારું મોત તમામ વિધવાઓની સ્વતંત્રતાનું ઉદાહરણ બનાવજે. આ ઘોર અંધારાના જાળામાંથી તમામને છોડાવજે.
આ બાજુ ચંદા એની વહાલસોયી દીકરીને ગળે લગાડવા ઈચ્છે છે પરંતુ, આ સમાજ એને એ કરતા પણ રોકે છે. કારણ, હવે શ્યામલી એક અંધકારમયી દુનિયાનો હિસ્સો બની ગઈ હતી. ચંદાને આજ રૂકમણીબાઈની હર એક પ્રસંગે રહેલી હાજરી મનોમન ખટકી રહી હતી.. એ નાદાન સ્ત્રી રડતા રડતા પણ કડવા વેણ ઓકી જ ગઈ કે, " જે પોતાના ધણીને પણ ન બક્ષી શકી એ પોતાના પૂતનો પણ કોળિયો કરી ગઈ ! હવે મારી દીકરીનું શું? એનો કોણ હાથ ઝાલશે? ત્યાં જ વીરસંગ મૂંછ પર હાથ અડાડતો શેખી મારવા જઈ રહ્યો હતો કે ચતુરે સમયની ચાલ પર દાવ ખેલવા આંખોથી ઈશારો કર્યો. વીરસંગનો જમીન પરથી પગ આગળ ન વધ્યો.
ચંદાના શબ્દો સાંભળી રૂકમણીબાઈએ તો પોતાની જાતને ઢોર કરતા હીન સમજવાની ભૂલ કરી. એ બે હાથ જોડી ચંદાની મૌન માફી માંગવા જાય છે કે શ્યામલીએ એના બેય હાથ પકડી એને ગળે લગાડી સાંત્વના આપી. એની સાસુનું દર્દ અત્યારે એના સિવાય કોણ સમજી શકવાનું હતું?
શ્યામલીએ રીતસરનો છાતીથી નીચેનો ઘુંઘટો તાણી પોતાની રીતે જ વીરસંગને અંતિમ વંદન કરી એ વિધવાઓની તમામ રીતો અનુસરી. એણે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો જુવાનસંગ વિરુદ્ધ..
ચંદાને ચાર સ્ત્રીઓએ ઊભી કરી એની સાથે લઈ જવા માટે તૈયાર થઈ. ચંદાએ ખૂબ ધમપછાડા કર્યા દીકરીને ન લઈ જાય એ માટે પણ આ તો જુવાનસંગના નિયમોની વાત હતી. જુવાનસંગની પત્નીઓને પણ આજ જુવાનસંગનું વર્તન ન ગમ્યું. એ બેય વિચારી રહી હતી કે ઘરનો મામલો હતો, એટલે આજથી જ નવું પરિવર્તન લાવવું શક્ય હતું.
શ્યામલી ધીમા પણ મક્કમ ડગલે મનના વિચારો સાથે ચાલતી ચાલતી કાળ હવેલી સુધી પહોંચી. એ ગામના પાદર પાસે પસાર થઈ જ રહી હતી કે એને યાદ આવી ગયું કે એ પરણીને આવી ત્યારે કોઈ એક વ્યક્તિ એને કશું કહેવા માંગતુ
હતું..એને વીરસંગની હત્યા વિશેની આશંકા પણ જન્મી. અત્યારે એવા કોઈ સંજોગો નહોતા કે એ કાંઈ જ પૂછી શકે કે બોલી શકે.
શ્યામલીનો કોળિયો કરવા જાણે આજ કાળહવેલી સામે દોડીને આવી રહી હતી. જેવા નારદે એના તોતિંગ દરવાજા ખોલ્યા કે એક શ્યામવર્ણી છાંયા શ્યામલીની પહેલા ઘુસી... હાં, એ વીરસંગની પરછાંઈ હતી..જે શ્યામલીથી દૂર જવા નહોતી ઈચ્છતી. બધી વિધવાઓના પ્રવેશ પછી ફરી એ દરવાજા કીચૂ..............ડ, કી...........ચૂડ એવા અવાજ સાથે બંદ થયા કે આંસુનો ધોધ હવે ભરપૂર વહ્યો. શ્યામલીએ હવે રળિયાત બાને ખભે પોતાની વેદના આંસુઓથી છલકાવી. બધી સ્ત્રીઓને એ સમયે પોતાની પીડા બહુ તડપાવતી. બહારથી ભલે કઠોર લાગતી હોય એ બધી સ્ત્રીઓ પણ આ સમયે અંદરખાને પોતાની જાતને સંભાળી નથી શકતી.
છેવટે, છ મહિના પહેલા જ વિધવા થયેલી રંભાએ શ્યામલીને કહ્યું, "શ્યામલી જાવાવાળા જો હાજર હોત તો તું કે હું અહીંયા તો ન જ હોત. પણ, બુન..આ સમય અને સંજોગ કોણ બદલવાનું છે? કાશ, કોઈ વાવાઝોડું આવે ને આપણે બધી જ એ વાયરે ઊડી જાય..કાશ, આ હવેલી સળગે ને એ આગમાં આપણે હોમાઈ જાય...કાશ, ઓચિંતા પૂર આવે નદીનાં ને આપણે તણાઈ જાય..દિવસ - રાત હું આ દુવા કરું છું..આમ કહી એ પણ ભોં માં માથા પછાડતી વલખે છે.
" એ હવે હામ કરો માવડીઓ, ક્યાં સુધી રડશો. આપણી તો આજ હવેલી ભલી થશે. કોણ ભાળ પૂછવાવાળું છે કે જોવાવાળું છે આપણને? આપણે સૌએ જ એકબીજાને સાચવવાના છે..ઊભ્યું થાવ ને આ શ્યામલીની પણ કંઈક વ્યવસ્થા કરો." રળિયાત બા બોલ્યા.
રૂકમણીબાઈ : " શ્યામલીને હું મારા ઓરડે મારી ભેળી રાખીશ. એને ધણીનો સાથ ને હાથ છૂટયો છે તો હવે મારી ફરજ તો એક નિભાવું જનેતાની..હાલ, દીકરી..હવે તારે અને મારે કાયમ દિવાલે માથા જ પછાડવાના છે. "
શ્યામલી રડતા રડતા એટલું બોલે છે કે " મા, એમના અંતિમસંસ્કાર-"
રૂકમણીબાઈ પણ હતપ્રભ થઈ જલ્દી જલ્દી સ્મશાનઘાટ
બાજુ પડતી એક બારીને ખોલવા જાય છે કે રંભા રોકે છે અને બોલે છે કે " મા, ભૂલી ગયા..એ અંતયેષ્ઠિ જોવાની ભૂલ આ હેમીએ કરી હતી તે શું ભોગવવું પડ્યું હતું સંધાયે.!"
હેમી :( હિબકા ભરતી ભરતી ) હાં, મારે લીધે આ બધાયને પાંચ દા'ડા ભાણું કે રાંધવાનું છાણું પણ નહોતું પોગાડયું એ જમીનદારે..મા એવી ભૂલ ન કરશો. આ બધા ગવઢાનું પણ વચારજો.
રૂકમણીબાઈએ બારી પાસેથી હાથ ખેંચી લીધો અને પાલવડેથી પોતાનો હાથ અને આંખ લૂછ્યા. એ શ્યામલીને ભારે હૈયે પોતાને ઓરડે લઈ ગઈ અને ઓરડાને અંદરથી વાસી દીધો.એણે પોતાની બારીમાંથી નાનેરી પડતી તિરાડોમાંથી ઊંચેરો ઊડતો ધુમાડો શ્યામલીને દેખાડયો અને એક ખૂણે બેસી પોતાની જાતને મનમૂકીને કોસી. અત્યારે રૂકમણીબાઈને ચંદાના આકરા વેણ કાંટા જેવા ખૂંચતા હતા.
આગળ હવે શું થશે એ જોવા વાંચતા રહો...'અમાસનો અંધકાર...'
-------------------- (ક્રમશઃ) ------------------
લેખક : શિતલ માલાણી
૧૫-૧૦-૨૦૨૦
ગુરુવાર