આજે એ જ બગીચામાં આવીને બેઠી હતી. એ સમયની જેમ જ અત્યારે પણ સુંદર ફૂલ - છોડ હતા, અહીંયા આવતા કેટલાય લોકોની વાતોથી પરિચિત અને કેટલાય રહસ્યો સંઘરીને અડીખમ ઉભેલા વૃક્ષો હતા.
સુંદર શણગાર સજેલી મધુમાલતીની એ લતાઓ જાણે પ્રિયતમના આગમનને લીધે શરમથી ઝૂકી ગઈ હતી.
સાંજનો સમય હતો અને નિરાલીને એની મમ્મી બહાર લઈ આવી એણે ઘણી ના કહી પણ એની મમ્મી નહીં માની એ થોડાં દિવસો પહેલાં જ અહીંયા આવી હતી અને હવે એનાં મમ્મી - પપ્પા સાથે જ રેહવાની હતી. એ આવી ત્યારથી બહાર નીકળે જ નહીં. બસ વિચારોમાં જ ખોવાયેલી રેહતી.
એની મમ્મી પોતાની બહેનપણીઓ સાથે વાતો કરવામાં પરોવાઈ ગઈ એટલે એની મમ્મીને કહીને એ થોડી દૂર બાંકડા પર જઈને બેઠી.
એની આંખની પાંપણો સ્થિર થઇ ગઇ અને જૂની યાદોમાં સરી ગઈ, અહીંયા જ એ નમન સાથે આવતી અને બંને સપનાઓની રંગીન દુનિયામાં પતંગિયા બનીને વિહાર કરતાં.
નમન એની આંખોમાં જોતોને એ શરમાઈને આ જ મધુમાલતીની લાતાઓ પકડી પાછળ ચેહરો કરી લતી અને નમન હસતો. આ યાદોએ એની આંખો ભીની કરી દીધી એની સ્થિર આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
એટલા માં જ સામેથી હસતાં ચેહરે દોડતી આવતી નાની ત્રણ વર્ષની બાળકીએ નિરાલીનું ધ્યાનભંગ કર્યું. એ રમી રહેલી બાળકી પર જ એનું ધ્યાન કેન્દ્રિત થઈ ગયું. નિરાલી એને જ જોયા કરી એને એ બાળકીની માસૂમિયત જોઈને એના ચેહરા પર ઘણાં દિવસો બાદ હળવું સ્મિત આવ્યું.
એણે એને પાસે બોલાવી પણ એ ન આવી, એટલે એનાથી ન રહેવાયું અને એ હળવેથી ઉભી થઇ એની પાસે ગઈ અને એનાં હાથ પકડી હસતા ચેહરે એને પૂછ્યું.
' તારું નામ શું છે?' એ કઈ પણ બોલ્યા વગર હાથ છોડાવી ત્યાંથી દોડી ગઈ. એટલામાં જ એની મમ્મી આવી, "નિરાલી! ચાલ જઈએ હવે મોડું થઈ જશે." અને એ એની મમ્મી સાથે ઘરે ચાલી ગઈ.
ઘરે પહોંચી પણ એના મનમાં પેલી નાની સુંદર બાળકી જ રમી રહી હતી એના મનમાં થી એનાં વિચારો ગયા જ નહીં.
"કેટલી માસૂમ, કેટલી સુંદર, એનું નામ શું હશે? એ ફરી ક્યારે મળશે?" આ પ્રશ્નોએ નિરાલીને ઘેરી લીધી એટલામાં જ એની મમ્મીએ એને બોલાવી. " નિરાલી! ચાલ ચાય બની ગઈ છે "
'હા આવી' કહી એ મમ્મી - પાસે જઈને બેઠી એના પપ્પાએ કહ્યું, " બેટા! હવે આગળ શું નક્કી કર્યું છે તે"
એણે ઉદાસ મને કહ્યું " પપ્પા આ પ્રશ્ન તમે મારું સગપણ નક્કી કર્યું ત્યારે પૂછ્યો હોત તો ?"
"તો શું બેટા! બધું બદલાઈ થોડું જવાનું છે જે થવાનું હતું એ તો થઈ ગયું હવે ભૂલી જવાનું."
"પણ મમ્મી ! તમે બધા ભલવાનું જેટલું સરળતાથી કહો છો એટલું સરળ નથી મારા માટે એ બધું ભૂલવું." એમ બોલીને ચાલી ગઈ. " તમે હમણાં એને થોડો સમય આપો હમણાં એ વિષયમાં કાઈ વાત કરશો નહીં એના ચેહરાની ઉદાસીનતાએ મારી નીંદ, મારા મનની શાંતિ હણી લીધી છે." એમ કહી એની મમ્મી આંસુ લુછવા લાગી.
બીજા દિવસે સાંજે નિરાલી આવીને એની મમ્મીને સામેથી કેહવા લાગી "મમ્મી આજે તારે નથી જવાનું તારી બહેનપણીઓને મળવા?"
"બધા તો ભેગા થવાના જ છે પણ તારું મન નહોતું કાલે ત્યાં જવાનું અને આજે તને એકલી મૂકીને જવું નથી મારે."
એની મમ્મીએ જવાબ આપ્યો. અને તરત જ એ બોલી
" તો ચાલને મમ્મી આપણે જઈએ." એની વાત સાંભળી એની મમ્મી હસતાં ચેહરે ધ્યાનથી એની સામે જોવા લાગી.
એણે પૂછ્યું " શું થયું મમ્મી?"," કંઈ નહીં બેટા! પણ જવાનું છે એવી ખબર હોત તો હું ફટાફટ કામ પતાવી લેત ને."
"કાંઈ નહીં મમ્મી! એમાં શું છે આપણે આવીશું પછી હું મદદ કરીશ ને." નિરાલીના વ્યવહારમાં આ બદલાવ જોઈને એની મમ્મી આશ્ચર્ય પામી અને ખુશ થઇને કેહવા લાગી, "સારું ચાલ જઈએ છે."
નિરાલી એની મમ્મી સાથે બગીચામાં પહોંચી. આજે પણ અહીંયા બધું જોઈ એની આંખો સામે એની અને નમનની યાદો તરવરવા લાગી. અને પછી જે બાંકડા પર ગઈ કાલે બેઠી હતી ત્યાં જ જઈને બેઠી એની આંખો જાણે કોઈકની રાહ જોતી હતી.
થોડે દુર સામે એની મમ્મી સાથે અન્ય સ્ત્રીઓ કંઈક વાતો કરતી હતી અને એ બધી સ્ત્રીઓ થોડી - થોડી વારે એની સામે જોતી હતી, એના પરથી એને એટલું તો સમજાતું હતું કે ત્યાં એની જ વાતો રહી હતી.
અને એટલામાં જ પેલી બાળકી સરસ ગુલાબી રંગનું ફ્રોક પેહરી એક સ્ત્રીની આંગળી પકડી આવી રહી હતી એને જોતા જ નિરાલીના ચહેરા પર હળવા સ્મિતની રેખાઓ અંકિત થઈ ગઈ જાણે કે એ એની જ રાહ જોઈ રહી હતી.
નિરાલી ઉભી થઇ એની પાસે ગઈ, બાળકી સાથે જે સ્ત્રી હતી એ લગભગ નિરાલીની મમ્મીની સમાન ઉંમરવાળી જ હતી, માટે નિરાલીએ પેહલાં તો હળવાં સ્મિત સાથે એને 'જય શ્રી કૃષ્ણ' કહ્યું ત્યારબાદ તે પેલી બાળકી સામે જોઇને બોલી " તેં તો આજે સરસ ફ્રોક પહેર્યું છે ને! તું મારી સાથે રમીશ? "
એટલે પેલી સ્ત્રી બોલી, " તું કરુણાની દીકરી ને? નિરાલીએ જવાબ આપ્યો 'હા!' " જો બેટા! તને રમવા લઈ જાય છે." નિરાલીએ પેલી સ્ત્રીને જોઈને પૂછ્યું, " તમે?"
" હું તારી મમ્મીની બહેનપણી. થોડાં સમયથી હું આ મારી પૌત્રી છે 'મિલી.' એને લઈને રોજ આવું છું બગીચામાં ત્યારથી તારી મમ્મી સાથે ઓળખાણ થઈ ગઈ કાલે જ તારી મમ્મીએ દૂરથી તને બતાવેલી કે આ મારી દીકરી છે અને તારા વિશે બધી વાત કરી." આ સાંભળીને નિરાલીનાં ચેહરા પર દુઃખ અને ઉદાસી સ્પષ્ટ દેખાવા લાગ્યાં.
એટલે નિરાલીનું ધ્યાન વાળવા એ મિલીના દાદી બોલ્યાં " જા મિલી! " એટલે નિરાલીએ મિલીને ઉંચકી લીધી અને પછી એને ઝૂલા પર બેસાડીને અને ઝૂલા નાખવા લાગી એનાં મુખ પર એનાં હૃદયનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો. મિલીની દાદી અને નિરાલીની મમ્મી બંને દૂર બેઠાં એને જ જોઈ રહી હતી.
એની સામે જોઈ રહેલી નિરાલીની મમ્મી બોલી કેટલાં વર્ષોથી એ હસવાનું જાણે ભૂલી જ ગઈ આજે મેં એને હસતાં જોઈ છે. આ સાંભળી "બધું સારુ થઈ જશે" એમ કહીને મિલીની દાદીએ એમને આશ્વાસન આપ્યું.
મિલી સાથે રમી રહેલી નિરાલીને ખ્યાલ જ ન રહ્યો કે સમય ક્યાં ગયો અને એની મમ્મીએ પાસે આવીને કહ્યું," ચાલ બેટા! ઘરે ઘણું કામ બાકી છે." મિલીને પણ હજી રમવું જ હતું. એને પણ જાણે મજા પડી આજે એમ પણ બાળકોને શું જોઈએ? ફક્ત પ્રેમ.
" કાલે બેટા હવે એમ કહીને એની દાદીએ એને હાથ પકડી પોતાની પાસે તેડી લીધી નિરાલીને સહેજ પણ મન નહોતું થતું એનાથી દૂર થવાનું પણ શું કરે? આખરે મન મનાવી એ મિલીના દાદીને " જય શ્રી કૃષ્ણ " કહી અને મિલીને
" બાય બેટા!"એમ કહીને એની મમ્મી સાથે જવા લાગી એને મિલીને ગળે લગાડી ખૂબ વ્હાલ કરવાનું મન થયું પણ એ હિંમત ન કરી શકી.
નિરાલી અને એની મમ્મી ઘરે પહોંચ્યા. એના પપ્પા ચાય માટે રાહ જોઇને બેઠાં હતાં એટલે એની મમ્મી આવીને ચાય બનાવવા રસોડામાં ગઈ. એટલે નિરાલીએ કહ્યું, "મમ્મી આજે હું ચાય બનાવું છું તું પપ્પા સાથે બેસ."
એની મમ્મી વિસ્મય સાથે એને જોવા લાગી, અને મનોમન વિચારવા લાગી, " એક મહિનાથી અહીંયા છે પણ કોઈ કામ કરતી નથી કે કોઈની સાથે વાત પણ નથી કરતી. એનાં રૂમમાં જ રહે આખો દિવસ રહે, કઈ જવાનું કહું તો પણ એની 'ના' જ હોય તો પછી આજે અચાનક શું થયું આને કે સામેથી બગીચામાં જવા કહ્યું અને હવે આ......."
" શું થયું મમ્મી? શું વિચારે છે?" નિરાલીએ એની મમ્મીને પ્રશ્ન કર્યો. એટલે એની મમ્મી ... "કાઈ નહીં બેટા!"
કહી રસોડામાંથી ચાલી ગઈ. નિરાલી ચાય બનાવવામાં લાગી ગઈ.
"આજે કઇ ખૂબ મોડું થઈ ગયું તમને?" નિરાલીના પપ્પાએ એની મમ્મી સામે જોઇને પૂછ્યું. એટલે એની મમ્મીએ જવાબ આપ્યો "અરે ! મારે આજે જવું જ નહોતું પણ આ નિરાલી લઈ ગઈ એટલે."
"એમ! શું વાત છે?" એના પપ્પા આશ્ચર્ય સાથે બોલ્યા. એટલે એની મમ્મીએ કહ્યું "સારું જ છે ને આવી ત્યારની ઉદાસ જ છે અને લગ્નના એક વર્ષ સુધી જ મેં એને હસતાં અને ખુશ જોઈ છે પછી તો જાણે હસવાનું જ ભૂલી ગઈ." સાચી વાત છે તારી.....
એટલામાં નિરાલી ચાય લઈને આવી હળવા સ્મિત સાથે એના પપ્પાને ચાય આપી પછી મમ્મીને અને એ લોકો સાથે બેઠી. બધાં મૌન ત્રણમાંથી એકેય કંઈ બોલે નહીં....
મૌન તોડતાં ધીમેથી નિરાલી એની મમ્મી સામે જોઇને બોલી, "મમ્મી ! આ મિલી....." એટલું બોલી અટકી ગઈ એટલે એની મમ્મી બોલી...
"અરે બેટા! એ એનાં બા દાદા સાથે રહે છે, બંને એકલા જ છે અને આ મિલી બસ, એની મમ્મીએ બીજે લગ્ન કરી લીધાં અને અને એની નવી સાસરી વાળાએ મિલીને સ્વીકારવાની ના પાડી અને આમેય એનાં બા - દાદા તો એવું જ ઇચ્છતા હતાં, અને......."
એની મમ્મીને વચ્ચેથી જ બોલતી અટકાવીને "અરે પણ, એની મમ્મીએ બીજા લગ્ન કર્યા શા માટે???"
એટલે એની મમ્મીએ કહ્યું; "મિલીના પપ્પાનું હાર્ટએટેક થી અવસાન થયું માટે." એટલે વચ્ચે એના પપ્પા બોલ્યાં;
" અરે એ સારો અને સમજુ હતો આપણને એકવાર મળેલો અને તેં ઓળખાણ કરાવેલી પછી તોજ્યારે મળે ત્યારે મને બોલાવતો જ અને બે -ત્રણ વાર તો આપણી સોસાયટીના નાક સુધી મને મુકવા આવેલો. દિવાકારનો દિકરો એના જેવો જ સ્વભાવમાં તો નહીં કરૂણા?"... " હા સાચી વાત..." નિરાલીની મમ્મીએ જવાબ આપ્યો.
નિરાલીના હૃદયની ધડકનો વધી ગઈ એણે ચાયનો કપ ટેબલ પર મૂકી દીધો એની આંખો સામે જાણે અંધારા છવાઈ ગયાં. " શું કહ્યું પપ્પા! કોનો દીકરો? દિવાકર અંકલનો જે કોલેજમાં જૉબ કરતા હતા? અને જેમનાં દીકરાનું નામ નમન .......?" એનાં થી આગળ એ બોલી ના શકી.
'હા...' એનાં પપ્પાએ કહ્યું એટલે પછી તો એણે જે ધીરજ રાખી હતી એ બધી તુટી ગઈ અને ત્યાં જ ધ્રુસકે - ધ્રુસકે રડવા લાગી. એટલે એના મમ્મી - પપ્પા આશ્ચર્યમાં પડી ગયા અને એનાં પપ્પા એને પૂછવા લાગ્યા "શું થયું નિરાલી?"
એની મમ્મીએ એને ચૂપ કરાવવા પ્રયત્ન કરતી હતી નિરાલી ઝડપથી દોડીને એનાં રૂમમાં ચાલી ગઈ અને દરવાજો અંદરથી બંધ કરી લીધો, અને એનું રડવું રોકાતું નહોતું.
એનાં પપ્પા દરવાજો ખખડાવતા બોલ્યાં "નિરાલી દરવાજો ખોલ." પણ એણે દરવાજો નહીં ખોલ્યો. અને એની મમ્મી બોલી " રેહવા દો થોડીવાર એને સમય આપો એ થોડી સ્વસ્થ થશે એટલે ખોલશે. " પણ કરૂણા! એ કેમ આટલું રડે છે?" એમ કહી એના પપ્પા પણ આશ્ચર્ય સાથે ત્યાંથી ચાલ્યા ગયા.
સવારે એની મમ્મી નિરાલીના પપ્પાને કેહવા લાગી "આખી રાત એણે દરવાજો ખોલ્યો નથી, જમી પણ નથી હવે હું વધારે રાહ ન જોઈ શકું." એના પપ્પાએ કહ્યું; "હા કરુણા ! હવે મારી બેચેની પણ વધી રહી છે."
બંને એના રૂમના દરવાજા પાસે જઈને; "નિરાલી બેટા! શું કરે છે? દરવાજો ખોલ અમને ચિંતા થાય છે." રડતા સ્વરમાં નિરાલી બોલી, " હવે શું ચિન્તા કરવાની પપ્પા? તમે બંને જાવ હમણાં મારે કઇ વાત નથી કરવી." એટલે એનાં મમ્મી પપ્પાની બેચેની વધી એ આ રહસ્ય તોડવા માંગતાં હતા કે;
"આખરે એવું તે શું થયું કે નિરાલીને આટલું બધું લાગી આવ્યું આટલું તો એ ક્યારેય નથી તૂટી કે નથી રડી."
એટલે તરત એનાં મમ્મીએ મિલીના દાદીને ફોન લગાવ્યો અને બધું જણાવ્યું અને કહ્યું, "તમે મિલીને લઈને જલદીથી આવો કદાચ એ મિલીનો અવાજ સાંભળી દરવાજો ખોલે તો અમનેય કાઈ સમજાય."
નિરાલીના પપ્પા આમતેમ ઝડપભેર ચાલ સાથે આંટા મારતા એ લોકોની આવવાની રાહ જોઈ રહ્યા હતા. અડધા કલાકમાં એ લોકો મિલીને લઈને આવી પહોંચ્યા.
"ક્યાં છે નિરાલી?" એમ આશ્ચર્યના ભાવ સાથે બોલ્યા, મિલીના દાદી મિલીને લઈને એના રૂમ પાસે ગયા અને દરવાજો ખખડાવતા બોલ્યા. "જો બેટા! હું મિલીને લઈને આવી છું દરવાજો ખોલ, હા, ખોલ દરવાજો!" એટલે નિરાલીએ દરવાજો ખોલ્યો.
અને મિલીને બાથમાં લઈને જોર જોરથી રડવા લાગી બધાંએ એને ચૂપ કરાવી અને કહ્યું, "તું અમને જણાવે નહીં તો કઈ રીતે સમજાશે અમને કે શું થયું?"
એની મમ્મીએ પાણી આપ્યું, પછી થોડી સ્વસ્થ થઈ. એટલે એની મમ્મીએ કહ્યું ,"હવે જણાવ શું થયું?"
એણે કહ્યું; " મમ્મી હું કોલેજમાં હતી ત્યારે મારી ઓળખાણ નમન સાથે થયેલી અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને અમે સાથે એ ખૂબ સપનાં જોયેલાં એકબીજા સાથે જ લગ્ન કરીશું એવું વચન આપેલું એ તો એના ઘરમાં વાત કરવાનો હતો અને મને મળવા લઈ જવાનો હતો, પણ મારા મમ્મી - પપ્પાના ડરથી મેં ના પાડી અને એ સમયે મારા સગપણની વાત ચાલી રહી હતી એ પણ મેં એનાથી છુપાવ્યું કે, મારા સગપણની વાત ચાલે છે. એને પછી એને મળવા બોલાવ્યો ત્યારે મેં એને જણાવ્યું મારું સગપણ થઈ ગયું છે, મને ભૂલી જજે એ તૂટી ગયો એની આંખોમાંથી આંસુ નીકળતા હતા."
આ સાંભળી એના મમ્મી - પપ્પા અને નમન ના મમ્મી - પપ્પાની આંખો ભીની થઇ ગઇ. નિરાલી આગળ વાત કરતાં બોલી; "અને નમન મારા હાથ પકડી મને કહી રહ્યો હતો આપણે હમેશા ખુશ રહીશું, આપણે જોયેલાં સપનાં યાદ કર, હું જિંદગીભર તારો સાથ આપીશ પણ મને છોડીને ના જઈશ." પણ મેં એને કહયું "એ શક્ય નથી મારા મમ્મી - પપ્પા નહીં માને", એણે કહયું, "આપણે માનવીશું તો માની જશે."
" તને સમજાતું નથી હું આ વાત નહીં કરી શકું" હું ગુસ્સા સાથે બોલી. એટલે એણે કહ્યું "તો મને શા માટે દગો કર્યો ઠીક છે હવે તારે જે કરવું હોય તે કર ક્યારેય મારી સામે આવીશ નહીં" એવું બોલીને ચાલી ગયો.
" અને મારા લગ્ન થઈ ગયાં અને બધું થોડો સમય બધું બરાબર ચાલ્યું પણ, પછી નાના - નાના ઝઘડા અને અનેક ગેરસમજોએ ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું એ સમજાયું જ નહીં, એ મને ક્યારેય સમજી ન શક્યો, અને હું એને; અને બંને વચ્ચેની દુરી વધતી જ ગઈ પછી તો સાથે રેહવું મુશ્કેલ થઇ ગયું એટલે અમે બંને પરસ્પર મરજીથી છુટા પડ્યા; ડિવોર્સ આપ્યા અને હું અહીંયા આવી ગઈ અહીંયા પપ્પાના ઘરે."
એના મમ્મી - પપ્પા રડતા સ્વરે બોલ્યાં; "બેટા ! અમને માફ કરી દેજે તારા સપના અને લાગણીઓ અમે સમજી ના શક્યા."
મિલીના દાદીનો હાથ પકડી નિરાલી બૉલી; " તમારા સિવાય મિલીનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી તો હું મિલીને મારી બાળકી બનાવવા માંગુ છું એને દત્તક - ગોદ લઈને એની જવાબદરીઓ નિભાવીશ અને એને ખૂબ પ્રેમ આપીશ, મારા માટે એ પહેલાં રેહશે હમેંશા.
મિલીના દાદા અને બા નિરાલીના મમ્મી - પપ્પા સામે જોઈ રહ્યા એટલે નિરાલીના પપ્પા બોલ્યા "આજ સુધી મેં મારી મરજી ચલાવી પણ હવે એ જે ઇચ્છસે એમ જ થશે."
એટલે મિલીના બા - દાદાએ હા પાડી; કેમ કે, એ બંને પછી મિલિનું ધ્યાન રાખવવાળું કોઈ ન હતું અને નિરાલી કરતાં વધુ પ્રેમ આપવાવાળી માં મિલીને નહીં મળે એ પણ એ જાણતાં હતાં નિરાલી ખૂબ ખુશ થઇ ગઇ અને મિલીને ઉંચકી લીધી અને ખૂબ વ્હાલ કરવા લાગી.
✍....ઉર્વશી.