SAMBANDHMA SALI NE SWADMA GHARI in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | સબંધમાં સાળી ને સ્વાદમાં ઘારી..!

Featured Books
Categories
Share

સબંધમાં સાળી ને સ્વાદમાં ઘારી..!

સબંધમાં સાળી ને સ્વાદમાં ઘારી..!

શરદપૂર્ણિમા આવી, ને ઘારીના પારણા કરાવી ઝાટકા સાથે ચાલી પણ ગઈ. અમુક તો હજી ઓટલે બેસીને દૂધ-પૌઆના ઓડકાર ખાય છે બોલ્લો..! દાઢમાં આતંકવાદીની જેમ સંતાયેલી, ઘારી તો અંદર બેઠી-બેઠી હજી સળી કરે છે કે, ‘શરદપૂર્ણિમા..થોડોક વખત ઠરી ગઈ હોત તો..? એના કરતા તો કોરોના સારો. ભલે ‘કાઢો’ પીવડાવી પણ કેવો ચોંટી રહ્યો? ઠરી હોત તો ઘારીઓ ઝાપટીને કાઢાની કણસ તો ભાંગી હોત..? શરદ પૂર્ણીમા એટલે શરદ પૂર્ણિમા..! આખી રાત મન મુકીને એવી મહેકતી ને એવી વરસતી, કે ‘ચાંદની ઓઢું-ઓઢું ને ઉડી જાય..!’ એની તો કોઈ મઝા જ ઔર..! પછી જેના ભેજામાં ભેદી ખાંચા જ ભરેલા હોય, એને ભલે એ કાળી ચૌદશ લાગે..! આ તો એક આકાશી મૌજ છે દાદૂ..? એમાં રાહડા ગાઈને પલળવાનું જ આવે. બાકી જેને સપરમા દિવસે પણ દાળમાં બોળીને બિસ્કીટ ખાવાની આદત પડી હોય, એની દયા જ ખાવાની..! આદત અને દાનતથી જે સંક્રમિત થયો હોય, એને ભલો ભૂપ કે શ્રીશ્રી ભગો પણ હૂપ ના કરી શકે. દાંત આપે તે ચવાણું આપશે જ, એવી આશામાં પલાંઠીવાળીને ધાબે બેસનારના મોંઢામાં ઘારીનો આનંદ ક્યારેય વરસતો નથી. “દાંત આપે તે ચવાણું આપે” એ કહેવામાં સારું લાગે બાકી. ચવાણું આપે તે ‘બાટલી’ નહિ આપે..! આઈ મીન ઘારી નહિ આપે. આપે તો શરદપૂર્ણિમા ઉપર કાળી અમાસે કરેલી ચઢાય જેવું કહેવાય...! કોરોનાના ડર વિના જેને આનંદ લુંટવાની આદત છે, એને તો એક દિવસની શરદપૂર્ણિમા પણ ઓછી પડે. એ તો સારું છે કે, ચાંદરણાનો સ્ટોક નથી, ન ડીપોઝીટ બનાવીને વરસોવરસ ચલાવે એવાં..! મૌજ કરો ને યાર..?

હમણાં જ શરદ પૂર્ણિમા ગઈ, ચાંદરણું ઓઢી-ઓઢીને લોકોએ કરોડો રૂપિયાની ઘારીનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હશે બોલ્લો..! ધાબે-ધાબે દૂધ-પૌઆ સાથે જમાવટ થઇ હશે. માણસને બીજું જોઈએ શું? મૌજ-મસ્તી ને મઝા..! આયખું ખૂટી જાય, પણ લોકોની મૌજ નહિ ખૂટે. જ્યાં મળી ઘારી ત્યાં છોડી ગાડી. પછી ભલે ને જીવતરમાં અમાસ હોય, એ જ એની શરદપૂર્ણિમા..! કોરોના પણ ભૂલાય જાય ને કણસ પણ ગાયબ થઇ જાય. બાકી ચાંદો તો દોસ્ત, જીનપીંગના દેશમાં પણ ઉગે. પણ બંને મગજ, યુધ્ધના ડાકલાં વગાડી ભારતને સળી કરવામાં જ વપરાય. એને બીજી કોઈ મસ્તી સુઝે છે..? શરદ પૂનમની રાત એટલે માદક રાત. બધી વાતે ઉખ્ખડ થઇ ગયેલામાં પણ એકવાર તો ‘ઈમ્યુનીટી’ લાવી દે દાદૂ..! એને મંદી પણ નહિ નડે, ને કોઈ પ્રકારની બંધી પણ નહિ નડે. ‘ડાયાબીટીશ’ વાળું પુંછડું હોય તો એ પણ નહિ અડે. ઉલટાનો, ચાંદને જોઇને વધારાની બે-ચાર ઘારીનો ઘાણ કાઢી નાંખે તે અલગ..! જેવી જેવી મૌજ..!

એમાં કંઈ જ કહેવાપણું નહિ કે, મૌજ-મસ્તી ને મઝા એટલે સુરતીની જાગીરી મામૂ..! ફાફડા જલેબી લોચો ખાયને એ ભૂંસાનો પણ ફાંકો રાખે, ને મોંઘીદાટ ઘારી ખાયને ફાંદ પણ વધારેલી રાખે..! મૌજ-મસ્તીના મામલે સુરતી આજે પણ વિશ્વમાં અવ્વલ નંબરે છે. ભગવાને એનો કોઠો જ એવો બનાવેલો કે, ખાણી-પીણીમાં કોઇને ગાંઠે જ નહિ. સુરતી લાલા એટલે ઉત્સવપુત્રો..! એકવાર પલળવો જોઈએ, પછી અટકે તો એ સુરતી નહિ. એમાં શરદ પૂનમની પ્રકૃતિ જોઇને તો એવો પલળી જાય કે, કોરોનાનો બાપ આવે તો પણ એનો ઠાઠ નહિ છોડે. તહેવારો એની ઉર્જા ને તહેવારો એની જિંદગી..! તહેવારોની ઈજ્જત કરવાનો નજારો જ અલગ. જેમાં ખાણી-પીણીની ઉજાણી નહિ આવે તો એ તહેવાર એને મોળા દૂધપાક જેવો લાગે..! એમાં શરદપૂર્ણિમાની રાતે ભલે ને ચાંદના ઢોલીએ બેસીને કોરોના ડોળા કાઢીને મરશીયા ગાતો હોય, છતાં કરોડો રૂપિયાની ઘારીને પચાવી જાણે એનું નામ સુરતી. કિલો-બે કિલો ઘારી તો એ ચાખવામાં ફીનીશ કરી દે..! શરદ પૂનમ આવે એટલે, ઠેર ઠેર માંડવા બંધાવા માંડે. તહેવારો જોઇને જ એવું સુર છૂટે કે, તહેવારોને પણ થાય કે, જન્મારો તો સાલો આ બાજુ જ કાઢવા જેવો. શરદ પૂનમ આવે એટલે સુકા થડમાં પણ કુંપણ ફૂટવા માંડે. આળસુ ઉદ્યમી થઇ જાય. ને એના કપાળમાં કાંદા ફોડું, શબ્દોની સંવેદના હોય તો કવિ બરછટના નામે કવિતા પણ લખતો થઇ જાય કે, ‘ચાંદની ઓઢું ઓઢું ને ઉડી જાય..!’ ઘારી ઝાપટવા કરતા કવિતા વધારે લખે. શરદ પૂર્ણિમા એટલે ચેપી ઉત્સવ. કોઈની સલાહ માનવી નહિ, પણ મારી આપને સલાહ છે કે, જેમણે તત્કાળ કવિ-લેખક બનવું હોય, તો ‘શરદ-પૂર્ણિમા’ ના દિવસે ટ્રાય કરવા જેવી. એના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ મૂહર્ત નહિ..! જેમ વસંત ઋતુમાં વૃક્ષો ખીલે, એમ આ દિવસે કવિઓને ઉર્મીઓના ફણગા ફૂટે. કવિ થવા માટે મૂડીમાં બીજું જોઈએ શું? ચાંદ- ચાંદની—સરિતા-સુરજ- સિતારા- શરાબ-શમા- કબર –અમન-ચમન -કાંટા-ગુલાબ-ફૂલ-પતંગિયા ને દરિયાના મોજાં જેવાં વિષયોનો જેની પાસે ‘સ્ટોક’ હોય, એ કવિની દુકાન આસાનીથી ખોલી શકે..! વિષયની મૂડી નહિ હોય તો, કોઈ પાસેથી લીઝ ઉપર લોનથી લઇ લેવાની..! આ તો એક ગમ્મત દાદૂ..! બાકી, એકવાર ભેજાં સાથે જો આવા વિષય અથડાયા, એટલે કવિની લાઈન મળી તો જાય..! પછી તો, શબ્દોનો એવો ઘાણ કાઢવા માંડે કે, રચના પૂરી નહી થાય ત્યાં સુધી ધાબુ-ચંદ્ર ને ચાંદરણું પણ નહિ છોડે. દાઢી કરવાનું પણ ભૂલી જાય. બે-ચાર દિવસમાં ચહેરો તો એવો બનાવી દે કે, જાણે મધમાખીએ મોંઢા ફરતે મધપુડો ના બાંધ્યો? ચાઈનાએ એની સેના મોઢાં ફરતે લગાવી હોય એમ, દાઢી જ દેખાય, ચહેરો તો દેખાય જ નહિ..!

શરદ પૂનમની રાત એટલે પ્રેમીઓનો પમરાટ. ને ઘારીઓની ઘાત..! પ્રેમનો મહિમા પૂનમની રાત સાથે જેટલો ગવાયો છે, એટલો ચોમાસાના કાદવ કીચડ સાથે વખણાયો નથી. શરદ પૂર્ણીમાની રાતે, ડોહાઓએ તો રાસડા માટે દાંડિયા કાઢવા જ નહિ. એક તો ઘારી રેચક હોય ને એમાં, જો ધોતીયા સાથે કોઈના ચરણ ભેરવાયા તો, ખલ્લાસ..! એના કપાળમાં કાંદા ફોડું, કોઈને કહેવાનું થાય કે, બાપાનો એ છેલ્લો ગરબો હતો..! એના કરતાં મંદિરમાં બેસીને ભજનીયા કરતાં-કરતા તાળીઓ જ પાડવાની કે,‘ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે..! શરદ પૂર્ણિમા પૂરી..!

મગજમાં એક જ ધુમાડો રાખવાનો કે, “ હું જ મારી સવાર છું, ને હું જ મારી સાંજ છું. ચાંદ છે મારા હૈયામાં ને હું જ મારી રાત છું. સબંધમાં ભલે સાળી હોય, ને સ્વાદમાં ભલે ઘારી હોય, હું જ મારી શરદ પૂનમ છું, ને હું જ મારી અમાસ છે....!

--------------------------------------------------------------------------------------------------------------------------------