શીર્ષક* = 'બેક ટુ વર્ક'
ચલો મિત્રો હવે ફરી પાછા કામે વળગી જઈએ ફરી પાછા એ જ જીવનના માર્ગે ચાલતા થઇએ જે માર્ગે લોકડાઉન ના થોડા સમય પહેલા આપણે ચાલતા હતા. થોડા સમય પહેલા આપણે વિચારતા હતા કે આ લોકડાઉન પછીનું ભારત કેવું હશે?
આજ ઘણા દિવસ પછી બહારનો નજારો જોયો છે. સૂર્યદેવ પોતાના કિરણો પાથરી રહ્યા છે. આછો ગુલાબી તડકો નીકળ્યો છે અને ઘણા દિવસો પછી કોઈ કારાપાણીની સજા કાપી જેલમાંથી બહાર નીકળ્યા હોય અને વર્ષો પછી અજવાસ જોયો હોય તેવો આભાસ થાય છે. આજ ફરીથી બજારો ધમધમવા લાગી છે અને દુકાનો ખુલવા લાગી છે. ઘણા ટાઈમથી રોકાયેલા બસના પૈડાઓ ફરી ચાલવા લાગ્યા છે. મુસાફરો પોતાની મંઝીલ તરફ ઉપડી પડ્યા છે.
થોડા સમય પહેલા એક વાયરસે જાણે આખું જનજીવન ઠપ કરી દીધું હતું. માણસની જિંદગી જાણે રોકાઈ ગઈ હતી. જે આજ ફરી ધમધમતી થઇ છે. બધા માણસોની સ્થિતિ પાંજરે પૂરાયેલા કોઈ નિ:સહાય પશુ-પક્ષી જેવી થઇ ગઇ હતી. આજ ઘણા દિવસો પછી જ્યારે કોઈ પાંજરે પૂરાયેલ પક્ષીને છોડ્યું હોય એને જે આઝાદી અનુભવતું હોય તેવી આઝાદી આજે માણસ અનુભવી રહ્યો છે.
પરંતુ આ લોકડાઉન દરમિયાન ઘણી એવી વસ્તુ સામે આવી છે જે માણસ જાણે અજાણે તેનાથી અપરિચિત હતો અથવા તો એમ પણ કહી શકાય કે આ લોકડાઉન દરમિયાન માણસની માણસાઈ પણ બહાર આવી છે. આપણે ઘણીવાર લોકોને બોલતા સાંભળ્યા હશે કે માણસમાં હવે માણસાઈ નથી રહી, માણસાઈ મરી પરવારી છે પરંતુ આ લોકડાઉન દરમિયાન એ વસ્તુ જાણવા મળી કે હજી પણ માણસમાં માણસાઈ જીવે છે. તમે જોયું હશે કે આવા કપરા સમયમાં પણ કોઈ માણસ ભૂખ્યો ન રહી જાય કે રાત્રે જમ્યા વગર ન ઊંઘી જાય તેની તકેદારી રાખીને ઘણી એવી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ તથા સામાજિક કાર્યકરોએ આગળ આવીને પોતાની દાનવીરતા અને માણસાઈ ના દર્શન કરાવ્યા છે. ઘણા એવા દાનવીરો હતા જેણે હજારો માણસોને બે ટંક જમવાનું પૂરું પાડ્યું અને માત્ર ફોટા પડાવીને કે દેખાવના શો કરીને નહીં પરંતુ જ્યાં સુધી માણસ પોતાની રીતે કમાતો ન થયો ત્યાં સુધી આ સેવા અવિરત પણે ચાલુ રાખી. દેશના દરેક નાગરિકે પોતાની આસપાસ કોઈ માણસ ભોજન વગર ના રહી જાય તેની તકેદારી રાખી. તો ઘણા દાનવીર કે દાતાઓએ લોકોને કપડા-લતા સુધીની સગવડતાઓ પૂરી પાડી અને આપણા પ્રધાનમંત્રી ના એક અવાજ પર મોટા મોટા ઉદ્યોગપતિઓ થી લઈને નાનામાં નાના માણસે પણ દેશના વિકાસમાં પોતાનું યોગદાન અપાય તે હેતુથી સીએમ અને પીએમ રીલિફ ફંડમાં હોંશે હોંશે દાન આપ્યું.
આવા કપરા સમયમાં પણ જ્યારે મંદિરોના દરવાજા પણ બંધ હતા ત્યારે ડોક્ટરો અને પોલીસ તથા સફાઇ કર્મીઓએ ભગવાનનું રૂપ લઈ પોતાના જીવની પરવા કર્યા વગર હોંશે-હોંશે પોતાની કામગીરી કાર્યનિષ્ઠાથી નિભાવી અને દેશને એક અંધારી ખાઈમાં જતો બચાવ્યો. ભારત દેશનો દરેક નાગરિક આ કોરોનાવોરીયરસ નો હંમેશા આભારી રહેશે.
આ એક દોર હતો જે વીતી ગયો છે. હવે નવી શરૂઆત કરવાની છે. સરકારે તો પોતાના નિર્ણયો થકી દેશને બચાવવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ હવે આપણે આપણા દેશને બચાવવો કે નહીં, આપણે આપણા પરિવાર ને બચાવો કે નહીં તે નક્કી કરવાનું છે. કોરોના જેવી મહામારીની જંગમાં આપણે યોદ્ધા બનીને વિજેતા બનવાનું છે. આનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી આ પણ એક બીમારી છે જે અન્ય બીમારીઓની જેમ આવે છે અને જાય છે પરંતુ સાવચેતી રાખવાથી તેમની સામે આપણે નીડરતાથી ઉભી શકીએ અને તેમનો સામનો કરી શકીએ.
દરેક માણસે બહાર નીકળતી વખતે મોઢા પર માસ્ક લગાવીને બહાર નીકળવું અને જરૃરિયાત વગર બહાર ન નીકળવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને કારણ વગર મેળાવડા કે જ્યાં લોકોની ભીડ એકઠીન થાય તેવા પ્રયત્નો કરવા. આટલો ખ્યાલ રાખીએ તો આપણે પણ આ બીમારીથી લડી શકીએ છીએ.
આ બીમારી મોં અને નાકથી ફેલાતી બિમારી છે. જેથી કરીને મોં અને નાક બંધ રાખીએ તો તેનાથી આરામથી બચી શકાય. માસ્ક એવું પસંદ કરવું જોઇએ કે જેમાંથી હવા અંદર ના જઈ શકે માણસના નાકના શેપ અલગ અલગ પ્રકારના હોય જેથી કરીને માસ્કમાં એલ્યુમિનિયમની પટ્ટી વાળું માસ્ક પસંદ કરવું જેથી તેને દબાવી અને આપણાં આંખના શેપ મુજબ તેને બેસાડી શકાય અને ત્યાંથી હવા અંદર ના જઈ શકે અને હાથ ના મિલાવતા નમસ્તે કહી એકબીજાનું અભિવાદન કરીએ તો આ બીમારીથી દૂર રહી શકાય. બસ આવી નાની-નાની વસ્તુનો ખ્યાલ રાખી યે તો આપણે પણ આ મહામારી થી બચી શકીએ.
✍ ભરત રબારી
(માંગરોળ, જી.જુનાગઢ)