Fertility in Gujarati Short Stories by Aarti books and stories PDF | ફળદ્રુપતા

The Author
Featured Books
Categories
Share

ફળદ્રુપતા

"બેટા એમ ઉતાવળે આંબા ન પાકે, ભલે એને ફળ આવ્યા પણ તારો આંબો વહેલો સૂકાઈ જશે..! "

અમારી વાડીમાં કામ કરતા ગુણવંતકાકા આ વાત કરી મારા હરખમાં ભંગ પાડી રહ્યા હતા..
વાત એમ હતી કે મેં અને મારા ભાઇએ લગભગ બે વર્ષ પહેલાં વાડીમાં આંબા રોપેલા હતા, આજે મારા આંબામાં કેરી આવેલી પણ ભાઇનો આંબો હજુ કોરો હતો, એ વાતથી જ હું વધુ ખુશ હતી.!

"ભલે કેરી આવી પણ હજુ આંબાને વાર હતી, કેરી તો આવી ગઈ પણ હવે ફળદ્રુપતા એની ઘટી ગઈ.. આંબો જાજો ટકશે નહીં..! "

કાકાની આ બધી કૃષિવિજ્ઞાનની વાતો મારા હરખને રોકી ન શકી..! અમે ખુશ થતા ઘરે આવ્યા..

ઘરે ગુણવંતકાકાની દિકરી રેખા મારા મમ્મીને બોલાવી રહી હતી કે "મે'માન" આવવાના છે તમે આવજો..

રેખા, ગુણવંતકાકા અને વસંતકાકીનું એક માત્ર સંતાન અને મારી ખાસ સહેલી.. રેખાને મોટી ચોકલેટ્સ બહુ ભાવતી.. (ડેરીમિલ્ક વગેરે) હું અમદાવાદથી એના માટે ચોકલેટ અચૂક લઇ જતી..

અહીં હું "મે'માન" શબ્દનો અર્થ તો સમજી પણ રેખાના ઘરે કેમ એ ન સમજાયું.. એટલામાં ખબર પડી કે એ "મે'માન" રેખાને જ જોવા આવ્યા હતા..! પણ હજુ તો એ સત્તર વર્ષની માંડ હતી..!

એના આટલી જલ્દી લગ્ન નક્કી પણ થઈ ગયા. મેં વસંતકાકીને સમજાવવા પ્રયત્ન કર્યો પણ "બેટા, જોમજુવાનીમાં કંઈ ખોટું કરી બેસે તો અમારે ક્યાં મોઢુ બતાવવું.! " કહી દોષનો ટોપલો રેખાની ઉંમર પર નાંખી દીધો..જોતજોતામાં રેખા પરણી ગઈ..

એ પછી મારે ગામડે બીજા વર્ષે વેકેશનમાં જવાનું થયું, મેં ત્યારે રેખાને જોયેલી.. ઉંમરમાં તો મારા કરતાં નાની છતાં એનું વ્યકિતત્વ બાઈ જેવુ લાગી રહ્યું હતું.. પીળા રંગની સાડી એના ગોરા રંગ પર જાજરમાન લાગી રહેલી.. સહેજ ઉપસેલુ પેટ એની અંદર ઉછરી રહેલ બાળકનો સંકેત કરી રહ્યું હતું..
"શ્રીમત કરી તેડી લાવ્યા છીએ.. " કાકી હરખમાં બોલેલા.. રેખા પણ ખૂબ ખુશ લાગી રહી હતી. એને ખુશ જોઇ હું પણ ખુશ હતી..

એ પછી ગુણવંતકાકાએ અમારી વાડીનું કામકાજ છોડી બાજુમાં નાનકડા શહેરમાં રહેવા ચાલ્યા ગયા.. અને મારુ ભણવાનું પુરુ થયું એ સાથે સાથે મળતા વેકેશન પણ પુરા થયા..

એક વખત કોઇ લગ્નમાં જવાનું થયેલ, ત્યારે મને ગુણવંતકાકાનું એડ્રેસ મળ્યું.. હું ખૂબ ખુશ હતી, કેટલા ટાઇમથી જોયા જ નહોતા ન કાકાને ન કાકીને કે ન રેખાને.. એના ઘરે નાનુ બબુ પણ હશે, હું ઝડપથી ભાઈ પાસે આવીને એની સાથે બાઇક પર શહેર જવા નીકળી પડી..

અમે એ એડ્રેસ પર જઈ પહોંચ્યા.. ઘરની બહારની ગલી એકદમ સાફસુથરી વસંતકાકીના હોવાનો સબૂત આપી રહેલી.. મેં રેખા માટે ડેરીમિલ્ક પણ લીધેલી.. ઘરના આંગણામાં નાના છોકરાઓ રમી રહ્યા હતા.. સદનસીબે કાકા પણ ઘરે જ હતા.. એ લોકોને મળીને મેં રેખા વિશે પુછ્યું..

"એ તો બેટા આ નાનકડી "આશા" અમને આપી બહુ દૂર ચાલી ગઈ છે..! " આંગણામાં રમતા બાળકો તરફ ઇશારો કરતાં કાકા બોલ્યાં.

"બેટા, સુવાવડમાં જ.... " કાકી આગળ બોલે એ પહેલા એમના ગળે ડૂમો બાજી ગયો..

રેખા આ દુનિયામાં નથી એ જાણી મને ખુબ આઘાત લાગ્યો.. કાકાએ રમતા બાળકોમાંથી આશાને બોલાવી, મેં રેખા માટે લાવેલી ચોકલેટ નાની રેખાને આપી દીધી..

ઘરે પરત આવતા મારુ મન હળવુ કરવા ભાઇએ વાડી તરફ બાઇક વાળ્યું.. વાડીમાં મેં જોયું કે મારો આંબો સૂકાવાની અણીએ હતો અને મારા ભાઇના આંબામાં હવે મોર(ફુલ) આવી રહ્યા હતા.

મને ગુણવંતકાકાની વાત યાદ આવી રહી હતી., " વૃક્ષ જેટલા વહેલા ફળ લાવે એટલુ વહેલુ સૂકાઈ જાય..!"
કદાચ આ નિયમ માણસો માટે પણ કુદરતે બનાવ્યો હશે એ હવે મને અને કાકાને પાક્કી ખબર પડી ગઈ હશે..