‘Dharti Divas’ ane ‘Ghar Divas’ - Divyesh Trivedi in Gujarati Human Science by Smita Trivedi books and stories PDF | ‘ધરતી-દિવસ’ અને ‘ઘર-દિવસ’ – દિવ્યેશ ત્રિવેદી

Featured Books
Categories
Share

‘ધરતી-દિવસ’ અને ‘ઘર-દિવસ’ – દિવ્યેશ ત્રિવેદી

૧૯૯૨થી આપણે દર વર્ષે ૨૨ એપ્રિલે ‘ધરતી દિવસ’ ઉજવીએ છીએ. ૩૬૫ દિવસમાંથી એક દિવસ એ ધરતી માટે ફાળવીએ છીએ. જે આપણા જીવનનું તે અંગ છે. કહો કે આધાર છે. એને આપણે માતા કહીને નવાજીએ છીએ. આ એક દિવસની ઉજવણી કરીને આપણે બાકીના ૩૬૪ દિવસ ધરતીનું ધનોત પનોત કાઢી નાખવાનું લાઈસન્સ મેળવી લઇએ છીએ. આ ધરતીના આપણા પર અનેક ઉપકારો છે. આપણે માનીએ છીએ કે ધરતી આપણા પર ઉપકાર કરીને નવાઈ કરતી નથી. આપણી આ માન્યતામાં જ ખરી ભૂલ છે. ધરતી આપણો ભાર ઝીલી લે છે, એ જ એની સૌથી મહત્વની છે. ધરતી સીધી રીતે ગળું ફાડીને આપણી પાસે કશી જ માગણી કરતી નથી એથી આપણે એની અવગણના કરીએ છીએ. ધરતીની વિશેષતાઓને પણ સમજવાની આપણે દરકાર કરતા નથી. એ સંદર્ભમાં આપણે સૌથી મોટા કૃતઘ્ની અને ગુનેગાર છીએ. છતાં આપણે એ ગુનો કબૂલવા કદી તૈયાર થતા નથી.

એની ધરતીની છાતી ઉપર ઊભેલાં જંગલોને આગ લાગે છે, કુહાડીઓના બેરહમ ઘા ઝીંકાય છે અને છતાં એ હરફ પણ ઉચ્ચારતી નથી કે સિસકારો પણ બોલાવતી નથી. ધરતીના સીનાને દબાવી દેતાં મબલખ ભાફ (મૅનોમીટર) ઢેરના ઢેર થઇને પડ્યા હોવા છતાં એ ધ્રુજારી બતાવતી નથી કે દાંત ખખડાવતી નથી. પૃથ્વીના ત્રણ ભાગ પર પાણી હોવા છતાં એ ગૂંગળાતી નથી. એની છાતીનાં પાટિયાં ચીરીને ફૂલઝાડ અને વનસ્પતિ લહેરાય છે. એમની સાથે એ મમતા દાખવે છે અને ગર્ભસ્થ શિશુની જેમ એમને બધા જ રસ ચૂસવા દે છે. પૃથ્વી પર પ્રાણીઓ ગેલ કરે છે અને માણસ આશરો લે છે. પરંતુ આ બધામાં માણસ નોખો તરી આવે છે. એ પૃથ્વીનું અનાધિકાર શોષણ કરે છે અને શોષણ ચાલુ રાખી શકાય એ માટે વર્ષમાં એક દિવસ એ ‘ધરતી દિવસ’ ઉજવે છે.

પરંતુ માણસ એ વાત કદી વિચારતો નથી કે એના આવા શોષણનો એક દિવસ છેડો આવશે. સાચું પૂછો તો છેડો આવી જ રહ્યો છે. ભારતભરમાં સો વર્ષમાં ન જોયા હોય એવો કારમો દુષ્કાળ પૃથ્વી પર કરેલા બેફામ અત્યાચાર અને અનાચારનું જ પરિણામ છે. હજુ તો આ શરૂઆત છે. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા….

જંગલો કાપવામાં અને નદીઓને પ્રદૂષિત કરવામાં આપણે કાંઇ કસર છોડી નથી. અધૂરામાં પૂરું ઉદ્યોગો પાછળ આંધળી દોટ મૂકીને આપણે હવામાં બેફામ અશુદ્ધિ ઠાલવીએ છીએ. પૃથ્વીના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં શ્વાસ લેવામાં પણ જોખમ છે. ચીનના મુખ્ય શહેર સાન્તિયાગોમાંથી બાળકોને પર્વતોના શુધ્ધ હવામાનમાં લઈ જવા પડે છે, કારણકે સાન્તિયાગોની પ્રદૂષિત હવા એમના માટે ઝેર સાબિત થાય છે. રાસાયણિક કચરો નદીઓને સૂકવી નાખે છે અને જમીનને વાંઝણી બનાવે છે. ખનીજો કાઢીને રૂપિયા કમાવવા માટે આપણે ધરતીના પેટાળને કસાઈ માફક ચીરી નાખીએ છીએ.

પૃથ્વીના ચીર હરણની બૂમો પડે ત્યારે વળી કેટલાક નફકરા લોકો એવી દલીલ કરે છે કે પૃથ્વી તો હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે અને હજુ હજારો વર્ષ સુધી એને કાંઈ જ થવાનું નથી. તેઓ એવી દલીલ પણ કરે છે કે આ સહસ્ત્રાબ્દીના અંતિમ વર્ષના આરંભ વાય – ટુ - કેની ભારે બૂમરાણ હતી. પરંતુ દુનિયાભરના કમ્પ્યુટર ધારણા પ્રમાણે ઠપ થયા નહીં. એવી રીતે પૃથ્વીને પણ કશું થવાનું નથી. આવી દલીલ કરતી વખતે તેઓ એ વાત ભૂલી જાય છે કે વાય – ટુ - કેસની સમસ્યાની સંભાવનાને ઓળખી લઈને દુનિયાભરના ઇજનેરો કામે લાગી ગયા હતા. એમણે એ સત્ય પણ ભૂલવા જેવું નથી કે ટીપે ટીપે સરોવર ભરાય તેમ કાંકરે કાંકરે પહાડને પણ બોદો બનાવી શકાય. આપણી હયાતીમાં પૃથ્વીને કાંઈ પણ નહીં થાય એમ માની લઈએ તો પણ એ વાત યાદ રાખવા જેવી છે કે પૃથ્વી આપણને વારસામાં મળી નથી. આપણા પછીની પેઢીની એ અમાનત છે. અમાનતનો બેફામ ઉપયોગ કે ખર્ચ કરવામાં કોઈ જ નૈતિકતા નથી.

પૃથ્વી તો વૈવિધ્યપૂર્ણ સહ-અસ્તિત્વની એક મિસાલ છે. સહ-અસ્તિત્વ કદી વ્યક્તિગત સ્વાર્થ સાથે સાર્થક થઈ શકે નહીં. પ્રાણીઓ, વનસ્પતિ, પહાડો, નદીઓ અને માનવ જાત વચ્ચે સહ-અસ્તિત્વ નહીં જળવાય તો ધાર્યા કરતાં ખૂબ જલ્દી ધરતી માનવીને આશરો આપવાનું બંધ કરી દેશે. બીજા કોઈ ગ્રહ પર વસવાટ લાયક વાતાવરણ નથી. એટલું જ જો યાદ રાખીએ તો પૃથ્વી પર અત્યાચારો કરતાં થોડો ખચકાટ થાય.

આજથી ત્રણેક દાયકા પહેલા સુધી પર્યાવરણ શબ્દ જૂજ ચલણમાં હતો. બહુ થોડા લોકોને પર્યાવરણની થઈ રહેલી ખાનાખરાબીનાં પરિણામોનો સચોટ અંદાજ આપ્યો હતો. એમની વાત બધાને ગળે ઊતરી ગઈ છે એમ માનવાને કારણ નથી. આજે તો ‘પર્યાવરણ’ શબ્દ એક ફેશન જેવો બની ગયો છે. ઘણા નવરા લોકોને જાણે એ બહાને એક કામ મળી ગયું છે. પર્યાવરણની સાર્થક ચિંતા તો ભાગ્યે જ થતી જોવા મળે છે. ખેતીવાડીમાં ખતરનાક રસાયણોએ દાટ વાળી દીધો છે. માતાનું દૂધ પણ ડી.ડી.ટી. જેવા રસાયણથી દૂષિત થયું છે. ઝેરી રસાયણોથી મોટા થયેલા બાળકોની રગેરગમાં ઝેર જ ન દેખાય તો નવાઈ કહેવાય.

ધરતીના પેટાળમાંથી ખનીજો ઉકેલવાની લ્હાયમાં મહાકાય યંત્રોને આપણે મેદાનમાં ઉતાર્યા છે. આ યંત્રો જમીનને ખેદાનમેદાન કરવા ઉપરાંત પ્રાણીઓ અને વનસ્પતિની કેટલીક જાતોનું બેરહમ નિકંદન કાઢી રહ્યા છે. ઔષધી વનસ્પતિઓના દેશ ગણાતા ભારત અને ચીન જેવા અનેક દેશો આ ક્ષેત્રે ગરીબ બની રહ્યા છે. ચિત્તા જેવું ચપળ અને જાજરમાન પ્રાણી ભારતની ધરતી પરથી લુપ્ત થઈ ગયું છે.

બગડતા પર્યાવરણ અને ધરતીના ચીર હરણની મનોવૈજ્ઞાનિક અસરોને તો હજુ ભાગ્યે જ કોઈએ ધ્યાનમાં લીધી છે. માણસ મનથી સંકુચિત અને શોષણખોર બની રહ્યો છે. સ્વાર્થની સીમાઓ વિસ્તરી રહી છે. ઘડિયાળના કાંટા ઊંધા ફરતા હોય એવું દેખાય છે. આમ જ ચાલશે તો માણસ અનેક ક્ષેત્રે પ્રગતિ કર્યા પછીયે આદિ માનવ જેવો થઇ જશે. પ્રદૂષણની અસર માણસની પ્રજોત્પતિ કરવાની ક્ષમતા પર પણ અસર કરી રહી છે. કદાચ તેથી માનવ-વસ્તી નિયંત્રિત થાય તો પણ એના સાચા લાભ તો દૂર જ ઠેલાતા જશે.

માનવીના લોભને કોઇ સીમા નથી. પૃથ્વી પરના એના અત્યાચારો આવા લોભનું જ પરિણામ છે. પૃથ્વીનું જતન કર્યા વિના જીવન શક્ય નહીં બને એ વાત ગમે એટલી મોડી સમજાય તો પણ વહેલી જ હશે. પરંતુ માણસ બીજા લોકોને તો છેતરે છે, ખુદ પોતાની જાતને પણ છેતરે છે. પૃથ્વીનું જતન અમારે હૈયે વસેલું છે એવો છેતરામણો સધિયારો આપવા જ તેણે ‘ધરતી દિવસ’ ઊજવવાનું તરકટ રચ્યું છે. પૃથ્વી બારેમાસ અને ચોવીસ કલાક હૈયામાં રહેલી હોય તો આવો એકલદોકલ દિવસ ઊજવવાની જરૂર ન પડે. આપણે ‘રોટલી દિવસ’ કે ‘સ્નાન દિવસ’, ‘ઊંઘ દિવસ (કે રાત)’ કદી ઊજવવાનો વિચાર કરતા નથી. એ બધું રોજનું છે. એમ જ જો ધરતીનું જતન પણ રોજનું બની જાય તો એક જ દિવસની ઉજવણી કરવાની જરૂર ન પડે.

આવી ઉજવણી નરી ઔપચારિકતા જ બની જાય છે. એનું કારણ એ છે કે પૃથ્વીના જતનની ચિંતા-હૈયાના ખૂણામાં ઊગતી નથી. કદાચ એવું એ કારણે જ બને છે કે આ પૃથ્વી પોતાનું એક માત્ર ઘર છે એવો અહેસાસ ભાગ્યે જ કોઈને થાય છે. મહત્ત્વની વાત તો એ છે કે ભૌતિક સુખ-સંપત્તિ અને ઉપલબ્ધ સંતોષની પાછળ દોટ મૂકતા સરેરાશ માણસને પોતાનું ઘર પણ સરસ અને વ્યવસ્થિત રાખવાની ચાનક નથી. રસોડાનો એંઠવાડ ઘરના આંગણાંમાં નાખનાર, બારીમાંથી હાક થૂ કરીને થૂંકનાર, બિસ્કીટના પેકેટના રેપરને હવામાં પતંગની જેમ ઉડાડનાર, ઘરનો કચરો વાળીને પડોશીના આંગણાંમાં પધરાવી દેનાર વર્ષો સુધી ઘરની દીવાલો પરથી જાળાં નહીં પાડનાર અને પોતાની બાથરૂમ કે પાયખાનાં પગ લપસી જાય ત્યાં સુધી ગંદા અને ચીકણા થવા દેનાર સરેરાશ માણસ પાસે પૃથ્વીને સ્વચ્છ અને સુંદર રાખવાની અપેક્ષા રાખવી એ કાગડા પાસે મેઘમલ્હાર ગવડાવવા જેવી વાત છે.

જેનું મન ચોખ્ખું હોય એનું જ ઘર પણ ચોખ્ખું હોય અને જે ઘર ચોખ્ખું રાખી શકે એ જ પૃથ્વીનું પણ જતન કરી શકે. એટલે પાયાનો સવાલ મનની ચોખ્ખાઈનો છે. આ અભાવ દૂર કરી શકાય તે પૃથ્વીની ચિંતા સાર્થક થાય. પરંતુ ભૌતિક ઉપલબ્ધિઓ પાછળની દોડ, સ્વાર્થની વરવી રમતો, મહત્વાકાંક્ષાઓનાં જાળાં અને આત્મકેન્દ્રી અભિગમને કારણે દરેક વ્યક્તિના મનમાં ગંદકીના થર જામ્યા છે. એ જોતાં પહેલા ઘરનું જતન થાય અને પછી પૃથ્વીનું જતન થાય એ વાત બહુ દૂરની લાગે છે.

એટલે જ કદાચ ‘ધરતી દિવસ’ ઊજવવા ને બદલે સૌ પ્રથમ આપણે ‘ઘર દિવસ’ અને ‘મન દિવસ’ ઊજવવાની જરૂર છે. તો કમ સે કમ એક દિવસની આવી કવાયત પણ સફળ થશે!