Same day again in Gujarati Short Stories by anjana Vegda books and stories PDF | ફરી એ જ દિવસ

Featured Books
Categories
Share

ફરી એ જ દિવસ


એક સાચો અનુભવ...

આજનો દિવસ ફરી એની યાદોના વંટોળ સાથે જ ઊગ્યો.આજે ફરી એ જ ઉદાસી આખો દિવસ છવાયેલી રહેશે.
જાગીને બ્રશ કર્યું, સ્નાન કર્યું અને ઓરડામાં આવી.ચા ના કપ સાથે બારી પાસે બેઠી.ચા ની ચૂસકી લીધી કે ફરી એ જ ભૂતકાળમાં સરી પડી.
હા...કેટલો સુંદર હતો એ દિવસ. એને મને કહ્યું, તું ફ્રેશ થઇ જા આજે હું તારા માટે સરસ કોફી બનાવીશ.એ રસોડામાં ગયો અને હું ફ્રેશ થવા. હું આવી ને રસોડામાં ગઈ અને એની પાછળ છુપાઈને જોઈ રહી. કદી રસોડામાં પગ ન મૂકનાર એ વ્યક્તિ મારા માટે આજે કોફી બનાવે છે! હું કેટલી નસીબદાર છું કે આટલો પ્રેમ કરનાર વ્યક્તિ મને મળ્યો છે. એણે પાછળ જોયું અને બોલ્યો, તું અહી કેમ આવી તું અંદર બેસ હું આવું છું. હું ઓરડામાં ગઈ ખુરશી પર બેઠી. એ કોફી લઈને આવ્યો. મને આપી ને કહ્યું જો તો કેવી બની છે. મે કોફી પીધી કહ્યુ ખૂબ સરસ છે. એના ચહેરા પરની ખુશી જોઈને મને અત્યંત આનંદ થયો. એણે એના કપની કોફી પીધી ને મારી સામે જોઈ રહ્યો.
મને કહે તું કહેતી કેમ નથી, કોફી બોવ મીઠી છે. ખાંડ વધુ થઈ ગઈ.
મે સ્મિત સાથે કહ્યું, તું આટલા પ્રેમથી મારા માટે બનાવે તો સરસ કેમ ન હોય.
એ પ્રેમભરી નજરથી મને જોઈ રહ્યો.
એટલામાં બારીમાં એક પંખી આવીને બેઠું ને હું વિચારોમાંથી જાગી. હાથમાં ચાનો કપ એમનો એમ રહી ગયો, ચા પણ ઠંડી થઈ ગઈ. પીવાનું મન ન થયું. કપ રસોડામાં મૂકી અને કામમાં વળગી.
હું આંગણું સાફ કરી રહી હતી કે પાછળ થી અવાજ આવ્યો. તું કેમ સફાઈ કરે છે? તું તો મારા ઘરે મહેમાન છે. તું આરામ કર, થાકી પણ ગઈ છો.
મે કહ્યુ તારું ઘર એ મારું પણ ઘર ન કહેવાય? કરવા દે ને, હું ક્યાં દરરોજ આવવાની છું.
એણે મારા હાથમાંથી સાવરણી લઈ લીધી અને મારો હાથ પકડી મને ઓરડામાં લઈ ગયો ને બેડ પર બેસાડી અને પ્રેમભર્યા ગુસ્સામાં કહ્યુ, ખબરદાર જો અહીં થી ક્યાંય ગઈ છે તો...મને હસવું આવી ગયું.
સામે જોયું તો કોઈ ન હતું...આ શું હું એકલી જ હસું છું! આ તો મારું ઘર છે. હું મારા ઓરડામાં છું. વિચારો સાથે સફાઈ પૂરી કરી અને હોલમાં બેઠી.
ટેબલ પર ડાયરી પડી હતી તે હાથમાં લીધી. પન્ના ફેરવ્યાં. એક પન્ના પર નજર ચોંટી ગઈ. આ અક્ષર !
મારા નથી, આ અક્ષર એના જ છે. મારા માટે લખેલી એ બે પંક્તિએ મારી આંખોમાં ઝળઝળિયા લાવી દીધા.
મે ડાયરી મૂકી દીધી અને ટીવી ચાલુ કર્યું. ચેનલ બદલ્યા કરી પણ ક્યાંય મન સ્થિર ન થયું.
ઘડિયાળમાં જોયું બાર વાગી ગયાં હતા. રસોઈનો સમય થઈ ગયો. હું રસોડામાં ગઈ. ભૂખ ન હતી છતાં થયું થોડું કંઇક બનાવી લવ.
જમવાનું બનાવીને જમવા બેઠી. એક કોળિયો મોમાં નાંખ્યો.
સામે જોવ ત્યાં એ સામે જ બેઠો છે. મને કહે એકલાં જ જમીશ ? મને પણ જમાડ ને, તારા હાથે.
મે મારા હાથે એના મોમાં કોળિયો આપ્યો. એને પણ મને એમજ જમાડી. કેટલી ખુશી હતી એ આટલો પ્રેમ...થયું કોઈની નજર ન લાગી જાય.
હું સામે જોઈને બેસી રહી, જમવાનું પણ ભૂલી ગઈ. ઘડિયાળમાં બે ના ટકોરા થયાં હું તન્દ્રા માંથી જાગી. જમવાનું પૂરું ન કરી શકી.
મન ખિન્ન થઈ ગયું. શું કરું? ક્યાં જાવ ? કે જ્યાં એની યાદ ન આવે. કઈ સમજાતું ન હતું.
હાથમાં પુસ્તક લીધું ને વાચવા બેઠી. થોડી વાર જીવ પરોવાયો ને આંખ ઘેરાવા લાગી. રૂમમાં જઈને થોડી વાર આડી પડી. ઉંઘ આવી ગઈ.
પણ આ શું? સપનામાં પણ એ પીછો છોડતો નથી.
એના જ સપનાં, એની વાતો એની યાદો.

આંખ ખુલી તો પાંચ વાગી ગયા હતા. જાગીને ફ્રેશ થઈ. માથું ખૂબ ભારે લાગતું હતું. થયું ચા પી લવ. ચા બનાવીને કપ સાથે અગાશીમાં ગઈ. ખુલા આકાશમાં વિહરતા પંખીઓ ને જોઈ બે ઘડી ખોવાઈ ગઈ. ચા ખતમ કરી. અગાશીમાં જ બેસી રહી.
સામેની અગાશીમાં છોકરાઓ રમત રમતાં હતાં. એ શોરબકોર મારા કાન સુધી પહોંચ્યો, શાંતિમાં જાણે ભંગ પડ્યો.
એ ચીસાચીસ મને સંભળાય છે. એ કહે છે, ક્યાં છે તું ? એક વાર પકડાય જા. એની આંખો પર પટ્ટી બાંધેલી હતી. ને હું આમતેમ ભાગતી હતી. એ મને પકડવા ફાફા મારતો ને બોલતો. મારી નજીક આવતા હું ચીસાચીસ કરીને ભાગી જતી. એ હાસ્યની છોળો આખા રૂમમાં ફેલાઈ જતી. મારો દાવ આવે એટલે એ એક જગ્યાએ છુપાય જાય ને હું નજીક જાવ કે તરત મને પકડી લે...એ મસ્તી એ મજાક, એ પ્રેમ, એ દિવસો ફરી ક્યારેય નહી આવે.
ફોનની ઘંટડી વાગી ને હું ફરી હતી ત્યાં આવી પડી. ફોન ઉઠાવું એ પહેલા રીંગ પૂરી થઈ ગઈ.
આઠ વાગી ગયાં. ભૂખ પણ લાગી હતી. રસોઈ બનાવવા વળગી. જમીને તરત સૂઈ જવા મન થતું હતું. પણ હજુ તો દસ જ વાગ્યા છે. આટલી જલદી ઉંઘ ક્યાં આવે.
પથારીમાં પડ્યાં પડ્યાં પણ ન જાણે કેમ એ જ ભૂતકાળમાં સરી પડાય છે.
આજનો દિવસ ખૂબ લાંબો અને ખિન્ન લાગ્યો છે. એમ થાય છે કે એ મને યાદ સુદ્ધા નહિ કરતો હોય અને મને સતત એના જ વિચારો કેમ આવે છે.
વિચારતાં વિચારતાં ક્યારે નિદ્રામાં સરી પડી ખબર ન રહી.
આવતી કાલની સવાર કેવી હશે એ તો ભગવાન જાણે.