પ્રિય સખી
... પ્રેમ ...
તારો પત્ર મળ્યો . વાંચી આનંદ થયો . લાગણીની લીસી સપાટી પર તે બાંધેલા સ્વપ્ન મહેલ ખરેખર સુંદર છે તારા સગપણની વાત મુંબઈ જેવી મહાનગરીમાં થાય છે તે કોને ન ગમે ..પણ તે અંગેનો આખરી નિર્ણય તું મારા પર છોડે છે .લુચી ! પણ સખી ... તને મુંબઈ વિશે હું શું સલાહ આપી શકું ? સખી .. ! સવારનું ઘોંઘાટીયુ વાતાવરણ તને ગુડમોર્નિંગ કહેશે .. પણ પક્ષીના કલરવ સાથેનો સૂર્યોદય જોવા નહી મળે ... ! સોડીયમ લાઈટોથી જગમગતું મુંબઈ શહેર જોવા મળશે પણ ડુંગર વચ્ચે ડુબકી દેતો સુરજ , ને રતુબડી સંધ્યા તને જોવા નહી મળે . ...!તું તો લાયબ્રેરીનો કીડો સખી , અહીં તને વજુકોટક કે ગુણવંત શાહના સાહિત્યસભર પુસ્તકો જોવા નહી મળે .. પણ હે સખી ! તું ચિંતા ના કરીશ તેના બદલે તને પરાણે ભરાયેલા લવાજમના અંગ્રેજી છાપા , મોડેલ મેગેઝિન તથા શેરહોલ્ડરો ને કંપની તરફથી મોકલાતા ફોર્મ તેમજ અહેવાલના પાનાં ઘરના ખુણે ખુણે મળશે . કેટલાય કબાટોની ચાવીનો ઝૂડો તારી લચકદાર કમરમાં ટીંગાતો હશે પણ ... તારા પોતાના વિચારોને પણ એજ કબાટમાં પૂરી , રાખવા પડશે .. વ્હાલી સખી .. ! તને અહીં રસોડાની | રાણીનું બિરુદ કદાચ મળી પણ જાય .. તોય તારી કવિતાની પ્રેરણામૂર્તિ સમી આમ્રકુંજમાં ટહુકતી કોયલનો ટહુકો સાંભળવા નહીં મળે .. !!!!!!
......... અરે .. તું એમ ચિંતા ના કરતી અહી તને જાત જાતના ને ભાતભાતના વોશબેશન તેમજ અઘતન નળ જોવા મળશે ... પણ સાચું કહું સખી ... તને અહી ક્યાંય પાણીયારી સામે નહી આવે ... ! સખી ! તું નસીબદાર હોઈશ કારણ કે અહી તું જુદા જુદા વોટરપાર્કની સહેલગાહ કરી શકીશ..૫ . .ણ ગામની ભાગોળે આવેલા નદીનાળાના ઝરણા જેવા કલકલીયા અવાજ નહી સાંભળી શકે ... ! ખોટું ન લગાડતી સખી .. અહીં તને લજજા કે લાવણ્યમય સ્ત્રી જોવા નહી મળે પણ તેના બદલે તેને પોતાનું વ્યક્તિત્વ ખોઈ બેઠેલી પુરુષ સમોવડી બનવાની ખેવના રાખતી શરાબમાં ઝુમતી સ્ત્રીઓ અચૂક જોવા મળશે . સખી ! અહી તને રોજ હડતાલના નારા , વિરોધીઓના ટોળા અને ગુંડાગીર્દીના ઝુંડ રોજ જોવા મળશે પણ અલી , ઓ ! તને અહી ગોધૂલી ઉડાડતી ગાયોનું ધણ ક્યાય જોવા નહી મળે .....!!!!!
ધાનથી ભરાયેલા ડુંડાના છમલીલા બાજરાના ખેતરનો રખેવાળ સમો ચાડિયો તને જોવા નહી મળે .. પણ તું ચિંતા શા માટે કરે છે .. ! તેના બદલે તને અહી કેટલાય ઐતિહાસિક પૂરુષોના વર્ષો જુના બાવલા જોવા મળશે જયાં કોઈ ફૂલ તો કોઈ જોડાના હાર પહેરાવે છે .
..... સખી...! અહીં હાથમાં પહેરવાના નકલી ઘરેણા ખુબ તને મળશે પણ ક્યારેય મહેંદીના લીલાચટાક પાન વાટીને હાથમાં બાંધવાનો અવસર પ્રાપ્ત નહી થાય .... ધ૨ માં પોતા કરવા મોંઘાદાટ ફીનાઈલની ઉગ્ર વાસ તું શ્વસી શકીશ પણ છાણથી લીપેલ પવિત્ર આંગણાની માદક સુગંધ નહી શ્વસી શકે .....! પ્લાસ્ટીકના શોભા વધારતા નકલી કુંડા જોવા મળશે પણ ક્યાંય છાણથી લીપેલ તુલસી ક્યારો જોવા નહીં મળે .. ! તમારી દીકરીને સોનાના હિંચકે હિચાળશું ' ' કહીને અહી લઈ આવનારા કદાચ તને સ્ટીલના કડાવાળો હિચકો આપી પણ દે તોય સખી તને અહી બે વડવાઈને ભેગી કરીને બનાવેલો હિંચકો તો નહી જ મળે ... મારી વ્હાલી સખી .. તને અહી બપોરના સમયે ઊંબરાનું ઓશીકું લઈને રેડિયોમાં આવતા મહિલા પ્રોગ્રામ સાંભળવાનો સમય તો નહી જ મળે .. પણ તું ચિંતા ના કર સખી તેના બદલે તને ચેનલના ચકરાવા સમું ઈડિયટ બોક્ષ પેલું ટીવી તારી બહેનપણી બનીને પડખે ઉભી રહશે . ...!!
.તું જોને સખી ! મારા ‘ એ ’ મને કેટલા પ્રેમ કરે છે રાત્રીના દોઢ વાગ્યા તોય હજુ ‘ ડીસ્કો માંથી આવ્યા નથી . અહીં બધા યુવાનોને ફ્રેસ થવા માટે બીયરબારમાં ડીસ્કોનો ડોઝ લેવો પડે છે પણ વહેલાસર આવીને પત્નીની લાગણીને સાચવાનું શિક્ષણ લેવાનું બિચારા ભૂલી ગયા છે . પણ એમાં એમનો શું વાંક ? બીચારા થાકી જાયને ? ?????
.......અલી ! જો ડોરબેલ વાગી ... પત્ર પૂરો કરું . વળી પાછા આજે પીને આવ્યા લાગે છે . વળી પાછો મને માર પડશે ને સિગરેટના દામ ભેટમાં મળશે તે અલગ .. અરે , તેમાં તું આટલી ચિંતા શા માટે કરે છે એ તો એની પ્રેમ વ્યક્ત કરવાની મોર્ડન સ્ટાઈલ છે . આમેય મારા ઉપર એમને પ્રેમ બહુ .. ! ચલ દરવાજો ખોલી આવું .. જોને રોજ મોડી રાત્રે દરવાજો ખોલવા જોઉં ને ત્યાં સામે જ સારો સ્વપ્નમહેલ તૂટી જાય . ફરી પાછો બીજા દિવસે નવો સ્વપ્નમહેલ બાંધુ ને રાત્રે તૂટી જાય . બસ , આમ સ્વપ્ન મહેલનું ઘટનાચક્ર ચાલ્યા કરે . અલી ઓ જોજે તું આટલી સુંદર મુંબઈ નગરીમાં સગપણ કરવાનું ના ન કહી બેસતી ... લૂચ્ચી .. આવજે તારી હેતાળ સખી......!!!!