NARI-SHAKTI in Gujarati Women Focused by Dr. Damyanti H. Bhatt books and stories PDF | નારી શક્તિ

Featured Books
Categories
Share

નારી શક્તિ

( પ્રિય વાંચક મિત્રો,, નમસ્કાર, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ,,,, તથા માતૃભારતીનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ,,,આજે હું આપની સમક્ષ નારી શક્તિનાં વિવિધ સ્વરૂપ પ્રગટ કરતાં સામાજિક પાસાઓ રજૂ કરવાં જઈ રહી છું. આપને પસંદ આવશે એવી અપેક્ષા સહ,,,,,,,,,,,,,,,,,આપનો ખૂબ ખૂબ આભાર,,,,,,,,,,)

“નારી-શક્તિ”

પ્રસ્તાવના:-

આમાં આજે આપણે નારીશક્તિ નું મહત્ત્વ શું છે? નારી શક્તિશું છે? તેના વિવિધ સ્વરૂપો ક્યા-ક્યાછે? અને પ્રાચીન વેદ કાળથી લઈને અર્વાચીનકાળ સુધી સમાજમાં તેનું શું સ્થાનછે?તેનો વિગતવાર અભ્યાસ કરીશું. તદુપરાંત જાણીશું કે સમાજમાં અને આ સૃષ્ટિમાં નારીનું શું પ્રદાન છે?

નારીશક્તિનુંમહત્ત્વ:‌-

ભારતીયસંસ્કૃતિમાં નારીને જગદંબા શક્તિનો અવતાર ગણવામાં આવે છે. દેવી માનીને પૂજવામાં આવે છે. તેનાં પ્રમાણો આપણાં શાસ્ત્ર-ગ્રંથોમાં પૂરતા પ્રમાણમાંમળે છે.શક્તિનાં અવતારો તરીકે જોઈએ તો સાક્ષાત સરસ્વતી વિદ્યાની દેવી,લક્ષ્મીનો અવતાર લક્ષ્મીજી,સુરક્ષાનીદેવી દુર્ગા ,અંબા-જગદંબા શક્તિનીદેવી જગતજનની ના સ્થાને બિરાજમાન છે.જ્યારે-જ્યારે આ પૃથ્વી ઉપર અસૂરોનું સામ્રાજ્ય સ્થપાયું છે અને અસૂરોનાં અત્યાચારો વધ્યા છે,ત્યારે-ત્યારે આદ્ય શક્તિ મા જગદંબાએ જ પૃથ્વીને તેમાંથી મુક્તિ અપાવી છે.દેવો પણ આ મા આદ્યશક્તિનાં જ શરણે જાય છે.માત્રવેદ્કાળમાં જ નહીં,ઉપનિષદ-કાળ, સૂત્રકાળ,ધર્મશાસ્ત્રો, સ્મૃત્તિ, પુરાણો, રામાયણ,મહાભારત-કાળ, બૌધ્ધ-જૈનકાળ, મુસ્લિમકાળ,સંસ્કૃત કાવ્યોમાં નારી અને અર્વાચીનકાલીન નારી નું વર્ણન ઉપલબ્ધ છે.

વેદ-કાળમાં નારીનું સ્થાન:-

વેદોમાં માતા,પત્ની, ભગિની, પુત્રી વગેરે નાં વર્ણનો મળે છે.પુત્રીનાં અધિકારો પુત્ર કરતાં વિશેષ બતાવ્યા છે.સહ્શિક્ષા, બ્રહ્મવાદિની,ઋષિકા વગેરે.બ્રહ્મવાદિની જીવનપર્યંત ધર્મશાસ્ત્ર અને દર્શંનશાસ્ત્રનો અભ્યાસ કરતી.બીજા વર્ગની સ્ત્રીઓ 8-8 વર્ષ સુધી સંસ્કારોની વિધિ અને વૈદિક ઋચાઓનું મંત્રોનું ઉચ્ચારણ શીખીને ગૃહસ્થજીવન અપનાવતી.

ઋગ્વેદમાં પ્રાપ્ત પ્રમાણોને આધારે એમ કહેવાય છે કે માત-પિતાનો દુલાર અને પ્રેમની અક્ષય રાશિ કન્યાને પ્રાપ્ત થાય છે. માતા-પિતા પોતાની કન્યાને આશીર્વાદ આપતાં કહે છે:--‘સામ્રાજ્ઞી શ્વશુરે ભવ’.(ઋગ્વેદ-10/85/9) સામ્રાજ્ઞી અધિદેવૃષુ-(અથર્વ. 14/1/44), એષા તે કુલપા રાજન્‍ ----અર્થાત્‍ નારી કુલ-પાલક છે.(અથર્વ.1/14/3). કન્યાઓને નૃત્યશિક્ષા આપવામાં આવતી હતી.(ઋગ્વેદ-1/124/7).પહેલા સ્વયંવરપ્રથા હતી. સ્વયં સા મિત્રં વનુતે જને ચિત્ત‍‍. (ઋગ્વેદ 10/171/2). નારી વિના ઘરનું અસ્તિત્વ જ નથી,નારી જ ઘરની ગૃહસ્વામિની, ગૃહ-લક્ષ્મી છે. ( ઋગ્વેદ- 3/53/6 ),સંસ્કૃતમાં “માતૃ” શબ્દ માતરા એટ્લે માતા-પિતા બંન્ને નો દ્યોત્તક છે. એજ એનું મહત્ત્વ સિધ્ધ કરવા પર્યાપ્ત છે.

સામાજિક જીવનમાં પણ સ્ત્રીઓનું સ્થાન સમ્માનપૂર્ણ હતું. વૈદિક સંસ્કૃતિમાં સ્ત્રી-પુરુષ બંન્નેને સમાન ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત થતું હતું.વેદ- અને શાસ્ત્રોમાં પારંગત થવા ઉપરાંત સ્ત્રીઓ વેદોની ઋચાઓની રચના પણ કરતી. વેદનાં સાક્ષ્ય અનુસાર વિશ્વવારા, લોપામુદ્રા, સરસ્વતી, યમી, અપાલા,અને ઘોષા ઋગવેદની પ્રતિભાશાળી કવયિત્રીઓ છે.એવા લેખકો અને વિદ્વાનો કે જેની સ્મૃતિમાં બ્રહ્મયજ્ઞનાં અવસર પર નૈત્યતિક શ્ર્ધ્ધાંજલિ અર્પિત કરવામાં આવે તેવી સ્ત્રીઓછે:-સુલભા, મૈત્રેયી, વાક્‍, પ્રાચીતઈ અને ગાર્ગી વાચકનઈ છે.

સંહોત્રંસ્મપુરાનારીસમનંવાવગચ્છતિ,વેધાઋતસ્યવીરિણી,ઈંદ્રપત્નીમહીયતે.(અથર્વ.20/126/10).અર્થાત્‍ સ્ત્રીઓ યુધ્ધ અને યજ્ઞમાં ભાગ લે. પુનર્વિવાહ નો ઉલ્લેખ ( અથર્વવેદ્-9/5/27 ) માં મળે છે. ખેલ રાજાની પત્ની વિશ્પલા નો એક પગ યુધ્ધમાં કપાઈ ગયો હતો. અશ્વિનીકુમારોએ લોખંડનો પગ ફીટ કર્યો હતો. બીજા દિવસે તેણી યુધ્ધમાં જોડાઈ હતી.( ઋગ્વેદ-1/116/15 ). મુદ્‍ગલ રાજાની પત્નીને યુધ્ધમાં તેની સારથિ બતાવવામાં આવી છે.((ઋ.10/102/2,3 )).

ધર્મશાસ્ત્ર મનુસ્મૃતિ અનુસાર :-

યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા;((મનુ.3/55)) અર્થાત્‍ જ્યાં નારીની પૂજા થાય છે. ત્યાં દેવતાઓ વાસ કરે છે. મનુસ્મૃતિ અનુસાર નારી ગૃહિણી રૂપમાં ગૃહની સંમ્પૂર્ણ સમ્પતિની સ્વામિની હતી. અવિવાહિત સ્ત્રી માતાની સંપતિમાં ભાઈઓની સાથે સમાન ભાગ પ્રાપ્ત કરવાની અધિકારી હતી.(( મનુસ્મૃતિ 9/192))

રામાયણ-મહાભારતમાં નારીનું સ્થાન:-

રામાયણમાં નારી ની ગરીમા આપણને કૌશલ્યા,સુમિત્રા,કૈકેયી અને સીતા, ઉર્મિલા વગેરેનાં જીવનમાં જોવા મળે છે. સીતાનો સ્વયંવર એ વાતની શાખ પૂરે છે કે નારી પોતાનો પતિ પસંદ જાતે કરતી તેનાં પર સમાજનાં કે માતા-પિતાનાં કોઈજ પ્રકારનાં નિયંત્રણ નહોતા.સીતા પણ વિદૂષી હતી. કૈકેયી એ એક વખત યુધ્ધનાં મેદાનમાંથી દશરથ રાજાનાં પ્રાણની રક્ષા કરી હતી. જેના બદલામાં દશરથ રાજાએ તેને બે વરદાન આપ્યા હતા. તે વાત આપણે જાણીએ છીએ. તો મહાભારતમાં ગાંધારી સત્તી સ્ત્રી હતી. તો દ્રૌપદી ની ગણનાં પણ વિદૂષીમાં અને સત્તી સ્ત્રીઓમાં થાય છે.રામાયણ-મહાભારત કાળ સુધી સમાજમાં નારી નું ગૌરવવંતુ સ્થાન જોવા મળે છે.નારીનાં અનેક રૂપ વાલ્મીકિ રામાયણમાં દર્શાવાયા છે.જે નીચે ના શ્લોક્માં જોઈ શકાય છે.

કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી,ધર્મેષુ પત્ની, ક્ષમયા ધરિત્રી;

સ્નેહેષુ માતા,શયનેષુ રંમ્ભા,રંગે સખી લક્ષ્મણસા પ્રિયા મે.

પુરાણકાળમાં નારી:-

વેદ,ઉપનિષદ,રામાયણ-મહાભારત માં જે સ્થાન નારીનું હતું તે અહીં જોવા મળતું નથી.વૈદિક સાહિત્યમાં જે ઉદાત્ત ભાવના હતી તેટલી જ સંકુચિતવિચારધારાપુરાણકાળથીશરૂથઈહતી.કુમારી-કન્યાઓ નાં જીવન સીમિત રહી ગયા છે. તેની કોઈ ચર્ચા પણ પુરાણોમાં મળતી નથી.

પુરાણોમાં નારીને ધાર્મિક સ્વતંત્રતા ખૂબ જ ઓછી આપવામાં આવીછે. એનું શ્રેષ્ઠ કર્તવ્ય પતિની અને પરિવારની સેવા કરવાનુ છે. વિવાહ સંબંધિત વિવિધ પ્રણાલીઓ અને બાલ-વિવાહ પ્રથા અહીંથી શરૂ થાય છે. સ્કંદપુરાણ મુજબ વિધવા જો કેશ ધારણ કરી રાખેતો તેના પતિને પરલોકમાં બંધન પ્રાપ્ત થાય છે. જેવા ભ્રામક ખ્યાલો અને ભ્રામક માન્યતાઓ એ જન્મ લીધો. આ પ્રમાણે વિધવા નારીની પ્રત્યે સહનુભૂતિની અપેક્ષાએ ઉપેક્ષાના ભાવ , તે અમંગલાછે.તેનું દર્શન અનિષ્ટસૂચક છે. વગેર વર્ણનો પુરાણોએ આપ્યા છે.એટ્લું જ નહીં સત્તી પ્રથાને પ્રોત્સાહન પણ પુરાણકાળમાં મળ્યું છે. એ સમયે સતી થાવું પરમ ગૌરવ માનવામાં આવતું. આના પ્રમાણો સ્કંદપુરણમાં નીચેપ્રમાણે મળે છે.

( અમંગલેભ્ય: સર્વેભ્યો વિધવા સ્યાદ મંગલા;વિધવાદર્શનાતસિધ્ધિ:ક્વાપિજાતુનવિધ્ય્તે.) અર્થાત‍ (વિધવાનું દર્શન અમંગલકારીછે.એનાથી કોઈ કાર્યની સિધ્ધિ થતી નથી.)

(સ્કંદપુરાન-3,7/51) પુરાણોમાં નારીની યાતનામય જીવનની નીંવ નંખાઈ છે.

સતીત્ત્વ નારીનું સર્વસ્વછે.તેનાજીવનનું આભૂષણ છે.પ્રુથ્વીનાતમામ તીર્થો સત્તીનાંચરણોમાંછે.

પ્રુથિવ્યાં યાનિ તિર્થાનિ સતીપાદેષુ તાન્યપિ.(બ્રહમ્વૈવર્ત પુરાણ,83/119) પુરાણોમાં નારીનું માતાઅને પત્નીતરીકે નું રૂપ વધારેપ્રાપ્ત થાય છે. છે.મદાલસા અને દેવહૂતિ આદર્શ માતાઓ છે.

બૌધ્ધકાળ-જૈન કાળ:-

બૌધ્ધધર્મનો જન્મ વૈદિક ધર્મના ક્રિયાકાંડો અને બાહ્યાંડમ્બરની પ્રતિક્રિયાનાં રૂપમાં થયો હતો. હતો. જે નારીને પુરુષની અધિકારલિપ્સામાં દબાવી દેવામાં આવી હતી. તેણે આ યુગમાં ચૈનનો શ્વાસ લીધો.બુધ્ધે લોકોને સમજાવ્યું કે પુરુષ અને સ્ત્રી બંન્ને પૂર્વજન્મના કર્મોનું ફળ ભોગવે છે. અને એ કહેવું ખોટું છે-કે- પુત્ર દ્વારા જ સ્વર્ગ ની પ્રાપ્તિ થઈ શકે છે. એમના કથનથીપુત્રીના જન્મને અમંગલકારી સમજવાનું બંધ થયું. બુધ્ધ દ્વારા વિધવા ,પતિતા સર્વનેમાટે ધર્મનાં દ્વાર ખોલી દેવામાં આવ્યા. તેથી વિધવાઓ બૌધ્ધા માં દીક્ષિત થવા લાગી. બુધ્ધે અનેક ઉત્પીડિત નારીઓને સંઘમાં દીક્ષા આપી. એમના ભિક્ષુણી સંઘમાં આમ્રપાલી,અઢકાશી, વિમલા જેવી પતિત નારીઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો. જૈન મતાવલંબીઓમાં નારી માટે અપરીમ શ્ર્ધ્ધા અને આદરની ભાવના વિદ્યમાન હતી.એનાં તીર્થંકરોમાં ઓગણીસમી ”મલ્લીનાથ” હતી.

સંસ્કૃત સાહિત્યમાં નારીની સ્થિતિ:-

કાલિદાસ, અશ્વઘોષ, માઘ વગેરે કાવ્યકારોને નારીનાં શાસ્ત્રીય આદર્શો ને માન્ય સ્વીકાર્યા છે. તેથી તેમની નારીમાં અનંત મમતા,ત્યાગ,વાત્સલ્ય,ધરિત્રી જેવી સહનશીલતા,નિ:સ્પૃહ સેવા,ભાવ અને માન, આજ્ઞાકારિતા, નો વિકાસ થયો છે. આ કાવ્યોમાં નારી સુકોમલ, પરિશ્રમી, અને પરાધીન છે. એની ચરમ અને પરમ મહત્તા માતૃ અને ગૃહિણી રૂપમાં વિકસિત થઈ છે.પરંતુ પોતાના યુગની પ્રતિક્રિયાવાદી પરંપરાઓનું પોષણ કરવાવાળી ,સભામાં વાક્‍ચાતુર્ય, પ્રતિભા પ્રદર્શન કરવાવાળી બતાવવામાં નથી આવી.

મુસ્લિમકાળ:-

વાસ્તવમાં ઈસ્લામકાળે નારીનાં જીવનને પૂર્ણત: અંધકારમય બનાવીદીધું.મુહમ્મદબિંનકાસિમનાં આક્રમણથી લઈને મુગલ સામ્રાજ્યના પતનનો ઈતિહાસ નારીનાં આસુંઓમાંજ નહીં,રક્તથી લખાયો છે. મોગલકાળમાં 400 વર્ષનાં પરાજયનો સામનો ભારતીય નારીનાં જૌહરની આગમાં પોતને ભસ્મ કરીને કરવો પડ્યો છે.

હિંદુ મહિલાઓમાં જીજાબાઈ કુશાગ્ર રાજનીતિજ્ઞ હતી, શિવાજીનાં પુત્ર રાજારામના પત્ની તારાબાઈ ઔરંગ્ઝેબનો વિરોધ કરનારી ,દુર્ગાવતીએ આશફખાં નો પ્રતિરોધ ,કર્ણાવતીએ બહાદૂરશાહ નો મુકાબલો કર્યો હતો,અને અહલ્યાબાઈ તત્કાલીન પ્રશાસન કૌશલ અને વીરતાનું પ્રમાણછે.

ચાંદબીબી અને નૂરજહાનું રાજ્યસંચાલન નુ પ્રમાણ કહી શકાય.જ્યાં સુધી શિક્ષાનો પ્રશ્ન છે. ,ઈસ્લામનારીના પક્ષમાં નથી. પરંતુ અપવાદરૂપ ગુલબદનબાનુ, સલીમાબેગમ, જેબુત્રિસા આદિ નારીઓ દ્વારા કાવ્ય રચનાનો ઉલ્લેખ મળે છે.

આ પ્રમાણે ઋગ્વેદ્દ કાળ નારીના ઉત્કર્ષની ચરમ સીમા હતી તો ઈસ્લામ્કાળેના પતનની.

આધુનિકકાળ:-

19મી શતાબ્દી સુધીમાં ભારતીય નારી ની દુર્બળતા ચરમ સીમા સુધી પહોચી ગઈ હતી. આ શતાબ્દી પૂર્વે તેણી ગૃહ કારાવાસિની – બંદિની બની ગઈ હતી. 19મી સદીના મધ્યભાગમાં રાષ્ટ્રનાં મહાન સુધારકો ના અથાક પ્રયત્નોનાં ફલસ્વરૂપ નારી કલ્યાણનાં કાર્યોનાં શ્રીગણેશ થયા. નારીશિક્ષાનાં પ્રસારક અને સુધારક તરીકે ઈશ્વ્રરચંદ્ર વિદ્યાસાગર અગ્રદૂતઅગ્રદૂ રહ્યા. નિરક્ષર નારીની શિક્ષા નાં આંદોલન ને રાજારામ મોહનરાયે પોતાના હાથમાં લીધું. સન્‍ 1847માં સર્વપ્રથમ મહિલા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કલક્ત્તામાં થઈ. 1849માં સર્વપ્રથમ સહશિક્ષા નો આરંભ થયો.

નારીનાં અસ્તિત્વને નગણ્ય સિધ્ધ કરવાવાળી સતીપ્રથા આ કાલ સુધી ચલતી રહી. 1829થી રાજારામ મોહનરાય નાં પ્રયાસથી સત્તીપ્રથા પ્રતિબંધ નો કાયદો આવ્યો. આવ્યો.ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનાં પ્રયાસથી 1856માં વિધવા પુનર્વિવાહ વિધેયક પસાર થયું. સ્વામી દયાનંદ સરસ્વતીએ આનું સમર્થન કર્યું. કન્યા ગુરૂકુળ, સ્ત્રી શિક્ષા, સ્થાપીને આર્યસમાજે એક નવા યુગનો આરંભા કર્યો. નારીવિષયક અસમાનતાઓ, સત્તીપ્રથા,કુરિવાજો વગેરેને દૂર કરવા માટે પુષ્કળ સાહિત્ય પણ લખાયું અને આંદોલનો પણ થયા.

ઈસ્ટઈંડીયા કંપની ના શાસનકાળમાં ખાસ સુધાર થયો નહીં. 19મી સદીનાં ઉત્તરાર્ધમાં બ્રહ્મ સમાજ,પ્રાર્થનાસમાજ, આર્યસમાજ અની થિયોસોફિકલ સોસાયટી, રામકૃષ્ણ આશ્રમ વગેરે સંસ્થાઓએ આ પાવન અનુષ્ઠાનમાં પૂર્ણ સહયોગ આપ્યો. હવે દેશી રાજ્યોએપણ આ ક્ષેત્ર માં પોતાનું યોગદાન આપ્યું. બાલ વિવાહનાં શાપ ને દૂર કરવા માટે બરોડાનાં મહારાજાસયાજીરાવ ગાયકવાડે 1902માં શિશુવિવાહનિષેધા એક્‍ટપાસ કરાવ્યો. કન્યાની 16 વર્ષ અને કુમારની18 વર્ષ ઉંમર નક્કી કરવામાં આવી.પ્રાચીન કાળથી ચાલી આવતી દેવદાસી પ્રથા 1906માં મુંબઈ સરકારે દૂર કરી.1909માં મૈસુરસરકારે મંદિરોમાં ચાલતી નૃત્યપ્રથા બંધ કરી. 1925માં ડો. મધુલક્ષ્મી રેડી વગેરેનાં ભગીરથા પ્રયાસો થી પીનલકોડ્નાં નિયમથી આ નાબાલિક વ્યવસાયને અપરાધા ઠરાવવામાં આવ્યો અને આ નિયમ દેવદાસી પર પણ લાગુ કરવામાં આવ્યો. 1949માં હિંદુ વિવાહ માન્યતા કાનૂન અંતર્ગત આંતરજ્ઞાતીય વિવાહને માન્યતા મળી. પછીથી કન્યા-કુમારનીવિવાહની ઉંમરમાં પણ વધારો થયો.17 જુન 1956માઆં કન્યાને એ બધા જ અધિકારો પ્રાપ્તા થયા. જે પુરષને મળતા હોય.1957નાં હિંદુ કોડ બિલ પ્રમાણે નારીને બધા જ પુરાના કાયદા કાનૂનની ધારાઓથી મુક્ત કરી સ્વતંત્ર જીવનયાપનનાં દ્વાર ખોલી દીધા. 20મી સદીની સૌથી મોટી વિશેષતા એ છે કે નારી શિક્ષાને સંપૂર્ણ રીતે મહત્ત્વ આપવામાંઆવ્યું.

આમાં સરકારનાં પ્રયાસોની સાથેસાથે સમાજિક સંસ્થાઓનો પણ એટલો જ મોટો ફાળો રહ્યો છે. આજ શિક્ષાના ક્ષેત્રમાં નારી પુરૂષ સમાન જ નહીં અપિતું આગળ છે. માત્ર શિક્ષા જ નહી દરેક કાર્ય ક્ષેત્રમાં અગ્રેસર જોવામળે છે.ચૂલાચૌકીથી બહાર આવીને આકાશની ઉડાન તેણે ભરી છે. આજની ભારતીય નારી અવની ચતુર્વેદી,ભાવના કંથ અને મોહનાસિંહ, જેણે પ્રથમવાર ફાઈટર પ્લેન નું સફળ ઉડ્ડ્યન કરાવ્યું તેણે સાબિત કરી આપ્યુંછે.કે એવું કોઈ જ કાર્ય નથી કે જે નારી ન કરી શકે.આ નારીઓ ઋગવેદની વિશ્વવારા અને વિશ્પલાની યાદ અપાવે છે. આજની નારી પુરૂષથી સવાઈ છે. તેથી જ કહી શકાય ને “ જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે”. નારી નું સર્જન ઈશ્વરનું અનેરું સર્જન છે. નારીનું સન્માન સમાજનું સન્માન છે. રાષ્ટ્રનું ગૌરવ છે.રાષ્ટ્ર નું અભિમાન, સ્વાભિમાન નારી છે. જ્યારે-જ્યારે નારીનું ગૌરવ હણાયું છે ત્યારે-ત્યારે રાષ્ટ્ર નું પતન થયું છે. તેના સાક્ષી આપણાં રામાયણ-મહાભારત છે. “જયતુ નારી”.જયતુ રાષ્ટ્ર”

---નારીનાં વિવિધ પાસાને પ્રગટ કરતી મારી એક રચનાં..........

“ નારી-શકિત”

[ નારી-- શું હતી? ]

વેદ્કાળમાં વિદૂષી હતી

નારી પણ તે ઋષિ હતી

મૈત્રેયી ને કાત્યાયિની હતી

ઘોષા નામે બ્રહ્મવાદિની હતી

વિશ્પલા વીરાંગના હતી

યજ્ઞોમાં પણ તે સામેલ હતી

નારી સદૈવ પૂજનીય હતી.

[ શું--શું કરતી? ]

શાસ્ત્રાર્થ ને વેદાભ્યાસ કરતી

યજ્ઞો પણ તે જાતે કરતી

સ્વયંવર તે સ્વયં ચુનતી

પતિને પરમેશ્વ્રર ગણતી

રાજ્યાશન પણ તે શોભાવતી

કરમાં તે પારણું ઝૂલાવતી

શકુંન્તલા થઈ સિંહો સર્જતી

શસ્ત્રોને શણગાર સજતી

રણમાં તે ન પાછી પડતી

જીવનનું સમર્પણ કરતી

મરદાની થઈ મેદાને પડતી

માતૃભૂમિની રક્ષા કરતી

કદી અંબા-જગદંબા બનતી

સીતા બની રાવણ હણતી

અન્નપૂર્ણા થઈ ભંડારો ભરતી

ઉમા થઈ કૈલાસે વસતી

મહિષાસુર મર્દિની બનતી.

[ ક્યાં—ક્યાં ઊભી ? ]

સમાજનાં સીમાડે ઊભી

ખેતરમાં ને ગામમાં ઊભી

ઘરતણાં ઉંબર પર ઊભી

ઘર અને બહાર પણ ઊભી

ઘંટીને દળવામાં ઊભી

કૂવાને કાંઠે તે ઊભી

ઊંચીનીચી ઘટમાળે ઊભી

બાળકનાં પરવરિશમાં ઊભી

જીવનતણાં પગથારે ઊભી

ધરતી ને અંબર પણ ઊભી

શબ્દો તણાં સથવારે ઊભી

નોકરીના દ્વારે ઊભી

રસોડાની માવજતે ઊભી

નરને પડખે હરવક્ત ઊભી

પરિવાર માટે તલપાપડ ઊભી..

[ શાને કાજે ? ]

માતાની મમતાને કાજે

વાત્સલ્યની સરવાણી કાજે

બહેનીના સ્નેહને કાજે

માડી જાયાના પ્યારને કાજે

પુત્રના દુલારને કાજે

પરિવારની સુખાકારીને કાજે

પતિના પ્રેમને કાજે

માતાપિતાનાં સમ્માનને કાજે

સાસ-સસુરના ગૌરવને કાજે

સમાજની સેવાને કાજે

ભારતીય નારીના ધર્મને કાજે

સંસ્કૃતિની રક્ષાને કાજે

સૃષ્ટિના સર્જનને કાજે—

[ ક્યાં-ક્યાં સૂતી ? ]

બાળ લગ્નની વેદીમાં સૂતી

સમાજનાં કુરિવાજોમાં સૂતી

વિધવા તણાં વૈધવ્યે સૂતી

સત્તીપ્રથામાં ચિતાએ સૂતી

દહેજ તણાં રાક્ષસે સૂતી

સાસરિયાનાં ત્રાસે સૂતી

લોટરીની લીલામીએ સૂતી

દારૂના દૈત્યને કારણે પણ સૂતી

ભૃણહત્યાનાં દૂષણે સૂતી.

[ શું-શું ઉઠાવે ? ]

ઘર-તણી જવાબદારી ઉઠાવે

પુત્ર-પતિની તાબેદારી ઉઠાવે

સમાજ્નાં વહેવાર ઉઠાવે

નોકરીને કારોબાર ઉઠાવે

હરકામ બરોબર ઉઠાવે

જરૂર પડે બંદૂક ઉઠાવે

રાજ્ય અને કારભાર ઉઠાવે

સૂતાને-જાગતાને ઉઠાવે

શિક્ષાથી અંધકાર ઉઠાવે

શકિતરૂપી તલવાર ઉઠાવે

જીવનનો ઝંઝાવાત ઉઠાવે.

[ કોનાં સમી ? ]

શકિતના અવતાર સમી

એ જગદંબાની જ્યોત સમી

સહનશીલતાની મૂરત સમી

એ ધરતીનાં પર્યાય સમી

શીતળ એચાંદની સમી

પણ ધગધગતા અંગાર સમી

એ શૂરવીરની બરછી સમી

એ કોમલ ભલે ફૂલ સમી

એ લોખંડી પોલાદ સમી

મનોબળવાન ચટ્ટાન સમી

ધીર-ગંભીર એ સાગર સમી

પાવનકારી ગંગા સમી

નારી પણ એ નર સમી

નારી વિના નરની કમી

એ “ગીતા”ના હ્રદયમાં શમી

એ “ગીતા”ના મનને ખૂબ ગમી.

(“ગીતા”-પ્રા.ડૉ.દમયંતી એચ. ભટ્ટ.)

( c - DR. BHATT DAMYANTI HARILAL )