ભાગ..15
આપણે આગળ જોયું કે સીમા અને પાયલે પોતાની આગવી સુઝબુઝથી પોતાની જાતને બચાવી અને સંબંધોની સાતત્યતા જાળવી. હવે આગળ...
આજ પાયલે આખી રાત દેવેશના ખરાબ કૃત્યોના જ વિચાર આવ્યા. સવાર પણ આળસ ખાતી આવી. એ થાકેલા તન અને મન સાથે જ ઊઠી. એણે સવારમાં જ ટી.વી.ઓન કર્યું. દેવેશના જ સમાચાર આવી રહ્યાં હતા. એ દંપતિ એકબીજાને ખોટા રસ્તે પણ અદ્ભૂત સાથ આપતા હતા. એ બેય પકડાયા એટલે કેટકેટલાં લોકોએ દેવેશની ચાલ સમજી પોતે પણ છેતરાયા છે એવું સતત લાઈવ ટેલિકાસ્ટ આવી રહ્યું હતું.
આ બધું જોઈને સાગરે સુહાનીને કહ્યું , " સમય બહુ ખરાબ છે. સારું ઘર, સારો દેખાવ અને સારી રહેણીકરણીનો હર કોઈ ફાયદો ઊઠાવે જ છે. મને આવી વાતોથી બહુ ડર લાગે. મને મારી ઓફિસમાં પણ તારો જ વિચાર આવતો હોય. તું આવા બધા કિસ્સાથી અજાણ જ છે દુનિયામાં. સુહાની મને સતત તને ખોવાનો ડર સતાવતો રહે છે. એટલે હું તારી સલામતી માટે જ તને અમુક છુટછાટ નથી આપતો."
સુહાની : હમમમ..( નીચું મોં રાખીને જ.)
સાગર : સુહાની, આજ તું બોલ કે તારી શી ઇચ્છા છે એ હું અબઘડી પૂરી કરું. ( હાથેથી ચપટી વગાડતા એ સુહાનીને ઢંઢોળે છે.)
સુહાની : ખાલી એક બાળક ! ( નિરાશ વદને જવાબ આપે છે અને પ્લેટ હાથમાં લઈને રસોડામાં જાય છે.)
સાગર પણ એની પાછળ જઈ સુહાનીને માઈલ્ડ સ્મિત આપતા કહે છે, " જ્યાં હું હારી જાવ એવી જ માંગણી તું કરે છે. બીજું પણ કાંઈક માંગી શકતી હતી તું."
સુહાની : ચલ, બાળકની વાતથી તું નારાજ થઈ ગયો તો એમ કર મને થોડી સ્વતંત્રતા આપીશ. હું મારા નિર્ણય જાતે લઉં, હું જાતે જ ઈચ્છા થાય એ ખાઈ - પી શકું અને મારી જાતે જ તારી સામે મારી પસંદગી કોઈ પણ ફિલ્ડમાં કરી શકું !
સાગર : શું સુહાની તું પણ ! મેં તને ક્યાંય નથી રોકી. હા, અમુક જગ્યાએ રોકું છું એનું કારણ કે તારા કાનમાં કોઈ પણ વ્યક્તિ આપણી જીંદગીની વિરુદ્ધ ખામીઓના પૂમડાં ભરાવી ન જાય.
સુહાની : હું પણ બધું સમજું જ છું પણ તું મને સમજતો જ નથી.
સાગર : આજ તારે જે કરવું હોય એના માટે તું આઝાદ બસને હવે ! ( આમ કહી એ હોસ્પિટલે જવા માટે તૈયાર થાય છે.)
થોડીવાર પછી સુહાની એના હાથમાં લીંબુ શરબતનો ગ્લાસ આપતી વખતે કહે છે, " આજ હું મારી સખીઓને આપણા ઘરે બોલાવું? "
સાગર : જો સુહાની મને મિડલ ક્લાસ લાઈફ બિલકુલ પસંદ નથી. મારા હોદા અને મારા રૂઆબ મુજબનું તારૂં ગ્રુપ હોય તો બધાને મોસ્ટ વેલકમ.
સુહાની : જો આ પણ તારું બંધન જ ગણાય. તને પણ ખબર છે કે મને હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલ, ફેશનના ફુવારા અને રૂપિયાના રૂઆબ બિલકુલ પસંદ નથી. હું એટલે જ તારા કોઈ ફંકશનમાં નથી આવતી. હું કોઈને એની નાણાકીય પરિસ્થિતિ પૂછીને મિત્રતા કરું એવી માનસિકતા નથી રાખતી. વાંધો નહિ, હું આપણા ઘરના પેટ એનિમલ સાથે જ સમય પસાર કરીશ.
સાગરને આ વાત ન ગમી. એણે કારને પાર્કિંગમાંથી કાઢતી વેળાએ જ સુહાનીને સખીઓ સાથે મિટિંગ કમ કિટ્ટી પાર્ટીનું આયોજન કરવા કહ્યું પણ ઘરે જ..બહાર ક્યાંય નહીં. સુહાનીએ પણ હા કહી અને સાગર નીકળી ગયો.
સુહાનીએ કામકાજ પતાવી સીમાને કોલ કર્યો. પણ સીમાએ રિસિવ ન કર્યો. બે-ત્રણ વાર ટ્રાય કરી પણ સીમાએ ફોન ન ઊંચક્યો. થોડીવાર પછી એણે રેખાને કોલ કર્યો. રેખાએ વાત કરી સુહાની સાથે. રેખા થોડી ચિંતિત લાગી રહી હતી.
સુહાની : "શું થયું ? કેમ ધીમું બોલે છે.?"
રેખા : " આજ માધવને એના પપ્પાની બહુ યાદ આવે છે. એના સવાલોથી હું થાકી છું. હવે એ વિચિત્ર સવાલો કરે છે. આજ મગજ બિલકુલ કામ નથી કરતું. શું કરવું એ જ નથી સમજાતું !"
સુહાની : "સાંભળ, આજ તું માધવને લઈને ઘરે આવ. હું તો સીમા અને પાયલને પણ બોલાવવાની છું."
રેખા : " માધવ બહું અતડો છે. એ બહુ સમય ત્યાં નહિ રહે તો પણ હું આવવાનો પ્રયત્ન કરીશ."
સુહાની : " હું એનો મૂડ ઠીક કરી દઈશ, તું લાવજે જ એને સાથે."
આમ વાત કરી ફોન મૂકાય છે. ત્યાં જ સાગરનો મેસેજ આવે છે કે એ રાત્રે મોડો આવશે. એ એના મિત્રો સાથે બહાર ડીનર પર જવાનો છે. સુહાની મનમાં બબડે છે કે 'મને ના પાડતો હતો અને પોતે આરામથી પાર્ટી કરશે.'
બરાબર બાર વાગ્યે સીમાનો કોલ આવે છે સુહાની માટે.
સીમા : "સોરી, સુહાની..આજ હું બાળકોને તૈયાર કરતી હતી.એ રાજ સાથે વોટરપાર્ક ગયા એટલે ધ્યાન જ ન રહ્યું મારું. હવે ફ્રી થઈ. કંઈ કામ હતું કે ?"
સુહાની : " હા, તું અને પાયલ આજ મારા ઘરે આવજો. આપણે સાથે જ જમીશું અને વાતો કરીશું. રેખા પણ આવશે. આજ યોગમાં નહિ જાય તો ચાલશે ને !"
સીમા : "સારું, ચાલો સાંજે મળ્યા.આમ પણ હું અને પાયલ તમને બેયને મળવાના જ હતા. એક જરુરી વાત પણ કરવી હતી. સાંજે જ આપણે સાથે બેસીને ચર્ચા કરીશું."
સુહાની : "હા, ભલે.. હું પણ હવે ફોન મુકું છું. આવજે..!"
હવે બાકીની વાત આગળના ભાગમાં જોઈશું કે ચારે સખીઓ શું વાતો કરે છે..
---------- (ક્રમશઃ) ------------
લેખક : Doli modi✍️
Shital malani✍️