એકાવન
પ્રોફેસર શિંગાળાની જાહેરાત બાદ તમામની નજર નિર્મલ પાંડે પર ગઈ, પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે નિર્મલ પાંડે તેના સ્વભાવ વિરુદ્ધ ગુસ્સે થઈને રીએક્ટ કરવાને બદલે સ્મિત ફરકાવતો ઉભો હતો.
“નિર્મલ પ્લેયિંગ ઇલેવનમાં નથી પરંતુ તે ટીમનો ભાગ તો છે જ અને આવતીકાલની મેચમાં એ બારમાં ખેલાડી તરીકે રમશે.” વરુણે જાહેરાત કરી.
નિર્મલે વરુણની જાહેરાત સાંભળીને પોતાનું ડોકું હકારમાં હલાવ્યું.
“તો આપણે બધાં મળીએ છીએ કાલે સવારે સાડા સાત વાગ્યે શાર્પ યુનિવર્સીટી ગ્રાઉન્ડ પર. ફાઈનલ સાડા નવ વાગ્યે શરુ થશે એટલે એક કલાક પ્રેક્ટીસ કરીશું અને પછી કૂલ ડાઉન કરીશું. અત્યારે બધાં એકબીજા સાથે વાતો કર્યા વગર પોતપોતાના ઘરે જાવ.” પ્રોફેસર શિંગાળાએ ખેલાડીઓને કહ્યું.
પ્રોફેસર શિંગાળાના કહેવાની સાથેજ ખેલાડીઓ છુટા પડ્યા. નિર્મલ પાંડે વરુણ સામે અછડતી નજર કરીને ત્યાંથી નીકળી ગયો.
“અંધારું થઇ ગયું છે, તમને તમારા ઘરની ગલી સુધી મૂકી જાઉં.” વરુણે સુંદરીની નજીક જઇને કહ્યું.
“અરે! હું અમદાવાદમાં જ રહું છું. મને કશું નહીં થાય. તમે ઘરે ઉપડો. તમને રેસ્ટની જરૂર છે. ખાસકરીને માનસિક. કાલે રમવા ઉપરાંત તમારે કેપ્ટન તરીકે ઘણું માનસિક ટેન્શન પણ અનુભવવાનું છે. હું પહોંચી જઈશ.” સુંદરીએ સ્મિત સાથે કહ્યું.
“શ્યોર?” વરુણે ખાતરી કરવા કહ્યું.
“હા, એકદમ શ્યોર.” સુંદરી ફરીથી હસી.
“ઓકે, તો એટલીસ્ટ કેમ્પસના દરવાજા સુધી તો સાથે વેહિકલ ચલાવતો આવુંને? વરુણ પણ હસી રહ્યો હતો.
“હા એ ચાલશે.” સુંદરી ખડખડાટ હસી પડી અને વરુણ તેને જોઈ રહ્યો.
==::==
બીજે દિવસે ફાઈનલ મેચ એક તરફી બની રહી. વરુણની કોલેજે ટોસ જીતીને પહેલાં બેટિંગ લીધી કારણકે સેમીફાઈનલ જે પીચ પર રમાઈ હતી એ જ પીચ પર ફાઈનલ રમાઈ હતી, આથી બીજી બેટિંગ લેવાથી પીચ એ સમયે વધુ તૂટી જવાની આશંકા હતી અને કદાચ મેચ ન જીતાય એવી શક્યતા હતી. વરુણનો જુગાર સફળ રહ્યો અને પીચ પહેલી ઇનિંગમાં જ એટલી ખરાબ થઇ ગઈ કે વિરોધી ટીમ માત્ર 65 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ. વરુણે પોતાની ફાસ્ટ બોલિંગથી 6 વિકેટો લઈને વિરોધી ટીમમાં હાહાકાર મચાવી દીધો.
ખરાબ પીચની થોડી અસર તો વરુણની ટીમને પણ થઇ, તેની શરૂઆતની 4 વિકેટો માત્ર 15 રનમાં જ પડી ગઈ. પણ વરુણે 40 રન નોટઆઉટ કરીને બાજી સંભાળી લીધી એટલું જ નહીં પરંતુ પોતાની કોલેજને ત્રણ દાયકા બાદ યુનિવર્સીટી ક્રિકેટ ટુર્નામેન્ટ જીતાડી આપી. ટીમની જીતથી માત્ર સુંદરી અને પ્રોફેસર શિંગાળા જ નહીં પરંતુ કોલેજના પ્રિન્સીપાલ પણ ખૂબ ખુશ થયા.
જો કોઈ ખુશ ન હતું તો એ હતો નિર્મલ પાંડે. વરુણ જે ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ હતો અને કોલેજ ક્રિકેટ માટે સાવ બિનઅનુભવી હતો એણે પહેલાં તો ફક્ત પોતાને ટીમના કેપ્ટનપદેથી જ હટાવ્યો હતો પણ તેને ફાઈનલ મેચમાંથી પણ કાઢી મૂક્યો હતો અને પાછો પોતાના બળ પર ટીમને ચેમ્પિયન પણ બનાવી ગયો. નિર્મલ કદાચ એક ખેલાડી તરીકે પણ કોલેજની ચેમ્પિયન ટીમનો હિસ્સો બની શક્યો હોત પણ વરુણે તેને એ તક પણ ન આપી.
નિર્મલ મનમાં ને મનમાં ધૂંધવાઈ રહ્યો હતો. જ્યારે કોઈ પ્રદુષિત મન અપમાનિત થયા હોવાની ભાવનાનો અનુભવ કરી રહ્યું હોય ત્યારે તેમાંથી ખતરનાક વિચારો અને યોજનાઓ જ બહાર આવતી હોય છે. નિર્મલ પાંડે પણ વરુણ દ્વારા અપમાનિત થયા હોવાનું વિચારીને એક ખતરનાક યોજનાને આકાર આપી રહ્યો હતો. આ યોજના ભલે વરુણને શારીરિક રીતે હાની નહોતી પહોંચાડી શકવાની પરંતુ સમગ્ર કોલેજમાં તેની માનહાની જરૂર કરવાની હતી અને આ માનહાની તેના એકલા પૂરતી સીમિત રહેવાની ન હતી.
==::==
મેચ પત્યાના ત્રણ દિવસ બાદ જ્યારે સુંદરી કૉલેજના પાર્કિંગમાં પોતાનું વાહન પાર્ક કરીને કોલેજના દરવાજામાં દાખલ થઇ અને પ્રોફેસર્સ રૂમના દાખલ થઇ ત્યાં સુધી તેની સામે તેને જેટલા પણ વિદ્યાર્થીઓ મળ્યા એ એને કોઈ અલગ જ નજરે જોઈ રહ્યા હોવાનું તેને લાગ્યું. કેટલાક વિદ્યાર્થીઓ પછી તે યુવક હોય કે યુવતી તેની સામે જોઇને ધીમું ધીમું હસ્યાં હોય એવું પણ એને લાગ્યું.
આ ઘટનાના એક દિવસ પછી સુંદરીને વળી એક નવો અનુભવ થયો, હવે તે જ્યારે પણ કોલેજમાં હોય ત્યારે તેના વિદ્યાર્થીઓ અથવાતો અન્ય વિષયના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજના પ્રોફેસરો પણ તેની સામે જોઇને હસતાં અથવાતો કોઈ જુદી જ નજરે તેને જોતાં. થોડા દિવસ તો સુંદરીએ આ બધું સહન કર્યું પણ પછી તેને લાગ્યું કે તેને જોઇને ખરેખર કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ હસી રહ્યા છે અથવાતો એને કોઈ જુદી નજરે જોઈ રહ્યા છે? કે પછી આ તેનો વ્હેમ માત્ર છે? એ તેણે નિશ્ચિત કરવું પડશે.
સુંદરી આ વ્હેમ કે હકીકતનો નિર્ણય કરે તે પહેલાં જ અરુણાબેને તેને કૉલેજ પતે એટલે એમને સુંદરીનું ખાસ કામ છે એમ કહીને તેને પાર્કિંગમાં પોતાની કારમાં આવીને થોડી મિનીટ ચર્ચા કરીને પછી ઘેરે જવાનું કહ્યું.
બીજી તરફ વરુણને પણ આવો જ અનુભવ થઇ રહ્યો હતો. તેના સહવિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ તે મ્યુઝિયમમાં મુકેલું કોઈ પુતળું હોય એમ તેને જોઈ રહ્યા હતા. વરુણ પણ આસપાસના લોકોના બદલાયેલા વ્યવહારને જોઇને ગૂંચવાઈ ગયો અને મનોમન મુંઝાવા લાગ્યો. કૃણાલે વાંચવા માટે અને આવનારી વાર્ષિક પરીક્ષાની તૈયારી કરવા માટે કોલેજનું સત્ર પૂરું થાય એના પંદર દિવસ પહેલાં જ કોલેજે આવવાનું બંધ કરી દીધું હતું એટલે વરુણ કૃણાલને પણ આ બધાનું કારણ પૂછી ન શક્યો.
વરુણ માટે પરીક્ષાની તૈયારી કરવા આટલા બધા દિવસ ઘેર રહેવું શક્ય ન હતું કારણકે તેને તો સુંદરીને દરરોજ મળવું હતું. પરંતુ જેમ સુંદરીને અચાનક જ અરુણાબેને કોઈ બાબતની ચર્ચા કરવા માટે બોલાવી એમ વરુણને સોનલબાએ એક દિવસ કૉલેજ પત્યા બાદ પોતાની સાથે ગાંધીનગરના બસ સ્ટેન્ડ સુધી આવવાનું કહ્યું.
==::==
“તને ખબર છે કોલેજમાં શું થઇ રહ્યું છે?” અરુણાબેન સુંદરીને પૂછી રહ્યા હતા.
“કઈક અલગ જરૂર થઇ રહ્યું છે મારી સાથે એટલી મને ખબર છે અરુમા.” સુંદરીએ જવાબ આપ્યો.
-----
“ભાઈલા તને ખબર છે કૉલેજમાં અત્યારે શું ચર્ચાઓ ચાલી રહી છે?” સોનલબા ચાલતાં ચાલતાં પૂછી રહ્યા હતા.
“બેનબા, મને કશુંક અજુગતું તો લાગી રહ્યું છે. લોકો મને અલગ નજરે જોઈ રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી.” વરુણે સોનલબાને જવાબ આપ્યો.
-----
“લોકો તારી અને વરુણ વચ્ચે કશુંક ચાલી રહ્યું છે તેની અફવાઓ ઉડાવી રહ્યા છે.” અરુણાબેને ખુલાસો કરતાં કહ્યું.
“શું?” સુંદરી અવાચક બની ગઈ.
-----
“ભાઈલા, કોલેજમાં એવી હવા છે કે તારી અને મેડમ વચ્ચે અફેર છે અને એ પણ જબરદસ્ત!” અહીં સોનલબાએ ધડાકો કર્યો.
“વ્હોટ?” વરુણ પણ આશ્ચર્ય પામીને ત્યાં જ ઉભો રહી ગયો.
-----
“ગામના મોઢે ગરણા ન બંધાય. વાતનું વતેસર થાય એ પહેલાં તું સીધી વરુણ સાથે જ વાત કરી લે આ બાબતે. અને ધ્યાન રાખજે કે તું અને વરુણ કોલેજથી ઘણે દૂર કોઈ જગ્યાએ મળો અને એ પણ પબ્લિક પ્લેસમાં.” અરુણાબેને કહ્યું.
“હા, આ વાતનો નિવેડો તો બને તેટલો જલ્દી જ લાવવો પડશે. કેટલા ગંદા મગજ હોય છે ને લોકોના અરુમા?” સુંદરીના ચહેરા પર ચીડ સ્પષ્ટ દેખાતી હતી.
-----
“ભઈલા, મને લાગે છે કે વાતનું વતેસર થાય એ પહેલાં તું મેડમને મળી લે.” અહીં સોનલબાએ પણ વરુણને એવી જ સલાહ આપી.
“હા, હું હમણાં જ એમને મેસેજ કરું છું અને બને તો આજે જ કોઈ દૂરના એરિયામાં એમને મળવા બોલાવી લઉં છું.” વરુણ પણ સુંદરીને મળવા માટે તૈયાર થઇ ગયો.
==::==
“ઓહોહોહોહો... પ્રોફેસર જયરાજ! વ્હોટ અ પ્લેઝન્ટ સપ્રાઈઝ!” દરવાજો ખોલતાની સાથેજ પોતાની સામે જયરાજને જોઇને પ્રમોદરાયથી આપોઆપ બોલી પડાયું.
“યસ, જસ્ટ પાસીંગ બાય ધીસ એરિયા, તો થયું સાહેબને મળતો જાઉં.” જયરાજે પ્રમોદરાયને જવાબ આપતાં કહ્યું.
“કેમ નહીં, કેમ નહીં. આવો આવો અંદર આવો.” પ્રમોદરાયે જયરાજને ઘરમાં આવકારવા માટે અંદરની તરફ પોતાનો હાથ લાંબો કર્યો.
“ના, નોટ ટુડે સર. આઈ એમ ઇન બીટ હરી. હું તમને ચેતવવા આવ્યો હતો. અબાઉટ સુંદરી.” જયરાજને જે વાત કરવી હતી તે સુંદરીની હાજરીમાં કરી શકાય એમ ન હતી.
જયરાજને ખબર હતી કે સુંદરીને કોલેજેથી ઘેર પહોંચતા વાર લાગશે કારણકે એ આજે છઠ્ઠું લેક્ચર ભણાવીને આવવાની હતી એટલે પોતે એક લેક્ચર અગાઉ જ કોલેજ છોડીને પ્રમોદરાય પાસે પહોંચી ગયો જેથી તે ટૂંકમાં જ પોતાને જે કહેવું છે એ કહીને નીકળી જાય.
“સુંદરી? એણે શું કર્યું?” સુંદરીનું નામ સાંભળતાની સાથેજ પ્રમોદરાય ચોંકી ગયા.
“વેલ, શી ઈઝ હેવિંગ એન અફેયર વિથ અ સ્ટુડન્ટ. આવી વાતો કોલેજમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. એટલે આઈ થોટ કે હું તમને જરા ચેતવી દઉં. દીકરીઓને હાથમાંથી જતા વાર નથી લગતી સર. જરા સંભાળી લેજો. ઓકે?” આટલું કહીને જયરાજ પ્રમોદરાય સામે અવાજો કરીને એમના ઘરનો ઓટલો ઉતરી ગયો કારણકે એનું કામ પતી ગયું હતું.
પરંતુ પ્રમોદરાય જયરાજની વાત સાંભળીને ઘરના દરવાજા પાસે જ સ્થિર થઇ ગયા. એ ભલે સુંદરી પર સદાય ગુસ્સે થતા અને તેના પર ભરોસો નહોતા કરતાં, પરંતુ આજે પ્રમોદરાયને પોતાના પરથી વિશ્વાસ ઉઠી ગયો એવું લાગી રહ્યું હતું. પ્રમોદરાયને એમ હતું કે સુંદરીને દાબમાં રાખવાથી એ ગભરુ બની રહેશે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે પોતે પોતાની ઈચ્છા મુજબ સુંદરીને પરણાવી દેશે.
પરંતુ જો જયરાજની વાતમાં એક ટકો પણ સચ્ચાઈ હશે તો સુંદરીને પરણાવવી અઘરી પડશે અને જયરાજ જે કહી ગયો એ લફરાંને કારણે પોતાની બદનામી પણ થશે એ વિચાર પણ પ્રમોદરાયને ધ્રુજાવી ગયો.
==::==
“આપણે મળવું પડશે. આજે સાંજે જ.” વરુણ હજી બસમાં જ બેઠો હતો કે એના મોબાઈલ પર સુંદરીનો મેસેજ ઝબકયો.
“ચોક્કસ, તમે કહો ત્યાં.” વરુણને ખ્યાલ તો આવી જ ગયો હતો કે જે વાત સોનલબાએ થોડા સમય પહેલાં તેને કહી હતી એ વાત સુંદરીને પણ ખબર પડી ગઈ લાગે છે અને એટલેજ સુંદરી એને આજે જ મળવા માંગતી હશે.
“ગોતા મ્યુનિસિપલ ગાર્ડનમાં સાંજે સાડા ચાર વાગ્યે શાર્પ.” સુંદરી પોતાના ઘરની ગલી સુધી પહોંચી ગઈ હતી અને ત્યાંજ એક તરફ પોતાનું હોન્ડા લઇ જઈને વરુણને તે મેસેજ કરી રહી હતી.
“ડન!” વરુણનો જવાબ આવ્યો.
વરુણ સમજી ગયો કે સુંદરીએ તેને અમદાવાદના દૂરના એવા વિસ્તારમાં એવા સમયે બોલાવ્યો છે જેના કારણે તેમની મુલાકાતથી કોલેજમાં જે વાત આગની જેમ ફેલાઈ ગઈ છે તેને હવા ન લાગે.
વરુણનો મેસેજ વાંચતાની સાથેજ સુંદરીએ મોબાઈલ પર્સમાં મૂક્યો અને સેલ્ફ સ્ટાર્ટરથી હોન્ડા સ્ટાર્ટ કરીને પોતાના ઘરના આંગણામાં આવી ગઈ.
“ત્યાં જ ઉભી રે’જે!” દરરોજની જેમ સુંદરી ઘરમાં પ્રવેશ કરીને ફ્રેશ થવા પોતાના રૂમમાં જવા દાદરા તરફ જઈ રહી હતી કે ત્યાંજ રસોડામાંથી પાણી પીને બહાર આવેલા પ્રમોદરાયે તેની પાછળથી ત્રાડ પાડી!
==:: પ્રકરણ ૫૦ સમાપ્ત ::==