Adhura premni anokhi dastaan - 22 in Gujarati Fiction Stories by Sujal B. Patel books and stories PDF | અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 22

Featured Books
Categories
Share

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 22

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૨


સુજાતા કોલેજના ગેટ પાસે આદિત્યની રાહ જોતી હતી. આદિત્યને આજ કોલેજ આવવામાં મોડું થયું હતું. સુજાતા આદિત્યને કેટલીવાર કોલ કરી ચૂકી હતી. પણ આદિત્યએ કોલ રિસીવ જ નહોતો કર્યો.

"સુજાતા અહીં એકલી કેમ ઉભી છે?"

"યાર અદિતિ, આદિત્ય હજું કોલેજ નથી આવ્યો. તે મારો કોલ પણ રિસીવ નથી કરતો."

"ચિંતા નાં કર, હમણાં આવી જાશે."

"તેને ક્યારેય મોડું નથી થતું. આજ જ શાં માટે મોડું થયું?"

"લો આવી ગયો, આદિત્ય. તેને જ પૂછી લે. કેમ મોડું થયું?"

આદિત્ય તેની કારમાંથી લાલ ગુલાબનો ગુલદસ્તો અને એક મોટું બોક્સ લઈને ઉતર્યો. સુજાતા સામે જોઈને સ્માઈલ કરી, તેની તરફ ચાલવા લાગ્યો. સુજાતા અને અદિતિની પાસે આવીને આદિત્યએ એક મોટી સ્માઈલ કરી.

"હેપી બર્થડે, સુજી."

આદિત્ય બધાંને સંભળાય એમ જોરથી બોલ્યો. આદિત્યનો અવાજ સાંભળી, કોલેજનાં બધાં છોકરાં છોકરીઓ ત્યાં ભેગાં થઈ ગયાં. સુજાતાના ચહેરા પર એક મોટી સ્માઈલ આવી ગઈ. અદિતિ સુજાતાને કોણી મારીને બોલી.

"તો આદિત્ય આ કારણથી મોડો આવ્યો, ને તું ખોટી પરેશાન થતી હતી."

અદિતિની વાત સાંભળીને, સુજાતા તેની સામે જોઈને હસવા લાગી. આદિત્યએ બધાંને કેન્ટીન તરફ જવા કહ્યું. આદિત્યના હાથમાં રહેલું બોક્ષ તેણે અદિતિને આપી દીધું. અદિતિ એ બોક્ષ લઈને, બધાં સાથે કેન્ટીનમાં ગઈ.

"હું ક્યારની કોલ કરતી હતી. તે ઉપાડ્યો કેમ નહીં? મને કેટલી ચિંતા થતી હતી."

"અરેરે, બર્થ-ડે ગર્લને મારી ચિંતા થતી હતી કે, હું બર્થ-ડે ભૂલી ગયો હોઈશ. તેની ચિંતા થતી હતી.?"

"તારી ચિંતા થતી હતી. મને તો ખબર જ હતી કે, તું મારો બર્થ-ડે ભૂલે જ નહીં."

"ઓહો, એટલો બધો વિશ્વાસ છે?"

"હાં, કેમ નાં હોય? તે મોટામાં મોટી મુસીબતમાં પણ મારો સાથ આપ્યો છે. તો બર્થ-ડે જેવી નાની વાત તું કેવી રીતે ભૂલી શકે?"

"ઓકે, હવે ચાલ કેન્ટીનમાં બધાં આપણી રાહ જોવે છે."

"ઓકે."

સુજાતા અને આદિત્ય બંને કેન્ટીનમાં ગયાં. સુજાતાએ આદિત્યએ લાવેલી કેક કાપી. બધાંએ તેને વિશ કર્યું. આદિત્યનો સુજાતા પ્રત્યેનો પ્રેમ જોઈને, અદિતિ મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.

"હેં ભગવાન, આ બંનેને ક્યારેય અલગ નાં થવા દેતાં. આ લોકો તો જાણતાં પણ નથી કે, તેઓ કેવી મુસીબતમાં ફસાવાનાં છે. તે જેનાં પર વિશ્વાસ કરે છે, એ જ તેમને અલગ કરવા મથી રહ્યાં છે."

લેક્ચરનો સમય થતાં, બધાં ક્લાસરૂમ તરફ જવા લાગ્યાં. સુજાતા આદિત્ય અને અદિતિ પાસે આવી.

"અરે, આજે રાજુ કેમ નથી આવ્યો?"

રાજુનું નામ સાંભળીને, અદિતિનાં ચહેરા પર ગંભીર રેખાઓ છવાઈ ગઈ.

"અરે યાર, હું તમને લોકોને પૂછું છું. આજે રાજુ કેમ નથી આવ્યો."

"સુજાતા હું તારાં માટે એક ગિફ્ટ લાવી છું. ચાલ ક્લાસમાં હું આપી દઉં. પછી ભૂલાઈ જાશે‌."

અદિતિ સુજાતાનો હાથ પકડીને તેને રૂમ તરફ ખેંચી ગઈ. આદિત્ય ક્લાસમાં જવાને બદલે, કોલેજની બહાર જતો રહ્યો. તેને પણ ખબર હતી કે, રાજુએ સુજાતાની ઘરે સુજાતા માટે સરપ્રાઈઝ પાર્ટી ગોઠવી છે. રાજુએ જ તેને ફોન કરીને જણાવ્યું હતું, એટલે જ કેન્ટીનમાં સુજાતાએ રાજુ વિશે પૂછ્યું, તો શું જવાબ આપવો એનાં લીધે આદિત્ય ડરી ગયો હતો.

એવામાં અદિતિ સુજાતાને લઈને જતી રહી, તો આદિત્યએ નિરાંતનો શ્વાસ લીધો. આદિત્ય માટે પાર્ટીની વાત છુપાવવી જરૂરી હતી. કેમકે, રાજુએ રાત સુધી સુજાતાને તેનાં ઘરથી દૂર રાખવા કહ્યું હતું. જે વાતનો લાભ ઉઠાવી આદિત્યએ સુજાતાને ડુમસ લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો.

*****

"અરે ભાઈ, આ શું કર્યું તમે? અહીં ગલગોટાની નહીં, ગુલાબનાં ફુલોની સજાવટ કરવાની હતી. સુજાતાને ગુલાબ બહું પસંદ છે."

"માફ કરજો, ભૂલ થઈ ગઈ. આ વ્યક્તિની થોડી ભૂલવાની આદત છે, તો ભૂલ થઈ ગઈ."

"ઠીક છે, હવે જલ્દી સજાવટ પૂરી કરો, ને ઘરનાં મેઈન દરવાજે ફુલોની પાંખડીઓની છાબડી લગાવવાનું નાં ભૂલતાં. સુજાતા આવે એટલે તેનાં પર એ પાંખડીઓની વર્ષા થવી જોઈએ."

"હાં, હું ખુદ જ એ કામ કરી આપીશ."

રાજુ સુજાતાની બર્થ-ડે પાર્ટીની તૈયારીઓ કરી રહ્યો હતો. રાજુએ કમલાબેન અને માધવભાઈની પરવાનગી લઈને, સુજાતાની ઘરે જ પાર્ટીનું આયોજન કર્યું હતું. અરવિંદભાઈ જેમ બને એમ માધવભાઈની સાથે જ વધું સમય વિતાવતાં. અરવિંદભાઈનો પ્લાન જ એ હતો કે, તેઓ માધવભાઈને પોતાની તરફ કરીને, રાજુ અને સુજાતાનાં લગ્નની માંગણી કરે.

આ વખતે તેમણે એવો પ્લાન બનાવ્યો હતો કે, કોઈને તેમની ઉપર કોઈ જાતની શંકા જવી મુશ્કેલ હતું. ચેતન અરવિંદભાઈની દરેક બાબત ઉપર ધ્યાન રાખી રહ્યો હતો. પરંતુ, અરવિંદભાઈએ કોઈ એવું કામ નહોતું કર્યું કે, ચેતનને એવું લાગે કે, તેઓ કાંઈ ખોટું કરી રહ્યાં છે.

*****

સુજાતા અદિતિ સાથે ક્લાસરૂમમાં ગઈ. અદિતિ સુજાતાની ગિફ્ટ લાવી જ નહોતી. તેમ છતાં તે રાજુ વિશે કોઈ વાત નાં કરે, એટલે તેને ક્લાસરૂમમાં લઈ આવી.

ક્લાસરૂમમાં આવતાની સાથે જ લેક્ચર ચાલુ થઈ ગયાં. તો સુજાતાએ ગિફ્ટની બાબતમાં અદિતિને કંઈ પૂછ્યું નહીં. કોલેજ પૂરી થઈ, ત્યાં જ અદિતિના મોબાઈલમાં મેસેજ આવ્યાની નોટિફિકેશન પોપ અપ થતાં, તેણે મેસેજ બોક્ષ ચેક કર્યું. મેસેજ આદિત્યનો હતો. તેણે સુજાતાને ડુમસ લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો, તો અદિતિને અત્યારે પોતાની ઘરે લઈ જવાં કહ્યું હતું. અદિતિએ મેસેજ વાંચીને, 'ઓકે' લખીને આદિત્યને એ મેસેજ સેન્ડ કરી દીધો. આદિત્યના કહ્યાં મુજબ અદિતિ સુજાતાને તેની ઘરે લઈ ગઈ.

"યાર, તું મને અહીં શાં માટે લાવી?"

"મારે તને ગિફ્ટ આપવી છે."

"એતો તું કોલેજે આપવાની હતી ને?"

"હું ઘરે જ ભૂલી ગઈ હતી. મેં ત્યારે તને કહ્યું નહીં, કેમકે ત્યારે કહું તો તું ગુસ્સે થઈ જાય."

"ઓકે, ચાલ આપ. શું ગિફ્ટ છે?"

"પહેલાં ચાલ જમી લઈએ. માસીએ તારાં માટે ચોકલેટ કેક બનાવી છે."

અદિતિ સુજાતાને નીચે જમવા લઈ ગઈ. અદિતિ કિચનમાં કેક લેવાં માટે ગઈ.

"માસી, હું સુજાતા માટે કોઈ ગિફ્ટ લાવી નથી. બસ તેને આજનો દિવસ રાજુથી દૂર રાખવા હું તેને આપણી ઘરે લાવી છું. મને આદિત્યએ કહ્યું કે, એ સુજાતાને ડુમસ લઈ જવાનો છે, તો મારે સાંજ સુધી તેને અહીં જ રાખવાની છે."

"ઓકે, તું સુજાતાને જઈને કે, મેં હજું કેક બનાવી નથી. મારે કેકની સામગ્રી લેવાં બહાર જવું પડે એમ છે."

"તો તમે એક સારી ગિફ્ટ પણ લેતાં આવજો."

"ઓકે."

અદિતિ અને આરાધ્યા વાત કરીને બહાર નીકળ્યાં. બંનેનાં ખાલી હાથ જોઈને સુજાતા તેમની સામે જોવાં લાગી.

"અરે, તું તો કેક લેવાં ગઈ હતી ને?"

"સોરી સુજાતા, મારે એક કામ આવી ગયું, તો હું કેક નથી બનાવી શકી."

"વાંધો નહીં દીદી."

"અરે એમ કાંઈ હોય!! હું હમણાં જ બહાર જઈને બધી વસ્તુઓ લઈ આવું. મારી બહુ ઈચ્છા છે કે, તું મારાં હાથની કેક કાપીને તારો જન્મદિવસ અમારી સાથે મનાવે."

"ઓકે, દીદી. તમે કેક બનાવો. હું રાહ જોઈશ."

"થેંક્યું, હું ફટાફટ જઈને આવું."

આરાધ્યા બહાર કેક માટેની સામગ્રી અને ગિફ્ટ લેવાં જતી રહી. સુજાતા અને અદિતિ હોલમાં બેસીને ટીવી જોવા લાગ્યાં. ત્યાં જ દરવાજે કોઈએ બેલ વગાડી. અદિતિ ઉઠીને દરવાજો ખોલવા ગઈ. દરવાજે એક છોકરો હાથમાં પાર્સલ લઈને ઉભો હતો.

"જી, કોનું કામ છે?"

"હું સુજાતા મેડમ માટે પાર્સલ લાવ્યો છું."

સુજાતાનું પાર્સલ અદિતિની ઘરે આવ્યું. એ વાતે અદિતિ અને સુજાતા બંને વિચારે ચડ્યાં હતાં. સુજાતા દરવાજે પાર્સલ લેવાં ગઈ.

"હું સુજાતા છું. પણ આ કોણે મોકલ્યું છે?"

"એ તમે ખોલીને જોઈ લેજો. પહેલાં અહીં તમારાં હસ્તાક્ષર કરી આપો."

સુજાતાએ હસ્તાક્ષર કરી આપ્યાં, પછી સુજાતા અદિતિ સાથે પાર્સલ લઈને હોલમાં સોફા પર બેઠી. સુજાતા પાર્સલને ટેબલ પર મૂકીને ખોલવા લાગી. અંદરથી એક મસ્ત લાલ કલરનો પાર્ટીવેર ડ્રેસ નીકળ્યો. સાથે એક ચિઠ્ઠી હતી. જેમાં લખ્યું હતું, 'આ ડ્રેસ પહેરીને, આઠ વાગે ડુમસ આવી જાજે. 'લિ.તારો આદિ.

આ બધું આદિત્યએ કર્યું હતું. જે વાતની જાણ થતાં, સુજાતા ઉછળી પડી. આદિત્યએ તેનાં માટે સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું.

સુજાતા અને અદિતિ બંને ડ્રેસ જોતાં હતાં. ત્યાં આરાધ્યા આવી. તે આવીને કિચનમાં કેક બનાવવા લાગી. કેક બની ગઈ, એટલે સુજાતાએ કેક કાપી, ને ત્રણેય સાથે જમ્યાં. જમીને સુજાતા અને અદિતિ વાતોએ ચડ્યાં.

સાંજના સાત વાગતાં સુજાતા આદિત્યએ મોકલેલ ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ. સુજાતા આદિત્યએ મોકલેલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ડ્રેસને મેચિંગ નેકલેસ, બ્રેસલેટ અને સેંડલ પહેરીને સુજાતા તૈયાર થઈને બહાર નીકળી. આદિત્ય તેની કાર સાથે અદિતિના ઘરની બહાર જ ઉભો હતો. આદિત્યએ બ્લેક સુટ પહેર્યું હતું. જેમાં તે હેન્ડસમ લાગી રહ્યો હતો. સુજાતા કારમાં બેઠી એટલે આદિત્યએ કાર ડુમસ તરફ હંકારી મૂકી.

બંને ડુમસ પહોંચ્યા. સુજાતા નીચે ઉતરીને બધી સજાવટ જોવાં લાગી. ત્યાંની સજાવટ જોઈને સુજાતા આદિત્યને ગળે વળગી ગઈ. આદિત્યએ સુજાતા માટે ડુમસ બીચ પર ડિનર ઓર્ગેનાઈઝ કર્યું હતું. ડિનર કરીને આદિત્યએ 'AS' લખેલું પેન્ડન્ટ અને ગોલ્ડ ચેઈન સુજાતાની ડોકમાં પહેરાવ્યું.

"ગમ્યું?"

"હાં, ખૂબ જ સુંદર છે. પણ એથી વધુ સુંદર આજનાં દિવસે તારું મારી સાથે હોવું છે."

સુજાતા એટલું બોલીને, આદિત્યની નજીક ગઈ. તેનાં હોઠ પર પોતાનાં મુલાયમ હોંઠ મૂકી દીધા. બંને એકબીજાનાં સાનિધ્યમાં લીન થઈ ગયાં.

રાતનાં નવ વાગવા આવ્યાં હતાં. કમલાબેને સુજાતાને ફોન કર્યો. સુજાતા આદિત્યના ગાલે કિસ કરીને, ટેબલ પર પડેલાં મોબાઈલ પાસે ગઈ. મોબાઈલ પર મમ્મી ફ્લેશ થતું જોઈ, સુજાતાએ કોલ રિસીવ કર્યો.

"બેટા ક્યાં છે તું?"

"બસ હમણાં જ આવી મમ્મી."

"ઓકે, જલ્દી આવજે."

"મમ્મીનો ફોન હતો. ઘરે જવું પડશે."

"ઓકે ચાલ, હું તને મૂકી જાવ."

"ઓકે."

સુજાતા અને આદિત્ય બંને સુજાતાની ઘરે જવા નીકળ્યાં. ઘરે પહોંચીને સુજાતાએ દરવાજો ખોલ્યો. તેની અને આદિત્યની ઉપર ફુલોની વર્ષા થઈ. આ રાજુએ સુજાતા માટે ગોઠવ્યું હતું. આદિત્ય સાથે હોવાથી બંને ઉપર એકસાથે ફુલોની વર્ષા થઈ. જે અરવિંદભાઈને બિલકુલ નાં ગમ્યું.

સુજાતા અંદર જઈને બધાંને મળી. સુજાતાએ ત્રીજીવાર કેક કાપી બધાંને ખવડાવી. સુજાતાનો આ પહેલો જન્મદિવસ આટલો ખુશીથી પસાર થયો હતો.

માધવભાઈએ પાર્ટીમાં આરાધ્યા અને અદિતિને પણ બોલાવ્યાં હતાં. સુજાતાનાં કોલેજના બીજાં મિત્રો પણ સામેલ હતાં. સુજાતાએ બધાં સાથે મળીને ખૂબ જ મજા કરી.


(ક્રમશઃ)