In words in Gujarati Poems by Yakshita Patel books and stories PDF | શબ્દોનાં સથવારે

Featured Books
Categories
Share

શબ્દોનાં સથવારે


નમસ્કાર મિત્રો,

મારી અત્યાર સુધીની રચનાઓને આપ સૌએ ખૂબ સરસ પ્રતિસાદ આપ્યો. ઘણાં વાંચકમિત્રોએ મારી ભૂલો જણાવી મને વધુ સારું લખવા માટે પ્રેરણા પુરી પાડી છે તો ઘણાં વાંચકમિત્રોએ મારી ખૂબીઓ જણાવી મને પ્રોત્સાહિત કરી છે. એ માટે હું સૌની આભારી છું. બસ,,આમ જ સહકાર આપતા રહો એવી આશા રાખું છું.

અત્યાર સુધીની મારી રચનાઓની જેમ ઉત્સાહ અને જોમ, જીવન પ્રત્યેનું સકારાત્મક અભિગમની સાથે થોડું અલગ એવું વેદના કે ઉદાસીભર્યું, નકારાત્મક વલણ પણ આ રચનામાં તમને જોવા મળી શકે, અને એ વેદના કે ઉદાસી મારી પોતાનાઓની કે મેં જોયેલ કોઈ અન્યની પણ હોય શકે. એ મારુ જ હોય એવું જરૂરી નથી.! તો આપ સૌ પોતાના મનમાં કોઈ પણ પ્રકારનાં મંતવ્યો બાંધ્યા વગર મારી આ રચનાઓ વાંચી આપનાં અમૂલ્ય પ્રતિભાવ ચોક્કસથી આપશો એવી મારી આશા.




જ્યોત જલાવું


ખંખેરી નિરાશાના બોજને આશાનાં દીપ હું પ્રગટાવું,,
કોઈ કરે ના કરે સ્વમાં જ હું આત્મવિશ્વાસ જગાવું..!

હિંમત હારી બેઠેલાને નવું જોમ ઉત્સાહ હું અપાવું,,,
કોઈ કરે ના કરે મારાથી બનતા પ્રયાસ હું કરી બતાવું..

માર્ગ ભટકી,,અટકેલાને..સાચી રાહ હું ચીંધી બતાવું,..
કોઈ કરે ના કરે એમની મંઝિલ ભણી હું એમને દોરાવું..

ત્યજી અન્ય પરની અપેક્ષાઓ સ્વ મહેનતે કૈક કરી બતાવું.!!
કોઈ કરે ના કરે પરમાર્થ કાજ સેવા હું કરી બતાવું...

સ્નેહ ભૂખ્યા દિનજનો કાજ હું સ્નેહ સરિતા વહાવું,,
કોઈ કરે ના કરે હું દિલોમાં એમના પ્રેમની અખંડ જ્યોત જલાવું..



%%%%%%%%%%%%%%%%%%%%%%




હરિ


માનવ મનનો આ ઉકળાટ શાને અન્ય પર ઠલવાય??
કર્યા કર્મ નીજના હોય તો શાને નસીબને દોષ દેવાય??

હૃદયે વાગ્યા હોય ઘા ઊંડા મલમેય કેમ કરી લગાવાય?
આપે છે જે પળો દર્દ,,કેમ?? ફરી ફરી એને મમળાવાય!

પરવશ આ માનવ દેહને ક્યાં ક્યાં લઈ જઈ ઘસડાય.!!
ચિત્ત પરોવી હરિ ભજનમાં હરિનાંનામની માળા જપાય.

શમી જાય સઘળા ઉકળાટ ને હૃદયે હોય જે કઈ પીડા,,
સેવા જ્યારે દિનજનોની...હરિ તવ નામે કરી અવાય..



%%%%%%%%%%%%%%%%%%%%%%




સંવેદના


ક્યારેક આંખમાંથી આંસુ બની સરી જાય છે
ક્યારેક બસ ગળે ડૂમો બની બાઝી જાય છે

ક્યારેક દૂર ભાગી છૂટવાનું મન થઇ જાય છે
ક્યારેક બસ વળગી બેસી રહેવાનું મન થાય છે

ક્યારેક એકલવાયાની પીડા સતાવી જાય છે
ક્યારેક બસ એકાંતમાં રહેવાની ઝંખના થાય છે

ક્યારેક હૃદય તરબતર કરી ચાલી જાય છે
ક્યારેક પુરા અસ્તિત્વને હચમચાવી જાય છે

ક્યારેક મનને અસીમ શાતા આપી જાય છે
ક્યારેક તન મન માં અગન જ્વાળા છોડી જાય છે

ક્યારેક ખુશીથી ઝૂમી ઉઠવાનું મન થઇ જાય છે
ક્યારેક બસ અચેતન બની પડ્યા રહેવાનું થાય છે

વાત છે આ તો સંવેદનાની,,.લાગણીઓની..
જે વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન-ભિન્ન અનુભવાય છે



%%%%%%%%%%%%%%%%%%%%%%



જાય છે...


આશા અરમાનોથી ભરી આ જિંદગી
ક્યારેક નિરાશાઓથી ભરાય જાય છે

ગણ્યા હોય જેને જાતથી વધુ વ્હાલા
ક્યારેક એવો જ નિજને છળી જાય છે

નિજ દુઃખોના રોદણાં રડતો માણસ
ક્યારેક સ્મિતનું મૂલ્ય ભૂલી જાય છે

સેવ્યા હોય જે સપના ખુલ્લી આંખે
ક્યારેક આંસુ બની ને વહી જાય છે

કરી લેજો આજ જ કરવું હોય જે કઇ
કારણ સમય એની મેળે સરી જાય છે



%%%%%%%%%%%%%%%%%%%%%%




સુખની શોધમાં..


ઇચ્છાઓનાં બોજ તળે આ મનડું કેવું કચડાય
પરવશ આ માનવ દેહ રોજ મરી મરીને સુકાય

આશા રાખી પર જન પર જોને કેવું એ હરખાય
ન થાય જ્યારે પુરી એ ત્યારે હૃદય વલોવી જાય

કહેવાને સૌ પોતાના પણ ક્યારે કોણ કોનું થાય
ખરા સમયે ભલભલાનાં મુખ ફેરવાય જ જાય

જગથી થતા જે કઈ પ્રહાર એતો ઝીલીય લેવાય
હૃદયે ખુંપી જાય જ્યારે ચેહરા જાણીતા જણાય

સુખની શોધમાં ફરતો જીવ ક્યાં ક્યાં છે ભટકાય
નિજની અંદર ડોકિયું કરવાનું એ કેમ ભૂલી જાય




%%%%%%%%%%%%%%%%%%%%%




જિંદગી એક ખેલ


સફળ થાય કે નિષ્ફળ,.બેફિકર બની તું રમતી રહેજે..
જિંદગી છે એક ખેલ..બની આનંદિત એને માણતી રહેજે..

સુખ હોય કે દુઃખ,.બેફિકર બની તું હાસ્ય વેરતી રહેજે..
જિંદગી છે એક જામ..મસ્ત બની એને તું પીતી રહેજે..

મળે હાર કે જીત,.બેફિકર બની તું આગળ વધતી રહેજે
જિંદગી છે એક યુદ્ધ..અંત સુધી બસ તું લડતી રહેજે

મળે પ્રશંશા કે નિંદા,.બેફિકર બની મન ભરી જીવતી રહેજે..
જિંદગી છે એક રંગમંચ..કિરદાર તારું બખૂબી નિભાવતી રહેજે..

રંગીન બને કે સંગીન,.બેફિકર બની ગમતા ચિત્રો દોરતી રહેજે..
જિંદગી છે એક કેનવાસ..સ્મિતનું પીંછું એમાં ફેરવતી રહેજે..



%%%%%%%%%%%%%%%%%%%%%



આપના અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.

ધન્યવાદ🙏🙏🙏
✍યક્ષિતા પટેલ