Assam meghalay tour - 4 in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | આસામ મેઘાલય પ્રવાસ - 4

Featured Books
Categories
Share

આસામ મેઘાલય પ્રવાસ - 4

નોર્થ ઇસ્ટ દિવસ 4.

આજે શિલોન્ગ થી ચેરાપૂંજી પ્રયાણ કરવાનું હતું અને રસ્તે કેટલાંક સ્થળો જોવાનાં હતાં. 5.30 ના સૂર્યોદય જોઈ ઉભા. રિસોર્ટમાં ચા તો બની ગયેલી. ટોસ્ટ સાથે ચા લઈ એપલ વ. પેક કરાવી 7 વાગ્યે તો નીકળી ગયાં. અમારાથી અમારો નવો ડ્રાઇવર વધુ ઉતાવળમાં હતો. લાંબો, પર્વતીય અને તીવ્ર વળાંકો વાળો રસ્તો અને સ્થળો કવર કરી મંઝીલે પહોંચવાનું.

પ્રથમ જવાનું હતું લિવિંગ રૂટ બ્રિજ.

આવો જ એક ડબલ ડેકર બ્રિજ છે જ્યાં એક વૃક્ષોથી બનેલો બ્રિજ નીચે, બીજો ઉપર. તે ઘણો લાંબો પહોળો છે તેમ કહેવાય છે. ત્યાં જવા આખો દિવસ જોઈએ અને જઈને 300 પગથિયા વિકટ રસ્તે ઉતરી,1 કીમી જેવો લાંબો બ્રિજ ઓળંગી વળી એટલું જ પાછા આવી ફરી એટલું જ ચડો. ટ્રેકિંગના શોખીનોને એક આખો દિવસ એને માટે ફાળવવો હોય તો જવાય. પણ તે દિવસના ટેક્ષીના ચારેક હજાર અને રૂમના ચાર પાંચ હજાર મીટર ચડે!

અમે લિવિંગ રૂટ બ્રિજથી જ સંતોષ માનવા નિર્ણય કર્યો.

બે કલાકની મુસાફરી પછી ઘોર જંગલ આવ્યું. પથરાળ રસ્તે જીપ કે કાર માંડ એક જ જઇ શકે તેટલો જ પહોળો રસ્તો. છતાં ત્યાં વચ્ચે વચ્ચે લોકો રહેતા હતા ખરા. પાઈનેપલ, કેળા, સોપારી જેવી ચીજોના પ્લાન્ટેશન. એ સિવાય પણ એકલદોકલ ઘરમાં સફેદ વસ્ત્રનો કછોટો વાળી કામ કરતી ચિબી સ્ત્રી, વાગતો રેડિયો અને સાવ થોડી સમથળ કરેલી જગ્યામાં એક મારુતિ કાર, બાઇક અને હેન્ડપમ્પ! નજીક જ ધોધનો અવાજ આવતો હોય પણ પીવા વાપરવા આ પમ્પ પર જ તેમનો આધાર હશે, પેલો ધોધ દૂરથી જ રળિયામણો હશે! ભાઈ, જંગલમાં ધોધ નીચે નહતી સ્ત્રીઓ ફિલ્મમાં જ હોઈ શકે. અરે સાઈકલ પર સ્કૂલ જતાં બાળકો જોયાં. ઘેઘુર જંગલમાં સાંકડી પટ્ટી પરથી!

બે ફાંટા પડ્યા.એક બાંગ્લાદેશ બોર્ડર તરફ, બીજો વન રૂટ બ્રિજ તરફ. અમે રૂટબ્રિજ તરફ આગળ વધ્યા ત્યારે 9 જેવા વાગેલા અને આપણા 11 કે સાડા અગિયાર ની જેમ સૂર્ય ખૂબ તપતો હતો. કોઈ કોઈ વાહન સામેથી આવે એટલે આપણે દબાઈને તેને જગ્યા આપવાની. એમને એમ જંગલમાં સરખી એવી ઊંચાઈએ મુસાફરી કરતાં ડાબી સાઈડે નીચે ખીણ તરફ મોટી નદી અને સામે ટચૂકડી દેખાતી વસ્તી બતાવી ડ્રાઇવર કહે ,"જુઓ, આ બાંગ્લાદેશ બોર્ડર. આપણે એક્ઝેટ બોર્ડર પર જશું.' થોડી વાર એ ખીણ પાસે ઉભી આગળ ગયાં.

આ જંગલમાં અને લિવિંગ રૂટ બ્રિજ પાસે મોટા લયબદ્ધ અવાજે પૂજાની ઘંટડી વાગતી સંભળાઈ. એ તમરાં જેવાં કે અહિંના જંગલના તમરાંનો અવાજ હતો.

આવા જંગલમાં અમુક અંતર અમુક કલાકમાં કપાય તેવું ગણવું નહીં. આશરે સવાદસ વાગે વન રૂટ બ્રિજ નજીકના પાર્કિંગમાં પહોંચ્યા. ત્યાંથી સરખું ચાલવાનું છે. આખરે 50 રૂ. વ્યક્તિદીઠ ટિકિટ જે ગ્રામ પંચાયત લેતી હતી તે લઈ એ બ્રિજ ગયાં. લિવિંગ રૂટબ્રિજ એટલે એક જીવતા વિશાળ વૃક્ષના લાંબાં અને ખૂબ જાડાં મુલની શાખાઓ વણી, વાળીને તૈયાર કરેલો પુલ જેના ઉપરથી સામે કાંઠે બીજે ગામ જવાય. આવા મૂળ પર થઈને જવાના બ્રિજ આ જંગલમાં વસેલા ગામોમાં ઠેર ઠેર છે. આ ટુરિસ્ટ લોકોને જોવા ખાસ બનાવ્યો છે. નીચે ઝડપથી વહેતી નદી, ઉપર મૂળ ગૂંથી તૈયાર કરેલો પુલ અને પગ મૂકી શકાય એટલે વાંસની આડી ચિપ્સ. આપણી નનામીઓમાં મૂકી હોય તેવી રીતે. બ્રિજ પર કોઈને ફોટા માટે પણ ઉભવાની મનાઈ હતી. દિવાળી પછીના દિવસોમાં લોકોની ભીડ અને બ્રિજ પસાર કરવા લાંબી લાઈન હતી. મોટે ભાગે લાઈનમાં કોણ હોય? ગુજરાતીઓ જ. સુરતી, મહેસાણી કે કાઠિયાવાડી સંભળાય. બીજા રાજ્યોના લોકો ક્યાંય નહીં જતા હોય કે બીજે તેમબે ટુરવાળા બીજી જગ્યાઓ બતાવતાં હશે?

લિવિંગ રૂટ બ્રિજ સામેથી, નીચેથી ને ફટાફટ ઉપરથી ફોટા પાડી ધરાયા ત્યાં અગિયાર વાગવા આવ્યા હતા.

મને કોઈએ કહ્યું કે નજીકની કેડી બાંગ્લાદેશ બોર્ડર નજીકથી બતાવે છે એટલે હું તે રસ્તે ગયો. એરો આવતા ગયા, હું તે લિવિંગરૂટ બ્રિજ નજીકના ગામની વચ્ચે. વાંસની વાડ વાળાં ત્રણ ફૂટ ઊંચે મકાનો, દરેકની અંદર સુંદર ફૂલવાડી અને એકાદ ફળનું વૃક્ષ, માટીના રસ્તાઓ. વચ્ચે એક વાંસની ચિપોની દીવાલ વાળી નાનકડી નિશાળ માંથી બાળકોની કીકીયારી, શાળા બહાર ઘંટ વાગવો. હું એક ફોરેનર ગોરા કપલ સાથે ગયેલો તે કોણ જાણે કઈ કેડી પર ચડી ગયું. આખરે નજીક ફૂટબોલ રમતા મુસ્લિમ લાંબા ઝબ્બા વાળા છોકરાઓને બોર્ડર દર્શન ક્યાં છે તે પૂછી ત્યાં ગયો. કોઈના ઘરમાં એક વાંસનો દસેક ફૂટ ઊંચો માંચડો બાંધી એ ઘરના જ લોકો 'ટિકિટ' એટલે 30 રૂ. લઈ નદીની સામે બીજો એક વૉચટાવર બતાવતા હતા - બસ એ જ બોર્ડર દર્શન. છેતરાઇ ગયો. તરત એ પીળા લાલ પાન વાળા કે સંતરા જેવા લીંબુ વાળા આંગણા વચ્ચેથી ગલી કુંચીઓમાં થઈ લગભગ દોડતો લિવિંગ રૂટ બ્રિજ પાસે પહોંચ્યો. મારા કુટુંબનો ખાસ્સો અર્ધો કલાક બરબાદ થઈ ચુકેલો. નને એ આખું ગામ બાંગ્લાદેશીઓ નું એ પણ ગેરકાયદે ત્યાં વસેલાઓનું હોવા શંકા છે.

એક જગ્યાએ સારો એવો વાંસનો ત્રીસેક ફૂટ પહોળા રસ્તા ઉપરથી જતો દસ બાર ફૂટ ઊંચો બ્રિજ અને વૉચટાવર જોઈ મારો પુત્ર અને તેનો કાંખમાં તેડેલો અઢી વર્ષનો પુત્ર એ બ્રિજ પર ચડ્યા. અઢી વર્ષના બાળકને બ્રિજ ની વાંસની પગથિઓ પર ચાલી નીચે વાહનોને બુમ પાડવાની મઝા આવી. નીચે ઉતરતાં એ બ્રિજ બનાવનાર ઘરની સ્ત્રીએ 50 પર હેડ માંગ્યા. છુટા કરવા કહ્યું તો એ પણ લઈ આવી 'થેન્ક યુ' અને 'ડીડ યુ લાઈક?' પૂછ્યું. બોર્ડર આમ જોવા લલચાઈ જવું નહીં. લોકોએ પોતાના ઘરના કમ્પાઉન્ડમાં ઊંચા માંચડા બાંધી બોર્ડર દર્શન ના બોર્ડ પેઇન્ટ કરીને મૂક્યાં છે.

હવે અમે નીકળ્યા માવલીલોન્ગ જવા. એશિયાનું સહુથી સ્વચ્છ ગામ ડિસ્કવર ઇન્ડિયા મેગેઝીન દ્વારા. અર્ધા કલાકમાં ત્યાં પહોંચ્યા. એટલે આ કોઈ સરકારી સંસ્થાએ નહીં, ટ્રાવેલ મેગેઝીને ઘોષિત કર્યું છે. છતાં ચોક્કસ પણે સંપૂર્ણ સ્વચ્છ. દરેક ઘરની બહાર નેતરની શંકુ આકારની ઢાંકેલી કચરા ટૉપલીઓ, રસ્તા એટલાતો વળાયેલા કે નીચે બેસો તો પણ પેન્ટ પર ડાઘ ન પડે. એક કાગળ કે કોઈ ચીજનો કટકો પણ રસ્તેકે આંગણામાં નહીં. આંગણાઓની બહાર નેતરની ડેકોરેટિવ વાડ અને અહીં અંદર વ્યવસ્થિત ટ્રિમ કરી ઓર્ગેનાઇઝડ ફૂલવાડી. ભીંતો પણ એક સરખી પિસ્તા ગ્રીન કલરની. છાપરાં કોન્ક્રીટના સફેદ. રસ્તાઓ પર ફુલોથી આચ્છાદિત વૃક્ષો. ગુલમહોર, પીળાં ફૂલ કે પિચનાં, પાન વિના માત્ર ગુલાબી ફૂલોથીજ લદાએલ. ગામનો સીમિત રાઉન્ડ લેવાનો અનુભવ યાદગાર રહ્યો. પાછા આવતા ડ્રાઈવરે કહ્યું કે અહીંના રેસ્ટોરાંમાં જ જમી લો. આગળ કશું ખાવા કે પીવા નહીં મળે. બાર વાગવા આવેલા. જમી લીધું. બધું જ. રોટી, સબ્જી, જીરારાઇસ, લોકલ દાળ, વાંસને લીંબુ અથાણું ને એવું.

સારું અને ગામની આબરુ રાખે તેવું સ્વચ્છ હતું.

હવે તો પહેલાં કરતાં પણ સુમસામ લીલું છમમ જંગલ. અમુક રસ્તો તો કાંકરાઓ ઉપરથી જ. વચ્ચે BSFની ચોકીઓ આવતી જાય. આવા ભયાનક જંગલ વચ્ચે પણ ડામર પાથરી એક કાર જઈ શકે તેટલો પહોળો રોડ બની રહ્યો હતો. પેલો પૂજાની ઘંટડી જેવો તમરાંનો અવાજ હતો જ. બીજી બાજુ તારની વાડ જેનાથી થોડે દુર નદી. ડ્રાઇવરે કહ્યું કે આપણે બોર્ડર પરથી પસાર થઈ રહ્યાં છીએ. એક પહાડની ધાર પાસે ઉભા રહી સામેજ બાંગ્લાદેશ નરી આંખે જોયો.

હું ગુગલ મેપ જોવા ગયો તો 'વેલકમ બાંગ્લાદેશ વોડાફોન' આવી ગયું. એક ક્ષણમાં ઇન્ટરનેશનલ રોમિંગ ના પૈસા કપાઈ ગયા! સલાહ છે કે આ જંગલના બોર્ડર રોડ પર મોબાઈલ ફ્લાઇટ મોડ માં જ રાખવો ને ભૂલથી પણ નેટ,વોટ્સએપ ,ફેસબુક કે ગુગલ મેપ જોવો નહીં. પૈસા જશે અને રસ્તો તો મળશે નહીં.

અત્યંત ધીમે કાંકરાઓ પર અર્ધો કલાક જતાં હવે રસ્તો આવ્યો. અમે નીચે ઉતર્યા. એ ઢાળ અને સર્પાકાર રસ્તાઓ પર આપણો મહાબળેશ્વર, અંબાજી કે સાપુતારા નો ઘાટ કોઈ હિસાબમાં નહીં!

અઢી પોણા ત્રણ વાગ્યે ડાવકી નદી આવી. અહીં જ 4 વ્યક્તિઓની એક બોટના એક કલાક મુસાફરીના 2000 કહેતા હતા તે બે બોટના ત્રણ ત્રણ વ્યક્તિઓના 1500 અર્ધા કલાક માટે કુલ, ડ્રાઈવરે ત્યાંની ભાષામાં વાત કરી ઠરાવ્યા.

નદીનું જળ એટલું તો સ્વચ્છ કે વીસ કે વધુ ફૂટ નીચે તળિયું દેખાય. કહેવાયું કે સવારે 9 સુધીમાં શાંત જળમાં બોટ જતી હોય તો બોટ હવામાં હોય તેવું લાગે. આકાશ અને જળ મળી જાય. ક્યાં આકાશ પૂરું થયું ને ક્યાં જળ શરૂ થયું તે ખબર ન પડે! બે બાજુ ઊંચા ખડકો. પાણી ખોબે ખોબે પીવાની મઝા પડી. પ્યોરેસ્ટ ઓફ પ્યોર. એક જગ્યાએ વચ્ચે પથરાઓની વાડ કરી કોલ્ડ ડ્રિંક્સની બટલીઓ મુકેલી. નેચરલ ફ્રીઝિંગ. પાણી હવે બપોર ઝીલી ચૂક્યું હોઈ હાથ બોળાય એવું હતું બાકી ખૂબ ઠંડુ. વચ્ચે સંપૂર્ણ આરસ જેવા સફેદ પથ્થરો, કાંકરાઓનો બનેલો ટાપુ જ્યાં થોડો હોલ્ટ લીધો. સામેજ ' ઇન્ડિયન બોર્ડર' લખેલું બોર્ડ હતું. અહીં બાંગ્લાદેશનાં બોર વેંચનારા પણ ફરતા હતા- બાંગ્લાદેશના ફેરિયા. એક જ નાના ટાપુ પર બે દેશના સહેલાણીઓ સાથે હતા.

અર્ધો કલાક થવા આવતાં અમે પરત ફર્યા. નજીકના ડાવકી ગામે ટોઇલેટ જવા કાર લઇ ગયા. ગામની બઝારમાં એક દુકાને બ્લેક અને મિલ્ક વાળી ચા પીધી. ટોઇલેટમાં, જે અર્ધો કીમી દૂર જઈ પગથિયા ઉતરી જવાનું હતું, ત્યાં ગયેલાઓની ચા ઠંડી થઈ ગઈ. એ લોકોને કેરોસીન કે ફ્યુએલ એટલી મુશ્કેલીથી મળે છે કે ગરમ કરવાની ના પાડી. સીધાં ઘુમ્મટનું લાલ રંગનું પૂર્વીય સ્ટાઈલનું મંદિર જોયું.

ડાવકી પછી ડ્રાઇવરે ભગાવી. ક્લીન રસ્તે 65-70 સાવ સાંકડા પહાડી રસ્તે. જોત જોતામાં સાડાચાર વાગતાં જ સૂર્યાસ્ત અને ઘોર અંધારું. એક જગ્યાએ થાકેલા ડ્રાઈવરે ચા પીવા ઉભી રાખી. ખબર હોત તો અમે એક કલાક ખેંચી કાઢ્યો હોત! જો કે તે રિસ્ક લેવા જેવું ન હતું. પાંચ પછી અંધારું થતાં ટોઇલેટની ચાવી રાખનારા બંધ કરી ચાલ્યા જાય. બહાર ખૂબ જ ઠંડી અને ધુમ્મસ. કારનો કાચ પણ વચ્ચે વચ્ચે ડીફ્રોસ્ટ કર્યા કર્યો.

મને પોતાને હવે મૂત્રત્યાગ માટે જવું પડે તેમ હતું પણ ક્યાંય, કોઈ ગામ આવે તો રસ્તે રેસ્ટોરાં કે પેટ્રોલપંપ પરની શૌચાલય પણ હવે બંધ. અહીં શૌચાલય સાફ સુથરા હોય છે પણ લઘુશંકાના પણ 5 રૂ. ચૂકવવા પડે. ભૂલથી પણ ખૂણો ગોતી ઉભાય નહીં. પકડાઓ તો મર્યા. ભારતમાં જ. આગળ જતાં સ્ત્રીઓને પણ જરૂર પડી. ડ્રાઇવરે હવે થોડું થંભી જવા કહી ક્યારેક 75-80 ની સ્પીડ પણ છેલ્લો અર્ધો કલાક લીધી.. અને..

સાંજે સાત આસપાસ લાઈટો દેખાઈ, નીચે તળેટીમાં. અમે ઊંચે હતા.

આ આવ્યું ચેરાપૂંજી, અમારો હવેનો મુકામ.હજુઅર્ધો કલાક ડ્રાઇવ કરી પહોંચ્યા ચેરાપૂંજી. સાચું નામ સોહાર. એક ફૂટબોલ આકારની ટાંકી આવી. ગામ આવ્યું. સાને ઇ લા અમારો રિસોર્ટ. ખૂબ એકાંતમાં આવેલો. ખૂબ ઠંડી વળી ગયેલી. તેઓ જમવાનું પણ ગણીને જ બનાવે. બહાર દૂરથી બધું લાવવું પડે એટલે. મંગાવેલો ખોરાક અમારા વચ્ચે થોડો ખૂટયો. અમે તો શિલોન્ગમાં હતી તે મુજબ પ્લેટ સાઈઝ અંદાજેલી. થાક્યા, થોડા ભૂખ્યા, જમ્યા ઉપર ઘરનો નાસ્તો કરી અમે રાત્રે સુઈ ગયા. રાત્રી ખૂબ ઠંડી હતી. રૂમમાં હિટર મંગાવવું પડ્યું.

(છેલ્લો 5મો ભાગ હવે)

-સુનીલ અંજારીયા