Madhurajni - 28 in Gujarati Moral Stories by Girish Bhatt books and stories PDF | મધુરજની - 28

Featured Books
Categories
Share

મધુરજની - 28

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ-૨૮

માનસીએ લગભગ પાંચ મિનિટ સુધી પ્રતીક્ષા કરવી પડી. ત્યાં સુધી ટગરટગર જોઈ રહી, તેના પિતા સામે. સુમનબેનની અણધારી વિદાય પછી તેઓ એક માત્ર આધાર હતા માનસીના. સાવ નિર્દોષ બાળક જેવા, સરળ નિખાલસ અને વહાલ ઉપજે એવા. બસ એવાં જ હતા. જરા દુબળા જણાતા હતા પણ ચહેરા પર તેજ હતું. પાસે જ એક ટિપોય પર થોડા પુસ્તકો હતાં. એક ડાયરી પણ હતી. ફળોની તાસક હતી. અને ઔષધો પણ હતા, ગફુરે જેનો ઉલ્લેખ કર્યો હતો.

પાછલી બારીમાંથી સન્ન સન્ન પવન વીંઝાતો હતો. માનસી કંપી પણ ખરી. પપ્પાને કેમ આવું કશું નહીં થયું હોય? તેને થયું એવું? તે વિચારતી હતી ત્યાં જ સુમંતભાઈએ આંખો ખોલી. અને આંખો ચમકી, હસી પડી. ‘માનસી, બેટા? ક્યારે આવી?’

માનસી ઊભી થઈને વળગી પડી સુમંતભાઈને. છલકાઈ ગયાં આંસુ ચારેય આંખોમાં. ગાલ, ખભા, વસ્ત્રો બધુંય લથબથ થઈ ગયું- વહાલથી. કેટલા સમય પછી આ શબ્દો સાંભળવા મળ્યા? આ નર્દમ વહાલ..! લગ્ન પછી તે નિરાંતે રડી શકી પણ નહોતી. તેણે એ અશક્ત ખભા પર હીબકે હીબકે રડી લીધું.

‘તું એકલી આવી? મેધ....?’ પ્રશ્ન અપેક્ષિત જ હતો. માનસીએ ઉત્તર પણ વાળ્યો. ‘પટેલ સાહેબ, નરેન્દ્રભાઈ, લતાબેન, શ્રેતા, સોનલદે દરેક પાત્રો આવી ગયાં.

‘માનસી તું દૂબળી પડી ગઈ દીકરી.’ સુમંતભાઈએ ભીનાં સ્વરમાં પૂછ્યું. ‘એમ તો તમેય પપ્પા...’ પુત્રીએ છેદ ઉડાડી દીધો, એકમેકની ચિંતાઓનો.

સુમંતભાઈએ એ વાત ના કહી કે થોડા દિવસો પહેલાં જ મેધ આવ્યો હતો. મેધ પણ સ્વતંત્ર રીતે આવ્યો હતો અને માનસી પણ એ જ રીતે. ત્યાં તિલક આવ્યો, તાજાં ફળો લઈને. તેણે માનસીને ગફુર સાથે આવતા તો જોઈ હતી પણ એ ખબર તો ક્યાંથી હોય કે આ સુંદર છોકરી પ્રોફેસર સાહેબની એકની એક પુત્રી હતી.

‘આ તિલક મારો કેટલો ખ્યાલ રાખે છે, માનસી?’ તેમણે ઓળખ કરાવી. માનસીએ બે હાથ જોડી નમસ્તે કર્યા.

‘મને તો થયું કે તમે નવાં સ્વામી સાથે આવ્યા હશો. એમની જ કોઈ શિષ્યા હશો.’ તિલકે તેનું અનુમાન નિખાલસતા પૂર્વક રજૂ કર્યું જે સાંભળીને હસી પડાયું.

‘પ્રોફેસર સાહેબ, એ સ્વામી તો સાવ એકલાં છે. પરિસરના એક ખૂણામાં આસન લગાવીને બેસી ગયા છે. સોમેશ્વરજી સાથે વાતો પણ કરતા હતા, એ રહ્યા. આ બારણાથી થોડે દૂર. એ કહે, હું અહીં રહીશ જો આપને અગવડ ના પડે તો. યુવાન લાગે છે અને અભ્યાસી પણ. તિલક આટલું લાંબું ભાગ્યે જ બોલતો. પ્રોફેસરને લાગ્યું કે આ પહેલાં નવા સ્વામીનો પ્રભાવ હશે કદાચ.

તિલક ગયો. બે ચાર ક્ષણ પર્યંત શાંતિ વ્યાપી ગઈ એ ખંડમાં. અંતે સુમંતભાઈએ પૂછી નાખ્યું- ‘બેટા, સુખી તો છે ને? ગૃહસ્થી કે વનવાસી કોઈ પણ પિતાની આ જ ચિંતા હોય, પુત્રી તેના સંસારમાં સુખી તો હશે ને?

‘હા, પપ્પા મેધ કોઈને દુઃખી કરે? તમારો જ શિષ્ય છે.’ માનસીએ હસાય એટલું હસી લીધું. તેને મમ્મી સાંભરી. મમ્મીએ આટલા લાગણીથી ભરપુર પુરુષને શા માટે છેતર્યા હશે? આ તો પાપ કહેવાય- ઘોર પાતક! તેની સામે એ બધાં જ દૃશ્યો તરવરતાં હતાં જે તેણે તેની કાચી ઉંમરે અનુભવ્યાં હતાં. ભલે ને એના અર્થો પછી સમજાયા હતા પરંતુ ત્યારે પણ તેને એ અયોગ્ય જ લાગ્યું હતું.

સુમન યાદ આવી હતી, આવતી હતી ત્યારે કરુણા જન્મ્ત્તી હતી. તમે થોર વાવો તો કાંટા જ ઊગે, તમે ફળની આશા ના રાખી શકો અને તે બિચારીનો અંત પણ કેવો આવ્યો? તેનો અભાવ સાલ્યો અને અપરાધ ડંખ્યો, માનસીને દરેક વયે.

‘પપ્પાને મળવા આવી છું?’ વાતની દિશા બદલાઈ.

‘હા, પપ્પા....મને એમ જ લાગ્યું કે જાણે તમારાથી વર્ષોથી વિખુટી પડી ગઈ છું. બસ દોડી આવી. મને પપ્પાએ જ મોકલી.’ તે ઉંમંગથી બોલી. પિતાએ માન્યું કે પુત્રી સુખી હતી. નરેન્દ્રભાઈ-લતાબેન યાદ આવી ગયાં. ‘બેટા, ફળ લે. અહીની ભૂમિના છે. અહીંની ભૂમિ અદ્દભુત છે- ફળદાયી અને મોક્ષદાયી. બસ ગફુર જ લઈ આવ્યો હતો અહીં. હવે મને જિંદગીમાં રસ પડે છે અને મૃત્યુનો પણ ડર નથી. શું કરે છે તારી સખી સોનલદે?’

‘એ પણ પરણવા ઉતાવળી થઈ છે. કદાચ થોડા સમયમાં પરણી પણ જશે.’ માનસી હળવી થઈ ગઈ. પિતાનું વડલા સરખું સામીપ્ય મળ્યું હતું.

તિલક આવ્યો. આ ફરવાનો સમય હતો. તેની સાથે સુમંતભાઈ આસપાસ ટહેલતા, નર્મદાના વહેણમાં સ્પર્શ કરતા. ખપ જોગી વાતો પણ થતી તિલક સાથે. મોતે ભાગે તો તોલક જ બોલ્યા કરતો. સુમંતભાઈ હોંકારા દેતા રહેતા. આજે માનસી પણ ભળી સાથે. તિલકે નવાં ભગવાધારીને પણ આગ્રહ કર્યો સાથે આવવાનો અને પેલો તો જાણે તૈયાર જ હોય એમ લાગ્યું અને અનિરુદ્ધ પણ સામેલ થઈ ગયો તે મંડળીમાં.

આશ્રમમાંથી પસાર થઈને દરવાજે આવ્યા. ગફુરની ગાડીના ચીલા હજી એવાં ને એવાં જ હતા. સુમંતભાઈ પુત્રીને આ સ્થળનો પરિચય આપતાં રહ્યા. ‘બેટા, આ અતિથિગૃહ, આ ગૌશાળા, આ મંદિર, આ ઔષધીવન... અહીં બધી ઔષધીઓ છે જે દુનિયાના બધાં જ રોગો મટાડી શકે. કેન્સર પણ.’ તે બોલી જ ગયા- મનની વાત. અલબત માનસી કશું ના સમજી શકી. સદનસીબે તિલક પણ મૌન રહ્યો. અનિરુદ્ધ આ સ્થળનું પોતાની રીતે નિરક્ષણ કરતો હતો. મનસુખ અહીં આવી શકે ખરો? અહીં રહી શકે ખરો? આ સ્થાનની શાંતિ અને પવિત્રતા આવા અપરાધીઓને ના જ સંગ્રહે. માણસના મન જ બદલાઈ જાય તેણે આવી શાંતિનો અનુભવ કર્યો જ નહોતો. આ સ્થાનની પવિત્રતા કલ્પનાતીત હતી. કદાચ બ્રીજને પણ ખ્યાલ નહીં હોય.

આ સુમંતભાઈને જોઈને એમ જ લાગે કે એ નખશીખ સજ્જન માણસ...ને કેવી કેવી પત્ની મળી? કેવો મિત્ર મળ્યો? અને ભોગ બની માનસી. કેવી હશે એ સ્ત્રી? કદાચ મનસુખે જ એને ભોળવી હશે અથવા દબાણ પ્રયુક્તિ પણ કરી હોય. આવી ખલ વ્યક્તિ એવું જ કરે. પ્રલોભન અથવા દબાણ.

‘પપ્પા, સ્વામીજી મારી સાથે જ આવ્યા હતા ગફુરભાઈની ગાડીમાં.’ માનસીએ પિતાને અવગત કર્યા અને સુમંતભાઈએ બીજી વખત હાથ જોડ્યા. પહેલીવાર એમ જ જોડ્યા હતા દર્શન કરીને.

‘આપ આવ્યા એ સારું થયું. લાભ મળશે. તે બોલ્યા.

‘પ્રોફેસર સાહેબ, આ સ્થાન પરનું મૌન જ એટલું મધુર છે કે એને ડખોળવાનું મન ના થાય.’ અનિરુદ્ધે પાણી પહેલાં પાળ બાંધી. તે કેટલાં શસ્ત્રો ભણ્યો હતો? કેટલા ગ્રંથો વાંચ્યા હતા? ગોષ્ઠી કરે તો શાની કરે? ઘરમાં પડેલું રામાયણ લાલ કપડામાં વીંટીને આવ્યો હતો.

‘હા, સ્વામીજી, આપે ઠીક કહ્યું. હું પણ મારી માનસી આવી છે ને એટલે જરા બોલકો થઈ ગયો છું. બાકી તો સોમેશ્વરજી સાથે થોડા શબ્દોની આપલે થાય. એ પણ લગભગ મૌની. ખપપૂરતી જ વાતો. હવે તો મહાવરો થઈ ગયો છે, સંકેતથી વાતો કરવાનો. સોમેશ્વર મારો ચહેરો જુએ ને સમજી જાય કે મારે શું કહેવાનું હોય. અને મને પણ એનો ઉત્તર મળી જાય તેમના સ્મિતમાંથી.

મંદિરના દ્વારના એક તરફ થોડા કાચા મકાન હતાં- ઝુંપડીઓ જેવા ત્યાં વસતી જેવું હતું. વૃક્ષો હતાં ઢાળવાળી જમીન પર ઢળતા છાપરાંવાળા મકાનો અને થોડો કોલાહલ- એ તો કાયમની દુનિયા હતી. સુમંતભાઈ, તિલક, માનસી સાથે જતા અનિરુદ્ધ ધારીને અવલોકન કર્યું.

‘મછવા વાળા છે. યાત્રિકોને અવરજવર કરાવે છે. સામે કાંઠે પણ મંદિરો તો છે જ. વસવાટ અહીં છે પણ ધંધો કારોબાર તો સામે કાંઠે.’ તિલકે વણમાગી માહિતી આપી હતી. અનિરુદ્ધે એ સ્થાન નોંધી લીધું. મનસુખ કદાચ અહીં જ ક્યાંય આવે. તેણે અનુમાન કર્યું. આ યોગ્ય સ્થાન હતું. નર્મદાની સમીપ પહોંચ્યાં. અનિરુદ્ધે ભાવ પૂર્વક પ્રણામ કર્યાં. કરવા જ પડે ને? જેવો વેશ એવું જ આચરણ હોવું જોઈએ. ‘નર્મદા મૈયાની જય.’ તિલકે જયકાર કર્યો. માનસીએ પણ સ્વામીજીની માફક પ્રણામ કર્યાં.

સુમંતભાઈ કાંઠાની એક શીલા પર બેસી ગયા હતા, ધ્યાનસ્થ બની ને. નર્મદાના વિશાળ પટની ઝાંખી થતી હતી. શાલ ઓઢી હતી એટલે પવન ખાસ અસર કરતો નહોતો. માનસીએ સાડી વીંટી લીધી હતી દેહ પર. અનિરુદ્ધ આંખો મીંચીને ખડો રહ્યો. બે હાથો જોડાયેલા જ રાખ્યા. શીતલ પવન તેને પણ કંપાવતો હતો પરંતુ તેણે આ સહી લીધો. વિચારી રહ્યો કે તેણે શું કરવાનું હતું.

‘માનસી, બેટા, આ મારો નિત્યકર્મ આ સમયે અહીં જ હોઉં. નર્મદા મૈયાના સાનિધ્યમાં.’ સુમંતભાઈ બોલ્યા.

માનસીએ અનુમાન કર્યું કે સુમંતભાઈ ખરેખર સુખી હતા, નસીબદાર પણ ખરા કે અહીં આવ્યા હતા. આ એકાંત સ્થાને જે સુખશાંતિ મળતાં હતાં એ અન્યત્ર ક્યાંય ના મળે. સહેજ જીર્ણ થઈ ગયા હતા, દેખાતા પણ હતા પણ એ તો...! તે ક્યાં કશું જાણતા હતા મમ્મી વિશે? એ અજ્ઞાન જ સારું હતું તેમને માટે. ના, ક્યારેય આ વાત તેમના સુધી ના પહોંચવી જોઈએ. એટલે તો યાતનાઓ મનમાં ઢબૂરીને બેઠી છું? એ મનસુખ તો કદાચ ભૂલી પણ ગયો હશે એ પાપને. કેટીએ મને ભૂલી જવાનું જ કહ્યું હતું. પણ મને લાગે છે કે...

‘શા વિચારમાં પડી બેટા? આ નદી નથી, માતા છે. એના સાનિધ્યમાં સુંદર વિચારો જ આવે. જો આ બંને કાંઠાઓ કેવા રમણીય છે, કેવા શાંત છે? જાણે ગાઢ નિંદ્રામાં ના હોય! આ હવા અને મર્મર કરતાં વૃક્ષો તો એનો મહિમા ગાય છે. ક્યાં ખામી લાગે છે? આ વાતાવરણમાં તો આપણી મનોવૃત્તિ ઓગળી જાય.’

‘હા, પપ્પા..સાચી વાત છે.’ તે બોલી મૂર્છામાંથી જાગી હોય એ રીતે. આ તો પહેલો સ્પર્શ જ હતો ને આ પાવન દૃશ્યનો. સતત રહેવાનું બને તો સાચે જ સુમંતભાઈ કહે છે એમ જ થાય. આપણી આદિમતા ઓગળી જાય.

‘સાહેબ, સોમેશ્વરજીએ કેટલી પાબંધીઓ...ભુલાઈ ગઈ કે શું?’ તિલકે જાગૃત કર્યા સુમંતભાઈને.

તેમણે બહુ પરિશ્રમ લેવાનો નહોતો. બહુ બોલવું એય પરિશ્રમ જ ગણાય ને? તિલકની વાત સાચી હતી. માનસી આવ્યા પછી તે સતત બોલતા જ રહ્યા હતા. નિયમો ભૂલી જવાયા હતા. લાગણીઓની અભિવ્યક્તિ તો થાય જ ને પણ તેમની તબિયત? અચાનક તે મૌન થઈ ગયા. થાકનું ભાન પણ થયું. ચિંતા પણ થઈ, પુત્રીને જાણ તો નહીં થાયને આ ભયાનક રોગની?

‘પપ્પા થાકી ગયા હો તો...’ માનસીએ તરત જ ટકોર કરી.

‘બેટા થાય ક્યારેક, બાકી અહીં મને અનુકૂળતા જ છે. સોમેશ્વરજી અને અંતેવાસીઓ મારી સુશ્રુષા કરે છે. કાળજી લે છે, ઔષધોનું નિયમિત પાન કરું છું.’ તે આટલું કહીને અટકી ગયા કારણ કે તિલક તો તેમને રોકવા તૈયાર જ હતો. ખૂબ લાગણી હતી તિલકને. એક વેળા તો તેણે કહ્યું પણ હતું- ‘સાબ, આપને જોઈને મને મારા દાદા યાદ આવે છે. એ તો નથી અત્યારે. એ પણ આપની જેમ જ મને વહાલ કરતા હતા. મને સ્પર્શ કરતા હતા. ખૂબ નાનો હતો ત્યારે. અત્યારે તો...’

સુમંતભાઈ તિલકની વાત સ્વીકારી લાગણીનો સ્વીકાર કરવો જ જોઈએ.

‘સ્વામીજી, ક્યાં સુધી રોકાણ છે આપનું? સમય મળશે તો તમારી પાસે ગીતાના કર્મયોગ વિશે જાણવું છે. પણ હમણાં તો માનસી જ મારો કર્મયોગ છે.’ સુમંતભાઈ બોલ્યા અને માનસી ભાવવિભોર થઈ ગઈ. સ્વામીએ હસીને સંકેત કર્યો વહેતા જલ તરફ અને સુમંતભાઈ હસી પડ્યા.

‘આપનો સંકેત યથાર્થ છે સ્વામીજી, આ વહેતું જળ ઘણું ઘણું કહે છે. ખાલી જ્ઞાન ડખોળવાથી કશું નીપજવાનું નથી. બસ, સતત કર્મ!’ અનિરુદ્ધ બચી ગયો.

પાછા ફર્યા ત્યારે દિવસ ઠીક ઠીક ચડ્યો હતો. અનિરુદ્ધ તો તૈયાર થઈ ગયો હતો સ્નાનાદિથી. માનસી બાકી હતી. કેટલીક સ્ત્રીઓ પણ હતી આશ્રમમાં. માનસી ત્યાં પહોંચી ગઈ માર્ગદર્શન માટે. ‘પ્રોફેસર સા’બની બેટી છે. તબિયત જોવા આવી છે.’ એક સ્ત્રીએ કહ્યું હતું. ભગવી સાડીમાં શોભતી હતી.

બીજી આધેડ સ્ત્રીએ ઉમેર્યું હતું- ‘બેટી, અત્યારે તો સારું છે. સોમેશ્વરજી ઔષધો આપે છે. મહાવ્યાધિ છે પણ મટી જશે. ચિંતા ના રાખતી. આ સ્થાન જ એવું છે કે જ્યાં તન કે મનના રોગ ના રહે.’ ચમકી ગઈ માનસી. કંઈ ગંભીર વ્યાધિ હતી પપ્પાને? તેનાથી પણ અજાણ હતી એ ઘટના? એટલા માટે અહીં આવ્યા હશે જેથી એ વાતની જાણ મને ના થાય? ઓહ! પપ્પા! તેની આંખો આંસુથી છલકાઈ ગઈ. બધું જ સમજાઈ ગયું- જલદી જલદી મેધ સાથે પરણાવવાનું, બચતના પૈસા મેધના પરિવારને આપી દેવાનું અને લગ્ન કરાવીને તરત જ ચૂપચાપ આમ ચાલ્યાં જવાનું?