Madhurajni - 25 in Gujarati Moral Stories by Girish Bhatt books and stories PDF | મધુરજની - 25

Featured Books
Categories
Share

મધુરજની - 25

મધુરજની

ગિરીશ ભટ્ટ

પ્રકરણ – ૨૫

બ્રિજની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ હતી. તે પહેલાં શક્ય હોય એટલી જાણકારી મેળવી લેતો. મિત્રો તો મદદરૂપ થતા જ પણ ક્યારેક અજાણ્યાઓ પણ મુલ્યવાન, કડીરૂપ માહિતી આપતા. આટલે સુધી તો તે તેના ઘરમાં જ પુરાઈ રહેતો. ફોનના ચકરડા ચાલ્યા કરતાં.

તેના જુના સંબંધો પણ કામે લગાડતો.

સુમન હત્યા પ્રકરણની બધી જ બાબતો, બે દિવસોમાં જ તેના ટેબલ પર હતી. એ ફાઈલ બંધ હતી પણ તપાસ તો ચાલુ જ હતી. એ ઉપરાંત મનસુખલાલની રજેરજ માહિતી બ્રિજ પાસે હતી.

ત્રીજા દિવસની સવારે ... તેણે માત્ર બે ફોન કર્યા હતાં. એક ફોન મનસુખલાલ જ્યાં રહેતા હતાં એ ગામના પોલીસ સ્ટશન પર કર્યો હતો.

‘શું છે દોસ્ત ..ચુડાસમા?’ બ્રિજે શરૂ કર્યું.

ચુડાસમા સાથે અછડતો પરિચય હતો બ્રિજને. અને એ પણખ્યાલ હતો કે તેને મનસુખલાલ સાથે સારા સંબંધો હતાં.

‘હુંબ્રિજ...’તે હસ્યા હતાં.

‘બોલો સાહેબ, શો હુકમ છે?’ ચુડાસમાએ જરા સંભાળીને ઉત્તર વાળ્યો હતો. બ્રિજ એક વેળાના હોનહાર પોલીસઅમલદાર હતાં.

‘હુકમ તો નથી , દોસ્ત. એક માહિતી આપવાની છે..’

‘બોલો , બ્રિજ સાહેબ’ ચુડાસમાના કાન ચોકન્ના થઈ ગયા.’ખાસ કંઈ મોટી વાત નથી. તમારા ખ્યાલમાં તો એ વાત હોય જ. તમને ખ્યાલ હશે જ કે ....લગભગ આઠેક વર્ષ જૂનો એક કેસ સી. બી. આઈ.ને સોંપાય છે,તમારા જ્યુરીસડીકશનનો.’

કશો જવાબ ના આવ્યો એનો અર્થ એ થયો કે ચુડાસમા ગુંચવાયો હતો.

‘સાહેબ, આવવા દો. કાઈ નાં પડાશે. આપણે એ માટે તો બેઠાં છીએ

. એટલી આપણી જવાબદારી ઓછી. ખરું ને સાહેબ.’ ચુડાસમાએ ગોળ ગોળ વાત માંડી.

‘એ તો ..મારે જવું ને એમને ડીકટેટ કરવું સ્ટેનોને. હું કોણ છે મનસુખલાલ ત્યાં-તમારા વિસ્તારમાં. કોઈ મોટા ડીગ્નીટરી? તમને તો ખ્યાલ હોય જ, ચુડાસમા! આ તો થયું પૂછી લઉં.તમારા પ્રમોશન બાબત ક્યાંસુધી પહોચ્યા? ફાઈલ..’પછી સાવ સામાન્ય વાતો કરીને ફોન મૂકી દીધો.

તેમને ખબર જ હતી કે ચુડાસમાને મનસુખલાલ સાથે સારા સંબંધો હતાં. મનસુખલાલ અવારનવાર મળતા હતાં, ચુડાસમાને . બીજો ફોન કર્યો અનીરુદ્ધને- એ બેય પર નજર રાખવાનો.

બ્રિજ હજી સુધી ઘરની બહાર પણ નીકળ્યા ના હતાં.એક કલાકમાં જ ચુડાસમાનો ફોન આવ્યો હતો-એની અપેક્ષા હતી બ્રિજને. તેણે સીધું જ પૂછી નાખ્યું- ‘બોસ...તમારી વાત સાચી લાગે છે. કારણ કે ..મેં બધે જ રીંગ કરી ..બધે જ ઉડાઉ જવાબ મળ્યા. એનો અર્થ એ થયો કે કોઈ આ વાત લીક કરવા ઇચ્છતા નથી. ઉપરથી જ હશે..એવી સૂચના. આમાં હુ સીધી રીતે તો છું જ નહિ એ ખરું પણ ..મને ય છાંટા તો ઉડે જ કે મેં શું કર્યું સુમન હત્યા કેસમાં?’

ચુડાસમા આપોઆપ ખુલવા લાગ્યો.

‘તમે કરી શકો, ચુડાસમા.હજી બાજી તમારા હાથમાંથી છટકી નથી.તમે એ મનસુખને પકડી શકો- શકના આધારે..’

‘મનસુખ...લાલ ? એ આમાં ક્યાં છે?’ ચુડાસમા ચકિત થઈ ગયા વળી તેને આ પળે બ્રિજ જ મદદગાર લાગ્યો. બચાવી શકે તો બસ એ એક એની પ્રતીતિ થઈ ગઈ.

‘ચુડાસમા, તમે ફાઈલ જોઈ ગયા?’ બ્રિજે તેના પર કાબૂ મેળવવા માંડયો.

‘હા,બોસ , બે વાર..’ તે ઉતાવળે બોલ્યો.

‘પણ બોસ, ક્યાંય મનસુખ ભાઈ તો નથી જ.’ તેણે ભારપૂર્વક ઉમેર્યું.

‘ક્યાંય જરા સરખો પણ ઉલ્લેખ નથી?’ બ્રીજે સાવ કલ્પનાના આધારે તુક્કો લડાવ્યો.

‘હા, બ્રીજ અંતમાં ઉલ્લેખ છે. તેમની બે સહીઓ છે. રીપોર્ટમાં તેમનો આભાર પણ માન્યો છે. તપાસમાં મદદ માટે, પણ એ તો સારી વાત છે. તેઓ એ સંસ્થાના ટ્રસ્ટી હતા જેના એક માસ્તરની પત્ની સુમનનું ખૂન થયું હતું. અને એ માસ્તર તો સાવ નિર્દોષ હતો. આમ તો આ ચોરીનો જ બનાવ હતો પણ ગુનેગાર શીખાઉ જ હશે, આ તેની પહેલી જ હત્યા હશે અને એ પણ આવેશમાં થઈ ગઈ હશે.. આમ તો આ સાવ સામાન્ય બનાવ જ ગણાય.’

‘આમાં સીબીઆઈ ક્યાંથી આવે?’ ચુડાસમાએ વિસ્તારથી કહ્યું.

‘ચુડાસમા, મનસુખભાઈ શીખાઉ ખૂની ના ગણાય? તેમણે બીજા કોઈ ખૂન કર્યાં હશે ખરા?’ બ્રીજે મનસુખ ભાઈને નિશાન લઈને મારો ચલાવ્યો.

‘બ્રીજ, તમે ભાનમાં છો ને? એ કેટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ તમે જાણો છો? કદાચ આ વખતે ધારાસભાની બેઠક પણ લડે એવી શક્યતા છે. એ શા માટે...?’

‘એ તો પુરાવા હશે ને એમની સામે? તપાસ કાઈ એમ થોડી સોંપાઈ એ લોકોને? અને એની પાછળ પણ મોટાં માથા જ હોય- પુરાવા સાથેના. ચુડાસમા, આમાં તમે શું કરી શકો એ મેં તમને કહ્યું. તમે પણ પુરાવા એકઠાં કરી શકોને, અને કશું નક્કર કરી શકો. એ લોકો તપાસ કરે એ પહેલાં. મેં તો તમને ચેતવ્યા. મિત્ર છો ને એટલી મિત્રની ફરજ નિભાવવી પડે. તમને સરપાવ મળવાની શક્યતા છે. પ્રમોશન પણ. અને બીજું પણ થઈ શકે. એ તો તમે જાણો જ છો. જરૂર પડે ત્યારે કહેશો તો હું તો મદદ કરીશ જ. આ ખબર પણ તમને મિત્ર ભાવે આપ્યા જ ને?’ બ્રીજે વાત પૂરી કરી અને હસી પડ્યા. માછલી જાળમાં ફસાતી હતી. એમને ખબર હતી કે હવે ચુડાસમા ફોન નહીં જ કરે.

એકાદ કલાક પછી અનિરુદ્ધનો ફોન આવ્યો હતો. ‘સર, અત્યારે ચુડાસમા સાદા વેશમાં બહાર જઈ રહ્યો છે તેની બાઈકમાં.’

‘હા, વોચ રાખ. એ મનસુખભાઈને ત્યાં જ જશે. તને એનું એડ્રેસ તો...’

‘હા, બ્રીજસર, તમારા શિષ્યને કાચો ના ગણશો. અમેય થોડા પાઠ તો શીખ્યા જ છીએ.’ અનિરુદ્ધે હળવાશથી કહ્યું.

‘કેટલો સમય ત્યાં રહે એ મહત્વનું છે. અનિરુદ્ધ, એ પછી મનસુખલાલનો પીછો કરવાનો રહેશે, ખરુંને?’ બ્રીજે પૂરી સિફતથી આગળનો માર્ગ બતાવ્યો.

‘ઓકે સર. હું રીપોર્ટ કરતો રહીશ.’ વાત પૂરી થઈ. બ્રીજ સોફા પર બેસી ગયો. હવે શું કરવાનું હતું? વાત નકશા મુજબ આગળ વધતી હતી. મનસુખલાલ ખરેખર તો અપરાધી હતા. તે આવી વાતમાં કોઈને વચમાં ના જ લાવે એ બ્રીજની ગણતરી હતી. અને બાબત પાછી તાકીદની હતી એટલે વિલંબ પણ શક્ય નહોતો. તે પુરાવાઓના નાશનો જ વિચાર કરે. ગુનેગાર માણસ આ જ દિશામાં ધકેલાય. તે આમાં ચુડાસમાને પણ સામેલ ના કરે. હવે જ ડરની વૃત્તિ પ્રવેશે મનસુખમાં.

બ્રીજનો અભ્યાસ હતો ગુનાઓનો અને ગુનેગારોનો. તરત જ તેના મન પર માનસી આવી હતી. આ છોકરીની ઢગલો ભરીને વાતો એ જાણતા હતા. પણ હજી કોઈ જોઈ નહોતી. તે છોકરી સરળ જ હોવી જોઈએ એમ બ્રીજને લાગ્યું. અને એ જ કારણ હતું તેની પીડાનું. તેની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો આ પ્રશ્ન જ ઉદ્દભવ્યો ના હોત. તેર વર્ષની વયે તો એવી હિંમત ના હોય, પણ આ વયે તો હોવી જ જોઈએ ને?

પણ જે થયું એ સારું જ થયું. એ બહાને અસલી અપરાધીને સજા તો મળશે જ. એ એવો ભીંસમાં આવશે કે તે પોતે જ સજા આપશે જાતને. હસી પડ્યા બ્રીજ.

‘આમાં ચુડાસમાને કશું કરવાનું રહેશે નહીં. બધું આપમેળે જ થશે.’ તેને વિશ્વાસ હતો. બસ પછી માનસી ખુશખુશાલ થશે, મુક્ત થશે, ગ્રંથિમાંથી બહાર આવશે અને એ બંને...!

બ્રીજ અટકી ગયો. તેને તરત સોનલદે યાદ આવી. બસ, આ એક જ તેને ગમી હતી, આટલા વર્ષોમાં. નહીં તો સંપર્કમાં આવનાર છોકરીઓ કેટલી હોય? અનેક! અલબત તે ફરજ પર હતો ત્યારે તો અનેક પ્રસ્તાવો આવતા હતા. અને તે નકારે જતો હતો. એક સંપૂર્ણ સ્ત્રીની વ્યાખ્યા બંધ બેસે એવું પાત્ર મળ્યું જ નહીં તેને. મુક્ત થયો નોકરીમાંથી એ પછી એ પ્રવાહ અટકી ગયો. સાવ એકાકી થઈ ગયો. શું આમ જ ગુજારવું પડશે શેષ જીવન? ક્યારેક આ પ્રશ્ન અકળાવતો હતો. અંતે નિષ્કર્ષ પર પણ અવાતું. ગુજારી નાખીશ એકલતાની જિંદગી કોઈ ફરિયાદ વગર. બાકી સમાધાન તો નહીં જ.

ખાસ મિત્રો જ રહ્યા નિયમિત સાથમાં. અને કેટલાકના મનમાં બ્રીજ વિશે ખોટા ખ્યાલો પણ પેદા થયા. હવે કશું અતીતમાં! કદાચ એની છાયા એને પીડતી હોય, નડતી હોય. નહીં તો શા માટે હજી સુધી સંસાર નહીં માંડ્યો હોય? તેની સરળતાને કોઈ સ્વીકારવા તૈયાર હતા. સમજ પડતી હતી બ્રીજને. બાહોશ વ્યક્તિ જાહેરમાં સરળ ન હોઈ શકે. પોલીસ ખાતામાં પણ કશી જાણીતી તેવો પડી નહોતી.

‘આ બધાં દંભ તેની નજરમાં મિસિસ...અંતરા હશે.’ માલિની વિચારતી હતી. ‘માલિની સાથે કશું ખરું?’ અંતરાને થયા કરતું. થાકી ગયો બ્રીજ. અને અચાનક તેને સોનલદે મળી ગઈ. એ માટે તેણે મનોમન માનસીનો આભાર પણ માન્યો હતો.

‘તારી મધુરજની તો શરૂ થશે પણ મારીએ થશે!’ તે હસી પડ્યો હતો. તેના મિત્રની સગી બહેન હતી સોનલદે. તે મળી શક્યો હોત આ પહેલાં પણ. અને શા માટે ના મળી શક્યો એય પ્રશ્ન તો હતો જ. ભાઈની ઈચ્છા નહીં હોય સોનલદેનો પરિચય કરાવવાની. પરિચય પછી જ બધું બને ને. પરિચય, આકર્ષણ અને સંબંધ.

સોનલદેને મળ્યા પછી તો બ્રીજ તરત જ ત્રીજા અને અંતિમ તબક્કા લગી પહોંચી ગયો હતો માત્ર થોડા જ સમયમાં. કેટલીયે વાતો- મૌન રહીને જ વિચારાઈ ગઈ. પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થયો હતો. બહુ જ થોડા શબ્દોની આપલે થઈ હતી આ વિષયમાં. ખરેખર તો તે માનસીના વિષયમાં ઘણું બોલી હતી. કેટલીક નાજુક વાતો પણ સડસડાટ સંકોચ વિના બોલી ગઈ હતી. પછી મેધ પ્રતિ જોઈને બોલતી હતી- ‘ખરુંને મેધભાઈ? અને કેટલીક ક્ષણો દરમિયાન ભીતર સરકી પણ ગઈ હતી. એનેય લજ્જા તો થાય જ ને. ગમે તેમ તોય બ્રીજ સાવ અજાણ્યો પુરુષ હતો. ભાઈનો મિત્ર ખરો પણ પુરુષ તો ખરો જ. આ બધી જ વાત બ્રીજને ગમી. હિંમતવાળી હતી અને લજ્જાવાળી પણ. વાત પૂરી થાય એ પહેલાં તો મનથી નક્કી જ થઈ ગયું- બસ, આ જ એની સ્ત્રી. તેની સ્ત્રી માટેની શોધ ત્યાં જ પૂર્ણ થઈ. પછી બીજી મુલાકાતમાં જ એ બંને વચ્ચે સહમતી અને સંમતિ બંને સધાઈ ગયા.

સોનલદેએ જ કહ્યું- ‘બ્રીજ, ભલે કોઈ અંતરાય આવે ચાહે સ્વજનોના કે સંજોગોના- હું અડીખમ જ રહીશ.’

આર્દ્ર બનીને બોલ્યો હતો- ‘સોનલદે, મારી જિંદગીનું એક મુકામ મળી ગયો. નાઉ આ વોન્ટ નથીંગ મોર.’

‘બસ આ તારી સખીનું કામ આટોપવા દે. એ પછી ચૂપચાપ પરની જઈશું કોર્ટમાં.’

સોનલદેએ અમુક હદ સુધીની વાત માનસીને કહીને તેને ભયમુક્ત કરી હતી. સોનલદે માનસીને બરાબર જાણતી હતી. અને એ પણ જાણતી હતી કે ચિત્ત ખળ ભરેલું હોય ત્યારે શું શું બની શકે.

એ રીતે માનસી નચિંત થઈ ગઈ. એ રીતે સોનલદે પણ મુક્ત થઈ ગઈ. ખૂબ જ મહત્વનો પ્રશ્ન એકાએક હલ થઈ ગાયો એની ખુશી તો હતી જ. બસ, થોડી પળોમાં ઘસઘસાટ જંપી ગઈ. અજાણી જગ્યા, અજાણી સેજ, અજાણ્યું અંધારું ને તોય તે...

માનસી ખુશ થઈ હતી. એક પછી એક સારા સમાચાર મળી રહ્યા હતા. કેટીએ તેની સુપ્ત ચેતનાને જગાડી હતી.

‘તું સક્ષમ જ છું. કશું જ નથી થયુ તારા તનને.. તું અન્ય સ્ત્રીઓ જેવી જ...!’ કેટલો ફરક પડ્યો હતો મનને. તે હવે તરસી થઈ હતી મેધ માટે. ક્યારે એ ક્ષણ આવે ને તે બુજાવી દે તરસ એ પુરુષની. વિશ્વાસ જગાડવો પડશે ને એનામાં, પોતાના વિશે?

કેટીએ તો કહ્યું નહોતું પણ તેણે જ વિચારી રાખ્યું હતું. પપ્પા ઘરે આવી જાય, બધું સહજ બની જાય પછી તે મેધને છેડ્યા કરશે, તેના મનને, તનને ચકિત કરી દેશે. અને પુનઃનરેન્દ્રભાઈ સાંભર્યા. કેમ હશે પપ્પાને? હવે પહેલાંની માફક તો નહીં જ જીવી શકીએ ને?

અને તરત જ સુમંતભાઈ યાદ આવ્યા. અહીં તો કેટલા છીએ પપ્પાની પાસે? ડોક્ટર, મેધ, મમ્મી, શ્વેતા અને તે! થોજી ગઈ માનસી. તેની રસિકતાય ઊડી ગઈ બેપળમાં. બસ, જઈ આવીશ...ત્યાં એ સ્થળે. ક્યાંક તો હશે ને એ? મને જ ઝંખતા હશે! હું ભૂલી ગઈ પણ તે તો ના જ ભુલેને પુત્રીને.

મેધ આવે તો ઠીક છે, નહિ તો એકલીય ! રાત વહી જાતી હતી, મંથર ગતિએ...!