Operation Chakravyuh - 1 - 25 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 25

Featured Books
Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 25

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-25

શાંઘાઈ, ચીન

આખરે એ દિવસ આવી ગયો જે નાયક અને અર્જુનની જીંદગીનાં સૌથી મહત્વના દિવસોમાંનો એક હતો. જે કામ માટે તેઓ શેખનો વેશ ધરીને આવ્યાં હતાં એ કામ કેટલા અંશે પૂર્ણ થવાનું હતું એ આજે સમજાઈ જવાનું હતું; આજે તેઓની મુલાકાત ચીનના સૌથી મોટા ડ્રગ્સ ઉત્પાદક જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ સાથે થવાની હતી.

સવારે યાંગ લીએ અર્જુનના નંબર પર કોલ કરી એને બપોરે બાર વાગ્યા આજુબાજુ ચેન્ગશિંગ આઈલેન્ડ આવી જવા કહ્યું. લી સાથે વાત થતાં જ અર્જુને શાહિદને કોલ કરી અગિયાર વાગે હોટલ શાંઘાઈ પેરેડાઈઝ આવી જવા જણાવી દીધું.

"નાયક, આજે આ મિશનનો સૌથી મહત્વનો દિવસ તો છે અને સાથે નિર્ણાયક પણ!" લોન્ગને મળવા ગયાં પહેલા અર્જુને નાયકને સમજાવતા કહ્યું. "આપણે ત્યાં જઈને બે મહત્વના કામ કરવાના છે. જેમાં સૌથી અગત્યનું છે લોન્ગ જોડે કોઈપણ ભોગે ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલામાં એની સંડોવણી અંગે જાણકારી મેળવવાનું અને બીજું કામ છે એની ડ્રગ્સ ફેક્ટરીની અંદરની રચનાને કેમેરામાં ઉતારવાનું."

"બંને કામને આપણે ખૂબ જ ચોકસાઈથી કરવાનાં છે; ભૂલથી પણ જો એમાં કોઈ ચૂક રહી ગઈ અને લોન્ગને આપણી પર શક ગયો તો આપણી જીંદગી સાથે મિશનનો પણ અંત આવી જશે."

"કોઈ ચિંતા નહીં.!" નાયક હસીને બોલ્યો. "તમારો સાથ હોય તો આ બંદો લોન્ગ તો શું, આ બધા ચૂંચિયાઓને સબક શીખવાડી શકે છે."

"સારું ચલ હવે નીકળીએ, શાહિદ આવતો જ હશે." અર્જુને પોતાના માથે બાંધેલી ઈગલને વ્યવસ્થિત કરતા કહ્યું.

અર્જુન અને નાયક હુસેની અને રહેમાનીના અવતારમાં સુસજ્જ થઈને હોટલનાં પોર્ચમાં આવ્યા એની ત્રણ-ચાર મિનિટમાં તો શાહિદ મર્શિડીઝ લઈને આવી પહોંચ્યો હતો. અર્જુન અને નાયક જેવા કારની બેકસીટમાં બેઠા એ સાથે જ શાહિદે કારને ચેન્ગશિંગ આઈલેન્ડ તરફ ભગાવી મૂકી. હજુ એ લોકો અડધે રસ્તે આવ્યા હતાં ત્યાં તો અર્જુનના મોબાઈલ નંબર પર લીએ એક વ્હોટ્સપ લોકેશન મોકલાવી, લોકેશન ચેન્ગશિંગ આઈલેન્ડના છેવાડે આવેલ ચુવાંગજિયાંક્ષુનું હતું.

અર્જુને શાહિદને કાર લઈ વ્હોટ્સઅપ પર આવેલા લોકેશન પર જવાનો આદેશ આપ્યો. લોન્ગની ડ્રગ્સ ફેક્ટરી આખરે ક્યાં હશે એનો કયાસ લગાવતા અર્જુનને આશા હતી કે આજનો દિવસ એની ધારણા મુજબ જ પસાર થશે.

હોટલ શાંઘાઈ પેરેડાઈઝથી નીકળીને લીએ મોકલાવેલી લોકેશન સુધી પહોંચતા એમને કલાક જેટલો સમય લાગી ગયો. શાહિદ દ્વારા નિયત સ્થાને કાર થોભાવતા જ અર્જુન અને નાયક કારમાંથી હેઠે ઊતર્યા.

આખરે પોતાને અને નાયકને આગળ ક્યાં જવાનું હતું એ જાણવા અર્જુન યાંગ લીને કોલ લગાવવા જ જતો હતો ત્યાં સૂટ-બૂટમાં સજ્જ, આંખે કાળા ચશ્મા પહેરેલા, માફકસરનો કસાયેલો બાંધો ધરાવતા બે યુવકો અર્જુન અને નાયકની જોડે આવ્યા અને એમાંથી એક યુવક પ્રશ્નસૂચક નજરે એમની તરફ જોતા બોલ્યો.

"મિસ્ટર હુસેની અને મિસ્ટર રહેમાની.?"

જેનાં પ્રત્યુત્તરમાં અર્જુને હકારમાં ગરદન હલાવી એટલે એ યુવકે અર્જુન અને નાયકને કારને ત્યાં જ મૂકી પોતાની સાથે આવવા કહ્યું. અર્જુને શાહિદને ત્યાં રોકાઈ જવાનું કહ્યું અને પોતે નાયકની સાથે એ યુવકોની પાછળ-પાછળ અગ્રેસર થયો.

ચુવાંગજિયાંક્ષુની નજીક દરિયાકિનારો હતો, જ્યાં એક અદ્યતન સુવિધાઓથી લેસ એક ફોર સીટર સ્પીડ બોટ લાંગરેલી હતી. એ બંને યુવકો એ સ્પીડબોટમાં સવાર થયાં અને અર્જુન તથા નાયકને પણ બોટમાં સ્થાન લેવા આગ્રહ કર્યો. અર્જુન અને નાયક એમના કહ્યાં મુજબ બોટમાં બેઠાં એ સાથે જ એ યુવકમાંથી એક યુવકે બોટ સ્ટાર્ટ કરી અને દરિયાના પાણીને ચીરતા બોટને હેંગસા આઈલેન્ડ તરફ ભગાવી મૂકી.

આ વિસ્તારનો મેપ પર બારીકાઈથી અભ્યાસ કરનારો અર્જુન સમજી ચૂક્યો હતો કે શાંઘાઈના સૌથી દૂરનાં હેંગસા આઈલેન્ડને જિયોન્ગ લોન્ગ દ્વારા પોતાની ગુનાકીય પ્રવૃત્તિઓનું મુખ્યાલય બનાવાયું હતું.

વીસ મિનિટની અંદર અર્જુન અને નાયકને લઈને એ બંને યુવકો હેંગસા આઈલેન્ડ આવી પહોંચ્યા. એ જેવા બોટમાંથી નીચે ઉતરી કિનારેથી દસેક ડગલાં ચાલીને આગળ આવ્યા ત્યાં અર્જુન અને નાયકે જોયું કે એક કાર એમની રાહ જોઇને ત્યાં ઊભી હતી. અર્જુન અને નાયકના કારમાં ગોઠવાતા જ એમને ત્યાં સુધી લઈ આવનાર યુવકોમાંથી એક યુવકે એમના માથે કાળા રંગનું કપડું ઢાંકી દીધું, જેથી લોન્ગની ફેકટરીનો રસ્તો એમનાં ધ્યાને ના આવે.

દસેક મિનિટની કાર મુસાફરી બાદ કાર એક જગ્યાએ આવીને અટકી ગઈ. કાર અટકી એ સાથે જ અર્જુન અને નાયકના મોંઢે રાખેલું કપડું હટાવી લેવામાં આવી.

"વેલકમ માય ફ્રેન્ડ્સ.!" અર્જુન અને નાયક કારમાંથી જેવા નીચે ઉતર્યાં એ સાથે જ એમના કાને યાંગ લીનો ચિત પરિચિત અવાજ પડ્યો. "આશા છે કે રસ્તામાં ઝાઝી તકલીફ નહીં પડી હોય. ચલો અંદર જઈએ, ભાઈ તમારી રાહ જોવે છે."

અર્જુન અને નાયક અત્યારે જ્યાં હતાં એ જગ્યાની રચના ખૂબ જ ભેદી જણાતી હતી. બહાર વૃક્ષોના લાકડાં કાપવાના મોટા મશીન હતાં અને ગાયોનો એક મોટો તબેલો પણ. યાંગ લી અર્જુનને જે ઈમારતની અંદર લઈને આવ્યો એની અંદર પગ મૂકતાં જ ટરપેન્ટાઇન અને ઓઇલ કલરની તીવ્ર ગંધ નાકમાં ભરાઈ જતી. બહાર જે લાકડાં કપાતા એને અંદર લાવીને ઓઇલ પેઇન્ટ કરવામાં આવતી હતી.

આ બધું અંદર ચાલતી ગુનાકીય પ્રવૃત્તિઓને ઢાંકવાનું છલાવરણ છે એ વાત અર્જુનને સમજાઈ ગઈ હતી. આ એક અલગ વિભાગ હતો જ્યાંથી પસાર થઈને અર્જુન અને નાયક લીની પાછળ-પાછળ એક એવી જગ્યાએ આવ્યા જ્યાં લાકડાંને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું કામ થઈ રહ્યું હતું. ઉપરથી જોતા આ એક વુડન કટિંગ એન્ડ પેઇન્ટિંગ ફેક્ટરી જણાતી હતી પણ અંદર ઘણાં રહસ્યો છૂપાયા હતાં, જે દુનિયાથી અજાણ હતાં.

યાંગ લીની સાથે અર્જુન અને નાયક લેડીઝ ટોઇલેટમાં પ્રવેશ્યાં..આગળ બધા રસ્તા બંધ હતાં, આથી એ બંનેને એ વાતનું ભારે આશ્ચર્ય થયું કે આખરે યાંગ લી એમને લેડીઝ ટોઇલેટમાં કેમ લઈ આવ્યો?

અર્જુન આ અંગે લીને સવાલ કરવા જ જતો હતો ત્યાં લીના મોબાઈલની રિંગ વાગી.

"હા, બસ આ પહોંચ્યો."

"હા, બંને સાથે જ છે."

"સારું.."

માંડ અડધી મિનિટ વાત કર્યાં બાદ લીએ કોલ ડિસ્કનેકટ કરી ખિસ્સામાં સેરવી દીધો અને અર્જુન અને નાયકનો અચંબિત ચહેરો જોઈને બોલ્યો.

"શું થયું મિસ્ટર હુસેની એન્ડ મિસ્ટર રહેમાની.? એ વિચારીને તો ચિંતિત નથી ને કે આખરે હું તમને લેડીઝ ટોઇલેટમાં લઈને કેમ આવ્યો, અરે તમને એ પ્રશ્ન પણ થવો જોઈએ કે સ્ટાફમાં કોઈ લેડીઝ જ નથી છતાં અહીં લેડીઝ લેડીઝ ટોઇલેટ વળી કેમ?

આખરે લી દ્વારા શું રમત રમવામાં આવી રહી હતી એ અંગે વિચારી અર્જુન અને નાયકનું હૃદય ધામણની માફક ધડકવા લાગ્યું.!

***********

જુહાપુરા, અમદાવાદ

રૉ ચીફ રાજવીર શેખાવત સાથે થયેલી મુલાકાત બાદ રાજલ સીધી જ નવરંગપુરા પોલીસ સ્ટેશન આવી; જ્યાં એની ડ્યુટી હતી. પોતાને જે કામ સોંપવામાં આવેલું એ હાઇલી સિક્રેટ હોવાથી રાજલ આ અંગે પોતાના સ્ટાફમાંથી કોઈને કંઈપણ કીધા વિના પોતાની પર્સનલ કેબિનમાં જઈને બેસી ગઈ.

થોડું વિચાર્યા બાદ રાજલે પોતાના ફોનમાંથી એક નંબર ડાયલ કર્યો. સામેથી કોલ રિસીવ થતાં જ રાજલ બોલી.

"કેમ છો માસી? શું ચાલે છે?"

"અરે મેડમ, બસ તમારી અને માં બહુચરની દયાથી બધું ચકાચક છે.!" સામેથી એક સ્ત્રી અવાજ રાજલના કાને પડ્યો. "કંઈ કામ હતું?"

"હા રાગી માસી, એક ખૂબ જ અગત્યનું કામ છે..જે ફક્ત તમે જ કરી શકો એમ છો." રાજલે કહ્યું.

"બોલો ને મેડમ, તમે અમારા કિન્નરો માટે જે કંઈપણ કર્યું છે એ માટે તો તમે જે કહેશો એ કરવા તૈયાર છીએ." રાગી માસીએ કૃતજ્ઞ સ્વરે કહ્યું.

"તમને બધાંને પણ જીવવાનો અને જીવનને માણવાનો પૂરો અધિકાર છે, તમારૂ જીવન સમૃદ્ધ બને એ માટે મેં જે પ્રયત્નો કર્યાં એ મારી ફરજ હતી તો વારંવાર તમે એ વાત કહી મને ખોટું ના લગાડશો." રાજલે કહ્યું.

"સારું હવે નહીં કહું એ વાત, તમે જણાવશો કે આખરે મારે કરવાનું શું છે?" રાગી માસીએ જીજ્ઞાસાવશ પૂછ્યું.

"જુહાપુરાના એક એડ્રેસ પર જઈને એક વ્યક્તિની હાજરી અંગે તપાસ કરવાની છે..હું તમને એ જગ્યાનું એડ્રેસ અને એ વ્યક્તિનો ફોટો બંને મોકલાવું છું." રાજલે કહ્યું. "તમારું નેટવર્ક સૌથી વધુ સુદૃઢ અને ફેલાયેલું છે એટલે તમે આ કામ બખૂબી કરી શકશો એવી આશા છે."

"આ કામ ખૂબ ચોકસાઈ અને ત્વરાથી કરવાનું છે, આવતીકાલે બપોર પહેલા તમારે આ કામને અંજામ આપી દેવો પડશે. તમે જે કામ કરવા જઈ રહ્યાં છો એનો સંબંધ હજારો ગુજરાતીઓની જીંદગી સાથે જોડાયેલો છે તો એ મનમાં રાખી આ કામ કરો એવી વિનંતી."

રાજલના અવાજમાં આવેલી નરમાશ જોઈ રાગી માસીએ વિશ્વાસભેર કહ્યું.

"મેડમ, તમારે વિનંતી નહીં ઓર્ડર કરવાનો હોય. તમતમારે હવે આ વિષયમાં ઝાઝું વિચારવાનું મૂકી દો; આવતીકાલે બપોર પહેલા તમે સોંપેલું કામ અવશ્ય થઈ જશે."

"સારું તો પછી હું અત્યારે કોલ રાખું છું, જેવી તમને કોઈ નક્કર માહિતી મળે એ સાથે જ સત્વરે મને જણાવજો. જય માં બહુચર.!"

"માં બહુચર સદાય તમારી રક્ષા કરે.!" રાગી માસીએ આટલું કહી સંપર્ક વિચ્છેદ કરી દીધો.

રાગી માસી અને એમની કિન્નર ટીમ આ અગાઉ પણ ગુનેગારોને પકડવામાં બે વાર રાજલની મદદ કરી ચૂકી હોવાથી રાજલ એ બાબતે આશ્વસ્થ હતી કે માં બહુચરના આ પરમ ભક્તો અફઝલ પાશા અંગે માહિતી મેળવીને જ જંપશે.

શેખાવતની યોજના વિશે મનોમંથન કરતા રાજલ પોતાની પર્સનલ કેબિનમાંથી બહાર નીકળી, પોલીસ સ્ટેશનની બહાર રાખેલ પોતાની બુલેટ પર સવાર થઈને પોતાના આવાસ તરફ ચાલી નીકળી.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)