Operation Chakravyuh - 1 - 23 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 23

Featured Books
Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 23

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-23

ક્રિસ્ટ ચર્ચ, રાવલપિંડી, પાકિસ્તાન

મોસાદના ગુપ્તચર નાથનને મળીને બલવિંદરે એને આપેલી ડાયરી મેળવવા નગમા અને માધવ સંપૂર્ણ સજ્જ થઈને રાવલપિંડી આર્મી હોકી સ્ટેડિયમ નજીક આવેલી પિંડીની સૌથી મોટી ચર્ચ તરફ હાલી નીકળ્યા હતાં. જેમની જાણ બહાર લશ્કર એ તોયબાના બે આતંકવાદીઓ મિર્ઝા અને તાહીર એમની કારનો પીછો કરી રહ્યાં હતાં.

પોતે અત્યારે બલવિંદરના ઘરની તલાશી લેવા આવેલા યુવક-યુવતીની પાછળ જઈ રહ્યાં છે એ અંગેની જાણકારી મિર્ઝાએ પોતાના બોસ ઈકબાલ મસૂદને આપી દીધી હતી. મસૂદે એમની સહાયતા માટે બીજા માણસો મોકલવાની તૈયારી બતાવતા કહ્યું કે એ લોકો જ્યાં અટકે એ સ્થળનું એડ્રેસ મિર્ઝા તાત્કાલિક મસૂદને મેસેજ કરે જેથી એ સ્થળે મસૂદ પોતાના બીજા માણસો મોકલી શકે. પોતે આર્મી સ્ટેડિયમ તરફ તરફ જતા રસ્તે જતો હોવાની જાણકારી મિર્ઝાએ મસૂદને આપી હોવાથી મસૂદે પાંચ-છ હથિયારબંધ લોકોને એમની મદદ માટે મોકલી દીધા હતાં; એ લોકોને આગળ શું કરવાનું એની જાણકારી મસૂદ જોડેથી મળવાની હતી.

માધવ અને નગમા ક્રિસ્ટ ચર્ચ જતા હોવાનું જાણી દિલાવર પણ પોતાના સાગરીત મુસ્તફા સાથે ક્રિસ્ટ ચર્ચ જવા રવાના થઈ ચૂક્યો હતો.

માધવે જમણી આંખમાં જે લેન્સ પહેર્યો એ ખાસ સેન્સર ધરાવતો ઓપ્ટિકલ લેન્સ હતો..જેને રાખવામાં આવતી ડબ્બી જેવા બોક્સમાં એક ચીપ રાખવામાં આવતી. આ ચીપમાં જેનો ફોટો સેવ કરવામાં આવતો એને લેન્સ પહેર્યા બાદ હજારોની ભીડમાં પણ સરળતાથી ઓળખી શકાય એમ હતું. આ ઉપકરણની એક ખાસિયત હતી કે આમાં જેનો ચહેરો સેવ રહેતો એની ઉંમર વધવા પર, ચહેરા પર દાઢી, મૂછો કે કોઈ ઘા પડવા પર પણ આ લેન્સની મદદથી સરળતાથી એ વ્યક્તિની ઓળખ થઈ શકતી હતી.

ખેબર લોજથી નીકળી પિંડીની સૌથી મોટી ચર્ચ એવી ક્રિસ્ટ ચર્ચ પહોંચવામાં નગમા અને માધવને અડધો કલાક લાગી ગયો હતો. અત્યારે રવિવારની પ્રેયરનો સમય થઈ ચૂક્યો હોવાથી પૂરા પિંડીમાંથી લગભગ અઢી થી ત્રણ હજાર લોકો ચર્ચામાં મોજુદ હતાં. આટલી ભીડમાં કોઈ જાતની નકામી હિંસા ના થાય એ માટે પૂરતી તકેદારી રાખવાનો નીર્ધાર માધવ અને નગમા કરી ચૂક્યા હતાં.

પોતાની કારમાંથી હેઠે ઉતરી માધવ અને નગમા ચર્ચની અંદર જવા આગળ વધ્યા, આ જ સમયે મિર્ઝા અને તાહીર ત્યાં આવી પહોંચ્યા. બુરખામાં બલવિંદરના ઘરે આવેલી યુવતી અને કુર્તા-પાયજામામાં સજ્જ યુવકને આજે ચર્ચમાં જતા જોઈને એ બંનેને ભારે નવાઈ લાગી.

પોતે ક્રિસ્ટ ચર્ચ આવી ગયા હોવાની જાણકારી મસૂદને આપી એ બંને પણ ચર્ચ ભણી આગળ વધ્યા. મસૂદે મિર્ઝા અને તાહીરની મદદ માટે મોકલેલા આતંકીઓને ક્રિસ્ટ ચર્ચ જવાનું ફરમાન આપી દીધું.

નગમા અને માધવે ચર્ચની અંદર પગ મૂક્યો એ સાથે જ એ બંને સમજી ગયાં કે અંદર મોજુદ માનવમહેરામણની વચ્ચે નાથનને શોધવાનું કામ ખૂબ મુશ્કેલ પડી જવાનું હતું, અને જો એ દેખાઈ જાય તો પણ એની જોડે વાતચીત કેમ કરવી એ પણ એમનાં માટે ચિંતાનો વિષય હતો. નાથન પોતાની જીંદગી પર સંકટ હોવાનું વિચારી માધવ અને નગમાની ઉપર હુમલો કરી બેસે એ શક્યતાને પણ નકારી શકાય એમ તો નહોતી જ!

"માધવ, તું ત્યાં થોડે ઉપર જઈને ઉભો રહીને આ ભીડમાં નાથનને શોધવાની કોશિશ કર." ચર્ચમાં અમુક પગથિયાં ચડી બનેલાં એક બાલ્કની જેવા ભાગ તરફ આંગળી કરી નગમાએ માધવને કહ્યું.

"આ ઈયરબડ તારા કાનમાં ભરાવી લે." કાનમાં રાખવાનું એક નાનકડું ઈયરબડ માધવને આપીને નગમાએ કહ્યું. "આની મદદથી તું મારી જોડે સંપર્કમાં રહી શકીશ. હું ભીડમાં જાઉં છું, તને જેવો નાથન દેખાય એ સાથે જ મને તું એના સુધી ગાઈડ કરીશ."

"ઓલ ધ બેસ્ટ!" નગમાને આટલું કહી માધવ ચર્ચમાં બનેલા બાલ્કની જેવા ભાગ તરફ આગળ વધ્યો; જ્યારે નગમા ચર્ચમાં હાજર ત્રણેક હજાર લોકોની ભીડમાં પ્રવેશી ગઈ.

આ દરમિયાન તાહીર અને મિર્ઝા પણ ચર્ચમાં આવી ચૂક્યા હતાં, અંદર આવતાવેંત એમને નગમા અને માધવની શોધખોળ આરંભી દીધી.

માધવે પોતાની આંખો વડે એકપછી એક ચર્ચમાં મોજુદ દરેક વ્યક્તિના ચહેરા સ્કેન કરવાનું આરંભી દીધું. માધવ માટે આવા ટેક્નિકલ ઉપકરણોનો ઉપયોગ કરવાનો આ પ્રથમ અનુભવ હતો; આમ કરતા એ અત્યારે ભારે રોમાંચ અનુભવી રહ્યો હતો. બે સેકન્ડમાં તો નોટ મેચ લખીને એને લેન્સમાં દેખાતું, એટલે એ આગળ નવા ચહેરાને સ્કેન કરવામાં લાગી જતો.

આમ ને આમ પંદરેક મિનિટ વીતી ચૂકી હતી પણ હજુ સુધી માધવે પહેરેલા લેન્સમાં નાથનનો ચહેરો સ્કેન નહોતો થયો. પ્રેયર પણ હવે શરૂ થઈ ચૂકી હતી; નગમા પણ પોતાની રીતે નાથનને શોધવમાં લાગેલી હતી.

"નગમા, નાથન મળી ગયો!" અચાનક એક વ્યક્તિના ચહેરાને લેન્સ દ્વારા નાથનના ચહેરા સાથે સ્કેન મેચ કરતા માધવ ખુશીથી બોલી પડ્યો.

"ક્યાં છે?" નગમાએ પોતાના ડાબા કાનમાં લગાવેલા ઈયરબડને વ્યવસ્થિત દબાવીને પૂછ્યું.

"વચ્ચેની બેઠકમાં સેકંડ લાઈનમાં જે માથે ટાલ, ફ્રેન્ચ કટ દાઢી અને ચશ્મા પહેરેલો સૂટબુટમાં સજ્જ વ્યક્તિ છે એ જ નાથન છે. એને પોતાનો લૂક બદલ્યો છે પણ લેન્સમાં એનો ચહેરો આપણા જોડે મોજુદ એના ફોટો સાથે મેચ થઈ જાય છે." માધવે ઉત્સાહિત સ્વરે કહ્યું.

"ઓકે..તું ફટાફટ ગાડી લઈને ચર્ચની પાછળના રોડ પર પહોંચ..હું દસ મિનિટમાં આવું છું." નગમાએ નાથન તરફ આગળ વધતા કહ્યું; નગમાના કહેવાથી માધવ ચર્ચની બહાર કાર પાર્કિંગ તરફ રવાના થયો. મિર્ઝા માધવને ચર્ચની બહાર નીકળતા જોઈ ગયો એટલે વધુ વિચાર્યા વગર, તાહીરને જાણ કર્યા વિના જ એ માધવની પાછળ દોરવાયો.

પોતાને શું કરવાનું હતું એ બાબતે ચોક્કસ નગમા હાથમાં એક ચબરખી રાખીને નાથનની તરફ આગળ વધી. નાથનની પાસેથી પસાર થતી વખતે એને જાણી જોઈને એવો દેખાવ કર્યો કે એનો પગ મરડાઈ ગયો છે. આમ દર્શાવી એ નાથનના પગ નજીક નીચે નમી અને પોતાના હાથમાં રહેલી ચબરખી ખૂબ સિફતથી નાથનને પકડાવી દીધી. નાથન કંઈ સમજે એ પહેલા તો નગમા ત્યાંથી નીકળી ચૂકી હતી.

આખરે પોતાને ચબરખી પકડાવનાર યુવતી કોણ હતી અને એને ચબરખીમાં શું લખ્યું હતું એ જાણવાની ભારે ઉત્સુકતા સાથે નાથને આજુબાજુ બેસેલા લોકોની નજરોથી છુપાવીને એ ચબરખી ખોલી.

"કેમ છો મિસ્ટર નાથન?

હું રૉ ઓફિસર નગમા શેખ છું, હું બલવિંદરના કિસ્સામાં તમને મળવા ઈચ્છું છું.

બલવિંદર થકી અમને જાણવા મળ્યું હતું કે તમે હૈફાના છો અને ભારતીયો પ્રત્યે ખૂબ માન ધરાવો છો. અમારા દેશ પર એક મોટો આતંકી હુમલો થવાનો છે જેને રોકવા અમારે તમારી મદદની આવશ્યકતા છે. જો તમને યોગ્ય લાગે તો તમે ચર્ચની પાછળ આવેલા વડ વૃક્ષ નીચે પાંચ મિનિટમાં આવી જાઓ."

ચબરખીમાં થયેલો બલવિંદરનો ઉલ્લેખ વાંચી નાથનને ભારે આંચકો લાગ્યો. પોતે હૈફાનો વતની છે અને ભારતીયો માટે ભારે સમ્માન ધરાવે છે એ વાતો પોતે ફક્ત બલવિંદરને જ કરી હોવાથી નાથનને એ બાબતે ભરોસો બેઠો કે નગમા રૉ એજન્ટ જ હતી. બીજી મહત્વની વસ્તુ એ હતી કે નગમાએ નાથનને જે ચબરખી આપી એ પીળા રંગની હતી, આ પણ રૉ અને મોસાદ વચ્ચેનો સંપર્ક સાધવાનો ગુપ્ત કોડ હતો..જેને રૉ અને મોસાદના સદસ્યો સિવાય કોઈ જાણતું નહોતું.

નાથને યંત્રવત પોતાની જગ્યાએથી ઊભો થયો અને પોતાની નજર આમ-તેમ દોડાવી ચર્ચની બહાર જવા આગળ વધ્યો. નગમા જ્યારે નાથનને મળીને ચર્ચની પાછળના રસ્તે નીકળતા ગેટ તરફ આગળ વધી રહી હતી ત્યારે તાહીર નગમાને જોઈ ગયો. એને સમય વ્યય કર્યાં વિના તુરંત નગમાનો પીછો પકડ્યો.

ચર્ચની પાછળનો ગેટ વટાવી નાથન ઉતાવળા ડગલે વડ વૃક્ષ તરફ આગળ વધ્યો; સાવચેતી માટે એને પોતાનો હાથ એની ટીશર્ટ નીચે છુપાવેલી રિવોલ્વરની નજીક રાખ્યો હતો.

નાથને દૂરથી જોયું કે જે યુવતી પોતાને ચબરખી આપી ગઈ હતી એ અત્યારે વડવૃક્ષ નીચે મોજુદ હતી. નાથનને પોતાની તરફ આગળ વધતો જોઈ નગમાએ સ્મિતપૂર્વક એનું અભિવાદન કર્યું. નગમા અને નાથન બંને એ વાતથી બેખબર હતાં કે ત્યાં નજીક એક મીની ટ્રકની પાછળ ઊભો રહીને તાહીર એમની ઉપર નજર રાખી રહ્યો હતો.

"હેલ્લો મિસ્ટર નાથન.." નાથન સાથે હસ્તધૂનન કરી નગમાએ કહ્યું. "મારું નામ નગમા શેખ છે અને અમે એક સિક્રેટ મિશન માટે અહીં રાવલપિંડી આવ્યાં છીએ, જે અમને રૉ ચીફ રાજવીર શેખાવત થકી સોંપવામાં આવ્યું છે."

"અને એ મિશનનો સંદર્ભ બલવિંદર જોડે છે?" નાથને નકામી ચર્ચામાં સમય વ્યય કર્યાં વિના નગમાને સીધો સવાલ કર્યો.

"હા." નગમાએ કહ્યું. "ભારતમાં આતંકવાદી હુમલો ક્યાં થવાનો છે એ અંગે બલવિંદર અમને જણાવવાનો હતો પણ એમ થાય એ પહેલા જ દુશ્મનોને એની ઉપર શક ગયો અને એને દુશ્મનોના હાથમાં આવ્યા કરતાં આત્મહત્યા કરવું ઉચિત સમજ્યું."

"બલવિંદરના ઘરે અમને એક તાવીજ મળ્યું જેમાં ત્રિમૂર્તિ ભવનનાં કોરડીનેટ્સ લખેલા હતાં, ત્રિમૂર્તિ ભવનનો સંબંધ હૈફા સાથે અને હૈફાનો સંબંધ તમારી સાથે છે એવું અમે અનુમાન લગાવ્યું..કેમકે શેખાવત સાહેબ જોડે થતી ચર્ચાઓ દરમિયાન બલવિંદર તમારો ઉલ્લેખ ઘણી વખત કરતો હતો."

"તો શું બલવિંદર જોડે તમારી જ્યારે આખરી મુલાકાત થઈ ત્યારે બલવિંદરે તમને કોઈ વસ્તુ સોંપી હતી..?" નગમાએ થોડું અટકીને પૂછ્યું. "કોઈ ડાયરી?"

"હા, બલવિંદરે મને એક ડાયરી આપી હતી અને સાથે એ પણ જણાવ્યું હતું કે જ્યારે કોઈ રૉ એજન્ટ મને મળે ત્યારે મારે આ ડાયરી એને આપી દેવાની રહેશે." નાથને જણાવ્યું. "હું બલવિંદરને જ્યારે છેલ્લી વખત મળ્યો ત્યારે એ ખૂબ જ ચિંતિત લાગી રહ્યો હતો, આટલો ચિંતિત મેં એને અગાઉ ક્યારેય નહોતો જોયો."

"મહેરબાની કરી તમે મને એ ડાયરી આપશો." નગમાએ વિનંતીભર્યા સુરમાં કહ્યું.

"કેમ નહિ, હું તમને એ ડાયરી અવશ્ય આપીશ." નાથન બોલ્યો. "પણ એ ડાયરી અત્યારે મારી પાસે નથી."

"તો ક્યાં છે?"

"મારા રૂમ ઉપર..! તમે મારી સાથે ચલો હું તમને એ ડાયરી આપી દઈશ."

નગમા કંઈ બોલે એ પહેલા તો એમના કાને તાહીરનો ધમકીભર્યો સ્વર સંભળાયો.

"હાથ ઊંચા કરી દો..થોડી ઘણી ચાલકી પણ કરી છે તો હું ટ્રિગર દબાવી દઈશ."

નગમા અને નાથન બંને પોતાની તરફ હાથમાં રિવોલ્વર પકડી આવી રહેલા એક વ્યક્તિ પર પડી, નગમાએ કે નાથને ક્યારેય તાહીરને જોયો નહોતો એટલે એ કોણ છે એ વિચારી એમનું મગજ સુન્ન મારી ગયું હતું.

તાહીર દસેક ડગલાં વધીને એમની તરફ આવ્યો અને ક્રુદ્ધ સ્વરે બોલ્યો.

"કોણ છો તમે? જલ્દી જવાબ આપો નહીં તો.!"

"નહીં તો શું કરી લઈશ.." પોતાના હાથમાં રહેલી રિવોલ્વરનું નાળચુ તાહીરના લમણામાં અડકાવતા તાહીરની પાછળની તરફથી આવેલો માધવ બોલ્યો. "ચૂપચાપ રિવોલ્વર ફેંકી દે,નહીં તો તારી ખોપડીના ચૂરા ઉડાવી દઈશ."

તાહીરે તુરંત પોતાના હાથમાં રહેલી રિવોલ્વરને નીચે જમીન પર ફેંકી દીધી..બીજી જ ક્ષણે નગમા અને નાથને પોતપોતાની રિવોલ્વરને હાથમાં લઈ તાહીરની તરફ આગળ વધવાનું શરૂ કર્યું.

"તું કોણ છે અને અમારો પીછો કેમ કરી રહ્યો છે?"

તાહીર કંઈ જવાબ આપે એ પહેલા તો મિર્ઝા અને અન્ય પાંચ આતંકવાદીઓ નગમા, માધવ અને નાથનને ઘેરીને ઊભાં રહી ગયાં. એ દરેકનાં હાથમાં મોજુદ એ.કે. 47ને પોતાની તરફ તકાયેલી જોઈને નાથન, નગમા અને માધવે કોઈપણ વિરોધ વગર પોતપોતાના હથિયાર મૂકી દીધાં.

પોતાની રિવોલ્વરને જમીન પરથી ઉઠાવી એને જોરથી માધવના કપાળ પર મારતા તાહીર મિર્ઝાની તરફ જોઈ લુચ્ચાઈભર્યું હસતા બોલ્યો.

"શાબાશ મિર્ઝા..શું ટાઈમિંગ છે."

સાત હથિયારધારી લોકોથી ઘેરાઈ ગયેલા માધવ, નગમા અને નાથન સમજી ચૂક્યા હતાં કે એમનું મોત હવે નજીક આવી ગયું છે.!

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)