પ્રકરણ- પાંચમું/૫
‘આદિત્ય કયાંય નથી ગયો.અહીં મુંબઈમાં જ છે એક મહિનાથી.અને ઘરે જ છે.એ સદંતર જુત્ઠું બોલે છે તારી આગળ.’
શ્રુતિએ બદલાયેલા સ્વરમાં જવાબ આપ્યો.
ઈશિતાના, આદિત્ય પરના અડગ અને આસ્તિકતાથી ભરપુર વિશ્વાસથી તદ્દન અસંગત શ્રુતિના નિવેદનથી એક પળ માટે ઈશિતાના ધબકારાને થડકો વાગી ગયો.
માથાં પર હાથ મુકીને બેસતાં ઈશિતાએ પૂછ્યું,
‘આ તું શું બોલે છે, શ્રુતિ ?’ આર યુ શ્યોર ? હું તારા ભાઈ આદિત્યની વાત કરું છું. તને કોઈ મીસઅન્ડરસ્ટેન્ડિંગ તો નથી થતી ને ?
‘ના, સ્હેજે નહીં, હું સભાનપણે, હન્ડ્રેડ પરસન્ટ મારા ભાઈ આદિત્ય પાટીલની જ વાત કરું છું, ઈશિતા.’
શ્રુતિએ જવાબ આપ્યો .
ઈશિતાના દિમાગની ડગળી ત્રણસોને સાઈંઠ ડીગ્રી એ ફરી ગઈ. જ્ઞાન તંતુઓની ગતિ અનિયંત્રિત થઇ. મનોમન બોલી, આદિ તું પણ ?
‘પ્લીઝ, હું... હું.. તને થોડી જ વારમાં કોલ બેક કરું છું શ્રુતિ.’
કોલ કટ કર્યા પછી બન્ને હથેળીઓ આંખો પર દાબીને ઈશિતા થોડીવાર બેડ પર પડતાં મનોમન બોલી, ઓહ.. માય ગોડ.. આ શું થવાં જઈ રહ્યું છે મારી લાઈફમાં ? આદિત્ય જુઠું બોલે ? પહેલાં તો એ વાત જ અયોગ્ય સ્થાને છે. સત્ય છુપાવવા પાછળ જરૂર કોઈ તથ્યસભર ઊંડું રહસ્ય હોવું જ જોઈએ. અને એ સત્ય મારે આદિત્યના મોઢે અને રૂબરૂમાં જ સાંભળવું છે.
કિચનમાં જઈને પાણી પીધાં પછી કોલ લગાવ્યો શ્રુતિને.
‘શ્રુતિ હવે તું મને કહીશ કે, સત્ય શું છે ?
માર્મિક હાસ્ય કરતાં શ્રુતિએ સવાલની સામે સવાલ કરતાં પૂછ્યું,
‘પણ, છેક એક મહિના પછી આજે અચાનક જ કેમ આદિત્ય આટલો યાદ આવ્યો ?
શ્રુતિનો આવો અણધાર્યો સવાલ સાંભળીને ઈશિતાને સ્હેજ અચરજ થયું.
‘ના, એવું નથી શ્રુતિ, છેલ્લાં એક મહિનામાં એક દિવસ એવો નથી ગયો કે, મેસેજ યા કોલથી મેં આદિત્યનો કોન્ટેક્ટ કરવાની કોશિષ ન કરી હોય પણ, કાયમ તે મારી આગળ તેની વ્યસ્તતાનું બહાનું આગળ ધરીને મારી વાતને સિફતથી ટાળી દેતો. મને પણ એમ થયું કે શાયદ એવું બની શકે કે તે ખરેખર બીઝી હોય. પણ આવું સતત ને સતત બનતું ગયું. જે પછી મને થોડું અવાસ્તવિક લાગવાં માંડ્યું એટલે મને એમ થયું કે, ચલ હવે મોડું થાય એ પહેલાં તને પૂછ્યા વગર છુટકો જ નથી. અને આદિત્ય જુત્ઠું બોલે એ વાત તો હું હજુ પણ મારું મન માનવા તૈયાર નથી. પણ હવે જે હોય એ સાચું કહીશ પ્લીઝ શ્રુતિ.’
‘મોડું તો થઇ જ ચુક્યું છે ઈશિતા, પણ વાત એવી છે કે કોલ પર નહીં પણ, તું રૂબરૂ મળે તો જ સમજી શકે એમ છે.’ શ્રુતિ બોલી
‘હમણાં જ, તું બોલ, ક્યાં મળવું છે ? અતિ અધીરતાથી ઈશિતાએ પૂછ્યું,
‘હહમમમ.. હું તને જે એડ્રેસ મોકલું છું ત્યાં તું કલાકમાં પહોંચી જા. પછી ત્યાં મળીને હું તને આગળની વાત કહું.’ શ્રુતિએ
‘જી, ઠીક છે.’ ફોન મુક્યા પછી ઈશિતા સતત ઈશ્વરનું રટણ કરતી રહી. મનમાં એક અજીબ જ ભયનો ઉચાટ હતો. મગજમાં અનેક જાતના મત-મતાંતરના મનનની મનોવ્યથાનું મનોમંથન ચાલતું હતું ત્યાં જ શ્રુતિનો મેસેજ આવ્યો
ઈશિતા ઝડપથી તૈયાર થઈને રવાના થઇ સ્ટેશન તરફ.
શ્રુતિએ મેસેજમાં જણાવ્યા મુજબના એડ્રેસ પર પહોચતાં સુધીમાં તો ઈશિતાના દિલ અને દિમાગ વચ્ચે વિચારોનું ધમાસાણ યુદ્ધ ચાલતું રહ્યું.
એડ્રેસ પરના મોલના ફોર્થ ફ્લોર પર આવેલાં એક કોફી શોપની બહારના લોન્જમાં ના એક ટેબલ પરની બેઠક પર બંને ગોઠવાયા.
‘કેટલાં સમય પછી આપણે મળ્યા ઈશિતા ?’ શ્રુતિએ પૂછ્યું
‘આઈ થીન્ક કે.. છેલ્લે, ચાર મહિના પહેલાં કોલેજમાં મળેલાં, એમ આઈ રાઈટ ? ઈશિતાએ જવાબ આપ્યો.
‘યસ, પરફેક્ટ યાદ છે હો, તને.’ શ્રુતિ બોલી.
‘મારાં સર્લકમાં ફ્રેન્ડસની સંખ્યા સિંગલ ડીજીટમાં જ છે. કારણ કે, ઘર અને મારા ખુદના માટે મારી પાસે સમય જ નથી રહેતો, અને આમ પણ મારા માટે આદિત્ય એક જ કાફી છે. હવે પહેલાં મને કહે કે સત્ય હકીકત શું છે ?”
ઈશિતાએ પૂછ્યું,
થોડીવાર સુધી શ્રુતિ, ઈશિતાની સામે જોઈ જ રહી.
‘શું જુએ છે શ્રુતિ, શું વિચારે છે ?’ ઈશિતાએ પૂછ્યું
‘હું એમ વિચારું છું કે, ક્યાંથી શરુ કરું, કોની વાત કરું તારી કે આદિની ? શ્રુતિ બોલી.
‘શ્રુતિ, અત્યારે આદિ ક્યાં છે ?
‘ઘરે જ છે.’ શ્રુતિએ કહ્યું.
શ્રુતિ એ તેની સાથે લાવેલી પેપર હેન્ડબેગ માંથી એક આઠ થી દસ પેઇજના પેપરનું બંચ ટેબલ પર મુક્યું. પહેલી નજરે જોતાં કોઈ દસ્તાવેજી પેપર લાગતાં કુતુહલવશ ઈશિતાએ પૂછ્યું,
‘આ શેના પેપર છે ?
‘આ......વીલ છે. વસિયતનામું.’ શ્રુતિ બોલી
‘પણ કોનું ? અચરજ સાથે ઈશિતાએ પૂછ્યું
‘આદિત્યનું.’ ચેરનો ટેકો લેતાં શ્રુતિએ જવાબ આપ્યો
અચંબા સાથે આંખો પોહળી કરતાં ઈશિતાએ પૂછ્યું,
‘વ્હોટ, આદિત્યનું વસિયતનામું ? બટ વ્હાય ? આ ઉંમર છે આદિત્યની વીલ કરવાની ? અને કોના માટે ?
‘વધારે નથી, બસ કંઇક બાર-પંદર કરોડની મિલકત હશે.’ શ્રુતિ બોલી,
‘પણ કોના માટે ?’ હવે ઈશિતાની આતુરતા તેની ચરમસીમા પર આવી ગઈ એ રીતે પૂછ્યું.
બે-પાંચ સેકન્ડ ચુપ રહીને ઈશિતાની સામે જોઈને શ્રુતિએ જવાબ આપ્યો.
‘વન એન્ડ ઓન્લી ઈશિતા દીક્ષિતના નામ પર.’
શ્રુતિના અત્યંત અસંભવિત અને નાટકીય લાગતાં નિવેદનથી ઈશિતા અચંબા સાથેના ઉદ્દગાર કરતાં બોલી,
‘આ તું શું બોલે છે શ્રુતિ ?આદિત્ય શા માટે વીલ કરે, અને એ પણ મારા નામ પર ?
ડોક્યુમેન્ટ હાથમાં લઈને જેમ જેમ પાનાં ફેરવતી ગઈ તેમ તેમ ઈશિતાના ધબકારા વધતાં ગયા.
‘શ્રુતિ, નાઉ પ્લીઝ ડોન્ટ ક્રીએટ મોર ક્લાઈમેક્સ. આ સાંકેતિક શબ્દપ્રમાણની ભાષામાં મને કંઈ જ નથી સમજાઈ રહ્યું.’
અધીરાઈથી અકળાઈને ઈશિતાએ પૂછ્યું.
‘તો હવે શાંતિથી, સાંભળ શું બન્યું છે એ.’
એક મહિના પહેલાં...
‘આશરે એકાદ મહિના પહેલાં શ્રુતિ તેની એક ઈમ્પોર્ટન્ટ બૂક શોધી રહી હતી. ખુબ શોધખોળના અંતે ન મળતાં તેને એમ થયું કદાચને આદિત્યના રૂમમાં ભૂલી ગઈ હોય એવું બને. એટલે તેના રૂમમાં જઈને સર્ચ કરતાં બૂક તો ન મળી પણ, આદિત્યની બૂકસેલ્ફના ડ્રોઅરમાંથી શ્રુતિને ડોક્યુમેન્ટ હાથ લાગ્યા. એ જોઇને શ્રુતિને અચરજ સાથે વિસ્મયએ વાતનું થયું કે વસિયતનામુ ? બે થી પાંચ મિનીટમાં તો એકીસાથે કંઇક અજીબોગરીબ વિચિત્ર વિચારો બિલાડીના ટોપની માફક શ્રુતિના મગજમાં વિસ્ફારિત થવાં લાગ્યા.
શ્રુતિ ડ્રોઈંગરૂમમાં જઈને આદિત્યને તેના રૂમમાં લઈને આવી અને તેની સામે વસિયતનામાનો રીતસર ઘા કરતાં પૂછ્યું.
‘વ્હોટ ઈઝ ધીઝ આદિ ?
શ્રુતિના ક્રોધાવેશ ભરેલા ગંભીર સ્વરૂપ અને સવાલના પ્રત્યુતરમાં આદિત્ય હસવાં લાગ્યો. એક અકળ અજાયબી ભરી અસમંજસના અનુભાવકતાની અનુભૂતિ સાથે ઉભાં થયેલાં ઉકાળામણને અંકુશમાં લેતાં ફરી શ્રુતિએ પૂછ્યું,
‘આદિ, આ આટલો મોટો બીગ ઈશ્યુ તને મજાક લાગે છે ? પ્રોપર્ટીની રકમ અથવા કોણ નામે કરી તેનાથી મને કંઈ જ ફરક નથી પડતો, પણ.. મને એ જાણવું છે, કે શા માટે ?’
‘અરે..અહીં આવ. મારી બાજુમાં બેસ. હું તને સમજાવું.’
આદિત્ય બોલ્યો.
‘શું જાણવું છે તને બોલ ? શ્રુતિના ખંભા પર હાથ મુકતા આદિત્યએ પૂછ્યું.
‘બધું જ.’ શ્રુતિ આદિત્યની સામે જોઇને બોલી.
‘જો શ્રુતિ.....
આટલું બોલીને શ્રુતિ ચુપ થઇ ગઈ... એટલે ઈશિતાએ પૂછ્યું શું થયું શ્રુતિ ?
શું જવાબ આપ્યો આદિત્યએ ?
‘એક મહિના પહેલાં મહિના આદિત્યને લીવર સાઈરોસિસ ડીટકટ થયું છે, સેકન્ડ સ્ટેજ પર છે. અને તને આ સમાચારની સ્હેજે ભનક ન પડે તેથી તારી જોડે આદિત્ય છેલ્લાં એક મહિનાથી આ નાટકનું ત્રાટક કરી રહ્યો છે.’
આટલું બોલતા તો શ્રુતિનું રુદન નિરંકુશ થઇ જતાં રૂમાલથી તેણે તેનું મોં દાબી દીધું.
અને ઈશિતાને જાણે તેની વિચારશક્તિ પર કોઈ ક્રૂર કુઠારાઘાત થયો હોય એવો આઘાતનો આંચકો લાગ્યો કે બે ઘડીમાં તો આંખો સામે અંધારા સાથે ચક્કર આવી ગયા. ઈશિતાને લાગ્યું કે, તે તેના શરીરનું સંતુલન ગુમાવી બેસશે એટલે તેણે તેનું માથું ટેબલ પર ઢાળી દીધું ત્યાં તેની આંખો પણ મીંચાઈ ગઈ.
પાંચ થી સાત મિનીટ સુધી એમ ને એમ પડી રહી. શ્રુતિએ ઢંઢોળીને ઉઠાડી. ત્યારે આસું છલકાતાં તરત જ બંને હથેળીમાં તેનો ચહેરો મુકીને બસ રડવાં લાગી.
ત્યારબાદ શ્રુતિએ પોતાની જાતને સંભાળતા ઈશિતા પાણી પીવડાવીને માંડ શાંત પાડી.
રડતાં રડતાં ઈશિતાએ પૂછ્યું,
‘તારી અને આદિત્ય વચ્ચેની અધુરી વાત પૂરી કર.’
‘એ પછી હસતાં હસતાં તેણે તેની જિંદગીને મોતના કિનારે લઇ ગયેલી બીમારીની વાત કરી, મારી હાલત તો તારા કરતાં પણ ખરાબ હતી. ખુબ મહેનત કરીને મને આદિએ સંભાળી. એ પછી મેં મમ્મી પપ્પાને વાત કરી. આદિની આ કાળજું ચીરી નાખે એવી ખબરથી તો ઘરમાં જાણે આંસુંનો સૈલાબ આવ્યો હોય એવો માહોલ હતો.
‘પણ ઈશિતા જે વાત માટે મેં તને અહીં બોલાવી છે એ વાત તો આનાથી પણ બહુ મોટી અને મહત્વની છે.’ સવ્સ્થ થતાં શ્રુતિ બોલી.
‘કઈ વાત શ્રુતિ ?
‘આ વસિયતનામા પરથી કંઈ સમજાય છે ? શ્રુતિએ પૂછ્યું.
થોડીવાર વિચાર્યા પછી ઈશિતા બોલી,
‘ના, હું એ જ વિચારુ છું કે, આ વસિયતનામું.. અને એ પણ મારાં નામે કેમ ?
મનોમન એક રંજ સાથેશ્રુતિ બોલી.
‘ઈશિતા,એ આદિત્ય કે જેણે ખ્યાલ છે કે તેના ભવસાગરના ભાગ્યમાં તેની જીવનનૈયા મધદરિયે ડૂબવાની અણી પર છે, છતાં ન તો તેને પોતાનો કે પરિવારનો વિચાર આવ્યો. તેણે સૌ પ્રથમ ચિંતા કરી ઈશિતાની. તે વ્યક્તિ એ પણ ભૂલી ગયો કે આ ફાની દુનિયા છોડીને જતાં રહેવાના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે એ વાત સાંભળીને તેની જનેતા પર શું વીતશે ? પણ ના, તેણે ફક્ત અને ફક્ત તારો જ વિચાર કર્યો ઈશિતા.
બીકોઝ કે..... આદિત્ય લોટ્સ ઓફ લવ યુ. આદિત્ય તને એટલો પ્રેમ કરે છે કે તેનું દુનિયાની કોઈપણ ભાષામાં વર્ણન કરવું શક્ય નથી.’ અને...’
આટલું બોલતા શ્રુતિ એટલી ભાવુક અને ગળગળી થઇ કે આગળના શબ્દો થીજી ગયા.
ઈશિતા એક પૂતળાની માફક સ્થિર થઈને ચોંટી ગઈ. દ્રષ્ટિ અને દિમાગ અને પણ સ્થગિત થઇ ગયા. થોડીવાર તો તેને એમ થયું કે..તકદીરને તેનો ખેલ ખેલવા હું એક જ મળી ? એક બાજુ ઈશ્વરે એક એવું આભાસી પ્રેમનું પ્રતિબિંબ મારે સામે રજુ કર્યું કે જે સાત સમંદર પાર જઈને મારી તસ્વીર પર થૂંકવા પણ રાજી નથી, છતાં તેને મારા દેવ માનીને પરમેશ્વર પહેલાં તેને પૂજતી રહી અને, બીજી બાજુ એક આદિત્ય છે કે જે મારા શ્વાસ પણ ગણતો રહ્યો. મારા પડછાયાને પણ ધૂપથી બચાવવા જાતને બાળતો રહ્યો અને તેનો અણસાર સુદ્ધાં મને ન આવવાં દીધો, કેમ ? હવે ન જોઈએ એ ઈશ્વર મને. હું ક્યાં કાચી પડી ઈશ્વરના શ્રદ્ધાની પરીક્ષામાં ? એક નિસ્વાર્થ પ્રેમ સિવાય માગ્યું પણ શું ઈશ્વર પાસે ? હવે હું જોઉં છું કે, કેમ કોઈ વાળ વાંકો કરે છે આદિત્યનો. એક ઝાટકે બધા જ અપ્રત્યક્ષ પીડાના પ્રહારની પીડાને અવગણીને મનોબળ મજબુત કરતાં બોલી,
‘ચલ, શ્રુતિ હમણાં જ મળવું છે આદિને.’
‘પણ ઈશિતા...’
શ્રુતિની વાત કાપતાં ઈશિતા બોલી.
‘પ્લીઝ.... શ્રુતિ હવે કોઈ પણ કે બણ નહીં જોઈએ મને, ચલ.’
આટલી વારમાં ઈશિતાને આટલી મક્કમ અને સ્ટ્રોંગ થતાં જોઇને શ્રુતિને પણ થોડી હિંમત આવી ગઈ.
બન્ને નીકળ્યા શ્રુતિની કારમાં તેના ઘર તરફ.
આદિત્યના પરિચયમાં આવ્યા ત્યારથી લઈને છેલ્લી મુલાકાત સુધીના એક એક દ્રશ્ય ઈશિતાની નજર સામે ફરવાં લાગ્યા.
બંગલામાં એન્ટર થતાં શ્રુતિએ મમ્મીને ઇશારાથી પૂછતાં, મમ્મીએ કહ્યું કે, આદિત્ય તેના રૂમમાં જ છે.
ઈશિતા એકલી તેના હાથમાં વસિયતનામું લઈ, આદિત્યના રૂમ પાસે જઈને ડોર પર નોક કરતાં અંદરથી આદિત્ય બોલ્યો.. ‘યસ.’
ઈશિતાને રૂમમાં દાખલ થતાં જોઇને બેડ પર ટેકો લઈને આડો પડેલો આદિત્યનો ચહેરો શરમનો માર્યો ઝાંખો પડી ગયો. સ્હેજ થોથવાતા બોલ્યો..
‘અરે.. ઈશિતા આવ આવ.. હું હમણાં તને જ કરવાનો હતો.. બસ જો આજે જ આવ્યો મુંબઈ. આવ બેસ,’
‘અરે..આદિ, મને બીજું કંઈ કામ નથી. બસ આ એક ડોક્યુમેન્ટના ટ્રાન્સલેશનમાં મને જરા સમજણ નથી પડતી એટલે તારી એડવાઈઝ લેવાં આવી છું બસ.’
આદિત્યની સામું જોઇને ઈશિતા બોલી,
‘બસ, અરે.. એમાં શું લાવ તો જોઉં એવું તે શું છે કે તને સમજણ નથી પડતી ?
વસિયતનામું હાથમાં લેતા આદિત્ય બોલ્યો.
વસિયતનામું જોતાં વેત જ આદિત્યના ચહેરાનો રંગ ઉડી ગયો. બોલતી બંધ થઇ ગઈ. અને નજરો નીચી ઢળી ગઈ.
‘અરે... એમાં એક જ નાનકડી જ મિસ્ટેક છે, આદિ. આપ મને જો હું તને બતાવું.’
એમ કહીને વસિયતનામું તેના હાથમાં લઈ, ફાડીને ટુકડે ટુકડા કરતાં આદિત્યની સામું જોઇને બોલી,
‘આદિત્ય, ઈશિતાના પ્રેમની કિંમત પંદર કરોડ, ખુબ જ મામુલી છે. છતાં ચાલશે પણ
મને જ જોઈએ છે, એ જ તું તેમાં મેન્શન કરતાં ભૂલી ગયો છે.’
‘શું ? આટલું પૂછતાં પણ આદિત્યને ઘણો શ્રમ પડ્યો.
‘આદિત્ય. આદિત્ય નથી આમાં આદિ. બધું એકલા એકલા જ કરવું છે ? પ્રેમ પણ એકલા અને પુણ્ય પણ એકલા જ કમાવવું છે ? હવે કંયાક તો મને તારી ભાગીદાર બનવા દે આદિ.’
આટલું બોલતા તો ઈશિતા આદિત્યને ભેટીને ચોધાર આંસુએ રડવા લાગી, અને પહેલી વાર આદિત્યના આંસુંનો મજબુત બાંધ પણ તૂટી ગયો.
–વધુ આવતાં અંકે
© વિજય રાવલ
'મૃત્યુનું મધ્યાંતર ' શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.
Vijayraval1011@yahoo.com
9825364484