Operation Chakravyuh - 1 - 20 in Gujarati Thriller by Jatin.R.patel books and stories PDF | ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 20

Featured Books
  • Whisper of Love

    In the quaint town of Solstice Hollow, where every sunrise p...

  • Rain Flower - 19

    Rain Flower Kotra Siva Rama Krishna “I also read that and ca...

  • Who hunts Who? - 5

    Next day-Ding-dong...*Door opens-*"Welcome! I thought You wi...

  • Melody of Memories

    On a quiet autumn morning, a women named Sofia found her her...

  • Flu and Heart

                                                         Flu and...

Categories
Share

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 20

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1

ભાગ:-20

રૉ હેડક્વાર્ટર, દિલ્હી

અર્જુન સાથે વેણુની થયેલી વાતચીત પછી તો આઈટી ઓફિસમાં ભારે હલચલ થઈ ગઈ. શેખાવત પણ વેણુ દ્વારા અર્જુને જણાવેલી માહિતી વિશે સાંભળી રૉ હેડક્વાર્ટરની નજીક આવેલા પોતાના ઘરેથી ઓફિસ આવી પહોંચ્યા હતાં.

"વેણુ, શું માહિતી મળી છે?" શેખાવતે આવતાવેંત જ વેણુને સવાલ કર્યો.

"સર, આપણે જે આર.એસ એન્ટરપ્રાઈઝનું એકાઉન્ટ દુબઈ કોમર્શિયલ બેંકમાં ખોલાવ્યું હતું એમાં કલાક પહેલા પંચોત્તેર લાખ દિરહામ ટ્રાન્સફર થયાં છે." વેણુએ જવાબ આપતા કહ્યું. "જે એકાઉન્ટમાંથી આ રકમ ટ્રાન્સફર થઈ છે એ એકાઉન્ટ હોંગકોંગની હેંગ સેંગ બેંકનું છે."

"ગુડ, તો હવે આગળ."

"સર, અમે આ એકાઉન્ટને ઍક્સેસ કરવાની કોશિશ કરી રહ્યાં છે પણ બેંકની તકનીકી પ્રણાલી વધુ જટીલ હોવાથી એકાઉન્ટ ડિટેઈલ ખોલવામાં મોડું થઈ રહ્યું છે. પણ આશા છે કે વહેલી તકે થઈ જશે."

"વેણુ, આપણી જોડે વધુ સમય નથી. માટે, આમ સમય બગાડવો આપણને પોષાય એમ નથી." શેખાવતે જમણા હાથની મુઠ્ઠી બનાવી અને કપાળની મધ્યમાં ત્રણ-ચાર વખત મારીને કહ્યું. "આ એકાઉન્ટને ઝડપથી ઍક્સેસ કરવું હોય તો શું કરવું પડે?"

"એકાઉન્ટનો પાસવર્ડ મળવો જોઈએ..બાકી તો કોડિંગ વડે હેંગ સેંગ બેંકની સુરક્ષા પ્રણાલી ભેદીને એકાઉન્ટ ડિટેઈલ મેળવવામાં એકાદ-બે દિવસ તો લાગી જ શકે છે."

"જેમ બને એમ જલ્દી કરો.." બીજો કોઈ ઉપાય ના સૂઝતા શેખાવત આટલું કહી આઈટી રૂમમાં પડેલી એક ખુરશી પર બેસીને આગળ શું કરવું એ વિચારવા લાગ્યા.

પોતે મોકલેલી બંને ટીમ પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહી હતી પણ પોતે એમને આપેલી લીડનો ઉપયોગ કરી કોઈ નક્કર માહિતી મેળવી નહોતા શક્યા એનો ખેદ શેખાવતના ચહેરા પર સાફ દેખાતો હતો.

લગભગ અઢી કલાક સુધી શેખાવત આઈટી રૂમમાં બેસીને વેણુ અને એની ટીમની ભરચક કોશિશોને નિહાળી રહ્યાં, ઘણી કોશિશો પછી પણ લીનું બેન્ક એકાઉન્ટ ઓપન ના થતાં કંટાળીને શેખાવત ઘર તરફ જવા માટે ઊભા થયાં.

"વેણુ, હું ઘરે જાઉં છું." વેણુને ઉદ્દેશીને શેખાવતે કહ્યું. "કંઈ મહત્વની જાણકારી મળે તો ગમે ત્યારે મને કોલ કરી શકે છે."

"ઓકે સર, આમ પણ રાતનો એક થવા આવ્યો." પોતાની ઘડિયાળ તરફ જોતા વેણુ બોલ્યો.

વેણુની ઘડિયાળ તરફ નજર પડતા જ શેખાવતને કંઈક ઝબકારો થયો હોય એમ એમની આંખોમાં ચમક આવી ગઈ.

"વેણુ, તે મને ફોન ઉપર જણાવ્યું હતું કે અર્જુન આપણી આપેલી ખાસ વીડિયો રેકોર્ડર વોચ પહેરીને લીની ઓફિસે ગયો હતો."

શેખાવત શું કહેવા માંગતા હતાં એ વાત વેણુ તત્ક્ષણ સમજી ગયો..એ તુરંત પોતાની ડેસ્ક તરફ ગયો અને અર્જુને જે સેટેલાઇટ ફોનની મદદથી એનો સંપર્ક સાધ્યો હતો એના સિગ્નલ ટ્રેસ કરીને અર્જુનને કોલ લગાવ્યો.

"હેલ્લો, કોણ?" કોલ રિસીવ કરતા જ અર્જુનનો અવાજ વેણુના અને શેખાવતના કાને પડ્યો.

"ગુરુ દ્રોણ.!" શેખાવતે સપાટ સ્વરે કહ્યું.

"બોલો સર..હું ગાંડીવધારી વાત કરું." ઑપરેશન ચક્રવ્યૂહ માટે આપેલ કોડનેમનો ઉપયોગ કરી શેખાવત અને અર્જુને પોતપોતાની ઓળખ આપી.

"ઓફિસર, તમે આજે જે વોચ પહેરીને લીની ઓફિસ ગયા હતા એ ક્યાં છે?"

"મારા બેગમાં.?"

"જલ્દીથી એની અંદર રહેલું માઈક્રો મેમરી કાર્ડ તમને આપવામાં આવેલી ખાસ ડિસ્કમાં મૂકી લેપટોપનાં ડીવીડી ડ્રાઇવમાં મૂકો."

અર્જુન ફટાફટ રાજવીર શેખાવતના કહ્યાં મુજબ કામ કરવામાં લાગી ગયો..અઢી-ત્રણ મિનિટમાં તો એને વીડિયો રેકોર્ડર વોચની અંદર મોજુદ એક નાનકડું કાર્ડ નીકાળી એ કાર્ડને એક નાનકડી કાળા રંગની ડિસ્કની મધ્યમાં મૂકી, ડિસ્ક લેપટોપના ડીવીડી ડ્રાઈવમાં રાખી દીધી.

"સર હવે..?" ડિસ્ક ગોઠવી દીધા બાદ અર્જુને શેખાવતને ઉદ્દેશી સવાલ કર્યો.

"હવે લેપટોપને હોટલ વાઈફાઈ જોડે કનેક્ટ કરી, વેણુ જેમ કહે એમ પ્રોસેસ કરો."

"ઓફિસર, વેણુ હીયર!"

"હા બોલો."

"જો વાઈફાઈ કનેક્ટ થઈ ગયું હોય તો તમે ગૂગલ બ્રાઉઝર ખોલો અને એમાં હું કહું એ રીતે ડિજિટ નાંખો."

"હા, જણાવો."

આ સાથે જ વેણુએ પંદર આંકડાનો, ત્રણ ત્રણ આંકડાઓમાં વહેંચાયેલો અને ડોટ વડે અલગ પડતો એક નંબર અર્જુનને લેપટોપના ગૂગલ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં ટાઈપ કરવા કહ્યું.

અર્જુનના આમ કરતા જ એના લેપટોપની સ્ક્રીન રૉની આઈટી ઓફિસમાં લગાવેલી એક વિશાળ એલ.ઈ.ડી પર દ્રશ્યમાન થઈ.

આમ થતાં જ વેણુની આંગળીઓ ફટાફટ કીબોર્ડ પર ચાલવા લાગી. અડધી મિનિટ બાદ એને કીબોર્ડ શેખાવત તરફ ધકેલતા કહ્યું.

"સર, આ કાર્ડ તમે નાંખેલા કોડથી સિક્યોર છે..મહેરબાની કરીને તમે કોડ નાંખો જેથી હું કાર્ડ ઍક્સેસ કરી શકું."

શેખાવતે હકારમાં ગરદન હલાવી છ અંકનો એક પાસવર્ડ ટાઈપ કર્યો..શેખાવતના આમ કરતાં જ આઈટી રૂમમાં લગાવેલી વિશાળ સ્ક્રીન પર કોડ એસેપ્ટેડ! લખેલું આવ્યું અને સ્ક્રીન પર એક ફોલ્ડર નજરે ચડ્યું.

વેણુએ એ ફોલ્ડર ખોલ્યું તો એમાં ટોટલ પાંચ વીડિયો કલીપ હતી..જેમાં ચાર વીડિયો કલીપ એકજેક્ટ ત્રીસ મિનિટની અને છેલ્લી વિડીયોક્લિપ અગિયાર મિનિટની હતી. અર્જુને જે વીડિયો રેકોર્ડિંગ કરી શકતી ઘડિયાળ આપવામાં આવી હતી એમાં ત્રીસ મિનિટનું રેકોર્ડિંગ થતાં વીડિયો આપમેળે કટ થઈ જતો અને નવો વીડિયો બનવા લાગતો.

"અર્જુન, તું અને નાયક લીની ઓફિસમાં આવેલ આઈટી ડીપાર્ટમેન્ટમાં છેલ્લે ગયા હતાં?" શેખાવતે સેટેલાઇટ ફોનથી કનેક્ટેડ અર્જુનને પૂછ્યું.

"હા, સર..અમે લગભગ દોઢ કલાક જેટલો સમય યાંગ લીની પર્સનલ કેબિનમાં હતાં અને પછી પૈસા ટ્રાન્સફર કરવા એની આઈટી ઓફિસમાં ગયાં હતાં."

"વેણુ ચોથો વીડિયો ચલાવ..!" અર્જુનની વાત સાંભળી શેખાવતે આદેશાત્મક સુરમાં વેણુને કહ્યું.

વેણુએ તુરંત ચાર નંબરનો વીડિયો પ્લે કર્યો. આ વીડિયોની શરૂઆતમાં અર્જુન, નાયક અને યાંગ લી એની પર્સનલ કેબિનમાં બેસી વાઈન પીવાની મજા લઈ રહ્યાં હતાં. શેખાવતના કહેવાથી વેણુએ વીડિયો થોડો આગળ ચલાવ્યો. અડધા જેવો વીડિયો પ્લે થઈ ગયાં પછી અર્જુન, નાયક અને લી ચેમ્બરમાંથી બહાર નીકળ્યા એટલે શેખાવતે ત્યાંથી વીડિયો ચાલુ રાખવા વેણુને કહ્યું.

નાયક, અર્જુન અને લીનું ચેમ્બરમાંથી નીચે આવેલી આઈટી ઓફિસમાં આવવું, ત્યાં આવીને કંઈક ચર્ચા કરવી, નાયકનું એક કોમ્પ્યુટર સામે ઢળી પડવું અને છેલ્લે લીનું વીંગના કોમ્પ્યુટર પર બેસવું આ બધું જ વીડિયોમાં તબક્કાવાર આવી રહ્યું હતું.

અર્જુનના લેપટોપમાં પણ એ જ વીડિયો ચાલી રહ્યો હતો, જેવો લી પાસવર્ડ નાંખવા પોતાનો હાથ કીબોર્ડ પર લઈ ગયો એ સાથે જ અર્જુન બોલ્યો.

"બસ હવે..!"

અર્જુનના શબ્દો કાને પડતા જ વેણુએ કીબોર્ડ પર આંગળીઓ ચલાવી વિડીયોને સુપર સ્લો કરી દીધો.

રાજવીર શેખાવત અને વેણુ બંને યાંગ લી દ્વારા કોમ્પ્યુટરના કીબોર્ડ પર ટાઈપ થતાં પાસવર્ડ પર ધ્યાન રાખીને બેઠાં હતાં.

"સેવન..ઝેડ..ફાઈવ..સીક્સ..બી.." લીએ આઠ આંકડાના પાસવર્ડમાં જેવા જ પાંચ ડિજિટ નાંખ્યા ત્યાં તો ચોથો વીડિયો પૂરો થઈ ગયો.

વેણુએ આમ થતાં પાંચમો વીડિયો પ્લે કરી દીધો.

"ફાઈવ..પી.."

"આ તો સાત જ આંકડા થયાં જ્યારે પાસવર્ડ તો આઠ આંકડાનો છે." આશ્ચર્ય સાથે શેખાવતે કહ્યું.

"હા, ટોટલ આઠ આંકડા જ હતાં." સેટેલાઇટ ફોન થકી હજુપણ સંપર્કમાં જોડાયેલો અર્જુન બોલ્યો.

"આઈ થીંક, બીજો વીડિયો ચાલુ થતાં સિસ્ટમ જે માઈક્રો સેકંડનો સમય લે એમાં લી દ્વારા નંખાયેલા છઠ્ઠા આંકડાનું દ્રશ્ય કેપ્ચર થવાનું રહી ગયું. આ એક નાનકડી એરર છે, જે ભવિષ્યમાં સુધરી જશે." વેણુ સ્થિતિનો તાગ મેળવતા બોલ્યો.

"તો હવે.?" શેખાવતે પ્રશ્નસૂચક નજરે વેણુ તરફ જોતા કહ્યું.

"કંઈ નહીં.. છઠ્ઠા સ્થાને વારાફરતી બધાં જ આલ્ફાબેટ અને બધાં ન્યુમેરિક ટ્રાય કરીશું..પાંચ મિનિટ વધુ, બીજું તો શું?" વેણુએ બેફિકરાઈથી જવાબ આપ્યો.

"ઓકે..ડુ ઈટ ક્વીક." શેખાવતે કહ્યું.

"અર્જુન, હવે તમે સંપર્ક વિચ્છેદ કરી શકો છો અને બધી વસ્તુઓને એના સ્થાને મૂકી પણ શકો છો." શેખાવતે સેટેલાઇટ ફોન પકડીને પોતાના હોટલ રૂમમાં બેસેલા અર્જુનને કહ્યું. "બાય ધ વે, ગ્રેટ વર્ક."

"થેન્ક્સ સર, જયહિંદ!"

"જય હિંદ."

આ સાથે જ અર્જુને અને રો ઓફિસ વચ્ચેનો સંપર્ક વિચ્છેદ થઈ ગયો. અર્જુનનો કોલ કટ થતાં જ શેખાવત ધ્યાનથી વેણુ અને એની ટીમની કામગીરી જોવામાં લાગી ગયો.

વીસેક મિનિટમાં તો વારાફરતી બધાં નંબર અને ત્યારબાદ બધાં આલ્ફાબેટ નાંખતી વેણુની ટીમની તલાશ આલ્ફાબેટ એસ પર પૂર્ણ થઈ, અને આ સાથે જ યાંગ લીની ફિશિંગ ફર્મનું હેંગ સેંગ બેન્ક હોંગકોંગ ખાતેનું એકાઉન્ટ ખૂલી ગયું. હવે એ લોકો ઈચ્છે તો ત્રણસો સિત્તેર કરોડ યુઆનની માતબર રકમ ધરાવતું આ એકાઉન્ટ અબઘડી તળિયાઝાટક કરવા સમર્થ હતાં.

"સર, હવે આગળ શું કરવાનું છે?" વેણુએ એકાઉન્ટ એકસેસ થતાં જ શેખાવતને સવાલ કર્યો. "એકાઉન્ટની બધી રકમ ઉપાડી લઈએ?"

"ના, એવું કરવાનો સમય હજુ નથી આવ્યો." શેખાવતે કંઈક વિચારીને કહ્યું. "એ કામ ત્યારે કરીશું જ્યારે આપણા એજન્ટ સહીસલામત ચીનની સરહદમાંથી બહાર આવી જાય. અત્યારે તો ખાલી એટલું ચેક કરો કે આ એકાઉન્ટમાંથી કોઈ ભારતીય એકાઉન્ટમાં કોઈ રકમ ટ્રાન્સફર થઈ છે કે નહીં, ખાસ ગુજરાતનાં કોઈ એકાઉન્ટ પર."

શેખાવતના ઓર્ડર ફોલો કરતા વેણુ અને એની ટીમનાં સદસ્યો યાંગ લીનાં બેન્ક એકાઉન્ટના દરેક ટ્રાન્સફરની વિગતો ચકાસવામાં લાગી ગયાં.

"સર..!" દસેક મિનિટ બાદ વેણુની નીચે કામ કરતો એક યુવક વેણુને ઉદ્દેશીને બોલ્યો.

"યસ, કાર્તિક."

"સર, આ એકાઉન્ટમાં ચેન્નાઈની રંગનાથ ફિશિંગ સર્વિસીઝ દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં નવ વાર પાંચ લાખથી લઈને પંદર લાખ સુધીની એમાઉન્ટ ટ્રાન્સફર થઈ છે."

"રંગનાથ ફિશિંગ સર્વિસીઝની ડિટેઈલ બતાવો." વેણુની જોડે ઊભેલા શેખાવતે કાર્તિક નામક યુવકને કહ્યું.

"રંગનાથ ફિશિંગ સર્વિસીઝ." રંગનાથ ફિશિંગ સર્વિસીઝની ઓફિશિયલ વેબસાઈટ ખોલીને શેખાવત અને વેણુને બતાવતા કાર્તિકે જણાવ્યું. "ઈ. સ 1953માં બનેલી આ ફિશિંગ કંપની માછલીઓની આયાત-નિકાસ કરતી ચેન્નાઈની ટોપ પાંચ કંપનીઓમાં સામેલ છે. એમની પ્રોફાઈલ એકદમ ક્લિયર છે."

રંગનાથ ફિશિંગ સર્વિસીઝની વેબસાઈટને ધ્યાનથી નિહાળ્યા બાદ શેખાવતે કહ્યું. "આ ટ્રાન્સફર ધંધાકીય છે, આમ પણ આપણે એવું બેન્ક એકાઉન્ટ શોધીએ છીએ જેમાં પૈસા આવ્યા હોય, નહીં કે એવું જેમાંથી ગયાં હોય."

"યંગ મેન, એવું એકાઉન્ટ શોધો જેમાં કોઈ રકમ આવી હોય." કાર્તિકને ખભે હાથ મૂકી શેખાવતે કહ્યું.

કાર્તિક પોતાના કામમાં લાગી ગયો એટલે વેણુ અને શેખાવત અન્ય સદસ્યોની કામગીરી નિહાળવામાં લાગી ગયાં.

"સર, મળી ગયું.!" એક ત્રીસેક વર્ષની યુવતીએ ઉત્સાહિત સ્વરે વેણુને અવાજ આપ્યો. વેણુ અને શેખાવત ફટાફટ એના જોડે જઈ પહોંચ્યા.

"બોલો મિસ મેથ્યુ?"

"સર, આ એકાઉન્ટમાં બે મહિના અગાઉ સિત્તેર લાખ રૂપિયા ટ્રાન્સફર થયાં છે; અને આ કોઈ કંપનીનું એકાઉન્ટ નહીં પણ એક અંગત બેન્ક એકાઉન્ટ છે."

"આ બેન્ક એકાઉન્ટ ક્યાં આવેલું છે?"

"આ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું બેન્ક એકાઉન્ટ છે." મેથ્યુએ જવાબ આપતા કહ્યું. "અને આ આવેલું છે જુહાપુરા, અમદાવાદમાં."

"જુહાપુરા..મીની પાકિસ્તાન ઓફ ગુજરાત." સ્વગત બબડતા શેખાવતે વેણુની તરફ જોઈને કહ્યું.

"વેણુ, મને આ એકાઉન્ટની બધી ડિટેઈલ મેઈલ કરાવી દેજો, હું કાલે સવારે અમદાવાદ જવા નીકળું છું."

વેણુ એક પણ નવો હરફ ઉચ્ચારે એ પહેલા તો રાજવીર શેખાવત આઈટી રૂમના દરવાજા તરફ આગળ વધી ચૂક્યા હતાં.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)