Mavthu in Gujarati Love Stories by Herat Virendra Udavat books and stories PDF | માવઠું

Featured Books
Categories
Share

માવઠું

"માવઠું"
(નિ:શબ્દ લાગણીઓ)




"સાંજના ૫:૩૦ નો સમય,
સિંધુ ભવન રોડ,
"ફલાશીલ" કેફેની બહાર પડી રહેલો એ ઝરમર ઝરમર વરસાદ,
અને કેફેના ટેબલ પર હાથ મૂકી વિચારોમાં મશગૂલ શ્રેણી.
અચાનક વીજળીનો એક જોરદાર કડાકો થયો,
અવાજ એટલો તીવ્ર હતો કે કેફેમાં બેઠેલા તમામ વ્યકિત થોડા ચમકી ગયા, અને તમામના ચહેરા પર ડર અને ડરના લીધે અનુભવાયેલો હળવો ક્ષોભ પથરાયો.
શ્રેણીના કાનમાં પણ આ અવાજ અથડાયો પણ તેના મનમાં ચાલતા વિચારોના અવાજની સામે આ અવાજની 'ઈન્ટેન્સિટી' ઓછી પડી.

"ઑરેન્જ કલરના સિલ્કના દોરામાંથી ગૂંથાયેલો ડ્રેસ અને તેના પર મોરપીંછ રંગનો એ દુપટ્ટો શ્રેણીના વ્યકિતત્વની ભવ્યતાની શાખ પૂરતો હતો.

" એક્સટ્રીમ્લી સોરી, શ્રેણી..
મને ખ્યાલ છે કે એક પિડિયાટ્રીશ્યન નો સમય કેટલો કિંમતી હોય. પણ આ ભર શિયાળે થયેલા માવઠાના લીધે આવવામાં થોડું મોડું થઈ ગયું"
એક ૨૬ વર્ષનો છોકરો વરસાદના છાંટાથી ભીંજાયેલા પોતાના ચશ્માના ગ્લાસને પોતાના રૂમાલથી લૂંછતા બોલ્યો.

"અરે, કંઈ વાંધો નથી સંદર્ભ,
કંઈ કામ આવી ગયું હતું કે શું? "
શ્રેણીએ કહ્યું.

"એક ઈમરજન્સી ઓ.ટી. લેવાનું થઈ ગયું હતું"
ડૉ. સંદર્ભે જવાબ આપ્યો.

ડૉ. સંદર્ભ અને ડૉ. શ્રેણીની આ બીજી જ મુલાકાત હતી.

અરેન્જ મેરેજમાં પ્રેમના દોરા પરોવવાના પ્રયાસ સંદર્ભ તરફથી ચાલી રહ્યા હતા. પણ શ્રેણી ના મનમાં કંઈક ડંખતું હતું.
એવું પણ ન હતું કે સંદર્ભ તેને ગમતો ન હતો, પણ કંઈક તેનામાં ખૂટતું હોય તેવું હંમેશા તેને લાગતું.
પણ એ ખોટ શું હતી તેની સમજ તેને પણ ન હતી.

"તો મેરેજ માટે તે શું વિચાર્યુ છે?
આ તો મારી મમ્મી એ પૂછવાનું કીધું હતું એટલે પૂછ્યું..! "
કિવીનો જ્યૂસ પીતા પીતા સંદર્ભ બોલ્યો.

શ્રેણી ખાલી તેની સામે જોઈ રહી.

જ્યૂસનો ઘૂંટ ગળાની નીચે ઉતારીને સંદર્ભ બોલ્યો,
"દેખ શ્રેણી તું મને ગમે છે.
હું ગોળ ગોળ વાત નહીં કરું,
હું તારી જોડે લગ્ન કરવા તૈયાર છું, જો તને વાંધો ના હોય તો હું મમ્મી જોડે વાત કરી લઉં આજે? "

"દેખ સંદર્ભ, તુ સારો છે. પણ મારે વિચારવા માટે હજી થોડો સમય જોઈએ છે..! "
શ્રેણી એ ટૂંકમાં જવાબ આપ્યો.

"એક દમ બરાબર.
ટેક યોર ટાઈમ..! "
હસતા હસતા સંદર્ભે જવાબ આપ્યો.

આ જવાબ સાંભળી શ્રેણીના મનના વિચારો પણ થોડા શાંત થયા અને બહાર પડતા વરસાદના છાંટા પણ ઓછા થયા.

"તો હું નીકળું સંદર્ભ?
મારે મારા વૉર્ડનો રાઉન્ડ લેવાનો સમય થઈ ગયો છે. "
શ્રેણી એ પોતાના હાથમાં પહેરેલી વૉચ તરફ ઈશારો કરતા કહ્યું.

"હું તને ડ્રોપ કરી દઉં છું"
સંદર્ભે કહ્યું.

હોસ્પિટલ પહોંચીને શ્રેણી વૉર્ડની તરફ રાઉન્ડ લેવા જઈ રહી હતી ત્યાં અચાનક જ તેના વૉટ્સઍપ માં એક મેસેજ બ્લિન્ક થયો.

"કેવી રહી મીટીંગ?
છોકરો ગમ્યો કે નહિ?
મેસેજ હતો શ્રેણી ના બેસ્ટ ફ્રેન્ડ અને કો રેસિડેન્ટ ડૉક્ટર દેવમનો.

" હા...
એમ તો બધું સારું રહ્યું.
તારી મિટિંગ કેવી રહી? "
શ્રેણી એ દેવમને પૂછયું.

"હા, છોકરી તો સારી હતી.
પણ હજી મારી તરફથી ૧૦૦ ટકા નક્કી નથી..! "
દેવમે શ્રેણીને રિપ્લાય કર્યો.

"કેમ?
હવે આ છોકરીમાં શું વાંધો પડ્યો..? "
શ્રેણી એ ફરીથી મેસેજ કર્યો.

"વાંધો કંઈ નથી, પણ...! "
દેવમે અધૂરો મેસેજ કર્યો.

"પણ...?
કંઈક ખૂટતું હોય એવું લાગ્યું..? "
શ્રેણી એ જાણે દેવમના મનની વાત પકડી.

"ઈજ તો...!
શું ખૂટે ઈ જ સમજાતું નથી.
રાઉન્ડ પતે પછી મળજે..! "
દેવમે રિપ્લાય કર્યો.

પેડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના ફાઈનલ યરમાં ભણતા હતા દેવમ અને શ્રેણી.
રેસિડન્સી ના ફર્સ્ટ યરથી જ એક જ યુનિટમાં કામ કરતા. રેસિડન્સીની દુનિયાના સારા ખરાબ દિવસો એક સાથે જ જોયેલા.
જોડે કામ કરવાના લીધે એક બીજા માટે મેચ્યોરિટી અને કમ્ફર્ટ ઝોનનું લેવલ એટલી હદે હતું કે, આંખોના ઈશારાથી જ સામે વાળું વ્યક્તિ શું કહેવા માંગે તે સમજાઈ જતું.
સ્વભાવ આમ સરખા પણ અમુક વાતોમાં એકબીજાથી વિપરીત હતા.

દેવમ હંમેશા પોતાના શબ્દોને એક્સપ્રેસ કરવામાં પાવરધો હતો,
શબ્દો પરની પકડ એ હદે મજબૂત હતી કે તે કોઈને પણ ઈમ્પ્રેસ કરી શક્તો. હંમેશા વેલ ડ્રેસ, બધાને મદદ કરવામાં પહેલો, અને કોઈને અજાણતા પણ તેના લીધે દુઃખ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખતો.
એક પિડિયાટ્રીશ્યન તરીકેની પર્સનાલિટીનો રેફરન્સ તરીકે દેવમને રાખી શકાય.
'મોરના ઈંડા ચીતરવા ના પડે.. '
બાળરોગોના નિષ્ણાત હોવાનો પોતાના પિતાનો વારસો દેવમે બરાબર જાળવ્યો હતો.

સામે છેડે શ્રેણી એક દિવસ ઓછા બોલી.
પણ ઈમોશનલી એટલી જ સ્ટ્રોંગ હતી.
ક્યારેય પોતાનું દુ:ખ કોઈને કહે જ નહીં.
ક્યારેય ખોટી સિમ્પથી ભેગી કરવાનો પ્રયાસ સુધ્ધાં નહીં. સારી પિડિયાટ્રીશ્યન અને પોતાના સિવાય બીજાના કામમાં પંચાત કરવાવાળા સ્વભાવનો અભાવ તેનામાં હતો.

જોડે કામ કરવાના લીધે બંને એકબીજાના ક્લોઝ ફ્રેન્ડ્સ બની ગયા હતા.
નાઈટ ડ્યુટી પણ એકસાથે જ આવતી.
ડૉક્ટર રૂમમાં જમતા પણ હંમેશા જોડે જ.


એક દિવસ રાત્રે,
વૉર્ડમાં બંને બેઠા બેઠા પેશન્ટના બીજા દિવસે જે ઈન્જેક્શન આપવાના હોય તેના ઑર્ડર કેસમાં લખી રહ્યા હતા.
૨:૩૦ વાગ્યાનો સમય..

વાતોમાં થી વાતો નીકળતી જ જતી હતી, ત્યાં અચાનક દેવમે પૂછયું,
"તને આમ કેવો છોકરો ગમે?
કોઈ ક્રાયટેરીયા ખરા..? "

"હમમમમમમમ..
એવું કંઈ ખાસ નથી પણ એક વસ્તુ નક્કી છે કે હું આ હોસ્પિટલના આપણા કો રેસિડેન્ટમાંથી કોઈ જોડે મેરેજ નહીં જ કરૂં...!! "
શ્રેણી એ ઑર્ડર લખતા લખતા કહ્યું..

૧ વર્ષમાં દેવમને શ્રેણી માટે પ્રેમ ક્યારે થઈ ગયો તેનો ખ્યાલ તેને પણ ના આવ્યો.
એક નિસાસા સાથે તે શ્રેણી ને જોઈ રહ્યો હતો
અચાનક તેનું ધ્યાન ભંગ કરતો એક અવાજ આવ્યો,
"સાબ, વો બુખાર માપને કા મશીન દો ના...! "
એક માતા પોતાના એડમિટેડ બચ્ચાંનો ફિવર મનાવવા માટે આવી હતી.

શ્રેણી ની વાત સાંભળી દેવમને જાણે કે તાવ ચડી ગયો તો.
એ મધરને થર્મોમીટર આપી દેવમે શ્રેણી ને પૂછયું,
"આ તો ખાલી, અમસ્તુ જ પૂછું છું પણ આમ કો રેસિડેન્ટમાંથી ના કરવાનું કારણ? "

"વાત થોડીક જૂની છે,
મારી એક બેસ્ટ ફ્રેન્ડ ને એમ.બી.બી.એસ.માં એક એનો જ કલીગ ગમી ગયો હતો,
પણ પાછળથી એ છોકરો સારો ના નીકળ્યો.
એના જોડે આખા સાડા ૫ વર્ષ મારી ફ્રેન્ડ એ કેટલી મુશ્કેલીઓમાં વિતાવ્યા છે એ મને જ ખબર છે.
કો રેસિડેન્ટ જોડે જો સારું ના જામ્યું તો પછી મેડિકલ ફિલ્ડમાં એ જ ચહેરા સાથે કામ કરવું અશક્ય બની જાય છે..! "
પોતાની વાત રજૂ કરતા શ્રેણી એ કહ્યું..

એ વાતને અને એ રાતને આજે દોઢ વર્ષ થઈ ચૂક્યું હતું.
દેવમના મનમાં શ્રેણી માટે લાગણીઓ ઘર કરી ગઈ હતી.
જેટલી પણ છોકરીઓ જોવા જતો બધામાં કંઈક ખૂટતું હોય એવો જ તેને ભાસ થતો.

આ બધું વિચારતા વિચારતા દેવમ કૉલેજના એન્ટરન્સ પાસે શ્રેણી ની રાહ જોઈ બેઠો હતો.

"તો કેવો રહ્યો આજનો એક્સપિરિયન્સ? "
રાઉન્ડ પતાવીને આવેલી શ્રેણી એ વિચારમાં ડૂબેલા દેવમને જોઈને કહ્યું.

"હમમમમમમમ,
સારી હતી એમ તો.
જોયે હવે,
એમ તો હા પાડી દઈશ એવું લાગે છે..! "
દેવમે વિચારોમાંથી બહાર આવતા કહ્યું.

"ઓહો,
ફાઈનલી તને કોઈક તો ગમી.!! "
શ્રેણી એ ખુશી વ્યક્ત કરતા કહ્યું..

"અને તું?
તે શું નક્કી કર્યુ? "
દેવમે પૂછયું.


"સંદર્ભે મેરેજ માટે પ્રપોઝ કર્યું છે,
વિચારું છું કે હા પાડી દઉં..! "
શ્રેણી એ દેવમની આંખો માં જોઈને કહ્યું..

દેવમને શ્રેણી ની આંખો માં એક અજંપો દેખાયો,
એ કંઈ એ પૂછે એ પહેલાં તો શ્રેણી એ વાત બદલતા કહ્યું,

"ચલ જઈશું.
હવે ઘણું મોડું થવા આવ્યું છે..! "
આટલું બોલીને શ્રેણી નીકળી ગઈ.

દેવમ ક્યાંય સુધી તેને જતા જોઈ રહ્યો.

થોડાક કલાકો પછી,
શ્રેણી ના વૉટ્સઍપ માં ફરી એક મેસેજ બ્લિન્ક થયો.

"તું જાગે છે..? "
શ્રેણી એ જોયું તો મેસેજ દેવમનો હતો.

"હા...! "
શ્રેણી એ ટૂંકમાં મેસેજ કર્યો.

"ખોટું ના લાગે તો એક વાત પૂછવી હતી..! "
દેવમે કહ્યું.

"ગોળ ગોળ વાતો નહીં કર, જલદી બોલ શું છે..? "
શ્રેણી એ કહ્યું.

"જો ઓલી કો રેસિડેન્ટ જોડે રિલેશન ના રાખવાની વાત એડજસ્ટ થઈ શકે તો મારા ધ્યાનમાં એક છોકરો છે..!! "
દેવમે કહ્યું..

"છોકરો તો કે પહેલા,
એના આધારે કન્ડિશન ચેન્જ થઈ પણ શકે..! "
શ્રેણી એ રિપ્લાય કર્યો..

"પહેલા દિવસે જ્યારે એ છોકરાએ તને જોઈતી ત્યારથી જ તું એને ઘણી ગમી ગઈ હતી.
આટલા વર્ષોમાં કદી તમારા બંનેનો નાની સરખી વાત માટે પણ ઝઘડો નથી થયો. તને બને ત્યાં સુધી કોઈ તકલીફ ના જ પડે અને જો પડે તો એનો રસ્તો પણ જલદી નીકળી જાય તેનું ખાસ ધ્યાન તેણે રાખ્યું જ છે. જમવાનું એનો ફર્સ્ટ લવ છે, પણ એને બીજા નંબર પર કરીને પહેલું સ્થાન એ વ્યક્તિ એ તને આપ્યું છે. દેવમ નામના મારામાં રહેલા કો રેસિડેન્ટે તને I LOVE YOU કહ્યું છે..!!
તો તારો શું વિચાર છે.? "
દેવમે મેસેજ કર્યો.

શ્રેણી એ મેસેજ વાંચી લીધો હતો.
સાક્ષ્ય સ્વરૂપ બ્લયુ ટીક પણ થઈ ગયું હતું..
મેસેજ રીડ થયાના ૫ મિનિટ પછી પણ શ્રેણી નો રિપ્લાય ના આવ્યો.
દેવમને હવે ટેન્શન થવા લાગ્યું.
એકીટશે તે ફોનને જોઈ રહ્યો હતો.

એક્ઝેક્ટ ૬ મિનીટ પછી શ્રેણી નો કૉલ આવ્યો,
૨ મિનિટ સુધી ફોનમાં બંને છેડે શાંતિ પથરાયેલી રહી,
પછી શ્રેણી બોલી,

"આ વાત કહેવા કેમ આટલી બધી વાર કરી તે દેવમ..? "

"તે કૉલેજ માં કોઈ જોડે રિલેશન ના રાખવાની શરત રાખી હતી એટલે હિંમત જ ના થઈ.. "
દેવમે જવાબ આપ્યો.

"આટલા દિવસથી જેટલા પણ છોકરા જોયા બધાને હું તારી સાથે જ કમ્પેર કરતી હતી.
બધા સારા હતા પણ કોઈ તારા જેવુ તો ન હતું જ..
એ જ મને ખટકતું હતું..! "
શ્રેણી એક શ્વાસ માં બોલી ગઈ.

"ઈ જ તો..
તો હવે..?
એનો મતલબ તારી હા જ ને..? "
દેવમે હસતા હસતા કહ્યું.

"હા, યુ ફટ્ટુ,
એનો મતલબ..
I LOVE YOU TOO...!! "

અને બંને ખુશીથી છલકાઈ પડ્યા.
અને આટલા વર્ષોથી સબકૉન્સ્યિસ માઈન્ડ માં ડટાયેલું લાગણીઓનું પૂર એવું આવ્યું કે તેમના પેરેન્ટ્સે પણ આ રિલેશન ને એક જ અઠવાડિયામાં ખુશીથી સ્વીકારી લીધો..

વાત ફક્ત એટલી જ છે કે,
"એક વાર તમારા દિલની ફ્રિકવન્સી જેની જોડે મેચ થઈ જાય તેની સાથેના રિલેશનમાં જીવનભર ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા પર પૂર્ણ વિરામ મૂકાઇ જ જાય છેે..!! "


ડૉ. હેરત ઉદાવત.