SAFLTANU SARNAMU - 2 in Gujarati Motivational Stories by sachin patel books and stories PDF | સફળતાનું સરનામું - 2

Featured Books
Categories
Share

સફળતાનું સરનામું - 2

વ્યક્તિના લક્ષ્ય પ્રત્યેનું સમર્પણ તેને સફળતા ચોક્કસ અપાવે છે.

આજે આપણે એવા તેજસ્વી યુવાનની વાત કરવાના છીએ કે, જેમણે યુ.પી.એસ.સી.માં પોતાના નામનો 'વિજયી ડંકો' વગાડયો છે.

ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓની જ્યારે આપણે વાત કરીયે ત્યારે યુ.પી.એસ.સી.નું(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) નામ ટોચ પર આવતું હોય છે. આ પરિક્ષાની વાત કરીયે તો ૨૦૧૯માં અંદાજે ૧૦ લાખ વિધ્યાર્થીઓએ અરજી કરી હતી અને તેમાથી માત્ર ૮૨૯ વિધ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યનાં બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં જન્મેલા ૨૫ વર્ષીય સફિન હસને માત્ર ૨૨ વર્ષની ઉમરે યુ.પી.એસ.સી. ૫૭૦માં રેંક સાથે પાસ કરતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયનાં ‘આઈ.પી.એસ.’ અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

પિતા મુસ્તફાભાઈ અને માતા નસીબબેનના પુત્ર સફિન હસને પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કાણોદરની જ સરકારી શાળામાં પૂર્ણ કર્યું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિજ્ઞાન પ્રવાહમાં પૂર્ણ કર્યા બાદ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે સુરત ગયા.

જ્યારે સફિન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે, કલેકટરના આગમનથી શાળાના શિક્ષકો દ્વારા કલેકટરને જે આદર આપવામાં આવ્યો એ જોઈને સફિનને પ્રશ્ન થયો કે, ‘આ કોણ છે?’ ત્યારે સફિને તેના માસીને પૂછ્યું કે, ‘આ કોણ છે?’ ત્યારે માસીએ સફિનને નાના બાળકની જેમ સમજાવતા કહ્યું કે, ‘બેટા! આખા જિલ્લાનો રાજા.’ ત્યારે તરત જ સફિને પૂછ્યું કે, ‘કોણ બની સકે?’ ત્યારે માસીએ જવાબ આપતા કહ્યું કે, ‘કોઈ પણ બની સકે!’ તેના માટે એક પરીક્ષા પાસ કરવાની હોય. આ બધુ સાંભળીને સફિને પણ નક્કી કર્યું કે, ‘હું પણ બનીશ!’

સામાન્ય પરિવારમાં જન્મેલા સફિન માટે તેનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે માતા-પિતાએ તેના પાછળ પોતાની જિંદગી ઘસી નાખી. ઘરની નાણાકીય પરિસ્થિતી નબળી હોવાના કારણે માતા-પિતા બન્નેએ હીરા ઘસવાની નોકરી શરૂ કરી, સમયજતાં પિતાએ હીરા ઘસવાનું કામ છોડી વાયરમેનનું કામ પસંદ કર્યું. હીરા ઉધ્યોગમાં મંદી આવવાના કારણે માતાએ પણ તે કામ છોડી રોટલીઓ વણવાનું કામ પસંદ કર્યું. ગામમાં લગ્ન – પ્રસંગ કે નાનો – મોટો પ્રસંગ હોય ત્યારે તેઓ રોટલીઓ વણવાનો ઓર્ડર લેતા. નાણાકીય પરિસ્થિતી નબળી હોવાને કારણે પોતાનું નવું ઘર બનાવવા માટે તેમણે લોન લીધી હતી. પોતાનું નવું ઘર તો ગમે તે રીતે બની ગયું પરંતુ ઘર માટે લીધેલી લોન ચૂકવવામાં મુશ્કેલી પડી રહી હતી. નાણાકીય પરિસ્થિતી નબળી હોવાના કારણે, ઉનાળામાં કેરીનો રસ પીવો હોય તો પણ એક કેરીમાથી રસ કાઢીને ઘરનાં ચારે સભ્યો પીતાં. આ બધી પરિસ્થિતી જોઈને સફિનનું મન ભણતર પ્રત્યે ખુબ જ મજબૂત હતું.

યુ.પી.એસ.સી.ની તૈયારી કરવા માટે દિલ્લી જવાનું થયું ત્યારે, સફિનને તેમના ગામમાંથી જ એક પરિવાર તરફથી સહયોગ મળી ગયો. દિલ્લીમાં ભણવાનો, રહેવાનો અને ખાવા-પીવાનો તમામ ખર્ચ તેમના ગામનાં હુસેનભાઇ પોલરા અને ઝરીનાબેન પોલરા તરફથી મળ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન સફિને કહ્યું કે, તેમની સાથે મારે લોહીના સબંધ નથી પરંતુ માનવતાનો જે સબંધ છે તેને એકપણ સબંધની જરૂર નથી.

યુ.પી.એસ.સી.ની મુખ્ય પરીક્ષાની સાથે સાથે સફિનની બીજી પણ પરીક્ષા લેવામાં આવી, જ્યારે મુખ્ય પરીક્ષા આપવાની હતી એ જ દિવસે પરીક્ષાના બરાબર અડધો કલાક પહેલા સફિનનું સ્કૂટી સ્લીપ થઈ જતાં, સફિન નીચે પડ્યો અને જોયું તો તેના પગમાં અને માથામાં ગંભીર ઇજા થઈ હતી, ત્યારબાદ તરત જ સફિને જોયું કે તેણો જમણો હાથ તો સહિસલામત છે, તરત જ તેને બીજું કઈ પણ વિચાર્યા વગર પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેમની જગ્યાએ આપડા જેવા કોઈ વિધ્યાર્થી હોઈએ તો તરત જ નક્કી કરી લઈએ કે, હવે! આવતા વર્ષે, ઉપરવાળાની ઈચ્છા નઇ હોય. જ્યારે સફિને આવી પરિસ્થિતિમાં પણ પરીક્ષા આપવાનું નક્કી કર્યું, જે બીજા વિધ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ છે. જ્યારે સફિને યુ.પી.એસ.સી.ની તૈયારી કરવા માટે દિલ્લીમાં પોતાનો પગ મુક્યો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે, પહેલા પ્રયત્નને જ છેલ્લો પ્રયત્ન બનાવવો છે.

સફિને યુ.પી.એસ.સી. ઇન્ટરવ્યૂનાં અનુભવ વિષે વાત કરતાં કહ્યું કે, ઇન્ટરવ્યૂ એક પર્સનાલિટી ટેસ્ટ હોય છે અને આ પર્સનાલિટી એક કે બે માહિનાનાં વાંચનથી નથી બનતી, પરંતુ જ્યારથી તમે આ પોસ્ટ માટે તૈયારી શરૂ કરો ત્યારથી જ ઇન્ટરવ્યૂ અને તેની ટ્રેનીંગની તૈયારી પણ ચાલુ થઈ જતી હોય છે. તેમણે કહ્યું કે, યુ.પી.એસ.સી. ઇન્ટરવ્યૂમાં તમારા જ્ઞાનની ચકાસણી નથી કરવામાં આવતી પરંતુ તમારી ચતુરાઇ અને પર્સનાલિટીની ચકાસણી કરવામાં આવતી હોય છે. સફિને યુ.પી.એસ.સી.નાં ઇન્ટરવ્યૂમાં સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

સફિને તેની માતા પાસેથી પ્રામાણિકતા સીખી કે, જ્યારે કોઈનો એક રૂપિયો પણ ઉછીનો લીધો હોય, ત્યારે ઘરમાં કઈ પણ નઇ લાવાનું જ્યાં સુધી એ ઉછીનાં પૈસા ચૂકવાઈ ના જાય. પિતા પાસેથી કામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ શીખવા મળ્યો. પિતા હમેશા કહેતા કે, જો તમે પૂરી ઈમાનદારીથી કામ કરો તો, તમારું પણ કામ કદી અટકતું નથી.

શબ્દોત્સવ :

ભગવાન કે ભરોશે મત બેઠીયે, ક્યાં પતા ભગવાન હમારે ભરોસે બેઠા હો. (માંઝી – ધ માઉન્ટેન મેન ફિલ્મનો સંવાદ)