ઓગણપચાસ
“કોલેજ મેં ઐસી બાતે યુ કાન્ટ ડુ લાઈક ધીસ. તુમ્હે પતા તો હૈ ફિર ક્યૂં ઐસે ફૂલીશ સવાલ કરતે હો?” નિર્મલ પાંડેની સામે બેસેલા જયરાજે જરા ગુસ્સામાં કહ્યું.
“યે બાત તો આપને સહી કહી સર.” નિર્મલ જયરાજ સાથે સહમત થયો.
“સો ટેલ મી વ્હોટ હેપન્ડ, વ્હાય યુ વોન્ટેડ ટુ મીટ મી ટુડે ઈટસેલ્ફ?” જયરાજને નિર્મલે તેને જે વાત કરવા માટે બોલાવ્યો હતો તે જાણવાની ઉત્કંઠા હતી.
“સર પહેલે થોડા ચાય-વાય મંગાઓ, ઇતની ભી ક્યા જલ્દી હૈ?” ટેબલ પર પડેલી ચમચી રમાડતા એક ખંધુ હાસ્ય કરતા નિર્મલ બોલ્યો.
“ડોન્ટ ટોક ફૂલીશ. અગર તુમ્હારે પાસ મેરે લાયક કોઈ ખબર નહીં હૈ તો મૈ ચલતા હું.” આટલું કહીને જયરાજ પોતાની ખુરશીમાંથી સ્હેજ ઉભો થયો.
“અરે રુકીએ, રુકીએ સર... આપ તો ખફા હો ગયે?” નિર્મલે જયરાજનો હાથ પકડી લીધો અને તેને બેસવા કહ્યું.
“દેખીએ સર, ચાય ઔર સિગરેટ હમારી મજબૂરી હૈ. ઇધર રેસ્ટોરન્ટ મેં સિગરેટ તો પી નહીં સકતે, કમસે કમ ચાય તો પી સકતે હૈ ના? ઔર વૈસે ભઈ રેસ્ટોરન્ટ મેં આયે ઔર બગૈર કુછ ખાયે પીયે ચલે જાયેંગે તો અગલી બાર ઇધર આના મુશ્કિલ હો જાયેગા. ચલીયે મૈ હી મંગવા લેતા હું.” નિર્મલનું ખંધુ હાસ્ય હજી પણ એના ચહેરા પર ટકી રહ્યું હતું.
નિર્મલે વેઈટરને બોલાવ્યો અને પોતાના માટે ચ્હા ઓર્ડર કરી.
“નાવ ટેલ મી, સો આઈ કેન ગો એન્ડ યુ કેન હેવ યોર ટી પીસફૂલી.” જયરાજથી કદાચ હવે રાહ જોઈ શકાય એમ ન હતી.
“લગતા હૈ સર અબ આપકો હમેં સબ બતાના હી પડેગા! કલ લૈલા અપને ઘાયલ મજનુ કો ઘર છોડને ગઈ થી!” નિર્મલે આંખ મારતાં કહ્યું.
“વો તો સન્ડે કો ભી ગઈ થી. વ્હોટ્સ ન્યૂ અબાઉટ ધીસ?” જયરાજને નિર્મલે આપેલી માહિતી ગમી નહી.
“અરે! સર સન્ડે કો તો કેબ મેં ગયે થે દોનો. આજ તો મજનુ લૈલા કે હોન્ડા કે પીછે બૈઠ કર ગયા ઔર વો ભી ઉસે ચીપક કર.” જયરાજને વધુ ઉશ્કેરવા માટે નિર્મલે વરુણ સુંદરીને પાછળથી ચોંટીને પોતાને ઘરે ગયો હોવાની ખોટી માહિતી આપી.
“હમમ... ઓકે. બટ વ્હાય શી હેઝ ટુ ગો વિથ હિમ?” જયરાજને ખ્યાલ ન આવ્યો કે સુંદરી કેમ બીજી વખત વરુણ સાથે એને ઘરે ગઈ? એ મનોમન ધૂંધવાઈ રહ્યો હતો.
“મૈને કહા ના સર. દોનો લૈલા મજનુ હૈ. અબ લૈલા મજનુ તો સાથ મેં હી જાયેંગે ના?” નિર્મલ દાઢમાં બોલ્યો.
“નો નો, આઈ ડોન્ટ થીંક સો. બટ વી મસ્ટ બી કેરફૂલ. યુ કીપ યોર આયઝ ઓન સુંદરી. વરુન ઈઝ નોટ માય પ્રોબ્લેમ.” જયરાજે નિર્મલને કહ્યું.
“સર, વરુન મેરા તો પ્રોબ્લેમ હૈ ઉસ મેં કોઈ શક નહીં. આપકે લીયે ભી અભી પ્રોબ્લેમ નહી હૈ, પર બાદ મેં હો સકતા હૈ.” નિર્મલે જયરાજને ચેતવણી આપતાં કહ્યું.
“વી વિલ સી ધેન. તબ તક તુમ સુંદરી પર નઝર રખો બસ.” જયરાજે ઉડતો જવાબ આપ્યો.
“સર એક બાત બતાઈયે, આપકો સુંદરી મૈડમ મેં કયા ઇન્ટરેસ્ટ હૈ?” નિર્મલ ફરીથી ખંધુ હસ્યો.
“નન ઓફ યોર બિઝનેસ.” આટલું કહીને જયરાજ ગુસ્સા સાથે ઉભો થયો અને પોતાના પગ પછાડતો રેસ્ટોરન્ટની બહાર જતો રહ્યો.
નિર્મલ મૂંછમાં હસતાં હસતાં જયરાજને જતાં જોઈ રહ્યો અને ત્યાંજ વેઈટર તેની ચ્હા લઈને આવ્યો અને તેણે ચ્હા પીવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.
==::==
“મળ્યા શ્યામભાઈ?” વરુણે સુંદરીને આવતાંની સાથેજ પૂછ્યું.
સુંદરી જેલમાં શ્યામને મળીને બહાર પાછી આવી ગઈ હતી. સુંદરીના હાથમાં એક થેલો હતો જેમાં ખાલી ટીફીન હતું અને બીજો થેલો સાવ ખાલી હતો કારણકે તેમાં રહેલા કપડાં સુંદરી શ્યામને આપી આવી હતી. સુંદરીએ વરુણને અગાઉથી કહી રાખ્યું હતું એટલે એને દૂરથી આવતાં જોઈ તો પણ વરુણ એની રાહ જોઇને રિક્ષા પાસે જ ઉભો રહ્યો. જેવી સુંદરી તેની પાસે આવી એટલે વરુણે તરતજ એના હાથમાંથી બંને થેલાઓ લઇ લીધાં.
“હા બસ મળી લીધું. ભાઈને શાંત જોઇને મને શાંતિ થઇ ગઈ છે. કિશન અંકલની ઓળખાણ હતી એટલે ભાઈએ જમી લીધું ત્યાં સુધી મને બેસવા દીધી. અમે ખૂબ વાતો કરી.” સુંદરીનો ચહેરો ચમકી રહ્યો હતો.
“વાઉ! ધેટ્સ ગ્રેટ.” વરુણ પણ સુંદરીના ચહેરા પર દેખાતા સંતોષથી ખુશ થયો.
“તો જઈએ?” સુંદરીએ એનું ખાસ સ્મિત કર્યું.
વરુણ ના પાડે એનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થવાનો ન હતો એટલે એણે હકારમાં પોતાનું ડોકું હલાવ્યું અને ફરીથી પોતાનો હાથ લાંબો કરીને સુંદરીને રિક્ષામાં બેસવાનું કહ્યું. સુંદરી રિક્ષામાં બેસી અને વરુણ તેનાથી યોગ્ય અંતર રાખીને બેઠો.
“ચાલો કાકા!” રિક્ષામાં બેસતાંની સાથેજ વરુણે રિક્ષાવાળા કાંતિભાઈને કહ્યું.
રિક્ષા ઉપડી અને સાબરમતી જેલ રોડથી આર.ટી.ઓ તરફ જતા રસ્તા પર દોડવા લાગી.
“મને એક વિચાર આવે છે.” અચાનક જ વરુણે સુંદરીની સામે જોયું.
“બોલોને?” સુંદરીએ પોતાની આંખો મોટી કરીને વરુણને જવાબ આપ્યો.
“અહીં આર.ટી.ઓ સર્કલ પર જેલના ભજીયાં સરસ મળે છે. આપણે બંનેએ સવારથી કશું ખાધું નથી. તો થોડાં ભજીયાં થઇ જાય?” વરુણે સુંદરીને આઈડિયા આપ્યો.
“હા ભૂખ તો મનેય ખૂબ લાગી છે. પણ એક આઈડિયા હું પણ આપું તો?” સુંદરી વરુણના આઈડિયા સાથે સહમત તો થઇ પરંતુ તેની પાસે પણ કશું કહેવા માટે હતું.
“શ્યોર બોલોને?” વરુણને તો અમસ્તીય ના પાડવાની ન હતી કારણકે આઈડિયા સુંદરી તરફથી આવી રહ્યો હતો.
“જો કાંતિભાઈને વાંધો ન હોય તો આપણે ભજીયાં રિક્ષામાં બેસીને જ ખાઈએ તો? આપણો સમય બચશે. મારે ઘરે જઈને પપ્પાને જમાડવાના બાકી છે અને એમાં જરા પણ વાર થઇ તો...” સુંદરીનું સ્મિત છેલ્લી વાત કરતી વખતે થોડું મુરઝાઈ ગયું.
“કેમ નહીં. કાંતિકાકા તમને વાંધો નથીને જો અમે બેસીને જ ભજીયાં ખાઈએતો?” વરુણે કાંતિભાઈ રિક્ષાવાળાની મંજૂરી માંગી.
“ના ના બેન. મને કોઈ વાંધો નથી.” કાંતિભાઈએ પાછળ જોયા વગર જ મંજૂરી આપી દીધી.
ત્યાંજ આર.ટી.ઓ સર્કલને અડીને આવેલા જેલના ભજીયાંનું કેન્દ્ર આવી ગયું. વરુણ નીચે ઉતર્યો અને એની પાછળ સુંદરી પણ ઉતરી. વરુણે હજી દરવાજા તરફ એક ડગલું માંડ્યું જ હતું કે...
“ક્યાં ચાલ્યા?” સુંદરીએ પાછળથી જ વરુણને પૂછ્યું.
“ભજીયાં લેવા...” વરુણને સુંદરીના પ્રશ્નથી ભારોભાર આશ્ચર્ય થયું.
“મારી શરત ભૂલી ગયાંને? મેં કાલે શું કહ્યું હતું? કે મારું કામ છે એટલે કોઇપણ ખર્ચો થાય તેઓ એ મારે ભાગે આવશે?” સુંદરી સ્મિત વેરી રહી હતી.
“હા પણ ત્રણસો ગ્રામ ભજીયાંમાં શું ખર્ચ થવાનો?” વરુણે હજી પણ આશ્ચર્ય સાથે કહ્યું.
“હું એ જ કહું છું કે ત્રણસો ગ્રામ ભજીયાં માટે તમે મને ક્યાં ખર્ચ કરતાં રોકી રહ્યાં છો?” સુંદરી હવે હસી રહી હતી.
“ઠીક છે. માની ગયો.” વરુણે પોતાના બંને હાથ સુંદરી સામે જોડીને હસતાં હસતાં કહ્યું.
“ગુડ. તમે રિક્ષામાં જ બેસો હું લેતી આવું છું. તમારે વધુ ઉભું નથી રહેવાનું યાદ છે ને?” કહીને સુંદરી દરવાજાની અંદર જતી રહી.
વરુણ સુંદરીને ભજીયાં કેન્દ્રમાં જતી જોઈ રહ્યો. એનું હ્રદય કોઈ જુદીજ અનુભૂતિ કરી રહ્યું હતું. એનું રોમેરોમ એક નવા ઉત્સાહનો સંચાર થઇ રહ્યો હોય એવી લાગણી અનુભવી રહ્યું હતું. રક્તવાહિનીઓમાંનું રક્ત જોરજોરથી ફરી રહ્યું હતું. વરુણ ભજીયાં લેવાની લાઈનમાં ઉભી રહેલી સુંદરીની દરેક હરકત નિહાળી રહ્યો હતો અને મનોમન સ્મિત કરી રહ્યો હતો.
લગભગ સાતેક મિનીટ બાદ સુંદરી પોતાના બંને હાથમાં ભજીયાંના બે પેકેટ્સ લઈને વરુણ રિક્ષા તરફ ચાલવા લાગી. બે પેકેટ્સ જોઇને વરુણને નવાઈ લાગી. સુંદરી જેવી રિક્ષા પાસે આવી કે વરુણ બહાર નીકળવા લાગ્યો જેથી સુંદરી પોતાની જગ્યાએ બેસી જાય.
“ના ના ના ના... હવે તમે અંદર બેસો. પહેલાં મારે ઉતરવાનું છે ને?” બંને પેકેટ્સ હાથમાં લઈને આવેલી સુંદરીએ કહ્યું.
“અરે! હા એ તો હું ભૂલી જ ગયો.” કહીને વરુણ રિક્ષાની અંદરની બાજુએ સરકી ગયો.
“કાંતિકાકા, આ તમારું પેકેટ. અમે તો પાછળ બેઠાબેઠા ભજીયાં ખાઈશું, પણ તમે ડ્રાઈવિંગ કરતાં ન ખાઈ શકો એટલે મેં તમારા માટે અલગ બંધાવી લીધા. વરુણને ઘરે ડ્રોપ કરીને પછી આરામથી ખાજો.” સુંદરીએ ડાબા હાથનું નાનું પેકેટ કાંતિભાઈ સામે ધર્યું.
“અરે બેન આની ક્યાં જરૂર હતી?” કાંતિભાઈ સુંદરીના આ અહોભાવથી ગદગદ થઈને તેની સામે જોવા લાગ્યાં.
“કેમ? તમે વરુણના કાંતિકાકા છો તો મારા પણ કાકા જ થયા ને? લ્યો લઇ લો.” સુંદરીએ આગ્રહ કર્યો.
કાંતિભાઈ સુંદરીના આગ્રહ સામે નમી પડ્યાં અને એમણે સુંદરીના ડાબા હાથમાંથી પેકેટ લીધું અને આગળની જગાએ મૂકી દીધું. એટલીવારમાં સુંદરી પણ પાછળ બેસી ગઈ અને કાંતિભાઈએ રિક્ષા ચાલુ કરી દીધી.
પાછળ બેસતાંની સાથેજ સુંદરીએ ભજીયાંનું પેકેટ ખોલ્યું અને એમાં રહેલો પપૈયાનું છીણનું નાનું પેકેટ પણ ખોલ્યું.
“તો શરુ કરીએ?” સુંદરીએ વરુણ સામે હસીને પૂછ્યું.
વરુણે પણ હસીને પહેલું ભજીયું પેકેટમાંથી ઉપાડ્યું.
લગભગ પંદરથી વીસ મિનીટમાં રિક્ષા સુંદરીની ગલીના નાકે આવી પહોંચી. સુંદરી રિક્ષામાંથી નીચે ઉતરી.
“થેન્ક્સ વેરી મચ વરુણ. તમે આજે મારી ખૂબ હેલ્પ કરી છે.” સુંદરીએ આટલું કહીને રિક્ષામાં જ બેસી રહેલા વરુણ તરફ કુદરતી રીતે જ પોતાનો હાથ લંબાવ્યો.
વરુણ માટે આ કલ્પના બહારની ઘટના હતી. વરુણ એકાદી સેકન્ડ મૂંઝાઈ પણ ગયો પરંતુ તેણે તરતજ પોતાના મન પર કાબુ મેળવ્યો અને આ લાખેણી તક જવા ન દેવાય એમ વિચારીને સુંદરીનો હાથ પકડી લીધો અને તેની સુંવાળપ અનુભવવા લાગ્યો. સુંદરી અને વરૂણનું હસ્તધૂનન થોડા સમય ચાલ્યું.
“એમાં થેન્ક્સ શેના? આપણે... આપણે...” વરુણને આગળ કશું કહેવું હતું પણ એને ખબર નહોતી પડી રહી કે તે શું કહે.
“આપણે? આપણે શું વરુણ?” સુંદરીએ પોતાની ડોક જમણી તરફ નમાવીને પોતાની બંને ભ્રમરો ભેગી કરીને આશ્ચર્યભાવ સાથે વરુણને પૂછ્યું.
સુંદરી અને વરુણના હાથ મળેલા હતા અને વરુણ અત્યારે નિ:શબ્દ હતો પરંતુ સુંદરીને વરુણને શું કહેવું છે એ જાણવાની તાલાવેલી હતી.
==:: પ્રકરણ ૪૯ સમાપ્ત ::==