There is something! Part 12 in Gujarati Thriller by Chaudhari sandhya books and stories PDF | કંઈક તો છે! ભાગ ૧૨

Featured Books
Categories
Share

કંઈક તો છે! ભાગ ૧૨



સુહાની મનોમન દુઃખી થઈ અને વિચારવા લાગી કે "મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું કે શું? રાજનને ખોટું લાગી આવ્યું. બિચારાનો ચહેરો કેવો ઉદાસ થઈ ગયો છે. ખબર નહીં મને શું થઈ જાય છે? પણ હું શું કરું રાજન જ્યારે પણ મારી સાથે વાત કરે છે ત્યારે હંમેશા ઝઘડો જ થઈ જાય છે."

સુહાની:- "રાજન..."

રાજન કંઈ જ ન બોલ્યો.

સુહાની:- "રાજન કંઈ તો બોલ. મને લાગે છે કે મારાથી કંઈક વધારે જ બોલાઈ ગયું."

અચાનક જ રાજન ખડખડાટ હસી પડે છે. રાજનને હસતાં જોઈ સુહાનીના દિલને રાહત થઈ.

રાજન:- "સુહાની તને શું લાગ્યું કે મને તારી વાતથી ખોટું લાગ્યું હશે."

સુહાની:- "નહીં મને તો એવું નથી લાગ્યું."

રાજન:- "જૂઠું ન બોલ."

સુહાની:- "સાચું જ બોલું છું. એ તો તું અચાનક ચૂપ થઈ ગયો એટલે..."

રાજન:- "એટલે તને મારી ચિંતા થઈ કે ક્યાંક રાજનને ખોટું તો નથી લાગ્યું ને!"

સુહાની:- "એવું કંઈ જ નથી. પછી તારી મરજી તારે જે વિચારવું હોય તે."

રાજન:- "હું તો એ જ વિચારીશ કે તને મારી ચિંતા થઈ."

સુહાની:- "તારી ઈચ્છા તારે જે વિચારવું હોય તે."

રાજન:- "સારું હવે બપોરે મળીયે."

સુહાની:- "રાજન એક વાત કહું?"

રાજન:- "હા બોલ."

સુહાની:- "રાજન દરેકના હૃદયમાં કંઈક પીડા હોય છે. ફક્ત અભિવ્યક્તિની રીત અલગ હોય છે. કોઈ તેને તેમની આંખોમાં છુપાવે છે, જ્યારે કોઈ તેમને તેમના સ્મિતમાં છુપાવે છે. અને મને એવું લાગ્યું કે મારી વાતથી તને કદાચ ખોટું લાગ્યું એટલે તું કદાચ તારી મારાથી છુપાવે છે. તું નારાજ છે મારાથી? મને લાગે છે કે મારાથી કંઈક વધારે બોલાઈ ગયું."

રાજને જોયું કે સુહાની થોડી ઉદાસ થઈ ગઈ છે.

રાજન:- "હું તારાથી નારાજ થવાનું સ્વપ્નમાં પણ વિચારું નહીં. તું એવું વિચારી જ કેવી રીતે શકે?"

સુહાની:- "મતલબ શું છે તારી વાતનો?"

સુહાની અને રાજન વાત કરતાં હતાં એટલામાં જ મયુરી આવે છે.

રાજન મયુરી સાથે થોડી વાતો કરીને પોતાની જગ્યાએ જઈ બેસી ગયો.

સુહાની રાજનને જોય છે અને સુહાનીના ચહેરા પર સ્મિત આવી જાય છે અને મનોમન બોલે છે "પાગલ"

બપોરે ચૈતાલી,રોનક,રાજન,સુહાની અને મયુરી ચા નાસ્તો કરવા જતાં હોય છે. સુહાની મનોમન વિચારે છે કે "ક્યાં બહાને આ ત્રણેયને મંદિરે લઈ જાઉં?"
થોડો વિચાર કરી સુહાની કહે છે કે "હું તમને બધાને એક જગ્યાએ લઈ જાઉં. ત્યાંની ચા ખૂબ વખાણાય છે." રોનક,ચૈતાલી,મયુરી અને રાજન સુહાનીની વાત માની જાય છે. પાંચેય અલકમલકની વાતો કરતાં કરતાં જાય છે. દેવિકા આ લોકો પર નજર રાખી રહી હતી.

દેવિકા:- "સુજાતા ચાલને શિવ મંદિર છે. ત્યાં દર્શન કરી આવીએ."

સુજાતા દેવિકા સાથે મંદિર તરફ જાય છે.

બધાં ચા પી રહ્યા હતાં.

"ચાલોને શિવ મંદિરે દર્શન કરવા જઈએ." આટલું કહી સુહાનીએ ચૈતાલી તરફ નજર કરી તો ચૈતાલીના ચહેરા પરના હાવભાવ કહી રહ્યા હતા કે ચૈતાલી થોડી ગભરાઈ ગઈ હતી. સુહાનીએ રાજન તરફ નજર કરી તો એ પણ થોડો મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો. સુહાનીએ રોનક તરફ નજર કરી તો રોનક તો ખૂબ ગભરાયેલો હતો.

મયુરી:- "હા હા ચાલો."

સુહાની અને મયુરી તો ફટાફટ મંદિરના પગથિયા ચઢવા લાગ્યા. પાછળથી આવેલાં સુજાતા અને દેવિકા પણ મંદિરના પગથિયા ચઢવા લાગ્યાં. સુહાની અને મયુરી અટકી ગયા. સુહાની અને મયુરીએ પાછળ ફરીને જોયું.

મયુરી:- "અરે તમે ત્રણેય કેમ ઉભા રહી ગયા?"

સુજાતા અને દેવિકા પગથિયાં ચઢે છે ત્યારે દેવિકા અને સુહાનીની નજર મળે છે. થોડા પગથિયા ચઢીને દેવિકા કહે છે "સુજાતા પછી દર્શન કરવા જઈએ. થોડી ક્ષણો અહીં જ બેસીએ. કેટલું સરસ વાતાવરણ છે." સુજાતાએ પણ દેવિકાની વાત માની લીધી. દેવિકા બેઠાં બેઠાં ચૈતાલી,રોનક અને રાજનનું નિરીક્ષણ કરતી રહી. રોનક,ચૈતાલી અને રાજન ધીમેથી ચાલતાં ચાલતાં આવે છે. ત્રણેય પહેલાં પગથિયાં પર આવીને અટકી ગયા. ચૈતાલીને તો પરસેવો પણ આવી ગયો.

મયુરી:- "ત્રણેય શું કરી રહ્યા છો.ચાલોને."

ચૈતાલી:- "તમે લોકો જઈ આવો. મારે નથી આવવું.
હું અહીં જ ઉભી રહીશ."

સુહાની:- "રાજન અને રોનક તમે તો ચાલો."

રાજન:- "મારે નથી આવવું."

સુહાની:- "રોનક તું તો આવીશ ને?"

રોનકે આંખો બંધ‌ કરી અને પગથિયાં ચઢ્યો. દેવિકા અને સુહાની તો આશ્ચર્યથી જોઈ જ રહ્યા. રોનક સુહાની પાસે પહોંચી ગયો. દેવિકા સમજી ગઈ કે રાજન અને ચૈતાલી શું કરવા મંદિરમાં નથી આવતાં.

મંદિરમાં શંકર ભગવાનની સાથે સાથે અન્ય દેવી દેવતાઓ પણ હતા. બધાં દરેક દેવી દેવતાઓના દર્શન કરે છે.

પછી બધાં કૉલેજ પહોંચે છે.

સુહાની સાંજે બેઠાં બેઠાં વિચારતી હોય છે કે દેવિકાની વાત સાચી છે. મારે તો હવે રાજનથી ડરવું જોઈએ. તોપણ મને ડર કેમ નથી લાગતો? રાજન મંદિરે ન આવ્યો મતલબ કે રાજન શૈતાન છે. તો પણ હું રાજન તરફ કેમ આકર્ષિત થાઉં છું? અને રાજને મને એવું કહ્યું કે એ મારાથી નારાજ પણ નહીં થાય. આ વાતનો મતલબ શું હતો? જે મતલબ હોય તે પણ મને આ વાતની આટલી ખુશી કેમ થાય છે?

બીજા દિવસે દેવિકા અને સુહાની મળે છે.

દેવિકા:- "તને હવે ખ્યાલ આવ્યો કે ચૈતાલી અને રાજન શું કરવા મંદિરે ન આવ્યાં?"

સુહાની:- "પહેલાં તો મને શંકા હતી પણ હવે મને વિશ્વાસ આવી ગયો કે રાજન અને ચૈતાલી ભગવાનથી ડરે છે. મતલબ કે એ બે માં શૈતાની શક્તિઓ છે."

થોડીવાર રહી પછી સુહાની પોતાના ક્લાસ તરફ જવા ઉભી થઈ. બે ત્રણ કદમ ચાલ્યાં પછી સુહાની ફરી આવી અને દેવિકા પાસે બેસી ગઈ.

સુહાની નું આ વર્તન જોતાં દેવિકા સુહાનીને પૂછે છે "શું થયું સુહાની? તારે ક્લાસમાં નથી જવું?"

સુહાની:- "કેવી રીતે જાઉં. ક્લાસમાં રાજન બેઠો હશે."

દેવિકા:- "જો તું આમ વર્તન કરીશ તો રાજનને શંકા જશે કે સુહાની કેમ આવું વર્તન કરે છે? અને ડરવાનું બંધ કર સમજી? આપણે એવી રીતના વર્તન કરવાનું છે જેમ કે બધું સામાન્ય જ છે. સમજી? જા હવે."

સુહાની:- "ખબર નહીં કેમ પણ મને રાજનથી ડર નથી લાગતો."

દેવિકા:- "તો પછી શું વાંધો છે?"

સુહાની:- "સારું હું જાઉં છું."

રાજન સુહાનીના વિચાર કરતો ક્લાસમાં બેઠો હોય છે એટલામાં જ સુહાની ક્લાસમાં આવે છે અને પોતાની જગ્યા પર બેસે છે. રાજન સુહાની પાસે આવે છે.

રાજન:- "આજે તો તું મોડી આવી."

સુહાની કંઈ બોલતી નથી.

રાજન:- "હું તને કંઈ પૂછું છું? આજે કેમ મોડું થયું?"

સુહાની:- "મોડું...! નહીં તો? તને કેમ એવું લાગ્યું?"

રાજન:- "તું મારાથી શું કરવા ડરે છે?"

સુહાની:- "હું ક્યાં તારાથી ડરું છું?"

રાજન હળવેથી સુહાનીનો હાથ પકડી લે છે. ખબર નહીં પણ રાજનના સ્પર્શમાં કંઈક તો હતું.

રાજન:- "આપણે બંને એકબીજાને નામથી જ જાણીએ છીએ. મને લાગે છે કે આપણે બંનેએ એકબીજાને જાણી લેવું જોઈએ. તો બોલ કોણ કોણ છે તારા ઘરમાં?"

સુહાની:- "અમે ત્રણ જણ. હું અને મારા માતા પિતા."

રાજન:- "અચ્છા શું કરે છે તારા પિતા?"

સુહાની:- "અમારી ચાની દુકાન છે. તું બોલ...કોણ કોણ છે તારા ઘરે?"

રાજન:- "કોઈ નથી. હું એકલો જ છું."

સુહાની:- "મતલબ કે તારા માતા પિતા નથી?"

રાજન:- "ના...મને તો એ પણ ખબર નથી કે મારા માતા પિતા કોણ છે."

સુહાની કંઈ બોલતી નથી. રાજનની આંખોમાં જોઈ રહે છે.

રાજન:- "એકલાં રહેવું બહું અઘરું છે."

ખબર નહીં કેમ પણ સુહાનીને રાજનની એકલતાનો અહેસાસ થયો. સુહાની ભીતરથી વ્યથિત થઈ ગઈ.
રાજન સુહાનીના ચહેરા પરના હાવભાવ જોઈ રહ્યો અને મનોમન કહે છે.

કંઈક વિચારું છું તો તારો ખ્યાલ આવે છે...
કંઈક બોલું છું તો તારું નામ આવે છે...
ક્યાં સુધી છુપાવી રાખું મારા દિલની વાત
તારી દરેક અદાઓ પર મને પ્રેમ આવે છે...!

રાજને સ્મિત કરતાં કહ્યું "હવે તો આદત પડી ગઈ છે. બહુ વાતો થઈ ગઈ. પછી બપોરે મળીયે."

રાત્રે સુહાની વરંડામાં બેઠી હોય છે. ત્યાં જ દરવાજા પર ટકોર પડે છે. સુહાની એમ વિચારે છે કે આટલી રાત્રે કોણ આવ્યું હશે. સુહાની દરવાજો ખોલે છે તો એક યુવતી ઉભી હતી. એ યુવતીએ આખા ચહેરાને દુપટ્ટાથી ઢાંકી દીધો હતો. સુહાની એ યુવતીની આંખો જોઈ રહી.

ક્રમશઃ