Parijatna Pushp - 1 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | પારિજાતના પુષ્પ - પ્રકરણ-1

Featured Books
Categories
Share

પારિજાતના પુષ્પ - પ્રકરણ-1

" પારિજાતના પુષ્પ " પ્રકરણ-1

" જૂના સંસ્મરણો, થીજી ગયેલી યાદો અને જાણે સ્થિર થઈ ઉભો રહી ગયો વર્તમાન..!! "

ટપક ટપક વરસે વરસાદ.....ધોધમાર ધોધમાર વરસે તો કેવું.....!! ભૂતકાળની કોઈ વાત....ને વર્તમાન સ્થિર થઈ જાય તે કેવું.....!! ચંચળ, ઠરેલ ને પ્રેમાળ...અદિતિ....!!
વરસાદ, હિંચકો, પારિજાતના પુષ્પ, પક્ષીઓનો મીઠો કલરવ, આમતેમ દોડતી ખિસકોલી, બગીચો, એકાંત અને અદિતિ....!!
પણ આજે આટલા બધા વર્ષો પછી અરમાનનો ફોન આવ્યો ને....!! ફોન કટ થઈ ગયો...!! વાત અધૂરી રહી ગઈ....!! બસ,એ વાતે જ વિહવળ બનાવીને મૂકી દીધી અદિતિને....!! ભૂતકાળની કોઈ યાદે હચમચાવીને મૂકી દીધી અદિતિને...!!

અદિતિ અને આરુષના લગ્નને બે વર્ષ થયા હતા. પરંતુ બે વર્ષમાં તો જાણે ઘણાંબધા વર્ષો જીવી ગઈ હતી અદિતિ....અદિતિને બધાની સાથે હળીમળીને રહેવું ગમતું પણ આરુષને એકાંતમાં રહેવું વધારે પસંદ હતુ તેથી તેણે સીટીથી થોડે દૂર જગ્યા લઈ વિશાળ બંગલો બનાવ્યો હતો. આટલા મોટા વિશાળ બંગલામાં રહેવા વાળા ફક્ત બે જ જણ આરુષ અને અદિતિ. બંગલાની બહાર રંગબેરંગી ફૂલોથી ભરપૂર બગીચો પણ એટલો જ સુંદર હતો. અદિતિનો મોટા ભાગનો સમય બગીચામાં જ પસાર થતો. સાંજે પણ આરુષ ઑફિસેથી રિટર્ન ન થાય ત્યાં સુધી અદિતિ બગીચામાં જ બેઠેલી હોય. દિવસે મોગરાની મહેંકથી અને રાત્રે રાતરાણીની સુગંધથી આખાય બંગલાની આસપાસનું વાતાવરણ મહેંકી ઉઠતું....

હવે તો બસ આ જ જિંદગી હતી અદિતિની, સૂર્યના ઉગતા કિરણોની સાથે જાણે તેની સવાર થઇ જતી... સૂરજદાદાની સાથે સાથે જ ઉઠી જતી અને તૈયાર થઈ જતી...સૂર્યના કિરણો જેટલી તેજસ્વી..... અને ખુશનુમા સવાર જેટલી જ લાલી તેના માસુમ ચહેરા ઉપર પથરાએલી રહેતી....!! અને બગીચામાં સુંદર પારિજાતના પુષ્પોની આહલાદક ચાદર પથરાએલી રહેતી....!!

રોજ સવારે તૈયાર થઈને અદિતિ બગીચામાં આવી જતી ઘરના આંગણામાં વચ્ચોવચ્ચ તુલસીક્યારો હતો તેમાં પાણી રેડતી પછી ત્યાં દિવો કરતી પગે લાગતી અને પછી બગીચામાં હિંચકા ઉપર બેસતી સૂર્યના કિરણો તેને મળવા માટે આસોપાલવની વચ્ચેથી જાણે ડોકાઈ જતાં....!! પક્ષીઓ સાથે મીઠી મીઠી વાતો કરતી દરેકે દરેક પુષ્પને અદિતિ ટચ કરતી તેમજ તેના હાલ-ચાલ પૂછતી અને તેમાં પણ મહેંકતો મોગરો અને પારિજાતનું પુષ્પ એટલે તેનું પ્રિય પુષ્પ....!! કારણ કે તેની સાથે તેની પુરાની યાદો જોડાયેલી હતી....!! તેથી તો તેણે આરુષને કહીને અહીં પોતાના બંગલામાં પણ પારિજાતનું વૃક્ષ ઉગાડ્યુ હતુ.

હિંચકા ઉપર બેસીને અદિતિ મનમાં કંઇક ગણગણતાં ગણગણતાં સુગંધિત મોગરાની તેમજ સુંદર પારિજાતના પુષ્પોની માળા ભગવાન માટે બનાવતી....બસ, આમજ અદિતિના દિવસની શરૂઆત એક ખુશનુમા સુંદર સવાર સાથે થતી.

આરુષ દરરોજ મોડો જ ઉઠે એટલે અદિતિની સવારના સાથી હંમેશાં સુગંધિત ફૂલો, પક્ષીઓનો મીઠો કલરવ, ઝાડ ઉપર આમથીતેમ દોડતી ખિસકોલી, સુંદર બગીચો અને હિંચકો બની રહેતાં તેમજ આ બધાને કારણે અદિતિનો બગીચો અને બંગલો જાણે જીવંત લાગતા હતા. આ નજારાને બાથમાં ભરી લેતી હોય તેમ એકાંતની એક એક પળને ખુશીથી જીવી લેતી અદિતિ....!!

આરુષ તેના નામ પ્રમાણે હંમેશાં રોષે ભરાએલો રહેતો, અદિતિને આરુષ આમતેમ ન બોલી જાય તેનો હંમેશાં ડર રહ્યા કરતો તેથી જ તેની કોઈ વાતનો તે ક્યારેય વિરોધ કરતી ન હતી તેમજ તેની "હા" માં હા અને "ના" માં "ના" કરતી. ટૂંકમાં પોતાની ખુશી નાખુશીનો વિચાર શુધ્ધા અદિતિ કરતી નહીં અને આરુષની દરેક વાત સહર્ષ સ્વીકારી લેતી.

આટલા મોટા બંગલામાં અદિતિ એકલી પડી જતી હતી તેમજ તેને ડોગ પાળવાનો શોખ પણ હતો તેથી તેણે આરુષને વાત કરી પણ આરુષે " ના " પાડી દીધી તેથી અદિતિને થોડું દુઃખ થયું પણ આરુષની દરેક વાતનો સ્વીકાર કરવો તેવું અદિતિએ મનથી નક્કી કરેલું હતું માટે તે ચૂપ રહી.
ક્રમશ: