Banashaiya - 11 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બાણશૈયા - 11

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બાણશૈયા - 11

પ્રકરણ : ૧૧

મિત્રોની મહેંક

કહે છે ઈશ્વર એક બારી બંધ કરે ત્યાં બીજી બારી ખોલે છે. મને પણ એનો સાક્ષાત અનુભવ થયો. મારું જીવન છિન્નભિન્ન થઈ ગયું હતું મારો શ્વાસ પણ ઉછીનો હતો. મારું આખું શરીર એક્સ્ટર્નલ ફિક્સેટર, વેન્ટીલેટર અને જાત-જાતનાં મેડિકલ ઉપકરણો પર નભતું હતું. મારી આ પીડાદાયક અને વેદનામય પરિસ્થિતિમાં વિવિધ મિત્રોને ઈશ્વર મારા સથવારા માટે મોકલતો હતો. મારા હાથ, પગ, ફેફસાં, આંતરડા બધું જ છિન્નભિન્ન હતું પણ મારા મિત્રોની ફોજ અડીખમ હતી.

અસહ્ય પીડા, દશ મહિના સુધી પડખું પણ ફરી શકવાની ક્ષમતા નહીં. ચટ્ટોપાટ જીવતી લાશની જેમ પડી રહેવાનું આખો દિવસ ડોક્ટર્સ, ડ્રેસિંગ, ફિઝિયોથેરાપી, વિવિધ ટ્રીટમેન્ટમાં પસાર થતો હતો. પરંતુ રાતની નીરવ શાંતિ મારે માટે હજારો સર્પદંશની અનુભૂતિ કરાવતા. દશ દશ મહિનાથી ચટ્ટોપાટ સૂવાના કારણે પાછળનાં ભાગમાં શરીરની ચામડી ખૂબ જ સંવેદનશીલ થઈ ગઈ હતી. અસંખ્ય ચટકા ભરાતા. એમાં પણ ડાબા પગનું હલનચલન લેશમાત્ર પણ ન હતું. પગનાં પાછળનાં ભાગે જાણે વીંછીનાં ડંખ ભોંકાતા. આ પરિસ્થિતિમાં મારી છાતી ભીંસાતી, હું આકુળ-વ્યાકુળ થઈ જતી હતી. જીવ અકળાય જતો હતો. જીવન અભિશાપ ભાસતુ હતું. રાત બિલકુલ પસાર થતી ન હતી. એવી પરિસ્થિતિમાં મનને વાળવા મોબાઈલ સરફીંગ કર્યા કરતી. કોઈપણ મિત્ર મને ઓનલાઈન જુએ એટલે તરત પૂછે “સૂતી નથી? સૂઈ જા, પૂરતી ઊંધ લેશે તો તબિયતમાં સુધારો આવશે.” પણ મારા માટે ઊંઘ હરામ બરાબર હતી. આમ પણ દિવસ-રાત મારા માટે એક સમાન હતા. વચ્ચે-વચ્ચે ગમે ત્યારે ઝોકું આવી જતું. સાઉન્ડ સ્લીપે તો મારો સાથ છોડી દીધો હતો. આવા સમયે મારા મિત્રો મારી વ્હારે આવતા. અડધી-અડધી રાત સુધી મારી સાથે ચેટ કરતા. હું સમજી શકતી હતી “મારા મિત્રોને દિવસ દરમ્યાન અનેક કામો હોય. એમણે દિવસભરની દોડધામ હોય છતાં મારા મિત્રો મારા માટે ઉજાગરા વેઠી લેતા અને મને સાચવી લેતા હતા.

ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે “જેની પાસે મિત્રો છે એ સંસારનો ધનવાન વ્યક્તિ છે.” અને, ખરેખર હું ‘ધનવાન’ છું. મારાં મિત્રોનાં શબ્દો અને સ્નેહથી હું મારી પીડામાં હળવાશ અનુભવતી. ઘણીવાર તો મારી પીડા પણ પીગળી જતી હતી.

ગુજરાત સાહિત્ય અકાદમીનાં અધ્યક્ષશ્રી વડીલમિત્ર પદ્મવિભૂષિત, સંવેદનશીલ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ મને ખૂબ જ હિમ્મત આપતાં. એમણે મારા અસ્તિત્વ સાથે મારી ઓળખ કરાવી. આત્મવિશ્વાસનો ઓટોગ્રાફ શીખવ્યો. પરિસ્થિતિ સામે પડકાર ઝીલતાં શીખવ્યું. આંતરિક સૌંદર્ય માણતાં શીખવ્યું. એમનું ઔદાર્ય માનવતાની મિશાલ કાયમ કરી ગયું. એમની ગુજરાત સમાચાર યુ.કે.ની કોલમ ‘તસ્વીરે ગુજરાત’માં મને બિરદાવી જેનાં ફળશ્રુતીરૂપે હું પીડા પાછળનાં રહસ્યને સમજી શકી. શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબનો નિર્મળ અને સરળ સ્વભાવ મારા શાંત ઝરુખે ઝરમર ઝરમર વરસી જતો. એમની સાથે હું સંવેદના અને પીડા અને વેદનાની વાતો કરી હળવાશ અનુભવતી હતી. જાણે, મારાં વ્યથિત હૈયાનાં હળવાશનું સરનામું બન્યા.

વિશ્વવિખ્યાત હાસ્યકલાકાર મિત્ર સાંઈરામ દવે વિવિધ જોક્સ કહેતા, એમની યુ-ટ્યુબ ચેનલ્સ હું સાંભળતી અને મારું રુદન ઘડીભર હાસ્ય અને હળવાશમાં ફેરવાઈ જતું. યુ-ટ્યુબ પર એમનાં જોક્સ વચ્ચે મારાં ફેફસાં શ્વસતાં હતાં. એમનું એક વાક્ય હજીપણ મારા કાનમાં રણકે છે. “તું સાજી થઈ જઈશ.” આ એક ધ્રુવવાક્ય મારાં ફેફસામાં જાણે ઓક્સિજન ભરી જતું “ડર કે આગે જીત હૈ” “હારે એ મોદી નહિં” જેવાં એમનાં વન લાઈનર નાનાં-નાનાં વાક્યો મારામાં જોમ અને બળ પૂરું પાડતા. મારાં હૈયે જીવન જીવી લેવાનો હિંચકો હિંડોળા લેતો. પડતાં- આખડતાં, અસંખ્ય ઉતાર-ચઢાવવાળાં મારાં સમયમાં સાંઈરામ મારી સાથે રહ્યાં. એમનું મુક્ત હાસ્ય મારા હૈયામાં હામ ભરી જતું. એમનાં આશાવાદી વ્યક્તિત્વથી મારાં નિરાશાનાં વાદળો વિખેરાય જતા હતા . એમનાં દરેક વાકયને છેડે આવતું ‘હો’ મને ખૂબ ગમતું જાણે એકાક્ષરીમંત્રની જેમ મારામાં હકારની કવિતા રચી જતું હતું. ક્યારેક એવું લાગે કે જાણે મારો ભ્રમ છે કે શું? વિશ્વવિખ્યાત હાસ્યકલાકાર ખરેખર મારો દોસ્ત છે? સાંઈરામ મારાં હાસ્ય પાછળનાં રૂદનને સમજી શકતા હતા. સાંઈરામ અમુક વખતે એમનાં સિલેક્ટેડ વિડીયોસ મોકલતાં એ જોઈ હું ફિનિકસ પંખીની જેમ ઉડતી.

કોલોસ્ટોમીની છેલ્લી મેજર સર્જરીનાં દિવસે સાંજે અસહ્ય પેટમાં દુઃખાવો થયો. મારો અવાજ નીકળતો ન હતો. અચાનક મારી આંગળી સાંઈરામના વોટસએપ પર પહોંચી ગઈ. મેં ફક્ત એટલું જ લખ્યું “નથી સહેવાતું” એણે તરત જ જવાબ આપ્યો “તું સાજી જ થવાની છે” અને જાણે કલાકારની એક પીંછ ફરે ને ચિત્ર જીવંત બને એમ થોડીવારમાં મારા દુઃખાવામાં રાહત થવા મંડી. દિવાળીમાં એમણે કહ્યું હતું “આવતી દિવાળીએ સાથે ફટાકડાં ફોડીશું” અને મારા હૈયામાં દિવાળી-દિવાળી ઉજવાય ગઈ. ક્યારેય લાંબી વાતચીત થઈ નથી. આમ છતાં, એમનાં નાનાં-નાનાં વાક્યોમાં પોતીકાપણું અનુભવાતું અને હકારાત્મકતાનો ધોધમાર વરસાદ વરસતો.

થોડા દિવસ માટે મને હોસ્પિટલમાંથી રજા આપી હોવાથી હું ઘરે જ હતી. ૬ જાન્યુઆરી ૨૦૨૦નો દિવસ બપોરે લગભગ ૩.૦૦ વાગ્યાના સમયે કોઈ અજાણ્યાં નંબર પરથી મને ફોન આવ્યો. “હું સાંઈરામ દવેનો મિત્ર છું. મારે મળવા આવવું છે? તમારું લોકેશન સેન્ડ કરો.” મારા દીકરાએ ઘરનું લોકેશન સેન્ડ કર્યું. અને, માત્ર દશ જ મિનિટમાં સાંઈરામ આવી પહોંચ્યા. મારાં દીકરાએ કહ્યું “મમ્મુ! સાંઈરામ અંકલ પોતે જ છે.” મને દીકરાની વાતમાં કંઈ તથ્ય લાગ્યું નહીં. પણ, સાચ્ચે જ સાંઈરામ મારા બેડની સામે. હું આ પહેલાં ક્યારેય રૂબરૂ મળી ન હતી. એમને જોઈ અચાનક મારામાં શક્તિ આવી ગઈ. અને, તે દિવસે હું પ્રથમ વખત મારી જાતે બેઠી થઈ હતી. સાંઈરામે રંગ કસુંબલ સી.ડી. ગિફ્ટ આપી. દશ મહિનાથી અવ્યવસ્થિત એવાં મારા ઘરમાં બેસીને મારા માટે એમણે ઇષ્ટ દેવની માળા કરી. પરંતુ, અતિથિ દેવો ભવઃ ની ભાવના હું પૂરી શકી ન હતી. હું એમની આગતાસ્વાગતા કરી શકી ન હતી. એમની નમ્રતા, એમની સહજતા અને સરળ સ્વભાવ અમને ખૂબ સ્પર્શી ગયો. એમની સકારાત્મકતા દિવસો સુધી મને શક્તિ આપતી રહી. એ દિવસે જાણે મારું મનગમતું ભૂરું પંખી મારા મનઆકાશે ટહુકી ગયું. એમની પ્રસન્નતાનુ પંખી મારા ચિત્તપ્રદેશમાં કલરવી ગયું.

મુર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્માના દીકરી અતિસંવેદનશીલ કવયિત્રી રીનાબેને મારી અંદર દબાયેલ આધ્યાત્મિક બીજને સિંચવાનું ઉમદા કાર્ય કર્યું. મારી જીવનયાત્રામાં એમનાં થકી આધ્યાત્મનો અધ્યાય શરૂ થયો. રીનાબેનનાં આધ્યાત્મિક આત્માનો મારા પર ખૂબ મોટો પ્રભાવ પડ્યો. મારાં સ્વભાવમાં જે ચિડીયાપણું વર્તાતું હતું એમાં સુધારો થયો. હું પ્રભુમય બની અને મારી પીડાને પીગાળવા માટે સક્ષમ બની શકી. મારા સર્જરીનાં દિવસે રીનાબેન ભગવાનને દીવો કરતા, શ્લોક, જાપ અને મંત્ર કરતા હતા. એમનાં દરેક ફોન અને મેસેજમાં ઈશ્વરીયપૂર્વક શુભેચ્છાઓ હતી. ઓશો રજનીશનાં વિડીયો અને પ્રવચન મોકલતા હતા. એક બેન, એક સખી અને એક મા ના ત્રિવેણી સ્નેહસંગમથી મારી જાત ધન્ય થઈ જતી. આ કથા લખવા મને સતત પ્રોત્સાહન આપતા રહ્યા. હું ફરીથી આ પીડામાંથી પસાર થવા તૈયાર ન હતી. એમણે મને સાયકોલોજીકલી ટ્રીટ કરી. એમનાં સ્નેહની પુષ્પવર્ષા મારા હૃદય ઉપવનને મહેંકાવતી રહી. જો, પૂર્વજન્મ જેવું કંઈ હોય તો રીનાબેન સાથે મારો સ્નેહનાતો જન્મોજન્મનો હશે જ. એમની કૂણી લાગણી મારા મુરઝાતાં છોડને સતત સિંચી રહી હતી. મારા આત્માને આત્મબળ પુરું પાડ્યું. રીનાબેનનાં દિયર જ્યોતિષાચાર્ય ડો. પૃથુલભાઈ વારંવાર હિમ્મત આપતા અને આશાના કિરણોની ઓજસ પાથરતા હતા. જીવન જીવી લેવાશેની ભાવનાનાં દીપ પ્રગટાવતા હતા. પૃથુલભાઈ જ્યોતિષિ માર્ગદર્શન આપતા હતા. જ્યારે હું સમયનાં એ ખંડમાં સંપૂર્ણ અટવાઈ ચૂકી હતી. અંતરનાં ઊંડાણમાંથી ફૂંફાડા મારતાં પ્રશ્નોનાં ઉત્તર મેળવવા ભટકી રહી હતી. ત્યારે એમણે મહાભારતની એક દ્રષ્ટાંતકથા કહી - બાણશય્યા પર પીડા ભોગવી રહેલ ભિષ્મ પિતામહે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો ''હે વાસુદેવ! હું આ જન્મ ઘર, પરિવાર, દેશ અને પ્રજા માટે જીવ્યો. હું મારું અંગત પોતીકું જીવન જીવ્યો નથી. છતાં, આ સજા, આ પીડા મારે ભોગવવાની ?" શ્રીકૃષ્ણએ પિતામહને ઉત્તર આપ્યો " કોઈ એક જન્મમાં તમે પારધી હતા. જંગલમાં શિકાર માટે ગયા હતા. તમે એક બાણ છોડ્યું હતું. જેનાં અવાજથી ઝાડીમાં બેઠેલ એક હરણ ગભરાય ગયું. હરણે ભાગવા માટે છલાંગ મારી. એ હરણ એક કાંટાળી ઝાડીમાં ફસાઈ ગયું. અને, એનાં શરીરમાં અનેક કાંટાઓ ધુસી ગયા. જે પીડા હરણે ભોગવી. એ પીડા આ જન્મે તમે ભોગવી રહ્યાં છો.” આ દ્રષ્ટાંતકથાથી મારો દ્રષ્ટીકોણ આખો બદલાય ગયો. અને, મારામાં મારી પરિસ્થિતિ સ્વીકારવાની ભાવનાનો વિકાસ થયો. જેનાથી મારો વલોપાત અને અકળામણ ઓછી થઈ.

પદ્મશ્રી યઝદીભાઈ કરંજીયા સાહેબનાં ફોનનાં મીઠા રણકારથી મારી રગેરગમાં લોહી ધસમસી ઊઠતું. એ નિયમિત ફોન કરતાં અને કહેતાં “સું કર સ મારી ડીકરી? ચાલ, જલ્દી સાજી થઈ જા. તારા હાથની રસોઈ મારે જમવા આવવું છે.” ને એમની વાતથી મને પણ પાનો ચડતો હતો. હું જવાબ આપતી. “ના, હું તમારે ત્યાં જમવા આવીશ. મારે આંટીના હાથનાં ધાન-શાક ખાવા છે.” આવી નાની-નાની રમૂજ અને ગમ્મતથી મારો દિવસ પસાર થઈ જતો હતો. યઝદીભાઈનો ‘ગમતાનો કરીએ ગુલાલ’ વાળો સ્વભાવ મારામાં પ્રેરણાપૂર્તિ કરી જતો હતો. અને, મને હળવીફૂલ કરવા માટે સફળ પૂરવાર થતો હતો. જાણે ગુલાબી ગુલાબ મારા મન ઉપવનમાં મહેંકી ઉઠતું. જીંદગી ખૂબ સરળ છે હસતાં-હસતાં જીવી લેવાય એવું હું એમનામાંથી શીખી. જીવન જીવવા માટે એક-મેક પ્રત્યેનો સ્નેહ પુરતો છે એવો મને અહેસાસ થયો. ડૉ. દિલીપભાઈ મોદી પણ વોટસએપ મેસેજ દ્વારા વારંવાર પરોક્ષ હિમ્મત આપતા.

ડ્રીમ પબ્લીકેશનનાં પબ્લીશર નીતાબેન મુંબઈથી અને અચૂક મેગેઝિનનાં તંત્રી અક્ષિતાબેન રાજકોટથી વડોદરા સુધી મળવા આવતાં હતાં. જ્યારે પણ મારું મન વિહવળ થતું ત્યારે જાણે મને એન્ટી વિહવળતાનાં ઈન્જેક્શન આપતા હતાં. અને, બે-પાંચ મિનિટમાં મારો મૂડ પ્રફુલ્લિત કરી દેતા હતાં. કવિ-લેખકોનાં ગૃપમાંથી કોઈકનો ને કોઈકનો મેસેજ અને ફોન અવારનવાર આવતાં હતાં અને મારો ખરાબ સમય પસાર થઈ જતો હતો.

USA થી વડીલ લેખકમિત્ર શ્રી પ્રિતમ લખલાણી જેમને હું ક્યારેય રૂબરૂ મળી નથી. પરંતુ, વિવિધ સામાયિકોમાં અમારી કોલમ સાથે આવતી જેથી ઓળખ હતી. એ વારંવાર ફોન કરતા એમની લાગણીની લીલપથી હું ભીંની-ભીંની થઈ જતી. અને, મારી મેડિસીન્સ, ફિઝિયોથેરાપી, લેખિની વિશે પૂછતાં અને પ્રોત્સાહન આપતા હતાં. પ્રતીતિનાં પ્રદેશમાં વિહાર કરાવતા હતા. આ કથા લખવાનું સૌથી પહેલાં એમણે જ આગ્રહ કર્યો હતો. આ કથા માટે હું એમને ‘ગોડફાધર’ કહી શકું એવાં વંદનીય રહ્યા. તેઓ વ્હાલનો વરસાદ વરસાવતાં જીવન એક રંગમંચ છે જે કિરદાર મળે એ પૂરી નિષ્ઠાપૂર્વક નિભાવી લેવાનું બ્રહ્મજ્ઞાન એમણે મને આપ્યું. ખરેખર! પ્રિતમભાઈએ મને મારી જાત સાથે પ્રીત બાંધવાનું ભગીરથકાર્ય કર્યું.

વિવિધ સામાયિકોનાં તંત્રીશ્રીઓનો આત્મીયતા ભર્યા ફોન આવતાં હતા. એમની હૃદયસ્પર્શી વાતોથી અમારી વચ્ચે આત્મીયનો નાતો વધુ ગાઢ બન્યો. અનેક દૂર-દૂરનાં મિત્રો મારી સાથે રહ્યાં. સેંકડો વાચકો અને ભાવકોની શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ મારા જીવનને સિંચવાનું કામ કરી રહી હતી.

ધરમપુરથી લઈ સૌરાષ્ટ્ર સુધીનાં અનેક મિત્રો જેમ-જેમ વહેલી-મોડી જાણ થતી ગઈ એમ મને મળવા આવતા- ફોન કરતાં. વડોદરા અને સુરત સુધી પણ મળવા આવતા હતા અને મારામાં હિમ્મત આવતી અને મારો ખરાબ સમય પસાર થઈ જતો હતો.

કિંડરગાર્ટનથી લઈ કૉલેજ સુધીનાં અનેક મિત્રો- કે અમુક મિત્રોના વર્ષો સુધી કોઈ કોન્ટેક્ટ પણ ન હતા એવાં અનેક મિત્રો મળવા આવ્યા હતા અને ફોન કરતા હતા. અને મને જાણે એન્ટીડિપ્રેશનનાં ડોઝ મળતા. અમુક મિત્રોના તો નામ પણ વિસ્મૃત થઈ ગયા હતા એવા મિત્રો કે જેમના ૩૫-૪૦ વર્ષથી કોઈ સંપર્ક ન હોય એવા પણ સંખ્યાબંધ મિત્રો મળ્યા રૂબરૂ અથવા તો ફોન પર. મારી એક સહેલી ઇંગ્લેન્ડથી બે વખત સરપ્રાઈઝ મળવા આવી. મારી એક સખી જેને અમારાં ટીચર્સ જુડવા કહેતા હતા એ ઓસ્ટ્રેલિયાથી જાણે દોડતી આવી હતી. સખીઓ સાથેના સ્નેહસંબંધો સગપણમાં ગૂંથાયા.

હું I.C.U.માં હતી ત્યારે એક મિત્રએ કહ્યું “હીના! હીના! મને સાંભળ. જો તું જીવીશ તો મને કોઈ ફરક નહીં પડશે. પણ, જો તું મરી જઈશ તો બહુ મોટો ફરક પડશે હવે તું જ નક્કી કર તારે શું કરવું છે?” આવી હતી અમારી ક્રિષ્ના-સુદામા જેવી મિત્રતા. મારા એક ડોકટર સર્જનમિત્ર જે દરરોજ સંખ્યાબંધ સર્જરીસ કરે એ મને મળવા આવ્યા ત્યારે લાગણીઓની પરાકાષ્ઠા અનુભવાય એમણે મારાં માથા પર હાથ મૂક્યો એમની આંખોમાંથી અશ્રુધારાઓની ધારા વહી પડી. નાનાં બાળકની માફક ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. એક પણ શબ્દ બોલ્યાં નહીં અને રૂમની બહાર નીકળી ગયા. અમારી જ્ઞાતિનાં પ્રમુખશ્રી વડીલમિત્ર શ્રી અરવિંદભાઈ મહેતા એમની જૈફ ઉંમરે પણ ડ્રાઈવર સાથે વારંવાર મળવા આવતા હતા અને ફોન્સ કરતા હતા. એમની વયનાં કારણે મને સંકોચ થતો હતો. હું એમને કહેતી પણ “શા માટે મારા માટે આટલી તકલીફ સહન કરો છો?” પણ સાચું કહું તો એમનાં આવવાથી મને એમની છત્રછાયા અનુભવાતી. એમની છત્રછાયામાં મને ઠંડકનો અહેસાસ મળતો હતો. મિત્રોનાં મિત્રો કે જેમને હું ઓળખતી સુધ્ધાં ન હતી. અને અનેક વાચકમિત્રો, ભાવકો મારા માટે પ્રાર્થના કરતા હતા, રેકી આપતા હતા. ઘણીવાર અજાણ્યાં નંબરથી પણ ફોન આવતાં હતા. અને મને શુભેચ્છાઓ પાઠવતા હતા. હું ગદ્દગદ્દ થઈ જતી. માણસ જાતનાં આવા સારાપણાનાં અનેક અનુભવો થયા. જાણે સ્નેહ આકાશમાં મેઘધનુષ્ય રચાય ગયું.

સોસાયટી અને ઓફિસનાં સ્વીપર અને મેડથી લઈ ઉચ્ચકોટિનાં કલાકારો, સાહિત્યકારો, અધિકારીઓ અને પદાધિકારીઓ મારાં ખરાબ સમયમાં મારી સાથે રહ્યા. દરેક મિત્ર પોતાની આસ્થા-શ્રધ્ધા મુજબ પોતાનાં ઈષ્ટ દેવ પાસે મારા માટે પ્રાર્થના કરતા હતા. કોઈકે માળા કરી, તો કોઈકે ઉપવાસ, કોઈકે નિયમિત મંદિરે જવાનો ક્રમ બનાવ્યો અને કોઈકે ભેટ ધરવાની બાધા-આખડી લીધી હતી. મારા ઘરમાં કામ કરનાર બેને પણ શ્રી સત્યનારાયણની કથા માટે બાધા રાખી હતી.

સુરતથી વડોદરા મળવાં આવતાં આડોશી પાડોશી અને મિત્રો સુરતથી મારાં માટે પાણી અવશ્ય લઈ આવતા.  મારા પતિનાં મિત્રોનો પણ સાથ ભૂલી શકાય એવો નથી. એમનાં એક મિત્રની પત્ની સ્વાતિ ત્રિવેદી કે જેમની સાથે મારે હાય-હલોથી વધુ સબંધ ન હતો. એ દર મંગળવારે સિદ્ધિવિનાયકનાં દર્શને જતા હતા. મંદિરમાં વિડીયો કે ફોટોશૂટ કરવાની સખ્ત મનાઈ હોવા છતાં એમણે મંદિરનાં ટ્રસ્ટી અને પૂજારી સાથે વાટાઘાટ કરી દર મંગળવારે મને વિડીયો પર બાપાનાં દર્શન કરાવતા હતા. એમની મારા પ્રત્યેની લાગણીને એમને સલામી આપવાની ઈચ્છા થાય છે. પોઝિટીવીટી માટે અમુક મિત્રોએ તકિયા નીચે-માથા પાસે મૂકવા માટે વાસ્તુશાસ્ત્રની સામગ્રી આપી હતી. તો, કોઈક મિત્રએ માતાની ચુંદડી આપી હતી. તો, કોઈકે એમનાં ગુરુજીનાં આશીર્વાદ. કોઈક મિત્રએ એમનાં કુળદેવીનાં દર્શન કરવાની બાધા રાખી હતી. મારા પતિનાં એક મિત્ર દિપક દેસાઈએ સદગુરુ પાસે ‘અભિષેકમ્’ પૂજા કરાવી હતી. એમનાં મિત્રોનો સાથ-સહકાર પણ અદ્દભૂત રહ્યો. વારંવાર મિત્રો કહેતાં “કોઈપણ પ્રકારની જરૂર હોય તો અડધી રાત્રે પણ યાદ કરજો.” મિત્રોની લાગણીથી હું ગદ્દગદ્દ- ભાવવિભોર થઈ જતી હતી. આમ છતાં, એકાદ-બે ટકા મિત્રો જેમને હું મારાં અંગત સમજતી હતી એ ન તો મને મળવા આવ્યા કે નહિં તો મને ફોન કર્યો. હું સતત એમને યાદ કરતી. પછી મેં મારા મનને મનાવી લીધું કે તેઓ મારી હાલત જોઈ નહિં શકતા હશે એટલે દૂર-દૂર રહેતા હશે. છતાં પણ, હું એમને આજે પણ મારા મિત્રો સમજુ છું એમનાં આવા વ્યવહારથી કદાચ હું જિંદગીને સમજી શકી. અને, માણસજાતનાં વિવિધ સ્વભાવો અને પ્રકારોને હું જાણી શકી- પીછાણી શકી.

ઓક્ટોબર મહિના પછી મારાં કોમ્પ્લીકેશન ઓછા થયા. પરંતુ, હજી ત્રણ મેજર સર્જરી બાકી હતી. પગમાં એક્સટર્નલ ફિક્સેટર અને પેટ પર કોલોસ્ટોમી બેગ તો હતા જ. પણ, જીંદગી સ્ટેબિલિટી તરફ પ્રયાણ કરી રહી હતી. હવે મને કંઈક એક્ટિવિટી કરવાની ઈચ્છા થઈ. પણ, શારીરિક રીતે હું કંઈપણ કરી શકવા અસમર્થ હતી.

મારો પુસ્તકીયો જીવ પુસ્તક વિના ઝૂરી રહ્યો હતો. શબ્દ મારો બ્રહ્મ છે. શબ્દ મારી આરાધના છે. મારે એનાં ચરણોમાં સમર્પિત થવું હતું. પણ, શક્ય કેવી રીતે થાય!? મારે તો ચટ્ટોપાટ સૂઈ જ રહેવાનું હતું. પંદર મિનિટથી વધુ બેસી શકતી ન હતી. મારા મનની આ વાત રજૂ કરતાં હું અચકાતી હતી. હું મનોમન વિચારતી હતી કે જો હું કહીશ “મારે કોઈ સાહિત્યિક પ્રવૃત્તિ કરવી છે. તો, સાંભળનાર કહેશે, શેખચલ્લીનાં વિચાર કરે છે.” આથી, હું મારા વિચારો રજૂ કરવા અવઢવ અનુભવી રહી હતી. એક દિવસ હિમ્મત ભેગી કરી ડ્રીમ પબ્લિકેશનનાં ઓનર મારા પરમ મિત્ર નીતાબેન આગળ મારી ઈચ્છા વ્યક્ત કરી. એક પણ સેકન્ડનાં વિલંબ કર્યા વિના નીતાબેન ઉત્સાહભેર બોલી ઉઠ્યા “યે હુઈના બાત! હા, હા, કેમ નહિં?? આને કહેવાય જોમ,જુસ્સો અને ઉત્સાહ. હું તો આ દિવસની પહેલે દિવસથી જ રાહ જોઈને બેઠી છું. તને વિચાર આવ્યો એટલે કામ સફળ થઈ ગયું એમ વિચારી લે. હું છું ને સાથે.” ‘હું છું ને’ શબ્દ માત્રથી મારામાં જોમ પ્રગટ્યું. કંઇક કરવાનો ઉત્કૃષ્ટ વિચાર દઢ અને પ્રબળ બન્યો. પરંતુ હવે શરૂ થયો જંગ. પણ મારે મંઝીલે પહોચવું જ હતું. હું મારી ડિસિશન ને કહેતી “મારી લાઈબ્રેરીમાંથી વાયરવાળી કાળી ફાઈલ લઈ આવ. ચેઈનવાળી ભૂરી ફાઈલ લઈ આવ. કાચાં પૂઠાની મોટી નોટસ આપ. પાકાં પૂઠાંની જાડી-મોટી નોટ આપ. વિગેરે વિગેરે...” એ પણ પૂરાં પ્રયત્નો કરતી હું જે માંગુ એ આપવા માટે. થોડી-ઘણી સફળ પણ રહેતી. પરંતુ, મારી જરૂરિયાત પ્રમાણે એ કાર્ય કરવા જેટલી કુશળ ન હતી. કારણ, એની પણ એક મર્યાદા હતી. દશ ધોરણ ભણી હતી. વાંચી-લખી શકતી હતી. પણ, મારી માંગ પૂરી કરવા જેટલી કેળવાયેલી અને ઘડાયેલ ન હતી. હું વળી નીતાબેનને ફોન કરતી. “નીતાબેન! આ કામ તો સાગરનાં પેટાળમાંથી મોતી શોધવા જેટલું મથામણભર્યું છે. કોઈ શક્યતા દેખાતી નથી.” નીતાબેન ખૂબ જ ઠંડા કલેજે મને આશ્વસન આપતાં “ધીરજ રાખ! આપણે ક્યાં ઉતાવળ છે. ધીમે-ધીમે થશે. આપણે કરીશું જ એ વાત ચોક્કસ.” એમની વાતોથી ફરી હું આશાવાદી બનતી. સૂતાં-સૂતાં મારે બધું કામ કરવાનું હતું. વજનદાર ફાઈલો ઉંચકવું મને ખૂબ અઘરું પડતું. હાથ દુઃખી જતા. આંખો ખેંચાતી સોલ્ડર પેઈન ચાલુ થઈ ગયું. મારા ફિઝિયોથેરાપીસ્ટે મને ટોકી “હમણાં જરા શાંતિ રાખો ને. પહેલાં ચાલતાં શીખો. કલમ તો પછી દોડશે જ.” પેઈનનાં કારણે હું પણ મારો વિચાર પડતો મૂકતી. “મારાથી કશું થાય નહીં” વાળું ડિપ્રેશન ફરી મને ઘેરી વળતું. હું થોડાં દિવસ બંધ કરી દેતી પણ ફરી મારું મન ખેંચાતું હું ફરી પ્રયત્નો કરતી. ઘણાં દિવસોની મહામહેનતે હું પુસ્તક બનાવવા જેટલું મટીરીયલ્સ એકઠું કરી શકી. હવે આ પુસ્તકને કેવો ઓપ આપવો, કામ કેવી રીતે પાર પાડવું એ માટે નીતાબેન સાથે મિટિંગ કરવી આવશ્યક બની.

દિવસ દરમ્યાન તો હું ભૂકંપનાં ભયનાં ઓથારે જ હોઉં. બે વખત ફિઝિયો ટ્રીટમેન્ટ, એક વખત ડ્રેસિંગ, કોલોસ્ટોમીબેગનું ક્લીનીંગ વિગેરે વિગેરે. ફિઝિયો અને ડ્રેસિંગનાં દુઃખાવાનાં આફ્ટર શોક પણ ઝેલાવાના હોય. આ મારો નિત્યક્રમ હતો. વળી, દિવસ દરમ્યાન ડિસિશન નાં ટી.વી.નો ઘોંઘાટ. કેરટેકરને સાચવવા ટી.વી.નાં ન્યુસન્સને સહન કરી લેવું મારા માટે ફરજિયાત હતું. રાત્રે બધા સૂઈ જાય પછી હું મારા મન-મગજને રીલેક્સ કરી લગભગ બાર વાગ્યા પછી નીતાબેન સાથે પુસ્તક વિશે ચર્ચા કરતી હતી. નીતાબેન અડધી રાત્રે મારી સાથે પુસ્તક વિશે ચર્ચા કરતાં હતાં. એમણે મને ફક્ત પ્રોત્સાહન જ નહીં પરંતુ અઢળક સાથ સહકાર આપ્યા. હું મોબાઈલમાં સૂતાં-સૂતાં ટાઈપ કરતી. આમ ને આમ સૂતાં-સૂતાં એક પુસ્તકનો જન્મ થયો જેનું નામ રાખ્યું “એક કટકો કોલાજનો” જેમ એક મા નવજાત શિશુને જોઈ પ્રસૂતિ પહેલાની પીડા વિસરી જાય એમ હું પણ મારી બધી જ તકલીફિઝિયો વિસરી ગઈ જ્યારે પુસ્તક અંતિમ ચરણમાં પહોંચ્યું. પરંતુ, આ બધો જ શ્રેય નીતાબેન અને મારા મિત્રોને જાય છે.

મારા નસીબમાં જેટલી પીડા લખાઈ છે એને ભોગવી રહી છું જાણે ઈશ્વર પ્રત્યેની મારી આસ્થા પણ ક્યારેક ખૂટી જાય છે. ઘણીવાર અકળાય પણ જાઉં છું કે ઈશ્વર હશે ખરો!? કર્મનાં ફળનું તોલ-માપ કોણ કરી રહ્યું છે!? મને જો ઈશ્વરનું સરનામું મળે તો જઈને પૂછું અને માંગુ મારા કર્મનો હિસાબ. પણ, જ્યારે ફરી મિત્રની વાત આવે ત્યારે ફરી મારી ઈશ્વર પ્રત્યેની આસ્થા સુંદર આકૃતિ ધારણ કરી લે છે. ઈશ્વરે મને દરિયો ઉલેચી-ઉલેચીને મિત્રો આપ્યા છે. ખુલ્લાં હૃદયથી અને ખુલ્લાં હાથથી મને મિત્રોની લ્હાણી કરી છે. જરા પણ મન ડગુ-મગુ થાય ત્યારે કોઇપણ મિત્ર હાજરાહજૂર કે ફિઝિયોનની રિંગ અથવા વોટસએપ મેસેજ થકી રણકી ઉઠતા. જાણે ક્રિષ્નાએ ખુદ પોતે જ સુંદર વ્યવસ્થા કરી હોય. અને, મારા જીવન અંધકારમાં મિત્રતાની મીણબત્તી ઝળહળી પ્રકાશ પ્રજ્જવલિત કરી દે છે.

સૂર્યકિરણ અને ચંદ્રકિરણ પણ ઉંબરેથી મને હાથતાળી આપી જતાં રહે છે. પણ, મિત્રો હરહંમેશ મારો હાથ અને સાથ ઝાલી રાખે છે. કહેવાય છે ‘જબ અંધેરા હોતા હૈ તબ પરછાઈ ભી સાથ નહીં દેતી.’ મારી સાથે પણ એવી જ ઘટના ઘટી. જ્યારે મારા પડછાયાએ પણ મને છોડી દીધી ત્યારે મારા મિત્રોએ મને જડમૂળમાંથી જકડી રાખી હતી.

એટલે જ તો મારા ચિત્ત ઉપવનમાં મન મોર બની થનગનાટ કરે છે કે મિત્રો એટલે જાણે શ્વાસના પાને પાને આલેખાતો સંવાદ. જાણે શિયાળામાં સ્ફૂર્તિલી તાજગી આપતી ગુલાબી ઠંડી. જાણે ઉનાળામાં મોડી સાંજે વહેતો મંદ-મંદ પવન. જાણે ચોમાસે વરસતો ઘનઘોર મલ્હાર. જાણે આકાશે ઝળહળતો સૂરજનો અવતાર. જાણે સમંદરની ઊંડી સમજણનો વિસ્તાર. જાણે શબ્દોનાં આકાશે ટંકાયેલ તારલાં. જાણે વાદળની મખમલી રજાઈ. જાણે પાંદડાનાં ટેરવે ઝીલેલ ઝાકળબિંદુ. જાણે વહેતી નદીનું સરનામું. જાણે ડુંગરેથી કૂદકો મારેલ ઝરણાંનો શણગાર. જાણે ભીની માટીની મહેંક. જાણે કસ્તુરીની સુગંધ. જાણે મારાં પ્રશ્નોનાં ઉત્તર. જાણે મંઝીલે પહોંચવાનો સીધો રસ્તો. જાણે કાગળ પર વહેતી શાહીની નદી. જાણે મારાં જીવન કિતાબની પ્રસ્તાવના. જાણે આભને આંબવાનો આકાશમાર્ગ. જાણે ચંદ્રને ફરતે રમતો ગરબો. જાણે દિવડાંની ઝળહળતી જ્યોત. જાણે મંદિરનાં ઘુંમ્મટનો ઝીણો-મીઠો રણકાર. જાણે અમાસની રાતે ટમટમતાં તારલાં. જાણે અંતરની અંતાક્ષરી રમાડી એક કડીને બીજી કડી સાથે જોડી દેનાર લય, જાણે વ્યોમની વિશાળતા, જાણે સુદામાનો ક્રિષ્ન.

આવા છે મારાં મિત્રો. મને હંમેશા મારાં દરેક મિત્રોમાં કૃષ્ણની હાજરીના અનુભવનો સાક્ષાત્કાર થાય છે.