Banashaiya - 10 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બાણશૈયા - 10

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બાણશૈયા - 10

પ્રકરણ: ૧૦

સાત પેઢીનો સંબંધ

જ્યારે પોતાની દીકરી, પોતાનું કાળજું કોઈ અજાણ્યા-અપરિચિતને સોંપવાનું હોય ત્યારે દરેક મા-બાપની નજર સી.આઈ.ડી. જેવી થઈ જતી હોય છે. એવાં સમયે દિલ અને દિમાગનાં કશ્મકશ વચ્ચે બંધાતો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. અને પછી, એ સંબંધમાં ફક્ત વત્તા અને ગુણાકાર સતત રહે એટલે સાત પેઢીનો સંબંધ. કંકુવર્ણ સ્નેહનો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. સ્નેહ અને સગપણનાં માંડવે રચાતો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. હસતાં-હસતાં ત્યાગ, સમર્પણ અને જતું કરવાની નીતિ ફક્ત આ જ સંબંધમાં જોવા મળે. શું મેળવ્યું કરતાં શક્ય એટલું વધુ આપવાના આનંદનો અવસર સાત પેઢીનાં સંબંધને આંગણે જ જોવા મળે છે. ઘરમાં કોઈ નવી વાનગી બની હોય અને સૌથી પહેલાં યાદ આવતું સરનામું એટલે વેવાઈનું ઘર. અને, જ્યારે અચાનક અને અણધારી વણનોતરી કોઈ આપત્તિ આવી ચડે ત્યારે મોબાઈલનાં સ્ક્રીન પર સૌથી પહેલાં પ્હોંચતી આંગળીઓનું ઓળખનામુ એટલે વેવાઈનો ફોન નંબર. આમ, શૂન્યથી સર્જન સુધીની યાત્રાનાં યાત્રિકો વચ્ચે પાંગરતો સંબંધ એટલે સાત પેઢીનો સંબંધ. સામાજિક માણસનાં અસ્તિત્વને સાર્થક કરતો સંબંધ છે આ. અને એટલે જ પેઢી દરપેઢી પ્રિયજન કહેવાનું મન થાય છે.

શાસ્ત્રોમાં પણ કહેવાયું છે, પૂર્વજોએ પણ નોંધ્યું છે કે સાત પેઢીનાં સંબંધ મૂળ અને કૂળ જોઈને બાંધવા. તેથી જ અંત:કરણમાંથી ઉદ્દગાર સરી પડે છે કે અમારાં અહોભાગ્ય કે અમને સાત પેઢીનાં સંબંધી સ્વરૂપે શ્રી વંદનભાઈ શાહ અને શ્રીમતિ સીમાબેન શાહ મળ્યા. આ અમારાં જીવનનો મહામૂલો પ્રસાદ છે. અમારે ભગવાનનો પાડ માનવો જ રહ્યો કે આ કોઈ પૂર્વજન્મનાં ઋણાનુંબંધ જ હશે. બાકી તો, દીવો લઈને શોધવા જઈએ તો પણ આવા પરગજુ અને લાગણીથી તરબતર માણસો મળવા મુશ્કેલ છે. તેથી જ તો અમારાં માટે મનપાંચમનો મેળો એટલે વંદનભાઈ અને સીમાબેનને મળવાથી અનુભવાતો લખલૂટ આનંદ.

જ્યારે અણધાર્યું અચાનક એક્સિડન્ટ થયું અને વંદનભાઈને જાણ થઈ ત્યારે જરાપણ વિલંબ કર્યા વિના ગોધરાથી રાજસ્થાન આવવા નીકળી ગયા. તેર કલાકની મુસાફરી દરમ્યાન સતત ફોનથી સંપર્કમાં રહેતા હતા. અડધી રાત્રે અજમેર મિત્તલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા. સૌથી પહેલાં ડૉકટર સાથે મીટીંગ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. એમની હાજરીથી અમને હૂંફ અને હિમ્મત મળ્યા. માંડ બે-ત્રણ કલાકનો આરામ લઈ વહેલી સવારે જ્યાં અમારું એક્સિડન્ટ થયું હતું ત્યાં કેકરી જવા અજમેરથી નીકળી ગયા. કેકરી પોલીસસ્ટેશનમાં FIR કરાવી. ટોટલ લોસ્ટ થઈ ગયેલ અમારી કાર માટે કંપની સાથે વાટાઘાટો કરી અને કારને સુરત મોકલવાની વ્યવસ્થા કરી. આખો દિવસ દોડધામ કરી દરેક કામો આટોપી ફરીથી અજમેર હોસ્પિટલમાં આવી પહોંચ્યા. એમની કાર્યકુશળતા, કાર્યદક્ષતા અને પોતીકાપણાથી વારંવાર અંતરમાંથી ઉદ્દગારો સરી પડતા. અમારો સ્નેહસેતુ વધુ મજબૂત બન્યો. અજાણ્યા રાજ્યમાં અચાનક આવી પડેલ આપત્તિમાં વંદનભાઈએ તન, મન, ધનથી બધી જ જવાબદારી દિલથી નિભાવી હતી. સીમાબેનનાં ગોધરાથી વારંવાર ફોન્સ આવતા હતા. જાણે તેઓ ઓનલાઈન થઈ ગયા હતા. અમારા પ્રત્યેની એમની ચિંતા, અધીરાઈ હૃદયને સ્પર્શ કરતા હતા. દર ફોન પર એક જ આગ્રહભરી વાત કહેતા “હિનાબેન! એવું જરાય મનમાં ન લાવશો કે અમે તમારી દીકરીનાં સાસુ-સસરા છીએ. આપણે બે બહેનો છીએ. જેવી રીતે તમારી દીકરી એ મારી દીકરી એમ મારો દીકરો એ તમારો જ દીકરો છે. સુરત તમે એકલાં થઈ જશો. વડોદરા હશો તો આપણે ભેગાં મળી પરિસ્થિતિને પ્હોંચી વળીશું. આથી તમારે વડોદરા જ આવવાનું છે.” એમની વાતોમાં લાગણીનાં પૂર વહેતા હતા. અમને પણ એમની વાત ઠીક લાગી- ગોધરાથી સુરત અને વડોદરાથી સુરત બધા માટે દોડધામ વધી જશે. આથી, મારે વડોદરા હોસ્પિટલમાં એડમિટ થવું બધા માટે સગવડભર્યું રહેશે. જો કે, એ સમયે કોમ્પ્લીકેશન માઝા મૂકી દેશે એવો અણસાર સુધ્ધાં ન હતો. અને અમે અજમેરથી વડોદરા આવી પહોંચ્યા.

વંદનભાઈ અને સીમાબેન ખડેપગે અમારી સાથે ઊભા હતા. અમારો સંબંધ વધુ કંકુવર્ણ બનતો ગયો. વડોદરાના ફ્લેટમાં બધી જ સગવડ સીમાબેને કરી દીધી હતી. બધું જ સારું ચાલી રહ્યું હતું. અને, અચાનક કોમ્પ્લીકેશન્સ શરૂ થયા. ઓર્થોપેડીક હોસ્પિટલમાંથી શિફ્ટ થઈ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં એડમિટ થવાથી માંડી દરેક ડિસિશન વંદનભાઈ લઈ રહ્યા હતા. જેમ-જેમ મુશ્કેલીઓ માઝા મૂકી રહી હતી તેમ-તેમ સંબંધોમાં અમીછાંટણા થતા ગયા. જ્યારે મને વેન્ટીલેટર પર મૂકવામાં આવી ત્યારે હેમંત હેબતાઈ ગયા હતા. બેબાકળા થઈ ગયા હતા. એવાં અવઢવ અને કટોકટીનાં સમયે વંદનભાઈ એક ભાઈ, એક મિત્ર અને ઘરનાં જવાબદાર અને મોભી વ્યક્તિ તરીકે તત્ક્ષણ નિર્ણયો લઈ બધી જ જવાબદારીઓ નિભાવી રહ્યાં હતા. ડોક્ટર્સે મારી પરિસ્થિતિનો તાગ વંદનભાઈને જણાવ્યો ત્યારે આવનાર અણધાર્યા ખર્ચ માટેની વ્યવસ્થા પણ વંદનભાઈએ કરી હતી. સીમાબેન પરિસ્થિતિને કળી જઈ મારાં બંને સંતાનોને ‘મા’ની હૂંફ આપી રહ્યા હતા. હેમંતના ખભાનો બધો જ ભાર વંદનભાઈ અને સીમાબેને ઉપાડી લીધો હતો. ક્યાંય પણ કોઈપણ ટ્રીટમેન્ટમાં કચાશ ન રહે એ માટે વંદનભાઈ સતત ડોક્ટર્સ સાથે કોન્ટેક્ટમાં રહેતા હતા. એમનાં ડોક્ટર્સ મિત્રોનો પણ સતત સાથ-સહકાર રહેતો હતો. થઈ રહેલ મસમોટાં ખર્ચાનો અણસાર સુધ્ધાં હેમંતને આવવા દીધો ન હતો. સીમાબેન અને વંદનભાઈએ કથકને પણ અણધાર્યા ખર્ચ માટે રોકડ રકમ આપી રાખી હતી. જે આજસુધીમાં કોઈ ઘરમાં જોવા ન મળ્યું હોય એવી એમની નિર્મળ લાગણીઓનો અભિષેક અમારાં પર સતત થતો રહ્યો. જાણે અમારાં અસ્તિત્વની સાર્થકતાનું તેઓ પ્રમાણપત્ર સાબિત થયા હતા.

મારાં શ્વાસ જ્યારે સાથ છોડી રહ્યા હતા ત્યારે મારો અવાજ પણ બહાર નીકળતો ન હતો. મારે સીમાબેન અને વંદનભાઈને કહેવું હતું “કથક અને પર્જન્યને સાચવી લેજો. હેમંતને સાથ-સહકાર આપજો.” પણ, હું મારી લાગણી વ્યક્ત કરવા અસમર્થ હતી. એવાં સમયે મારી આંખો એમણે વાંચી લીધી અને માથું ધુણાવી મને આશ્વાસન અને સાંત્વનાઆપી જાણે દસ્તાવેજીકરણપૂર્વક એમણે સહમતી આપી. એ સમયે હું નિશ્ચિંત થઈ ગઈ હતી. જે અનુભૂતિ મને હજી પણ વારંવાર અનુભવાય છે. કથક માટે એ સુરક્ષિત ઘરમાં અને કુટુંબમાં હોવાનો સંતોષ તો પહેલેથી જ હતો. પરંતુ પર્જન્યને જે રીતે એમની પાંખોમાં સાચવી લીધો હતો અને હૂંફ આપી રહ્યા હતા એ મારા જીવનની ધન્યતા હતી. યશ મારા બેડ પાસે ઉભો રહી માંગલિક કરતો હતો. જેમ-જેમ પરિચય ગાઢ બનતો જતો હતો તેમ-તેમ અમારી વચ્ચે પ્રિતી પણ વધતી જતી હતી જાણે ‘મળેલા જીવ’.

સીમાબેન અને વંદનભાઈ ગોધરા અને વડોદરા વચ્ચે દોડી રહ્યા હતા. એમનો એક પગ ગોધરા ખાતે અને એક પગ વડોદરા ખાતે રહેતો. વંદનભાઈ એમની ઓફિસનું કામ આટોપી સતત વડોદરા દોડતા હતા. સીમાબેન પણ ગોધરાથી ઘરની વ્યવસ્થા કરી અને વારંવાર વડોદરા મારી પાસે હોસ્પિટલમાં રહેતા હતા. સાચ્ચે જ મા જણી બહેનની જેમ મારી સાર-સંભાળ-પંપાળ અને કાળજી રાખતા હતા. મારાં સ્પંજથી લઈ મેડિસીન્સ બધાનું જ ધ્યાન રાખતા હતા. અવનવી વાતો કરી મારું મન બહેલાવવા સતત પ્રયત્નશીલ રહેતા. એમનાં હોસ્પિટલમાં બહારનું ફૂડ માન્ય ન હોવા છતાં સીમાબેને સ્પેશિયલ કેસમાં પરમિશન લીધી હતી અને ઘરેથી એમનાં હાથે રાબ, સૂપ બનાવી લઈ આવતાં અને એમનાં જ હાથે મને પીવડાવતા હતા. નાનામાં નાની મેડિકલી સાર-સંભાળ અને નોંધ રાખતા હતા. જૈનધર્મની વાતો કરતા હતા જેનાથી મારા મનને ખૂબ શાતા અનુભવાતી. મહારાજશ્રી અને મહાસતિજીનાં વ્યાખ્યાનુંની વાતો સંભળાવતા હતા. ધર્મનાં પુસ્તકો વાંચીને સંભળાવતા. એમની વાતોથી મને એવું લાગતું કે જાણે મને કશું થયું જ નથી અને હું જલ્દી સાજી થઈ જઈશ. ‘સાજા થઈને ક્યાં ક્યાં ફરવા જઈશું?’ એવાં પ્લાનો ઘડતા અને મારો પીડાદાયક સમય પસાર થઈ જતો હતો. એમણે મહુવા-વિઘ્નહરની બાધા પણ રાખી હતી. ઉપાશ્રયમાં વારંવાર દાન-ધરમ કરતા હતા. મને ખૂબ સંકોચ અનુભવાતો. હું ‘દીકરીની મા’ છું સીમાબેન દીકરીનાં સાસુ હોય એ મારી આટલી બધી સેવા-સુશ્રુષા કરે એ મને નહી શોભે. બહુ ખોટું થઈ રહ્યાનો સંકોચ મને સતત ડંખ્યા કરતો. પરંતુ, સીમાબેનનાં પ્રેમાગ્રહ મારે સ્વીકારવો જ પડતો હતો. આ પણ મારું અહોભાગ્ય હતું. એ કહેતા “લો હિનાબેન! તમે તો તમારી દીકરી મને આપી છે તો હું તમારી ઋણી ગણાઉં” એમની આટલી ઉચ્ચ અને ઊંડી વિચારસરણી તેમજ સમજણની પરિપક્વતાને હું મનોમન વંદન કરી રહેતી. મનમાં વિચારતી “જો સમાજમાં બધાં જ આટલા ઉચ્ચ વિચારો ધરાવશે તો કોઈ મા એ પોતાની કૂંખમાં દીકરીની ભ્રૂણહત્યા નહીં કરવી પડશે.” ખરેખર! સીમાબેન અને વંદનભાઈ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા હતા. અને, એમની લાગણીનું પરબીડિયું મારે હૃદયે બંધાય ગયું. વંદનભાઈ જ્યારે પણ આવે ત્યારે એમ જ કહેતા ‘આજે તો તબિયતમાં ઘણો સુધારો જણાય છે’ એવી એમની ‘હકાર’ની વાતોથી મારામાં ઉત્સાહ આવતો. સીમાબેન અને વંદનભાઈનાં કારણે મારાં હૈયે નવો સૂરજ નવું જોમ લઈને ઉગતો હતો.

ગોધરાથી એમનાં ડોક્ટર્સમિત્રો, સગાં-સંબધીઓ વારંવાર મળવા આવતા હતા. અને બધાં જ પોત-પોતાનાં હિસ્સાનો શ્વાસ મારામાં ભરી જતા હતા. મારો ડર, મારી પીડા, મારી વેદના જાણે છૂમંતર થઈ જતી હતી. દર કોમ્પ્લીકેશન વખતે સીમાબેન અને વંદનભાઈની જાદુઈ ચિરાગ મારામાં હિમ્મત, ઉત્સાહ અને આશા જન્માવી જતાં હતાં. વંદનભાઈનાં મોટાભાઈ મુ.શ્રી. યોગેશભાઈ વારંવાર ગોધરાથી આવતા હતા. એમણે એક નિયમ બનાવ્યો હતો દરરોજ સાંજે પાંચ વાગ્યે મને ફોન પર ‘માંગલિક’ અને ‘લોગસ’ સંભળાવતા હતા. એનાં કારણે મારાં લબૂકઝબૂક થતાં દીવડામાં ઘી પૂરાતું અને પ્રકાશ ફેલાશે જ નો મારો આત્મવિશ્વાસ દઢ બનતો જતો હતો. અંગત અને ઉમદા મિત્રોની જેમ અમારાં ખરાબ સમયમાં સાથે લગોલગ ઉભા રહ્યા. ગાંધીજીની પંક્તિ જાણે એમણે ગળથૂથીમાંથી પચાવી હતી. “વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” ખરેખર! આખું શાહ ફેમિલી સંવેદનાની એરણ પર ચાલીને અમારી પીડા પીગાળી નાખવામાં સફળ રહ્યા. સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ એમણે પુરું પાડ્યું. આખું શાહ ફેમિલી અમારે માટે મઝધારે નૈયા હંકારવાનું ભગીરથકાર્ય કરી રહ્યું હતું. જ્યારે ડોકટર્સે કહ્યું કદાચ બની શકે હોસ્પિટલનાં બેક્ટેરિયાથી રેઝિસ્ટ થવાને કારણે ઈન્ફેક્શન પર કોઈ એન્ટીબાયોટિક કામ કરી રહી ન હોય. એવાં સમયે વડોદરાનાં ફ્લેટમાં હોસ્પિટલ જેવી બધી જ સગવડ સુવિધાની વ્યવસ્થા કરી રહ્યા હતા. પરંતુ ત્યાર પછી સુરત ડૉ. એચ.પી. સિંધની ટ્રીટમેન્ટનું ફાઈનલ ડિસિશન લેવાયું અને મને સુરત રેલીશ હોસ્પિટલમાં શિફ્ટ કરી. મારાં કોમ્પ્લીકેશનને ધ્યાનમાં લઈ ફક્ત એક જ કલાકમાં ડૉ. એચ.પી. સિંધે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ટ્રાયસ્ટારમાં એડમિટ કરવાનો નિર્ણય લીધો. પરંતુ, ૨૭ એપ્રિલથી ૪ જુલાઈ સુધી ખડે પગે તન-મન-ધનથી વંદનભાઈ અને સીમાબેને મને અને મારાં પરિવારને સાચવી લીધા. ક્યાંય કોઈ ઉણપ, ઓછપ કે ખોટનો અણસાર આવવા દીધો ન હતો. એમનો અમારા પ્રત્યેનો વ્યવહાર લાગણીથી નીતરતો હતો. આ સમય દરમ્યાન અમારાં સંબંધોમાં આંતરિક સોંદર્યનું સાખ્ય ગાઢ બનતું ગયું. અમારી વચ્ચે સ્નેહતંતુઓ તાણા-વાણાની જેમ જોડાય ગયા. સાચ્ચે જ જીવનપથ પર સાચ્ચાં માણસો મળ્યાનું સદ્દભાગ્ય સાંપડ્યું.

સુરત ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં એડમિટ થયા પછી વારંવાર સર્જરીનો એક છપ્પા પર બીજો છપ્પો પડતો હતો. શરીરમાં બિલકુલ ગત રહી ન હતી. આવી પરિસ્થિતિમાં સીમાબેન અને વંદનભાઈનાં નિયમિત ફોનથી હૈયે હૂંફ અને હામમાં જોમ મળતા હતા. વારંવાર ગોધરાથી સુરત આવતા હતા. સીમાબેનને કમરનો અસહ્ય દુઃખાવો, વર્ટીગોની તકલીફ હોવા છતાં પાંચ કલાક આવવાના અને પાંચ જવાના એમ કુલ દશથી બાર કલાકની મુસાફરીની યાતના વેઠીને સુરત આવતા હતા.

સીમાબેન સુરત અમારાં માટે નાસ્તા એમનાં હાથથી બનાવીને લઈ આવતા હતા. સામાજિક ધારાધોરણથી બિલકુલ વિરુધ્ધ થઈ રહ્યાનો ડંખ મને લાગ્યા કરતાં. આમ, સમાજની સ્થૂળતા વચ્ચે અમારા માંહ્યલાએ મિજબાની માણી. આમ, મૃગજળ અને અશ્રુબિંદુથી અમારો સંબંધ પાંગરી રહ્યો. અમારાં જીવનમાં કાળાડિબાંગ વાદળોથી અંધકાર છવાય ગયો ત્યારે આ જ સંબંધ અમારાં જીવનમાં અજવાળું પાથરી ગયો.

કહેવાય છે દરેક સંબંધ પર અન્નજળ પાણીની મહોર કુદરતે લગાવીને જ પૃથ્વી પર મોકલ્યા હોય છે. અને, ખરેખર આ અન્નજળ અમારા માટે અમૃતજળ પુરવાર થયું ને અમારું નવુંજીવન સિંચી ગયું.

વંદનભાઈ અને સીમાબેનની સમયને સાચવી લેવાની કુનેહ, કાર્યદક્ષતા, અતિપ્રેમાળ સ્વભાવ અને વ્યવહારુ વલણનાં કારણે અમારો મોદીપરિવાર અને શાહપરિવાર થકી એક હૂંફાળા માળાની બાંધણી થઈ. જાણે, બે પરિવારનો હૃદયમેળાપ થઈ ગયો. અમારી વચ્ચે લાગણીઓનું પરબીડિયું હૃદયે બંધાય ગયું. હર્ષાશ્રુથી બાઝેલ ઝાકળબિંદુ હૃદયની ડબ્બીમાં ભાવિપેઢી માટે સાચવી શકાય એવાં સંબંધનો વિસ્તાર થયો. જીવંત અને યાદગાર સંબંધ બંધાયો.

જેમ કમળની ગુલાબી કુમાશથી સરોવરનું સૌદર્ય છલકાય જાય છે એવી જ રીતે એમની લાગણીઓથી અમારું મનસરોવર છલકાય ગયું. એમનાં સ્નેહમાં સ્વાતીનક્ષત્રનાં વરસાદનો અનુભવ થયો.