Banashaiya - 9 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બાણશૈયા - 9

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બાણશૈયા - 9

પ્રકરણઃ ૯

લોહીની સગાઈ અને એથીય પરે

ઈશ્વરને પણ ઈર્ષા આવે એટલી હું પપ્પાની લાડકી એ વાત જગજાહેર છે. ‘હું’ દીકરી હોવાનો એમને ક્યારેય ભાર નથી લાગ્યો. એમણે મા અને બાપ બંનેનો પ્રેમ ત્રણેય બહેનોને આપ્યો છે.

આમ પણ, મારું માવતર એટલે પપ્પાની વિશાળ છત્રછાયા નીચે હું, માસીમા અને મારી બે બહેનો. આ ચાર સ્તંભ પર ટકેલ મજબૂત, શાનદાર અને સમાજમાં ઉદાહરણ રૂપ ઈમારત એટલે મારું ગૌરવવંતુ પિયર. આમાંથી એક પણ સ્તંભ હાલકડોલક થાય તો મારા માવતરની ઈમારત ડગી જાય. અને, છત્રછાયા રૂપી પપ્પા ઢીલાઢસ થઈ જાય. એમનો જીવ અમારાં ચારમાં જ વસેલો. અમારા ચારના કુંડાળામાં એમનું સમગ્ર વિશ્વ સમાય જાય અને એમની વિશાળ છત્રછાયામાં અમને સુરક્ષિતતા મહેસુસ થાય.

મને અજમેરથી વડોદરા એમ્બ્યુલન્સમાં લાવવામાં આવી ત્યારે નવસારીથી પપ્પા, માસીમા, સુરતથી મારી વચલી બહેન અને જીજાજી તેમજ મુંબઈથી નાની બહેન વડોદરા પ્હોંચી ચૂક્યા હતા. એ સમયે તો બે પગમાં ફેક્ચર્સ અને જમણા હાથમાં ફેક્ચર્સનું જ ડાયગ્નોસીસ થયું હતું. આવી પરિસ્થિતિને હળવાશથી લીધી હતી. એ ચારેયે મારું કાઉન્સેલિંગ કર્યું “તું બહુ દોડતી હતી ને! તને જરા જપ ન હતો આથી આરામ કરવા માટે ભગવાને આ પરિસ્થિતિ નિર્માણ કરી. મારી નાની બહેન ડોક્ટર. એણે કહ્યું “દીદી! આરામ કર. તને તો જલસા પડી ગયા. આવો સમય ફરી ન મળે. ત્રણ મહિના પછી તો દોડવાનું જ છે.” આવી વાતોથી હળવાશમય બે દિવસો નીકળી ગયા. મારાં ડાબા પગ અને જમણા હાથની સર્જરી પણ થઈ ગઈ. પપ્પા અને માસીમા નવસારી ગયા. મારી બે બહેનો એમનાં ઘરે ગઈ. બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું.

બે દિવસ પછી જ્યારે કોમ્પ્લીકેશન શરૂ થયાં ત્યારે બધાંની ઉંધ ઉડી ગઈ. હું વેન્ટીલેટર પર. નવસારી પપ્પાએ જીદ્દ પકડી ‘વડોદરા જવું છે.’ ૭૬ વર્ષનાં પપ્પાને લઈને વડોદરા પહોંચવું માસીમા માટે પણ હિમંત માંગી લે એવું કામ હતું. સુરત સ્થિત મારી વચલી બહેન, જીજાજી, પપ્પા અને માસીમા વડોદરા આવી પહોંચ્યા. મુંબઈથી રાત્રે ૩.૦૦ વાગ્યાની ફ્લાઈટ પકડી સૌથી નાની બહેન પણ વડોદરા આવી પ્હોંચી. હું શૂન્ય તરફ સરી રહી હતી. બધાંનાં જ હાંજા ગગડી ગયા હતા. મારું સર્જન કરનાર પપ્પાએ જ્યારે મને શૂન્ય તરફ પ્રયાણ કરતી જોઈ હશે ત્યારે એમનાં પર શી વીતી હશે!? હું એમનું કાળજું હતી. એમનાં કાળજા પર જાણે છીણીઓનાં પ્રહાર થયાં હશે. સ્વભાવે નરમ એવી મારી વચલી બહેન તો શૂન્યમનસ્ક બની ગઈ હતી. અને, અમારાં સૌમાં સૌથી વધુ હિંમતવાન એવી નાની બહેન ડોકટર જે પરિસ્થિતિને સુધારવા મથામણ કરી રહી હતી. એ મુંબઈ સ્થિત M.G.M. હોસ્પિટલમાં ઈન્ટેનસિવિસ્ટ છે. એના માથે આભ તૂટી પડ્યું. એણે ક્ષણેક્ષણ મને સાચવવાની હતી. સામે ઉભેલ વિકરાળ યમની સામે એણે જ ઢાલ બનવાનું હતું. સાથે મારાં બે સંતાનોને ‘મા’ની હૂંફ આપવાની હતી. મારા પતિ હેમંતને મોરલ સપોર્ટ આપવાનો હતો અને પપ્પાના ખભાનો ભાર પણ ઉંચકી લેવાનો હતો. પપ્પા અડધી રાત સુધી હોસ્પિટલમાં બેસી રહેતા હતા. હોટલનાં રૂમ પર જવા તૈયાર જ થતાં ન હતા. એમનો જીવ જાણે મારી પાસે અટકી ગયો હતો. એમનાં પગલાંમાં ના હતું જોમ કે ન હતું હૈયે હામ.

વેન્ટીલેટરનાં ૧૨ દિવસ બધા માટે અગ્નિપરીક્ષામય રહ્યા. કોણ કોને સાચવે!? એમાંયે પપ્પાને સાચવવા અઘરાં હતાં જે ખભા પર બેસાડી મને દુનિયાનાં દર્શન કરાવ્યા હતા. જે ખભે મને બેસાડી મેળામાં ચકડોળ અને મનગમતી લાઈટીંગ બતાવી હતી. એ ખભા ચકડોળની માફક ચકરાવે ચઢ્યા હતા. એ મજબૂત અને ઉત્સાહી ખભા પર અણધાર્યો અકલ્પનીય મારો અંતિમભાર ઊંચકવાનો ભય સતાવી રહ્યો હતો. સૂરજ તો ઉગે ને આથમે. દિવસ પર રાત અને રાત પર દિવસ વિતતા જતા હતા. તેમ-તેમ મારાં કોમ્પ્લીકેશન પણ વધતા જતા હતા. પપ્પાને મારાં નાકનો નકશો ખૂબ ગમતો એ જ નાક જ્યારે શ્વસી ન શકતું હોય, ચપટીક શ્વાસ માટે ફેંફસા ટળવળતાં હોય, વેન્ટીલેટરનાં સહારે જીવન ઉધારી પર ચાલતું હોય ત્યારે પપ્પાનાં શ્વાસો કેવાં રૂંધાયા હશે!? એમણે અકળામણ અને ગૂંગળામણ અનુભવી હશે!?

હરહંમેશ કલકલ વહેતાં ઝરણાં જેવાં મારા નિનાદે જ્યારે ધીર-ગંભીર નદીનું સ્વરૂપ ધારણ કર્યું હશે ત્યારે શાંત પાણીનો સન્નાટો પપ્પા બિલકુલ સહી શક્યા નહિં હશે. મારું શાંતપણું આંધી પહેલાનાં તૂફાનની ભીતી જગાડી હશે. સતત મારાં કલબલાટને પપ્પા ઘણીવાર ટોકતાં પણ ખરા “જરા ઓછું બોલ. મોં અને જીભને આરામ આપ.” જ્યારે મેં બોલવાનું બંધ કરી દીધું હશે ત્યારે પપ્પા એ ક્ષણ-સમયને સ્વીકારી શક્યા નહિં હોય એની મને ખાતરી છે. તેઓ નિરભ્રાંત થઈ ગયા હશે. મમ્મીવાળા બંગલે જઈને મમ્મીનું પ્રિય વૃક્ષ એવાં સફેદ જાંબુડી સાથે વાતો કરી હશે. આંસુ ભરી આંખો અને ભીનાં હૃદયે મારું બાળપણ યાદ કર્યું હશે અને મારા જીવનદાન માટે એ વૃક્ષ રૂપી મમ્મી સામે આજીજી કરી હશે. વૃક્ષ પર ખીલતાં જાંબુડીનાં સફેદ ફૂલો જોઈ મનમાં ને મનમાં હરખાયાં હશે. અને આશા બાંધી હશે કે “નહિં વાંધો આવે હીના પણ આ ફૂલોની માફક ખીલશે જ.” આવી રીતે પોતાની જાતનું પોતે જ કાઉન્સેલિંગ કર્યું હશે. આખાં ગામ-શહેર અને દેશ-પરદેશનું કાઉન્સેલિંગ કરનાર પપ્પાએ જ્યારે પોતાનું જ કાઉન્સેલિંગ કરવાનો સમય આવ્યો ત્યારે પોતાની જાતને વામણી ગણી હશે.

ક્યાં સુધી અજાણ્યાં શહેરમાં બધાં રહી શકે! થોડી સ્ટેબિલિટી આવે એટલે તેઓ પોતપોતાનાં ઘરે જાય. પણ, અચાનક મારાં જીવનનાં દરવાજાં ખખડતાં અને ભેદી શક્તિ મને તાણી જવા હુમલો કરતી. પપ્પા એમની ઢળતી ઉંમરે ધ્રુજતા શરીરે અને મોતિયો કઢાવેલ આંખે વારંવાર વડોદરા આવવાની જીદ્દ પકડતા. મારી વચલી બહેન મીનુ અને જીજાજી મુકેશકુમાર એમને વડોદરા લઈને આવી પહોંચતા. મીનુ એની બે દીકરીઓ સૃષ્ટિ અને માન્યને પડોશમાં સોંપી દોડી આવતી અને નાની બહેન પણ એના દીકરા ધ્યેયને એકલો મૂકી મુંબઈથી ફ્લાઈટમાં તાબડતોડ દોડી આવતી હતી. પપ્પા અને મારી બંને બહેનો હાંફળાં-ફાફળા થઈ જતા. પણ, આ બધાની વચ્ચે માસીમાનો ભગવાન પરનો વિશ્વાસ અને શ્રધ્ધા અડગ હતા. આમ પણ, માસીમાની દરેક વાતો અને નિર્ણયો આત્મવિશ્વાસ અને શ્રધ્ધાની છલોછલ જ હોય. એ એકવાર ઘરમાં એમનાં વિચારો રજૂ કરે પછી કોઈપણ કંઈપણ જાતનાં તર્ક કે દલીલ રજૂ કરે નહિં. એમની સાથે બધાની જ સહમતી હોય અને દસ્તાવેજી મહોર લગાવી દે. આ કટોકટીનાં સમયે પણ એમનો દ્રઢવિશ્વાસ અને શ્રધ્ધા મહત્વનો ભાગ ભજવી ગઈ. જેમ હરહંમેશ ઘર, પપ્પા અને અમને સાચવતા આવ્યા એવી જ રીતે આ અકલ્પનીય, બિહામણી પરિસ્થિતિને પણ એમણે સાચવી લીધી હતી. એમનું એક જ શ્રદ્ધેયપૂર્વકનું વાકય બધાને હિમ્મત આપી જતાં. “કંઈ નહી થાય, બધું જ સારું થઈ જશે. તમે બધાં ઉચાટ નહીં કરો, શાંતિ રાખો, ભગવાનનું સ્મરણ કરો. મને મારા માતાજી અને બાબા પર ભરોસો છે. એ કંઈ નહિં થવા દે. જોજો એ પહેલાં જેવી ધમધમતી થઈ જશે. તમે બધાં મારી વાત સોનાના પતરાં પર લખી રાખો.” એમના આવા વિશ્વાસ અને શ્રધ્ધાની દરેકમાં હિમ્મત આવી જતી હતી.

મારા ક્રિટીકલ દિવસો દરમ્યાન પપ્પા, મીનુ કે ચકાની મને કોઈ ખાસ સ્મૃતિ નથી. પણ એક દિવસ માસીમાએ રીતસર ડોકટર સામે જીદ્દ કરી મને I.C.U.માં મળવા આવ્યા હતા. એમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને મને શાતા વળી. મારા પગને એમનાં સુવાંળા સ્પર્શથી સંતોષ અનુભવાયો હતો. હું એમને એકીટસે જોયા કરતી હતી એ મારા ખાલીપાને સમજી શકતા હતા. મારે એમને ઘણું બધું કહેવું હતું “માસી! જેવી રીતે તમે અમને મા વગરની દીકરીઓને સાચવી લીધી હતી. તમારું જીવન અમારા માટે સમર્પિત કરી દીધું હતું એ બદલ થેન્કયુ. પણ હવે એવી જ રીતે કાનુ અને ભઈલું ને પણ સાચવી લેજો. હેમંત ખૂબ ઢીલા છે. ભોળા પણ. એમને સામાજિક રીતરિવાજો અને દુનિયાદારીનો ખ્યાલ નથી. તો, તમે એમને સાચવી લેજો. સાથ-સહકાર આપજો. જીવનભર મારું ઘર સંભાળી લેજો.” આવી ઘણી વાતો કહેવી હતી પણ મારા સ્વરપેટીમાંથી સ્વર બહાર નીકળતો ન હતો. ઈશારા માટે હાથ પણ ઉંચા કરી શકતી ના હતી. મેં મનોમન માની લીધું “એ ટીચર છે ને! એમને મારી આંખોનું અખબાર સંપૂર્ણ વાંચી લીધું હશે એ મારા મનનાં બધા ઉદ્દવેગ સમજી ગયાં હશે અને એ મારું બધું જ સાચવી લેશે.”

મારી બહેનો મીનુ અને ચકા મારા સંતાનો કાનુ અને ભઈલુને ‘મા’થી સવાઈ હૂંફ આપી રહ્યા હતા. મારી દીકરી કાનુનાં જ શબ્દોમાં કહું તો “માસીઓનાં કારણે જ એ દિવસોને જીવી શક્યા હતા. એમની વાતો અને એમનાં અવાજોમાં તારી હૂંફ, તારો અહેસાસ, તારો રણકો સંભળાતો હતો.”

વેન્ટીલેટરનાં ૧૨ દિવસ અને ત્યારપછીનાં ૨૨ દિવસ આઈ.સી.યુ.માં હેમખેમ પાર પડ્યાં. સાતસમંદર પાર પાડ્યાનો આંનદ હતો. મધદરિયે આવતી હિમશીલાઓ સામે ટક્કર ઝીલી ઝીલી બધા ઢીલા પડી ગયા હતા. જીવનનૈયા ડૂબી જતાં-જતાં બચી ગયાનો ઉલ્લાસ બધાનાં મુખારવિંદ પર અનુભવાતો હતો. આમ છતાં, ફરી-ફરીને કોમ્પ્લીકેશન્સ ગમે ત્યારે રાફડામાંથી માથું ઉંચકી ઉભી થતાં હતાં. હજી મારો કિનારો જોજનો દૂર હતો જે મારે એક તણખલાંને સહારે પાર પાડવાનો હતો. દર બે અધૂરાં શ્વાસ વચ્ચે મમ્મીની યાદ આવતી. તસ્વીર બની ગયેલ મમ્મી પાસે આશા રાખતી ‘મારાથી નથી સહેવાતું’ એવાં કાલાવાલાં કરતી. હોસ્પિટલની રંગવિહીન દીવાલો વચ્ચે પીડા અને વેદનાનાં રંગોએ આકાર લઈ લીધો હતો. મમ્મીએ માથામાં કાળી પીનથી ભરાવેલ મોગરાની સુગંધ મારાં અધૂરાં અને ખૂટી જતાં શ્વાસમાં શ્વાસ ભરી જતા હતા. નર્સીસનાં આછાં ભૂરા રંગના યુનિફોર્મમાં મમ્મીનાં વ્હાલનાં વાદળોની જાણે ‘રજાઈ હૂંફ’ મેળવવા હું ઝંખી રહેતી. હું મનમાં ને મનમાં એની સાથે વાતો કરતી અને કહેતી “મમ્મી!” આ પીડા નથી સહેવાતી. મને અજ્ઞાતનો બહુ ડર લાગે છે. તારાં પાલવમાં મને સંતાડી દે ને. મારાં ફફડતા ધબકારાને તારી સોડમાં સંતાડી દે ને મમ્મી! હું નાની હતી ત્યારે તું કહેતી ડાહી દીકરી જીદ્દ-તોફાન નહીં કરે. નહીં તો કાળો બાવો દૂર-દૂર લઈ જાય. મને એ કાળા બાવાની બહુ બીક લાગે છે. “મમ્મી! હું જ્યાં આવીશ ત્યાં તું મને મળશે ને!? હું તો તારી ડાહી દીકરી. એવું તું જ તો બધાને ગર્વભેર કહેતાં થાકતી ન હતી.” આવા બધાં વિચારોથી હું ચકડોળે ચઢી જતી. સેડેશન આપી મને શાંત કરી દેતા હતા.

હાર્ટસર્જરી કરાવી ચૂકેલ પપ્પાનાં હૃદય પર એક પછી એક ઘા ઝીંકાતા હતાં. એમનાં હૃદયનાં રાજપાટ લોકડાઉન થઈ ગયા હતા. મારે તો હજી સંખ્યાબધ અને અણધારી ઇમરજન્સીમાં સર્જરીસ સહન કરવાની હતી. હાંફતા હૃદયે, ફૂંકાતા શ્વાસે અને લાચાર આંખો સાથે પપ્પા અને માસીમા સોળ-સોળ સર્જરીસમાં આવી પહોંચતા હતાં. સર્જરીસ પછી ૨૪ કલાક પાણી પણ ન મળતું એવાં સમયે નાનાં બાળકની માફક જીદ્દભરી મારી આંખો પપ્પાને જોયા કરતી. પપ્પા મને સમજાવતાં નાનાં બાળકોને પટાવે એમ પટાવતા કે સલાઇનમાંથી પાણી મળી રહે એટલે વાંધો નહિં. હું મનોમન જીદ્દ કરી બોલતી કે મારાં સૂકા રણ જેવાં બરડ હોઠોનું શું? મારા હોઠો જીંદગીનાં ધગધગતા તડકાની ચાડી ખાતા હતા. પપ્પા રૂમની બહાર નીકળી જતા.

ઘણીવાર પપ્પા મારાં બાળપણની વાતો છેડતાં અને કહેતાં “આ બધી લક્ઝરી પહેલાં ન હતી. તું નાની હતી ત્યારે સાયકલનાં ગવંડર પર સીટમાં બેસાડી હું તને દૂર-દૂર ગામડે ફરવા લઈ જતો. તને નદી જોવાનો બહુ શોખ હતો. તું જીદ્દ પકડતી ‘અદી-અદી’ તારી મમ્મીને ઓફિસથી આવતાં મોડું થતું હું તને દૂર-દૂર ફરવા લઈ જતો. નદી કિનારે બેસાડતો અને તું ખૂબ હરખાતી. ચકલીની ચીં- ચીં અને કાબરનાં કલબલાટ સાંભળી તું એવું કરવા પ્રયત્ન કરતી. હું ખૂબ હરખાતો અને તારી મમ્મીને રાત્રે બધી વાતો કરતાં મારી જાતને પસવારતો. તું ખૂબ વ્હાલી હતી તો પછી હવે કેમ આટલો બળાપો કરાવે છે!!! જીંદગી છે. આવે સુખ-દુઃખ બધાં દિવસો એકસરખાં નહિં હોય. આ સમય પણ નીકળી જશે.” અને હું મનોમન બોલતી “ચાલો ને પપ્પા! મમ્મીનાં ચાંદલા જેવાં સૂરજની પેલે પાર નીકળી જઈએ. જ્યાં ન હોય પીડા, જ્યાં ન હોય આ મેડિકલ ઉપકરણો, જ્યાં ફક્ત હોય હું, તમે અને મમ્મી.”

પપ્પા મારું મન બહેલાવવા મારા બેડની બાજુમાં બેસી મારું પ્રતિભાભર્યું, ગૌરવવંતો વિદ્યાર્થીકાળ યાદ કરાવતા. સ્કૂલમાં હંમેશા અવ્વલ જ રહેવાની મારી ધગશ અને મહત્વાકાંક્ષીની ગર્વભેર વાતો કહેતા. ઈતરપ્રવૃત્તિઓ, આંતરશાળા-કૉલેજ, જીલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ મેળવેલ સિદ્ધિઓ યાદ કરાવતા. ગરબાની રમઝટ પર મન મૂકીને હું થરકતી, લય-તાલ સાથે મારાં અંગ-ઉપાંગોને હવામાં ઉલાળતી, જોનારા કેવાં ઝૂમી ઉઠતા એની હરખભેર વાતો કરતાં કરતાં ગળગળા થઈ જતા. ૧૯૮૪-૮૫નાં અનામત આંદોલનમાં અગ્રેસર ભાગ લઈ ‘જેલ ભરો આંદોલન’ વિગેરે યાદ કરાવતા હતા. અને, જાણે હું જ સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીની હતી એવું પુરવાર કરી મને ખુશ કરવા પ્રયત્નો કરતાં હતા. ‘કોઈપણ ભોગે જીતવું જ’ વાળી મારી ધગશ અને મહેનતને યાદ કરી મને બિરદાવતા હતા. એમનો હેતુ હું સ્પષ્ટપણે સમજી શકતી હતી. વળી, એ કહેતાં આપણે ધરમપુર-વાંસદા રાજા-રજવાડાનાં ગામનાં એટલે તું પણ ફાઈટર જ કહેવાય. હાર જેવાં શબ્દો આપણી જીવનડિક્શનરીમાં હોય જ નહી શકે. જીતનું બીજું નામ હીના. તારે જીતવાનું જ છે અને તું જીતીશ જ.” હું મનોમન બોલતી “પપ્પા! આ સ્કૂલ-કૉલેજનું સ્ટેજ નથી કે નથી સ્કૂલ-કોલેજનાં પરીક્ષાખંડ. અહીં મારું જ શરીર યુદ્ધ મેદાન છે. અહીં હું જ સ્પર્ધક અને હું જ પ્રતિસ્પર્ધક છું. મારે મારી જાત સાથે લડવાનું અને જીતવાનું છે. જે હવે મારાથી નથી સહેવાતું. મને આ પીડામાંથી મુક્ત કરો. મારે મમ્મી પાસે જવું છે.”

ડાબા પગનું ઈન્ફેક્શન મારો પીછો છોડતું ન હતું. એક મોડી સાંજે અચાનક ડિસિશન લેવાયું કે એ પગમાંથી રોડ કાઢી નાંખવો. કદાચ ફોરેન મટીરીયલ બોડી નહિં સ્વીકારતું હોય તો આવું બની શકે. આમ પણ, હું ડોકટર્સ ટીમ ‘કદાચ-જો-તો-એવું પણ બની શકે- એવું પણ હોય શકે’ જેવાં અનુમાનોનો ગઢ બની ચૂકી હતી. ઇમરજન્સીમાં મને ઓ.ટી.માં લીધી. રાત્રે ૨.૦૦ વાગ્યે મહામહેનતે સર્જરી હેમખેમ પતી. પરંતુ, આ સર્જરીનો દુઃખાવો સોળ સર્જરીમાં સૌથી વધુ પીડાદાયક અને અસહનીય હતો. મેં કાનુને કહ્યું “મારે સ્યુસાઈડ કરવું છે.” હું સિંહણ તે દિવસે ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. એ દુઃખાવાનાં અહેસાસથી હમણાં પણ મારી છાતીમાં ભીંસ અનુભવાય છે. કાનુએ કહ્યું “જરા શાંતિ રાખ પેચ લગાવ્યા છે થોડીવારમાં રાહત થઈ જશે. ભગવાનનું સ્મરણ કર.” પણ, ભગવાનનું સ્મરણ કરવા જેટલી શક્તિ અને સૂઝબૂઝ હતા જ નહીં. મમ્મીની યાદ વ્હારે આવી પણ મને એનાં પર ખૂબ ગુસ્સો આવતો હતો. મનોમન હું કહેતી “મમ્મી! તેં મને હંમેશા મારા હાલ પર છોડી છે. હું નાની હતી ત્યારે ઓફિસ જવાની લ્હાયમાં અને જીવનને સમજું-નાસમજું અને આ દુનિયાદારીને શીખું એ પહેલાં તું સ્વધામે પ્હોંચી ગઈ! તને મારો લેશમાત્ર પણ વિચાર નહીં આવ્યો હોય! જા, તું મને નથી ગમતી.” આમ છતાં, મમ્મી મારાં માટે માળા ગણતી હોય એવો અહેસાસ હંમેશા થતો અને હિમ્મત પણ મળી રહેતી.

પપ્પા અને માસીમા તો પથ્થર એટલાં દેવ અને દેવ એટલાં પૂજા-પાઠ કરતા હતા. પપ્પાએ તો ભગવાનને વિનવવાની પરાકાષ્ઠા જ પાર કરી દીધી હતી. એ હંમેશા પ્રાર્થના કરતા “મારું આયુષ્ય મારી દીકરીને આપી દે પ્રભુ! એની પીડા મને આપી દે.” આધ્યાત્મિક અને સ્થિતપ્રજ્ઞ કહી શકાય એવાં પપ્પા પોતાનાં પરનો કાબુ ગુમાવી રહ્યા હતા. એ ભૂલી જતાં કે આ મારાં કર્મનાં ફળ છે જે મારે જ ભોગવ્યે છૂટકો. જ્યારે પોતાનાં સંતાન પર સંકટ આવે ત્યારે ભલભલો બાપ તૂટી જાય એ મેં અનુભવ્યું.

પપ્પા અને માસીમા બંને ભૂતપૂર્વ શિક્ષક. આધુનિક વિચારધારા ધરાવનાર, ધર્મ અને વિજ્ઞાનનું જ્ઞાન પચાવનાર, શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા પારખનાર હોવા છતાં જ્યારે સમય આવ્યો ત્યારે ભૂવા, ભગત, જ્યોતિષ દરેકનાં દરવાજા ખટખટાવ્યાં. દરેકનાં પગથિયાં ઘસી નાંખ્યા. ચપટી ધૂળ પર પણ શ્રધ્ધા રાખતા થઈ ગયા હતા. જે કોઈ કંઈ પણ ઉપાય બતાવે એ આંખ બંધ કરીને રાત, અધરાત, મધરાત કરતા હતાં. દોરાં-ધાગા બધું જ કરતા હતા.

ચોથી જુલાઈએ મને સુરત રેલીશ હોસ્પિટલમાં વડોદરાથી શિફ્ટ કરી. કાનુએ મારી વચલી બહેન મીનુને ફોન કરી જાણ કરી. મીનુએ પૂછ્યું “દીદીએ શું ખાવું છે? હું શું લઈને આવું?” કાનુએ મને ચીડવી “લે તારી બહેન તારા માટે મિષ્ઠાન લઈને આવી રહી છે બોલ, શેનો ઓર્ડર આપું?” ધીમા અવાજે મેં કહ્યું ‘જે લાવે એ.’ આમ પણ, રસોડાની રાણી મીનુની રસોઈની સોડમ અને સ્વાદનાં અમે બધાં જ દીવાના. સુરત રેલીશ હોસ્પિટલમાં મને એડમિટ કરી ત્યાં મીનુ ધોધમાર વરસાદમાં પલળીને પણ મારા માટે ટિફિનબોક્ષ લઈને આવી પ્હોંચી હતી. આખા રૂમમાં એનાં લિજ્જતદાર મગનીદાળ અને રોટલીની ખુશ્બુ વેરાઈ ગઈ. સાચ્ચે જ એ સ્વાદની સોડમ મને લલચાવી ગઈ મેં ખાવાની ઈચ્છા વ્યક્ત કરી. મીનુએ એનાં હાથે મારા મોંમાં કોળિયા મૂક્યા. માંડ બે કોળીયા હું ખાઈ શકી પણ ખાધાનાં સંતોષનો ઓડકાર અનુભવાયો. મને ફ્રેશ ફીલ થયું. મીનુએ એનાં ઘરે હનુમાન ચાલીસાનાં પાઠ પણ કરાવ્યા હતાં. નાની બહેન ડૉ. આનલ મહેતા ઉર્ફે ચકા ડોકટર હોવાને કારણે સતત કાનુ અને કુશલકુમાર સાથે ઓનલાઈન રહેતી. એમની ત્રિપુટી ફટાફટ ડિસિશન લઈ મને લાઈફલાઈન આપી રહ્યાં હતા. જરા કડક સ્વભાવની ચકા નરમ થઈ ગઈ હતી. વારંવાર ઈન્ફેક્શન્સ અને કોમ્પ્લીકેશનથી એ ચિંતિત થઈ જતી. એ સિદ્ધિવિનાયકનાં શરણે પ્હોંચી ગઈ. એ ભરેલા હૈયે મને કહેતી “દીદી! તું બહુ ઉચાપત કરાવે છે. એકવાર તું સાજી થઈ જાં. પછી હું તારો કેવો વારો કાઢું છું.”

અમે બહેનો આજીવન અમારાં પ્રોફેશન અને ઘરસંસારમાં અતિ વ્યસ્ત રહ્યા. આથી, મળવાની નિયમિતતા બીજી બહેનોમાં હોય એનાં કરતાં ઓછાં પ્રમાણમાં. આમ છતાં, અમારી એકબીજા પ્રત્યેની લાગણીઓ તાણા-વાણાની જેમ જોડાયેલી. અમે ફક્ત એકબીજાની બહેનો જ નહીં પણ એકબીજાની ‘મા’ પણ ખરી. અમે વગર કહ્યે, વગર જણાવીએ એકમેકનાં અંતરને પામી જઈએ.

આમ તો, સાસરા-પિયર બંને પરિવારનાં બધાં જ સભ્યોની મારા પ્રત્યે કુણી લાગણી વધારે. દરેકના દિલમાં રાજ કરવાની પ્રભુએ મને બક્ષીસ આપી હતી. હું બાળકોથી લઈ વડીલો અને હમઉમ્ર બધાની જ લાડલી અને માનીતી પહેલેથી જ હતી. નણંદની દીકરીઓ પણ સાસરેથી દોડી આવી હતી. અને, મારા નણંદ ઇલાબહેન અને એમના પતિ કમલેશકુમાર જાણે મારાં સગાં ભાઈ-બહેન હોય એમ દરરોજ કુળદેવીને બે દીવા કરતા હતા. અમારાં કલકલતાં હુંફાળા માળાને હેમખેમ-હૂંફાળો રહે એ માટે સતત જાપ-તાપ કરતા હતા. આમ અચાનક, અણધારી આવેલ આફતને કારણે બંને પરિવારમાં નાનાં-મોટાં સૌ પ્રભુમય બની ગયા હતા. મારા દિયર તો મારી પીડા-તકલીફને સમજવા જાત અનુભવ કરી જોયો એક દિવસ ચટ્ટોપાટ સૂઈ પોતાની જાત પર પ્રયોગ કર્યો અને રડમશ થઈ ગયો.

મારા મોટા મામાનાં ઘરે મહેરબાબાને મારાં સ્વાસ્થય માટે પ્રાર્થના કરતા અને બાધા આખડી રાખી હતી. અને, નાના મામાનાં ઘરે ગણપતિ અથર્વશીર્ષનાં પાઠ નિયમિત થતાં હતા. મારા મામાની દીકરી જયશ્રીબેન તો ગભરું હરણી બની ગઈ હતી. એની તરસી આંખો મારા આઇસોલેશન રૂમનાં ગ્લાસમાંથી મને જોવા સતત તલસતી, સતત ફાંફા મારતી. દરરોજ ૧૧ થી ૫ મારી પાસે હોસ્પિટલમાં જ રહેતી હતી. મને ખાવા-પીવાની ડોક્ટર્સે છૂટ આપી ત્યારે એનાં હાથે નાનાં બાળકને જમાડે એમ એ મને નાનાં નાનાં કોળિયા જમાડતી હતી. દિવસ-રાત મારા માટે પ્રાર્થના કરતી. એને જોઈ મને મારી મમ્મીની હાજરી હોય જેવો આંનદ, સંતોષ થતો. અને, મારામાં હિમ્મત આવતી. મારાં બધાં જ પિતરાઈ ભાઈ-બહેન સગાં સંબંધીઓએ મારા જીવને બચાવવા જાણે મીલિટરી ઉતારી દીધી હતી. હેમંતના મોસાળમાં શ્રીજીના ચરણમાં ચાંદીના પગ ચઢાવવાની બાધા રાખી હતી. બધાં જ સગાં-સંબંધીઓની એટલી બધી એપ્લીકેશન ભગવાનને દ્વાર પહોંચી હશે કે એણે મારું જીવન મંજૂર કરવું જ પડ્યું.

કહેવાય છે ને, સમયે જ માણસની અને સંબંધની પરખ થાય મને પણ લોહીની સગાઇ અને એનાથી પણ વિશેષ સંબંધોની પરખ થઈ. હું જાણે બધાંનાં જ જીવની મુખ્ય નાયિકા હોઉં એવી ફીલીંગ આવતી. અને, એ જ ફીલીંગ મને જીવનનું જોમ પુરું પાડતી હતી.

અગિયાર મહિના પછી હું જ્યારે વોકરથી થોડું ચાલતી થઈ ત્યારે હેમંતે મને કહ્યું “ચાલ! ગાડીમાં આંટો મારવા લઈ જાઉં. મંદિર જવું છે!?” મારા માટે તો મારા પપ્પા જ મારા ભગવાન, મિત્ર અને સર્વસ્વ. મેં પપ્પા પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરી. અઘરું તો હતું પણ હેમંતે હિંમત કરી. એમણે મને કહ્યું “તું નવસારી-પપ્પાને જણાવીશ નહિં. આપણે સરપ્રાઈઝ આપીશું.” મને પણ હેમંતની વાતમાં રૂચિ થઈ અને આખરે

હું,

પિયરઘર ગઈ-

માસીમાએ નજર ઉતારી,

ઓવરણાં લઈ-

મને,

ગૃહપ્રવેશ કરાવ્યો.

નાનાં બાળકને સાચવીને,

સોફા પર સુવડાવે

એમ જ –

પપ્પાએ માથે હાથ ફેરવી_

સોફા પર સુવડાવી.

પળભરમાં જાણે મારી બધી

પીડા પીગળી ગઈ,

મને આહલાદકતાનો આંનદ થયો.

હું,

એકીટશે દીવાલ પર ફ્રેમ થઈ ગયેલ-

મમ્મીને જોતી રહી.

જાણે,

ફ્રેમમાંથી બંને હાથ પહોળા કરી-

એ,

બોલી_

“બહુ થાકી ગઈ બેટા!

બધું સારું થઈ જશે.”

મારાં હદયમાંથી એક અશ્રુ વહી પડ્યું.

પછી_

મને, વોકર પર ચલાવી

દરેક રૂમોમાં લઈ ગયા.

પપ્પાનાં રૂમમાં_

ઘડીયાળમાંથી ડોકિયું કરતી મારી ઢીંગલી જોઈ_

હું રીતસર અકળાય.

જરા છણકો કરી બોલી-

“પપ્પા! હું નાની નથી.

પચાસ પુરા. પપ્પા! પુરા પચાસ.”

પપ્પા ચુપ રહ્યા-

એમની મૂંગી આંખોમાંથી

મારું બાળપણ છલકાય રહ્યું હતું.

ને, પછી-

માસીમાએ મારું ડાયપર બદલ્યું.

મારો ફરી જો જન્મ થયો હતો...

સંવેદનાની એરણ પર શ્વસી-શ્વસીને છોલાય ગયેલ, ઘવાય ગયેલ ‘હું’ તે દિવસે સંવેદનાનાં સરોવરમાં છબછબિયાં કરી નવાં જીવનની ધન્યતા માણી. જે મારાં નવજીવનની પહેલી મહામૂલી યાદી અને ભેટ છે.