Banashaiya - 8 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બાણશૈયા - 8

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બાણશૈયા - 8

પ્રકરણ: ૮

પીડાને માત આપે એવી વેદના: કોલોસ્ટોમી

વેદનાને વાચા ખૂટે તો,

સપનાઓ આંખે ખૂંચે તો;

હૈયામાં હામ ખૂટે તો,

ખુદ ખુદને જ લૂટે તો.

પીડા તો પચાવી પણ શકાય. પીડાને પચાવતાં તો ઈશ્વર પણ શીખવી શકે. પીડા પેઈનકિલરથી પણ ડામી શકાય.શ્રધ્ધા અને સબુરી પર વિશ્વાસ મૂકી પીડાદાયી સમયને પાર પણ કરી શકીએ. બાધા-આખડી લઈ, ઈષ્ટદેવ પર ભરોસો રાખી, આત્મબળ વધારીને પણ પીડાને માત આપી શકીએ..... પણ વેદના!!! વેદનાનું શું??? જે પોતે જ વ્યાકુળ છે, જે પોતે જ વ્યકત થવા વલખાં મારી રહી છે એનું શું? પીડાની પડખે ખુદ ઈશ્વર ઊભો રહી ટેકો આપે એવો મારો ખુદનો અનુભવ છે અને દઢ વિશ્વાસ પણ છે. પણ, આ પીડાથી પર વેદના વ્યાપે ત્યારે..... આખું વ્યોમ પણ વામળું પૂરવાર થાય. વેદના વ્યક્ત થવા વાચાનો સહારો લેવા વલખાં મારે તો અહીં તો વાચા પણ ખૂટી ગઈ હતી. જાણે આંખોમાં વાવેલ સપનાઓ જ કાંટાળાથોર બની ઊગી નીકળે અને આંખોમાં ખૂંચે એવી દયનીય હાલત થાય. વેદનાને વાચા ખૂટી પડે તો ગમે તેવાં ૫૬ ની છાતીવાળાં-પહાડી માણસનાં હૈયામાં હિમ્મત ખૂટી પડે. અને, માણસ લાચાર થઈ પોતે જ પોતાને લૂટી બેસે. પોતે જ પોતાને સહાય કરવા માટે વામળો પુરવાર થાય. આવી કરુણાંતિકા મારા જીવનમાં ઘટી. આ જાત અનુભવનો નિચોડ છે. ‘આપ મુઆ સ્વર્ગે નહિં જવાય’ એવી વાત છે. મારી વેદનાને વાચા આપવા હું રીતસરના શબ્દો શોધી રહી છું. અને, એ નિષ્કર્ષ પર આવી કે શબ્દોમાં ‘સ્વ’ને શોધી શકાય. શબ્દોથી વેદના તો નહીં જ વાંચી કે લખી શકાય અથવા વ્યકત કરી શકાય. વેદનાની સામે શબ્દો પણ અધૂરા અને ફિક્કા પડી જાય છે.

અગાઉ મેં જણાવ્યું તે મુજબ કાર એક્સિડન્ટમાં મારા રેકટલમાં પરફોરેશન-કાણું પડ્યું. જે રેકટલના ખૂબ જ અંદરથી નીચેનાં ભાગે હતું. જે સી.ટી.સ્કેનથી પકડાતું ન હતું. પણ હાઈગ્રેડ ફિવર અને અસહ્ય પેટમાં દુઃખાવા સાથે પેટ સતત ફૂલી રહ્યું હતું. ડોકટર્સ ટીમને શંકા ગઈ કે પેટનાં અંદરના ભાગે જ કંઈ ગડમથલ છે જે પકડાતી નથી. અનેક ઇન્વેસ્ટીગેશન્સનાં મારા ચાલ્યા છેવટે ડાયગ્નોસિસ થયું કે રેકટલનાં અંદરનાં ભાગે કાણું પડ્યું છે. પંકચર થયા છે. પરફોરેશન પકડાયું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ કેસ ખૂબ જ જૂજ થતો હોવાથી ડોક્ટર્સટીમ માટે ખૂબ મોટી ચેલેન્જ હતી. સમય હાથમાંથી સરી રહ્યો હતો આખા શરીરમાં સેપ્ટીક સેમિયા ફેલાવાની શરૂઆત થઈ ચૂકી હતી. આખા વડોદરા શહેરનાં ગેસ્ટ્રએન્ટ્રોલોજીસ્ટસ ભેગાં થઈ ગયા હતા. ભારે મથામણ પછી ડોક્ટર્સટીમે મને રાત્રે ૨.૦૦ વાગ્યે ઇમરજન્સીમાં ઓ.ટી.માં લીધી. લગભગ આઠ કલાક ઓપરેશન ચાલ્યું. જ્યાં પરફોરેશન્સ હતા એટલો આંતરડાનો ભાગ કાપી નાંખ્યો. મળમાર્ગ બંધ કરી દીધો. પેટમાં બે લુપ મૂકી પેટ પર કોલોસ્ટોમી કરી. આમ છતાં, ઓપરેશન ફેઈલ ગયું ફરી ઓપરેશન કર્યું ત્યાં સુધીમાં મારી હાલત ગંભીર થઈ ચૂકી હતી. મને વેન્ટીલેટર પર રાખી હતી.

હું જન્મજાત સૂગવાળા સ્વભાવની હતી. મને ખૂબ ગંદુ લાગતું હતું પરંતુ ત્યારે વિચારવાની ક્ષમતા ખાસ હતી નહિં. ચાર મહિના પછી જ્યારે હું સંપૂર્ણ સભાન અવસ્થામાં આવી ત્યાર પછી મારા માટે કોલોસ્ટોમીબેગ સાથે જીવવું નરક સમાન હતું. મારી જાત સાથે એક મોટો પડકાર હતો. હું ખુદ ખુદા સાથે વાતો કરતી “આ દિવસ જોવા માટે તેં મને નવજીવન બક્ષ્યું તું મારી સાથે કયા ભવનો બદલો લઈ રહ્યો છે.?!” મારા સ્વભાવમાં સ્વીકૃતિનો સદંતર અભાવ હતો. મારો સ્વભાવ વિષાદથી ઘેરાયેલ રહેતો. સ્વભાવ કકલાટ- કકલાટ થઈ ગયો હતો. હું કોલોસ્ટોમીને સ્વીકારી જ નહીં શકતી હતી. હું સતત રટણ કરતી રહેતી “મને બહુ ગંદુ લાગે, મને બહુ ગંદુ લાગે. મારી સફાઈ થતી નથી.” ટ્રાયકલર હોસ્પિટલનો આખો સ્ટાફ મારું કાઉન્સેલીંગ કરતા હતા. અને, મને કહેતાં, મને ફોસલાવતાં “તમે અમારી હોસ્પિટલનાં સ્પેશિયલ, ફેવરીટ પેશન્ટ છો. અમે તમારી ખૂબ કાળજી રાખીએ છીએ. સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખીએ છીએ.” અને વાત પણ સાચી હતી. I.C.U.માંથી મને વોડ્માં લઈ આવ્યા પછી પણ I.C.U.નો આખો સ્ટાફ મળવા આવતા.

કોલોસ્ટોમીબેગ દર બે-ત્રણ દિવસે બદલવામાં આવતી. એ પ્રક્રિયા પણ ખૂબ પીડાદાયક, વેદનામય અને સૂગવાળી રહેતી. કોલોસ્ટોમીબેગ અગિયાર મહિના રહી. આ સમય દરમ્યાન હું જમી શકતી ન હતી. આ માટે મારો મૂળભૂત સ્વભાવ કારણભૂત હતો. મારો સ્વભાવ જ મને ખૂબ નડી રહ્યો હતો. હું ખુદથી ખુદ લૂંટાઈ રહી હતી. જમવાની વાત શરૂ થતાં વેંત જ મને ઉલટીઓ શરૂ થઈ જતી. આ માટે ડોક્ટર્સ જમવાના એક કલાક પહેલાં મને ઉલટી બંધ કરવાનાં ઈજેક્શન પણ આપતા પણ મને એની કોઈ અસર થતી ન હતી. આ કારણે હું માલન્યુટ્રીશીયન્સ થઈ ગઈ હતી. મને વિટામીન્સ, મીનરલ્સ ઇન્જેક્ટ કરવામાં આવતા. મારો પરિવાર મારાથી ત્રાસી ગયો હતો. બળજબરીથી મને સૂપ, જ્યુસ પીવડાવતાં હતા. પણ, ખાવું મારા માટે અશક્ય થઈ ગયું હતું. સમય જતાં તો હું ખાવાનું જ ભૂલી ગઈ હતી. સૂગને કારણે ઉલટીઓ પીછો છોડતી ન હતી.

હું મનમાંને મનમાં મનોમંથન કરતી કે લોકો તો કહે “હીના પરગજું છે, ભોળી છે, રસ્તે ચાલતાને પણ મદદ કરનારી છે, નાનાં-મોટાં સૌની પીડા, વેદના, સંવેદના, લાગણી, ભાવના સમજનારી છે.” તો પછી આવું નરક સમાન દુઃખ મારા ભાગ્યમાં કેમ લખાયું હશે!?” આ વેદનાની આંટીઘૂંટી સમજવા હું અસમર્થ હતી અને હજી પણ અસમર્થ છું. મને સતત લોકો કહેતાં અને મારું કાઉન્સેલિંગ કરતાં “કર્મનાં ફળ ભોગવવા જ રહ્યા” કયા કર્મનાં ફળ એ હું જાણતી ન હતી. પણ ભોગવવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય પણ ન હતો. મનની અટારીએ અજંપો સતત પશ્નનો મારો ચલાવતો. “શું હું દુનિયાની સૌથી ખરાબ જીવ છું કે આવું પશુતુલ્ય જીવન જીવવું પડે છે.” એક જગ્યાએ ચટ્ટોપાટ પડી રહેવાનું, ત્યાં જ ખાવાનું અને ત્યાં જ અન્ય ક્રિયાઓ કરવાની હતી. આ કોલોસ્ટોમીબેગ લગભગ દર અડધો-એક કલાકે અંદરથી સાફ કરવી પડતી હતી. આ કાર્ય માટે સ્પેશિયલ એક બહેન ૨૪X૭ રાખવા પડ્યાં હતા. ખૂબ જ સૂગવાળી આ ક્રિયાથી સતત ઉલટી અને ઉબકાઓ થતા હતા. આ કારણે પેટમાં કશું જ ટકતું ન હતું. અને પેટમાં બળતરા થતા હતા. કોલોસ્ટોમીબેગ કોઈવાર દિવસમાં બેથી ત્રણ વખત ઉખડી જતી. તો, કોઈવાર બે-ત્રણ દિવસ ચાલતી. એ માટે ધોસ પીસનાં ડબ્બા ભરીને તૈયાર રાખવા પડતા. હેન્ડગ્લોઝ, સેનીટાઇઝ વગેરે તૈયાર રાખવામાં આવતું. ગમે તે સમયે બેગ ઉખડી જાય ત્યારે આખા પેટ અને કમરને ધોસ પીસથી ઢાંકી દેવાનું હોય એ ખૂબ કંટાળાજનક, પીડાદાયક, વેદનામય અને સૂગવાળી બની રહેતી. અડધી-અડધી રાતે પણ આં કામ તાત્કાલિક કરવાનું રહેતું. બે-પાંચ મિનિટનો વિલંબ પણ ચાલે નહીં. પવનની ઝડપે આ કાર્ય કરવું પડતું હતું. એને માટે એક ટ્રોલી તૈયાર જ રાખવી પડતી હતી.

એક સ્ત્રી માટે એનો ઉદરપ્રદેશ શૃંગારપ્રદેશ હોય ત્યાં મારી કોલોસ્ટોમીબેગ હતી. વેદનાનાં દરિયા વચાળે હું સંપૂર્ણ ડૂબી ચૂકી હતી. ઘણીવાર મેં અનુભવ્યું બધાં મારાં જ છે છતાં કોઈ મારું નથી. હું પણ તો ક્યાંથી મારી રહી હતી!? કોઈક અજાણ્યા પીડાનાં પ્રદેશમાં પશુસમાન જીવતી હતી. કોઈ ભયાવહ વેદનાનાં વાદળોથી ઘેરાઈ ચૂકી હતી. જે અનુકંપા અંતઃકરણને સતત ભીંસતી હતી. ઘણીવાર એવું પણ અનુભવ્યું કે બધાંની લેમિનેટેડ લાગણીઓ પાછળની ખરબચડી સપાટીથી હું છોલાતી હતી. સતત હૃદયમાંથી કોઈક દ્રવ્ય ઝરતું હતું. શું ઝરતું હતું? એ ખબર નથી.

કોલોસ્ટોમીબેગને કારણે ઉઠવા, બેસવા, ચાલવામાં ખૂબ તકલીફો રહેતી. એ સંજોગોમાં પણ બંને પગે ફેક્ચર્સ હતા એની ફિઝિયોથેરાપી પણ ફરજિયાત લેવી જ પડે એમ હતું. તકલીફોનાં તાંડવ સમા જીવનનાં એ ભાગને પણ સ્વીકારવા સિવાય કોઈ ઉપાય ન હતો. મારું હૃદય દરિયો બની ગયું હતું. મારાં આંસુઓ મોજાઓની માફક ઉલાળા મારતા હતાં. અશ્રુઓની ધાર મુશળધાર વરસતી રહેતી. હું પીડાને માત આપવા જેટલી હિમ્મત કેળવી ચૂકી હતી. પણ, મારી અંદર ઘેરાયેલાં વેદનાનાં વાદળોનું શું??? ‘આભ જ ફાટે તો ક્યાં થીગડું મારવું!!’ જેવી મારી હાલત હતી. આ વેદના કેમે કરી મારો પીછો છોડતી ન હતી. વેદનાનાં વમળમાં હું ફસી ચૂકી હતી. આ નરક સમાન જીવનમાં હું જીવતેજીવત લાશ બની પડી રહેતી. ભગવાન સાથેનો મારો નાતો અકબંધ તો હતો. પણ, હવે મને એની સાથે વાતો કરવી ગમતી ન હતી. હું મારા એકાંતનાં અરણ્યમાં ભટક્યા કરતી હતી. હું મારાં પ્રભુને પૂછતી ‘મારા આ જીવનનો મતલબ શું છે? એ સમજાવ.’

૧૦ મહિના પછી કોલોસ્ટોમી રીવર્સ માટેની સર્જરી પ્લાન થઈ. એ સર્જરી પણ વેદનાની એરણે ચડી પુકારતી હતી. સર્જરી પહેલાંની પ્રક્રિયા લુપોગ્રામ પણ એટલી જ મથામણવાળી, પીડાદાયી અને વેદાનાયુકત નીવડી. કોલોસ્ટોમી સર્જરીનાં આગલા દિવસે લુપોગ્રામ કર્યું. એ પ્રક્રિયામાં પેટ પર મૂકેલ બે લુપ દ્વારા આંતરડામાં કોન્ટ્રાસ્ટ એજન્ટ ઉતારવામાં આવ્યું. જેના કારણે આંતરડાનાં પંકચર્સ સંપૂર્ણ રીપેર થયા કે નહિં એની જાણ થાય. આ લુપોગ્રામનાં આધારે કોલોસ્ટોમી સર્જરીનું ડોક્ટર પ્લાન કરી શકે. વારંવાર સર્જરીનાં કારણે હવે મારો સ્વભાવ ડરપોક પણ થઈ ગયો હતો. લુપોગ્રામ પ્રોસીજર માટે હું મેડિકલ સ્ટાફને કો-ઓપ કરી શકતી ન હતી. એ સમયે એક સિસ્ટરે જબરી રમૂજ કરી મારા રડ-કકળાટ, કાલ્પનિક ભય વચ્ચે એ બોલ્યા “મેડમ! આપને તો પુરી હોસ્પિટલ મેં હંગામા મચા દિયા.” ઓપરેશન થિયેટરમાં આખો સ્ટાફ ખડખડાટ હસી પડ્યો હું પણ થોડી હળવી ફૂલ થઈ અને મારી પ્રોસીજર પાર પડી. અને, આમ પણ મારી કોઈપણ ટ્રીટમેન્ટ સીધી રીતે પાર પડતી જ ન હતી. રેડીયોલોજીસ્ટ ડોકટર જીજ્ઞેશ મોદી પણ મારો સ્ટુડન્ટ હતો. એમણે ખૂબ જ મને વિશ્વાસમાં લઈ લુપોગ્રામની પ્રક્રિયા હેમખેમ પાર પાડી. હું શરીરથી ખૂબ જ નંખાઈ ગઈ હતી. આથી મેડિકલ સ્ટાફ માટે દરેક કાર્ય જહેમતભર્યા થઈ પડતા.

ડૉ. હિતેશભાઈ શાહ જે મારી કોલોસ્ટોમી રીવર્સ કરવાનાં હતા. જે અમારાં ૩૦ વર્ષ જૂનાં ફેમિલી ફ્રેન્ડ પણ હતા. તેઓ સારી પેઠે જાણતા હતા કે હું સર્જરીનો માર સહન કરવા જેટલી સક્ષમ નથી. એમણે પોતાની બધી જ કુશળતા અને અનુભવનાં આધારે મને ઓછામાં ઓછી તકલીફ થાય એ રીતે સર્જરી પ્લાન કરી હતી. જે બીજા ડોકટર્સ માટે પણ આશ્ચર્યની વાત થઈ પડી. પરંતુ ડૉ. હિતેશભાઈ શાહનો કોન્ફિડન્સ, ભગવાન પરની શ્રધ્ધા અને મારા પ્રત્યેની કુણી લાગણીનાં કારણે ખૂબ જ આશ્ચર્ય વચ્ચે મારી આ છેલ્લી કોમ્પ્લીકેટેડ સર્જરી સુખદ રૂપે પાર પડી. કોમ્પ્લીકેશનનાં ભય હતા એવું કશું થયું નહિં કદાચ મારી સાથે રમત રમી રહેલ ક્રૂરતાએ એના હથિયાર હેઠા મૂકવા પડ્યા હશે.

આમ છતાં, મારી દરેક સર્જરી જતાં-જતાં બાય કહેવા પહેલાં જાણે મને ઇન્ફેક્શનની ગિફ્ટ આપતાં જ હતા. આ સર્જરી ધારવા કરતાં ઘણી જ સરળ રીતે પાર પડી હોવા છતાં લગભગ પંદર દિવસ પછી ફરી ઇન્ફેક્શન થયું. એકાદ મહિનાનાં ડ્રેસિંગ અને એન્ટીબાયોટીક પછી એણે મારો પીછો છોડ્યો.

પણ, અંતે એટલું તો કહેવું જ રહ્યું કે જે અગિયાર મહિના ત્રાસ આપ્યો હતો એ કોલોસ્ટોમીએ અગાઉની પંદર સર્જરીસ કરતાં આ સર્જરી મારા ફેવરમાં તો રહી જ હતી. સુખદ અંત આવ્યો હતો.