Banashaiya - 7 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બાણશૈયા - 7

Featured Books
Categories
Share

બાણશૈયા - 7

પ્રકરણ: ૭

મેદાને જંગ

મારા જીવનમાં ભરબપોરે બેઠેલા અમાસની રાત કેમે કરી ઉતરવાનું નામ લઈ રહી ન હતી. ‘બાર સાંધે ત્યાં તેર તૂટે’ જેવી પરિસ્થતિ હતી. વડોદરામાં અનેક ટ્રીટમેન્ટ છતાં કોમ્પ્લીકેશન્સ ઓછાં થતા ન હતા. આ બધાની વચ્ચે સુરત આવવાનું નક્કી થયું. ૪થી જુલાઈ ૨૦૧૯ એ મને સુરત ડૉ. એચ.પી.સિંધને ત્યાં એડમિટ કરી. અગાઉથી ટેલીફોનીક કોન્ટેક્ટ દ્વારા ફિઝિયોથેરાપીસ્ટની એપોઈન્ટમેન્ટ પણ લઈ લીધી હતી. તે દિવસે સૂરજ ગોળ ખાયને ઉગ્યો હશે. જાણે ખુદ ચાંદ હથેળીમાં દીવો લઈ સૂરજને તેડી લાવ્યો હોય એટલી સરળતા અને સહજતાથી ફિઝિયોથેરાપીસ્ટ ડૉ. ચિંતને સાંજે પાંચ વાગ્યે મારી વિઝીટ લીધી. મેં એને મારા શરીરને અડવા સુધ્ધાં નહીં દીધું, બૂમબરાડા કરતી હતી. એની કુશળતાથી એણે મને તપાસી એક્સિડન્ટની માહિતી મેળવી. મેં એને ધીમા અવાજે પૂછ્યું હું ચાલતી તો થઈશ ને? એણે મને જવાબ આપ્યો “૩૧ મી માર્ચ ૨૦૨૦.” તે સમયે ઓહ! આટલો લાંબો સમય એવો વિચાર સુધ્ધાં મને નહિં આવ્યો જો કે હું વધુ વિચારી શકવાને સક્ષમ પણ ન હતી. પણ હા! ‘ચાલતી થઈશ’ એ વાક્ય મારા માટે બ્રહમવાક્ય હતું. જેને મેં મારા હૃદયે સ્ટીકરની જેમ ચોંટાડી દીધું હતું. ડૉ. ચિંતનને જોઈ મારી આંખોમાંથી કશુંક ઝરતું હતું પથ્થરને પીગાળે એવું. પણ એનો આત્મવિશ્વાસ અંબરને આંબે એવો હતો. અને મેં રાહતનો શ્વાસ મારા હૈયે ભર્યો. કેટકેટલી માછલીઓ મારી આંખોમાં તરફડતી હતી જે ડૉ. ચિંતનથી છૂપું રહ્યું ન હતું. ટૂંકા સમયમાં એ તોફાને ચડેલ મારા હૃદયદરિયાને સમજી ગયો હતો.

(હું ડૉ. ચિંતનને ‘તું’કારાથી સંબોધીશ. કારણ એ મારો વિદ્યાર્થી તો હતો જ પણ મિત્રનો દીકરો પણ. આથી મજબૂત નાતો અને ઘરોબો પણ ખરો.)

તે જ દિવસે મારાં કોમ્પ્લીકેશનનાં કારણે ડૉ. એચ.પી. સિંધે મને મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ‘ટ્રાયસ્ટાર’માં શિફ્ટ કરી. ડૉ. ચિંતને શરૂઆત પગની આંગળીઓ હલાવવાથી કરાવી. આખા દિવસમાં ત્રણસોવાર આંગળીઓ હલાવવી એવી સૂચના પણ આપી માંડ હું ત્રીસ વખત હલાવી શકી હોઈશ. ત્યારપછી એન્કલમાંથી પાનીને હલાવવાની કસરત શરૂ કરાવી. ૬ઠ્ઠી જુલાઈએ મારી એક મેજર સર્જરી થઈ જેમાં મારા ડાબા પગમાંથી હાડકું કાપીને પગ શોર્ટ કરવો પડ્યો હતો. અને એ પગમાં એક્સટર્નલ ફિક્સેટર લગાવવામાં આવ્યા. બીજા અઠવાડિયે બીજી એક મેજર સર્જરી થઈ જેમાં કમરમાંથી હાડકું લઈ ગ્રાફટીંગ કરવામાં આવ્યું. આ બધી મેજર સર્જરી વચ્ચે ડૉ. ચિંતને ફિઝિયો તો કરાવવાનું જ હોય. અસહ્ય દુઃખાવા અને માનસિક અસ્વસ્થ હાલતમાં હું હતી. હું એને બિલકુલ કો-ઓપ કરી શકતી ન હતી.

લગભગ એક મહિના પછી મારાં કોમ્પ્લીકેશન ઓછાં થવા માંડ્યાં હતાં. આશાનાં રતૂમડાં કિરણોનાં ઓજસે ડૉ. એચ.પી. સિંધે ડૉ. ચિંતનને પ્રોપર વે થી ફિઝિયોથેરાપી આપવા માટે જણાવ્યુ. આથી ફિઝિયોથેરાપીનાં અવનવાં પડાવો શરૂ થયા. શરૂઆત બેસવાની પ્રેકટીશથી કરવામાં આવી. હું કમરમાંથી મારું શરીર ઊંચકી શકતી ન હતી. મારું શરીર ઊંચું કરવા મારા માટે હિમાલય ઊંચકવા બરાબર હતું. શરૂઆતમાં ચાર માણસોનાં ટેકે મને બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો. હું રાડારાડ કરતી. હું ખૂબ રડતી. ક્યારેક ચીસો પાડી, છાતી ફાડીને રડતી તો ક્યારેક ખામોશીમાં રડતી. ડૉ. ચિંતનનાં કોઇપણ પ્રયત્નમાં હું બિલકુલ રિસ્પોન્ડસ આપી શકતી ન હતી. મહામહેનતે એક-એક માણસનો સહારો ઓછો કરતો ગયા. અને, લગભગ ૨૫ દિવસનાં મહાપ્રયત્ને મહાયાગ સફળ થયો. હું બે મીનીટ જેટલું બેસતી થઈ. તે દિવસે મને જળકમળમાં બેસી સાત સમંદર પાર કરતી હોઉં એટલી આહલાદકતાની અનુભૂતિ થઈ. હવે બેસવાનો સમયગાળો વધારવાનો હતો. નર્સરીમાં નાનાં બાળકોને સમજાવી, ફોસલાવી, ડરાવી, ધમકાવીને બેસાડે એ જ રીતે એણે મારી સાથે વર્તન કરવું પડતું હતું. આટલી નાની લાગતી બાબત પણ મારા માટે પડકાર સમાન હતી. હવે તો પડકારોનો સિલસિલો ચાલુ થયો હું દરેક સ્ટેપ્સ માટે મારાં જ સ્ટુડન્ટ સામે ઠોઠ નિશાળિયા જેવી સાબિત થતી હતી. મારા સ્વાભિમાની સ્વભાવ માટે એનો સામનો કરવો પણ એક મોટો પડકાર થઈ પડતો. હવે શરૂઆત થઈ પગને બેડ પરથી લટકાવીને બેસવા માટે. સામે વિઝિટીંગ સોફો મૂકી એનાં પર મારાં પગ ટેકવી મને બેસાડતો હતો. હું રાડો પાડતી, ગુસ્સો કરતી, ઢળી પડતી. દિવસો જતાં મહામહેનતે એ પડાવ પણ પાર પડ્યો. તે દિવસે હું નદી કિનારે બેસી પાણીમાં છબછબિયાં કરતી હોઉં એવું દશ્ય એનાં હૃદયે મઢાયું હશે અને એની મહામહેનતના સંતોષનો એને ઓડકાર આવ્યો હશે.

મને ભરોસો માત્ર એનાં પર જ રહેતો. બંને પગમાં ફિક્સેટર સાથે બેડસીટ બદલવી કોઈપણ સ્ટાફમેમ્બર માટે ખૂબ જોખમી અને મારા માટે પીડાદાયક હતું. હું હોસ્પિટલનાં કોઈપણ સ્ટાફ પાસે બેડસીટ બદલાવતી ન હતી. ચિંતન ડોકટર હોવા છતાં હું એની પાસે જ બેડસીટ બદલાવવા આગ્રહ રાખતી આ રોજીંદુ કાર્ય એ કોઈપણ જાતનાં સંકોચ વગર કરતો એની હું આજીવન ઋણી રહીશ.

એક્સિડન્ટનાં સવાચાર મહિના પૂરાં થયા હતા ત્યાં સુધીમાં ૧૩ મેજર સર્જરીઓ થઈ ચૂકી હતી. હવે સર્જરીનો માર સહન કરવા મારું શરીર જવાબ આપી શકે એમ ન હતું. જોકે હાઈગ્રેડ ફિવર હવે બંધ થઈ ગયો હતો. ડોક્ટર્સટીમે મારા હસબન્ડ સાથે મિટિંગ કરી જણાવ્યું “હવેની સર્જરીઓ બે-બે મહિનાના આંતરે કરીશું. હવે સર્જરી માટે એમનું શરીર તૈયાર નથી. આથી હવે ઘરે લઈ જાઓ. ઘરનાં વાતાવરણમાં રિકવરી પણ ફાસ્ટ થશે.” મને સવાચાર મહિના પછી ઘરે લાવવામાં આવી. દિવસમાં બે વખત ફિઝિયો અને એક વખત ડ્રેસિંગ માટે ઘરમાં જ વ્યવસ્થા કરવામાં આવી. ડ્રેસિંગ અને ફિઝિયોથેરાપી મારા માટે તલવારની ધાર સમાન રહેતું. રડ-કકળાટ જાણે મારો સ્વભાવ બની ગયો હતો.

ફિઝિયોથેરાપીનાં એક પછી એક સ્ટેપ આગળ વધી રહ્યા હતા. હવે વારો હતો મારા પગ પર મારે પોતે જ ઊભા રહેવાનો. મારાં પગ પર મારે ઊભા રહેવું મતલબ કાળીનાગનાં શીર્ષ પર તાંડવ કરવા જેટલું હિમ્મતભર્યું કામ હતું. હું ખૂબ જ રડતી. બેડ પરથી પગ જમીન પર ઊતારવો મારા માટે પાતાળમાં ઊતારવા જેટલું કપરું હતું. હું જરા પણ તસથીમસ થતી નહિં. ડૉ. ચિંતનનો ગુસ્સો આસમાને આંબતો રડાવી-કકળાવી-તતડાવી એ એનું કામ પાર પાડવા મથતો. હું બાળહઠ કરતી “મારાથી નહિં જ થાય. મારે કરવું જ નથી. બસ! મને મારી નાંખો. મારે જીવવું જ નથી.” ઘણીવાર મારા પતિ જો ઘરમાં હાજર હોય તો મારી વ્હારે આવતા. ડૉ. ચિંતનને કહેતાં “ચિંતન હવે રહેવા દે થોડો વધારે સમય લાગશે. બીજું શું?” ચિંતન કહેતો “સર મેડમને વધુ પંપાળો છો.” એ મારાં હસબન્ડને સમજાવતો “સર! આ રીતે કરીશું તો જ રીકવરી આવશે. નહિં તો કાયમી પથારીવશ રહેશે. હૃદય કઠણ કરીને એક્સરસાઈઝ તો કરવી જ પડશે.” આમ આવા અનેક ઉતાર-ચઢાવ પછી હું વોકરનાં સહારે ઊભા રહેવા જઈ રહી હતી ત્યારે મને અહેસાસ થયો મારો ડાબો પગ ૭ સેમી ટૂંકો છે. હું વિહવળ થઈ ગઈ મને પરસેવો છૂટી ગયો આ કડવી વાસ્તવિકતાનાં ઘૂંટ પીવા માટે હું માનસિક તૈયાર જ ન હતી. મેં ચિંતન સામે પ્રશ્નાર્થ ભાવે જોયું. લાંબા-ટૂંકા પગે કેવી રીતે ઊભા રહી શકાય??? ડૉ. ચિંતન મારી મૂંગી આંખોમાંથી આગની જેમ વરસતાં પ્રશ્નો વાંચી ગયો. હું ડિપ્રેશનમાં સરી પડું એ પહેલાં ક્ષણની સો માભાગનાં સમયમાં એણે મારા ડાબા પગને સ્લીપર પહેરાવી દીધા. નાનાં બાળકને એક ચોકલેટ આપી ફોસલાવે એવું જ એણે કર્યું. એ બોલ્યો “લો, બંને પગ એક જ લેવલમાં તો છે. ક્યાં છે લાંબા-ટૂંકા મને તો કંઈ ફરક જણાતો નથી.” આ રીતે મને સમજાવી- ફોસલાવીને મારામાં સ્વીકૃતિની ભાવના વિકસાવતો હતો. જ્યારે જ્યારે હું મારામાં આવેલ ખોડનાં વિચારોનાં વમળનાં ચક્રવાતે ચઢતી ત્યારે ચિંતન સુરમ્ય પંખીની પાંખ મારામાં ઉગાડતો અને આભમાં ઉડી શકાશેની તીવ્ર આશા જગાડતો. વારંવાર મને ઈન્ફેક્શન થતા એવાં સમયે હું મનથી તદ્દન હારી ચૂકી હતી. હું મારી વેદનાને વાચા પણ આપી શકતી ન હતી. ત્યારે મારી વેદનાની મૂક વાણીને એ એની વૈવિધ્યસભર વાતોની રંગોળી પૂરી મને હળવી કરી દેતો હતો. અને હું એક દિવસ વોકરનાં સહારે ઊભી રહેવા સક્ષમ બની. એણે તાળી પાડી, વિડીયો સ્યુટ કરી મને એપ્રીશિએટ કરી. હું પણ હળવીફૂલ બની. હવે મારામાં આત્મવિશ્વાસ આકાર લઈ રહ્યો હતો. અંદરથી અવાજ સંભળાતો “કંઈ નહિં વહેલું નહિં મોડું એક દિવસ મારો પણ આવશે. હું પણ સામાન્ય જીવન જીવી શકીશ.” આ બધું ડૉ. ચિંતનને આભારી હતું. એણે મને આંસુઓના અક્ષરોમાં જીવન લખતાં શીખવ્યું અંધારામાંથી અજવાળા તરફ ડગ માંડવાની વાત શીખવી.

મારા દીકરા-દીકરીની ગેરહાજરી એ મને સાલવા દેતો નહિં. મારો જ દીકરો હોય એવી હુંફ આપતો. એનાં હાથે મને જમાડતો પણ ખરો પણ એકસરસાઈઝની બાબતમાં બિલકુલ ઢીલ નહિં મૂકતો. ‘કરવું જ પડશે’ નાં એનાં અભિગમથી હું અકળાઈ જતી. આમ ને આમ દિવસો જતા અને મારાં ધારવા કરતાં વધારે પણ એનાં પ્લાન કરતાં ઓછું પણ રીઝલ્ટ મળતું થયું. હવે હું એને કો-ઓપરેટીવ પણ રહેતી. આથી અમારાં સંબંધો થોડો હળવાશની પોર લઈ રહ્યો હતો. કભી ખુશી કભી ગમ જેવાં મારાં દિવસો એનાં સહારે પસાર થઈ રહ્યા હતા. ભગવાનની આ વ્યવસ્થા પણ સુંદર હતી. એક થેરાપીસ્ટનાં સ્વરૂપે મોટીવેટર અને કાઉન્સેલરનું પણ એ કામ કરતો. અનેક મોટીવેશનનાં વિડીયો બતાવતો મારા હૈયામાં હામ અને જોમ ભરવા એનાથી બનતાં તમામ પ્રયાસો કરતો. ઘણીવાર એ મારાથી ખૂબ અકળાય જતો. એની અકળામણની લિપિ હું એનાં ચહેરા પર વાંચી શકતી હતી.

હવે સમય આવ્યો પગને ઘૂંટણમાંથી બેન્ડ કરવાનો. ડૉ. ચિંતન મારા પગ બેન્ડ કરતો ત્યારે મારી ચીસો પહાડને ફાડી ગગનને પાર નીકળી જતી. હું ખૂબ રડતી. ખૂબ ગુસ્સો કરતી એને ન કહેવાનું અને ન બોલવાનું બોલતી. “તું રાક્ષસ છે. તું ક્રૂર છે. તું માણસાઈનાં નામે મીંડું છે. તને મારી દયા આવતી નથી.” આવા કડવા વેણ એ સાંભળી લેતો પણ મારા પગ છોડતો ન હતો. રડી-રડીને હું હિંબકે ચડી જતી. પછી એ જ એનાં હાથે મને પાણી પીવડાવી સાંત્વના આપતો. એક સેશનમાં ખૂબ રડી હોય તો બીજા સેશનમાં હસતો-હસતો આવતો. અને, હું હળવી થઈ જતી. અતિ કડકાઈથી એકસરસાઈઝ કરાવતો એનો ચહેરો ડરામણો ભાસતો પણ અંદરથી એ પણ ઢીલો થઈ જતો એવું મેં અનેકવાર એની આંખોમાં વાચ્યું હતું. મારી આંખોમાં તો જાણે ભાદરવો બેઠો હતો. ખૂબ રડતી. દિવસ-રાત રડતી. ચોધાર આંસુઓનાં પૂર ઉમટી પડતા.

એ દર સેશનમાં મને હોમવર્ક આપી જતો. અને, બીજાં સેશનમાં આવતાની સાથે હોમવર્ક વિશે પૂછતો. પણ, હું ક્યારેય એણે આપેલ હોમવર્ક ૭૦% થી વધુ કરી શકતી ન હતી. ખોટું બોલવું મને ફાવે નહીં અને સાચું બોલવું પરવડે નહિં. હું વાત ફેરવી નાંખતી અથવા નિરુત્તર રહેતી પણ મારા મૂંગા પડઘાને એ સમજી જતો. એનો મોઘમમાં ગૂંગળાતો ગુસ્સો અને અણગમો હું સમજી શકતી હતી. સંપૂર્ણતાની આગ્રહી એવી હું મારી અપૂર્ણતા સામે ક્ષોભ અનુભવતી. એ હોમવર્ક આપીને જતો. “આજે ૧૦ મીનીટ પગ લટકાવીને બેસવાનું જ છે. નહિં તો હું કાલથી નહિં આવીશ.” હું એને કેવી રીતે સમજાવું “ભાઈ-ચિંતન પગ લટકાવીને બેસવું મતલબ ખાઈમાં કૂદકો મારવા જેટલો મને ડર લાગે છે.” મારા પગ નીચેથી કોઈ પૂરાં બળથી ખેંચતું હોય એવું અનુભવાતું. હું નીચે તરફ ધસી રહી હોઉં એવો આભાસ થતો. પણ એ મારી કોઈ વાત કોઈ બહાનાં સાંભળતો નહીં મેં એની પાસે 12th બોર્ડમાં જે કડકાઈથી કામ લીધું હતું એ જાણે વસૂલી કરી રહ્યો હોય એવું મને લાગતું. મારું મગજ વિચારવા માટે સંકુચિત થઈ ગયું હતું. દુઃખાવો હળવો થાય પછી મારા મન સાથે મીટીંગ કરી મારી જાતને થપથપાવી કહેતી “આ વેરની વસૂલાત નથી આ તો વ્હાલનું વરદાન છે. વ્હાલનો વરસાદ છે.”

ત્યાર પછી ટાસ્ક શરૂ થયો ડગ માંડવાનો. ચારથી પાંચ માણસો ભેગાં થઈ મારા પર રીતસરનું દબાણ કરતા. પણ હું કેમે કરી મારો પગ ઊંચકી શકતી ન હતી. ચિંતન ખૂબ ગુસ્સે થતો એ કહેતો “તમારામાં ઇચ્છાશક્તિ જ નથી.” હું એને કઈ રીતે સમજાવું કે ડગ માંડવું એટલે કાંટાળાવનમાંથી પસાર થવા જેટલું કપરું છે. અરે ચિંતન! એક સમયે મેં જ મોટીવેશન ગીત લખ્યું હતું “ઊભી છે મંઝીલ, ચુમવા તુજ કદમ સતત ચાલવું એ જ તારો ધરમ” પરંતુ આ સમય દરમ્યાન હું જિંદગીને ખૂબ જ નજીકથી સમજી શકી. મોટીવેશનલ લખવું, કહેવું, લેક્ચર આપવા ખૂબ સહેલા છે પણ જિંદગીના રંગમંચ પર પરફોમ કરવું અશક્ય સમાન છે. દિવસોની જહેમત પછી હું એક ડગ માંડી શકી હતી તે દિવસે એને ફરી મારો વિડીયો સૂટ કરી મારાં દીકરા-દીકરીને મોકલ્યો હતો. તે દિવસ જાણે એનાં માટે મહત્વનો બની ગયો હતો. એની મહેનત સાચા માર્ગે જઈ રહી છે એવો એનો આત્મવિશ્વાસ બેવડાતો ગયો. એ મનોમન બોલ્યો હશે “રણપ્રદેશમાં પણ ફૂલ ઉગાડી શકાય.” હવે ડગ રોજ-રોજ વધારે માંડવાનું અભિયાન શરૂ થયું. સ્ટેપ બાય સ્ટેપ પગ ઊંચકવા મારા માટે હિમાલય ઉંચકવા જેવી ઘટના હતી. હું ચિંતનને આજીજી કરતી “બસ હવે બસ! હું કાલે ચોક્કસ ચાલીશ આજે મને રજા આપ. મને બેડ પર નાંખ. ચિંતન માથું ખંજવાળતો થઈ જતો. મારી દક્ષિણ ગુજરાતની તળપદી ભાષાશૈલી એને બિલકુલ રૂચતી ન હતી. “નાંખ ‘?’ ‘નાંખ’ એટલે શું? એ કહેતો “તમારી ટર્મીનોલોજી બકવાસ છે.” પછી તો મારા તળપદા શબ્દો થકી મને ચીડવતો જે મારા દુઃખને ઓછું કરવા મદદગાર સાબિત થઈ રહ્યા હતા. આવી રીતે સમય-સમયે હસીમજાક પણ કરી લેતો પણ હું જડ હતી મારે જે સમજવું હોય તે જ હું સમજતી. એ કંટાળી પણ જતો જે એનાં મુખારવિંદ પણ ઝળક્યા વિના રહેતું નહીં. મેં એને અનેકવાર ગુસ્સો ગળી જતા અનુભવ્યો છે. છતાં પણ ગુરુદક્ષિણા ચૂકવવી જ રહી અથવા તો એનાં કામ પરત્વે એટલો નિષ્ઠાવાન હતો કે એમાં એ ગળાડૂબ ઓતપ્રોત થઈ જતો અને જાણે એનો મકસદ બની ગયો હતો. ‘મને ચાલતી જ કરવી છે.’ એનાં સાગરપણામાં મારા બધા દ્વિધા પ્રશ્નો, મારાં બધાં ઉદ્દગારો વિલિન થઈ જતા હતા.

મારા ડાબા પગમાં નાની-મોટી તેર સર્જરીસ થઈ ચૂકી હતી. ડાબો પગ ખૂબ જ અશક્ત હતો વળી ટૂંકો પણ અને એમાંય એક્સટર્નલ ફીક્સેટર જે ખૂબ જ વજનદાર હતા. એની સાથે મારે પગ ઉંચકીને ડગ માંડવાના હતા. કદાચ મારી આ પીડા એ પણ સમજતો જ હશે પણ એણે એની ડ્યુટી પુરી કરવાની હોય ખૂબ જ કડકાઈ રાખતો. લગભગ બે મહિનાની જહેમત પછી હું ઘરમાં વોકર લઈ ચાલતી થઈ. મને એક ક્રિયા આવડે એટલે બીજી માટે તૈયાર જ રહેવાનું હોય એનાં પ્લાન તૈયાર જ હોય. હવે સમય આવ્યો દાદર ચઢવાની પ્રેકટીશ. મારા ઘરમાં ડ્રોઈંગરૂમ અને કિચન વચ્ચે એક નાનું ૬ ઈંચ જેટલી ઊંચાઈ ધરાવતું સ્ટેપ આવે છે. ત્યાંથી શરૂઆત કરી પણ એટલો પગ પણ મારાથી ઉંચકાતો ન હતો. ડૉ. ચિંતને મને ચાર દિવસનો સમય આપ્યો હતો. એ પડાવ પાર કરવા માટે, પણ, સાત દિવસ થઈ ગયા તો પણ હું એ કરી શકી નહિં. આ પડાવ મને એન્ટ્રન્સ એકઝામ જેટલો કઠીન લાગી રહ્યો હતો. હું મનથી હારી ગઈ. મેં થાકી-કંટાળી એક દિવસ વોકર ફેંકી દીધું અને કહ્યું “તું જા. મારે નથી કરવું.” અચાનક વોકર છોડી દેવાથી મારું બેલેન્સ જતું રહ્યું ચિંતને મને પકડી લીધી. બેડ પર સુવડાવી એ પણ ખૂબ જ ગુસ્સામાં હતો. જતાં-જતાં બોલ્યો “હવે કાલથી તમે જ નક્કી કરજો મારે તમારી પાસે શું કરાવવાનું છે. હું તે જ કરાવીશ.” એ ગુસ્સામાં ને ગુસ્સામાં બહાર નીકળી ગયો. હું સમસમી ગઈ. મને મારા વર્તન પર પસ્તાવો થઈ રહ્યો હતો. મનમાંને મનમાં ધ્રુજી પણ ગઈ. “હવે ચિંતન નહીં આવશે તો!!!” તે દિવસે હું ખૂબ રડી. જમી પણ નહીં. આખી રાત હું વિચારતી રહી કે કેવી રીતે હું પગ ઊંચો કરી શકું!? મનમાં મેં પ્લાન બનાવ્યો. બીજે દિવસે ચિંતન આવ્યો મારી સાથે વાતો કરવાનું ટાળી રહ્યો હતો. ચૂપચાપ મને બેડ પરથી નીચે ઉતારી હું વોકર લઈ પગથિયાં તરફ મારી મરજીથી ગઈ અને એ દિવસે મેં સ્ટેપ પાર પાડ્યું. મેં પ્રોત્સાહન મળે એ ભાવે ચિંતન તરફ જોયું એની પ્રતિક્રિયા ઠંડીગાર હતી. એ ધીમેથી બોલ્યો “યુ કેન ડુ. તમારી ઈનરશક્તિને ઓળખો બધું જ થઈ શકશે.” વાતાવરણ થોડું હળવું બન્યું.

એક દિવસ સામેથી મેં ઈચ્છા વ્યક્ત કરી. મારા ઘરનાં ઉપલા માળે જવાની.એણે મનમાં કંઈક તો વિચાર્યું હશે પણ કશું બોલ્યો નહિં. કદાચ તે દિવસે એ પહેલીવાર મારી ઈચ્છાશક્તિથી પ્રભાવિત થયો.જરા એની નજર ઘડિયાળ તરફ તો ગઈ પરંતુ એણે એકપણ વાર એવું નહિં કહ્યું કે “આજે મારો સમય પુરો થઈ ગયો. બીજાં સેશનમાં જઈશું.” એ તરત જ તૈયાર થઈ ગયો. હું પુરા મનોબળથી મારાં ઉપરનાં માળ પર મંદિરમાં ગઈ. મારા બેડરૂમમાં ગઈ. દરેક દીવાલો પર મેં હાથ ફેરવ્યો. મારાં અસ્તિત્વનાં એડ્રેસ પર પહોંચ્યાનો મને આનંદ થયો. મારો હરખ હૈયે સમાતો ન હતો. તે દિવસે સેશનમાં ઘણો સમય ગયો. એણે એની બીજાં પેશન્ટની વિઝીટ કેન્સલ કરવી પડી. છતાં એનાં હૈયે પણ આનંદનાં તોરણ બંધાયા હતા. મેં મારા પુસ્તકો બતાવ્યા અને કહ્યું “ જો, ચિંતન આ મારી પ્રોપર્ટી-અમૂલ્ય ખજાનો.” હૈયેથી મારો હરખ ઢોળાય-ઢોળાય રહ્યો હતો. રડી-રડીને કોડિયાં બની ગયેલ મારી આંખો તે દિવસે તગતગી ઉઠી જાણે પાછલી રાત્રે આકાશે ટમટમતાં તારલાં. મારા નવજીવનનો એ દિવસ પહેલા વરસાદનો પ્રથમ પ્રેમ જેવો પુરવાર થયો. હું ખુદ મારા ભીતરથી ભીંજાઈ હતી. આ યશકલગી ચિંતનની મહામહેનત અને જહેમતને પહેરાવવી રહી. અમને બંનેને એવરેસ્ટ સર કર્યા જેટલો આનંદ થયો. એણે આખો વિડીયો સુટ કર્યો અને અમારાં નજીકનાં વર્તુળમાં શેર કર્યો.

હું નાની હતી ત્યારે ઘરમાં બધા જ કહેતાં “આ છોકરીને કશું જ શીખવવું નહિં પડે. નહિ તો વેલણ-ચમચો પકડતા કે નહિં તો પેન પકડતા. બસ! આપોઆપ જાત નિરીક્ષણ અને મહેનતથી બધું જ શીખી જાય.” પણ હવે મારો સુરજ અવડો ઉગે છે મને બધું જ શીખવવું પડે. ચિંતન મને ગ્લાસ પકડતા શીખવે, જાતે પાણી પીતા શીખવે, રોટલીનો ટુકડો કરતાં શીખવે, ચમચી પકડતાં શીખવે. મારા સ્વાભિમાની અથવા તો હાઈ એસ્ટીમ ધરાવતો સ્વભાવ આ સ્વીકારી શકતો ન હતો. મને કાંણી કાચલીમાં પાણી લઈ ડૂબી જવાનું મન થતું.

નવેમ્બર મહિનામાં મારી શારીરિક ક્ષમતામાં સુધારો થઈ રહ્યો હતો. હવે દરેક પડાવ હું ઓછાં દિવસમાં પાર પાડી શકતી હતી. આમ છતાં જ્યારે ચેર કે સોફા પર બેસીને ઉભા થતાં શીખવાનું હતું ત્યારે ફરી ધમાલ-ધમાલ થઈ જતી હતી. મારો ડાબો પગ ખૂબ જ નબળો થઈ ગયો હતો. અનેક સર્જરીને કારણે એ પગની સ્કીન ખૂબ જ સેન્સેટીવ થઈ ગઈ હતી. આથી બેસવાને કારણે થાપાના નીચેનાં ભાગે દબાણ આવતું જે મારાથી બિલકુલ સહન થતું ન હતું. ચિંતન અને મારાં હસબન્ડ મારી આ પીડા સમજી શકતા ન હતા. તેઓ રીતસરની બેસવા માટે જીદ્દ કરતા હતા. જોકે ચેર પર બેસવું અતિ આવશ્યક હતું હું ટોઇલેટ ચેર પર બેસી શકું તો જ મારી કોલોસ્ટોમીની સર્જરી શક્ય થઈ શકે. એ વાત હું પણ સારી પેઠે જાણતી હતી. આથી મને વોશરૂમમાં લઈ જતા કમોડચેર પર બેસવાની પ્રેકટીશ કરવા માટે લઈ જતા હતા. મારી નજર વોશરૂમમાં રહેલ મીરર પર પડી. હાઈગ્રેડ ફિવર અને અનેક કોમ્પ્લીકેશનનાં કારણે મારું શરીર આફ્રિકન જેવું કાળું પડી ગયું હતું. હું મને જોઈને ડરી ગઈ. મારાથી મને સ્વીકારવી અશક્ય હતું. જાણે મને જોઈ જાણે દર્પણ પણ એની આંખો લૂછી રહ્યો હતો. મારી જાતને મેં નવમહિના પછી જોઈ હતી. ચિંતન મારાં મનને વાંચી ગયો એ આ પળને પામી ગયો. હું નિરાશાની ગર્તામાં ધકેલાઉં એ પહેલાં એણે વાતને બીજે વાળી દીધી. મારી ડિસિશન ને કહ્યું “આ મીરરને ન્યુઝ પેપર ચોંટાડી ઢાંકી દો.”

આમ, મારાં નાનાં-મોટાં દરેક ઈમોશન્સ એની નજર બહાર રહેતા ન હતા.વગર બોલ્યે અને વગર કહ્યે એ મને સમજી જતો. પણ બસ! નહીં સમજતો તો થેરાપીની બાબતે કોઈ બાંધછોડ. આવા અનેક ઉતાર-ચઢાવ સાથે દિવાળીનો સમય આવ્યો. હું વોકરથી દશ-બાર પગલાં માંડ ભરી શકતી પરંતુ પગમાં ફિક્સેટર અને પેટ પર કોલોસ્ટોમી બેગને કારણે હું કોઈપણ ડ્રેસ કે ગાઉન્સ પહેરી શકતી ન હતી. પિંક અને ઉભી લાઈનીંગવાળા મેડિકલ ગાઉન જ પહેરી શકતી હતી. દશ મહિનાથી આ એક પ્રકારનો મારો પહેરવેશ હતો. મારાં નણંદે આવા પાંચ મેડિકલ ગાઉન્સ મોકલ્યા હતા. મારે મારો બધો જ શૃંગારરસ આ એક જ ટાઈપના ગાઉનમાં માણી લેવાનો હતો. વાર-તહેવાર-ઉત્સવ દરેક દિવસોમાં બસ આ મેડિકલ ગાઉન જ મારે માટે સર્વસ્વ હતું. જાણે મારા ફેશનફંડાનો આઇકોન બની ગયું હતું. વિડીયો કોલ પર મારા દીકરા-દીકરી પણ હમેશાં જીવ બાળતા અને કહેતાં “મમ્મી! કંઈક તો ચેઈન્જ કર.” પણ ફિક્સેટર અને કોલોસ્ટોમી બેગના કારણે બીજું કંઈ પણ શક્ય ન હતું.

દિવાળીના દિવસો શરૂ થયા. ચિંતનને પણ મારાં દીકરા-દીકરીની માફક કઈ ખટક્યું હશે. ધનતેરસનાં દિવસે એ વ્હેલો આવી ગયો. મારા માટે રેપ એન્ડ રાઉન્ડ પીનઅપ કરી કંઈક મેળ પાડી મને પહેરાવ્યું. મારા હસબન્ડ પાસે મારા માટે જ્વેલરી મારા કપબોર્ડમાંથી કઢાવી એનાં હાથે મને પહેરાવી. થોડો મેક-અપ પણ કર્યો. હું અને હેમંત તેમજ ડિસિશન એનાં આ રૂપથી સ્તબ્ધ થઈ ગયા. મહામહેનતે હેમંત અને ડિસિશન ના સહારે મને એની કારમાં બેસાડી અને સાંઈબાબાના દર્શન કરવા મંદિરે લઈ ગયો. જો કે ગાડીમાંથી ઉતરી મંદિરનાં પરિસરમાં જવા જેટલી હું સક્ષમ ન હતી. પણ ગાડીમાંથી દર્શન કરાવ્યા જાણે મને દિવાળીની ગિફટ આપી. મારા દીકરા-દીકરીને વિડીયો મોકલ્યો. એમનાં લોહીમાં પણ સવાશેરનો વધારો થઈ ગયો. લગભગ નવ મહિના પછી મેં બહારની દુનિયા જોઈ હતી. બાકી તો રોજ સુર્યકિરણ અને ચંદ્રકિરણ પણ મારાં ઉંબરેથી ડોકિયું કરી ભાગી જતા હતા. તે દિવસે મારાં મનઉપવનમાં દીપમાલા ઝળહળી ઉઠી.

ડૉ. ચિંતનની લાગણીની લીલપથી મારામાં થોડો ફેરફાર આવ્યો હતો. જો કે શરીરમાં થોડી એનર્જી પણ આવી રહી હતી. આથી હું ડૉ. ચિંતનને થેરાપીમાં સારો એવો સહકાર આપી શકતી હતી. જ્યારે પગને ઘૂંટણમાંથી પલાઠીની પોઝિશનમાં વાળવાનો સમય આવ્યો ત્યારે મને પર્વતનાં શિખર પર યોગમુદ્રામાં બેસવા જેટલું સાહસિક લાગ્યું પણ હવે પીડા પચાવવાની પરિપક્વતા આવી ગઈ હતી હું સહકાર આપવા પ્રયત્નો કરતી હતી. આમ છતાં હવે પછીની સર્જરીના ડરથી હું અંદરોઅંદર ભયભીત રહેતી. એ વાત પણ ડૉ. ચિંતનથી છૂપી રહી શકતી ન હતી. મારું માઈન્ડ ડાયવર્ટ કરવા એ જાત-જાતનાં નુસખાં અજમાવતો. આત્મવિશ્વાસનો એકડો ઘૂંટાવતો.

દિવાળી પછી ફરી સર્જરીનાં સિલસિલા શરૂ થયાં. દર દોઢ-બે મહિનાને આંતરે સર્જરી તેમજ વચ્ચે-વચ્ચે કોમ્પ્લીકેશનનાં કારણે ગમે ત્યારે હોસ્પિટલમાં એડમિટ થવું પડતું એનાં કારણે ફિઝિયોનો ઈમ્પ્રુવ થઈ રહેલ ગ્રાફ અટકી જતો અને થોડો નીચે પણ ઉતરી જતો. ફરીથી એકની એક થેરાપી કરવી પડતી હતી. પણ, એણે ક્યારેય કંટાળો અમને બતાવ્યો ન હતો. હસતે મોંએ મને અને મારી તકલીફો સામે અડીખમ રહી સાચવી લેતો. મારી એક્સરસાઈઝ યોગ્ય દિશામાં ચાલી રહી હતી. આમ છતાં, કાળા વાદળો ચંદ્રને આવરી લે એમ કોઈક દિવસ હું બરાબર પરફોર્મ કરી શકતી નહિં. મારી આંખોમાં આંસુઓ ઉભરી આવતા. નિરાશાનાં જંગલમાં હું ગરકી જાઉં એ પહેલાં એ ધુમ્મસનાં વાદળો ખંખેરી નાંખતો. અને કહેતો “સચિન તેડુંલકર દરેક મેચમાં સેન્ચુરી નહિં કરે. થાય કોઈ વાર એવું પણ થાય” થેરાપી બાબતે અતિ કડક હોવા છતાં સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપવામાં પણ એની કાબેલિયત મનસ્પર્શી રહેતી. એની દરેક પરિસ્થિતિનો તાગ પામી જઈ કર્તવ્યપૂર્વક, ફરજપૂર્વક, નિષ્ઠાપૂર્વક પાર પાડવાની ક્ષમતા હૃદયસ્પર્શી રહેતી.

મારો જમણો પગ વળતો થઈ ગયો હતો. પરંતુ ડાબો પગ કેમે કરીને વળતો ન હતો. ડાબા પગને એનેસ્થેશિયા આપી વાળવો એવી ચર્ચા ચાલી રહી હતી. ત્યાં એક દિવસ હું પડી ગઈ. આ મારી બીજી ઘાત હતી. પણ, આ સમયનું પડવું મારા માટે અભિશાપ નહીં આશીર્વાદ સમાન પુરવાર થયું મને કોઈ નાની-મોટી ઈજા ન થઈ પણ ડાબો પગ વળતો થઈ ગયો હતો જાણે ‘ટાઢા પાણીએ ખસ ગઈ.’

આ લખું છું ત્યાં સુધીમાં મારી મેજર બધી સર્જરીસ થઈ ગઈ છે. પણ, આ દુઃખદાયી અને પીડાદાયી દિવસોમાં એણે દેવદૂત બની મને સાચવી લીધી હતી. મારી કાર્યક્ષમતા વધારવાના ભાગ રૂપે એ મને હોમવર્કમાં હાઉસહોલ્ડ વર્ક પણ સોંપતો જેથી મારો આત્મવિશ્વાસ વધે. એનાં એક ભાગરૂપે હું કિચનમાં કોઈકને કોઈક એક ડીશ બનાવતી. એ કહેતો “જેવું બનશે એવું હું ખાઈ લઈશ. મારી જવાબદારી” અને સાચે જ જેવું બને કાચું-પાકું, તીખું-મીઠું એ “હં બહુ જ સરસ છે એમ કહી ખાઈ લેતો. ક્યારેય પણ એણે મોં બગાડ્યું નથી. આવી રીતે મારો કોન્ફિડન્સ વધતો ગયો. શરૂઆતમાં તો મારાથી લાઈટરથી ગેસ પણ ચાલુ થતો ન હતો. ત્યાંથી લઈ હું સંપૂર્ણ ડીશ બનાવી શકતી થઈ ગઈ. વાત-વાતમાં જીવનને આગળ ધપાવવાની વ્યાખ્યા એ શીખવી ગયો.

ડૉ. ચિંતનની એન્ટ્રી પણ નિરાલી હતી. એ વાવાઝોડાંની જેમ ધસમસતો ઘરમાં પ્રવેશ કરતો. મારા ધબકારા વધી જતા “હવે, આજે આ કઈ એકસરસાઈઝ કરાવશે!?” નાં ભય ઓથાર નીચે હું મનોમન ધ્રુજી જતી. પણ જતી વેળાએ એ જીવંતતાની જીવાદોરી મજબૂત બાંધીને જતો. પ્રફુલ્લિતતાની પુષ્પવર્ષા કરીને જતો.નિરાશા-ઉદાસીનાં વાદળો ખેરવીને જતો. શ્વાસમાં ખુશ્બુ ભરીને જતો. એ મને એની ટેલીસ્કોપિક આંખો વડે મને મારી મંઝીલ બતાવવા સતત પ્રયત્નશીલ અને એ મંઝીલે પહોંચવા ક્યારેક પ્રેમાગ્રહ તો ક્યારેક હઠાગ્રહ કરતો હતો. પરંતુ મને તો દરેક રસ્તાઓ પર મૃગજલ ભાસતા. મારી આવી મનઃસ્થિતિમાં બદલાવ લાવવા એણે ઘણી મહેનત કરવી પડતી હતી. એનાં નામ જેવાં જ એનામાં ગુણ. એ દરેક પરિસ્થિતિનું ચિંતન-મનન કરી યોગ્ય સમાધાન બખૂબીથી લાવી શકે. એની સેન્સ ઓફ હ્યુમર પણ ગજબની જ્યારે-જ્યારે મારું મનોમંડળ વેદનાનાં વાદળોથી ધેરાય જતું ત્યારે કંઈકને કંઈક વનલાઈનર રમૂજ એનાં ગાંડીવમાંથી કાઢતો અને મારા વેદનાનાં વાદળોને વિખેરી નાંખતો. અને, મારી મનોદશાને થોડાં જ સમયમાં સામાન્ય કરી દેતો.

હું મારી આંગળી પણ હલાવી શકતી ન હતી. ત્યાંથી લઈ આજે હું ઘરમાં થોડું ચાલી શકું છું. ડૉ. ચિંતન મારા જીવનરથને હંકારવા દેવદૂત બની આવ્યો હોય એવું મને અને મારાં પરિવારને સતત અનુભૂતિ થાય છે. આમ તો, અમારી ‘પેશન્ટ-ડોકટર’, ‘ગુરૂ-શિષ્ય’, ‘આંટી-ભત્રીજા’ અને ‘મા-દીકરા’નો સબંધ તો પહેલેથી જ હતો. પણ જિંદગીએ અમને માણસથી લઈ માણસાઈના સબંધની મ્હોર પણ લગાવી આપી. આમ, સંબંધોની સરવાણી ફૂટી હતી. અનેક નોક-જોક અને ઉતાર-ચઢાવ વચ્ચે મેદાનેજંગ પાર પડ્યો. એ મારાં પીડાનાં પહાડને એ બરફનાં પહાડમાં રૂપાંતર કરતો ગયો અને સમય સાથે પીગાળતો ગયો.

મને દઢ વિશ્વાસ છે. અને મને ભરોસો છે કે મને ઝડપથી ચાલતાં અને દોડતાં પણ શીખવી દેશે. હાલમાં હું મારા કામો કરી શકું છું ઓનલાઈન પ્રોગ્રામ પણ આપી શકું છું આ બધા શ્રેય ડૉ. ચિંતનને આભારી છે. એણે ફક્ત આત્મવિશ્વાસનો એકડો જ નથી ઘૂંટાવ્યો પણ એનાં સતત અને અવિરત પ્રયત્નો અને મહેનતથી હું આજે આત્મવિશ્વાસનાં ઓટોગ્રાફ માટે સક્ષમ થઈ રહી છું.

આમ, ફિઝિયોથેરાપી અને ફિઝિયોથેરાપીસ્ટ મારાં નવજીવનની ભગવદ્દગીતાનો મુખ્ય અધ્યાય બની ગયા. એની સાથેની સફર ‘ઓ’ અને ‘ઉફ’ થી લઈ ‘આહ’ અને ‘હાશ’ સુધીની, પ્રશ્નોથી લઈ ઉત્તર સુધીની, ઉદ્દગારથી લઈ ઘટના સુધીની આશાપૂર્વક, હૃદયપૂર્વક તેમજ રમ્યત્વ અને ઉપચારત્વ રહી.