Banashaiya - 6 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બાણશૈયા - 6

Featured Books
Categories
Share

બાણશૈયા - 6

પ્રકરણ : ૬

જમાઈ બન્યા સાક્ષાત જગદીશ

ચાણક્ય નીતિમાં પણ કહેવાયું છે અને આપણા અનેક ગ્રંથોમાં પણ સમજાવ્યું છે તેમજ આપણાં પૂર્વજો પણ એમનાં અનુભવનાં આધારે કહી ગયા છે કે “સામા પક્ષનું મૂળ અને કૂળ જોઈને દીકરી પરણાવાય.”

મારી દીકરી ડોક્ટર હોય એના માટે જીવનસાથી પણ ડોકટર જ હોવા જોઈએ એવો અમે આગ્રહ રાખ્યો ન હતો. અમને દીકરીનાં જીવનસાથી માટે એક સારા વ્યક્તિની શોધ હતી. આમ છતાં, ઈશ્વરકૃપાથી અમને જમાઈ ડોકટર મળ્યા. જે અમારું અહોભાગ્ય હતું. એમની સાથેની મુલાકાતોથી અમને પ્રતીતિ થઈ ગઈ હતી કે આ છોકરો સંસ્કારિતાનાં સર્વોપરિ શિખરને આંબી એક ઉત્તમ માણસ અને માણસાઈનું ઉદાહરણ પૂરું પાડી શકે એવો છે. જમાઈરાજ કુશલકુમારે મોરપિંચ્છનુ શુકન લઈ અમારાં જીવનમાં પગલાં પાડ્યા.

કહેવાય છે ને ‘માણસની સાચી પરખ તો સમયે જ થાય’ મને પણ આ જાત અનુભવ થયો. કેકરી એક નાનકડું રાજસ્થાનનું ગામ જ્યાં અમારો રોડ એક્સિડન્ટ થયો. આ નાનકડા ગામમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ તો હતી જ નહિં પણ કામચલાઉ ટ્રીટમેન્ટ માટે પણ અમારે ઘણાં ફાંફા મારવા પડ્યા હતા.

દીકરા પર્જન્યએ જીજુ એટલે કે અમારા જમાઈરાજને ફોન કર્યો. જે પોતે એક ઓર્થોપેડીક સર્જન છે. દીકરાનો ફોન એમનાં પર ગયો ત્યારે એમની ઓ.ટી. ચાલુ હતી. ફોન પર આખી વાત ક્ષણભરમાં સમજી ગયા. એમને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો. તેઓ કેકરીનાં પ્રાઈમરી હેલ્થ સેન્ટર સાથે ઓનલાઈન થયા. અને, કામચલાઉ ટ્રેકશન મરાવ્યા અને મને અજમેર શિફ્ટ કરવા જણાવ્યું. બપોરે ૧.૩૦ વાગ્યાનો સમય હતો. હજુ એમનું લંચ પણ બાકી હતું. લંચને બાજુમાં મૂકી કથકને લઈ એમનાં ઘરે ગોધરા ગયા એમણે ફોનથી એમનાં મમ્મી-પપ્પાને પરિસ્થિતિથી વાકેફ કરી દીધા હતા. વડોદરાથી ગાડીમાં ગોધરા જઈ એમનાં પપ્પા એટલે કે અમારા વેવાઈ વંદનભાઈને સાથે લઈ અજમેર આવવા નીકળ્યા. એમની સૂઝબૂઝને નમન તો કરવા જ રહ્યા. અણધારી-આકસ્મિક આવી પડેલ પરિસ્થિતિ અને સમયને પહોંચી વળવા સાથે મોટો ખર્ચ હોય શકે એ શક્યતાને ધ્યાનમાં રાખી આર્થિક સગવડ પણ કરીને અજમેર આવી પહોંચ્યા. વડોદરાથી લગભગ ૧૩ કલાકનો રસ્તો હતો. આમ છતાં, આ રસ્તો એમણે દશ કલાકમાં કાપ્યો. આ સમય દરમ્યાન એમણે અજમેરમાં એમનાં ડોક્ટર્સ કોન્ટેક્ટ શોધી કાઢ્યા. અમે અજમેર પહોંચીએ એ પહેલાં મેડિકલ ટ્રીટમેન્ટ, ઇન્વેસ્ટીગેશન્સ માટે એમણે ડોકટર સાથે વાટાઘાટ કરી રાખી હતી.

અમે અજમેર મિત્તલ હોસ્પિટલમાં પહોંચ્યા જ્યાં કુશલકુમારે પહેલેથી જ બધી તૈયારીઓ કરાવી રાખી હોવાથી તરત જ મારા ઇન્વેસ્ટીગેશન્સ શરૂ થઈ ગયા હતા. અડધી રાતે કુશલકુમાર કથક અને એમનાં પપ્પા વંદનભાઈ સાથે અજમેર આવી પહોંચ્યા. અને, મારાં કેસ માટે ત્યાંનાં ડોક્ટર્સ સાથે ચર્ચા કરી. મિત્તલ હોસ્પિટલમાં બહારનાં કોઈ સગાંસંબંધીને મંજૂરી ન હોવા છતાં કુશલકુમાર એક ડોકટર હોવાને નાતે રાતદિવસ ટ્રાવેલિંગમાં થાકેલાં અને ઉજાગરાવાળાં હોવા છતાં મારી સાથે રહ્યા. મને વડોદરા શિફટ કરવાનું એમણે ડિસિશન લીધું. પણ રસ્તામાં કોઈ અજુગતું ન થાય એ માટે ૪૮ કલાક અજમેર હોસ્પિટલમાં રોકાઈ મને સ્ટેબલ કરી. આ સમય દરમિયાન મારા પ્રત્યેની એમની લાગણી અને કાળજી મને વિચારવા મજબૂર કરી રહી હતી કે શું આ જમાઈ છે કે દીકરો!?

કુશલકુમારે મારી હોસ્પિટલને લગતી કાળજી, કાર્યવાહી અને ટ્રીટમેન્ટ કરી. બ્લડ પણ ચઢાવ્યું. વંદનભાઈએ પોલીસસ્ટેશનની કાર્યવાહી કરી. બંને બાપ-દીકરાને નમન જ કરવા રહ્યા. તેઓ માણસનાં રૂપે ઈશ્વર બની મારી સહાય કરી રહ્યા હતા. તન-મન-ધનથી. અમે ખૂબ જ સંકોચ અનુભવી રહ્યા હતા. સુરત અમે એકલાં પડી જઈએ એવાં વિચારથી વડોદરા જ મારી આગળની ટ્રીટમેન્ટ અને સર્જરીનું ડિસિશન પણ એમનું જ હતું. જોકે દીકરીના ઘરે ધામો નાંખવો અમને રૂચતું ન હતું. પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેમજ એમનાં પ્રેમાગ્રહને કારણે અમે વડોદરા માટેનાં નિર્ણય માટે મન મનાવી લીધું.

કુશાલકુમાર પરિસ્થિતિને પામી ગયા હતા. એમને અંદાજ આવી ગયો કે આ મુસાફરી ખૂબ લાંબી અને જોખમી છે. અજાણ્યાં રાજ્યમાં રહી આ પરિસ્થિતિમાંથી પાર પડવું મતલબ મીણનાં દાંતથી લોઢાનાં ચણા ચાવવા જેવું છે. એમણે અનેક એક્સપર્ટ એડવાઈઝ લીધી. બધાં જ એકસપર્ટ ડોક્ટર્સનો મત હતો આ પરિસ્થિતિમાં પેશન્ટને મુવ કરવું શક્ય નથી. પ્રતિ મિનિટ પાંચ લીટર લોહી ભ્રમણ કરતું હોય એમાંથી ત્રણ લિટર લોહી આંતરિક વ્યય થઈ ગયું હતું. એના ક્લોટ મગજ, હદય 'ફેફ્સાકે કોઈપણ 'અંગ ડેમેજ કરી શકે. અથવા બંને પગ કાપવાનો સમય પણ આવી શકે. એમને સમજાતું ન હતું શું નિર્ણય લેવાય અને કંઈ રીતે આ પરિસ્થિતિને સાચવી શકાય? કુશાલકુમાર જેમને પોતાનાં ગુરુ માને છે એ મેંગ્લોર સ્થિત ડૉ.એડવર્ડ વ્હારે આવ્યા. એમણે કુશાલ કુમારને ગાઇડ કર્યું. એ પ્રમાણે કુશાલકુમાર અનુસર્યાં. આટલી ગંભીર બાબત એમણે ઘરમાં કોઈને જણાવી ન હતી. કારણ ઘરનું કોઈપણ સભ્ય આટલું રિસ્ક લેવા જેટલું સક્ષમ ન હતું. એમણે ફક્ત મારી નાની બહેન મુંબઈ સ્થિત ઈન્ટેનસિવિસ્ટ ડૉ. આનલ મહેતા અને એમનાં નાનાં ભાઈ યશને જ જણાવ્યું હતું. કુશલકુમારે એમની કૂનેહ અને કુશળતાથી બધી વ્યવસ્થા અને ટ્રીટમેન્ટ પ્લાન કરી રહ્યા હતાં. એમનાં સાલસ સ્વભાવથી પ્રભાવિત થઈ મિત્તલ હોસ્પિટલનાં વોર્ડબોય એ હોસ્પિટલનાં નિયમ વિરુદ્ધ જઈ લોહી ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. કુશાલકુમાર અજમેર માર્કેટમાંથી પંદર જેટલા કુશન અને નાયલોન દોરી લઈ આવ્યા. ICU એમ્બ્યુલન્સમાં મને કુશન્સથી પેક કરી દોરીથી બાંધી હતી. અને, ખૂબ મોટાં જોખમ સાથે, સતત મોનિટર કરી હેમખેમ વડોદરા લઇ આવ્યા.

વડોદરામાં ફરી એક્સ-રે, ફરી ઇન્વેસ્ટિગેશન આ બધાં સિલસિલા ફરી ચાલુ થયાં. મારા અસહ્ય દુઃખાવા અને ગગનચુંબી ચીસો વચ્ચે એમણે મારી એક ડોક્ટર કે એક જમાઈ કે એક દીકરાથી પરે જઈને મારી કાળજી રાખી રહ્યા હતા. વડોદરા પહોંચ્યા ત્યારે એમણે હાશકારો લીધો કે હાઈ રિસ્ક પૂરું થયું.

વડોદરા ઓર્થોપેડીક સર્જરી ડાબા પગ અને જમણા હાથની કરી. પરંતુ વિધિની વક્રતા ત્યાર પછી શરૂ થઈ. અસહ્ય પેટનો દુઃખાવો, હાઈગ્રેડ ફિવર અને પેટનું ફૂલતું જવું. એમણે મને તાત્કાલિક સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ ટ્રાયકલરમાં શિફ્ટ કરી. હવે એમનાં માથે જવાબદારીનાં ડુંગરો તૂટી પડ્યા હતા. એમને કંઈક અજૂગતાના અણસાર આવી ગયા હતા. આ સમયે ઘરનાં મોભી એ જ હતા. દરેક નિર્ણયો લેવા માટે એમને અનેક સામાજિક મૂંઝવણો પજવી જ હશે એવું સ્વસ્થ ચિત્તે માનવું જ રહ્યું.

જેમ સમુદ્રમંથન કરી અમૃત શોધી કાઢ્યુ એમ કુશલકુમાર જેમ-જેમ મારાં નવાં-નવાં કોમ્પ્લીકેશન્સ આકાર લેતા ગયા અને એનાં વિવિધ દુષ્કર રૂપ બતાવે એ પહેલાં જ સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સની ફોજ એકઠી કરી દેતા હતા.

આ બધી પરિસ્થિતિ પર અંકુશ અને કાબુ રાખી એમણે એમનાં બધાં ડોકટર્સ કોન્ટેક્ટ શરૂ કરી દીધા. વડોદરાનાં લગભગ તમામ સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટર્સને એમણે ભેગાં કરી દીધા હતા. ત્રીસ-ત્રીસ યુનિટ્સ બ્લડનાં ચઢાવ્યા હતા. જેમનું એરેન્જમેન્ટ કુશલકુમાર અગાઉથી કરી રાખતા હતા. કોઈપણ સંભવિત કે અસંભવિત ગૂંચવાડા ઉભા ન થાય એમની એ પૂરેપૂરી તકેદારી રાખતા. રેકટલ પરફોરેશન જે રેર કેસ હોવા છતાં એમણે ઇમરજન્સીમાં ઓ.ટી. લેવાનું ડિસિશન લીધું. ત્યારપછી એમની કસોટી શરૂ થઈ. બાર દિવસ વેન્ટીલેટર ત્યારપછીનાં તેર દિવસ I.C.U. જાણે ભગવાન એમની કસોટી એરણ પર ચઢાવીને લઈ રહ્યા હતા. અનેક વિટંબણા, ચિંતા વચ્ચે જાત-જાતનાં અણધાર્યા ડિસિશન એમણે જ લેવાં પડતા હતા. જ્યારે મારાં બ્લડમાં સેપ્ટીસેમીયા થઈ ગયું. હું સેપ્ટીક શોકમાં જતી રહી હતી. અને, ડોક્ટર્સ લાલ ઝંડી બતાવી રહ્યા હતા ત્યારે, પણ એમણે હિમ્મત હારી ન હતી. અનેક કોન્ટેક્ટસ અને અનેક મેડિકલ રેફરન્સથી એ મને બચાવી લેવાનાં મરણીયાં પ્રયાસ રાત-દિવસ કરતા હતાં. અણધાર્યા અને રેર કેસમાં જોવા મળતાં બેક્ટેરીયલ ઈન્ફેક્શન્સ મારા પર હુમલો કરતાં ત્યારે કુશલકુમાર એમનાં ગાંડીવમાંથી ધનુષ્યબાણ કાઢી તરત જ ઇન્ફેકશન્સને કાબુમાં કરવા યેન-કેન-પ્રકારેન પ્રયત્નનાં પંથે દોડતા હતા. અને, અંતરની અટારીએથી કોઈપણ પરિસ્થિતિને પ્હોંચી વળવા સજ્જ રહેતા. અને, જાણે એ અમારાં અંતરનાં ઈશ્વર બની ગયા. મારુતિનંદનની માફક દુનિયાનાં છઠ્ઠા ખૂણામાંથી સંજીવની મેળવી મને જીવનદાન આપવા પ્રયત્ન કરી રહ્યા હતા. સાચાં માણસની ભગવાન કસોટી પણ કરે અને અંતે વિજયી પણ કરે એવું એમની સાથે થયું. એમણે મારો જીવ તો બચાવી લીધો. પણ, દરરોજ ડોકટર્સને જાત-જાતનાં અને રેર કોમ્પ્લીકેશન જોવા મળતાં બધાં જ કોમ્પ્લીકેશન મારાં પર આવતા હતા. કહેવાય છે ને તૂટે, તણાઈ, ટીપાય, તપે પછી સોનું બને એ રીતે કુશલકુમારનાં જીવનમાં પણ આ બધી ઘટનાઓ રોજને રોજ બનતી. નાની ઉંમરમાં ઘણી મોટી સામાજિક અને મેડિકલી જવાબદારીઓ એમને નિભાવવી પડી.

ઘણીવાર એવું બનતું કે એ એમની હોસ્પિટલ હજી પહોંચ્યાં જ હોય ને મારા કોમ્પ્લીકેશન માટે એમને ફોન પહોંચે. મારતી ગાડીએ દોડતું આવવું પડતું હતું. આ સમયગાળા દરમ્યાન એમણે ઘણું ગુમાવવું પડ્યું. એમની ફેલોશીપ ડિલે કરવી પડી તે છતાં પણ પૂરાં કર્તવ્યનિષ્ઠ થઈ મારી પાછળ એમનાં જીવનનો મુખ્ય તબક્કો હોડમાં મૂકી દીધો હતો. દીકરી ક્યારેક બળાપો કાઢતી “મમ્મી! કુશલે ઘણું ગુમાવવું પડે છે કોઈ કંઈ બોલતું નથી પણ, મને સાસરામાં નીચું જોવા જેવું ફીલ થાય છે.” હું દીકરીની મનોવ્યથા સમજી શકતી હતી એક સ્ત્રી તરીકે. પરંતુ હંમેશા હસતાં રહેતાં કુશલકુમારે ક્યારેય પણ મને આ બાબત અનુભવવા દીધી ન હતી. અડધી-અડધી રાતે પણ આખા દિવસનાં કંટાળ્યા, હાર્યા, થાક્યા-પાક્યા હોવા છતાં હોસ્પિટલમાંથી ફોન જતાવેંત મારતી ગાડીએ હાજર થઈ જતા હતા.

વરસાદી પાણીમાં કાગળની હોળી તરતી મૂકીને નાનાં બાળકને રીઝવે એ રીતે કાનુ અને કુશલકુમાર મને ખુશ કરવા અનેક પ્રયત્નો કરતા હતા. પણ, મારો બધો જ આનંદ-ઉત્સાહ મરી પરવાર્યો હતો. મને એમની કોઈ વાતમાં- રમૂજમાં રસ જાગતો ન હતો. એમનાં બધાં પ્રયાસો નિષ્ફળ જતાં હતા.

મારી બધી જ ઓર્થોપેડીક સર્જરી એમણે જ કરી હતી. આમ છતાં, બીજી બધી મલ્ટિપલ સર્જરીસમાં પણ તેઓ ઓ.ટી.માં મારી સાથે જ રહેતા. મને ક્યારેય એવું લાગવા નથી દીધું કે ઓહ! મારી સર્જરી છે. હવે શું થશે? જાણે હસી-મજાક કરતાં ડાઈનીંગ ટેબલ પર ડિનર માણતા હોય એ રીતે મને માનસિક તૈયાર કરતા હતા. મારી સોળે-સોળ સર્જરીસમાં એમનાં બધાં જ કામો, ઓ.પી.ડી., ઓ.ટી. પડતાં મૂકી મારી સાથે જ રહેતા હતા. મુંબઈથી પણ સમય- કસમય જોયા વિના આવી જતા હતા. રેતની નદીમાં એમણે મારી જીવનનૈયા હંકારી લીધી હતી.

મારા ડિપ્રેસીવ પીરિયડમાં કુશલકુમાર એક જ વાત કરતાં “મમ્મી! તમારે લખવાનું છે. મમ્મી! તમે મારાં માટે શું લખશો?” હું ધીમા અવાજે ઉત્તર આપતી “તમે મને બહુ દુઃખાડો છો એવું” એમનાં અદ્દલ અંદાજમાં કપાળે હાથ ફેરવી બોલતાં “ઓહ! આ સોદો તો બહુ મોંઘો પડે એવો છે.” અને હસી પડતાં. એવી મજાક-મસ્તી કરી મને સાયકોલોજીકલી ટ્રીટ કરતા હતા. એમની હાજરી માત્રથી મારાં શુષ્ક શ્વાસમાં જાણે ગરમાળાની સુગંધ ભળી જતી હતી.

એમની ફર્સ્ટ મેરેજ એનિવર્સરી માટે એમણે ફોરેન ટુર બુક કરાવી હતી એ પણ એમણે કેન્સલ કરી હતી. મારા માટે એમનાં હિસ્સાની બધી જ ખુશીઓ હોમી દેતા જરા પણ અચકાયા ન હતા. ચાંદ ઢળે ને સૂરજ ઊગે, સૂરજ ઢળે ને ચાંદ ઊગે. આમ, ચાંદ અને સૂરજ પણ એમની ડ્યૂટી પરથી રજા લેતા હતા. પણ, કુશલકુમાર તો ચાંદ અને સૂરજ કરતાં પણ પરે નીકળ્યા. 24x7 એ મારાં માટે હાજર જ રહેતા એ પણ પૂરેપૂરી સજ્જતા સાથે. મને જાહેરમાં કહેતાં પણ સંકોચ થાય છે અને મારી ખુદની જાતથી પણ છૂપાવું છું કે કુશલકુમારે મારાં ડાયપર પણ બદલ્યા હતા. એમનાં હાથે મને ખવડાવતાં હતા. મારું માથું અને દુઃખતાં પગ પણ મસાજ કરતા હતા. એમની લાગણીનાં ધોધમાર વરસાદમાં અમારાં સંબંધમાં સુગંધ ભળી અને સુગંધમાં સગપણ અને સગપણમાં ગળપણ ભળ્યું.

કાનુની લાગણીની લીલાશ અને કુશલકુમારની પીડા પીગાળવાની કુમાશ મારા હળવાશનું મુકામ બની રહેતું.

અમારી સાથે સંબંધ બંધાયાને કુશલકુમારને માત્ર એક વર્ષ માંડ થયું હતું. તેમ છતાં, એ અમારી જીવનમુસાફરીનાં સહપ્રવાસીપંખી બની ગયા. અનેક મુશ્કેલીઓ વચ્ચે એમનો સાથ મહેફુસ પુરવાર થયો. એમની હાજરી જાણે ઋતુઓનો મેળો લાગતો. મારાં તૂટી રહેલ પાંદડા પર જીવંત કવિતા લખી દીધી અને ફરી એ પાંદડું મારી ડાળખીએ ચિપકાવી દઈ નવજીવન બક્ષ્યું. ઘણીવાર મારા અંતરની વાત મારે એમને કહેવી હતી કે “તમે ઘરનાં મોટાં છો. બધું સંભાળી લેજો.” પણ, એમની ફરજપૂર્વકની નિષ્ઠા અને કર્તવ્યપરાયણતા જોઈ મને એમને કંઈ પણ કહેવું યોગ્ય નહીં લાગતું અને હું મનોમન સાંત્વના પામતી. સતત મારું દિલ પોકારતું ‘કુશલ’ છે ને બધું ‘કુશળ’ જ થશે.

એક્સિડન્ટ પહેલાં હું એમની જોડે ક્યારેક મજાકમાં કહેતી “જમાઈ એટલે જમરાજ” જમાઈ જીવ લઈ લે એવી અવદશા સાસુ-સસરાની કરતા હોય.” એ હસતાં હસતાં જવાબ આપતા “મમ્મી! તમે આવું વિચારો! કંઈ નહિં સમયે જ ખબર પડશે તમે કેટલાં સાચાં છો?” અને, ખરેખર થયું પણ એવું જ. મારા જમાઈરાજ મારા જીવાત્માનો અંશ હોય એ રીતે મારી પડખે નહિં પણ મારી સાથોસાથ અને ક્યારેક તો આવનાર ખરાબ સમય કરતાં આગળ રહી મારી આંગળી પકડી લેતા હતા. એમનાં ખભાનો ટેકો આપતા હતા. જમાઈ મતલબ જ+મા+ઈ નો સીધો જ અર્થ ‘ઈશ્વરે માણસજાતને બક્ષીસ આપેલ એક વધારાનો જમણો હાથ.’ એ વ્યાખ્યા મને સમજાઈ.

કુરુક્ષેત્રનાં મેદાન કરતાં પણ મારી માંદગીનું- મારા જીવનનું મેદાન અતિ ક્રૂર, અતિ ભયાવહ હતું. કેમે કરી મારો જીવનરથ હંકારી શકવા હું સક્ષમ ન હતી. પણ- કુશલકુમારની કુશળતા, સમય કરતાં આગળ વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા, સમયને સાચવી લેવાની કુનેહ માણસાઈથી પરે માનવતા મને નવજીવન બક્ષી ગઈ. એમનાં નામનાં અર્થને સુપેરે સાર્થક કર્યો. એમનું કૌવત પણ દાદ માંગી લે એવું હતું. મારાં જીવનરથનાં સારથી બની મારાં કૃષ્ણ, મારા જગદીશ જમાઈ સ્વરૂપે મારી સાથે રહ્યા. અંધકારમય ભયાનકતાને એમનાં દીર્ઘદ્રષ્ટિ રૂપી સુદર્શનચક્રથી માત આપી દેતા હતા.

એમની લાગણીની લીલાશ અને ભીનાશથી મારાં ભીતરની વનરાઈઓ હીંડોળા લઈ રહી છે.