Banashaiya - 5 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બાણશૈયા - 5

Featured Books
Categories
Share

બાણશૈયા - 5

પ્રકરણ : ૫

મારે રૂદિયે બે કાવ્યો

દીકરી જ્યારે પોતાની જનેતાની ‘મા’ બને ત્યારે!!!???- વિચાર માત્રથી રૂંવેરૂંવે કંપારી વ્યાપી જાય. પરતું, એ નિયતી પણ મારા ભાગ્યમાં આલેખાય હતી- ચીતરાય હતી. મારી દીકરી ડૉ. કથક મતલબ મારી વ્હાલુડી, મતલબ મારા આત્માનો પ્રાણઅંશ, મતલબ મારા આત્માની પ્રાર્થના, મતલબ મારા શ્વાસમાં ભરેલ વાંસળીની ફૂંક, મતલબ મારી કાનુડી. જેના નટખટ સ્વભાવથી હું માતૃત્વને ધન્ય પામી છું.

જમીને ક્યારેય પણ ડીશ પણ ન ઊંચકી હોય એ દીકરી પર જ્યારે પોતાની મા ની વ્હાલુડીમાંથી એકાએક ‘મા’ થઈને માવજત કરવાની જવાબદારી આવી પડે ત્યારે!? એ દીકરી પર શું વીતી હશે???

એક દીકરીની સાથોસાથ પોતે ડૉકટર હોવાને કારણે પરિસ્થિતિની ગંભીરતા જણાતી હતી. ડૉકટરની સાથોસાથ દીકરી પણ તો હતી. પોતાની ‘મા’ હાથમાંથી સરી રહી હોય એ પરિસ્થિતિમાં પોતાની જાતને સાચવવી, બેબાકળા થયેલ પોતાના ડેડીને ખભો આપી ટેકો આપવાનો, સાથો સાથ નાનો ભાઈ જે 12th સાયન્સની પરીક્ષા આપી રહ્યો હતો જેના જીવનનાં ટર્નીંગપોઈન્ટ પર યોગ્ય નિર્ણય લઈ એનું ભવિષ્ય પણ સુરક્ષિત કરવાનું હતું. આમ, દશે દિશામાંથી અનેક તકલીફો, વિટંબણાઓની વચ્ચે પોતાની જાતને સ્વસ્થ રાખી દરેક પરિસ્થિતિ સંભાળી લેવાની જવાબદારી એનાં માથે આવી પડી હતી. હજી તો એનાં લગ્નને માંડ દશ મહિના થયા હતા. નવા ઘરમાં, નવા સમાજમાં, નવા માહોલમાં, નવા જીવનપથની કેડી પર એણે પણ એની જાતને કંડારવાની હતી. નવાં રસ્તાઓ અને નવાં વળાંકો માટે પોતાની જાતને એ હજી તો અપડેટ કરી રહી હતી. અને, મેડિકલ ઓફિસર તરીકેની જોબને માંડ ચાર મહિના થયા હતા. આમ, અનેક જવાબદારીઓ સાથે જીવનનાં દરેક નવાં પગલે એણે પણ ડગ માંડવાના હતા. આમ છતાં, પોતાની જાતને બેલેન્સ કરી દરેક પરિસ્થિતિને સાચવી લીધી, નિભાવી લીધી. ધમધમતાં વૈશાખી તાપમાં સૂરજ હાથતાળી દઈ રહ્યો હતો ત્યારે કાનુએ આખોને આખો સૂરજ ગળી જઈ પરિસ્થિતિને હેમખેમ સાચવી લીધી. આ બધી બાબતોની જાણ મને લગભગ ઓગસ્ટ મહિનામાં થઈ ત્યારે મને મારા ધાવણ પર ગર્વ થયો હતો. અને, મારે ટોડલે બેઠેલ મોરલો બોલી ઉઠ્યો મેઘધનુષનો આઠમો રંગ શોધવાની કંઈ જરૂર નથી. મેઘધનુષનો આઠમો રંગ એટલે વિવિધ રંગોથી પરિપૂર્ણ મારી કાનુડી.

૧૨ દિવસના વેન્ટીલેટરની સંઘર્ષ યાત્રા પરથી હું પાછી ફરી. હું તો ઊંઘમાંથી ઉઠી હોઉં એવો મને અહેસાસ થયો. સત્ય હકીકતની જાણ ન હતી. ત્યારે સૌથી પહેલાં મને દીકરી કાનુ મળવા આવી હતી. આવીને સીધું પૂછ્યું “બોલ! મોમુ! તારે ક્યાં ફરવા જવું છે?” મેં કહ્યું “જાપાન” એણે રીએક્શન આપ્યું “હમમમ” મને થયું ‘આ મારી નટખટ મારી પટ્ટી ઉતારે છે.’ મેં મારો ઉત્તર બદલ્યો મેં કહ્યું “તો, બાલી.” આટલો ઉત્તર આપતાં મને મારા અવાજમાં તાણ અનુભવાતી હતી. કંઈક અલગ અજુગતું લાગતું હતું. હું થાકી ગઈ હતી. એ ફરી બોલી “મેડમ તો અસલી મિજાજમાં આવી ગયા.” સાથે ઉભેલા જમાઈરાજ ડૉ. કુશલકુમાર બોલ્યાં “કથક! ચેઈન્જ ધ ટોપીક, એમને કશો ખ્યાલ ના હોય.” કાનુએ વાત ફેરવી તોળી એ બોલી “મોમુ ! તારી બર્થડેનું શોપીંગ બાકી છે ચાલ ઊભી થા. હું તને કોપીચીનો ટેસ્ટ કરાવીશ. તને ખૂબ ભાવશે.” એ થોડી ઈમોશનલ થવા માંડી ફરી બોલી “પ્લીઝ ! મોમુ ! હવે બહુ થયું. ઊભી થા. ડેડી તારા વિના નહિ જીવી શકે. અને, જરા ભાઈનો વિચાર તો કર. એ તો હજી મધદરિયે છે. એની લાઈફનો ટર્નીંગપોઈન્ટ છે. તું અમને મધદરિયે નહિ છોડી શકે.” એનો અવાજ ધ્રુજતો હતો. મને કંઈ સમજાતું ન હતું “આ શું બોલી રહી છે!? આવી વાતો કેમ કરે છે? એ એકદમ સેન્ટી થઈ ગઈ ફરી ગળું ખંખેરી બોલી “તું તો બહુ મોટી-મોટી વાતો કરતી હતી. જિંદગીની પાઠશાળામાં ઉતાર-ચઢાવ આવે. જીંદગી ખૂબ સુંદર છે. જીવવા જેવી, માણવા જેવી. જીંદગી ખૂબ અણમોલ છે. પણ, જીંદગી કેટલી અણધારી છે એ ન હતું શીખવ્યું તેં એ પણ શીખવી દીધું. તું મારી મમ્મુ હોય જ નહીં શકે? તું ક્યારથી આવી સ્વાર્થી થઈ ગઈ !? મોમુ ! તારે ઊભા થવાનું જ છે.” મને એની વાત સમજાતી ન હતી. જો કે અમારે મા-દીકરી વચ્ચે હંમેશા નોક-ઝોક ચાલતી રહેતી. અને, મીઠાં ઝગડા પણ. આથી, મેં વધુ વિચારવાનું માંડી વાળ્યું “હશે કંઈક એને વાંકુ પડ્યું હશે એટલે ઉભરો કાઢતી હશે.” હવે મને ઘણી અશક્તિ વર્તાતી હતી મને એક વાર વિચાર પણ આવ્યો કે હું એને પૂછું “તું શું બોલી રહી છે? શું વાંકુ પડ્યું? પણ મને ઘેન ચડવા માંડ્યું. પછી ખબર નહીં શું થયું હશે !!!

ગમે તે સમયે ગમે તે કોમ્પ્લીકેશન્સ આવી જતાં. મૃત્યુ એની સમીપે મને ખેંચી રહ્યું હતું. પરંતુ, કાનુ એની હોર્સસેન્સથી પાણી પહેલાં પાળ બાંધી દેતી હતી. અને, મૃત્યુનાં જડબાં ફાડી એ મને પાછી ખેંચી લાવતી હતી. પણ, ખરેખર એણે સખત અને સરસ પ્લાનીંગથી દશે દિશામાં એક સાથે સવારી કરી આખી પરિસ્થિતિ સંભાળી લીધી. મારાં અનેક કોમ્પલીકેશન્સ અને તે સમયે ગમે તે થઈ શકે એની તૈયારી સાથે એના ડેડીનું ખભુ બની રહેતી. એક તો શું પણ દશ દીકરા જેટલી જવાબદારી નિભાવી અને સફળતાપૂર્વક આખા પરિવારને બહાર કાઢ્યો, સાચવી લીધો. સમજણનાં સાત અસવારે પરિવારને સંભાળી લીધો.

દીકરો પર્જન્ય મેડિકલફીલ્ડનો ન હતો. આમ છતાં, તે ગૂગલ પર મારા ઈન્ફેક્શન્સ બાબતે સર્ચ કરતો એણે જ ‘સિરેસીયા ફિકારીયા ગ્રામ નેગેટીવ’ બેક્ટેરિયા બાબતે ડોકટરનુ ધ્યાન દોર્યું હતું. જે આજ સુધીમાં વિશ્વમાં ૧૦૦ જણાને જ થયું હતું. ડોકટર્સ મને કહેતા “તમારો દીકરો ગુગલીયો ડોકટર છે.” પર્જન્ય એટલે મારું ‘હૃદયપંખી’ હતો. મારી ઝીણામાં ઝીણી લાગણી એનાથી છૂપી રહી શકતી ન હતી. મારી મેડિકલ પરિસ્થિતિની કદાચ એને ગંભીરતા ઓછી પણ હોય શકે, પરંતુ એનો મારા પ્રત્યેનો અખૂટ વિશ્વાસ જે મને જંગ જીતાડી ગયો. એનાં હૃદયનાં ધબકારા મારાં હૃદયને ધબકવા મજબૂર કરતા હતા. પર્જન્યનો ‘પર્જન્યનાદ’ મારામાં શ્વાસ ફૂકી જતો હતો. એણે મારાં માટે સવાલાખ મૃત્યુંજયના જાપ કર્યા હતાં.

વેન્ટીલેટરનાં બાર દિવસ મતલબ બાર વર્ષનાં વનવાસ દરમ્યાન દીકરા પર્જન્યએ અનેક રાજ્યો અને અનેક યુનિવર્સીટીની એન્ટરન્સ એક્ઝામ આપી હતી. જેનાં અમે અગાઉથી ફોર્મસ્ ભર્યા હતાં. હું ૧૨ દિવસનાં વનવાસ પરથી પાછી ફરી અને I.C.U. માં હતી ત્યારે દીકરો પર્જન્ય મને મળવા આવતો અને કહેતો “મીમ્મી ! મીમ્મી ! મારી ‘ફલાણી’ એક્ઝામનું ‘આ’ રીઝલ્ટ આવ્યું, આ યુનિવર્સીટીનું ‘આવું’ રીઝલ્ટ આવ્યું.” એની વાતો સાંભળી હું મારા દિલોદિમાંગ સાથે યુદ્ધે ચડતી. “આપણે તો ફક્ત ફોર્મ્સ ભર્યા હતા. એક્ઝામ આપવાની તો બાકી છે તો રીઝલ્ટ ક્યાંથી આવ્યું??” ફરી હું ભૂલી જતી ક્યારેક-ક્યારેક વચ્ચે-વચ્ચે કંઈક યાદ આવી જતું. હું ઈન્ટેનસિવિસ્ટ ડોકટર્સને પૂછતી. “મારો દીકરો આવ્યો હતો ને? એ મને શું કહી ગયો? મને કંઈ સમજાતું નથી.” ડોકટર્સ કહેતા “હા ! હું મારા બીજાં પેશન્ટનું કામ પતાવીને આવું પછી તમને સમજાવું.” ફરી હું ભૂલી જતી. હવે મને ખ્યાલ આવવા માંડ્યો હતો. મારી પરિસ્થિતિથી હું વાકેફ થવા માંડી હતી. મારા હસબન્ડ અને દીકરી-જમાઈ મને પર્જન્યનાં વિવિધ પરીક્ષાઓનાં પરિણામો કહેતા. હું ગદગદ થઈ જતી. મને પર્જન્યની મમ્મી હોવાનો ગર્વ થતો. અને, વારંવાર જે કોઈ મળવા આવે એને કહેતી “મારો દીકરો હીરો છે હીરો.”

લોકો કહે છે કે, હું મારા સંતાનો પ્રત્યે વધુ પ્રોટેક્ટીવ અને પઝેસીવ છું. વાત સાચી જ હશે. કારણ, મને ખબર છે ‘મા’ નહીં હોવાનો મતલબ- ‘મા’ વિના ભરપૂર જાહોજલાલી વચ્ચે પણ બાળકને એક ખાલીપો વર્તાતો હોય છે. ભરચક કોલાહલ વચ્ચે ચૂપકીદી ભરી એક ખામોશી સંતાનનાં માનસપટલ પર પગપેસારો કરી લેતી હોય છે. આગ દઝાડતો એક સન્નાટો જીવનમાં સ્થાન લઈ લેતો હોય છે. એમની જીવનકિતાબમાંથી ‘ભરોસો’ નામનું પ્રકરણ ફાટીને છૂટું પડી જતું હોય છે. પડઘાનાં શહેરની વચ્ચોવચ્ચ ચાર રસ્તે જ્યારે દિશાસૂચક પાટિયા વાંચતા નથી આવડતા ત્યારે મમ્મી પાસે શીખવાની બાકી રહી ગયેલ બારાક્ષરીની ખોટ અજંપામાં ફેરવાઈ જતી હોય છે. વિવિધ ભાષા વાંચતાં, લખતાં, સમજતાં આવડતી હોવા છતાં મૌનની ભાષા એમનાં માનસપટ પર હાવી થઈ જતી હોય છે. અને, મૂંગામંતર મૌનના ભાર ટળે જીવન શ્વસી લેતાં હોય છે.

‘મા’ વગરનાં બાળકોનાં મનઆકાશમાં ટમટમતાં તારલાંઓ તો હોય છે પણ એ બાળકો ‘ટવીંકલ-ટવીંકલ’ રાઈમ નથી ગાઈ શકતા. મધ્યાહને એમનો સૂરજ તો તપતો જ હોય છે. પણ, તે ધીર-ગંભીર મુદ્રામાં જ રહેવાનું પસંદ કરે છે. પૂનમનાં ચાંદ સાથે નૌકાવિહારની આહલાદકતા માણવાનું ચૂકી જાય છે. આ મારી સ્વઅનુભૂતિ હતી મારે મારા સંતાનોની જિંદગીમાં આ પરિસ્થિતિનું પુનરાવર્તન થવા દેવું ન હતું. તેથી જ હું હરણીની જેમ હાંફતી રહી અને જીવનસંગ્રામ સામે ઝઝૂમતી રહી. મેં એ બંનેને ક્યારેય મારાથી વિખૂટા પડવા દીધા ન હતા. હરક્ષણ હું એમની સાથે જ રહી છું. એમની સ્કૂલની પરીક્ષાના સમયે હું ત્રણ કલાક સ્કૂલકેમ્પસમાં જ બેસી રહેતી હતી. તો હવે, જીવનપરીક્ષામાં એમને કેવી રીતે હું છોડીને અનંતયાત્રાએ ચાલી જાઉં!? આ યક્ષપ્રશ્ન મને સતત સતાવતો હતો.

કથક અને પર્જન્ય બંનેને પાસે બેસાડી મારે કહેવું હતું “મારે અજ્ઞાત પ્રદેશમાં નથી જવું મારે તમારી સાથે રહેવું છે. મને દૂર-દૂર પ્રદેશોનો ડર લાગે છે.” પણ હું કહી શકતી ન હતી. મને થતું હું ઢીલી થઈ જઈશ તો મારાં બાળકોને ‘મા’ ના પાલવની હૂંફ કોણ આપશે? તેઓ ડરી જશે તો તેમના કાનોમાં ફૂંક મારી ડર કોણ ભગાડશે?” ને, હું સ્વસ્થતાનો સ્વાંગ રચી એમની આગળ સ્થિતપ્રજ્ઞ રહેતી.સાચું કહું તો એ બંને મારા હૃદયદ્વારે દ્વારપાલ જય-વિજયનાં રૂપે પહેરો ભરતા હતા. ચિત્રગુપ્ત કે ખુદ યમરાજને પણ મારી ધડકન સુધી પહોંચવા દીધા ન હતા.

આખરે પરિવારજનોએ નિર્ણય લીધો પર્જન્યને બેંગલોરમાં એડમિશન લેવાં બાબતે. તેઓ મને કહેતાં “પર્જન્યનું બેંગલોર C.S.માં એડમિશન લીધું છે તને ગમશે ને!? અમારું ડિસિશન બરાબર છે ને!? હું કંઈપણ વિચારી શકતી ન હતી. તે સમયની પર્જન્યની દિશાવિહીન થતી આંખો આજે પણ મારી આંખ સમક્ષ તરવરે છે. એની આંખો જાણે મને કહેતી “મીમી! કંઈક તો બોલ.મીમી! મને આશીર્વાદ આપ. મીમી! હવે હું જાઉં છું.” પણ હું તદ્દન સંવેદનહીન હતી. પરિવારે લીધેલો નિર્ણય કેટલો યોગ્ય એટલું વિચારી શકતી ન હતી. હું તે સમયે I.C.U. માં પણ અર્ધબેભાન રહેતી. મને બરાબર યાદ છે, હું મનમાં ને મનમાં ગણગણતી “ભાઈલું! ભાઈલું! જરા તો સાંભળ દીકરા !! મારો વ્હાલુડો છે_ મને વિજયતિલક કરવા દે. એ તો શુકન કહેવાય બેટા! બસ! પ્રોમિસ બેટા! નાનું તિલક કરીશ. તારું કપાળ નહીં બગાડું. દીકરા જરા ઊભો રે શાંતિથી. આમ, હાય-વોય નહીં કર. મને વિજય આરતી ઉતારવા દે. આ બધું આપણી પરંપરા છે. પૂર્વજો કહી ગયા છે આવું કરીએ તો ભગવાન આપણી સાથે સાથે અને આપણું કામ સિધ્ધ થાય. સફળતા મળે. હા, મને ખબર છે હવે તું મોટો થઈ ગયો છે પણ આ આપણી સંસ્કૃતિ છે એને વિસારે ન મૂકાય દીકરા! જો દીકરા! બસ જરાક-જરાક જ – એક જ ટીપું દહીં સાકર ખાઈ લે. બસ હવે કશું નહીં કરું. એક વાત..... વોટર બોટલ સાથે લઈ લે ને.” આ બધું હું કંઈક ઊંઘમા કે મનમાં ગણગણતી. પછી દ્વિધામાં પડી જતી શું આવું કશુંક હમણાં બન્યું!? સાચે પર્જન્ય અહીં હતો કે સપનું? કે પછી ફક્ત વિચારો? હું ગભરાય જતી. ડોક્ટર્સ મને સેડેશન આપી સુવડાવી દેતા.

મારી કાનુ - ડૉ. કથક દોડતી-ભાગતી મારી પાસે આવતી. મારાં બધા રીપોર્ટસની ડોકટર સાથે ચર્ચા કરતી. મારી પાસે આવીને કહેતી “મમ્મુ! જો સાંભળ ગ્લાસવેર બોટલમાં નાળીયેર પાણી છે, ટપરવેરનાં ગ્લાસમાં લીંબુ પાણી, લીલાં ડબ્બામાં બાફેલાં મગ છે, ગોળ ડબ્બામાં ફ્રૂટ્સ વિગેરે વિગેરે. મમ્મુ! યાદ રાખજે તારાં રીપોર્ટસમાં પોટેશિયમ ઓછું છે, ફલાણું વિટામીન ઓછું, વિગેરે વિગેરે. દરેક ડબ્બા પર સ્ટીકર લગાવ્યાં છે કેટલાં વાગ્યે શું ખાવાનું શું પીવાનું. આવા સૂચનો કેર-ટેકરને આપતી અને મને પણ કહેતી પ્લીઝ મમ્મુ! તું પણ ધ્યાન રાખજે. બાય મમ્મુ! કિસુ મમ્મુ” ને પવનવેગે એની હોસ્પિટલ પ્હોંચતી. હું એની દોડધામ, ચિંતા કાળજી બધું જ સમજતી હતી. પરંતુ, એ કહે એ પ્રમાણે અનુસરી શકતી ન હતી. સાંજે ફરી એ દોડતી-ભાગતી આવે, બપોરે સમય મળે તો પણ ઉભી-ઉભી આવી જતી. ખાવાનું-પીવાનું બધું એમનું એમ જોઈ એ મારા ઉપર અને કેર-ટેકર પર ચિડાઈ જતી. મમ્મુ! આ શું? તું નાના બાળક જેવું હેરાન કરે છે. તારા રીપોર્ટસનાં આધારે તારું ડાયટપ્લાન કરું છું. અને, તું કર્યા પર પાણી ફેરવી દે છે. તેં મને શીખવ્યું હતું “આપણે જ આપણો દીવો” તો હવે તારું એ જ્ઞાન ક્યાં છે!? પ્લીઝ! મમ્મુ! તારું તું જરા ધ્યાન આપ. તને દરેક મેડિકલ અને ડાયટની સમજ છે તો પછી આવું કેમ!?” એની આંખમાં ઝળઝળીયાં આવી જતાં હતાં. હું ખૂબ શરમિંદગી અનુભવતી હતી. પણ, સાચ્ચે જ કંઈપણ ખાવા-પીવાની રૂચિ મારી મરી પરવારી હતી. હું કોઈપણ બાબતે કો-ઓપ કરી શકતી ન હતી. આખરે એણે મેડિકલ ઓફિસરની જોબ છોડવી પડી હતી. ખરેખર! એ ઘટના ખૂબ શરમજનક હતી મારા માટે. એનો વલોપાત, એનો બળાપો, એની ચિંતા, એની દોડધામ, એનું મારાથી નિરાશ થવું બધું જ હું સમજી શકતી હતી પણ સહકાર આપી શકતી ન હતી. મારી ઈચ્છા હોવા છતાં પણ. જ્યારે મારું મૃત્યું આકાર લઈ રહ્યો હતો ત્યારે દીકરી કાનુની મમત._ એની જીદ્દ, એની તત્ક્ષણ નિર્ણય લેવાની કાબેલિયત, એનાં કુનેહથી, એની ખુમારીથી એણે ‘મા’ ને જન્મ આપ્યો. એનાં હૃદયગર્ભમાં એક ‘મા’ નો જન્મ થયો. ઝૂરી રહેલ ડાળીએ વળગી રહેલ પાંદડા જેવી એની હાલત હતી.

દીકરા પર્જન્યનું C.S. એન્જિનીયરિંગમાં એડમિશન થયું. ઓગસ્ટ મહિનામાં એનું ભણવાનું શરૂ થયું. બેંગ્લોર જવા માટે નીકળવાનાં દિવસે સવારે પાંચ વાગ્યે હોસ્પિટલમાં એ, દીકરી અને જમાઈ મળવા આવ્યા. આ સમયે હું સુરત ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં એડમિટ હતી. જેમ કુંતીએ અભિમન્યુને રક્ષા બાંધી હતી. એમ, દીકરા પર્જન્યની ઈચ્છા હતી કે, હું પણ એને રક્ષા બાંધુ. પરંતુ, હું જરાપણ હલનચલન કરવા સક્ષમ ન હતી. બેસવાની વાત તો ખૂબ દૂર હતી. મારી હાજરીમાં દીકરી કથકે ભાઈને કપાળે તિલક કરી રાખડી બાંધી. મોં મીઠું કરાવ્યું. બંને ભાઈ-બહેનની આંખોમાં મસમોટો દરિયો ધમાસણ મચાવી રહ્યો હતો. બંને ભાઈ-બહેન આ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા મહદઅંશે સફળ રહ્યા. હું એમની સૂકી આંખો પાછળ અફાટ રૂદન કરતા સમંદરને પામી ચૂકી હતી. પરંતુ, એ સમયે હું લગભગ લાગણીશૂન્ય બની ગઈ હતી. નહિં તો મને કોઈ માયા રહી હતી. દીકરી કથક મારાં આવા વર્તનથી ધ્રુજી ગઈ એની આંખો, એનાં હોઠો ધ્રુજી રહ્યા હતા. એની આંખોને અષાઢી વાદળોએ ઘેરી લીધી હતી. એના ધસમસતા રૂદનને રોકી રાખવાના એના પ્રયાસો નિષ્ફળ ગયા. પાંપણની પાળ તોડી આંખોમાંથી અશ્રુઓની ધારા વહી પડી. અને, જાણે મનોમન બોલી “મમ્મુ! આવી સ્વકેન્દ્રી થઈ ગઈ!!!” એનું મન હું વાંચી ગઈ. એણે મારાથી મોં ફેરવી લીધું. ભાઈ પરત્વેની પોતાની તમામ જવાબદારી તો નિભાવી જ. પણ, એક ‘મા’ બનીને એની ઝીણામાં ઝીણી વસ્તુઓની કાળજી રાખી, બેગ તૈયાર કરી હતી. પર્જન્યને ભાવતી સુખડી, શક્કરપારા, ચેવડાનાં નાસ્તા પણ પેક કર્યા હતાં. દીકરી અને જમાઈરાજ બંને દીકરા પર્જન્યને બેંગ્લોર મુકવા ગયા. કદાચ હું મારો એકાદ ધબકારો ચૂકી હોઈશ પણ સંવેદી શકી ન હતી. મેં ક્યારેય પણ એમને મારાથી અલગ કર્યા ન હતા. એમના અભ્યાસકાળ દરમ્યાન શબ્દે-શબ્દે હું એમની સાથે રહી હતી. એમનાં પુસ્તકનાં કયા પાને કયો ટોપીક હોય એની સુધ્ધાં હું જાણ રાખતી હતી. દીકરી કથક મારું આ વર્તન જીરવી શકતી ન હતી. મારી બેન મીનુનાં શબ્દોમાં કહું તો “દીદી! તે આખી જીંદગી તારાં સંતાનો પાછળ હોમી દીધી. ક્યારેય પોતાની જાતનો વિચાર ન કર્યો અને આજે એમને તારી જરૂર છે ત્યારે તું મોહ-માયામાંથી હાથ ઉંચા કરી દે છે!? દીદી તારી જાતને સંભાળ, તારાં દીકરા-દીકરીને તારી જરૂર છે.” પણ હું શત-પ્રતિશત લાગણીશૂન્ય બની ચૂકી હતી.

દીકરો બેંગ્લોર પ્હોંચી ગયો આ લખતી વખતે મને વિચાર આવે છે કે “મેં ક્યારેય ભઈલું વિશે પૂછ્યું જ ન હતું. કે, એ બેંગ્લોર સેટ થઈ ગયો? એને ત્યાં ગમે છે? હોસ્ટેલનું ખાવાનું ભાવે છે કે નહિં?એનાં મિત્રો તો સારાં છે ને?” આવું કશું જ મેં કર્યું ન હતું. ‘મા’ તરીકેનું કર્તવ્ય હું ચૂકી હતી. એનું ભાન મને હમણાં થઈ રહ્યું છે. જતી વેળાએ પણ મેં એને કંઈ જ સલાહસૂચન આપ્યા જ ન હતા. કે “બેટા! બેંગ્લોર મેટ્રોસીટી છે. આપણા સંસ્કાર જાળવજે, મિત્રવર્તુળમાં સાથે હળી-મળીને રહેજે. પણ, એક લક્ષ્મણરેખા જાતે જ દોરી લેજે. ભણવામાં ધ્યાન આપજે, આપણું ટાર્ગેટ ક્યારેય ભૂલીશ નહિં. આપણે ભેગાં મળીને પાંપણે સેવેલ સપનાને શણગારજે. અને બેટા! બહારનું આચળ-કુચળ ખાઈશ નહિં. તબિયતનું ધ્યાન રાખજે. સાથે અભ્યાસ કરતી છોકરીઓને માન આપજે. બીજાં મિત્રોની વ્હારે છોકરીઓને ટાઈમપાસનું સાધન સમજીશ નહિં. યાદ રાખજે દીદી અને મમ્મી પણ એક છોકરી જ છે તો આપોઆપ બીજી છોકરીઓ પ્રત્યે તને માન રહેશે.” આવું કશું જ મેં એને કહ્યું ન હતું આજે મને મારી જાતથી શરમ અનુભવાય છે. હમણાં મને છાતી ચીરી પુકારી-પુકારીને કહેવાનું મન થાય છે કે હું ‘મા’ તરીકેનું કર્તવ્ય ચૂકી છું. “સોરી બેટા! મને માફ કરજે. તારા જીવનમાં મહત્વનાં પડાવ પર હું ક્યાંય તારી સાથે ન હતી. છતાં, તે તારી જાતને સંભાળી લીધી. હું જાણું છું તારું શરીર માત્ર બેંગ્લોર છે પણ તારો જીવ મારી પાછળ ખેંચાતો હશે.” તારી જાતને કેળવી લીધાં બદલ અને તારી જાત પર જીવી લેવા બદલ આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા.” પણ ક્યારેય તારી જાતને એકલો નહીં અનુભવીશ. તારી આ ‘મા’ નો જીવ તારી પાછળ દોડી રહ્યો છે. મારા આશીર્વાદનું કવચ મેં તને પહેરાવી દીધું છે. બેટા! દુનિયાની કોઈ તાકાત તારો વાળ વાંકો નહીં કરી શકે. બેટા. બેટા! કેરી ઓન! કીપ ઇટ અપ- ગોડ બ્લેસ યુ બેટા.” મારો પર્જન્ય એટલે વ્હાલનો વરસાદ. એનાં ઝરમર ઝરમર વરસાદમાં મારું માતૃત્વ ભીંજાતું હતું.

હવે, સપ્ટેમ્બર મહિનો શરૂ થયો. હવેની મારી બાકીની ત્રણ મેજર સર્જરીસ બે-બે મહિનાનાં આંતરે કરવાની હતી. કારણ, એટલું રીકવર પણ ન હતું અને મારું શરીર સર્જરીનાં માર ખાવા માટે તૈયાર પણ ન હતું. આથી તે સમયે થોડાં દિવસો માટે મને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી હતી. આ સમય દરમ્યાન દીકરી ડૉ. કથકને P.G. માટે ડર્મેટોલોજીમાં ભાભા હોસ્પિટલ-કુર્લા મુંબઈ એડમિશન મળ્યું.

મારી દીકરી એટલે મારી હથેળી પરનો ચમકતો ચાંદ, મારા હૈયાનું હીર, મારી આંખનું અણમોલ રતન, મારા ઘર આંગણે ગરબે ઘૂમતું સપ્તરંગી ઝૂમખું. એથીયે વિશેષ યુદ્ધમેદાન હોય રણનીતિનું કે જીવનનાં કોઈ કપરાં સંજોગોનું એ બધાંમાં ઝાંસીની રાણીની જેમ યોદ્ધિનિ બની જીતી લેવા સમગ્ર પરિવાર માટે તૈયાર રહેતી. હણહણતાં અશ્વ જેવી દરેક જગ્યાએ પહોંચી વળતી. સૌથી પહેલાં પોતે જાગી સૂરજને પણ જગાડનારી તત્પરિત એવી મારી દીકરી મારી ખૂબ કાળજી રાખતી હતી. પણ ... હું એકાંતનાં અરણ્યની પેલે પાર નીકળી ગઈ હતી. મને ખુશ કરવાનાં એનાં તમામ પ્રયત્નો નિષ્ફળ રહેતા. ત્રીસ બોટલ્સ લોહી ચઢાવ્યા પછી પણ હિમોગ્લોબીન, મીનરલ્સ, વિટામીન્સની કમી રહેતી એ બધું મને ઈજેક્શન દ્વારા આપવામાં આવતું એ ડોકટર હોવાને નાતે મારું ડાયટ બેલેન્સ રાખી મારા માટે જાત-જાતનાં વ્યંજનો બનાવતી હતી. પણ, કોલોસ્ટોમીબેગનાં કારણે મને ખાવાની ખૂબ સૂગ ચડતી મને એનાં કોઈપણ પ્રયત્નોમાં રસ-રૂચી રહી ન હતી. મારી દીકરી તો એકપણ મિનિટ મારું ડાયપર ભીનું રહેવા ન દેતી હતી. પરંતુ મારા ભીનાં થતાં ઓશિકા સામે લાચાર થઈ જતી હતી. એના હરવા-ફરવા-મોજનાં દિવસોમાં આખા આભનાં વાદળો એનાં પર ઘેરાયા હતા. તો એ પણ તો કેટલી અપેક્ષા પાર પાડી શકે!!? દરેક દીકરીને એની ‘મા’ પાસે વધારે અપેક્ષા હોય જ. પણ, એ તો ફક્ત મને મારી જાત પરત્વે સજાગ રહેવા નિર્દેશ કરતી હતી. પણ, હું એટલું પણ કરી શકતી ન હતી. એ મને વારંવાર કહેતી, સમજાવતી ક્યારેક અકળાય પણ જતી “મમ્મુ! તારે અમને કો-ઓપ તો કરવું જ પડશે. તારી મેડિસીન્સ અને ડાયટ પ્રત્યે તારે સભાન અને સજાગતા રાખવી જોઈએ. તો ફક્ત ને ફક્ત ‘તારામય’ બનીને જીવશે તો કેવી રીતે ચાલશે? અમારો લોડ પણ તો તું સમજ. હવે, હું જતી રહીશ તો ડેડી એકલાં ક્યાં ક્યાં ધ્યાન આપશે? તારા ‘સ્વ’માંથી બહાર નીકળ અને ‘વિસ્તૃત’ તરફ ધ્યાન આપ. આખા પરિવારની તું સંભાળ રાખનારી હવે આવું કરશે તો કેમ ચાલશે? ડેડીએ ક્યારેય ઘરની સાર-સંભાળ નથી રાખી તો એ કેવી રીતે બધું પાર પાડશે? શું તું એવું ઈચ્છે છે કે હવે હું આગળ મારી જીંદગી નહિં ધપાવું? તેં મારું સર્જન એટલા માટે તો નથી જ કર્યું અને મારું ડેવલોપમેન્ટ પણ “એ એનાં બળાપા બહાર કાઢતી પણ બધું મારા કાનથી અથડાયને હવામાં બાષ્પીભવન થઈ જતું. એ સમય દરમિયાન એ મારાથી દૂર થતી જતી હોય એવું મને લાગતું.” એ મારાથી દૂર જાય એ હું સહી શકતી ન હતી. મુંબઈ જવાનો એનો સમય આવી ગયો. મને રડું આવી રહ્યું હતું પણ હું રડી શકી નહિં એનાં જીવનની શુભયાત્રા માટે શુભકામના મનોમન કરતી હતી. એની લીલી લાગણીઓની વેલ મને વીંટળાય જતી. એની તરબતર લાગણીની લીલાસથી મારું હૃદય લીપાઈ જતું. મારાં શ્વાસ સિંચાતા હતા.

મારાં ઘેઘૂર વડલાંનાં ટહુકતાં મારાં બંને પંખીઓ પોત-પોતાનાં આકાશ ભણી ઊડી ગયાં. જેનો રાજીપો હતો. ભગવાને મારી વર્ષોની તપશ્ચર્યાનું ફળ આપ્યું હતું. મારી કોઈપણ મદદ વગર એમણે જાતે જ એમનો પંથ ચીતર્યો. એક ‘મા’ તરીકે મારી છાતી ગદ્દગદ્દ થતી હતી. મને મારાં ધાવણ પર ગર્વ થતો પણ હું શારીરિક-માનસિક એવી ભાંગી ગઈ હતી કે તે સમયે ભગવાનને થેન્ક્સ કહેવા જેટલી પણ સૂઝ મારામાં ન હતી. ભગવાને મારાં સંતાનોને સાચવી લીધા હતા. મારી કૂખનાં બંને કોલાહલો સુરક્ષિત હતા. છતાં મને ભગવાન સામે ફરિયાદ છે કે જે સમયે મારાં સંતાનોને ‘મા’ની હૂંફની, ‘મા’ની મમતાની જરૂર હતી ત્યારે મને લાચાર કરી દીધી હતી. મારી લાચારી સમજવા ખુદ ઈશ્વરે ‘મા’ બનવું પડે. એ ‘મા’ નથી એટલે એને ક્યાંથી ખ્યાલ હોય!? ‘મા’ ની મમતા, ત્યાગ, સમર્પણ શું હોય!! મારી અભિલાષા મારાં બંને સંતાનોને ક્ષિતિજે મારાં પાલવડે હિંચકે ઝૂલવવાની હતી. પણ, હું એમને એમનાં જીવનમાર્ગ પર અંગૂલીનિર્દેશ કરવા જેટલી પણ મદદરૂપ ન થઈ શકી. જેનો અફસોસ મને દિવસરાત સતાવે છે. દરેક સગાં-સંબંધીઓનાં મોં સુકાતા ન હતા. તેઓ કહેતાં “ તમે નસીબદાર છો. તમારાં બંને સંતાનોએ પોતાનું આભ શોધી લીધું” પણ, મને ખાસ એવી કંઈ આનંદની અનુભૂતિ થતી ન હતી. હું આ બધાની વચ્ચે મારી જાતને નકામી સમજતી. મને સતત અનુભવાતું કે હું કોઈને મદદરૂપ થઈ શકતી નથી. ઉપરથી બધાના માટે બોજારૂપ છું. તેથી મારા બંધ હૃદયનાં આંસુઓ ધસમસી આવતાં પણ પાંપણની પાળ એણે રોકી રાખતી હતી.

દીકરીએ વહેલી સવારે નવી જીવનયાત્રાએ પ્રયાણ કરવાનું હતું. તે છતાં એણે મને દવા-નાસ્તો બધું કરાવ્યું. એ દિવસોમાં મારા માસીમા આવ્યા હતા એમને મેં કહ્યું “કાનુને વિજયતિલક કરી વિદાય આપો.” એ દિવસોમાં મારા પતિ પણ કામ અર્થે બહાર ગામ ગયા હતા. અમારા ઘરનાં નિયમ મુજબ જે કોઈ કામાર્થે બહાર જાય એણે ઓટલા સુધી મૂકવા જવું. ‘ઓલા’ ટેક્સી બારણામાં આવી ઊભી હતી. મારા શરીરમાં સળવળાટ અનુભવાતો હતો મારે એને ઓટલા સુધી મૂકવા જવું હતું. એ ભારે હૈયે અને દબાતા પગે નીકળી ગઈ. મારો માળો ખાલીખમ ભાસતો હતો. પણ, આકાશની મુકતતા મારાં સંતાનોને મળી એની લાગણીનાં લીલાં આસોપાલવથી હૃદય પુલકિત હતું.

મારાં સંતાનોને આભ માપતાં મેં જ શીખવ્યું હતું. એમની પાંખોમાં મેં જ બળ અને જોમ ઠસોઠસ ભર્યા હતાં. એમની આંખોમાં સપનાનાં વાવેતર મેં જ કર્યા હતાં. એમનાં મનને મહત્વકાંક્ષાનાં મોતીડે મેં જ શણગારી હતી. પણ જ્યારે આ મારા બધા જ પ્રયત્નો પરિપક્વ થઈ ફળસ્વરૂપ ધારણ કર્યું. અને, દીકરા-દીકરીનો પ્રગતિના પંથે પ્રયાણ કરવાનો સમય આવી ચુક્યો ત્યારે હું થરથરી ગઈ. હું પ્રગતિ, પ્રકૃતિ અને જીવનનાં નિયમો જાણતી હતી, પીછાણતી હતી. છતાં, મારું માતૃહ્રદય ક્ષણભર વિહવળ થયું જાણે કે થંભી જ ગયું હતું. છતાં, મારી હાશકારાનુ સરનામું કાનુ અને પર્જન્ય છે.

એમની ઉડાન મારા હૃદય ઉપવનને ધ્રુજાવી ગઈ. મારા હૈયે વસતી ‘મા’ને હરાવી રહી હતી. હંફાવી રહી હતી. મેં હંમેશા મારાં બચ્ચાંઓને વ્યાપક સ્વરૂપે જોયાં હતાં. મારી અંદરની વિવશતા દીકરી વાંચી ગઈ અને બોલી “મોમુ! તેં જ તો અમને મઠાર્યાં છે. આજના દિવસ માટે, તારાં ધાવણ અને લોહીનાં સિંચનથી અમારું જીવન ઉપવન સિંચ્યું છે. તો પછી- આજે કેમ તું મુરઝાય રહી છે!? તું તારી જાતને શા માટે હાંસિયામાં ધકેલી રહી છે!? તારી તમન્ના અમારે સંપૂર્ણ પ્રકરણ બનીને પૂર્ણ કરવાનું છે.” એની સમજણ જાણે પરિપકવતાને પેલે પાર ચમકાવી રહી હતી. બંને ભાઈબહેન ઝળહળી રહ્યા હતા. હું પણ મારા ઉછેર પર મનોમન આનંદિત થઈ રહી.

મારું હૈયુ બોલી ઉઠ્યું મારા રૂદિયે બે કાવ્યો ઝણણણ રણકી ઉઠ્યા- ખણકી ઉઠ્યા. એ બંનેએ લય-તાલ-આલાપ સાથે મધુર કંઠે પોતાનું જ સ્વરાંકન કરી લીધું.