Banashaiya - 2 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બાણશૈયા - 2

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બાણશૈયા - 2

પ્રકરણઃ ૨

વિધિની વક્રતા

દરેક માતા-પિતાનાં જીવનમાં સંતાન ‘મા’ ના ગર્ભમાં પાંગરતું હોય ત્યારથી આંખમાં સપનાં આંજવાની કુદરતી પ્રક્રિયા બનતી હોય છે. અમારાં જીવનમાં પણ એ શુભ ઘટનાનો માંડવો રચાયો હતો. ૧૧ માર્ચ ૨૦૦૧નાં દિવસે દીકરા પર્જન્યએ આ સૃષ્ટિ પર પ્રથમ વખત શ્વાસ લીધો મારી ગર્ભનાળમાંથી છૂટો પડી. અમારાં પતિ-પત્ની બંનેની પાંપણોએ પર્જન્યના આગમનથી શણગાર સજી હતી. મારું હૈયું ભવિષ્ય માટે વાવેતર કરી સિંચવાનું શરૂ કરી દીધું હતું. દીકરા પર્જન્યને જે કોઈ સગાં-સબંધી રમાડવા આવે એ કાનમાં કહેતાં “બેટા! મોટો થઈને એન્જીનીયર બનવાનું છે.” ને, મારા મન માંડવે સપનાંઓનો મેળો ભરાતો. હું મનોમન હરખાતી અને હાલરડું ગાતી “પર્જન્ય મારો રાજા, ઊડે ઉંચે આભમાં.” સમય સાથે બનતું પણ એવું જ ગયું એ જેમ-જેમ મોટો થઈ રહ્યો હતો એમ-એમ એની રસ, રૂચિ અને એનો ટેકનીકલ દ્રષ્ટિકોણ સૌ કોઈની નજરે ચડતો. ‘પુત્રનાં લક્ષણ પારણામાં’ એ ઉક્તિ મુજબ અમે સૌ પામી ગયા હતા કે ‘આ બેટો પર્જન્ય, એન્જીનિયર જ બનશે.’ આથી, એનો ઉછેર પણ એ રીતે જ અમે કરતા હતા. રમકડાં રમવાની ઉંમરે એ કેબલ રમતો. સાયકલ ચલાવવાની ઉંમરે એ સાયકલનાં સ્પેરપાર્ટસ છોડીને ફરી જોડી પણ દેતો. ઘરનાં દરેક ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણો છોડવું અને જોડવું એ એની રમત હતી. આથી, ઘરનું માહોલ પણ એજ રીતે રાખવામાં આવતું. ક્યારેક કંઈક અનહોની ન થાય એ માટે ઘરમાં સાયરન મૂકાવી હતી અને ડીફોલ્ટ થાય તો તરત જ ઈલેક્ટ્રીસીટી ટ્રીપ થઈ જાય એવી વ્યવસ્થા કરી હતી. જો કે ક્યારેય પણ એવી કોઈ અનહોની થઈ ન હતી.

૨૭ એપ્રિલ ૨૦૧૯ની ઉઘડતી સવારે મારી આંખો ઉઘડી. અનેરા ઉત્સાહ અને જોમથી હું બેડમાંથી ઊભી થઈ. હોટલનાં રૂમની બારીનો પડદો ખોલ્યો. ખુશનુમા અને તાજગીભર્યા વાતાવરણથી મારો આનંદ બમણો થયો હતો. હું નાહી-ધોઈ ફ્રેશ થઈ ગઈ. ફરી બારીની બહાર જોયું તો સૂરજ સોનેરી કિરણો લઈ અમારાં રૂમમાં પ્રવેશી ચૂક્યો હતો. મેં પર્જન્યનાં માથે હાથ ફેરવ્યો અને જગાડ્યો મારા પતિ પણ જાગી ગયા. એ બંને ફ્રેશ થઈ ગયા. મેં બંનેનાં મોં મીઠા કરાવ્યા કારણ એ દિવસ અમારા માટે આનંદ અને ઉત્સાહનો ઓચ્છવ હતો. એ દિવસે કોટા પહોંચવા માટે અમારે પ્રયાણ કરવાનું હતું. હોટલનાં ડાઈનીંગ હોલમાં બ્રેકફાસ્ટ લઈ અમે નીકળ્યા. અમારા ડ્રાઈવરભાઈ કાર ડ્રાઈવ કરી રહ્યા હતા. લગભગ બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ડ્રાઈવર ભાઈએ કાર ડ્રાઈવ કરી. મેં કહ્યું લંચ તો મંઝીલે પહોંચીને કોટામાં જ લઈશું. કોટા અમારી હોટલનું બુકિંગ થઈ ગયેલ હતું. ૧૨.૦૦ વાગ્યા પછી મારા પતિ હેમંતે કાર ડ્રાઈવ કરી. હું અને પર્જન્ય પાછળની સીટમાં બેસી સાયન્સનાં ફોર્મુલા રીવાઈઝ કરી રહ્યા હતા. સાથોસાથ અવનવાં રસ્તાઓ પણ માણતા હતા. રાજસ્થાનની આબોહવા અને લોકજીવનનું નિરીક્ષણ કરતાં-કરતાં સફર કાપી રહ્યા હતા. પર્જન્ય એમ.સી.ક્યુ. ખૂબ સારી રીતે સોલ્વ કરી રહ્યો હતો. મારા હ્રદય ઉપવનમાં પંખીઓ કલરવ કરી રહ્યા હતા. હું મનોમન બોલી રહી હતી “હે ઈશ્વર! મારા દીકરાને મનગમતી ફેકલ્ટીમાં એડમીશન અપાવજે જ.” ઉમંગ, ઉમ્મીદ અને આનંદની છોળો વચ્ચે અમારો પંથ કપાય રહ્યો હતો. અચાનક એક રેતી ભરેલ ડમ્પર ધસમસી આવ્યું અને અમારી કાર સાથે ભટકાયું. ક્ષણનાં સો માં ભાગમાં ન બનવાનું ઘણું બધું બની ગયું. એક ગગનભેદી ધડાકા અને ગેબી અવાજ સાથે હું આગળની સીટ તરફ ધસી ગઈ. મારા બંને પગ આગળની સીટ સાથે અથડાયા. અનાયાસે મારો જમણો હાથ સીટને પકડવા આગળ તરફ ઝૂકી ગયો. મારા બંને પગ અને જમણા હાથે ફ્રેકચર થયું. પર્જન્યનું માથું મારાં ખોળામાં હતું મારા પગ અને હાથની વચ્ચે એ દબાયો એને લેશમાત્ર પણ ઇજા નાં થઈ. અહીં પાછુ કહેવું જ રહ્યું કે થેન્ક ગોડ દીકરાનો વાળ પણ વાંકો ન થયો કારણ એણે તો પરીક્ષા આપવાની બાકી હતી અને જીંદગીની પણ. એરબેગ ખુલી જવાને કારણે મારા પતિ અને ડ્રાઈવર જે આગળની સીટ પર બેઠા હતા એમને વધારે ખાસ ઈજા પ્હોંચી ન હતી. મારા પતિ હેમંત ગાડીમાંથી ઉતરી અમારી પાસે આવ્યા. મેં મારી પરિસ્થિતિની જાણ કરી. દીકરો બોલ્યો “મમ્મી! હું તને કશું જ નહિં થવા દઉં હું છું ને.” હાથમાં કોર્નફ્લેક્ષ અને દૂધ આપવું પડે એ દીકરામાં આટલી પરિપક્વતા આવી ક્યાંથી હશે!? પણ એનાં શબ્દોએ તે સમયે મને ખાસ્સી એવી હિંમત આપી હતી. આખા રસ્તે લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ આવી પ્હોંચી. ભાંગીને ભુક્કો થઈ ગયેલ ગાડીમાંથી હેમખેમ મને બહાર કાઢી. એમ્બ્યુલન્સમાં સુવડાવી. હવે મારે જ્યાં પહોંચવું હતું કોટા ત્યાં મારે પહોંચવાનું ન હતું જાણે જીવનની મંઝીલે એનું સરનામું એકાએક બદલી નાંખ્યું. મને કેકરીનાં પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં લઈ ગયા. છતાં મારી આંખો કોટા તરફનાં રસ્તાને ટાંકી રહી હતી. એ દિવસે પહેલી વખત મને ખબર પડી સીધા દેખાતાં રસ્તાને પણ વળાંક હોય છે અને વળાંકને પણ એનો પોતાનો એક નકશો. જે જીવનનાં લોકેશનમાં લપાઈ-છૂપાઈને બેઠો હોય છે. સતત મારાં મનમાં હું ગણગણતી હતી “મારી મંઝીલ આ નથી. મારી મંઝીલ આ નથી.” પણ હવે નેવિગેશને મંઝીલનો નકશો બદલી નાંખ્યો હતો. વારંવાર સાંભળ્યું હતું અને વાંચ્યું હતું કે સમય કરતાં અને નસીબથી વધારે ક્યારેય કશું મળતું નથી. ક્યારેક થોડું-ઘણું અનુભવ્યું પણ હતું પણ, આ વખતે તો છાતી ફાટીને કકડભૂસ થઈ જાય એ હદે અનુભવ્યું.

દીકરા પર્જન્યએ મારી દીકરી ડૉ. કથક અને જમાઈ ડૉ. કુશલ શાહને ફોન કરી પરિસ્થિતિ જણાવી દીધી હતી. કેકરી મુકામે હેલ્થસેન્ટર સુવિધાયુકત હતું પરંતુ બપોરનો સમય હોય કોઈ સ્ટાફ હતા નહિં. દીકરીના દિયરે ફેઈસબુક પર પોસ્ટ મૂકી “જો કોઈ કેકરી- રાજસ્થાનનું હોય તો પ્લીઝ હેલ્પ કરો.” એક ફૂટડો યુવાન આવ્યો પણ ખરો પણ પરિસ્થિતિની ગંભીરતા મુજબ એ કોઈ મદદ કરી શકે એમ ન હતો. મારી દીકરીને એનાં અભ્યાસકાળ દરમ્યાન કોલેજની એક ફ્રેન્ડનું ધ્યાન આવ્યું કથકે વાયા-વાયા એનો કોન્ટેક્ટ નંબર શોધી એને પરિસ્થિતિની જાણ કરી. એ ફ્રેન્ડ અરુંધતીનાં ફાધર મધુસુદનભાઈ ક્લાસ વન ઓફિસર હોય એમણે કેકરી મુકામે કોન્ટેક્ટ કર્યો. અને, થોડાં જ સમયમાં શ્રીમાન ચંદ્રમોહન ચૌધરી નામનાં સજજન અમારી વ્હારે આવી પહોંચ્યા. તેઓ પ્રાઈવેટ હોસ્પિટલમાંથી ડોકટર લઈ આવ્યા. ડોકટરે મને પ્રાઈમરી ટ્રેકશન માર્યા. ચંદ્રમોહનભાઈએ અજમેર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પહોંચવા માટેની સગવડ કરી આપી. આભે પહોંચવાની મહત્વાકાંક્ષા સેવતી હું ધરતી પર પણ ડગ માંડવા પણ સક્ષમ ન હતી.

કેકરીથી અજમેરનો રસ્તો લગભગ બે કલાકનો હતો. જે ખૂબ જ પીડાદાયક અને ચિંતાજનક હતો. અમે અજમેર મિત્તલ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં અરુંધતી અને એનાં મમ્મી-પપ્પા પહેલેથી જ હાજર હતા. દીકરી-જમાઈએ પણ મિત્તલ હોસ્પિટલનાં ડોકટર્સ સાથે ફોનીક વાત કરી રાખી હતી. મારી ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. અડધી રાત્રે દીકરી-જમાઈ અને વેવાઈ અજમેર આવી પહોંચ્યા. અજમેર-મિત્તલ હોસ્પિટલમાં ૩૮ કલાક ટ્રીટમેન્ટ આપી. ‘ઓબ્ઝર્વેશન’ અને ‘સ્ટેબિલાઈઝેશન’ કર્યું જેથી અજમેરથી વડોદરા સુધી પહોંચવા માટે રસ્તામાં કોઈ અઈચ્છનીય બનાવ ન બને. અજમેર હોસ્પિટલનાં ૩૮ કલાક દરમ્યાન ડાલમઠો દીકરો અને ૫૬ ની છાતીવાળા મારા પતિ કોટા જઈને પરીક્ષા આપી આવ્યા. દીકરો મંઝીલે પહોંચ્યાનો હું મનોમન સંતોષ માણી રહી હતી.

હવે અજમેરથી વડોદરાનાં લગભગ ૧૩ કલાકનો રસ્તો કાપવાનો હતો. દીકરી અને જમાઈ બંને ડોકટર હોય તેઓ મારી સાથે એમ્બ્યુલન્સમાં રહ્યા. એમાંય જમાઈ ઓર્થોપેડીક સર્જન હોય હું નિશ્ચિંત હતી.

રાત્રે વડોદરા આવી પહોંચ્યા. ઓર્થોપેડીક હોસ્પિટલમાં મને એડમિટ કરી. વડોદરા સ્થિત મારી પિતરાઈબહેન પણ આવી ચૂકી હતી. આથી મને રાહત અનુભવાતી હતી. વડોદરા વાઈરોક હોસ્પિટલમાં ફરી એક્સ-રે વિગેરે પ્રોસીજર કરી. બીજે દિવસે ડાબા પગ અને જમણા હાથની સર્જરી પ્લાન કરી.સર્જરી સારી રીતે પાર પડી. પરંતુ ત્યાર પછી વિધિની વક્રતાએ વળાંક લીધો. મને હાઈગ્રેડ ફિવર અને સતત પેટમાં દુઃખાવો અને સાથે પેટ ફૂલતું જતું હતું. ગેસ્ટ્રોલોજીસ્ટને બોલાવવામાં આવ્યા. એમણે ભારપૂર્વક સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં શિફ્ટ થવા માટે જણાવ્યું. વડોદરા ટ્રાયકલર હોસ્પિટલનાં આઈ.સી.યુ. માં ડાયગ્નોસીસ થયું કે રેસ્પીરેટરી ડિસ્ટ્રેટ છે. તાત્કાલિક સી.ટી. સ્કેન કરવામાં આવ્યું. પહેલી વખતમાં ડોકટર્સને કંઈ સમજાયું નહિં ફરીથી સી.ટી. સ્કેન કર્યું. બહારથી બીજાં ડોકટર્સને પણ બોલાવવામાં આવ્યા. ડોકટર્સટીમે ભેગાં થઈ ‘રેકટલ પરફોરેશન’ ડાયગ્નોસીસ કર્યું. જે ખૂબ જ રેર કેસમાં જોવા મળતું હોવાને કારણે ડોકટર્સટીમની મૂંઝવણ વધતી ગઈ. ઇમરજન્સીમાં ઓપરેશન થિયેટરમાં રાત્રે બે વાગ્યે શીફટ કરી. લગભગ આઠ કલાક સર્જરી ચાલી પણ સફળતા ન મળી. ફરીથી સર્જરી કરવી પડી. છતાંયે હાઈગ્રેડ ફિવર ઓછો થતો ન હતો. અનેક ઇન્વેસ્ટીગેશન પછી ખબર પડી કે ઈન્ફેક્શન બ્લડમાં ફેલાઈ ચૂક્યું છે. અને ફેફસામાં નાનું છિદ્ર પડવાને કારણે ‘થોરેટીક કેવિટી’ માં બ્લડ જમા થઈ ગયું છે. તબિયત ખૂબ જ લથડી ગઈ હતી. બાર દિવસ સુધી વેન્ટીલેટર પર રાખવામાં આવી. જે મારા માટે વનવાસ સમાન હતા. જેની આજે પણ મને ખબર સુધ્ધાં નથી. તે દિવસોમાં શું થયું હશે???

મારા બ્લડમાં ઈન્ફેક્શન ફેલાઈ ચૂક્યું હતું. આ ઈન્ફેક્શનમાં કુલ પાંચ બેક્ટેરિયા અને એક ફંગલ હતા. ૧.કલેબશેલા ન્યુમોનિયા ૨. સુડોમોનાસ એરુગીનોસા ૩. ઈ.કોલી ૪. સ્ટેફાયલોકોક્સ એરયસ ૫. સિરેસીયા ફિકારીયા ૬. કેન્ડીડા ટ્રોપીકન્સ.

સિરેસીયા ફિકારીયા ગ્રામ નેગેટીવ નામનાં બેક્ટેરીયાનું બ્લડમાં ઇન્ફેકશન થયું કે મેડિકલ રેકોર્ડસ પ્રમાણે આજસુધી વિશ્વમાં ફક્ત ૧૦૦ લોકોને જ થયું છે એનો ઉદ્દભવ કેવી રીતે થાય એ મેડિકલ સાયન્સ આજસુધી જાણી શક્યું નથી. તેથી એનો કોઈ ઈલાજ હતો જ નહી. આથી જે પણ ભગવાનનો નિર્ણય હોય એ સ્વીકારીએ જ છૂટકો. મારું શરીર કુરુક્ષેત્રનું મેદાન બની ચૂક્યું હતું. અઢાર અક્ષૌણી સેનારૂપી બેકટરીયાની ફોજ સામે મારે યુદ્ધ કરવાનું હતું. વિજયી થવું કે વીરગતિને વરવું એ મારા હાથમાં ન હતું. મારે તો ફક્ત વિધાતાએ લખેલ લેખની જીંદગીનાં રંગમંચ પર સ્ક્રીપ્ટ ભજવવાની હતી. ફક્ત આવી પડેલ પરિસ્થિતિ સામે કર્મ જ કરવાના હતા. મારાં પર અનેક એન્ટીબાયોટિકસનાં અખતરા કરવામાં આવતા પણ કોઇપણ મેડિસીન્સ કામ કરતી ન હતી. ડોક્ટર્સટીમ અનેક અલગ-અલગ પદ્ધતિઓ અજમાવી રહ્યા હતા. ૧૨ દિવસનાં વેન્ટીલેટરનાં દિવસોમાં ત્રણ વખત કટોકટી અને સટોસટી સર્જાઈ હતી. પણ, દરેક વખતે કોઈ અદશ્ય બ્રહ્માસ્ત્ર મારી વ્હારે આવી જતું અને સેકન્ડનાં સો ભાગમાં ફરી હું ધબકતી થઈ જતી હતી. ત્યારપછી બીજા ૨૨ દિવસ આઈ.સી.યુ. માં જ ટ્રીટમેન્ટ ચાલી. વળી, પાછું ઇન્ફેકશન ડાબા પગની જે સર્જરી થઈ ચૂકી હતી ત્યાં સુધી પહોંચી ગયું હતું. ફરીથી ઇમરજન્સીમાં આઠ કલાક સર્જરી કરીને ઇન્ફેકશન દૂર કર્યું. ડાબા પગમાં અગાઉ જે સળિયો મૂક્યો હતો તે કાઢી નાખવામાં આવ્યો. છતાં, ફરીફરીને ઇન્ફેકશન થતું હતું. ઇન્ફેકશન દૂર કરવા માટે પગમાં સેકશન જોડવામાં આવ્યું હતું. છતાં શરીર લોહાની માફક તપતું હતું. છપ્પનની છાતીવાળા મારા પતિને વાકેફ કરી દેવામાં આવ્યા હતા. કોઈપણ પરિણામ માટે તૈયાર રહેવું. તેમનું સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. બીજા દિવસે બહારથી એક સ્પેશીયાલીસ્ટ ડોકટર આવ્યા. એમણે મને કહ્યું “આ ઈન્ફેક્શન દૂર કરવા બીજી રીતો અપનાવવી પડશે. કદાચ પગ કાપવો પણ પડે.” હું શૂન્ય મનસ્ક બની ગઈ. કંઈપણ ઉત્તર આપી ન શકી. ફરી ડોકટર બોલ્યા ‘પેશન્ટની માનસિક હાલત ઠીક નથી લાગતી’ કોઈપણ પ્રકારનો રીસપોન્સ આપતા નથી એમના હસબન્ડને સુરતથી બોલાવો એ પેશન્ટને સમજાવશે. દીકરીએ એના ડેડીને સુરત ફોન કર્યો. અને સુરતના સ્પેશીયાલીસ્ટ ડોકટરનો અભિપ્રાય લેવા જણાવ્યું. મારા પતિ, સુરતના સુપ્રખ્યાત અને એલીઝારોના સ્પેશીયાલીસ્ટ ડૉ. એચ.પી.સિંઘને મળ્યા. એમણે કેસ સ્ટડી કર્યો અને કહ્યું “પેશન્ટને અહીં લઈ આવો.”

સુરત મારી કર્મભૂમિ મને વડોદરાથી સુરત ડૉ. એચ.પી. સિંઘની હોસ્પિટલમાં શિફ્ટ કરી. રેલિસ હોસ્પિટલમાં ધડાધડ ઇન્વેસ્ટીગેશન કર્યા. કોમ્પ્લીકેશન વધારે જણાતાં ડૉ. એચ.પી.સિંઘે મને સુરતની સુપર સ્પેશ્યાલીટી ટ્રાયસ્ટાર હોસ્પિટલમાં શિફ્ટ કરી. મારા ઉપર અનેક મેડિકલ ઇન્વેસ્ટીગેશનનાં મારા ચાલ્યા. મારા ઉપર ઉપરાછાપરી શસ્રક્રિયાઓ કરી ડાબા પગનું હાડકું સાત સેમી. કાપી ઈન્ફેક્શન દૂર કર્યું. એક અઠવાડિયા પછી થાપામાંથી ગ્રાફટીંગ કરી કપાયેલ હાડકામાં સર્જરી કરી જો કે તે સમયે હું આ બધી માહિતીથી અજાણ હતી. મારા ડાબા પગમાં એક્સ્ટર્નલ ફિક્સેટર મૂકાયું. બંને પગમાં સાત-સાત કિલોગ્રામના એક્સટર્નલ ફિક્સેટર હતા. આ દશ્ય જોવું પણ બિહામણું લાગતું હતું. પરંતુ, મારે તો વેઠયે જ છૂટકો હતો. આ બાણશય્યા પર મારે ટકવાનું હતું. અને, જીવવાનું હતું. હોસ્પિટલનાં રૂમની ચાર દીવાલ વચ્ચે દિવસ રાત ચટ્ટોપાટ સૂઈ રહેવાનું હતું. શરીરનું હલનચલન લેશમાત્ર પણ શક્ય ન હતું. ફરી ડોકટરે નિર્ણય લીધો કે જમણા પગનું એક્સટર્નલ ફિક્સેટર કાઢી પ્લેટ મૂકીએ જેથી હું એક તરફ થોડું પાસુ ફેરવી શકું.

આમને આમ, સવાચાર મહિનાથી હું હોસ્પિટલનાં રૂમની ચાર દીવાલો, ઓપરેશન થીયેટરો, સીટી સ્કેન, એમ.આર.આઈ.નાં બિહામણા થીયેટરો, વિવિધ મેડિકલ ઉપકરણો, સલાઇનની બોટલ્સ, સમયે સમયે મેડિસીન્સ, ઇન્જેકશન્સ, ડોકટર્સ, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ વચ્ચે મારું જીવનચક્ર ચાલતું હતું. મારી આંખો કંઈક નવું કંઈક અલગ જોવા ઝૂરતી હતી. એક દિવસ મૂશળધાર વરસાદનો અવાજ મારા કાને સંભળાયો અને હું વિચારમાં પડી આકાશનો રંગ કેવો હશે!? રૂની રજાઈ જેવો સફેદ કે મને મનગમતો ભૂરો! થોડી જ વારમાં હું છોભીલી પડી ગઈ અને મે મારી જાત સાથે ક્ષોભ અનુભવ્યો અને મનમાં બોલી ‘ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો વાદળો તો ઘનઘોર જ હશે ને. પશુપંખી જોવા મન તલસતું હતું. કબૂતરનું ઘૂં-ઘૂં અને ચકલીની ચીં-ચીં સાંભળવા કાન સળવળતાં હતાં. ચોમાસામાં મારા ઘરના ધાબે વિસામો લેતાં પક્ષીઓની ચિંતા કોરી ખાતી હતી. અને મારો જીવ બળતો કે એમને ચણ કોણ નાંખતું હશે? રંગપ્રેમી એવી હું હવે હોસ્પિટલના રંગવિહીન વાતાવરણથી ઉબકાઈ જતી હતી. પણ આવા વિચારો અને ઈચ્છાઓને મારે હડસેલો મારી ભગાડી દેવું પડતું. કારણ, હજુ તો મારે કપરો સમય હજી એક વર્ષ કાઢવાનો હતો- જો હું જીવી જાઉં તો.”

મારો પરિવાર હોસ્પિટલનાં ચક્કર, એમનાં પોત-પોતાનાં કામોની દોડધામ અને મારી કાળજી હેઠળ દબાય ગયાં હતા. મારી આવી લાગણીઓ હું એમની સમક્ષ વ્યક્ત કરી શકતી ન હતી. દરેકને પોતપોતાની ભાગદોડ હતી. મિત્રો સમક્ષ પણ આવી મારી લાગણીઓ વ્યક્ત કરતાં હું ડરતી હતી હું મનોમન વિચારતી ક્યાંક ‘એ લોકો મને સાયકો ન સમજી બેસે.’ મારી લાગણીઓનો ડૂંચો કરી ફેંકી દેતા હું શીખી ગઈ હતી.

કુરુક્ષેત્રનાં યુદ્ધમેદાનમાં શ્રીકૃષ્ણએ પાર્થને આપેલ જ્ઞાન મનમાં મમળાવતી રહેતી “હે પાર્થ! પ્રકૃતિ તરફ તારે જોવાનું નથી. પ્રકૃતિ તો એનું કામ કરતી જ રહેશે. સુરજ ઉગશે અને આથમશે પણ ખરો. અને તું તારું જ કર્મ કર.” અને હું મારા શરીરરૂપી યુદ્ધમેદાનમાં યોદ્ધિની બનીને કર્મ કરતી. હું ફરી મારી પીડા, મારી વેદના, મારા ઈન્ફેક્શન, મારા કોમ્પ્લીકેશન સામે યુધ્ધે ચડતી. જીવીશ કે મરીશ એવો વિચાર સુધ્ધાં મને ક્યારેય આવ્યો નથી. બસ! શરીરરૂપી યુદ્ધમેદાનમાં અડીખમ યોદ્ધિની બની રહેતી. મેડિકલ ઉપકરણો રૂપી અને શસ્ત્રોનો માર ઝીલતી રહેતી.

ઓગસ્ટ મહિના પછી ચેઈન્જ માટે મને થોડાં-થોડાં દિવસ ઘરે શિફ્ટ કરતા હતા પણ મારી શારીરિક અને માનસિક એવી કોઈ સ્થિતિ ન હતી કે હું આકાશ, ધરતી, ફૂલ-પાન, પશુ-પંખીને જોઈ શકું અને એમની સાથે દોસ્તી કરી શકું. હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સમાં હું પહેલી વખત ઘરે આવી ત્યારે મને અહેસાસ થયો કે મારી લાગણીનું અસલી સરનામું તો મારું ઘર છે. ઓટલા પર શિસ્તબધ્ધ કૂંડઓમાંના છોડોએ સ્મિત આપી એમની પાંપણોમાં મને સમાવી લીધી. ઉંચે-ઉંચે ચડેલ વેલો તો જાણે મને રીતસરની વળગી પડી અને આહલાદકતાનું આલીંગન આપ્યું, મારો હીંચકો જે સાવ સૂનો પડી ગયો હતો એ લાગણીવશ થઈ હર્ષાશ્રુ વહાવી રડી પડ્યો. આમ પણ પડોશમાં રહેતી મિતાલી જ્યારે પણ હોસ્પિટલમાં મળવા આવતી ત્યારે કહેતી “તમારો હીંચકો, તમારો ઓટલો, તમારાં છોડો અને વેલો તમારાં વગર ઝૂરે છે આથી તમારે જલ્દી ઘરે આવવાનું છે.” એની વાત મને યાદ આવતાં સ્ટ્રેચરમાંથી મારી અધીરી આંખો અને વિહવળ મન એમનાં તરફ ખેંચાયું હરહંમેશ હીંડોળા લેતો મારા ઘરના ઓટલા પરનો હીંચકો એનો સુમધૂર કિચૂડ-કિચૂડ અવાજ જાણે ભૂલી ચૂક્યો હતો. મનીપ્લાન્ટસની વેલીઓનો લીલો રંગ ફીક્કો પડી ગયો હતો. અને રંગબેરંગી પતંગિયા જેવાં કુંડામાંના વિવિધ છોડોએ ગીતો ગાવાનું છોડી દીધું હતું. અને નિસ્તેજ થઈ ગયા હતા. એ બધાને મેં ફ્લાઈંગકીસ આપી. જાણે આખા ઓટલાનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ ગયું. હું સ્ટ્રેચરમાં હતી બારસાખે એનાં હૃદયદ્વાર ખુલ્લાં કરી દીધા હતા મેં બારસાખ ઉપર રાખેલ ગણપતિજીનાં દર્શન કર્યા. બારસાખે ઓવારણાં લઈ મને ગૃહપ્રવેશની જાણે મંજૂરી આપી હતી. મને ખુશ થવું કે રડવું એ ખબર પડી નહિં. પણ, અવિરત મારી લાગણીઓની નદીઓ વહી રહી હતી. ડ્રોઈંગરૂમમાં મારા માટે સ્પેશિયલ બેડની વ્યવસ્થા અગાઉથી કરી હતી. સ્ટ્રેચરમાંથી મને બેડ પર શિફ્ટ કરવા પડોશી રાજુભાઈ, અનિલભાઈ અને ઘરનાં બધાં જ કામ કરનાર બહેનો વ્હારે આવી ચૂક્યા હતા. મારાં ઘરનાં સજીવ-નિર્જીવ શો-પીસ, ફર્નીચર્સથી માંડી બધાંની લાગણીઓ પતંગિયાની જેમ ઉડાઉડ કરી રહી હતી. મારાં ઘરમાં વીસ વર્ષથી કામ કરનાર બહેનો ધનુ અને રીટાનાં મુખારવિંદ પર ઓજસ પથરાય ગયો. વીસ વર્ષથી બપોરની ચા રીટા જ પીવડાવતી આવી હતી એ, હું ઘરે પહોંચું એ પહેલાં એણે ચા બનાવીને તૈયાર રાખી હતી. દરેકનાં ઉષ્માભર્યા સ્વાગતથી હું ગદ્દગદ્દીત થઈ ગઈ હતી. હેમંતના ચહેરા અને હોઠો પર એમની લક્ષ્મીના પગલાંની ખુશી કંઈક અલગ ઉપસી આવી હતી. અસહ્ય પીડા, વેદના વચ્ચે પણ મારી નજર પૂર્વ દિશાની દીવાલે ટાંગેલ ‘તસ્વીરે ફેમિલી’ પર પડી એ તસ્વીરમાં મને જાણે વિશ્વદર્શનનાં આહલાદકતાની ઐશ્વરીય અનુભૂતિ થઈ. ઇશાન ખૂણામાં રાખેલ એક્વેરિયમની રંગબેરંગી બધી માછલીઓ મરી ગઈ હતી.બિચારીઓ ભૂખ્યે-ભૂખ્યે મરી ગઈ હશેનાં વિચારોથી મને અનુકંપા થઈ આવી. મારાં ઘરનાં સૌંદર્યમાં ઝાંખપ તો આવી જ હતી. એ જોઈ મારો જીવ રડી પડ્યો. પણ, મારું ઘર મને સ્વર્ગથી પણ વ્હાલું લાગ્યું. ગોકળગાયને જેવો એનાં ઘર સાથે અતૂટ-અખૂટ સંબંધ હોય એવો મને પણ મારા ઘર સાથે છે. જેમ ‘મા’ના ખોળામાં બાળક સુરક્ષિતતા અનુભવે એવો જ સુરક્ષિત ભાવ મને મારા ઘરમાં અનુભવાયો. ધરતીના ખોળે જેમ એનું પ્રિય સંતાન વૃક્ષ લીલુંછમ થઈ જાય એમ દિવસો જતાં મારી તબિયતમાં પણ આંશિક સુધારો થઈ રહ્યો હતો. અખિલ બ્રહ્માંડનુ કેન્દ્ર એવું મારું ઘર મારી પીડા અને વેદનાને ઓગાળી દેનાર નીવડ્યું. આહલાદકતાને પેલે પાર આકાશગંગા જેવી અનુભૂતિ થઈ.

અચાનક વારંવાર હોસ્પિટલમાં એડમિટ થવું પડતું ત્યારે એમ્બ્યુલન્સમાં વિચારતી હવે આ વખતે હોસ્પિટલમાં રૂમને બારી હોય તો સારું. મહાવીર હોસ્પિટલમાં એડમિટ કરતાં ત્યારે બારી મળી રહેતી અને બારીમાંથી આભના ટુકડાને જોઈ વંદી રહેતી. નદી મારાં જીવનકિતાબની સૌથી નજીકની બહેનપણી. મને નદી જોવી બહુ ગમે અને એટલે જ મારો વસવાટ તાપી તટે થયો હશે. એક્સિડન્ટ પહેલાંના મારાં રોજિંદા જીવનમાં હું દરરોજ એને ચૂમી લેતી. પરંતુ હમણાં એક વર્ષ થયું હજી તાપીદર્શન-નદીદર્શન થયા નથી. અગિયાર મહિના સુધી મને ફક્ત સ્પોંજ કરવામાં આવતું. ઘણીવાર પાણીની છાલક મોં પર મારવાની તીવ્ર ઈચ્છા થઈ આવતી.

આઠ મહિના સુધી હું પડખું ફેરવીને પણ સૂઈ શકતી ના હતી. છાતી ભીંસાતી, અકળામણ થતી, ભાગી જવાનું મન થતું. અને, મારી જાત મને પ્રશ્ન પૂછતી “શું તારે ભાગવું છે? ક્યાં ભાગવાનું છે? બંને પગ કામ આપતાં નથી.” મારી લાચારી, મારી વિવશતા, મારી અપંગતા પર મને ચીસો પાડી રડવાનું મન થઈ આવતું. પણ હવે મને પરિપકવતાનો સ્વાંગ રચતા પણ આવડી ગયો હતો. મારા આસુંઓ સૂકાઈ ચૂક્યા હતા. પણ, મારાં ઈમોશન્સ પર કાબુ મેળવવા માટે મારે મારી જાત સાથે જંગ છેડવો પડતો હતો.

શસ્ત્રક્રિયાની વ્યુહરચના તો ચાલતી જ રહેતી. અનેક નિર્ણયો લેવાતાં અને બદલાતાં. ડોક્ટર્સ માટે મારો કેસ માથાનો દુઃખાવો બની જતો. વારંવાર એક્સ-રે, સોનોગ્રાફી, સીટી સ્કેન, એમ.આર.આઈ. વિવિધ બ્લડ ટેસ્ટનાં ચક્રવ્યૂહમાં હું વારંવાર ફસાઈ જતી હતી. એમાંથી બહાર નીકળવું જાણે અશક્ય થઈ પડતું. ‘બાર સાંધે ત્યાં તેર તૂટે’ જેવી પરિસ્થિતિ નિર્માણ પામતી. શારીરિક વિવિધ પરીક્ષણો થકી હું થાકી જતી, હાંફી જતી, ચપટીક શ્વાસ માટે ટળવળતી. શરીરનું હલનચલન નહીવત માંડ થતું હું મારી જાતને મૃત્યુશૈયા પર હોય એવું અનુભવતી. હવે મારા શરીરની બધી જ વેઈન થ્રોમ્બ થઈ ગઈ હતી. ક્યાંયથી પણ બ્લડસેમ્પલ લઈ શકાતું ન હતું. સલાઇન પણ ચડાવી શકાતા ન હતા. ડોક્ટર્સટીમ ફરી ગૂંચવાડામાં પડતી. ઇમ્યુનીટી ખૂબ જ ઓછી હોવાને કારણે ડોક્ટર્સ હંમેશા ઈન્ફેક્શનનાં ભયમાં રહેતા. આ બધાં કારણોસર પ્લાન થયેલ સર્જરીને પણ રાતોરાત પાછી ઠેલવવી પડતી હતી.

પરંતુ ૧૪ સર્જરી પછી આશાનું કિરણ ઝબૂક્યું મારા ભારતમાં જીવવાનું જોમ પ્રગટ્યું. લબૂકઝબૂક થતો મારો દીવડો ફરી પ્રકાશિત થવા મથામણ કરી રહ્યો હતો. હવે ધીમે-ધીમે મારો જીવનપથ ખુલ્લો બની રહ્યો હતો. પરંતુ, હજી બે મેજર સર્જરી તો બાકી જ હતી. અને નાની-નાની બીજી બે બાકી હતી. એનાં કોમ્પ્લીકેશન ‘પડશે ત્યારે દેવાશે’ પર છોડી દીધા હતા. મને જીવવાનો કોઈ મોહ રહ્યો ન હતો. મારાથી પીડા પણ સહન થતી ન હતી. આથી, હું આશ્વાસન, હૂંફ મેળવવા રીતસરનાં વલખાં મારતી હતી. વચ્ચે વચ્ચે વર્તમાનમાં રાહત અનુભવ્યાનો થોડો-થોડો આનંદ માણી લેતી.

આખું વર્ષ યુ.ટી.આઈ. વારંવાર થતું એમાં પણ ઘણી હેરાન થઈ જતી હતી. મારું શરીર પૂરેપૂરું છિન્નભિન્ન થઈ ચૂક્યું હતું હવે પછીનાં સર્જરીનાં માર ખાવા માટે બિલકુલ સક્ષમ ન હતું. હવે દરેક સર્જરી વચ્ચે દોઢથી બે મહિનાનો સમયગાળો રાખવો પડતો હતો. શરીરમાં થોડી શક્તિ આવી પછી ફરીથી નવેમ્બરમાં સર્જરી કરવાનો પ્લાન કર્યો. આમ છતાં વિધાતા હજી મારો પીછો છોડવા તૈયાર ન હતી. નવેમ્બર મહિનામાં ડાબા પગનું ફિક્સેટર રીમુવ કરવા હોસ્પિટલમાં એડમિટ થઈ ત્યાં સુધી તબિયત સારી હતી. અને હું પણ ખુશ હતી. સર્જરીનાં આગલાં દિવસે ફરી હાઈગ્રેડ ફિવર શરૂ થયો. ફરી હાઈગ્રેડ ફિવર માટેનાં ઇન્વેસ્ટીગેશન્સ શરૂ થયાં. અને, વળી પાછી ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ. સર્જરી એક મહિનો પાછી ઠેલાય. ફરીથી ફિક્સેટર નાં વજન અને દુઃખાવા સાથે એક મહિનો સહન કરવાનું વિધાતાએ લખ્યું હશે એમ સ્વીકારી લીધું.

હવે પછીનાં ઓપરેશન વચ્ચે ગેપ રાખવામાં આવતાં કારણ મારું શરીર સાથ આપતું ન હતું. વચ્ચે વચ્ચે ઘરે જવાની હોસ્પિટલમાંથી રજા મળતી હતી.માર્ચ મહિના સુધીમાં બધી મેજર સર્જરીસ પુરી થઈ. ૧૬ સર્જારીએ મારાં શરીરને સોળ શૃંગાર કર્યા હોય એમ મારું શરીર વાઢકાપ, ટાંકાઓ,ઊંડા ઘા ના નિશાનો, ફિક્સેટરનાં મોટાં-મોટાં કાણાંઓથી ભરાય ગયું હતું. શરીર તો છિન્નભિન્ન થઈ જ ચૂક્યું હતું. પણ, શરીરની આવી દયનીય અને બિહામણી હાલતથી મનઃદશા નહીં બગડે એ માટે મારે જ સતર્ક રહેવું પડતું હતું. આથી, સોળ સર્જરીસનાં અણગમતાં અને આંખોને નહિં રૂચે એવા નિશાનોને મે ‘શૃંગાર’ શબ્દથી નવાજી લીધા અને સ્વીકારી લીધા. જેથી હું મારી જાત પર હસી શકું અંતે ધ્યેય તો ખુશ રહેવાનો જ હતો. અહીં એક અનુભવ થયો અને સમજાયું કે બીજાને હસી કાઢવું જેટલું સરળ છે એટલું અધરું પોતાની જાતને હસી કાઢવાનું કામ છે. જીંદગીનું બીજું નામ હસતાં-હસતાં જીવી જવાનું પણ આ જીંદગી હસતાં-હસતાં જીવી જવાય એટલી સસ્તી પણ નથી એ મને બ્રહ્મજ્ઞાન લાધ્યું.

મારી સોળે-સોળ સર્જરીસ પછી મને ઈન્ફેક્શન્સ થતા હતા જેને માટે મારે મહિનાઓ સુધી એન્ટીબાયોટીક્સ લેવા પડતાં અને મહિનાઓ સુધી ડ્રેસિંગ રોજ કરાવવા પડતા હતા. દરેક સર્જરીની ડ્રેસિંગની પીડા પણ પારાવાર રહેતી. ધીમે-ધીમે હું પીડાને પચાવતા પણ શીખી ગઈ. આખરે એટલું તો કહેવું પડે કે મારી કર્મભૂમિ જ મારી જન્મભૂમિ બની.

હું જીવનની વાસ્તવિકતા સમજી ચૂકી હતી. કે, લોકો માથું મૂકવા ખભો આપી શકે, આંસુઓ ઝીલવા ખોબો ધરી શકે પણ આપણી ભીતરની ભીનાશને તો આપણે પોતે જ સૂકવવી પડે. એમાં ખુદ ઈશ્વર પણ મદદ નહીં કરી શકે. મુશ્કેલીઓમાં પરિવાર, ડોકટર્સ, મિત્રો, સુવિધા, પૈસા બધું જ વ્હારે આવે પણ પીડા તો જાતે જ વેઠવી પડે અને વિધાતાનાં લેખમાં કોઈપણ મેખ ન મારી શકે. વિધાતાએ મારી આકરી તાવણી કરી, ખૂબ તપાવી, ખૂબ તાણી, ખૂબ ટીપી છેવટે મને પાર પાડી.

૨૭ એપ્રિલ ૨૦૧૯ના દિવસે કોટા-રાજસ્થાન જવા નીકળેલ હું વિવિધ ગામ, શહેર, રાજ્યની હોસ્પિટલનાં ચક્કર કાપી કાપી, જીવન-મરણનાં ઝોલાં ખાતી-ખાતી આજે ૨૭ એપ્રિલ ૨૦૨૦ના દિવસે જ્યાંથી નીકળી હતી ત્યાં જ મારા ઘરે થોડાં હાશકાર અને અનેક વિટંબણાઓ સાથે ઠરીઠામ થઈ. કેવાં હશે એ રસ્તાઓ!? એ રસ્તાઓનાં વળાંકો!? અને વિધિની વક્રતા !!

‘રામ રાખે એને કોણ ચાખે!’ ‘વિધિના લેખમાં કોણ મેખ મારી શકે!’ એ ઉક્તિ પ્રમાણે અનેક વિટંબણાઓ, મુશ્કેલીઓ પાર પાડી, ડોક્ટર્સટીમ શસ્ત્રો હેઠા મૂકી દેતા હતા છતાં હું જીવી ગઈ.

કહેવાય છે કે ‘ઈશ્વર જ્યારે દરેક માણસનાં નસીબમાં થનારી ઘટનાઓ અને તેની સાથે સુખ અને દુઃખનાં પોટલાં બાંધે છે ત્યારે તેનું વજન તે ભોગવનારના ખભા અને બરડાને ધ્યાનમાં રાખીને બાંધતો હોય છે.’ પણ હે ઈશ્વર! હું તને આટલું તો ચોક્કસ કહીશ “તે ખૂબ પીડા આપી, થોકબંધ આપી, જથ્થાબંધ આપી. મારું જીવન જ જાણે પીડાની પરિભાષા બની ગયું હતું. પણ, હું તને એવું નહીં પૂછીશ કે કેમ મને જ આપી? કારણ, તારો હિસાબ તો ચોખ્ખો જ હશે. હા! તેં મને ખુશીઓ પણ આપી. પણ થોડી-થોડી, હપ્તા બાંધી-બાંધીને આપી. પણ આપી તો છે જ.

પણ.... હું ક્યાં આ પીડા, આ વેદના પચાવવા ભોગવવા સક્ષમ હતી??? શું તને મારા પર આટલો બધો ભરોસો હતો???!!!”