Banashaiya - 1 in Gujarati Moral Stories by Heena Hemantkumar Modi books and stories PDF | બાણશૈયા - 1

Featured Books
Categories
Share

બાણશૈયા - 1

બાણશૈયા

અર્પણ:

મારી અંદર બેઠેલ ઈશ્વરને

કેફિયત:

બાણશૈયા - એક સંવેદનકથા. આ કથામાં આલેખાયેલ સંવેદના મારી પોતીકી છે. એમાં સંવેદનાની એરણ પર જીંદગીનો એક મુખ્ય તબક્કો જીવ્યાની વાત છે. અહીં વાત ભીંતરમાં બેઠેલ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધેયની છે. વાત સબૂરીની છે. સરળ અને સહજ રીતે પાણીની સપાટીએ સરરર વહેતી જીંદગી જ્યારે કોઈ અણધારી અને અકલ્પનીય ઓથાર નીચે ગૂંગળાય છે ત્યારે માનવી કેવો લાચાર અને વામળો પુરવાર થાય છે એ વાત છે.

શુભત્વનો રંગ કંકુવર્ણ લાલ હોય, લાગણીત્વનો રંગ લીલો હોય, પ્રેમત્વનો રંગ ગુલાબી, અંધકારનો રંગ કાળો હોય. પણ, અહીં વાત છે મારી વેદના અને પીડાની. તો, વેદના અને પીડાનો રંગ કયો હશે!!!??? અહીં વાત છે પરિવારનાં સભ્યોની અસહ્ય કરુણાંતિકાની. તો, એ કરુણાંતિકાનો રંગ ક્યો હશે!!!??? આશા અને હતાશાની વચ્ચે અથડાતાં દર્દીનાં પરિવારની વ્યથાનો રંગ કયો હશે!!!??? આ અજાણ્યાં રંગોથી જીંદગીને રંગી લેવાની વાત છે.

જ્યારે એક દર્દી શારીરિક અને માનસિક પીડાથી પીડાતો હોય છે ત્યારે એ દર્દી સાથે સંકળાયેલ તમામે તમામ સગાં સ્નેહીઓ, ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, મિત્રો તેમજ દર્દીની સારસંભાળ રાખનાર કેર-ટેકરની પણ આકરી તાવણી થતી હોય છે. દર્દીનાં જવાબદાર-અંગત વ્યક્તિઓએ આવા સંજોગોમાં તન-મન-ધનથી સ્વસ્થ રહી દર્દીમાં હામ અને જોમ પુરવાનું પણ કામ કરવાનું હોય છે. આશા, નિરાશા, હતાશા, નાસીપાસ વચ્ચે બધાં જ અથડાતાં હોય છે.આવી અનેક ઘટનાઓ, સમસ્યાઓ અને પરિણામોનાં સંવેદનશીલ અનુભવોનો ચિતાર છે.

આ કથા અહીં પૂર્ણ કરું છું.પણ, મારી પીડાનો અંત હજી આવ્યો નથી. મારું શરીર ફોરેન બોડી સહજતાથી સ્વીકારી શકતું નથી. આથી, બંને પગ અને જમણાં હાથમાં મૂકેલ પ્લેટ જે તે સમયે, સંજોગોને ધ્યાનમાં રાખી કાઢવી પણ પડી શકે. જમણાં હાથનાં અંગુઠાની સર્જરી બાકી છે. શોર્ટ થઈ ગયેલ ડાબા પગની સર્જરી પણ બાકી છે.આવી સંભવિત સર્જરીસ માટે માનસિક તૈયારી સાથે વર્તમાન માણી લેવાનું છે. ‘પડશે તેવા દેવાશે’ની નીતિથી જીવન જીવી લેવાનું છે.

'દુઃખનું ઓસડ દહાડા' અને 'જે છે તે છે'ની સ્વીકાર ભાવના વિકસાવીએ તો જ ખરાબ સમયમાં ટકી શકાય એવું જીંદગીની પાઠશાળામાં હું શીખી રહી છું. સ્વીકૃતિની ભાવના વિકસાવવી સૌથી કપરું છે. પણ, એનાં સિવાય માનવી પાસે કોઈ ઉપાય પણ નથી.

આ કથા થકી જો કોઈ દર્દીને અને એનાં સ્વજનોને હિમ્મત અને ધૈર્ય પુરું પડશે તો હું મારી પીડા, વેદના અને વ્યથાની આ કથા લેખે લાગી ગણીશ.

લિખિતંગ-હીના મોદી

સર્વે સન્તુ નિરામયાઃ

પ્રકરણઃ ૧

ટેરવે ફૂટી કલમ

આજે ફરી ૨૭ એપ્રિલ, સમય બપોરે ૧.૩૦ વાગ્યાનો પણ સાલ ૨૦૨૦. ટેરવે પાંખો ફૂટી રહી છે. ટેરવામાં સળવળાટ અનુભવાય રહ્યો છે. ટેરવે સૂરજની આભાઓ પ્રકાશિત થઈ રહી છે. મારી આંગળીઓ કાગળ અને કલમ માટે ઝૂરી રહી છે. પણ મારાં જમણાં હાથનાં અંગૂઠાનાં ટેન્ડર ફાટી ગયા છે જેની સર્જરી હજી બાકી છે. અંગૂઠાના સહારા વિના કેવી રીતે લખી શકાય? આ વેદના તો એકલવ્ય જ સમજી શકે. પણ, મારે લખવું છે. આંગળીનાં વેઢાંને છોલીને પણ લખવું છે. મારો અંગૂઠો થોડો-ઘણો જ સાથ આપી શકે છે આથી, મૂઝવણનાં વાદળો મને ઘેરી વળ્યા છે. મૂઝવણનાં ઘનઘોર વાદળમાંથી મારી લાગણીઓ ડોકિયાં કરી રહી છે એણે વ્યક્ત થવું છે, આ કાગળ પર વરસવું છે. મારી આંગળીઓ કાગળ અને કલમને પોંખવા અધીરી થઈ રહી છે. હાથમાં કલમ આવતાની સાથે જ કોઈ અગમ્ય શક્તિ વ્હારે આવી રહી છે મારી કલમની શાહી કાગળ પર અવિરત પ્રવાહની જેમ વહેવા માંડી છે. મારી કલમને શબ્દોની ડાળખીઓ ફૂટી રહી છે. અને, એ ડાળખીઓ પર મારી પીડા, વેદનાનાં ફૂલો અવતરી રહ્યા છે. ડાળખીઓને કૂણી કૂંપળો ફૂટ્યાની પ્રસૂતિની પીડા ડાળખીએ જ અનુભવી હોય એમ મારા હૈયામાં પીડા અને વેદનાનું અફાટ રૂદન થઈ રહ્યું છે. આ અફાટ સમંદરની મધ્યે પીડા અને વેદનાનાં વમળો ઉલાળા મારી રહ્યા છે. અને, અચાનક મારા નભોમંડળમાં લીલેરી ટહુકા કરતું એક રૂપાળું પંખી આવ્યું અને મારા ટેરવે પ્રાણ પુરી ગયું.

આમ તો, માણસ સ્વભાવગત અને પ્રકૃતિગત આવો જ કંઈક હોય છે. એણે સતત વિસ્તરવું છે-ખૂબ વિસ્તારવું છે. ઊંડે-ઊંડે પણ અને ઊંચે-ઊંચે પણ. વિસ્તરવાનાં મોહ-માયા અને લાલચ-લાલસામાં ‘સમય હી બલવાન હૈ’ શ્રીકૃષ્ણની એ વાત વિસરી જાય છે. સમય ક્યારેય કોઈનો થયો નથી. અરે! સમય ‘સમય’નો પણ નથી થયો. એ ક્યાં કદીપણ પોતાનો થઈ ટકી રહે છે!? ભલે મેઘધનુષનાં સાતરંગ છે અને માણસ આઠમો રંગ કાલ્પનિક ઉમેરે છે પણ સમયનાં તો વિવિધ રંગ છે. અગણિત-અકલ્પનીય. વહેલી સવારે સોનેરી કે કેસરી રંગથી સૂર્યને શણગારતો સમય રાત થતાં વેંત કાળારંગના ભયાવહ અંધકારનો સ્વાંગ રચતાં અચકાતો નથી. અને, સૂરજને ડૂબાડતાં ક્ષોભ પણ નથી અનુભવતો. સતત ચાલતાં રહેવું, દોડતાં રહેવું, વહેતાં રહેવું, ઉડતાં રહેવું, હાંફતાં રહેવું, પડતા-આખડતાં રહેવું એ પણ તો સમય-સમયની વાત છે. સડસડાટ પગથીયાં ચડી જવું ને ધાબે પ્હોંચી અને હાથ પહોળાં કરી આભને આમંત્રવું એ પણ સમયની હિંમત છે. આભને બાથમાં ભરી ચૂમીઓ કરવાની તમન્ના સેવવી એ પણ સમયની નજાકત છે. અને, એક દિવસ અચાનક ધડામ દઈ નીચે પટકાય જવું એ પણ સમયનું જ કોઈ અદશ્ય, ન સમજાય એવું અને ગણવામાં ગોથાં ખાઈ જવાય એવું એનું જ રૌદ્ર સ્વરૂપ છે. મંદ-મંદ વહેતા પવનમાં પતંગનું આભને સ્પર્શી લેવું એ પણ સમય અને પછી ભરદોરીએ ક્ષણભરમાં કપાય જવું અને કપાયા પછી અને જાણતાં હોવા છતાં પોતાની જાતને સાચવી ન શકવું એ પણ સમય જ છે. કપાયેલ પતંગે ઝાડ કે કોઈ વીજળીના થાંભલે અસહાય થઈ લટકી ને ઝૂરતા રહેવું કે પછી ગંધાતી ખાડીમાં ડૂબી મરવું કે સમંદરની લહેરમાં નૌકાવિહાર કરવું એ પણ સમય જ નક્કી કરે છે. મનગમતું પંખી આંગણે આવી ટહુકે અને ચિત્તપ્રદેશમાં પ્રસન્નતા વ્યાપી ઉઠે એ પણ સમય, અને ક્ષણનાં સો માં ભાગમાં શોર્ટસર્કીટ થાય ને આખેઆખું બનાવેલ ભવ્યાતિભવ્ય ઈમારત ભસ્મીભૂત થઈ જાય એ પણ સમય જ છે ને! સમય કુદરતની રહેમ છે તો કહેર પણ છે. સમય મંદિરનો ઘંટારવ છે, સૃષ્ટિનો શંખનાદ છે. પ્રકૃતિનો નુપુરનાદ છે. સર્જન પણ છે અને સંહાર પણ. સમય ઉર્જા છે, પૂજા છે. સમય દરિયો ભરીને મજાની મિજબાની પણ કરાવે છે અને સજા ફટકારતાં પણ અચકાતો નથી. સમય બ્રહ્માંડનો નિનાદ છે એક મનથી બીજા મનનો વિવાદ છે અને સમજણ અને સૂરનો સંવાદ છે અને સમયથી સમયનો સંગમ પણ છે. ઘેઘૂર વડલાની ડાળે બાળક હીંચકે ઝૂલીને આંદોલનની આહલાદકતા માણે એ પણ સમય અને અડધો-પડધો માણસ સુખ અને દુઃખનુ એક આંદોલન પૂર્ણ કરતાં અથડાતો રહે, પછડાતો રહે એ પણ સમય. મૂળથી વિસ્તૃત તરફ પણ સમય જ લઈ જાય છે અને એ ધારે ત્યારે વિસ્તૃતથી શૂન્યની ગર્તામાં પણ ધકેલી દે છે. સૂરજને લાલધૂમ કરી ડુબાડવું અને એનાથી ઉભરતી કેસરી આભાઓથી રચાતાં મંડપમાં ધરતી અને આભનો હસ્તમેળાપ કરાવવો એ પણ સમયની જ કલા છે.

છોડ પર કળીનું ખીલવું અને કળીમાંથી ફૂલ અને ફૂલમાંથી મહેંકનું પ્રસરવું એ પણ સમયનું ગણિત છે પછી એ મહેંકનું દુર્ગંધમાં પરિણમવું અને ફૂલનુ મુરઝાવું- સડવું અને નામશેષ થઈ જવું એ પણ સમયનાં જ વણઉકેલ્યા દાખલાઓ છે. આમ, સમય ગણિત હોવા છતાં ગણિત નથી. જીંદગીની ભાષા શીખવતો હોવા છતાં એની પાસે શબ્દ નથી, અવાજ નથી. સન્નાટાની શાનમાં ભલભલાની શાન ઠેકાણે લાવી દે છે ભવિષ્યનું ભાથું બંધાવતો આ સમય ઇતિહાસમાં પરિવર્તિત થઈ જતો હોય છે. બે કિનારાને એક સેતુથી બાંધી બે-પાંચમિનિટમાં આખેઆખી નદી કે સમંદરને લાંધી જવું એ પણ સમય અને વચ્ચે થાંભલાને ભટકાય હંમેશ માટે અટકી જવું એ પણ સમયની જ વાત છે. બે કિનારાને બાંધી એક કરી દેતો સમય ક્ષણભરમાં બધું જ વેરવિખેર કરી નાખતા અચકાતો નથી. સમય ગતિ છે અને ગતિનું બીજુ નામ સ્થિરતા. અને, સ્થિરતાનું કામ કાચાં ઘડાને તાપમાં પકવી પાકાં ઘડા ઘડવાનું હોય છે એ પણ સમયની જ દેણ છે.

હું સમય સાથે હંમેશા હરીફાઈ કરતી. હંમેશા મને સમયની સાથોસાથ કરતાં પણ સમયની આગળ નીકળી જવાની ઘેલછા રહેતી. ‘જલ્દી કર’ ‘જલ્દી ચાલ’ ‘જલ્દી-જલ્દી’ જાણે મારાં જીવનમંત્રો હતા. કાર્યમાં આવતાં અલ્પવિરામો મને રૂચતાં ન હતા. જીવનનાં દરેક કાર્ય અને અધ્યાય વહેલાસર પતાવવું એ મારો સ્વભાવ અને વ્યક્તિત્વ પણ. એક સમયમાં અનેક કામો થવા જોઈએ એવો મારો આગ્રહ મારી જાત જોડે રહેતો. મને મારા ઘરમાંથી અને મિત્રવર્તુળમાંથી કહેવાતું “તારે જલ્દી-જલ્દી કરીને ક્યાં પહોંચવું છે? જરા ધીમી પડ. સમયને સમયનું કામ કરવા દે” મારા પતિ હેમંત મોદી હંમેશા મને ટોકતાં અને કહેતાં “દરેક કામને પોતાની નિયતિ હોય છે એને પોતીકો સમય હોય છે.”

સમય સાથેની પકડાપકડીની રમતમાં હંમેશા અવ્વલ રહેવાનો હું દાવો કરી શકતી હતી. સાંસારિક જવાબદારીઓ એક પત્ની, એક મા, એક વહુ, એક દીકરી, એક મોટી બહેન, એક મોટી ભાભી તરીકે મેં પુરેપુરી સભાનતા, નિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, ફરજનિષ્ઠા અને લાગણીનું સિંચન કરી મેં નિભાવી હતી. સાસરાપક્ષમાં વડીલોની જવાબદારી હવે ન હતી. મામેરાંઓની જવાબદારી પણ ખૂબ જ તન, મન, ધનથી નિભાવી હતી. દીકરી પણ ડોક્ટર થઈ ગઈ હતી. સારાં ઘરે પરણીને ઠરીઠામ થઈ ગઈ હતી. ચાર પાંદડે સુખી કહેવાય એવું બધું જ લગભગ મેળવી લીધું હતું. હવે ફક્ત દીકરા પર્જન્યની જવાબદારી બાકી હતી એ પણ હવે પુરી થવાનાં આરે હતી. આ હવે એની છેલ્લી એકઝામ હતી. એને મનગમતી બ્રાંચમાં એડમિશન મળી જાય એટલે હું મારા તમામ સામાજિક ફરજોમાંથી મુક્ત થવાની અણી માથે હતી. મેં ઘરમાં મારી ઈચ્છા પ્રગટ કરી હતી કે “મેં મારી પુરેપુરી નિષ્ઠાથી તમામ જવાબદારીઓ નિભાવી છે હવે પર્જન્ય ઠરીઠામ થાય એટલે હું મારી જાત સાથે જીવીશ. મારી અધૂરી ઈચ્છાઓ, મારાં અધૂરાં શોખ પૂરાં કરીશ. મારે નિજાનંદમાં રહેવું છે, હવે મારે જીવનને માણવું છે, પ્રકૃતિનાં ખોળાં ખુંદવા છે, કુદરતનાં હિંચકે મનગમતાં ગીતો ગાવા છે.’ અને મને ઘરમાંથી કહેવામાં આવ્યું “ડન”. તારે જે કરવું હોય તે કરજે તને બધી છૂટ છે.”

પણ, ભગવાનને ક્યાં બધાંની ખુશી ગમે જ છે! એને મન તો એક પાંદડું ઉગાડવું અને એક પાંદડું ખેરવવું રમત માત્ર છે.

સમયને સમય પહેલાં પકડી લેવાનો મારો સ્વભાવ મને જ ભારે પડ્યો. તે દિવસે સમયે મને પકડી લીધી. એ દિવસે સમયે મને સામી છાતીએ થપ્પો દીધો. એનાં થપ્પાનાં મારથી હું ધૂળ ચાટતી થઈ ગઈ. એ સમય હતો ૨૭ એપ્રિલ ૨૦૧૯ બપોરે લગભગ ૧.૩૦ વાગ્યાનો. એ સમયે મને ફૂટબોલની જેમ ફંગોળી અને મારું આખું આયખું અને અસ્તિત્વ જમીનદોસ્ત કરી દીધું. સમયે સમયને પુરવાર કરી દીધો એની દસ્તાવેજી મ્હોર મારા પર લગાવી દીધી મારે એને સમર્પિત થયા વિના કોઈ ઉપાય બચ્યો ન હતો. એ તો અદાકારની અદાથી ચાલતો રહ્યો, નિરંતર ચાલતો રહ્યો, સતત ચાલતો રહ્યો. પણ... પણ, મારી આશાઓ, મારા ઉમંગો, મારી મહત્વકાંક્ષાઓ, મારી અભિલાષાઓ બધું જ થંભાવતો ગયો. એ કશું બોલ્યો નહિં. ખામોશ રહ્યો પણ એની ખામોશીનાં સન્નાટામાં મારી જીંદગી હચમચી ગઈ.

આમ, અચાનક ક્ષણભરમાં બધું જ બદલાય ગયું. મારો રસ્તો, મારી મંઝીલ, હવાની રૂખ બધું જ બધું. સમયે કરવટ બદલી નાંખી હતી. આમ, તો જીવન કંઈ સરળ રહ્યું ન હતું. સમયને બદલાતાં મેં અનેકવાર જોયો છે એની થાપટ પણ ખાધી છે અને બીજાંને ખાતાં પણ જોયા છે. પરંતુ આ વખતે સમય એનાં ધીમા પગલે અને અદશ્ય વિકરાળ સ્વરૂપ ધારણ કરીને અને જોજનો દૂર કાન સળવળી ઉઠે એવાં ભય પમાડે તેવાં અવાજે આવ્યો હતો. ગગનભેદી એક આંચકાથી બધું જ ક્ષણભંગુર થઈ ગયું.