CHARACTERLESS - 21 - Last Part in Gujarati Fiction Stories by Parth Kapadiya books and stories PDF | CHARACTERLESS - 21 - Last Part

Featured Books
Categories
Share

CHARACTERLESS - 21 - Last Part

Characterless

ગતાંકથી ચાલુ......

 

                    વીસમાં ભાગમાં તમે જોયું કે મેં રાહુલને મારો વિચાર જણાવ્યો એના પછી નિખિલ-કાવ્યા જોડે મારી વાત થાય છે અને બીજા દિવસે જાણવા મળ્યું કે પ્રવાસ દસ દિવસ પછી છે. ત્યારબાદ સુરજને ભાન આવે છે, હું અને રાહુલ સાથે મળીને એક યોજના બનાવીએ છીએ અને અંતે ચાર દિવસ પછી સુરજ અમને સરલ વિશેની આખી વાત જણાવે છે જે અમને હચમચાવી દે છે. હવે જોઈએ આગળ શુ થશે ?

                    પોતાનો દોસ્ત જ આવો નીકળશે તેથી મને બહુ જ ગુસ્સો આવ્યો અને મેં રાહુલને કહ્યું કે બધાને ફોન કરીને હોસ્પિટલમાં બોલાવી લે, આપણા ગ્રુપનું કોઈ જ વ્યક્તિ બાકી ના રહેવું જોઈએ.અને રાહુલ અને સુરજને જણાવ્યું કે હવે આપણે આગળ શુ કરીશું પછી મેં કહ્યું બધા આવે ત્યાં સુધી હું બહાર જઈને આવું એક મહત્વનું કામ પૂર્ણ કરવાનું છે, રાહુલે કહ્યુ શું કામ છે ભાઈ ? મેં કહ્યું આપણી યોજનાનો બીજો ભાગ અમલમાં લાવવાનો છે દોસ્ત, આ શબ્દો પરથી રાહુલ સમજી ગયો અને હું બહાર નીકળ્યો.


થોડીવાર પછી..............

                    મેં સુરજના રૂમની અંદર પ્રવેશ કર્યો, અને જોયું તો બધા મિત્રો ત્યાં હાજર જ હતા. જેમાં નિખિલ, કાવ્યા, સાગર અને સરલનો સમાવેશ થતો હતો. બધા બહુ જ ખુશ જણાતાં હતા કારણ કે, સુરજ ભાનમાં આવી ગયો હતો. હું સુરજની નજીક ગયો ત્યાં રાહુલ બેઠેલો જ હતો અને સામેની બાજુમાં નિખિલ, કાવ્યા, સાગર અને સરલ ઉભા હતા. મેં રાહુલને કહ્યું દોસ્ત ! હવે દોસ્તી અને સત્ય સામે લડવાનો સમય આવી ગયો છે. રાહુલે કહ્યું હા ભાઈ હું તારી સાથે જ છું.

                    મેં બધાને સંબોધીને કહ્યું મારા પરમ મિત્રો સુરજને ભાન આવી ગયું અને પહેલાની જેમ એકદમ ઠીક થઈ ગયો એ આપણા માટે બહુ જ ખુશીની વાત છે પરંતુ ? ત્યાં જ નિખિલ બોલ્યો, પરંતુ શું ? મેં કહ્યું બીજી એક વાત પણ બધાની સમક્ષ જણાવવી છે. નિખિલે કહ્યું જણાવ ભાઈ શું કહેવું છે.

                    મેં બધાને કહ્યું હું સાગર અને સરલની વાત કરવાનો છું. અને ત્યાં જ સાગરે કહ્યું ભાઈ ! હવે કંઈ બાકી રહ્યું છે જે તારે જણાવવું છે ? તારા કારણે આમેય સરલ દુઃખી છે એટલે હું નથી ઈચ્છતો કે તું એના વિશે એક શબ્દ પણ બોલે ! અને સરલે કહ્યું; સાગર તું કોને સમજાવી રહ્યો છે જેને એ પણ ખબર નથી કે દોસ્તી એટલે શું ? બહુ જ શાંતિથી આ બંનેની હું વાત સાંભળી રહ્યો હતો.

                    રાહુલે કહ્યું સરલ ! કંઈપણ બોલતા પહેલા દસવાર વિચાર કરી લેવો પછી એવું ના થાય કે પોતાના જ શબ્દો પોતાને સાંપની જેમ ડંખે. આ શબ્દો સાંભળી સાગર-સરલ બંનેએ મોં બગાડયુ, ગુસ્સો તો મને પણ આવી રહ્યો હતો બંનેના શબ્દોથી પરંતુ મેં એના પર કાબુ રાખ્યો.

                    ત્યાં જ કાવ્યા બોલી બધા જ ચૂપ થઈ જાઓ આપણે સુરજને મળવા આવ્યા છીએ ઝઘડવા નહીં બરાબર ! અને હા સાગર અને સરલ આકાશ કંઈક કહેવા માંગે છે તે સાંભળો તો ખરી પહેલા ? નિખિલે પણ આ વાત માટે સંમતિ દર્શાવી અને કાવ્યાએ મને કહ્યું બોલ આકાશ શું કહેવું છે ?

                    મેં સાગરની સામે જોઈને કહ્યું સાગર ! હું પૂછું એનો સાચે સાચો જવાબ આપજે બરાબર, સાગરે આશ્ચર્ય સાથે કહ્યું હા બોલ ! મેં કહ્યું તું સરલને સાચો પ્રેમ કરે છે કે નહીં ? સાગરે કહ્યું આ કેવો પ્રશ્ન છે ! પણ હા હું સરલને સાચો પ્રેમ કરું છું. આ પ્રશ્ન સાંભળી બધાને નવાઈ તો લાગી જ અને સરલ મારી સામે ગુસ્સાભરી નજરે જોવા લાગી.

                    મેં કહ્યું જો સાગર તારો સાચો પ્રેમ એ સરલની જિંદગી બરબાદ કરવી એ તો નથી ને ? આટલું બોલ્યો ત્યાં તો સરલે કહ્યું બસ આકાશ બસ ! તને ભાન છે તું શું બોલી રહ્યો છે ? મેં સરલની સામે જોયું અને કહ્યું એકદમ ચૂપ ! તું એકપણ શબ્દ ના બોલતી હવે હું વાત કરી રહ્યો છું. પછી મેં કાવ્યાને કહ્યું આને સમજાવ કે થોડીવાર માટે ચૂપ રહે.

                    મેં આગળ ઉમેર્યું બોલ સાગર હજી સુધી તે મને જવાબ ના આપ્યો, સાગરે કહ્યું તું શું બોલી રહ્યો છે એ જ મને સમજણ નથી પડી રહી. તારી તબિયત ખરાબ થઈ ગઈ લાગે છે. મેં કહ્યું સાગર ! મારી તબિયત તો એકદમ સરસ છે અને મારુ એમ કહેવું છે કે, તને જેટલી જલ્દી સમજણ પડે એટલું સારું.  કારણ કે; હું બધું જ જાણું છું તેથી જરાય પણ જૂઠું બોલવાનો પ્રયત્ન ના કરતો. અને તને ફરીથી કહું છું કે હા હું બધું જ જાણું છું કે તારો સરલ માટેનો પ્રેમ કેવો છે.

                    સાગર ગુસ્સામાં આવી ગયો અને જવા લાગ્યો ત્યાં જ સુરજ બોલ્યો સાગર ! અને ત્યાં સાગર તરત જ સુરજ પાસે આવ્યો અને કહ્યું કે બોલ ભાઈ ! સુરજે કહ્યું તુ શાંતિથી આકાશના પ્રશ્નોનો જવાબ આપ કારણ કે, તારી સચ્ચાઈ હું પણ જાણું છું ! અને આ સાંભળી સાગર થોડો ગભરાઈ ગયો અને કહ્યું કે સચ્ચાઈ !

                    સુરજે કહ્યું તું તારી જગ્યાએ ઉભો રહીજા. પછી આગળ વાત અને સાગર એકપણ શબ્દ બોલ્યા વગર સામે જઈને ઉભો રહ્યો. મેં કહ્યું સાગર ! તું મારો દોસ્ત છે એટલે તને હજી પણ કહું છું કે, સરલ માટેનો પ્રેમ એ તારું નાટક હતું કે નહીં ? સાગર હજી પણ માનવા તૈયાર નહોતો અને બોલ્યો ભાઈ તમે શું વાતો કરો છો મને એ જ સમજાતું નથી !

                    મેં કહ્યું હવે સમજાશે અને હું થોડા ઊંચા અવાજે બોલ્યો મિલન ! અને ત્યાં જ મિલન એક વ્યક્તિને અંદર લઈને આવ્યો, અને એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વિજયભાઈ હતા. સાગર તરત જ વિજયભાઈ પાસે ગયો કારણ કે, વિજયભાઈને બરાબરનો મેથીપાક ચખાડવામાં આવ્યો હતો, એમની આંખો પણ સુજી ગઈ હતી. સાગરે કહ્યું કે ભાઈ ! કોને તમારી આવી હાલત કરી અને એણે ગુસ્સામાં મિલનનો કોલર પકડયો અને ત્યાં જ હું બોલ્યો સાગર ! વિજયભાઈની આ હાલત મેં કરી છે. અને આ સાંભળી બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા અને સાગર મારી પાસે આવ્યો અને મારી પર હાથ ઉપાડવા જતો જ હતો અને ત્યાં જ રાહુલ બોલ્યો આકાશ પર હાથ ઉપાડતા પહેલા પૂછીશ નહીં એને કે કેમ તારા ભાઈને માર્યો ?

                    મેં કહ્યું સાગર તારે કંઈ બોલવું ના હોય તો વિજયભાઈ છે જ ! અને મેં વિજયભાઈની સામે જોઈને કહ્યું તમે બધાની સામે સાચું બોલી જાઓ નહીં તો રાહુલના કાકા પોલીસમાં જ છે તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું અને હા મારી પાસે તમારા વિરોધમાં એક સબૂત પણ છે.

                    હવે સાગર થોડો ગભરાઈ ગયો હતો અને ત્યાં જ સરલ બોલી આકાશ આ બધું શું છે; તું સાબિત શું કરવા માંગે છે ? મેં કહ્યું સરલ ! સાગરે કંઈ તને સાચો પ્રેમ કર્યો જ નથી એ તો એણે તને બરબાદ કરવા માટે પ્રેમનું નાટક કર્યું. હવે શું કારણ હતું એ તો સાગર અને વિજયભાઈ જાણે જ છે.

                    વિજયભાઈ ! શાંતિથી બધું જ જણાવજો અને જરાય પણ જૂઠું બોલતા નહીં બરાબર. વિજયભાઈ આમેય ડરી ગયા હતા. કારણ કે, મેં એમને મેથીપાક ચખાડયો હતો. દિલથી કહું તો મને પણ આ બધું સારું નહોતું લાગ્યું પરંતુ મારી જોડે એકેય વિકલ્પ નહોતો.

                    વિજયભાઈએ કહ્યું હા એ વાત સાચી છે કે સાગરે સરલને સાચો પ્રેમ નહોતો કર્યો. આ અમારી યોજનાનો એક ભાગ હતો, આ સાંભળી બધા જ લોકો સ્તબ્ધ થઈ ગયા અને સાગર નીચે મોઢું રાખીને ઉભો રહ્યો. મેં કહ્યું સરલ ! તારી બેનની હાલત માટે પણ આ બંને ભાઈઓ જ જવાબદાર છે, સરલ પૂતળું બનીને આ બધું સાંભળી રહી હતી.

                    વિજયભાઈએ કહ્યું "લલિત" જેણે સમીક્ષા પર એસિડ અટેક કર્યું એ અમારો દોસ્ત હતો એનો બદલો લેવા માટે અમે આખું ષડયંત્ર રચ્યુ જેમાં અમે સરલની જિંદગી બરબાદ કરી શકીએ. મેં વિજયભાઈ સામે જોઈને કહ્યું મેં તમને કહ્યું હતું કે જૂઠું ના બોલતા લલિત તમારો દોસ્ત નહીં પણ ભાઈ છે તમે ષડયંત્ર કરી શકો છો તો અમે પણ અમારી યોજના પાર પાડી છે અને હા દોસ્ત માટે કોઈ આટલું મોટું પગલું ના ભરે !

                    પછી મેં ઉમેર્યું લલિત એ સાગરના ફઈનો છોકરો છે અને આમ જોવા જઈએ તો સગો ભાઈ ! કાવ્યાએ કહ્યું મતલબ. મેં કહ્યું વિજયભાઈની ફઈને કોઈ સંતાન નહોતું અને જયારે વિજયભાઈ નાના હતા ત્યારે એમના ઘરે લલિતનો જન્મ થયો હતો અને વિજયભાઈના પપ્પાએ વિચાર્યું કે એમની બહેનને એકપણ સંતાન નથી એટલે લલિતને એમણે પોતાની બહેનને પુત્ર તરીકે સોંપીને બહુ જ સરસ કાર્ય કર્યું. અને ત્યારબાદ સાગરનો જન્મ થયો આ બધી વાત અમે છેલ્લા ૪ દિવસમાં જ જાણી છે કારણ કે, હું અને રાહુલ લલિતના ઘરે ગયા હતા અને આ વાત લલિતની મમ્મીએ જણાવી. અમને ઘણી વાતો તમારા વિરોધમાં કડી રૂપે મળી પરંતુ સબૂત નહોતું.

                    વિજયભાઈ આ લલિત તમારો ભાઈ છે એ વાત સાચીને ? એમણે કહ્યું હા. ત્યાં અચાનક જ નિખિલ બોલ્યો ભાઈ મારે ફોન આવે છે તેથી મારે જવું પડશે તો રાહુલે કહ્યું બધું જ પછી અને આ વાત ચાલી રહી છે અને તું ! પછી નિખિલ શાંતિથી ઉભો રહ્યો.

                    મેં કહ્યું બોલો વિજયભાઈ ! વિજયભાઈએ કહ્યું; લલિત સમીક્ષાને બહુ જ પ્રેમ કરતો હતો બંને લગ્ન પણ કરવાના હતા અને એક દિવસ અચાનક જ સમીક્ષાએ લલિતને લગ્ન માટે ના કહ્યું. આ બાબતથી લલિત દુઃખી થઈ ગયો, લલિતે બહુ જ પ્રયત્નો કર્યા પરંતુ સમીક્ષા ના જ માની અને એણે દગો કર્યો જેથી લલિતે એના પર એસિડ અટેક કર્યો. અમે બધા આ વાત સાંભળી રહ્યા હતા ફક્ત એક અજંપાની લાગણી સાથે !

                    મેં ઊંડો શ્વાસ લીધો અને વિજયભાઈની આગળ ઉભો રહ્યો, એમના બંને ખભા પર હાથ મૂકીને કહ્યું તમને ખબર છે સત્ય શું છે તો સાંભળો હું તમને જણાવું. તમે કહ્યું લલિતે પ્રયત્નો કર્યા ? પરંતુ એમના પ્રયત્નો એ જ હતા કે સમીક્ષા તે મને પ્રેમ કર્યો તો તારે લગ્ન કરવાના જ ! મેં ધીમા અવાજે એ ઉમેર્યું આ પ્રયત્નો હતા વિજયભાઈ જણાવો મને, અને હા એકવાર પણ લલિતે એ જાણવાનો પ્રયત્ન કર્યો જ નહીં કે અચાનક સમીક્ષાદીદીએ કેમ ના પાડી. એ કહેવા માંગતા હતા પરંતુ એ બાબત લલિતે સાંભળી જ નહીં કે સમીક્ષાદીદીની મમ્મી વાંધો ઉઠાવે છે કારણ કે, લલિત એમના ગામનો જ હતો. માટે એ વખતે લલિતે ધીરજ સાથે કામ લેવાની જગ્યાએ દીદીને દગાખોર સમજ્યા અને એસિડ અટેક કર્યો.

                   શા માટે ? પરંતુ કેમ ? હું ઊંચા અવાજે બોલ્યો કે વિજયભાઈ અને સાગર મને જણાવો કે શું મળી ગયું લલિતને એસિડ અટેક કરીને, તમને હું શું સમજાવું હવે તમે પણ આ બાબતને વખોડી જ નહીં. તમને ખબર છે પીડિતા રોજ એવું વિચારતી હશે કે "આ શું થઈ ગયું ?" બહુ જ કહેવું હતું તોપણ પછી મેં વિજયભાઈને કહ્યું આગળ બોલો હવે.

                   વિજયભાઈએ કહ્યું લલિત જેલમાં ગયો એટલે એનો બદલો લેવા માંગતા હતા અને એક દિવસ સાગર સરલ અને આકાશને દોસ્ત ગાર્ડનમાં જોઈ ગયો અને એમની બધી જ વાત સાંભળી જેમાં એને ખબર પડી કે સરલ એ સમીક્ષાની બહેન છે. પછી અમે વિચાર્યું અમારા ભાઈ સાથે આવું થયું તો એનો બદલો અમે સરલ જોડે લઈશું.

                   વિજયભાઈએ ઉમેર્યું સાગરે એક યોજના બનાવી જેમાં સરલ જોડે પ્રેમનું નાટક કરવાનું અને એ વખતે આકાશ અને સરલની દોસ્તીની શરૂઆત જ હતી. સાગરને ખબર હતી કે આકાશ ભોળો છે એટલે એની જાણમાં જ સાગર સરલની નજીક આવ્યો જેથી આકાશને સાગર પર શક ના પડે. ત્યાં જ સાગર બોલ્યો વિજયભાઈ ! રાહુલે કહ્યું શાંતિથી ઊભો રે મિત્ર તારે કંઈ જ બોલવામાં જરૂર નથી અને રાહુલે ઉમેર્યું વિજયભાઈ તમે બોલવાનું ચાલુ રાખો.

                   વિજયભાઈએ કહ્યું; પછી અમે એક દિવસ નિખિલની સોસાયટીની બાજુમાં એક રૂમ છે ત્યાં હું, સાગર અને મેહુલ ભેગા થયા હતા. મેહુલ એ લલિતનો ખાસ દોસ્ત છે. મેં કહ્યું આ એ જ દોસ્તને જેમણે હોસ્પિટલમાં સમીક્ષાદીદીની જોડે દુર્વ્યવહાર કર્યો હતો અને સાથે સાથે એમને મારવાનો પ્રયત્ન કર્યો હતો, વિજયભાઈએ કહ્યું આકાશ ! એ મારવાનો નહોતો ફક્ત ડરાવવા માટે જ કર્યું હતું. મેં કહ્યું વિજયભાઈ તમને અને મેહુલને હું હોસ્પિટલમાં જોઈ ગયો હતો અને શક તો તમારી પર કલેક્ટર કચેરીના સમયે જ હતો કે કંઈક તો રંધાઈ રહ્યું છે અને હા તમારા રૂમની વાત આ મારા દોસ્ત સુરજે સાંભળી લીધી હતી જેમાં તમે સરલને બરબાદ કરવાની યોજના બનાવતા હતા. સુરજે તમારી રૂમમાં થયેલી ચર્ચાનો વિડીયો ઉતાર્યો હતો વિજયભાઈ, મેહુલનો ચહેરો મેં જોયો હતો અને મને વિચાર આવ્યો કે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડલિસ્ટમાં હશે જ ! અને ત્યાં જ સાગરની આઈડીમાંથી અમે મેહુલની જાણકારી મેળવી, અને એનો ફોટો સમીક્ષાદીદીને બતાવ્યો અને જયારે સુરજે અમને રૂમની વાત કહી ત્યારે એને પણ ફોટો બતાડયો જેથી અમારો શક સાચો પડયો.

                   હું બોલી રહ્યો હતો ત્યાં અચાનક જ સિસ્ટર આવ્યા અને એમણે કહ્યું કે દર્દીને ઈન્જેકશન આપવાનું છે મેં કહ્યું બરાબર. એ વખતે મેં જોયું તો સાગર નીચે મોં રાખીને ઉભો હતો નિખિલ અને કાવ્યા સાગર સામે જોઈ રહ્યા હતા. અને સરલ એ તો જાણે હમણાં જ રડી પડશે. હાલ બહુ જ તંગ વાતાવરણ હતું, ઈન્જેકશન આપીને સિસ્ટર ગયા.

                   મેં કહ્યું બોલો વિજયભાઈ ! પછી એમણે કહ્યું અમે દર્દીની માહિતી લેવાની છે એમ કહીને ત્યાં વધારે ઉભા રહ્યા કારણ કે અમને એમ કે સમીક્ષા કોઈને કંઈ જણાવી દેશે તો ? મેં કહ્યું અને એ વખતે જ હું તમને જોઈ ગયો હતો હવે મને ખબર પડી કે કાંડ કરીને પણ કેમ તમે બંને ઉભા રહ્યા હતા.

                   મેં ઉમેર્યું આગળની યોજના જણાવો ? વિજયભાઈએ કહ્યું ત્યારબાદ ધીમે ધીમે સાગર સરલની નજીક ગયો અને યોજના પ્રમાણે સાગર સરલને આકાશના વિરોધમાં બધું જણાવવા લાગ્યો, આકાશનું ખરાબ ચરિત્ર સરલ સામે રજુ કર્યું અને ફાયદો એ થયો કે સરલ બધું માની પણ ગઈ અને એણે આકાશ જોડે બોલવાનું ઓછું કરી દીધું. અમે એવા સમયની રાહ જોતા હતા જેમાં બધા વિદ્યાર્થીઓ થોડા દિવસ બહાર હોય અને ત્યાં જ તમારી કોલેજમાં પ્રવાસનું આયોજન થયું. સરલનું ફ્રી માઈન્ડેડ રહેવું એ અમારા માટે ફાયદાકારક સાબિત થયું અને યોજના પ્રમાણે સાગરે નિખિલને કહ્યું કે તું, મેં કહ્યું એક મિનિટ નિખિલ ! એટલે તમે શું કહેવા માંગો છો ? વિજયભાઈએ કહ્યું નિખિલ પણ અમારી સાથે જ હતો. આ સાંભળી હું....... શું બોલું હું ? નિ:શબ્દ થઈને મેં નિખિલ સામે જોયું અને કહ્યું નિખિલ ! વિજયભાઈ બોલ્યા એ સાચી વાત છે ? નિખિલે ગભરાતા ગભરાતા કહ્યું અરે હું આમાં ક્યાંથી આવ્યો શું બોલો છો વિજયભાઈ ? ત્યાં જ સાગર બોલ્યો નિખિલ પણ અમારી સાથે હતો.

                    આ સાંભળીને તો કાવ્યા રડવા જ લાગી. મને તો સમજાતું જ નહોતું શું થઈ રહ્યું છે આ ? મેં નિખિલની સામે જોઈને કહ્યું કેમ યાર ? મારુ હૃદય ભરાઈ ગયું હતું. મેં હિમ્મત એકઠી કરીને વિજયભાઈને કહ્યું આગળ બોલો ! વિજયભાઈએ કહ્યું સાગરના કહેવા પ્રમાણે નિખિલે તને કહ્યું કે સરલને સમજાવ અને સરલના મનમાં તો સાગરે એ રીતે તારા (આકાશ) વિરોધમાં બીજ વાવેલા ટૂંકમાં તને જ characterless સાબિત કરી દીધેલો જેથી તું એને સમજાવવા ગયો અને સરલે તને જ થપ્પડ મારી દીધી. જેનાથી આખા ક્લાસમાં આકાશની ઈજ્જત ગઈ. (આ બધું હું સાંભળી રહ્યો હતો યાર !) અને એના અનુસંધાનમાં જ નિખિલ અને સાગરે ક્લાસમાં એવી અફવા ફેલાવી દીધી કે સરલને આકાશ પ્રેમ કરતો હતો તેથી પોતાના દિલની વાત કહી અને આકાશે પ્રેમ માટે દબાણ કર્યું એટલે એને થપ્પડ મારી, હવે સરલને કંઈપણ થાય તો નામ આકાશનું જ પડે એ યોજના સફળ રહી.

                    વિજયભાઈએ ઉમેર્યું યોજનાના બીજો ભાગ પ્રવાસ હતો. જેમાં બધા હોટલમાં રોકાવાના હતા અને એમાં જ તક મેળવીને સરલ જે રૂમમાં હશે એ રૂમના બાથરૂમમાં સાગર એક રિમોટ કેમેરો ફિટ કરી દેશે, સાગર તો સરલનો બોયફ્રેન્ડ હતો એટલે એને સરલના રૂમમાં જવામાં પણ વાંધો ના આવત. પછી કેમેરા દ્વારા એના ફોટા...... મેં કહ્યું બસ ! અને હું એટલું કહીને સ્ટુલ પર બેસી ગયો. પછી વિજયભાઈએ કહ્યું ત્યારબાદ એ ફોટા નિખિલ વાયરલ કરી દેત, નિખિલ પાસે એક એપ્લિકેશન છે જે એને હેક કરેલી છે જેથી ખબર પણ ના પડે કે કોને ફોટા વાયરલ કર્યા. અને આ યોજના સફળ થાય તો નામ આકાશનું જ આવે. કારણ કે, આકાશ-સરલનો ઝગડો અને અફવા. આ રીતે સરલ બદનામ ! અને સમાજ તો એને characterless સાબિત કરી જ દેવાનો. જે હતું એ તમને જણાવી દીધું આકાશ ! મહેરબાની કરીને પોલીસને ના બોલાવતો. 

                     વિજયભાઈના શબ્દો સાંભળી લીધા પછી મારી પાસે કંઈ જ શબ્દો ન હતા. જે હું બધાની સમક્ષ જણાવું. જોયું તો સરલ ઉભી છે આંખમાં આંસુ લઈને, કાવ્યા રડી રહી છે અને નિખિલ-સાગર મોં નીચું રાખીને ઉભા છે. 

                     હું નિખિલ પાસે ગયો અને કહ્યું કેમ ભાઈ ? પરંતુ કેમ ? કેમ આવું કર્યું તે ! નિખિલે કહ્યું; દોસ્ત ગાર્ડનમાં કાવ્યા જોડે વૉટ્સએપ બાબતે ઝઘડો થયો હતો. જેમાં હું તને બોલ્યો હતો ત્યારબાદ હું ઘરે જતો હતો અને રૂમ આગળથી નીકળ્યો ત્યાં મને સાગર દેખાણો જેથી હું ત્યાં પહોંચી ગયો. જેમ સુરજ રૂમની બહાર સાંભળતો હતો એ રીતે હું બીજી બાજુમાં હતો પરંતુ મને ખબર નહોતી કે સુરજ ત્યાં છે. ટૂંકમાં અમને બંનેને ખબર નહોતી. એમની વાત સાંભળી મેં વિચાર્યું કે સરલને મેળવવા માટે સાગરની સાથે જોડાઈ જઉં. 

                     નિખિલે ઉમેર્યું સરલ મને પસંદ હતી તેથી મેં સાગરનો સાથ આપ્યો અને સાગરની જોડે એમ જૂઠું બોલ્યો કે સરલના પપ્પાના કારણે અમારા ઘરની બદનામી થઈ હતી. અને ફોટા વાયરલ કરી દેત તો તું તો ફસાવાનો જ હતો. પરંતુ તારે પ્રવાસમાં જ આવવાનું ના થયું એટલે અમે સરને અમારી રીતે મનાવીને ૧૦ દિવસ પછી જવાનું નક્કી કર્યું જેથી તું આવી શકે, તું ના હોય તો તારું નામ જ ના આવે ને ! તું પ્રવાસમાં આવે તો યોજના સફળ. પછી ગમે તે રીતે હું મારી યોજના દ્વારા સરલને એમ જણાવત કે સાગર એ લલિતનો ભાઈ છે જેથી સાગર પણ સરલથી દૂર અને અંતે હું સરલને મારી રીતે મારા જીવનમાં લાવી દેત. એટલા માટે તો મેં બીજો અલગ મુદ્દો ઉભો કરીને કાવ્યા જોડે ઝઘડો કરી દીધો અને એની સાથે બ્રેકઅપ કરી નાખ્યું. સાગર આંખો ફાડીને નિખિલ સામે જોઈ રહ્યો હતો કારણ કે, એની જ યોજનામાં શામેલ નિખિલ છેલ્લે એની સાથે જ દગો કરવાનો હતો. સાગરે કહ્યું પોલીસ ?

                     રાહુલે કહ્યું અમારી પાસે એકપણ વિડીયો નથી પરંતુ સચ્ચાઈ બહાર લાવવા આ પોલીસ અને વિડીયોનું નાટક કર્યું હતું. પણ હા આ રૂમમાં તમે જે વાત જણાવી એનો વિડીયો બની ગયો છે ! છેલ્લા ૪ દિવસમાં અમે સમીક્ષાદીદી, લલિત (જેલમાં) અને એની મમ્મીને પણ મળ્યા અને નસીબ એવા કે સુરજ ભાનમાં આવી ગયો અને એણે રૂમવાળી વાત કરી જેનાથી એ કડી અમે અમારી યોજનામાં જોડી શક્યા. મિલનને પણ અમારી યોજનામાં શામેલ કરેલો એ સાગર પર નજર રાખી શકે એટલા માટે ! પરંતુ અમને મેહુલ ના મળ્યો, સાગરે કહ્યું એ અમારા જ સંપર્કમાં નથી.

                     મેં વિચાર્યું આ બધા મારા શાળાના જ મિત્રો છે ! પછી કાવ્યા સામે જોયું અને કહ્યું એટલે તું મને મારા ઘરે મળવા આવી ત્યારે નિખિલે બધું નહોતું જણાવ્યું ? તો કોને જણાવ્યું હતું કે કોલેજમાં આ ઘટના બની, તો કાવ્યાએ કહ્યું; મને સોનલે જણાવ્યું હતું. મેં વિચાર્યું મારા બ્રેકઅપ વિશે સાંભળીશ તો તું આમેય દુઃખી છે અને તને વધારે દુઃખી નહોતી કરવા માંગતી પરંતુ મેં સપનામાં પણ એમ નહોતું વિચાર્યું કે નિખિલે આ કારણે મારી સાથે બ્રેકઅપ કર્યું 

                    જીવનની સચ્ચાઈ આટલી ખતરનાક હશે એ કોઈ દિવસ નહોતું વિચાર્યું. રાહુલ બોલ્યો સાગર, વિજયભાઈ અને નિખિલ તમને ખબર છે તમે શું કર્યું ? સાગર અને નિખિલ તમે સરલને characterless સાબિત કરવાની યોજનામાં આકાશને પણ characterless સાબિત કરી દીધો. ! જુઓ તમે આકાશ અને સરલના ચહેરાને. અને નિખિલ કાવ્યા જેવી સરસ છોકરીને તે ખોઈ દીધી.

                    સુરજે મને કહ્યું ભાઈ ! કંઈ કહેવુ છે તારે તો બોલી જા તારી આંખો ભરાઈ ગઈ છે યાર. મેં કહ્યું શું બોલુ ભાઈ તું મને જણાવ શું બોલુ. હું સ્ટુલ પરથી ઉભો થયો અને બોલ્યો સાગર-નિખિલ આપણે તો સ્કૂલના મિત્રો હતાને યાર ! તમને ખબર છે મારે કોઈ ભાઈ-બહેન નથી તો મારી મમ્મી મને હંમેશા કહેતી હતી કે, તારા પાક્કા મિત્રો જ તારા ભાઈ છે.

                    એકની તો જિંદગી બરબાદ થઈ ગઈ હતી અને તમે બીજી છોકરીની જિંદગી બરબાદ કરવા જઈ રહ્યા હતા. તમને ખબર છે છોકરીનું સૌથી મોટું ઘરેણું શું હોય છે ? એનું ચરિત્ર ! ઈશ્વરની બહુ જ સરસ રચના છે સ્ત્રી ઉદાહરણ તરીકે આપણી મમ્મીને જ લઈ લો. અને આજે એમ પણ ઉમેરીશ કે છોકરાઓને પણ દર્દ થાય છે યાર. ત્યાં જ રાહુલ બોલ્યો આખા ક્લાસની વચ્ચે આકાશની ઈજ્જત ગઈ અને તમે લોકોએ અફવા પણ ફેલાવી ખબર છે શું વીતી હશે એના પર !

                    હું નિખિલ પાસે ગયો અને કહ્યું દોસ્ત ! તમે તો પ્રેમની પરિભાષા જ બદલી કાઢી. લલિતને પ્રેમના મળ્યો એટલે એણે એસિડ-અટેક કર્યો, સાગરે પ્રેમનો સહારો લઈને છોકરીને characterless સાબિત કરવા માંગતો હતો, અને નિખિલ તું ! તારી પાસે પ્રેમ હતો તોપણ તે એની કદર કર્યા વગર બીજી છોકરીને મેળવવા... શું કહું બોલ તું મને જણાવ યાર કેમ આવું !

                    પછી હું સરલ પાસે ગયો જે એક પૂતળાની જેમ જ ઉભી હતી એકદમ શાંત મેં એને કહ્યું સરલ ! હું તો તારો દોસ્ત હતો ને યાર ! કેમ મારી પર ભરોસો ના કર્યો ? અને હા હું તને પ્રેમ કરું છું પરંતુ દોસ્તીનો પ્રેમ. ફિલ્મી દુનિયાએ બધાના મગજમાં નાખી દીધું કે "લડકા ઔર લડકી કભી દોસ્ત નહીં હો સકતે" એકવાર પણ તને એમ ના લાગ્યું કે આકાશ મારા માટે એવી લાગણી રાખે ? કેમ યાર દોસ્તીનો એટલો હક નહોતો કે તારા માટે એ કંઈક કહી શકે કે એ હક પણ ફક્ત પ્રેમને જ મળ્યો છે એ જણાવ મને. આજે હું ચોખ્ખા શબ્દોમાં કહીશ છોકરા-છોકરી દોસ્ત હોઈ શકે છે, અને હા હું તારી મમ્મી વિશે એ દિવસે એમ કહેતો હતો કે એમના વિશે જેમ લોકો ખોટું વિચારે છે એ રીતે તારા પર પણ લોકો એમ વિચારશે.

                    સરલે મારી સામે જોયું અને રડવા જેવી થઈ ગઈ, મેં બધાને સંભળાય એ રીતે કહ્યું મારે કોઈ ભાઈ-બહેન નથી પરંતુ મારા મોટા પપ્પાની એક દીકરી હતી જેમનું નામ ચેતના હતું. ચેતનાદીદી મને બહુ જ સારું રાખતા. મારી સાથે મસ્તી કરતા, મને રમાડતા આ વાત ૧૦ વરસ પહેલાની છે. એક દિવસ અમે એમના ઘરે ગયા હતા મેં કહ્યું દીદી જોડે રમવું છે મારે ! તો મેં મોટા મમ્મીની આંગળી પકડી અને એ મને એમના રૂમમાં લઈ ગયા અને ત્યાં અમે જોયું તો એમણે પોતાના દુપટ્ટાથી ફાંસો ખાઈ લીધો હતો. મને એ વખતે ખબર જ ના પડી કે આ શું થયું પરંતુ મેં સામેની દીવાલ પર જોયું તો ત્યાં લખેલું હતું "I am not characterless" મને તો આ શબ્દનો અર્થ પણ ખબર ન હતી યાર ! છેલ્લે મને જાણવા મળ્યું હતું કે એમને એક છોકરાએ ખોટી રીતે ફસાવીને characterless ................... અને આટલું બોલતા બોલતા મારી આંખો ભરાઈ ગઈ અને હું ત્યાં જ નીચે બેસી ગયો અને રડવા લાગ્યો, બહુ જ રડયો અને બોલ્યો કે મારા દીદી characterless નહોતા એ બહુ જ સારા હતા. અને એવામાં જ કાવ્યા મારી પાસે આવી અને મારા આંસુ લુછવા લાગી અને હું એને ગળે મળ્યો અને રડવા લાગ્યો. મારા દીદી બહુ જ સારા હતા કાવ્યા ! "સ્માઈલ પ્લીઝ" કહેતા એમને જ શીખવાડેલું મને. કાવ્યાએ કહ્યું શાંત થઈ જા, આકાશ પ્લીઝ શાંત થઈ જા.

                    હું ઉભો થયો અને આંસુ લૂછીને કહ્યું કે આ શબ્દ એ કેટલા લોકોની જિંદગી બરબાદ કરી નાખી એનો અંદાજો છે તમને લોકોને ? કોઈ છોકરી કે છોકરો characterless નથી હોતા એટલું બોલીને હું રૂમની બહાર જવા લાગ્યો ત્યાં જ સરલ અને નિખિલે મને બૂમ પાડી પરંતુ હું ઉભો ના રહ્યો અને ફટાફટ ત્યાંથી નીકળી ગયો.

                    આજે હું ૩ મિત્રોથી દૂર ફક્ત મારા આંસુઓ સાથે હતો અને આજે તો મારી સ્માઈલે પણ મારી સાથે દગો કર્યો.

 

 

સ્માઈલ પ્લીઝ
(દરેક સ્માઈલ પાછળ એક દર્દ હોય છે જો એ દર્દને સમજી શકો તો શાયદ જીવનની સાચી સ્માઈલ આવી જાય)

 

 

સમાપ્ત

 

 

વાચક મિત્રો માટે થોડાક શબ્દો


                    નમસ્કાર ! આ નવલકથા પરથી એક વાત તો મારે જણાવવી જ છે, મૂળમાં જોવા જઈએ તો જેટલી પણ ઘટના બની એ કેમ બની એનું કારણ એ જ છે કે, આજની યુવાન પેઢીને બધું જ શીખવવામાં આવે છે પરંતુ કોઈ વડીલ/માતાપિતા કે શિક્ષકે પ્રેમ વિશે કંઈ જ જણાવ્યું કે શીખવ્યું નથી. કારણ કે વડીલો પોતે જ મૂંઝવણમાં છે કે કેવી રીતે જણાવીએ પરંતુ એનો રસ્તો તમે શોધો એનાથી પ્રેમની પરિભાષા બદલાશે (હું વડીલ/માતાપિતા કે શિક્ષકોનો વિરોધ નથી કરતો એમને તો મારા સાદર પ્રણામ)

                    જુવાનીની ઉંમરમાં દરેકની અંદર પ્રેમનું અંકુર ફૂટે પરંતુ એ વખતે અનુભવી લોકોએ જણાવવું જોઈએ કે પ્રેમ અને આકર્ષણ શું છે ? અને સાચા અર્થમાં પ્રેમ શું છે એ જ ખબર નથી એટલે જ બધી તકલીફો ઉભી થાય છે ! પ્રેમના નામ પર લાગણીઓ સાથે ચેડા, પાત્ર ના મળે તો બરબાદ કરવાની પ્રવૃત્તિ, પ્રેમના નામે હવસની રમત, છેડતી, બળાત્કાર, એસિડ અટેક, ખોટા પ્રેમના નામ પર વિશ્વાસઘાત વગેરે આવી તો ઘણી બાબત છે.

                    મારા મતે પ્રેમ એટલે વિશ્વાસ અને વિશ્વાસ એટલે પ્રેમ, અરે બહુ જ મસ્ત લાગણી છે પ્રેમ ! પાત્ર મળે કે ના મળે પરંતુ પ્રેમ ઘટવાની જગ્યાએ બસ વધતો જ રહે એનું નામ પ્રેમ. આજના ડિજિટલ યુગમાં તમારી પ્રાઈવેટ ગેલેરીમાં જો એ વ્યક્તિનો એક ફોટો જોઈને જો તમે સ્માઈલ આપી શકો તો એનું નામ પ્રેમ.

 

તમારો કોમરેડ
પાર્થ કાપડિયા