Reincarnation in Gujarati Short Stories by Ashwin Rawal books and stories PDF | પુનર્જન્મ

Featured Books
Categories
Share

પુનર્જન્મ

" અમારે સિંદુશી પોળ ચકલા માં જવું છે. જરા રસ્તો બતાવશો ? " મહેન્દ્રભાઈએ નડિયાદના એસટી સ્ટેન્ડ ની સામે ગાડી સાઇડમાં ઊભી રાખીને એક લારીવાળા ને પૂછ્યું.

" બસ.... આ જ રસ્તે જરા આગળ જાઓ. સંતરામ મંદિર સર્કલ આવશે.... સામે ગ્લોબ સિનેમા તમને દેખાશે..... ત્યાંથી ડાબા હાથે તમે વળી જજો..... ડુમરાલ બજારમાંથી દેસાઈ વગામાં થઈને સીધા પહોંચી જવાશે. આગળ કોઈને પૂછી લેજો. "

" જી થેન્ક્યુ " કહીને મહેન્દ્રભાઈએ ગાડી સ્ટાર્ટ કરી. બતાવેલા રસ્તે દેસાઈ વગા સુધી પહોંચી જવાયું. ત્યાં કોઈને પૂછીને સિંદુશી ચકલા પણ પહોંચી ગયા.

" બસ આ પરબડી આવી ગઈ પપ્પા !! આ જે સામે ખડકી દેખાય છે ત્યાં જ અમારું ઘર " પરબડી ને જોતાં જ શચી બોલી ઉઠી.

" સારું તું ગાડીમાં જ બેસી રહે. હું તપાસ કરીને આવું છું "

" ના પપ્પા મારે પણ આવવું જ છે. " કહીને શચી પણ નીચે ઉતરી ગઈ.

મહેન્દ્રભાઈ કંઈ બોલ્યા નહીં. શચી નહીં જ માને એ એમને ખબર હતી. દીકરીને લઈ એમણે ખડકીમાં પ્રવેશ કર્યો.

" પેલું ખુણાવાળુ અમારું ઘર પપ્પા !!" શચી બોલી ઉઠી.

જૂની બાંધણીનું ઘર હતું. મકાન ખુલ્લું જ હતું. દરવાજા પાસે ઉભા રહીને મહેન્દ્રભાઈએ જોયું તો એક બહેન રસોઈ કરી રહ્યા હતા. એ બહેન નું ધ્યાન નહોતું એટલે મહેન્દ્રભાઈએ ખોંખારો ખાધો.

બહેને એમની સામે જોયું અને કોઈ મહેમાન સમજીને દરવાજા પાસે આવ્યા.

" કોનું કામ હતું તમારે ? " ઓળખાણ ન પડી એટલે એમણે મહેન્દ્રભાઈ ને પૂછ્યું.

" જી મારે કિરણભાઈ નું કામ હતું. અમે લોકો ગાડી લઈને છેક કલોલ થી આવીએ છીએ. "

" કિરણભાઈ ?..... પણ એ તો હવે અહીંયા નથી રહેતા. એમણે તો ઘણાં વર્ષો પહેલા આ મકાન અમને વેચી નાખેલું અને મુંબઇ જતા રહેલા.... વીસેક વર્ષ તો થયાં જ હશે..... તમે અંદર આવો ને.... ચા-પાણી પીને જજો. "

શચી માટે આ સમાચાર આઘાત જનક હતા. એનાથી રહેવાયું નહીં. " તમે એમનું એડ્રેસ અમને આપી શકો ? "

" તમે લોકો અંદર આવો ને. " કહી ને બહેન ઝડપથી અંદર જતા રહ્યા. કુકર માં ભાતની પાંચ સીટી વાગી ગઈ હતી એટલે એમણે ગેસ બંધ કર્યો.

" તમે બંને ચા તો પીવો છો ને ?" બહેને ફ્રીજમાંથી દૂધની તપેલી કાઢીને પૂછ્યું.

" જી.. પણ થોડી જ મુકજો. " મહેન્દ્રભાઈ એ જવાબ આપ્યો. ધક્કો પડ્યો હતો એટલે હવે ચા તો પીવી જ પડશે.

" એડ્રેસ માટે મારે એમને પૂછવું પડશે " કહીને એ બહેને ચાની તપેલી ગેસ ઉપર મૂકી દીધી.

ચા થઈ ગઈ એટલે એમણે બે કપ માં કાઢીને મહેમાનો આગળ મૂકી અને પોતે સામે બેસી ગયા. એમણે એમના પતિ ને ફોન લગાવ્યો.

" કહું છું.... કલોલ થી કિરણભાઈ ના કોઈ મહેમાન આવ્યા છે અને કિરણભાઈ નું એડ્રેસ માગે છે. એમની એક નાની દીકરી પણ એમની સાથે છે. "

" પણ આમ અજાણ્યા માણસ ને કિરણભાઈ નું એડ્રેસ કેવી રીતે અપાય સુનિતા ? માણસો કેવા લાગે છે ? " સુનિતા બેનના પતિએ ફોનમાં પૂછ્યું.

" માણસો તો ખાનદાન લાગે છે. કલોલ થી ગાડી લઈને આવ્યા છે. કોઈ જૂનો સંબંધ હશે. મકાન વેચી નાખ્યું એની એમને બિચારાને ખબર નહીં હોય. "

" સારુ.... મેડા ઉપર જા.. ત્યાં મારા ટેબલના ખાના માં એક બ્લૂ રંગ ની ટેલિફોન ડાયરી પડી હશે... એમાં એડ્રેસ લખેલું છે... એક ચિઠ્ઠીમાં લખીને આપી દે..... ફોન નંબર આપવાની જરૂર નથી. "

" ઠીક છે . " કહીને સુનિતાબેન દાદરો ચડીને ઉપર ગયા. ટેબલ ના ખાનામાંથી ડાયરી કાઢી.
કે - અક્ષર ના લિસ્ટ માંથી કિરણભાઈ નું એડ્રેસ શોધી કાઢ્યું. એક કાગળમાં એની કોપી કરી અને નીચે આવ્યા.

સાંઈ દર્શન, તળાવ રોડ, ભાયંદર, મુંબઈ- નું એડ્રેસ હતું. મહેન્દ્રભાઈએ ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી અને ઉભા થયા. સુનિતા બેન નો આભાર માનીને બહાર નીકળી ગયા.

" પપ્પા આપણે આટલે સુધી આવ્યા જ છીએ તો આજે ગાડી લઈને સીધા મુંબઈ જઈએ તો ? " કારમાં બેસતાં જ શચી બોલી.

" શચી વિલ યુ પ્લીઝ સ્ટોપ નાઉ ?.... તારી જીદના કારણે નડિયાદ સુધીનો ધક્કો ખાધો... એ માણસ વીસ વર્ષથી મુંબઇ જતો રહ્યો છે... તું પાગલ છે હું નથી....આમ સાવ પહેર્યા કપડે મુંબઈ જવાનું ?.... વિચારીશું મુંબઈનું પછી" હવે મહેન્દ્રભાઈ ખરેખર ગુસ્સે થયા હતા !!

અને ગુસ્સે થવાના પૂરા કારણો પણ હતા !! મહેન્દ્રભાઈ કલોલની એક બેંક માં મેનેજર હતા. શચી એમની એકની એક દીકરી હતી. હજુ તો એ સત્તર વર્ષની હતી. બારમા ધોરણ માં અભ્યાસ કરતી હતી. અભ્યાસમાં મન પરોવવાના બદલે છેલ્લા છ મહિનાથી ચિત્ર વિચિત્ર વાતો કરતી હતી. એને એનો પૂર્વજન્મ યાદ આવી ગયો હતો !!

શરૂઆતમાં તો આ એક માનસિક રોગ છે એવું માનીને મહેન્દ્રભાઈએ અમદાવાદના એક પ્રખ્યાત સાઇકિયાટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ પણ કરાવી. પણ કોઈ ફરક ના પડ્યો. ત્રણ મહિના પછી ફરી પાછા ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરે મહેન્દ્રભાઈને બહાર મોકલી ને બે કલાક સુધી શચીનું પ્રાઇવેટ કાઉન્સિલિંગ કર્યું.

" સાહેબ મને કોઈ રોગ નથી. હું સાચું કહું છું. મને મારો પૂર્વજન્મ આછો આછો યાદ આવતો જાય છે. ગયા જન્મમાં મારું નામ શારદા હતું અને મારા પતિ નું નામ કિરણ. નડિયાદનું મારુ મકાન પણ મને દેખાય છે. હમણાં હમણાં તો જે વિસ્તારમાં ગયા જનમમાં હું રહેતી હતી એ સ્થળ પણ મને દેખાય છે. સિંદુશી ચકલા નામ મારા મગજ ઉપર અથડાયા કરે છે. અને ત્યાં એક પરબડી પણ છે. તમે જાતે તપાસ કરી આવો સાહેબ "

ડોક્ટર ને હવે ખરેખર આશ્ચર્ય થયું હતું. કારણકે હકીકતમાં આ વિસ્તાર નડિયાદ માં છે. આ કેસ ખરેખર અટપટો છે અને કોઈ દવાથી એનો રસ્તો નહીં નીકળે એ ડોક્ટર જાણતા હતા.

" ઠીક છે બેટા તું થોડીવાર બહાર બેસ અને પપ્પાને અંદર મોકલ ! "

શચી બહાર ગઈ અને મહેન્દ્રભાઈ ડોકટરની કેબિનમાં આવ્યા.

" જુઓ સાહેબ... તમારી દીકરીની સંપૂર્ણ વિગતો મેં જાણી લીધી છે..... એને ખરેખર એનો પૂર્વજન્મ યાદ આવ્યો છે.... આ એનો કોઈ ભ્રમ નથી પણ વાસ્તવિકતા છે.... એણે પોતે કેટલાક એવા પ્રુફ આપ્યા છે કે જે સાબિત કરે છે કે એ સો ટકા સાચું જ બોલે છે. "

" હવે આની કોઈ દવા તો છે જ નહીં... એક વસ્તુ થઈ શકે.... એના સંતોષ ખાતર એકવાર એને લઈને એ જે એડ્રેસ ની વાત કરે છે ત્યાં તમે જઈ આવો..... અને જાતે તપાસ કરો.... કેટલા વર્ષો પૂર્વેની આ સ્મૃતિ છે તે આપણને કંઇ ખબર નથી..... બની શકે કે પંદર વીસ વર્ષ થયા હોય.... અને એ પણ બની શકે કે પચાસ સો વર્ષ પહેલાં ની પણ આ વાત હોય !! ....... એના સંતોષ ખાતર એક વાર તો એના પૂર્વજન્મના ઘરની મુલાકાત લેવી જ પડશે ! પછી આગળ શું કરવું તે આપણે નક્કી કરીશું. " ડોક્ટરે કહ્યું.

મહેન્દ્રભાઈ માટે તો ખરેખર આ એક બહુ મોટી સમસ્યા થઈ ગઈ હતી. પોતાની લાડકી દીકરી એક વિચિત્ર ઉલઝન માં ફસાઈ ગઈ હતી ! બારમા ધોરણનો અભ્યાસ બગડી રહ્યો હતો. શચી સતત વિચારો માં ગૂંચવાયેલી દેખાતી ! નાછૂટકે એમણે આ બાબતમાં ઊંડા ઊતરવાનો નિર્ણય કર્યો. એકાદ રવિવારે નડિયાદ જઈને ખાતરી કરી લેવી પડશે.

નડિયાદ આવ્યા પછી મહેન્દ્રભાઈ ને વિશ્વાસ આવી ગયો કે શચી ની વાત એકદમ સાચી હતી. એણે બતાવેલું એડ્રેસ સાચું હતું. પરબડી પણ હતી. કિરણભાઈ નામની કોઈ વ્યક્તિ પણ હતી !!

હવે શું કરવું ? એ માણસની અત્યારે ઉંમર કેટલી હશે એ પણ કોને ખબર ? એના ઘરમાં કોણ કોણ હશે એની પણ કોઈ માહિતી નથી. એના ઘરે પહોંચી જઇને પણ શું કહેવું ? સત્તર વર્ષની યુવાન છોકરી એ વૃદ્ધ માણસને પોતાના પાછલા જન્મના પતિ તરીકે ઓળખાવે એ કેટલું વિચિત્ર લાગે ? - કલોલ પાછા ફરતી વખતે મહેન્દ્રભાઈ ના મનમાં આ બધા વિચારો ઘૂમતા હતા.

પંદરેક દિવસ ગયા પછી મહેન્દ્રભાઈએ છેવટે મુંબઈ જવાનો નિર્ણય કર્યો. શચી સતત એમની પાછળ પડી હતી. કાર ના બદલે ટ્રેનમાં જવાનું નક્કી કર્યું અને શનિવારે રાત્રે દસ વાગ્યાના ગુજરાત મેઈલમાં એ લોકો નીકળી ગયા.

કિરણભાઈ ભાયંદર માં રહેતા હતા એટલે સવારે છ વાગે બોરીવલી ઉતરીને સ્ટેશનની નજીકમાં જ એક સારી હોટલ માં રીક્ષા લેવડાવી. નવ વાગ્યા સુધીમાં નાહી ધોઈને બંને જણા તૈયાર થઈ ગયા. શચી આજે ખુબ જ ઉત્તેજના અનુભવ કરતી હતી !!

ભાયંદર સ્ટેશને ઉતરીને તળાવ રોડ ઉપર સાંઈ દર્શન ફ્લેટ શોધવામાં જરા પણ તકલીફ ના પડી. રિક્ષામાંથી ઉતરી ને ત્રીજા માળે રહેતા કિરણભાઈ ના ફ્લેટના દરવાજે બંને જણાં પહોંચી ગયા. મહેન્દ્રભાઈનું દિલ ધડક ધડક થતું હતું અને થોડા નર્વસ પણ થઇ ગયા હતા. બહુ વિચિત્ર પરિસ્થિતિમાં મહેન્દ્રભાઈ મુકાઈ ગયા હતા.

ધ્રુજતા હાથે મહેન્દ્રભાઈએ ડોરબેલ દબાવી. બે-ત્રણ મિનિટ પછી દરવાજો ખૂલ્યો. ત્રીસેક વર્ષની ઉંમરની એક યુવતી સામે ઉભી હતી.

" જી અમારે કિરણભાઈ ને મળવું હતું. અમે ગુજરાતથી આવીએ છીએ. "

" હા.. આવો ને "... કહીને એ યુવતી એ મહેમાનને ડ્રોઇંગરૂમમાં બેસાડ્યા.

" પપ્પા.... તમને કોઇ મળવા આવ્યું છે " યુવતીએ એક બેડરૂમ પાસે જઈને અંદર ટહુકો કર્યો અને રસોડામાં ચાલી ગઈ. એક ખૂણામાં સાત-આઠ વર્ષનો એક બાબો કોમ્પ્યુટર ઉપર કોઈ કાર્ટુન જોવામાં મગ્ન હતો !

પાંચેક મિનિટ પછી સિત્તેર વર્ષ ની આસપાસ ની ઉંમર ના એક વડીલ બેડરૂમમાંથી બહાર આવ્યા. ગોરો વાન , આછી આછી દાઢી, ચશ્મા અને લેંઘા ઝભ્ભા માં આવેલા કિરણભાઈ એકદમ તંદુરસ્ત લાગતા હતા. ચહેરા ઉપર પણ એક ચમક હતી !!

એમણે સોફામાં બેઠક લીધી. સાઈઠ વર્ષ આસપાસની ઉંમરના એક બહેન પણ પૂજા રૂમ માંથી બહાર આવ્યા અને સોફા પર બેઠા. એ તેમના પત્ની જ હશે એવું અનુમાન મહેન્દ્રભાઈએ કરી લીઘું.

" ઓળખાણ ના પડી ભાઈ ! ક્યાંથી આવો છો ? " કિરણભાઈએ વિવેક થી પૂછ્યું.

" જી..... અમે લોકો કલોલ ગુજરાતથી આવીએ છીએ. ખાસ તમને મળવા માટે જ મુંબઇ આવ્યા છીએ. થોડીક અંગત વાત કરવી હતી વડીલ " મહેન્દ્ર ભાઈએ કહ્યું. શચી સતત એમની સામે મુગ્ધ નજરે જોઈ રહી હતી.

" ઠીક છે... ચાલો... બેડરૂમમાં બેસીએ !" કહી કિરણભાઈ ઊભા થયા અને એમની પાછળ મહેન્દ્રભાઈ તથા શચી પણ બેડરૂમમાં ગયા.

તકિયાને અઢેલીને કિરણભાઈ બેઠા. એમની સામે પલંગ ઉપર જ મહેન્દ્રભાઈ બેસી ગયા. જ્યારે શચી સામે ખુરશી ઉપર બેઠી.

" એક વિચિત્ર મૂંઝવણ ઊભી થઈ છે વડીલ એટલે જ આજે તમારી પાસે આવવું પડ્યું છે" કહી મહેન્દ્રભાઈએ વાતની શરૂઆત કરી.

" મારી આખી વાત એકવાર આપ શાંતિથી સાંભળી લો. હું જે કંઈ કહી રહ્યો છું એ એકદમ સત્ય કહી રહ્યો છું. આપ કોઈપણ જાતની ગેરસમજ ના કરશો. આપના ઘરે આવવા માટે એક મહિના સુધી મનોમંથન કર્યું છે સાહેબ "

" હું કલોલમાં બેંક મેનેજર છું. મારું નામ મહેન્દ્ર શુક્લ છે. આ મારી દીકરી શચી છે જે બારમા ધોરણમાં સાયન્સમાં અભ્યાસ કરે છે. છેલ્લા છ મહિનાથી અમારા શાંત પરિવારમાં એક વિચિત્ર વંટોળ પેદા થયો છે. છ મહિના પહેલા મારી આ દીકરીને એનો પૂર્વજન્મ અચાનક યાદ આવી ગયો છે. " મહેન્દ્રભાઈ થોડી ક્ષણો અટકી ગયા.

" હું આપના વિષે કંઈ જ જાણતો નથી સાહેબ એટલે જસ્ટ પૂછું છું કે આપના આ બીજા લગ્ન છે ?"

આગળ વાત કરતા પહેલા મહેન્દ્રભાઈ થોડી ચોકસાઈ કરી લેવા માગતા હતા.

" હા, મારી પત્ની શારદા ના અવસાન પછી કુટુંબીઓના આગ્રહને કારણે મારે માયા સાથે બીજી વાર લગ્ન કરવા પડ્યા. અત્યારે ડ્રોઈંગ રૂમમાં જે બેઠા છે તે મારા પત્ની છે. તમારો આગ્રહ હતો એટલે આપણે બેડરૂમમાં આવ્યા બાકી માયા હવે કાને બહુ જ ઓછું સાંભળે છે. કાનમાં હિયરિંગ એઇડ્સ લગાવ્યા વિના એ સાંભળી શકતી નથી. " કિરણભાઈને આ સવાલથી થોડું આશ્ચર્ય જરૂર થયું.

" જી વડીલ... પણ વાત એવી ગંભીર હતી એટલે મારે બેડરૂમ નો આગ્રહ રાખવો પડયો" કહીને મહેન્દ્રભાઈએ વાત આગળ ચલાવી.

" કિરણભાઈ મારી દીકરી શચી કહે છે કે પાછલા જન્મમાં એ તમારી પત્ની શારદા હતી. અમને પહેલા તો આ બધી વાતો બહુ વિચિત્ર લાગતી હતી અને એની મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરાવી. ડોક્ટરે પણ જ્યારે અમને કહ્યું કે એને ખરેખર એનો પૂર્વજન્મ યાદ આવી ગયો છે ત્યારે એની વાત માનવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો. એણે એના માટે કેટલાક પ્રમાણ પણ આપ્યા છે સાહેબ. "

" એણે નડિયાદનું તમારુ સિંદુશી ચકલા નું સરનામું પણ આપ્યું. પરબડી ની પણ વાત કરી. તમારું નામ પણ દીધું. અમે ખાતરી કરવા માટે નડિયાદ તમારા ઘરે પણ જઈ આવ્યા. ત્યાં સુનીતાબેને કહ્યું કે વીસ વર્ષ પહેલા આ મકાન વેચાઇ ગયું છે અને કિરણભાઈ મુંબઈ રહે છે. તમારુ એડ્રેસ પણ ત્યાંથી જ મળ્યું. "

કિરણભાઈ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા ! એ થોડી ક્ષણો શચીની સામે જોઈ રહ્યા. શચી મુગ્ધ નજરે એમની સામે જોઈ રહી હતી !!

" આપણો જય તો મોટો થઈ ગયો હશે ! એના લગ્ન પણ થઇ ગયા ? બાર વર્ષનો મૂકીને ગઈ હતી " અચાનક શચી બોલી ઉઠી.

" હા...બાવીસ વર્ષ પહેલા તમે દુનિયા છોડી દીધી ત્યારે જય બાર વર્ષનો હતો અત્યારે તો એને એક દીકરો પણ છે. " કહીને કિરણભાઈ એ મહેન્દ્રભાઈ સામે જોયું.

" આપને વાંધો ના હોય તો દસેક મિનિટ જરા બહાર બેસશો પ્લીઝ ? મારે શચી સાથે થોડીક ચર્ચા કરવી જરૂરી છે "

" જી... બિલકુલ. હું બહાર બેઠો છું " કહીને મહેન્દ્રભાઈ તરત બહાર નીકળી ગયા.

" શચી બેટા... તારા મનોજગત ઉપર તારા પૂર્વજન્મની શારદાએ કબજો કરી લીધો છે એટલે શરૂઆતમાં હું તારા શારદા સ્વરૂપ સાથે વાત કરવા માંગુ છું. " કહી કિરણભાઈ થોડી ક્ષણો અટકી ગયા. પછી એમણે શચી સામે જોયું.

" જુઓ શારદા.... તમારા મૃત્યુ સાથે તમારા ગયા જન્મના ઋણાનુબંધ પૂરા થઈ ગયા. તમને કદાચ તમારો પૂર્વજન્મ યાદ આવી ગયો હોય તો પણ આપણા સંબંધો કાયમ માટે પૂરા થઈ ગયા છે. ગીતા માં પણ કહ્યું છે કે આપણા અનેક જન્મો જઇ ચુક્યા છે. અને બીજા અનેક જન્મો થવાના છે. જનમો જનમ નું આ ચક્ર ચાલ્યા જ કરવાનું છે. જો આ બધા જન્મ યાદ રહે તો સમગ્ર જગતમાં અંધાધૂંધી ફેલાઈ જાય."

" કોઈ જનમમાં હું તમારી પત્ની હોઈશ. કોઈ જનમમાં તમે મારી પત્ની હશો. કોઈ જનમ માં તમે મારી દીકરી કે દીકરો પણ હશો. સંબંધોની આ માયાજાળ માત્ર એક જનમ પૂરતી જ હોય છે. પછી કર્મોની ગતિ અને આપણી વાસના પ્રમાણે સંબંધોના સમીકરણો દરેક જન્મમાં બદલાતાં રહે છે."

" તમારા કલ્યાણ માટે એક પતિ તરીકે હું ઇચ્છું છું કે તમારા મગજ માંથી શારદા ની સંપૂર્ણ વિસ્મૃતિ કરી દો. તમારો જન્મ શચી તરીકે થયો છે એ તમારો નવો અવતાર છે, નવી દુનિયા છે, નવા સંબંધો છે. બે જનમો ને ભેગા કરી દેશો તો તમે ગુંચવાઈ જશો અને દુઃખી દુઃખી થઇ જશો. હું તમને સંપૂર્ણપણે ભૂલી ચૂક્યો છું. મારા મૃત્યુ પછી મારા આ કિરણભાઈ સ્વરૂપને પણ હું ભૂલી જઈશ !! અગ્નિની સાક્ષીએ આપણા લગ્ન થયેલા અને તમે અગ્નિમાં ભસ્મ થઈ ગયાં એ સાથે ઋણાનુબંધ પણ પૂરા થયા."

" ઈશ્વરની કૃપાથી રોજ ધ્યાનમાં બેસું છું. આધ્યાત્મિકતાના માર્ગે છું. તમારું મૃત્યુ થઈ ચૂક્યું છે એ વાસ્તવિકતા સ્વીકારો અને તમારા બાકીના કર્મો ભોગવવા માટે તમારો આ નવો જન્મ થયો છે એની ગરિમા સાચવો. શારદા મરી પરવારી છે અને હવે આ નવા દેહ માં માત્ર શચી છે. એની ઉપર શારદા નો પડછાયો પણ ન પડવો જોઈએ. હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તમે આ સત્ય ને સ્વીકારો અને હંમેશના માટે પૂર્વ જન્મની વિસ્મૃતિ કરી દો "

કિરણભાઈ ના શબ્દો શચી ઉપર જાદુઈ અસર કરી ગયા હતા. શચી રડી રહી હતી.

" શચી બેટા... સત્તર વર્ષની તારી આ નાજુક અને નાદાન ઉંમર છે. આ ઉંમર મુગ્ધાવસ્થાની છે. પાંચ દસ વર્ષમાં મારું પણ મૃત્યુ થઈ જશે અને ફરી પાછો મારો નવો જન્મ થઈ જશે. કદાચ તારી જ કૂખે દિકરો થઇને હું જન્મ લઉં ! માટે સબંધોની આ માયાજાળ માં તું પડીશ નહી ! "

" પૂર્વજન્મ ભૂતકાળ થઇ ચૂક્યો છે અને તારો પુનર્જન્મ થઈ ચૂક્યો છે. તારા પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે તું અભ્યાસમાં ધ્યાન પરોવી દે અને બને તો સમય મળે ત્યારે ગીતાનું થોડું વાંચન કર. ગીતા જ તને સાચો માર્ગ બતાવશે. મારા તને આશીર્વાદ છે બેટા !! "
આટલું કહીને કિરણભાઈ ઉભા થયા અને સામેના કબાટમાંથી શ્રીમદ્ ભગવદ્ ગીતા નું પુસ્તક બહાર કાઢી શચી ના હાથમાં મૂકયું અને એના માથે પ્રેમથી હાથ મૂક્યો.

શચીએ ઉભા થઈ નીચા નમીને કિરણભાઈ નો ચરણસ્પર્શ કર્યો.

" થેંક્યુ અંકલ. યુ આર ગ્રેટ !! તમે મારા માથા ઉપરથી બહુ મોટો બોજો ઉઠાવી લીધો છે. તમારી આ સલાહ હું જીવનભર યાદ રાખીશ. હવે માત્ર શચી બનીને હું અભ્યાસમાં ધ્યાન આપીશ. ક્યારે પણ હવે પૂર્વજન્મ ને યાદ નહીં રાખું !! "

" નાઉ યુ આર લાઈક માય ડોટર. હવે આપણે એક નવા સંબંધ થી શરૂઆત કરીએ !! " કહીને કિરણભાઈએ શચી ના માથે ફરી હાથ ફેરવ્યો.

શચી ને લઈને કિરણભાઈ બહાર આવ્યા અને મહેન્દ્રભાઈ ની સામે બેસીને એમણે કહ્યું.

" મહેન્દ્રભાઈ તમારી દીકરી તમને સોંપી દઉં છું પણ હવે એ મારી પણ દીકરી છે. પૂર્વજન્મ ને એણે દફનાવી દીધો છે !! "

" હા પપ્પા... કિરણ અંકલ એક મહાન વ્યક્તિ છે. અને એમણે મારી આંખો ખોલી દીધી છે. હવે મને મારો પૂર્વજન્મ બિલકુલ યાદ નથી. હું શચી છું તમારી જ દીકરી !! "

માની ના શકાય એવો ચમત્કાર કિરણભાઈએ કર્યો હતો. મહેન્દ્રભાઇની આંખો માં આંસુ આવી ગયા. એમણે ઊભા થઈ કિરણભાઈ ને બે હાથ જોડી નમસ્કાર કર્યા.

" મારી પાસે આભાર માનવા માટે કોઈ શબ્દો નથી વડીલ. મેં આપનામાં સાક્ષાત ઈશ્વરને જોયો છે !! "

" એ બધી ઉપરવાળાની લીલા છે મહેન્દ્રભાઈ. પણ તમે ઉભા કેમ થઇ ગયા ?! મારી આ દીકરીને હું જમ્યા વગર નહી જવા દઉં !! "

અશ્વિન રાવલ (અમદાવાદ)







"