ઔકાત ભાગ – 32
લેખક – મેર મેહુલ
રાવતનાં ગયા પછી મનોજે પેલી ફાઇલ હાથમાં લીધી અને બીજીવાર ધ્યાનથી વાંચવામાં મગ્ન થઈ ગયો હતો. ફાઈલમાં કંઈક આ મુજબની માહિતી હતી –
કેશવ શિવગંજમાં આવ્યો પછી એકવાર શશીકાંતને મળેલો, તેની એ મુલાકાત દસ મિનિટની જ હતી. ત્યારબાદ એકવાર તેની મુલાકાત બદરુદ્દીન સાથે પણ થઈ હતી. બંને સાથે એક-એક વાર મુલાકાત લીધાં બાદ કેશવ બીજીવાર તેઓને નહોતો મળ્યો. શ્વેતાને કૉલેજથી ડ્રોપ કરીને કેશવ રોજ એક વ્યક્તિને મળવા ગણેશપુરા વિસ્તારનાં ગણેશ મંદિરે જતો. આ વિસ્તાર શિવગંજનાં પૂર્વ ભાગમાં હતો, અહીં આદિવાસી વસ્તી હતી એટલે આ વિસ્તારનો વિકાસ બીજા વિસ્તારોનાં પ્રમાણમાં ઓછો થયો હતો.
કેશવ રોજ રાત્રે કાર્તિકેય હોટલમાં તેનાં એક મિત્ર સાથે જમવા જતો હતો. કેશવ જે એપાર્ટમેન્ટમાં રહેતો હતો એ એપાર્ટમેન્ટ બન્યાને થોડો સમય જ થયો હતો એટલે મોટા ભાગનાં ફ્લેટ ખાલી હતાં.
આ હતી કેશવ શિવગંજ આવ્યો એ પછીની માહિતી. કેશવ શિવગંજ આવ્યો એ પહેલાંનો તેનો ઇતિહાસ દિલચસ્પ હતો અને એને આધારે જ મનોજે કેશવ પર ધ્યાન રાખવાની યોજના ઘડી હતી.
કેશવ મોહનલાલનાં નાના ભાઈનો પૌત્ર હતો. કેશવ શિવગંજ આવ્યો એ પહેલાં મુંબઈમાં રહેતો હતો અને શ્વેતા જે સ્કૂલમાં હતી એ જ સ્કૂલમાં હતો. વાત પારદર્શક કાચ જેવી સ્પષ્ટ હતી. પોતાનાં દાદાનો બદલો લેવા કેશવે યોજના ઘડી અને શિવગંજ પહોંચી ગયો. તેણે એક પછી એક પોતાની યોજના અમલમાં મૂકી અને બળવંતરાયને બરબાદ કરી દીધો.
પણ શું આ વાત સત્ય હતી ?, જો કેશવ જ આ હત્યાઓ પાછળ જવાબદાર હતો તો શા માટે એ પોલીસને સાથ આપતો હતો. શા માટે તેણે બળવંતરાયને ત્યાં નોકરી કરી અને મહત્વની વાત, કેશવને જો બદલો લેવો હતો તો બળવંતરાયને છોડીને તેનાં બાળકોને શા માટે માર્યા.
સવાલો મુંજવી નાંખે એવા હતાં. હજી સુધી એક પણ એવી કડી નહોતી જે આ કેસને સોલ્વ કરવામાં કારગર સાબિત થાય. મનોજ મૂંઝાયો હતો. તેણે એક ટુકડીને કેશવની જાસૂસી માટે મોકલી દીધી હતી પણ કંઈક ખોટું થઈ રહ્યું છે એવી લાગણી તેનાં માનસપટલ પર ઉપસતી હતી.
ફાઇલ બાજુમાં રાખી તેણે સિગરેટ સળગાવી અને ફરી ગહન વિચારોમાં ડૂબી ગયો.
*
સાંજના છ વાગ્યાં હતાં. કેશવ ગણેશપુરા વિસ્તારનાં એક ઝુંપડા પાસે ઉભો હતો. આ વિસ્તારમાં ભીડ ઓછી રહેતી એટલે તેણે મીરાને અહીં બોલાવી હતી. મીરાનો ફોન આવ્યો હતો, કામ સમય પહેલાં થઈ ગયું હતું એટલે એન્વેલોપ લઈને મીરા આવી રહી હતી. રસ્તા પરની ગતિવિધિ સામાન્ય હતી. સામેનાં પાનનાં ગલ્લે એક માણસ ઉભો ઉભો સિગરેટનાં કશ ખેંચી રહ્યો હતો, જમણી તરફ પડતાં રસ્તા તરફ ચાની એક લારી હતી, ત્યાં પણ એક વ્યક્તિ બેસીને ચા પી રહ્યો હતો. ડાબી તરફ ખેતરો તરફ રસ્તો પડતો હતો. ત્યાં સાઇકલ પંચર કરવાની એક દુકાન હતી. દુકાન બાંકડા પર ત્રણ-ચાર લોકો બેસીને ગપ્પા મારી રહ્યાં હતાં. દુકાનનો માલિક એક સાઇકલનું પંચર કરવામાં વ્યસ્ત હતો. વચ્ચે એ પોતાનાં દોસ્તોને જવાબ આપવા ડોકું ઊંચો કરતો અને ફરી પોતાનાં કામે લાગી જતો.
આ ત્રણેય જગ્યા પર રણજિતનાં ખબરી ત્રાંસી નજરે કેશવ પર નજર રાખી રહ્યાં હતાં. કેશવ છેલ્લી દસ મિનિટથી ત્યાં ઉભો હતો. કોઈ હિલચાલ નહોતી થઈ એટલે એ લોકો માત્ર મૌન બનીને આગળની ઘટનાં બનવાની રાહ જોઈ રહ્યાં હતાં.
થોડીવારમાં મીરા એક રીક્ષામાં આવીને ઉતરી. તેણે કેશવનાં હાથમાં પેલું એન્વેલોપ રાખ્યું અને એ જ રિક્ષામાં બેસીને એ નીકળી ગઈ. કેશવે સિફતથી એ પરબીડિયું ગજવામાં સરકાવ્યું અને બાઇક પર સવાર થઈને નીકળી ગયો. તેની પાછળ એક બીજી બાઇક પણ નીકળી. જે લાલુ ખબરીની હતી. પાનનાં ગલ્લે ઊભેલાં ભોલુએ રણજિતને ફોન કર્યો અને થોડીવાર પહેલાં જે ઘટનાં બની હતી એની માહિતી આપી.
રણજિતે એ માહિતી મનોજને આપી હતી. મનોજે અત્યારે કોઈ એક્શન ન લેવા આદેશ આપ્યો.
*
સાતને પંચાવન થઈ હતી. કેશવ કાર્તિકેય હોટલમાં જમવા આવ્યો હતો. આ વખતે તેની કમરામાં એક પિસ્તોલ અને પગમાં લાંબી ચાકું હતી. જમતી વેળાએ કેશવની નજર ચારેય દિશામાં ફરતી હતી. આજુબાજુનું વાતાવરણ સામાન્ય હતું પણ કેશવ માટે એ રોમાંચિત અને ઉત્સાહ જગાડનારું હતું. કેશવ અજિત અને રોનકની રહે હતો, તેનાં મતે ગઈ કાલે જે બે વ્યક્તિ આવ્યાં હતાં એ આજે પણ આવશે. કેશવની આ ધારણા ખોટી પડી હતી. જમવાનું પત્યું ત્યાં સુધીમાં કોઈ નહોતું આવ્યું.
બરાબર આઠનાં ટકોરે કેશવનાં મોબાઈલમાં એક નોટિફિકેશન આવી. કેશવે મોબાઈલ હાથમાં લઈને નોટિફિકેશન ખોલી. એ ટેક્સ્ટ મૅસેજ હતો. કેશવે ધ્યાનથી એ મૅસેજ વાંચ્યો.
‘શ્વેતા અને જસવંતરાયનાં હત્યારાને પકડવો હોય તો આજે રાત્રે અગિયારને પાંત્રીસ મિનિટે બળવંતરાય મલ્હોત્રાની હવેલીએ આવજો’
કેશવે તરત જ એ નંબર પર કૉલ લગાવ્યો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો.
*
બરાબર આઠ વાગ્યે મનોજને પણ આ મૅસેજ મળ્યો હતો. બંને મેસેજમાં એક નજીવો તફાવત હતો. કેશવને જ્યારે બોલાવવામાં આવ્યો હતો તેની દસ મિનિટ પછી મનોજને આવવા કહ્યું હતું.
મનોજે પણ કેશવની જેમ એ નંબર પર કૉલ લગાવ્યો હતો પણ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. મનોજ હજી કંઈ વિચારે એ પહેલાં તેનાં ફોનમાં બીજો મૅસેજ આવ્યો. મનોજે એ મૅસેજ વાંચ્યો. મૅસેજ વાંચીને તેનાં ચહેરાનો રંગ બદલાય ગયો. સહસા તેનો ફોન રણક્યો. એ ફોન કેશવનો હતો.
“હં કેશવ…” ફોન રિસીવ કરીને મનોજે કહ્યું.
“મૅસેજ જોયો ?” કેશવે પૂછ્યું.
“હા” મનોજે ટૂંકમાં જવાબ આપ્યો.
“કોઈએ મને મોકલ્યો છે, આનો શું મતલબ હોય શકે ?”
“મને પણ આ જ મૅસેજ મળ્યો છે, ફર્ક બસ એટલો છે કે મને અગિયારને પિસ્તાલિસે આવવા કહ્યું છે”
“કોણ કરી શકે એ કામ ?” કેશવે પૂછ્યું.
“જે પણ છે તેણે જાણીજોઈને આપણને બોલાવ્યા છે”
“આપણે જવું જોઈએ ?”
“તું એક કામ કર, મારાં ઘરનું સરનામું તને મોકલું છું. અહીં આવી જા પછી નક્કી કરીએ”
“સારું” કહીને કેશવે ફોન રાખી દીધો. કેશવનાં ફોન રાખ્યાં પછી મનોજ વધુ મૂંઝાયો.
‘કેશવ શું કરવા ઈચ્છે છે એ જ નથી સમજાતું’ મનોજ વિચારે ચડ્યો, ‘બીજા બધાને છોડીને કોઈ કેશવને જ શા માટે મૅસેજ કરે ?, નક્કી આ કામ કેશવનું જ છે. કોઈને વિશ્વાસમાં રાખીને તે બધું કરાવી રહ્યો છે’
મનોજે રાવતને ફોન જોડ્યો અને બળવંતરાયની હવેલી પર છુપી રીતે નજર રાખવા કહ્યું.
*
દસ વાગ્યા હતાં. કેશવ મનોજનાં ઘરે આવી ગયો હતો. મનોજ વારેવારે રાવતને ફોન કરીને પરિસ્થિતિની માહિતી મેળવતો હતો પણ બળવંતરાયની હવેલીની બધી ગતિવિધિઓ સામાન્ય જ હતી એટલે તેને કોઈ જવાબ મળતો નહોતો.
અગિયાર વાગ્યા એટલે મનોજે નિર્ણય લીધો. કેશવને લઈને એ બળવંતરાયની હવેલી તરફ રવાના થયો.
.*
રાતનાં સાડા અગિયાર થયા હતાં. શશીકાંત પોતાનાં શયનખંડમાં સૂતો હતો, અચાનક તેની આંખો ખુલ્લી ગઈ. કોઈ અન્ય વ્યક્તિ રૂમમાં છે એવો તેને આભાસ થયો. શશીકાંત ઉભો થયો અને રૂમની લાઈટો શરૂ કરી પણ લાઈટ ના થઈ. કોઈનાં પગરવનો અવાજ શશીકાંતનાં કાને પડ્યો. શશીકાંત સચેત થઈ ગયો.
“કોણ છે ?” શશીકાંતે પૂછ્યું.
“હું કોણ છું એ પછી જણાવીશ પણ પહેલાં મારા સવાલનાં જવાબ આપ શશીકાંત”
“અને હું ઇનકાર કરું તો ?”
“તો આ પિસ્તોલ કોઈની સગી નથી થતી, એ તો જેનાં હાથમાં હોય છે એનો જ હુકમ માને છે” એ વ્યક્તિએ કહ્યું.
“શું જાણવું છે તારે ?” શશીકાંત ટાઢો પડ્યો.
“વાત છે આજથી બાવીશ વર્ષ પહેલાંની, શિવગંજ મેળવવા માટે તમે લોકોએ એક ષડયંત્ર રચ્યું હતું. યાદ આવે છે કંઈ ?”
“તને કેમ ખબર છે ?, તું છે કોણ ?”
“પહેલા મારી વાતનો જવાબ આપ કમજાત” પેલો વ્યક્તિ ગુસ્સામાં બરાડયો. શશીકાંતનાં કપાળે પરસેવો છૂટી ગયો. ડરને કારણે તેનું શરીર ધ્રુજવા લાગ્યું હતું.
“હા, મોહનલાલનાં પરિવારને ખતમ કરીને અમે શિવગંજ મેળવવા માટે એક ષડયંત્ર રચ્યું હતું”
“એ ષડયંત્રમાં તમે લોકોએ મોહનલાલનાં પરિવારને તેની જ હેવલીમાં સળગાવીને ખતમ કરી દીધાં હતાં, બરોબર કહ્યુંને ?”
“હા, મેં, મોટાભાઈએ અને બદરુદ્દીને મળીને જ આ કામને અંજામ આપ્યું હતું” શશીકાંતે પોતાનો ગુન્હો કબૂલાતાં કહ્યું.
“તારી જાણકારી માટે કહી દઉં, એ સમયે મોહનલાલનો પરિવાર હવેલીમાં હતો જ નહીં” પેલાં વ્યક્તિએ કહ્યું, “તમે લોકોએ કાવતરું રચ્યું છે એની ગંધ તેઓને પહેલાં જ આવી ગઈ હતી એટલે પાછળનાં રસ્તેથી તેઓ નીકળી ગયા હતા. હવેલીમાંથી જે લાશો મળી હતી એ મારાં પરિવારની હતી”
“તો..તો..મોહનલાલનો પરિવાર ક્યાં છે ?” શશીકાંત મહામહેનતે બોલી શક્યો.
“એ સુરક્ષિત છે અને તારી સાથે બદલો લેવા, તારી ઔકાત બતાવવા એનો પૌત્ર શિવગંજમાં આવી ગયો છે”
“કોણ છે મોહનલાલનો પૌત્ર ?” બળવંતરાયે પુછ્યું.
“અહીં છે મોહનલાલનો પૌત્ર” દરવાજા પરથી અવાજ આવ્યો, શશીકાંતે દરવાજા તરફ નજર કરી, સહસા રૂમમાં લાઈટો સળગી ઉઠી. દરવાજા પર જે વ્યક્તિ ઉભો હતો તેને જોઈને શશીકાંતનું હૃદય ધડકન ચુકી ગયું. મહામહેનતે એ બે ડગલાં આગળ ચાલ્યા અને ખુરશીનો સહારો લઈને બેસી ગયા.
“હું મોહનલાલનો પૌત્ર, હીરાલાલનો દીકરો, અજિત. શિવગંજનો અસલી હકદાર, મારાં દાદાનાં નોકરોને એની ઔકાત બતાવવા શિવગંજમાં આવ્યો છું. તમે ત્રણ લોકોએ આજથી બાવીશ વર્ષ પહેલાં જે અપરાધ કર્યો હતો તેની સજા આપવા આવ્યો છું”
શશિકાંતની હાલત કાપો તોય લોહી ના નીકળે એવી થઈ ગઈ. તેની સામે ઊભેલાં વ્યક્તિનાં પરિવાર સાથે તેણે વર્ષો પહેલાં મારી નાંખ્યો હતો અને અત્યારે એનો જ યમરાજ બનીને તેની સામે ઉભો હતો. શશિકાંતનાં કપાળે પરસેવો વળી ગયો, ડરને કારણે તેનું શરીર ધ્રુજવા લાગ્યું.
“મને….મને માફ કરી દે અજિત” શશીકાંત થોથવાયો, “હું તને કેસરગંજ પાછું આપવા તૈયાર છું”
“કેવી રીતે તને માફ કરું કમજાત” અજિતે ચાબુક જેવો તમાચો શશીકાંતનાં ગાલે ચોડી દીધો, “છેલ્લાં બાવીશ વર્ષમાં મારાં મારાં પરિવારે જે તકલીફ ભોગવી છે એનું શું ?, મારાં દાદાએ તારાં પર આંખો બંધ કરીને વિશ્વાસ રાખ્યો હતો, એ વિશ્વાસઘાતનું શું ?, દિવસ-રાત મહેનત કરીને જેણે શિવગંજ વસાવ્યું હતું અને એ શિવગંજની ગાદી એક નોકરનાં હાથમાં આવ્યા પછી એ આઘાતમાં જ મૃત્યુ પામ્યા એ મોહનલાલનું શું ?”
“ગાદીની લાલચમાં આવીને મેં ખોટું કામ કર્યું” શશીકાંતે બે હાથ જોડ્યા, “હું પોતાની ભૂલ સ્વીકારું છું, તારે જે જોઈએ એ લઈ લે. બસ મને બક્ષી દે”
અજિતની બાજુમાં ઊભેલાં રોનકે અજિતનાં ખભા પર હાથ રાખ્યો, અજિતનાં શ્વાસોશ્વાસની ક્રિયા અતિ તેજ હતી. તેની આંખોમાં અંગાર વરસતાં હતાં. બદલાની આગમાં એ છેલ્લા ત્રણ વર્ષથી સળગી રહ્યો હતો.
“શું વિચારે છે અજિત, આ નરાધમ માફીને લાયક નથી. ઉઠાવ પિસ્તોલ અને વીંધી નાખ આની ખોપરી” રોનકે કહ્યું.
અજિતે કમરેથી પિસ્તોલ કાઢી અને શશીકાંત તરફ તાંકી. શશીકાંતે ઉભા થવાની કોશિશ કરી પણ રોનકે તેનાં પગ પર લાત મારીને શશીકાંતને ઘૂંટણભર બેસારી દીધો.
“ભગવાન ખાતર મને બક્ષી દો, એ બધું ષડયંત્ર મોટા ભાઇનું હતું. હું તો તેઓને સાથ આપતો હતો” શશીકાંતે પોતાને બચાવવા છેલ્લો મરણીયો પ્રયાસ કર્યો, “મારવા હોય તો મોટાભાઈને મારો”
શશીકાંતની વાત સાંભળીને બંને મોટેથી હસી પડ્યા. તેઓને હસતાં જોઈને શશીકાંત વધુ ગભરાયો.
“તારી જાણકારી ખાતર કહી દઉં, તને મારવા માટે તારાં મોટા ભાઈએ જ અમને સુપારી આપી છે” અજિતે હસતાં હસતાં કહ્યું.
“શું કહ્યું… ?, મોટાભાઈએ.. ?, પણ શા માટે..!”
“એ તું નિરાંતે વિચારજે” કહેતાં અજિતે ટ્રિગર દબાવી દીધું. ગોળી સીધી શશીકાંતની છાતીમાં ડાબી બાજુ પેસી ગઇ. અજિતે ઉપરા ઉપર ચાર રાઉન્ડ ફાયર કર્યા અને શશીકાંતનાં બચવાના ચાન્સને નેસ્તનાબૂત કરી દીધાં.
અજિતે ગજવામાંથી મોબાઈલ કાઢ્યો અને બળવંતરાયને જોડ્યો.
“કામ થઈ ગયું શેઠ” બળવંતરાયે ફોન રિસીવ કર્યો એટલે અજિતે કહ્યું.
“હવેલીએ આવી જાઓ” બળવંતરાયે કહ્યું. અજિતે ફોન કાપી નાંખ્યો.
“પેલો ફોન..” અજિતે હાથ લંબાવીને રોનકને કહ્યું. રોનકે ગજવામાંથી કિપેડવાળો મોબાઈલ કાઢ્યો. આ એ જ મોબાઈલ હતો જેમાંથી તેણે કેશવ અને મનોજને મૅસેજ કર્યો હતો. અજિતે મોબાઈલ સ્વીચ ઓન કર્યો અને ફરી એક મૅસેજ ટાઈપ કરીને બંનેને સેન્ડ કર્યો.
“ચાલ હવેલીએ જવાનું છે” અજિતે કહ્યું.
*
બીજી તરફ,
મનોજ અને કેશવ સવા અગિયાર વાગ્યે બળવંતરાયની હવેલી બહાર પહોંચ્યા હતાં. રાવતે માહિતી આપી એ મુજબ, આઠ વાગ્યાં પછી કોઈ હવેલીમાં આવ્યું નથી અને કોઈ બહાર નથી નીકળ્યું.
રાવતની વાત સાંભળીને મનોજને આશ્ચર્ય ન થયું પણ એ એક વાત સમજી ગયો હતો. કોઈએ તેઓને બેવકૂફ બનાવ્યા હતાં. પુરી પોલીસ ફોર્સને બળવંતરાયની હવેલી પર લગાવી મનોજે બેવકૂફીભર્યું કામ કર્યું હતું. મનોજ આગળ શું કરવું એની ગડમથલમાં પડ્યો હતો ત્યાં સહસા કેશવ અને મનોજનાં મોબાઈલમાં નોટિફિકેશન પૉપ-અપ થઈ. બંનેએ એકબીજા સામે પ્રશ્ન સૂચક નજરે જોયું અને પોતાનાં ગજવામાં હાથ નાંખીને મોબાઈલ બહાર કાઢ્યા.
‘માફ કરશો, એ વ્યક્તિએ બળવંતરાયને છોડીને શશીકાંતની હત્યા કરી દીધી છે. જલ્દી કેસરગંજ આવી જાઓ’ કેશવે જોરથી મૅસેજ વાંચ્યો.
“સેમ મૅસેજ” મનોજ બોલ્યો, “ચાલો જલ્દી, આપણે કેસરગંજ જઈએ છીએ”
એક સાથે પૂરો કાફલો કેસરગંજનાં રસ્તે ચડ્યો. કુલ ચાર જીપ હતી. આગળની જીપમાં રણજિત અને ત્રણ હવલદાર હતાં, બીજા નંબરની જીપમાં રાવત થોડાં હવલદારો સાથે બેઠો હતો. ત્રીજા નંબરની જીપમાં મનોજ, કેશવ અને અન્ય બે હવલદાર સવાર હતાં જ્યારે છેલ્લી જીપમાં અન્ય પાંચ હવલદારો હતાં.
શિવગંજથી કેસરગંજનો રસ્તો એક કલાકનો હતો પણ રાત્રી સમયને કારણે રસ્તા ખુલ્લાં હોવાથી બધી ગાડીઓ પુરવેગે કેસરગંજ તરફ આગળ વધતી હતી.
(ક્રમશઃ)