Aukaat - 30 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | ઔકાત – 30

Featured Books
Categories
Share

ઔકાત – 30

ઔકાત – 30

લેખક – મેર મેહુલ

‘કાર્તિકેય હોટલ’ બહાર લોકોની ભીડ ઉમટેલી હતી. શિવગંજમાં વર્ષોથી ચાલતી આ હોટલ અત્યારે શિવગંજની પહેલાં નંબરની હોટલ હતી. અહીંના જમણમાં ઘર જેવો સ્વાદ આવતો. હોટલ બહાર થોડાં ટેબલ હતાં અને શિવગંજનાં લોકો ટેબલ ફરતે બેસીને સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી રહ્યા હતાં.

કેશવે પોતાની બાઇક હોટલ બહાર ઉભી રાખી. હોટલનું વાતવરણ ખુશનુમા હતું. મીરાએ નીચે ઉતરીને ટેબલ પર નજર ફેરવી. લાઈનમાં બધા જ ટેબલ ફૂલ હતાં. છેલ્લું એક ટેબલ ખાલી હતું, જ્યાં કોઈ નહોતું બેઠું. મીરા દોડીને ટેબલ પરની ખુરશી પર જઈને બેસી ગઈ. કેશવે બાઇક પાર્ક કરી અને મીરા સામે આવીને બેઠો.

“કેમ દોડી આવ્યાં ?” કેશવે હસીને પૂછ્યું.

“એક જ ટેબલ ખાલી હતું, એનાં પર કોઈ બેસી જાય તો આપણે લાઈનમાં રહેવું પડે” મીરાએ નટખટ અંદાજમાં કહ્યું.

“હાહા, આ ટેબલ રિઝર્વ છે મેડમ” કેશવે કહ્યું, “આપણાં માટે જ આ ટેબલ ખાલી છે”

“હાહા” મીરા હસી પડી.

“બોલો શું લેશો ?” કેશવે પૂછ્યું, “ગુજરાતી થાળી કે પંજાબી ખાવાની ઈચ્છા છે”

“પંજાબી !” મીરાએ સણકો કર્યો, “આઇ ડોન્ટ લાઈક પંજાબી, ગુજરાતી જ મંગાવી લે”

કેશવે બે થાળીનો ઓર્ડર કર્યો.

“એક જ અઠવાડિયામાં ઘણુંબધું ન થવાનું થઈ ગયું” મીરાએ વાત શરૂ કરી, “શ્વેતા અને જયુ બંનેનાં અવસાન પછી અંકલ તો પડી જ ભાંગ્યા હશે”

“જયુભાઈનું તો સમજ્યા, કોઈ દુશ્મને પોતાનો બદલો લીધો હશે પણ શ્વેતા મેડમનું મૃત્યુ થયું એ વાત ન સમજાય”

“હવે તો મને પણ શ્વેતાએ આત્મહત્યા કરી હશે એવું લાગે છે” મીરાએ કહ્યું.

બંને વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન વેઈટર પાણીનો જગ અને ગ્લાસ ટેબલ પર રાખી ગયો. કેશવે અડધો ગ્લાસ ભરીને પાણી પેટમાં ઠાલવ્યું. એ દરમિયાન તેની નજર બાજુનાં ટેબલ પર પડી. બાજુનાં ટેબલ પર એ જ વ્યક્તિ બેઠો હતો જેને તેણે શિવ ટેકરીએ જોયો હતો. તેની સામે બીજો એક વ્યક્તિ બેઠો હતો અને બંને જમવામાં વ્યસ્ત હતાં. એ બંને અજિત અને રોનક હતા. બંનેમાંથી અજિતનું ધ્યાન કેશવ પર પડ્યું. કેશવની સાથે તેની આંખો ચાર થઈ એટલે અજીતે માથું ઝુકાવીને કેશવ સામે સ્મિત ફેંક્યું, જવાબમાં કેશવ શંકાની નિગાહથી તેને જોતો રહ્યો.

પોતાનાં માટે ખતરો છે એવી જાણ થતાં અજીતે રોનક તરફ ઈશારો કર્યો અને ઉભો થઇને રોડ તરફ ચાલવા લાગ્યો. રોનક પણ તેની પાછળ ચાલવા લાગ્યો.

“ઓ સાહેબ, બિલ તો ચૂકવો” વેઇટરે બૂમ પાડીને કહ્યું. વેઇટરની બૂમ સાંભળીને અજિત પાછળ ઘૂમ્યો અને કેશવ તરફ નજર કરી. કેશવે ઉભા થઈને તેનાં તરફ દોડ મૂકી એટલે અજિત સામે તરફ વળીને દોડવા લાગ્યો. આગળ રોનક, તેની પાછળ અજિત અને અજિત પાછળ કેશવ હતો. અજિત અને કેશવ વચ્ચે દસેક મીટરનું અંતર હતું. રોનક સૌથી આગળ હતો એટલે તેણે જમણી બાજુ પડતી ગલીમાં વળાંક લઈ લીધો અને અજિત સીધા રસ્તે દોડવા લાગ્યો. કેશવે અજિતનો પીછો કર્યો.

અજિત શરીરે થોડો મોટો હતો એટલે તેને દોડવામાં તકલીફ પડતી હતી. થોડીવારમાં જ તેનાં શ્વાસ ફુલાવવા લાગ્યાં. કેશવે સ્ફૂર્તિ દેખાડી, દોડીને એ અજિત સુધી પહોંચી ગયો. અજિતનાં ખભે પંજો મારીને તેણે અજિતને જમીનદોસ્ત કરી દીધો અને છાતી પર પગ વાળીને બેસી ગયો.

“કોણ છે તું અને શા માટે ભાગતો હતો ?” કેશવે અજિતની ગિરેવાન પકડીને હાંફતા હાંફતા પુછ્યું.

અજિતની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું, દોડવાને કારણે એ બોલી શકે એવી હાલતમાં નહોતો અને ઉપરથી કેશવ તેની માથે ચડી ગયો હતો.

“જવાબ આપ હરામી, શા માટે આ બધું કરે છે તું ?” કેશવે બીજીવાર પૂછ્યું. કેશવને કોઈ જવાબ મળે એ પહેલાં જ તેનાં માથાં પર એક વજનદાર અને ઘાતક પ્રહાર થયો. કેશવનો હાથ અજિતની ગિરેવાનથી છૂટી ગયો. કેશવે પાછળ ફરવાની કોશિશ કરી પણ એ પહેલા જ તેની માથાં પર બીજો ઘાતકી પ્રહાર થયો. કેશવ ચક્કર ખાઈને ત્યાં જ ઢળી ગયો.

*

બળવંતરાય પોતાની રિવોલ્વિંગ ખુરશી પર બેસીને ગહન વિચારોમાં ડૂબેલા હતાં. પોતાનાં દીકરા અને દીકરીનાં મૃત્યુ બાદ હવે એ ઘરમાં એકલા હતાં. થોડીવાર પછી ગોપાલે આવીને દરવાજો ખખડાવ્યો.

“દાદા, જમવાનું થઈ ગયું છે” ગોપાલે કહ્યું.

“મને ભૂખ નથી” બળવંતરાયે કહ્યું, “તમે લોકો જમી લો”

ગોપાલે નતમસ્તક થઈને માથું ધુણાવ્યું અને દરવાજો બંધ કરવા હાથ લંબાવ્યો.

“એક મિનિટ” કહેતા બળવંતરાય ઉભા થયાં, ડ્રોવરમાંથી રિવોલ્વર લઈ તેણે ગજવામાં સરકાવી.

“હું શિવાય ફાર્મ તરફ જાઉં છું, મારે મોડું થશે” કહેતા બળવંતરાય દરવાજા બહાર નીકળી ગયા.

બળવંતરાયનાં ગયા પછી ગોપાલે શૈતાની સ્મિત ફરકાવ્યું. ખૂણામાં જઈને તેણે બદરુદ્દીનને ફોન જોડ્યો.

“માલિક, એક મહત્વની જાણકારી મળી છે” બદરુદ્દીને ફોન રિસીવ કર્યો એટલે ગોપાલે કહ્યું.

“શું ખબર છે ?”

“કિંમત ?”

“ખબર પર નિર્ભર કરે, જેવી ખબર તેવી કિંમત” બદરુદ્દીને કહ્યું.

“તો ધ્યાનથી સાંભળો, બળવંતરાય અત્યારે શિવાય ફાર્મ તરફ જવા રવાના થયાં છે અને એ પણ એકલા !”

“શું !” બદરુદ્દીનનો અવાજ બદલાય ગયો, “ખબર પાક્કી છે ?”

“હા, મને જ જણાવીને એ નીકળ્યાં છે”

“શાબાશ, એને હું ખુદ મારાં હાથે મારીશ” બદરુદ્દીને દાંત ભીંસીને કહ્યું, “કાલે આવીને તારું ઇનામ લઈ જજે”

ગોપાલે ખુશ થઈને ફોન રાખી દીધો.

બીજી તરફ બદરુદ્દીન એક્શનમાં આવી ગયો હતો. પઠાણની હાલત હજી કફોડી હતી એટલે બીજા બે માણસને લઈને એ શિવાય ફાર્મ તરફ જવા રવાના થયો.

*

કેશવે આંખો ખોલી ત્યારે તેની સામે મીરાનો ચહેરો હતો. કેશવનું માથું મીરાનાં ખોળામાં હતું. મીરા કેશવને ભાનમાં લાવવા ગાલો પર થપકી મારતી હતી. કેશવે આંખો ખોલી એટલે મીરાએ રાહતનાં શ્વાસ લીધાં.

કેશવ બેઠો થયો. તેણે આજુબાજુ નજર કરી તો દૂર દૂર સુધી અંધારું નજરે ચડતું હતું. કેશવે માથાં પર હાથ રાખ્યો, તેને માથાનાં પાછળનાં ભાગમાં દર્દ મહેસુસ થયું.

“કોણ હતાં એ લોકો ?” મીરાએ પૂછ્યું, “અને તું એનો પીછો શા માટે કરતો હતો ?”

“આ એ જ વ્યક્તિ હતો જેને આપણે શિવ ટેકરીએ જોયો હતો” કેશવે કણસતા કણસતા કહ્યું, “મને જોઈને દોડવા લાગ્યો એટલે મેં તેનો પીછો કર્યો, એકને તો મેં દબોચી જ લીધો હતો પણ બીજાએ પાછળથી મારા માથાં પર વાર કર્યો અને હું બેહોશ થઈ ગયો”

“મેં તને કહ્યું હતું, તું આ બધું રહેવા દે પણ તારે સમજવું જ ક્યાં છે !” મીરાએ ફરિયાદ કરતાં કહ્યું.

“મને સહારો આપીને ઉભો કરશો કે હજી ઠપકો જ આપશો ?” કેશવે હળવું હસીને પૂછ્યું.

મીરાએ એક હાથ કેશવનાં ખભે રાખ્યો અને બીજો હાથ કેશવ તરફ ધર્યો, કેશવે એક હાથ મીરાનાં હાથમાં પરોવ્યો જ્યારે બીજો હાથ જમીન પર ટેકો રાખવા માટે રાખ્યો. જમીન પર હાથ રાખતાની સાથે જ તેની હથેળીમાં કોઈ ચીજનો સ્પર્શ થવાનો અહેસાસ થયો.

“એક મિનિટ” કહેતાં કેશવે મીરાનાં હાથમાંથી હાથ છોડાવીને બીજો હાથ પણ જમીન પર રાખ્યો અને બંને હાથ વડે કશુંક હાથમાં લીધું.

“ફ્લેશલાઈટ કરશો ?” કેશવે ધીમેથી પૂછ્યું. મીરાએ બેગમાંથી મોબાઈલ કાઢીને ફ્લેશ ચાલુ કરી.

“આ તો કોઈનું લોકેટ છે” મીરાએ લોકેટ હાથમાં લઈને કહ્યું.

“આ પેલાં વ્યક્તિનું હશે, મેં તેની ગિરેવાન પકડી હતી. તેની સાથે લોકેટ પણ હાથમાં આવી ગયું હશે” કેશવે કહ્યું. મીરાએ ધ્યાનથી લોકેટનું નિરીક્ષણ કર્યું.

“ઓહ માય ગોડ !, આ તો શ્વેતાનું લોકેટ છે” મીરાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું. તેની આંખો પહોળી થઇ ગઇ.

“શ્વેતા મેડમનું લોકેટ ?, તેઓનાં ગળામાં મેં કોઈ દિવસ આવું લોકેટ નથી જોયું”

“મેં તેનાં જન્મદિવસ પર તેને ગિફ્ટમાં આપ્યું હતું, આમાં તમારાં બંનેની તસ્વીર છે” કહેતાં મીરાએ લોકેટને ખોલી નાંખ્યું, “જો….”

કેશવે લોકેટ હાથમાં લીધું. લોકેટમાં પોતાની તસ્વીર જોઈને એને પણ આશ્ચર્ય થયું.

“મતલબ આ જ શ્વેતાનો હત્યારો છે” કેશવે કહ્યું, “મારે સરને ફોન કરવો પડશે”

“જે કરવું હોય એ કાલે કરજે, અત્યારે હાલત જો તારી” મીરાએ કહ્યું.

કેશવે મીરા તરફ હાથ લંબાવ્યો. મીરાએ કેશવનો હાથ ઝાલીને કેશવને ઉભો કર્યો.

“ઠીક છે ને તું ?” મીરાએ કેશવનાં ગાલ પર હાથ રાખીને પૂછ્યું, “ડોક્ટર પાસે જવું છે ?”

“મારાં ડૉક્ટર અહીં જ છે, મારે શું ટ્રીટમેન્ટની જરૂર છે” કેશવે હસીને કહ્યું. કેશવની વાત સાંભળીને મીરા પણ શરમાઇને હસવા લાગી. કેશવે ધીમે ધીમે બાઇક ચલાવી.

“તારાં ઘરે કોણ છે અત્યારે ?” મીરાએ પૂછ્યું.

“કોઈ નહિ” કેશવે કહ્યું, “હું એકલો રહું છું”

“આવી હાલતમાં તું કેવી રીતે રહીશ ?, આપણે કશું જમ્યા પણ નથી” મીરાએ કહ્યું, “હું સાથે રહું તો ઓકવર્ડ ફિલ નહીં થાયને ?”

“એમાં શું ઓકવર્ડ ફિલ થાય ?, તમે રહી શકો છો” કેશવે સસ્મિત કહ્યું.

“ચાલ તો, તારાં ઘર તરફ બાઇક લઈ લે”

કેશવે ટર્ન લીધો અને પોતાનાં ઘર તરફ બાઇક વાળી લીધી.

*

બળવંતરાય ગહન વિચારોમાં કાર ડ્રાઇવ કરી રહ્યાં હતાં. તેની પાછળ થોડાં અંતરે બદરુદ્દીનની કાર હતી, જેનાથી એ વાકેફ નહોતાં. શહેર પાછળ રહી ગયું હતું. કાર સુમસાન સડક પર દોડી રહી હતી. આ રસ્તો પણ શિવાય ફાર્મ પર પૂરો થઈ જતો હતો એટલે અહીં પણ અન્ય કોઈ વાહન પસાર નહોતું થતું.

બળવંતરાય મધ્યમ ગતિએ કાર ચલાવતાં હતાં. કારની સાથે તેનાં વિચારો ફૂલ સ્પીડે દોડતાં હતાં. એક વળાંક લઈને બળવંતરાયે અડધા કિલોમીટરની લાંબી પટ્ટી પર કાર ચડાવી. તેની પાછળ બદરુદ્દીને પણ વળાંક લીધો.

રસ્તો સુમસાન હતો, અંધારું એટલું હતું કે દસ ફૂટનાં અંતરે ઉભેલો વ્યક્તિ પણ આ અંધારામાં નહોતો જોઈ શકાતો. બદરુદ્દીને પોતાની કારની લાઈટ બંધ રાખી હતી એટલે સ્વભાવિક રીતે પાછળ કોઈ વાહન આવે છે તેનો ખ્યાલ બળવંતરાયને નહોતો.

સહસા બદરુદ્દીને કારની ગતી વધારી, બળવંતરાયને ઓવરટેક કરીને તેણે આગળ કાર થોભાવી દીધી. રસ્તો બ્લોક થઈ ગયો એટલે બળવંતરાયે પણ કાર થોભાવી દીધી. બદરુદ્દીન તેનાં માણસો સાથે કારમાંથી નીચે ઉતર્યો. બદરુદ્દીનને નીચે ઉતરતાં જોઈ બળવંતરાયને આશ્ચર્ય થયું. જિજ્ઞાસાવશ એ પણ નીચે ઉતર્યા.

“બદરુદ્દીન, આટલી મોડી રાત્રે તું અહીં શું કરે છે ?” બળવંતરાયે ઉગ્ર અવાજે કહ્યું, “આપણો કરાર ભૂલી ગયો કે શું ?, આપણે કોઈની મંજૂરી વિના એકબીજાનાં શહેરમાં નથી આવવાનું એ ખબર છે ને !”

“બધું જ યાદ છે બળવંત, એ દિવસે તે શું ખેલ ખેલ્યા હતાં એ બધી જ મને ખબર છે” બદરુદ્દીને કહ્યું, “કેવી રીતે શિવગંજની ચિઠ્ઠી પર નિશાન કર્યું હતું અને કેવી રીતે તારાં ભાગમાં શિવગંજ આવ્યું એ બધી જ મને ખબર છે”

“શું બકવાસ કરે છે ?, આજે વધુ ઢીચી ગયો છે કે શું ?”

“બકવાસ કોણ કરે છે એ તું જાણે જ છે અને અત્યારે હું શા માટે અહીં આવ્યો છું એ પણ તું સારી રીતે જાણે જ છે”

“મને નથી ખબર, જે કામ હોય એ કાલે મારી હવેલીએ આવીને કહેજે. અત્યારે મારો રસ્તો છોડ, મારે મહત્વનું કામ કરવાનું છે”

“અહીં સુમસાન જગ્યા પર મારી સામે તું નિઃશસ્ત્ર ઉભો છે અને તું મને કાલે મળવાની વાત કરે છે” બદરુદ્દીન હસ્યો, “કાલે તને મળવું હોય તો મારે યમરાજની રજા લેવી પડશે”

બદરુદ્દીનની વાત સાંભળીને બળવંતરાય સચેત થઈ ગયો. રિવોલ્વર કાઢવા તેણે ગજવામાં હાથ નાંખ્યો પણ નિકળતી વેળાએ તેણે સાઈડની સીટ પર રિવોલ્વર રાખી હોવાથી તેનાં હાથમાં કશું ના લાગ્યું.

“શું થયું ?” બદરુદ્દીન ફરી હસ્યો, “રિવોલ્વર શોધે છે ?”

“તું ભૂલ કરે છે બદરુદ્દીન, આપણે સાથે મળીને આ સામ્રાજ્ય ઉભું કર્યું હતું, તારે શિવગંજ જોઇએ છે ને !, આજથી શિવગંજ તારું. મને જવા દે” બળવંતરાયે પોતાનો બચાવ કરવાની કોશિશ કરતાં કહ્યું.

બદરુદ્દીન બે ડગલાં આગળ વધ્યો. પોતાની લાંબી દાઢીમાં હાથ ફેરવતાં એ બોલ્યો,

“તું મને શિવગંજ આપે એમાં મને કોઈ વાંધો નથી પણ કાલે સવારે જાગીને તું ફરી શિવગંજ માંગે તો હું શું કરું ?, એનાં કરતાં અત્યારે હું તને પરલોક મોકલી દઈશ તો શિવગંજ પણ મળશે અને તારો ખતરો પણ નહીં રહે”

“મહેરબાની કરીને મને જવા દે” બળવંતરાય કરગર્યા, “હું આજ પછી, શિવગંજમાં પગ પણ નહીં રાખું. આમ પણ દીકરો-દીકરી ગુમાવી ચુક્યો છું. હવે મને શિવગંજનો મોહ નથી રહ્યો”

બદરુદ્દીન મોટેથી હસવા લાગ્યો. દાઢીમાં વારાફરતી હાથ ફેરવીને બત્રીસી બતાવી રહ્યો હતો. થોડીવાર બદરુદ્દીન નિરંતર હસતો રહ્યો. તેણે હસવાનું બંધ કર્યું એટલે બળવંતરાય હસવા લાગ્યાં. બળવંતરાયને હસતાં જોઈ બદરુદ્દીનને આશ્ચર્ય થયું.

“શું થયું ?, તને કેમ હસવું આવે છે ?” બદરુદ્દીને પૂછ્યું.

“એકવાર પાછળ નજર ફેરવ” બળવંતરાયે કહ્યું. બદરુદ્દીને પાછળ ઘૂમ્યો તો તેનાં હોશ ઉડી ગયાં. પાછળ તેનાં માણસો જમીનદોસ્ત થઈને પડ્યા હતાં. તેનાં કપાળમાં ગોળી મારીને બંનેને મારી નાંખવામાં આવ્યાં હતાં. બદરુદ્દીન કંઈ વિચાર કરે એ પહેલાં એક ગોળી આવીને સીધાં તેનાં કપાળમાં ઘુસી ગઈ. તેની સાથે બદરુદ્દીન પણ લથડાઈને જમીનદોસ્ત થઈ ગયો.

બદરુદ્દીનની કાર પાછળથી એક વ્યક્તિ બહાર આવ્યો, બળવંતરાય પાસે જઈને તેણે તેના ચરણસ્પર્શ કર્યા.

“શાબાશ મંગુ, જ્યાં સુધી તું મારી સાથે છે ત્યાં સુધી મારો વાળ પણ વાંકો નથી થવાનો” મંગુની પીઠ થાબડીને બળવંતરાયે કહ્યું.

***

સવારનાં દસ થયાં હતાં. મનોજ પોતાનાં કેબિનમાં બેસીને ફાઇલો તપાસતો હતો. તેણે બે હોઠ વચ્ચે સિગરેટ દબાવીને રાખી હતી. થોડાં સમયનાં અંતરાળમાં એ દમ ખેંચીને, ચહેરો સાઈડમાં કરીને ધુમાડા છોડતો હતો.

“રાવત સાહેબ” મનોજે બૂમ મારી, દરવાજો ખુલ્લો હતો એટલે અવાજ સાંભળીને રાવત કેબિનમાં પ્રવેશ્યો.

“જી સર” રાવતે છાતી ફુલાવીને પગનાં અંગૂઠા પર ઊંચા થઈને કહ્યું.

“શ્વેતાનાં મોબાઇલમાંથી જે નંબર મળ્યો હતો તેનું શું થયું ?, કોઈ અભિમન્યુ મિશ્રા નામનાં છોકરાનો હતોને એ નંબર ?”

“હા સર, વેસ્ટ મુંબઈમાં તેનું લોકેશન મળ્યું હતું પણ ત્યાંના ઑફિસરનું કહેવું છે કે એ નામનો કોઈ વ્યક્તિ જ નથી. મને લાગે છે એ ફર્જી સિમ હશે” રાવતે કહ્યું.

“ફર્જી સિમ હોય તો પણ તેનું લોકેશન તો ટ્રેસ કરી શકાયને, તેનું લોકેશન ક્યાં મળે છે ?”

“એ પણ મેં તપાસ કરી છે, શ્વેતાનાં મર્ડરનાં દિવસે તેનું છેલ્લું લોકેશન શિવગંજમાં મળ્યું હતું. ત્યારબાદ એ સિમ તોડીને ફેંકી દેવામાં આવ્યું હશે અથવા અન-એક્ટિવ કરી દેવામાં આવ્યું હશે”

“સરસ” મનોજે ટેબલ પર હાથ પછાડ્યો, “મંગુનું શું થયું ?, એનો કોઈ પત્તો લાગ્યો ?”

“એનો મોબાઈલ પણ બંધ આવે છે અને છેલ્લું લોકેશન બળવંતરાયની ફેકટરી પાસે જ મળ્યું હતું”

“તો હવે આ કેસમાં કેવી રીતે આગળ વધીશું ?, નથી કોઈ સસ્પેક્ટ કે નથી કોઈ ક્લુ. આમ તો મર્ડર પર મર્ડર થતાં રહેશે અને આપણે હાથ ઉપર હાથ રાખીને બેઠા રહીશું”

“એક વાત જાણવું સર” રાવતે અચકતાં અચકાતાં કહ્યું, “છેલ્લાં કેટલાંક વર્ષોથી બળવંતરાયને કારણે શિવગંજની પોલિસ હાથ પર હાથ રાખીને જ બેઠી છે. અમારી નજર સામે બધી ઘટનાં બનતી પણ અમે માત્ર દર્શક બનીને જ બેસી રહેતાં, જેને કારણે અત્યારે પણ એવી જ સ્થિતિ સર્જાઈ છે”

“પોલીસ સ્ટેશન બળવંતરાયનાં બાપનું નથી. આપણને ગવર્મેન્ટ પગાર આપે છે, બળવંતરાય નહિ. આજ પછી આવા બહાના કાઢીને પોતાનો બચાવ કરવાની કોશિશ કરી તો ટ્રાન્સફર કરાવી દઈશ” મનોજ ભડક્યો. ઉભો થઈને એ રાવત પાસે આવ્યો, “લૂક મિસ્ટર રાવત, હું અહીં રામલીલા જોવા નથી આવ્યો. તમને જાણકારી ન મળી હોય તો જણાવી દઉં, આ કેસ સોલ્વ કરવા જ મારું અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી આ કેસ સોલ્વ નહિ થાય ત્યાં સુધી ના તો હું ચેનથી બેસીશ અને ના તો કોઈને બેસવા દઈશ”

“અને હા, મારી ઊંમર પરથી મારાં કામનો અંદાજો ના લગાવશો. IPS બન્યો છું, કંઈક ખાસ હશેને મારામાં”

“માફી ચાહું સર” હવલદાર દિપક કેબિન પ્રવેશ્યો, “કેશવ તમને મળવા ઈચ્છે છે”

મનોજે ઊંડો શ્વાસ લીધો, ધીમેથી શ્વાસ બહાર કાઢીને તેણે શરીર ઢીલું મૂક્યું.

“અંદર મોકલો એને” મનોજે કહ્યું એટલે દિપક બહાર જતો રહ્યો, “અને તમે રાવત સાહેબ, પોલીસ સ્ટેશનમાં બેસીને ખુરશીઓ તોડવા કરતાં, બહાર જઈને કોઈ સબુત મેળવશો તો અમે તમારાં આભારી રહીશું”

રાવતની હાલત કાપો તો પણ લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી. મનોજે શબ્દો એવો તમાચો માર્યો હતો જેને કારણે રાવત હચમચી ગયો. તેણે ગુસ્સામાં સલામી ઠોકી અને પગ પછાડતો પછાડતો બહાર નીકળી ગયો.

થોડી ક્ષણો બાદ કેશવ ઠૂંગાતો ઠૂંગાતો કેબિનમાં પ્રવેશ્યો. તેનાં પગમાંથી લોહી વહેતું હતું, માથાં પર પાટો બાંધેલો હતો. શર્ટ ફાટી ગયો હતો અને ફાટી ગયેલાં શર્ટમાં તેની છાતી દેખાતી હતી તેમાં ઉઝરડા પડી ગયા હતાં.

કેશવની આવી હાલત જોઈને મનોજ ઉભો થઇ ગયો. દોડીને એ કેશવ નજીક પહોંચ્યો અને સહારો આપીને તેને ખુરશી સુધી લઈ આવ્યો.

“આ બધું કેવી રીતે થયું મી.કેશવ ?” મનોજે પૂછ્યું.

(ક્રમશઃ)