ઔકાત – 27
લેખક – મેર મેહુલ
કેશવ અને મીરા શિવગંજની શિવ ટેકરીનાં પગથિયે બેઠા હતા. બંને વચ્ચે પ્રેમાલાપ થઈ રહ્યો હતો.
“રૂપ અને રૂપિયો તો સમયનું મહોતાજ છે, આજે કમાયેલી ઈજ્જત મરતી વેળા સુધી સાથે રહેશે” કેશવે કહ્યું.
“બસ હવે, મારે આ ડાયલોગબાજીમાં નથી પડવું” મીરાએ કેશવનાં ખભે માથું રાખ્યું, “મારે મારો કેશવ જોઈએ છે, ફિલોસોફર નહિ”
કેશવ હળવું હસ્યો, મીરાનાં માથે હાથ રાખી તેને મસ્તક પર ચુંબન કર્યું અને કહ્યું,
“હું એ જ છું મેડમ” કેશવે હળવું હસીને કહ્યું.
થોડી ક્ષણો માટે મીરા કેશવનાં ખભા પર માથું રાખીને બેસી રહી. કેશવે પણ સમજીને મૌન રહેવાનું પસંદ કર્યું હતું.
“કોલેજ પુરી કરીને શું કરીશ તું ?” મીરાએ ઊંચું જોઈને પૂછ્યું.
“મારાં સપનાં જુદા છે, લોકો પોતાનાં ગોલ બધા સાથે શેર કરે છે પણ મારા ગોલ કોઈને નથી કહેતો” કેશવે કહ્યું.
“મને પણ નહિ ?” મીરાએ થોડા સંકોચ સાથે કહ્યું.
“સમય આવશે ત્યારે તમને પણ ખબર પડી જશે મેડમ” કેશવે કહ્યું, “હાલ તો તમને પણ નહીં કહી શકું”
“હું તો કોલેજ પુરી કરીને શિક્ષક બનવા ઈચ્છું છું” મીરાએ કહ્યું, “નાના બાળકો સાથે નાના બાળક થઈને રહેવું છે મારે”
“તો પછી આપણાં બાળકોને કોણ સંભાળશે ?” કેશવે મૂછમાં પર હસીને પુછ્યું.
“જેમ અત્યારે સંભાળું છું એમ ત્યારે બે અથવા ત્રણને સંભાળીશ” મીરા પણ હોઠ પર હસી.
“એ માટે તો પહેલા….”
“ચૂપ, આગળ ના બોલતો” મીરાએ કેશવનાં હોઠ પર આંગળી રાખી દીધી. કેશવે મીરાનો હાથ પકડીને મીરાને પોતાનાં તરફ ખેંચી. મીરા નજર ઝુકાવીને શરમાઈ ગઈ. કેશવે મીરાને હડપચીએથી પકડી અને ચહેરાને સહેજ ઊંચો કર્યો. થોડી ક્ષણો માટે બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા.
સહસા કોઈનાં પગરવનો અવાજ બંનેના કાને પડ્યો એટલે બંને એકબીજાથી દુર થઇ ગયા. સામે એક વ્યક્તિ દાદર ચડી રહ્યો હતો. તેની નજર પગથિયાં સાથે વાતો કરતી હતી. લાંબી દાઢી, ચહેરા પર ટૂંકા વાળ, મૂછોનાં આંકડા ચડેલા અને હાથમાં પીળા રંગનું જાડું કડું. દેખાવે એ વ્યક્તિ ખૂંખાર લાગતો હતો. કેશવ એ વ્યક્તિને જોતો જ રહી ગયો.એ વ્યક્તિની નજર ઊંચી થઈ, થોડીવાર માટે તેની અને કેશવની આંખો ચાર થઈ. કેશવે સ્મિત કર્યું એટલે તેણે પણ સ્મિત કર્યું અને બીજી ક્ષણે નજર ફેરવીને પોતાની ધૂનમાં એ પગથિયાં ચડવા લાગ્યો.
“આ વ્યક્તિને મેં પહેલાં ક્યાંક જોયો છે” કેશવે કહ્યું, “પણ ક્યાં જોયો એ યાદ નથી આવતું ?”
“હશે હવે, શિવગંજ મોટું શહેર છે. ક્યાંક નજર મળી ગઈ જશે”
“હા યાદ આવ્યું” કેશવે મગજ પર જોર આપીને કહ્યું, “તે દિવસની બર્થડે પાર્ટીમાં જ્યારે હું ગેટ બહાર નીકળ્યો ત્યારે આ વ્યક્તિ મારી સાથે અથડાયો હતો”
“અંકલનાં સંબંધી હશે કોઈક” મીરાએ કહ્યું, “ચાલ આપણે પેલી સાઈડ જઈએ, તું ગમે ત્યાં શરૂ થઈ જાય છે”
મીરાની વાત પર બંને હસી પડ્યા.
કોણ હતો એ વ્યક્તિ ?
*
સવારનાં દસ થયાં હતાં. પોલીસ સ્ટેશન નવી બનાવેલી ઇમારત જેવું સ્વચ્છ અને વ્યવસ્થિત કરી દેવામાં આવ્યું હતું. આજે નવા IPS અધિકારી આવવાનાં હતાં. રાવત અને તેની ટીમ તેઓની રાહ જોઇને બેઠા હતાં.
“કોઈની રાહ જુઓ છો સાહેબ ?” ગઈકાલેવાળો યુવાન પોલિસ સ્ટેશનનાં દાદર ચડતાં બોલ્યો.
“તું કેમ વહેલાં આવી ગયો ?” રાવત સહેજ ઊકળ્યો, “બપોરે આવવા કહ્યું હતું તને”
“હું આ બાજુ આવતો હતો તો તમને મળતો જાઉં એમ વિચારીને આવી ગયો” યુવાને કહ્યું, “તમે મારી વાતનો જવાબ ના આપ્યો, કોઈની રાહ જુઓ છો ?”
“હા, નવા IPS અધિકારી આવે છે” રાવતે કંટાળીને કહ્યું, “બેસ થોડીવાર, આવે એટલે તારી સાથે મુલાકાત કરાવી દઈશ”
“શું નામ છે સાહેબનું ?”
“તું કેમ આટલી પૂછપરછ કરે છે ભાઈ ?” રાવત ભડક્યો, “સંબંધી છે તારા ?”
“નામ તો કહો સાહેબ !”
“મનોજકુમાર” રાવતે કહ્યું, “હવે બીજું કંઈ જાણવું છે ?”
“એ મનોજકુમાર હું જ છું” મનોજે કહ્યું, “તમે લોકો મારી જ રાહ જોઈ રહ્યા છો”
રાવતે મનોજ તરફ નજર કરી, પાતળો બાંધો, લંબગોળ ચહેરો, ચહેરા પરનાં અસ્તવ્યસ્ત વાળ અને મેલાઘેલા કપડાં.
“મજાક કરે છે ?” રાવતે હસીને પૂછ્યું.
“આ રહી મારી સર્વિસ રિવોલ્વર, આ બેઝ અને આ મારું આઇડી પ્રૂફ” મનોજે ગજવામાંથી બધી વસ્તુઓ કાઢીને રાવતનાં હાથમાં આપી, “તમે જાતે જ તપાસી લો”
રાવતે આઇડી પ્રૂફ અને બેઝ તપાસ્યો. તેની આંખો મોટી થઈ ગઈ. એ ટટ્ટાર થયો અને સલામી ઠોકીને કહ્યું, “માફ કરશો સર, હું કિશોર રાવત, સુપ્રીડન્ટ ઇન્સ્પેકટર શિવગંજ પોલીસ સ્ટેશન વતી આપનું સ્વાગત કરું છું”
મનોજે રાવતનાં હાવભાવ તપસ્યા. રાવત ડર અને ભોંઠપયુક્ત ભાવે ઉભો હતો.
“તમારાં માટે હું સર નથી રાવત સાહેબ, મને ખબરી જ બનીને રહેવા દો” મનોજ હળવું હસીને બોલ્યો.
“સૉરી સર, તમને ઓળખવામાં ભૂલ થઈ ગઈ” રાવતે પૂર્વવત ભોંઠપ અનુભવી.
“સૉરી ના કહો, તમે મને ના ઓળખી શક્યા એમાં મારી આવડત સિદ્ધ થઈ છે. મેં જ એવી રીતે વેશ પલટો કર્યો હતો જેથી મને કોઈ ઓળખી ના શકે” મનોજે કહ્યું.
“આ વેશ પલટો કરવાનું કારણ જણાવશો” રાવતે કહ્યું.
“ચાલો અંદર જઈને બધી વાતો કરીએ” મનોજે કહ્યું.
“રણજિત, સાહેબ માટે એક મસાલેદાર ચા કહી દે” રાવતે કહ્યું, પછી મનોજ તરફ ફરીને ઈશારો કરતાં વાત આગળ ધપાવી, “આ તમારું કેબિન છે”
મનોજ કેબિનમાં પ્રવેશ્યો, કાચનાં પાટેશનવાળું કેબિન અંદરથી મોટું જણાતું હતું. અંદર એ.સી. લગાવવામાં આવી હતી. સામે ભૂરા રંગનું મોટું ટેબલ હતું, એ ટેબલની પાછળ મોટી, કાળી રિવોલ્વીંગ ચેર હતી.
“આવે સર” રાવતે ખુરશી તરફ ઈશારો કરીને કહ્યું.
મનોજ જઈને ખુરશી પર બેઠો.
“હું તમારો જવાબ જાણવા ઉત્સુક છું” રાવતે સામેની ખુરશી પર બેઠક લઈને કહ્યું, “તમારાં વેશપલટો કરવા પાછળનું કારણ જણાવશો”
“હું લોકોની નજરમાં નથી આવવા માંગતો, એક નવા IPS અધિકારી આવ્યા છે એવું કોઈને માલુમ થયું તો મને ખરીદવા માટે બોલીઓ લાગવા મંડશે. માટે હું એક ખબરી બનીને જ કામ કરીશ”
“સૉરી સર, પણ એ થોડું ઓડ નહિ લાગે ?” રાવતે કહ્યું, “હું તમને ઓર્ડરસ આપીશ એ મને નહિ ગમે”
“તમે ઉંમર અને અનુભવમાં મારાથી ઘણા મોટા છો, તમારી સાથે કામ કરીવું મને ગમશે” મનોજે કહ્યું, “ઓર્ડર કોઈ પણ આપે, કાર્યવાહી સરખી રીતે થવી જોઈએ”
“જી સર” રાવતે કહ્યું.
“તમે લોકો ક્યાં ક્યાં કેસ પર કામ કરો છો એની ફાઇલ આપો, હું કેસ સ્ટડી કરીને તમારી સાથે જોડાઈ જઈશ” મનોજે કહ્યું.
“હાલ તો બે કેસ છે” કહેતાં રાવતે અણધાર્યા થતાં હુમલા અને શ્વેતાનાં મૃત્યુની ઘટનાં કહી.
“થોડીવારમાં ફાઇલ તમારાં ટેબલ પર પહોંચી જશે” રાવતે વાત પૂરી કરી.
મનોજે સહમતીપૂર્વક માથું ધુણાવ્યું. રાવત ઉભો થયો, સલામી ઠોકી અને બહાર નીકળી ગયો. થોડીવારમાં એક હવલદાર હાથમાં ફાઇલનું બંચ લઈને કિશોરનાં કેબિનમાં પ્રવેશ્યો.
કિશોરે ફાઇલ ફાઇલ ટેબલ પર રાખવા ઈશારો કર્યો એટલે હવલદાર બંચને ટેબલ પર રાખી, સલામી ભરીને ચાલ્યો ગયો. કિશોરે બંચ ખોલ્યું, ઉપર શ્વેતાનાં મૃત્યુની ત્રણ ફાઇલ હતી.
મનોજે વારાફરતી ફાઈલો વાંચી, ફોટોગ્રાફ જોયાં, ફિંગરપ્રિન્ટસ ચેક કરી. અંતે બધાનાં સ્ટેટમેન્ટની ફાઇલ વાંચી.
સ્ટેટમેન્ટ પરથી શ્વેતાએ સ્યુસાઈડ કર્યું છે એવું જણાવવામાં આવ્યું હતું. સહસા મનોજ ચમક્યો. તેણે ફોટોગ્રાફની ફાઇલ હાથમાં લીધી અને બધા ફોટોઝને ફેરવી ફેરવીને તપસ્યા.
“આ સ્યુસાઇડ નથી, અરેન્જન્ડ મર્ડર છે” મનોજે ટેબલ પર હાથ પછાડીને કહ્યું.
(ક્રમશઃ)