Ability - 20 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | ઔકાત – 20

Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

ઔકાત – 20

ઔકાત – 20

લેખક – મેર મેહુલ

પરસાળમાં માહોલ ગમગીન હતો, જન્મદિવસનો ઉત્સવ શોકસભામાં બદલાય ગયો હતો. એક તરફ શ્વેતાની સહેલીઓ રડી પડી હતી તો બીજી તરફ ઘણા લોકો આ ઘટનાં કેવી રીતે બની અને ઘટનાં પાછળ કોનો હાથ છે એ જાણવા ઉત્સુક થઈ રહ્યા હતાં.

સહસા એક કાર દરવાજા પાસે આવીને ઊભી રહી. તેમાંથી શશીકાંત અને બદરુદ્દીન ઉતરીને પરસાળમાં આવ્યાં. ગમગીન વાતાવરણ જોઈને તેઓને કંઈક બનાવ બન્યો છે તેનો ખ્યાલ આવી ગયો એટલે તેઓ બળવંતરાય પાસે પહોંચી ગયા. બળવંતરાય ભાવહીન ચહેરે ખુરશી પર બેઠા હતાં.

“શું થયું મોટાભાઈ, કેમ વાતાવરણ આટલું બધું ગંભીર છે ?” શશીકાંતે પૂછ્યું.

“મારી દીકરી હવે આ દુનિયામાં નથી રહી શશીકાંત” કહેતાં બળવંતરાય ફરી રડી પડ્યા.

“શું કહ્યું તમે ?” શશીકાંત ચોંકી ગયો, “શું થયું શ્વેતાને”

ગોપાલે આવીને શશીકાંતને બધી ઘટનાં કહી સંભળાવી. ગોપાલની વાત સાંભળીને શશીકાંત પણ રડવા લાગ્યો. એ દરમિયાન રાવત અને રણજિત પરસાળમાં આવ્યાં.

“કંઈ ખબર પડી ?” બદરુદ્દીને રાવતને ઉદ્દેશીને પૂછ્યું.

“હાલ તો તપાસ શરૂ છે, અત્યારે જેટલા લોકો હાજર છે તેઓ પોતાનું નામ અને નંબર નોંધાવી દેજો અને અમે જ્યાં સુધી પરવાનગી ના આપીએ ત્યાં સુધી કોઈએ શિવગંજ છોડીને જવાનું નથી, તમને ગમે ત્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે” રાવતે મોટા અવાજે કહ્યું, ત્યારબાદ એ બળવંતરાય તરફ આગળ વધ્યો, “તમારી દીકરીનાં રૂમ એક અલમારી છે, તેનું ડ્રોવર લૉક છે. તેની ચાવી મળશે ?”

બળવંતરાયે ઊંચું જોયું, રાવત પર વેધક નજર નાંખી અને ગુસ્સે થતાં બોલ્યા, “એ ચાવી શ્વેતા પાસે જ હતી અને તમે લોકો શું કરતાં હતાં જ્યારે મારી દીકરી સાથે આ બધું બન્યું ?”

“માફ કરશો દાદા, તમારી દીકરીએ સ્યુસાઇડ કર્યું કે તેની હત્યા થઈ છે એ વાત હજી સાબિત નથી થઈ. જો સ્યુસાઈડ હશે તો એ તમારો અંગત મામલો છે અને જો હત્યા થઈ હશે તો અમે હત્યારાને પાતાળમાંથી પણ શોધી કાઢીશું” રાવતે થોડાં ડર અને સહેજ નરમાઈથી કહ્યું.

“તમે લોકો કંઈ નથી કરી શકવાના, તમારી ફોર્મલિટી પુરી કરો અને નીકળો અહીંથી. શ્વેતાનાં રૂમની તપાસ કરવાની તમારે જરૂર નથી” બળવંતરાયે તિરસ્કારથી રાવત તરફ જોઈને કહ્યું.

“પણ દાદા…”

બળવંતરાયે રાવતને અટકાવ્યો,

“ફોર્મલિટી પુરી કરો અને નીકળો અહીંથી”

રાવત નીચી નજર કરીને ઉભો રહ્યો. સહસા બીજી એક કાર આવીને ઉભી રહી, તેની પાછળ એક લોડિંગ રીક્ષા પણ હતી. કારમાંથી કેશવ અને મંગુ ઉતર્યા, ત્યારબાદ રિક્ષામાંથી બે મજૂરોએ કેક નીચે ઉતારી. બંને પરસાળમાં પહોંચ્યા એટલે તેઓને પણ ઘટનાથી વાકેફ કરવામાં આવ્યાં. શ્વેતા મૃત્યુ પામી છે એ વાત જાણીને કેશવનાં પેટમાં ફાળ પડી. તેણે મીરા તરફ એક નજર કરી પણ મીરા પાસે કેશવ તરફ જોવાનો સમય નહોતો. મીરા આઘાતમાં હતી.

“જેવું તમે કહો દાદા” રાવતે ખભા ઝુકાવીને કહ્યું, “રણજિત, નામ-નંબર લખી લે બધાનાં”

રણજિતે બધાની વિગત લઈ લીધી. એ દરમિયાન ફોટોગ્રાફર અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ આવી ગયા. રાવતે બધા લોકોને જવા કહ્યું ત્યારબાદ પેલાં બંને લોકોને લઈને એ શ્વેતાનાં રૂમમાં ગયો. ફોટો ગ્રાફરે જુદા જુદા એંગલથી શ્વેતાની લાશનાં ફોટા પડ્યા.

ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને રાવત દ્વારા સૂચનાઓ આપવામાં આવી, જેમાં અલમારીનાં હેન્ડલ પરથી પહેલી ફિંગરની છાપ લેવામાં આવી. ત્યારબાદ રાવતે પોકેટમાંથી પિસ્તોલ અને કાચન ટુકડાની બેગ એક્સપર્ટનાં હાથમાં આપી,

“આ બંને પરથી પણ છાપ લેવાની છે”

રાવત ટેબલ તરફ આગળ વધ્યો,

“આ સ્કેલને પ્લાસ્ટિક બેગમાં રાખી દો અને એમાં રહેલી છાપ પણ લઈ લેજો”

ફોટોગ્રાફર અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનું કામ પૂરું થયું એટલે બંને બહાર જતાં રહ્યાં. થોડીવાર પછી એક માણસ દરવાજા પાસે આવીને ઉભો રહ્યો. તેનાં હાથમાં એક બેગ હતી. રાવતે આંખનાં ઈશારે જ તેને કામ પુછ્યું.

“રણજીત સાહેબે મોકલ્યો છે” એ માણસે કહ્યું, “કોઈ ડ્રોવર ખોલવા માટે”

“ઓહ, અંદર આવો” રાવતે કહ્યું. પેલો માણસ રૂમમાં.પ્રવેશ્યો, શ્વેતાની લાશ જોઈને બીભત્સ ભાવે ચહેરો બીજી તરફ ફેરવી લીધો.

“ડ્રોવર ખોલીને ફરી એ જ અવસ્થા ફિટ કરી શકશો ?” રાવતે ધીમેથી પુછ્યું.

“જી બિલકુલ, આ જ તો મારું કામ છે” પેલાં માણસે કહ્યું.

“ગુડ, તો જલ્દીથી આ ડ્રોવર ખોલી આપો” કહેતાં રાવતે અલમારીનું બારણું ખોલ્યું અને ડ્રોવર બતાવ્યું. પેલો માણસ અલમારી પાસે પહોંચ્યો, બેગ ખોલ્યું અને તેમાંથી જરૂરી સમાન કાઢીને ડ્રોવર ખોલવામાં લાગી ગયો. પાંચ મિનિટમાં ડ્રોવરનો લોક.ખુલ્લી ગયો હતો.

રાવતે ડ્રોવરને ખોલ્યું, ડ્રોવરમાં જે વસ્તુ હતી એ જોઈને તેનાં હોશ ઊડી ગયા. તેણે એ વસ્તુ ડ્રોવરમાંથી કાઢીને પોતાનાં પોકેટમાં સરકાવી દીધી અને કારીગરને ડ્રોવર લૉક કરવા કહી દીધું. દસ મિનિટમાં કારીગરે પોતાનું કામ પૂરું કર્યું, બંને ફરી પરસાળમાં આવ્યાં. દરવાજા બહાર લાલ-નિલી લાઈટો જબુકાવતી એમ્બ્યુલન્સ ઉભી હતી. રાવતે આદેશ આપ્યો એટલે શ્વેતાની ડેડબોડીને બહાર લાવવામાં આવી.

“ક્યાં લઈ જાઓ છો મારી દીકરીને ?” બળવંતરાયએ ઊભા થઈને પુછ્યું.

“ફોર્મલિટી દાદા” રાવતે કટાક્ષમાં કહ્યું, “પોસ્ટમોર્ટમ તો કરવું પડશેને !”

“કોઈ જરૂર નથી” બળવંતરાયે ચીડ સાથે કહ્યું, “પોસ્ટમોર્ટમનાં બહાને એ લોકો શરીરનાં અંગો કાઢી લે છે અને પછી વેચી દે છે”

“હું ખાતરી આપું છું દાદા” રાવતે કહ્યું, “એવું કશું નહીં થાય”

“હા ભાઈ, પોસ્ટમોર્ટમ તો કરાવવું પડશે. પોસ્ટમોર્ટમ કરાવીશું તો જ તેનાં મૃત્યુનું સાચું કારણ ખબર પડશે” શશીકાંતે બળવંતરાયને સમજાવ્યા. બળવંતરાય ઢીલા પડ્યા અને ખુરશી પર બેસી ગયાં. લાશને એમ્બ્યુલેન્સમાં ખસેડવામાં આવી. સાયરન વગાડતી એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ રવાના થઈ ગઈ.

*

રાતનાં દસ થયાં હતાં. હવેકીનાં પરસાળમાં બળવંતરાય, શશીકાંત, અને મંગુ ઉભા હતાં. ખૂણામાં એક ખુરશી પર બદરુદ્દીન બેઠો હતો. સ્ટેજનાં પગથિયાં પર મીરા, રીટા અને સાધના બેઠી હતી. કેશવ તેઓની બાજુમાં અદબવાળીને ઉભો હતો.

“ચાલો તમને ઘરે છોડી જાઉં, પોસ્ટમોર્ટમમાં ખાસ્સો એવો સમય લાગશે” કેશવે ત્રણેય છોકરીઓ તરફ ઊડતી નજર કરીને કહ્યું.

“અમે તો નજીક જ રહીએ છીએ, મીરાને છોડી આવ” રીટાએ કહ્યું.

“મેડમ, ચાલો” કેશવે કહ્યું. મીરા ઉભી થઇ, આંખોમાં રહેલા આંસુ લૂછયાં અને ચાલવા લાગી. કેશવ પણ તેની પાછળ પાછળ બહાર ગયો. કેશવે બાઇક શરૂ કરી એટલે મીરા ચુપચાપ બેસી ગઈ. થોડે આગળ જતા મીરાએ કેશવને બાઇક રોકવા કહ્યું. કેશવે બાઇક રોકી એટલે મીરા નીચે ઉતરી ગઈ.

“શું થયું ?” કેશવે પુછ્યું.

“તારી અને શ્વેતા વચ્ચે શું વાતચીત થઈ હતી ?” મીરાએ સપાટ ભાવે પુછ્યું. કેશવે નિચે ઉતરીને બાઇક સ્ટેન્ડ કર્યું, મીરાની નજીક આવીને તેણે કહ્યું,

“શ્વેતા મેડમનું મૃત્યુ મારા કારણે થયું છે એવું કહેવા માંગો છો તમે ?”

“તમારી વચ્ચે શું વાત થઈ હતી ?” મીરાએ બીજીવાર પુછ્યું.

“તેઓએ મને પ્રોપઝ કર્યો હતો અને બદલામાં મેં તેને સમજાવ્યા હતાં” કેશવે કહ્યું.

“જુઠ્ઠું ના બોલ, છેલ્લે સુધી તું ખોટું નહિ બોલે એ વાત પકડીને બેઠો હતો” મીરાએ સહેજ ઊંચા અવાજે કહ્યું.

“હું જુઠ્ઠું નથી બોલતો, મેં મેડમને ઘસીને ના જ પાડી હતી પણ મેડમ જ્યારે બહેકવા લાગ્યાં ત્યારે મેં તેઓને એક થપાટ મારી હતી અને દૂર હડસેલ્યા હતાં. ત્યારબાદ મેં તેઓને સમજાવ્યા અને આ મુદ્દા પર પછી વાત કરવાનું કહીને હું નીકળી ગયો હતો. જો તમને આ જુઠ્ઠું લાગતું હોય તો તમે પોલિસ ફરિયાદ કરી શકો છો. હું પોલીસ ને પણ એ જ જણાવીશ જે તમને કહ્યું છે” કેશવે સપાટ ભાવે કહ્યું.

કેશવની વાત સાંભળીને મીરા શાંત થઈ ગઈ. કેશવ પણ થોડીવાર મૌન રહ્યો.

“શ્વેતા સાથે શું થઈ ગયું યાર, આજે એ કેટલી ખુશ જણાતી હતી”કહેતાં કેશવને ભેટીને મીરા રડવા લાગી. કેશવ મૌન રહીને મીરાને સાંત્વના આપતો રહ્યો.

(ક્રમશઃ)