Ability - 15 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | ઔકાત – 15

Featured Books
Categories
Share

ઔકાત – 15

ઔકાત – 15

લેખક – મેર મેહુલ

શ્વેતાનો જન્મદિવસ, બાવીશ વર્ષ પહેલાં આ જ દિવસે શિવગંજનાં ત્રણ હિસ્સા થયાં હતાં. બળવંતરાય, શશીકાંત અને બદરુદ્દીનની બેઇમાનીનાં પરિણામે મોહનલાલનું સામ્રાજ્ય ખતમ થયું હતું અને નવા યુગની શરૂઆત થઈ હતી. એ જ દિવસે યોગાનુયોગ શ્વેતાનો જન્મ થયો હતો. શ્વેતાનો જન્મ થયો અને શિવગંજ બળવંતરાયનાં હાથમાં આવ્યું એટલે બળવંતરાય માટે શ્વેતા લક્ષ્મી બનીને આવી એમ વિચારી તેણે શ્વેતાનાં જન્મદિવસને ઉત્સવ બનાવી દીધો હતો.

બળવંતરાય આ દિવસે ગરીબોમાં દાન કરતા, શિવગંજમાં ક્યાં શું નવું બનશે તેની જાહેરાત કરતાં અને સૌથી મહત્વની વાત, ઘણાં એવા ગુન્હેગારોને માફ પણ કરી દેતાં. આ દિવસે ત્રણેય મિત્રો દુશ્મની ભૂલીને એકસાથે ભોજન પણ કરતાં. છેલ્લાં એકવીશ વર્ષમાં એકવાર પણ કોઈએ આ દિવસે દગાબાજી નહોતી કરી, બધા એ દિવસે દુશ્મની ભૂલીને આ પર્વને ઉજવતાં હતા.

આ વર્ષે પણ આ દિવસનાં આગળનાં દિવસે શિવગંજમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પુરા શહેરને શણગારમાં આવ્યું હતું, બળવંતરાયની હવેલીને પણ રંગબેરંગી ફૂલો અને લાઈટોથી સજ્જ કરી દેવામાં આવ્યું હતું, શ્વેતા માટે બાવીશ કિલોની કેકનો ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો. મીઠાઈઓ, દાનમાં આપવાનાં કપડાં થતા જુદી જુદી ચીજ-વસ્તુઓની ખરીદી માટે બજાર લોકોથી ભર્યું હતું. દરેક જગ્યાએ શ્વેતાનાં મોટા બેનરવાળા ફોટા લગાવી દેવામાં આવ્યાં હતાં, સાથે ભૂતપૂર્વ ત્રણેય મિત્ર બળવંતરાય, શશીકાંત અને બદરુદ્દીનનાં પણ ફોટા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ આમંત્રણ પત્રિકાઓ વહેંચી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મહેમાનો આવવા લાગ્યા હતા.

રાવત અને રણજિત શિવગંજમાં પ્રવેશવાનાં રસ્તાઓ પર ચેકીંગમાં વ્યસ્ત હતાં. કોઈ પણ વાહન શિવગંજમાં પ્રવેશતાં પહેલાં ચેકીંગ થતું અને ત્યારબાદ જ તેને શિવગંજમાં પ્રવેશ મળતો હતો.

“શું લાગે રાવત સાહેબ” કંટાળીને ખુરશી પર બેસીને સિગરેટ સળગાવતાં રણજિતે પૂછ્યું, “ આ વર્ષે કંઈ નવાજુની થશે”

રાવતે આળસ મરડી, છેલ્લી ત્રણ કલાકથી એ ખડેપગે હતો,

“માહોલ જેવો બન્યો છે એનાથી પર કંઈક તો થવું જ જોઈએ”

“શું થશે ?” રણજિતે ઉત્સાહિત થઈને કહ્યું, “મંગુ પર હુમલો ?”

“થઈ શકે, મંગુ પર પણ હુમલો થઈ શકે અને બીજા કોઈ પર પણ” રાવત વિચારે ચડ્યો, “પણ મને લાગે છે આ વખતે બળવંતરાયનાં કોઈ માણસો પર હુમલો નહિ થાય”

“શું વાત કરો છો રાવત સાહેબ !” રણજિતે ચોંક્યો, “તમારો મતલબ બળવંતરાય પર જ !”

“અરે ના, બળવંતરાયનાં અંગત લોકો પર” રાવતે કહ્યું, “થોડું વિચાર, પહેલાં બદરુદ્દીનનાં માણસો પર હુમલો થયો. ત્યારે માત્ર ચેતવણી આપવામાં આવી હતી. થોડાં દિવસ પછી શશીકાંતનાં માણસો પર હુમલો થાય છે, તેમાં શશીકાંતનાં ખાસ માણસ એવા અણવરની હત્યા થાય છે. બીજીવાર કોઈ ચેતવણી નહોતી. હવે આગળ વિચારીએ તો જે વ્યક્તિ આ બધું કરે છે એ બળવંતરાયનાં અંગતને પોતાનો નિશાનો બનાવશે”

“અંગતમાં તો જયુ અને શ્વેતા છે” રણજિતે કહ્યું, “જયુ તો અન્ડરગ્રાઉન્ડ છે અને મોટા દીકરાને આ બધામાં રસ જ નથી, એટલે એ કેનેડા જતો રહ્યો છે”

બંને વાતો કરી રહ્યા હતા એ દરમિયાન એક સફેદ વેન પુરવેગે આવી અને ચૅક પોસ્ટનું ડ્રમ ઉડાવીને નીકળી ગઈ.

“કોણ છે મા*રજાત” રણજિત ગુસ્સામાં ઉભો થઇ ગયો. ચેકપોસ્ટથી સોએક મીટર જેટલી દૂર એ વાન રસ્તાનાં ડિવાઈડર સાથે અથડાઈને ઉભી રહી ગઈ. રાવત-રણજિત સાથે પૂરો કાફલો એ વાન પાસે દોડી આવ્યો. વાનમાં ત્રીસેક વર્ષનો વ્યક્તિ બેઠો હતો જે પોલીસને આવતાં જોઈને બહાર નીકળ્યો.

પોલીસ હજી કંઈ બોલે એ પહેલાં જ એ વ્યક્તિ બે હાથ જોડીને આજીજી કરવા લાગ્યો, “માફ કરશો સાહેબ, અચાનક બ્રેક ફેઇલ થઈ ગઈ એટલે મેં કાબુ ગુમાવી દીધું”

“તારા કાબુમાં મારાં બે ડ્રમ તૂટી ગયા એનું શું ?” રાવતે બરાડીને કહ્યું.

“હું નુકસાન ભરપાઈ માટે તૈયાર છું સાહેબ” કહેતા એ વ્યક્તિએ ગજવામાં હાથ નાંખ્યો અને બે પાંચસોની નોટ કાઢી.

“હજાર રૂપિયાનાં તો ખાલી ડ્રમ જ આવે છે બબૂચક” રાવતે કહ્યું, “બ્રેક ફેઈલ હતી તો પણ તે વાન ચલાવીને નિયમ ભંગ કર્યો છે, એનાં બે હજાર કોણ તારો બાપ આપશે ?”

“હું જ આપું છું સાહેબ” કહેતા એ વ્યક્તિએ ગજવામાંથી બીજી ચાર નોટ કાઢીને આપી.

“હવાલદાર, આ વેનની તપાસ કરો. નામ-નંબર લખો અને રવાના કરો” રાવતે કહ્યું. હવાલદારે રાવતની સૂચનાનું પાલન કર્યું, વાનમાં મિઠાઈનાં ડબ્બા સિવાય બીજું કશું નહોતું. હવલદારે વાનનો નંબર લીધો, વાહનચાલકનું નામ-નંબર લખ્યું અને જવા દીધો.

બધાં ફરી ચેકપોસ્ટ તરફ આવ્યાં.

“આ જ ખૂબી છે પોલીસમાં” રાવતે રણજિત તરફ બે પાંચસોની નોટ ધરીને કહ્યું, “માણસો સામેથી રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે”

રણજિત લુચ્ચું હસ્યો, બંનેને નોટ લઈને સિફતથી ગજવામાં સરકાવી દીધી.

*

બીજા દિવસે સવારે કેશવ જ્યારે હવેલીએ પહોંચ્યો ત્યારે તેનાં હોશ ઊડી ગયાં. શ્વેતા કેશવની રાહ જોતી બહાર જ ઉભી હતી. તેણે પિંક ડ્રેસ પહેર્યો હતો. શ્વેતાનાં વાળ ખુલ્લાં હતાં, કાનમાં લાંબી બાલી હતી, નાકમાં રોઝ ગોલ્ડ રંગની રિંગ હતી. હોઠ પર પણ આછી લિપસ્ટિક લગાવેલી હતી.

“શું જુવે છે ?” શ્વેતાએ ચપટી વગાડીને કેશવનું ધ્યાન ભંગ કર્યું, “પહેલા કોઈ દિવસ મને જોઈ નથી”

“સૉરી મેડમ” કેશવે ભોંઠપ અનુભવી, “જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ”

“આભાર” શ્વેતાએ કેશવનાં અંદાજમાં જ જવાબ આપ્યો, “ખાલી વિશ જ કરવાની છે કે કોઈ ગિફ્ટ લાવ્યો છો ?”

“અત્યારે તો આનાથી જ કામ ચલાવવું પડશે” કહેતાં કેશવે કમર પાછળ છુપાવેલું ગુલાબ કાઢ્યું, “ગિફ્ટ સાંજે મળશે”

“ઓહહ…કેટલું સુંદર છે” શ્વેતાએ ગુલાબ હાથમાં લઈને પાંદડીઓ પર આંગળીઓ ફેરવતાં કહ્યું.

“ચાલો હવે નીકળીએ મેડમ, બધા તમારી રાહ જુવે છે” કેશવે કારનો દરવાજો ખોલીને કહ્યું. શ્વેતા મુસ્કુરાઈને કારમાં બેસી ગઈ.

બંને જ્યારે કોલેજ પહોંચ્યા ત્યારે શ્વેતાનાં હોશ ઉડી ગયાં. પુરી કોલેજને ફૂલોથી સજાવવામાં આવી હતી. ઠેર ઠેર જગ્યાએ બલૂનો બાંધવામાં આવ્યાં હતાં, જે આકાશમાં ઉડતાં હતાં. કૉલેજનાં મુખ્ય બોર્ડની નીચે ‘હેપ્પી બર્થડે શ્વેતા’ નું મોટું બેનર લગાવવામાં આવ્યું હતું.

શ્વેતાની નજર સામે રહેલા સ્ટુડન્ટસ પર પડી. બધાનાં હાથમાં ગિફ્ટસ હતાં. તેમાંથી શ્વેતાની ત્રણેય સહેલીઓ મીરા, સાધના અને રીટા આગળ આવી. શ્વેતાને બર્થડે વિશ કરીને હગ કર્યો.

“આજનો દિવસ હું ક્યારેય નહીં ભૂલું કેશવ” શ્વેતાએ કેશવને ઉદ્દેશીને કહ્યું.

“હા મેડમ, આજે તમારા માટે યાદગાર દિવસ બની રહેવાનો છે” કેશવે પણ સસ્મિત કહ્યું.

થોડીવાર પછી કોલેજના ડિન આવ્યાં અને શ્વેતાને બર્થડે વિશ કરી, જવાબમાં શ્વેતાએ તેઓનાં ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધાં. કેમ્પસમાં જ એક મોટું ટેબલ રાખવામાં આવ્યું હતું, જેનાં પર કેક હતી. શ્વેતાએ જઈને કેક કટ કરી.

‘હેપ્પી બર્થડે ટુ યુ’ ના અવાજથી કોલેજનું કૅમ્પસ ગુંજી ઊઠ્યું. ત્યારબાદ શ્વેતાએ વારાફરતી બધાને કેક ખવરાવી અને બદલામાં બધા જ સ્ટુડન્ટસે શ્વેતાને ગિફ્ટસ આપ્યાં. આખરે મીરાનો પણ વારો આવ્યો, બંનેએ એક બીજાને કેક ખવરાવી. મીરાએ બેગમાંથી એક બોક્સ કાઢીને શ્વેતાનાં હાથમાં આપ્યું.

“શું છે અંદર ?” શ્વેતાએ ઉત્સાહિત સ્વરે બોક્સનું રેપર હટાવતા પૂછ્યું.

“ના” મીરાએ શ્વેતાને અટકાવી, “એકલી હોય ત્યારે ખોલજે”

“ઊંધું-ચત્તું નથીને કંઈ” શ્વેતાએ હસીને પૂછ્યું.

“એ તો તું જોઇશ ત્યારે જ ખબર પડશે” મીરાએ પરાણે ચહેરા પર સ્માઈલ લાવીને કહ્યું.

શ્વેતાએ ડોકું ધુણાવ્યું અને બોક્સ બેગમાં રાખી દીધું.

“બાય ધ વૅ, આ સરપ્રાઈઝનો પ્લાન કોનો હતો ?” શ્વેતાએ પુછ્યું.

મીરાએ કેશવ તરફ આંગળી ચીંધી.

“ઓહ !” શ્વેતા શરમાઈ ગઈ, કેશવ પાસે જઈ તેને હગ કરીને શ્વેતાએ કહ્યું, “સરપ્રાઈઝ માટે થેંક્યું”

“મોસ્ટ વેલકમ મેડમ” કેશવે કહ્યું.

થોડીવાર પછી કૅમ્પસ ખાલી થઈ ગયું. શ્વેતા તેઓનાં ગ્રૂપ સાથે કેન્ટીનમાં બેઠી હતી.

“આજે સાંજે બધાને આવવાનું છે” શ્વેતાએ કડક શબ્દોમાં કહ્યું, “કોઈ પણ બહાનું નહી ચાલે”

“પાર્ટી તો નવ વાગ્યે છે ને !” કેશવે કહ્યું.

“હા, પણ તમારે લોકોએ બે કલાક વહેલાં આવવાનું છે અને કેશવ તારે આજે બપોર પછી જ આવી જવાનું છે. પાપા કહેતા હતા”

“હા, મને પણ કહ્યું છે. કેકની વ્યવસ્થા મારાં પર છોડવામાં આવી છે”

“મેં સાંભળ્યું છે, બાવીશ કિલોની કેક છે” રીટાએ પૂછ્યું.

“હા, આપણે શ્વેતાને એમાં બેસારી દેવાની છે” મીરાએ હસીને કહ્યું. મીરાની વાત પર બધા હસી પડ્યા.

(ક્રમશઃ)