ઔકાત – 13
લેખક – મેર મેહુલ
બીજા દિવસની સવારે કેશવ જ્યારે શ્વેતાને કોલેજ લઈ જવા હવેલીએ પહોંચ્યો ત્યારે શ્વેતા તેનાં પપ્પા સાથે બહાર જવાની છે એવી કેશવને જાણ કરવામાં આવી. કેશવ ત્યાંથી સીધો કોલેજ જવા રવાના થઈ ગયો. કેશવ જયારે કોલેજ પહોંચ્યો ત્યારે રીટા અને સાધના પણ કોલેજ નથી આવ્યાં એ કેશવને માલુમ પડ્યું. ગૃપમાં કેશવ અને મીરા જ વધ્યા હતાં જે કોલેજમાં હાજર હતા. કેશવ મીરાને પસંદ કરતો હતો એટલે તેને એકાંતમાં વાતો કરવાનો સમય મળી ગયો એ જાણીને તે ખુશ થઈ ગયો. પણ મીરા કેશવથી કાલની ઘટના પર ગુસ્સે હતી. કેશવે પહેલા મીરાને મનાવવાનું નક્કી કર્યું.
મીરા સવારથી કેશવ સાથે વાત નહોતી કરતી પણ ગ્રુપનાં બીજા મેમ્બર નહોતાં આવ્યા એટલે નાછૂટકે તેને કેશવ સાથે રહેવું પડતું હતું. મીરા આમ તો કેશવથી નારાજ નહોતી પણ કેશવ તેને મનાવે એવું મીરા ઇચ્છતી હતી. બે લેક્ચર પુરા કરીને બંને કેન્ટીનમાં પહોંચ્યા. સવારથી બંને વચ્ચે એક શબ્દની પણ આપ-લે નહોતી થઈ.
“મેડમ, શું લેશો નાસ્તામાં ?” કેશવે મીરા સામે જોઇને કહ્યું.
“મારા માટે બે સમોસા આપજો અંકલ” મીરાએ પાળી પાછળ ઉભેલા વ્યક્તિને આવાજ આપીને કહ્યું.
“મારા માટે પણ” કેશવે પણ અવાજ આપ્યો, પછી મીરા તરફ જોઈને કેશવ બોલ્યો, “મેડમ, તમે ચૂપ રહેશો તો કેમ ચાલશે ?, ચૂપ રહેતાં લોકો તમને નથી પસંદ એવું તમે જ કહ્યું હતું”
“હું ચૂપ નથી” મીરાએ મૌન તોડ્યું, “હું નારાજ છું તારાથી”
“ઓહહ” કેશવ હળવું હસ્યો, “પણ વાત ગઈ રાત ગઇ, છોડોને એ વાત, આગળથી હું ધ્યાન રાખીશ”
“વાત ધ્યાન રાખવાની નથી, મને વાઇલન્સ બિલકુલ પસંદ નથી” મીરાએ કહ્યું, “એ લોકો જતા જ હતા તો પણ તું હીરો બનવા ગયો, તેઓએ તારો એક પગ કે હાથ મરોડી નાંખ્યો હોત તો અત્યારે હોસ્પિટલમાં પડ્યો હોત તું”
“મેં તમને કાલે પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, જો ચૂપ રહ્યા તો હંમેશા માટે ચૂપ કરી દેવામાં આવશે” કેશવે કહ્યું, “આજે એ જ બજારમાં જજો તમે, કોઈ માનોલાલ એક શબ્દ બોલે તો મારું નામ બદલી નાંખજો”
મીરા ફરી ચૂપ થઈ. તેણે પોતાની નજર ફેરવી લીધી.
“તમે કાલે પંચલાઇન વિશે શું કહેતા હતા ?” કેશવે મીરાને બોલાવવા માટે પ્રયાસ કર્યો.
“અરે હું એમ કહેતી હતી કે…” મીરા અટકી ગઈ, “તારે મારી સાથે વાતો જ કરવી છે ને, હું નહિ બોલું હવે”
ફરી મીરાએ મોઢું બગાડ્યું અને નજર ફેરવી લીધી.
“ઠીક છે, તો હું ક્લાસમાં જઉં છું” કહેતા કેશવ ઉભો થયો.
“અરે !” મીરાએ કેશવ સામે જોયું, “થોડી વધુ મહેનત કરી હોત તો હું માની જાત”
મીરાની વાત સાંભળીને કેશવ હસી પડ્યો, મીરા પણ હસવા લાગી.
“તમારે વાત તો કરવી જ હતી, પણ પહેલા નખરા કરવા હતા” હસતાં હસતાં કેશવે કહ્યું
“હા તો એમાં છું ખોટું છે ?, નાટક કરવાનો અમારી પાસે અધિકાર છે. છોકરાઓએ આ બધું સહન કરવું જ પડે”
“એ તો હું સમજી જ ગયો છું” કેશવે સ્માઈલ સાથે કહ્યું.
“શું સમજ્યો તું ?” મીરાએ બનાવટી ગુસ્સા સાથે નાક ફુલાવ્યું. એ દરમિયાન સમોસાની બે પ્લેટ ટેબલ રાખવામાં આવી, કેશવે પ્લેટ તરફ ઈશારો કરીને એક સમોસુ હાથમાં લીધું.
“છોડ એને” મીરાએ કેશવનો.હાથ ઝાલી લીધો, “પહેલા મારા સવાલનો જવાબ આપી દે”
“બધી વાતનો એક સમય હોય છે, જ્યારે સમય આવશે ત્યારે તમને કહી દઈશ” કેશવે ગંભીર થઈને કહ્યું. મીરાએ કેશવનો હાથ છોડી દીધો. બંનેએ સામસાને ન્યાય આપ્યો.
“કોલેજેથી છૂટીને કોઈ પ્લાન છે ?” થોડીવારની ચૂપકીદી પછી મીરાએ પૂછ્યું.
“પ્લાન તો મારાં ઘણાબધાં છે પણ આજમાં કોઈ પ્લાન નથી” કેશવ ગુલાબી ગાલ કરીને કહ્યું.
મીરાએ પણ હળવું સ્મિત કર્યું,
“ફ્રી હોય તો ચાલ મારી સાથે, શ્વેતાનાં બર્થડેનાં દિવસે પહેરવા ચોલી લેવા જવું છે”
“બર્થડે શ્વેતા મેડમનો છે ને, તમારે તૈયાર થઈને ક્યાં જવું છે ?” કેશવે પૂછ્યું.
“તું હજી શિવગંજમાં નવો છે, દર વર્ષે શ્વેતાનાં બર્થડે પર પાર્ટી હોય છે. ત્રણેય શહેરીની મોટી મોટી હસ્તીઓ આવશે” મીરાએ કહ્યું.
“ઓહ, તેનાં દુશ્મનો પણ” કેશવે કહ્યું, “મતલબ પેલાં લોકો શું નામ છે તેઓનું ?”
“શશીકાંત મલ્હોત્રા અને બદરુદ્દીન શેખ” મીરાએ કહ્યું, “પણ તને એના વિશે કેવી રીતે ખબર પડી ?”
“કાલે પોલીસ સ્ટેશનમાં તેઓનાં વિશે ચર્ચા થતી હતી, તેનાં વફાદાર માણસો પર કોઈએ હુમલો કર્યો છે એટલે ઇન્સ્પેક્ટર મંગુભાઇને સાવચેત રહેવા સલાહ આપતો હતો”
“શિવગંજનાં બે પાસા છે” મીરાએ કહ્યું, “એક ખૂનખરાબાવાળું અને એક સામાન્ય જિંદગી વાળું, તું પહેલાં પાસામાં ના સંડોવાય એટલે જ હું તારાથી વધુ નારાજ હતી”
“એવું કશું નહી થાય મેડમ” કેશવે કહ્યું, “તમારે શોપિંગ કરવી હોય તો ચાલો આપણે જઈએ, એ બહાને હું પણ શોપિંગ કરી લઈશ. મારે પણ કાળુ કુર્તું લેવું છે”
“શિવગંજનો બરાબર રંગ ચડ્યો છે તને” મીરાએ હસીને કહ્યું, “પણ કાળા કામ કરવામાં ધ્યાન રાખજે, અહીં તખ્ત પલટતાં સમય નથી લાગતો”
“સમય સાથે પરિવર્તન જરૂરી છે, માણસની આયુષ્ય મર્યાદાને ધ્યાનમાં રાખીને સમય પર તખ્ત પલટાઈ તો જ પ્રજાનું કલ્યાણ થાય છે” કેશવે અર્થપૂર્ણ શબ્દોમાં કહ્યું, પછી વાત બદલી નાંખી, “ખેર, ચાલો આપણે શોપિંગ માટે જઈએ, હવે પછીના લેક્ચર બોરિંગ જ છે”
*
શશીકાંત અને બદરુદ્દીન વચ્ચે કેસરગંજમાં મિટિંગ ગોઠવાઈ. બંનેના ખાસ માણસો પર હુમલો થયો એટલે મામલો ગરમ હતો. બંને એક બીજા પર આરોપ લગાવતાં હતાં પણ બંનેના મનનાં સમાધાન માટે ત્રીજા વ્યક્તિની ભલામણથી મિટિંગ ગોઠવવામાં આવી હતી.
બદરુદ્દીન તેનાં હથિયારબંધ માણસોનાં કાફેલા સાથે કેસરગંજ પહોંચ્યો હતો. શશીકાંતે હથિયારો સાથે બદરુદ્દીનને આવવા મંજૂરી આપી હતી.
“બદરુદ્દીન, આ બધું શું માંડ્યું છે ?” બદરુદ્દીન આવ્યો એટલે શશીકાંતે તીખાં અવાજે કહ્યું, “મારું નામ આપીને તું મારી ભત્રીજીને કેમ ધમકાવી શકે ?”
“બદલામાં તે પણ દગો જ આપ્યો છે ને !” બદરુદ્દીને પણ ઝેર ઓક્યું, “માલની જગ્યાએ તારાં માણસોને મોકલી દીધાં”
“મેં તને ત્યારે પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું, ટ્રકમાં માલ જ હતો. માણસો ક્યાંથી આવ્યાં એ હું નથી જાણતો” શશીકાંતે કહ્યું, “તે હકીકત શું છે એ જાણ્યા વિના બદલો લેવાં મારાં માણસોને મારી નાંખ્યા, મારો ખાસ માણસ અણવર પણ એમાં શામેલ છે”
“મેં કશું નથી કર્યું” બદરુદ્દીને ખભા ઉછાળ્યા, “અને તારી જાણકારી ખાતર કહી દઉં, તારી ભત્રીજીને ધમકી આપવા મારાં માણસોને મેં જરૂર મોકલ્યાં હતાં પણ મારાં માણસો પહેલાં જ કોઈએ આ કામ કરી દીધું અને નામ મારું ચડી ગયું”
“મતલબ !, તે કશું જ નથી કર્યું ?” શશીકાંત ચોંક્યો, “તો આ બધું કોણે કર્યું ?”
“હું ગાંડો થોડું છું, આપણે વ્યાપારી લોકો છીએ. આવી વાતોમાં દગો દેવાનો સવાલ જ નથી ઉઠતો” બદરુદ્દીને કહ્યું, “અને જો ટ્રકમાં તે તારાં માણસો નથી મોકલ્યાં તો કોણે મોકલ્યાં ?”
“મોટાભાઈનું કામ નથીને આ ?” શશીકાંતે તર્ક કાઢ્યો, “આપણે પહેલેથી જ શિવગંજ માટે લડીએ છીએ, આપણાં ખાસ માણસોને મારીને આપણી કરોડરજ્જુ ભાંગી નાંખી શિવગંજ સુરક્ષિત કરવાનું વિચાર્યું હશે તો”
“ના, બળવંત આવું ના કરે. જો એણે આવું વિચાર્યું હોય તો પઠાણ અત્યારે જીવતો ના હોય” બદરુદ્દીને કહ્યું, “આ કામ કોઈ બીજાનું જ છે”
“જો આપણે ત્રણેયમાંથી કોઈએ આ કામ નથી કર્યું તો કોણ કરી શકે ?” શશીકાંતે વિચારમગ્ન અવસ્થામાં જતાં કહ્યું.
(ક્રમશઃ)